સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“આવ, મારી પાછળ ચાલ”

“આવ, મારી પાછળ ચાલ”

“આવ, મારી પાછળ ચાલ”

“જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.”—લુક ૯:૨૩.

૧, ૨. (ક) ઈસુએ કેવું આમંત્રણ આપ્યું હતું? (ખ) ઈસુનું કહેવું માનવા તમે શું કરશો?

 ઈસુ યહુદાહથી યરદનને પેલે પાર પેરીઆ ગામમાં પ્રચાર કરતા હતા. તેમને એક અમીર યુવાને પૂછ્યું, ‘અમર જીવનનો વારસો પામવા હું શું કરું?’ તેને મુસાના નિયમ પ્રમાણે જીવતો જોઈને ઈસુએ કહ્યું: ‘તારૂં જે છે તે જઈને વેચી નાખ, ને ગરીબોને આપી દે, ને આકાશમાં તને દોલત મળશે; અને આવ, મારી પાછળ ચાલ.’ (માર્ક ૧૦:૨૧) ઈસુ તો વિશ્વના માલિક યહોવાહના દીકરા. તેમને પગલે ચાલવાનું આમંત્રણ મળે, એ તો મોટી વાત કહેવાય!

અફસોસ કે પેલા યુવાને એ આમંત્રણ સ્વીકાર્યું નહિ. જ્યારે કે બીજા ઘણાએ સ્વીકાર્યું. જેમ કે ઈસુએ ફિલિપને કહ્યું હતું: “મારી પાછળ આવ.” (યોહા. ૧:૪૩) ફિલિપે એમ જ કર્યું અને પ્રેરિતોમાંના એક બન્યા. ઈસુએ માત્થીને એવું જ કહ્યું અને તે પણ શિષ્ય બન્યા. (માથ. ૯:૯; ૧૦:૨-૪) ઈસુ આપણને પણ કહે છે: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.” (લુક ૯:૨૩) જે ચાહે એ ઈસુને પગલે ચાલી શકે. યહોવાહના ભક્તો એમ જ કરે છે અને બીજાને પણ એમ કરવાનું આમંત્રણ આપે છે.

૩. ઈસુથી દૂર ન જઈએ એ માટે શું કરવું જોઈએ?

અમુક લોકો બાઇબલનો સંદેશો સાંભળે તો છે, પણ ઈસુને પગલે ચાલતા નથી. એના બદલે ઈસુથી “દૂર” ચાલ્યા જાય છે. (હેબ્રી ૨:૧) આપણને એવું ન થાય માટે શું કરવું જોઈએ? પહેલા તો વિચારો કે ‘આપણે કેમ ઈસુને પગલે ચાલીએ છીએ? ઈસુના પગલે ચાલવાનો અર્થ શું થાય?’ એના જવાબ આપણને ઈસુ જેવા બનવા મદદ કરશે. આપણે બીજાને પણ એમ કરવા ઉત્તેજન આપી શકીશું.

આપણે કેમ ઈસુને પગલે ચાલીએ છીએ?

૪, ૫. શા માટે આપણે ઈસુને આગેવાન તરીકે પસંદ કર્યા છે?

યિર્મેયાહે કહ્યું: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મે. ૧૦:૨૩) ઇતિહાસ સાબિતી આપે છે કે આપણે સારા આગેવાનની જરૂર છે, જે ખરો માર્ગ બતાવી શકે. એટલે જ આપણે ઈસુને પસંદ કર્યા છે. પણ ઈસુ જ કેમ? ચાલો જોઈએ.

એક તો યહોવાહે પોતે ઈસુને આપણા મસીહા અને આગેવાન બનાવ્યા છે. બીજું કે ઈસુનો સ્વભાવ આપણને ઘણું શીખવે છે. (યશાયાહ ૧૧:૨, ૩ વાંચો.) તેમણે પોતે સારો દાખલો બેસાડીને આપણને જીવનમાર્ગ બતાવ્યો છે. (૧ પીત. ૨:૨૧) ત્રીજું કે ઈસુએ પોતાનો જીવ આપીને બતાવ્યું કે આપણી બહુ જ સંભાળ રાખે છે. (યોહાન ૧૦:૧૪, ૧૫ વાંચો.) ઈસુને પગલે ચાલવાથી આપણે હમણાં સુખી થઈએ છીએ. ભાવિમાં પણ કાયમ માટે સુખી થઈશું. (યોહા. ૧૦:૧૦, ૧૧; પ્રકટી. ૭:૧૬, ૧૭) આપણે ઈસુનું આમંત્રણ સ્વીકારીને, જીવનમાં સૌથી સારો નિર્ણય લીધો છે. ચાલો જોઈએ કે તેમને પગલે ચાલતા રહેવા શું કરવું જોઈએ.

૬. ઈસુને પગલે ચાલવા શું કરવું જોઈએ?

આખી દુનિયામાં બે અબજથી વધારે લોકો ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે. શું તેઓ બધા જ ઈસુના પગલે ચાલે છે? ના. ઘણાનાં કામ બતાવે છે કે તેઓ “ભૂંડું કરનારાઓ” છે. (માત્થી ૭:૨૧-૨૩ વાંચો.) પણ જેઓ ઈસુને પગલે ચાલે છે, તેઓ તેમનું શિક્ષણ પાળે છે. ઈસુની જેમ જીવે છે. ચાલો જોઈએ કે તેઓ એમ કઈ રીતે કરે છે.

ઈસુ જેવી સમજશક્તિ કેળવીએ

૭, ૮. (ક) સમજશક્તિ શું છે? ઈસુએ એ કઈ રીતે કેળવી? (ખ) ઈસુએ કઈ રીતે સમજી-વિચારીને નિર્ણય લીધા? એમાંથી આપણે શું શીખીએ છીએ?

