સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાજા થવાના ચમત્કારો શું એ ઈશ્વર કરે છે?

સાજા થવાના ચમત્કારો શું એ ઈશ્વર કરે છે?

સાજા થવાના ચમત્કારો શું એ ઈશ્વર કરે છે?

આજે બીમારી, અપંગતાથી છૂટકારો મેળવવા લોકો શું નથી કરતા! ઘણા લોકો જાત્રાએ જાય છે. ઘણા જંતર-મંતર કરનારા પાસે જાય છે. ચમત્કારથી સાજા કરનારાઓ પાસે પણ ઘણા જાય છે. ત્યાં કદાચ વ્હીલચેરમાં બેઠેલા ઊભા થઈને ચાલવા લાગે કે ઘોડીથી ચાલતા અપંગ લોકો એના વગર ચાલવા લાગે.

અનેક ધર્મોમાં એવા લોકો હોય છે, જે ચમત્કારથી સાજા કરવાનો દાવો કરે છે. પણ તેઓ એકબીજાનો વિરોધ કરે છે. તેઓ માને છે કે બીજા સાજા કરનારા ધુતારા છે. શું ઈશ્વર એવા લોકો દ્વારા ચમત્કાર કરશે? બાઇબલ કહે છે, ‘ઈશ્વર અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો ઈશ્વર છે.’ (૧ કોરીંથી ૧૪:૩૩) ઘણા દાવો કરે છે કે તેઓ ઈસુની શક્તિથી લોકોને સાજા કરે છે. પણ શું એ સાચું છે? ચાલો જોઈએ.

ઈસુએ લોકોને સાજા કર્યા

આજના સાજા કરનારાઓની રીત અને ઈસુની સાજા કરવાની રીત વચ્ચે મોટો ફરક છે. દાખલા તરીકે, ઈસુએ બધાને સાજા કર્યા. એકને સાજો કરીને, બીજાને ન કરે એવું કદી ન બન્યું. ઈસુએ લોકોને એક પલમાં અને પૂરેપૂરા સાજા કર્યા. બાઇબલ કહે છે: “સઘળા લોકો તેનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા, કેમકે તેનામાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.”—લુક ૬:૧૯.

આજે કોઈ સાજું ન થાય તો, સાજા કરનારાઓ કહેશે કે તેને વિશ્વાસ ન હતો. જ્યારે કે ઈસુએ એવા લોકોને પણ સાજા કર્યા. દાખલા તરીકે, ઈસુએ એક આંધળા માણસને સાજો કર્યો હતો. અમુક સમય પછી, ઈસુએ તેને પૂછ્યું: ‘શું તું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે? તેણે ઉત્તર આપ્યો કે હે પ્રભુ, તે કોણ છે કે હું તેના પર વિશ્વાસ કરૂં? ઈસુએ તેને કહ્યું, કે જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’—યોહાન ૯:૧-૭, ૩૫-૩૮.

જો સાજા થવા ઈસુમાં માનવાની જરૂર ન હોય, તો તેમણે કેમ અનેક વાર કહ્યું કે “તારા વિશ્વાસે તને બચાવ્યો છે”? (લુક ૮:૪૮; ૧૭:૧૯; ૧૮:૪૨) ઈસુ કહેતા હતા જેઓ તેમનામાં માનતા હતા, તેઓ સાજા થવા તેમની પાસે આવ્યા ને સાજા થયા. પણ જેઓ ઈસુમાં ન માનતા, તેઓ તેમની પાસે ન આવ્યા ને સાજા થવાનો મોકો ગુમાવ્યો. જેઓ સાજા થયા તેઓ ફક્ત પોતાના વિશ્વાસથી જ નહિ, પણ ઈશ્વર યહોવાહે ઈસુને આપેલી શક્તિથી સાજા થયા. બાઇબલ ઈસુ વિષે કહે છે: ‘તેને ઈશ્વરે પવિત્ર આત્માથી તથા શક્તિથી અભિષિક્ત કર્યો; તે ભલું કરતો તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વેને સાજા કરતો ફર્યો; કેમકે ઈશ્વર તેની સાથે હતા.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૮.

આજે મોટા ભાગના સાજા કરનારાઓ લાચાર લોકો પાસેથી પૈસા પડાવે છે. એવા એક માણસે દુનિયામાં બધી બાજુથી એક જ વર્ષમાં ૮ કરોડ ૯૦ લાખ ડૉલરની કમાણી કરી! લોકો જાત્રાએ જાય ત્યારે પણ, ત્યાંની ધાર્મિક સંસ્થાઓનો ધંધો ધમધોકાર ચાલે છે. પણ ઈસુએ લોકોને સાજા કર્યા ત્યારે, એકેય પૈસો નʼતો લીધો. અરે, અમુક વાર તેમણે લોકોને ખવડાવ્યું હતું. (માત્થી ૧૫:૩૦-૩૮) ઈસુએ શિષ્યોને આમ કહીને પ્રચાર કરવા મોકલ્યા: “માંદાંઓને સાજાં કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, ભૂતોને કાઢો: તમે મફત પામ્યા, મફત આપો.” (માત્થી ૧૦:૮) આજે જેઓ સાજા કરવાનો દાવો કરે છે તેઓ બીજી કઈ રીતે ઈસુથી અલગ છે?

આજે સાજા કરનારને શક્તિ ક્યાંથી મળે છે?

સાજા કરનારાઓ ચમત્કારથી લોકોને સાજા કરવાની મોટી મોટી વાતો કરે છે. પણ ડૉક્ટરો પણ એના વિષે શંકા ઉઠાવે છે. ઇંગ્લૅંડના એક ડૉક્ટરે વીસ વર્ષ સુધી એનું સંશોધન કરીને આમ કહ્યું: ‘આજ સુધી એવો કોઈ પુરાવો મળ્યો નથી, જે મેડિકલ રીતે સાચો સાબિત થયો હોય.’ (ડેઇલી ટેલિગ્રાફ) તોપણ ઘણા લોકો દાવો કરે છે કે અમુક ગુરુઓ કે ખાસ મૂર્તિ કે ધાર્મિક ચીજને અડકવાથી તેઓ સાજા થયા છે. શું એવું બની શકે?

ઈસુએ કહ્યું હતું કે આવું કહેનારા ઠગભગતો નીકળશે: ‘પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’ ઈસુ તેઓને કહેશે કે “મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.” (માત્થી ૭:૨૨, ૨૩) જેઓ લોકોને ચમત્કારથી સાજા કરે છે, એ શક્તિ ક્યાંથી આવે છે? ઈશ્વરભક્ત પાઊલે કહ્યું, ‘શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારનાં ખોટાં પરાક્રમો, ચિહ્‍નો તથા ચમત્કારો સાથે, દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે.’—૨ થેસ્સાલોનીકી ૨:૯, ૧૦.

ઈશ્વર બીમાર વ્યક્તિને કોઈ ખાસ મૂર્તિ કે ધાર્મિક ચીજથી સાજા કરતા નથી. બાઇબલ કહે છે: “મૂર્તિપૂજાથી નાસી જાઓ.” “સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો.” (૧ કોરીંથી ૧૦:૧૪; ૧ યોહાન ૫:૨૧) તો પછી સાજા કરનાર વ્યક્તિને એમ કરવાની શક્તિ કોણ આપે છે? બાઇબલ કહે છે: “શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.” (૨ કોરીંથી ૧૧:૧૪) એ રીતે લોકોને પોતાની મુઠ્ઠીમાં રાખવા, શેતાન એવા ચમત્કાર કરે છે.

ઈસુ અને પ્રેરિતોએ કેમ લોકોને સાજા કર્યા?

બાઇબલ બતાવે છે કે ઈસુ અને તેમના પ્રેરિતોએ પણ લોકોને સાજા કર્યા હતા. તેઓએ ઈશ્વરની શક્તિથી એવા ચમત્કારો કર્યા. (યોહાન ૩:૨; હેબ્રી ૨:૩, ૪) જોકે ઈસુએ ફક્ત ચમત્કારો જ નહિ કર્યા. સાથે સાથે ઉપદેશ પણ કર્યો. બાઇબલ કહે છે: “ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતો, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો, ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો, આખા ગાલીલમાં ફર્યો.” (માત્થી ૪:૨૩) ઈસુએ ચમત્કાર કરીને અમુક વાર હજારોને જમાડ્યા પણ હતા. તોફાનને શાંત પાડ્યું હતું. અરે, તેમણે ગુજરી ગયેલાને સજીવન પણ કર્યા! એ બધું બતાવે છે કે ઈસુ પાસે ઈશ્વરની શક્તિ હતી. ઈસુ પૃથ્વી પર રાજ કરશે ત્યારે, કેવા મોટા આશીર્વાદો આવશે એનો વિચાર કરો!

ઈસુ અને તેમના પ્રેરિતો જીવતા હતા ત્યાં સુધી, એવા ચમત્કાર થતા હતા. એ પછી યહોવાહે એવી શક્તિ બીજા કોઈને આપી હોય, એવું બાઇબલ કહેતું નથી. પાઊલે કહ્યું, “આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ હોય તો તે ધીમે ધીમે અટકી જશે. [ચમત્કારથી મળતું] જ્ઞાન હોય, તો તે ચાલ્યું જશે.” (૧ કોરીંથી ૧૩:૮, કોમન લૅંગ્વેજ) એ દાનો કેમ બંધ થઈ ગયાં? એ દાનો ઈસુને મસીહ તરીકે ઓળખાવતાં હતાં. તેમ જ મંડળ પર યહોવાહનો આશીર્વાદ બતાવતાં હતાં. એ મકસદ પૂરો થયા પછી, એ દાનો “ધીમે ધીમે અટકી” ગયાં.

જલદી જ યહોવાહે આપેલું આ વચન પૂરું થશે: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪; ૩૫:૫, ૬; પ્રકટીકરણ ૨૧:૪) ત્યારે લોકોનો ઈશ્વર સાથે અતૂટ નાતો હશે. એ આશીર્વાદો મેળવવા આપણે શું કરવું જોઈએ? ઈસુનું શિક્ષણ દિલમાં ઉતારીએ. યહોવાહના રાજ્યમાં ભરોસો મૂકીએ. (w08 12/1)