ઈસુના સ્વભાવમાંથી ખાસ કરીને સમજશક્તિ, નમ્રતા, ઉત્સાહ ને પ્રેમનો વિચાર કરીએ. સમજશક્તિ એટલે કે પોતાના જ્ઞાન પરથી સમજી-વિચારીને સારા નિર્ણય લેવા. પાઊલે લખ્યું: ‘ઈસુ તો જ્ઞાન તથા બુદ્ધિથી’ ભરપૂર છે. (કોલો. ૨:૩) ઈસુ એ ખુદ યહોવાહ પાસેથી શીખ્યા, કેમ કે તેમણે કહ્યું: “જેમ બાપે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું.” (યોહા. ૮:૨૮) યહોવાહે આપેલા સંસ્કાર ઈસુના વાણી-વર્તનમાં દેખાઈ આવતા હતા.

ઈસુએ જીવનમાં સૌથી સારા નિર્ણયો લીધા. તેમણે સાદાઈથી જીવવાનું પસંદ કર્યું. તેમનો એક જ મકસદ હતો, ઈશ્વરનું રાજ્ય! એને માટે તેમણે પોતાને તન-મનથી અર્પી દીધા. આપણે પણ ઈસુની જેમ સાદાઈથી રહીએ, જેથી આપણું મન યહોવાહની ભક્તિથી બીજે ક્યાંય ભટકે નહિ. (માથ. ૬:૨૨) ઘણા ભાઈ-બહેનોએ વધારે પ્રચાર કરવા જીવનમાં ફેરફારો કર્યા છે. અમુક પાયોનિયર બન્યા છે. જો તમે એવું કર્યું હોય તો શાબાશી આપીએ છીએ. જીવનમાં ‘ઈશ્વરનું રાજ્ય પહેલા’ મૂકીને, આપણને ખરો સંતોષ મળે છે.—માથ. ૬:૩૩.

ઈસુ જેવા નમ્ર બનીએ

૯, ૧૦. ઈસુએ નમ્રતાનો કેવો દાખલો બેસાડ્યો?

મોટે ભાગે લોકોને કોઈ જવાબદારી કે સત્તા મળતા જ માથું મોટું થઈ જાય છે. પણ ઈસુ એવા ન હતા. યહોવાહે પોતાનો મકસદ પૂરો કરવાની જવાબદારી ઈસુને સોંપી. તોપણ ઈસુ ઘમંડી ન બન્યા. પાઊલે કહ્યું: ‘ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો: પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા.’—ફિલિ. ૨:૫-૭.

૧૦ ઈસુ સ્વર્ગમાં હતા. તેમણે યહોવાહની ઇચ્છા પૂરી કરવા રાજી-ખુશીથી ‘પોતાને ખાલી કર્યા.’ કેવી રીતે? યહોવાહે ચમત્કારથી એક યહુદી કુંવારી સ્ત્રી, મરિયમની કૂખમાં ઈસુનું જીવન મૂક્યું. ઈસુએ એક સુથારના ગરીબ કુટુંબમાં જન્મ લીધો. તેમની મા મરિયમ અને પાલક પિતા યુસફને તો આદમથી વારસામાં પાપ મળ્યું હતું. જ્યારે કે ઈસુ તો ઈશ્વર જેવા પવિત્ર હતા. તોપણ તેમણે પોતાનાં માબાપનું કહેવું માન્યું. તેઓને આધીન રહ્યા.—લુક ૨:૫૧, ૫૨.

૧૧. ઈસુ જેવા નમ્ર બનવા શું કરવું જોઈએ?

૧૧ આપણે ઈસુ જેવા નમ્ર બનવા શું કરવું જોઈએ? યહોવાહની ભક્તિ માટે કોઈ પણ કામ ખુશીથી કરીએ. જેમ કે યહોવાહે પ્રચાર કરવાની જવાબદારી આપણને સોંપી છે. પણ જ્યારે લોકો સાંભળે નહિ, મજાક ઉડાવે, વિરોધ કરે, ત્યારે કદાચ આપણને પ્રચાર કરવું ન ગમે. પરંતુ નમ્ર રહીને પ્રચાર કરતા રહીશું તો ઈસુને પગલે ચાલીશું. લોકોને પણ એમ કરવા મદદ કરીશું. (૨ તીમોથી ૪:૧-૫ વાંચો.) બીજો દાખલો કિંગ્ડમ હૉલની સાફસફાઈનો લઈએ. આપણને કદાચ ડસ્ટબિન ખાલી કરવાનું, કચરા-પોતું કરવાનું કે ટોઇલેટ સાફ કરવાનું કહેવામાં આવે. શું એ આપણે રાજીખુશીથી કરીએ છીએ? કિંગ્ડમ હૉલ તો યહોવાહનું મંદિર છે. એમાં આપણે તેમની ભક્તિ કરીએ છીએ. એની દેખભાળ રાખવી જ જોઈએ. એમ કરીને આપણે ઈસુ જેવા નમ્ર બની શકીએ.

ઈસુની જેમ હોંશથી શીખવીએ

૧૨, ૧૩. (ક) ઈસુએ કઈ રીતે પ્રચાર કર્યો? શા માટે? (ખ) આપણે બધા એવી હોંશ કઈ રીતે કેળવી શકીએ?

૧૨ ઈસુએ દરેક કામ હોંશથી કર્યું. તે સુથારી કામ શીખ્યા. પ્રચાર કર્યો. ઘણા ચમત્કાર કર્યા. બીમારને સાજા કર્યા. અરે, ગુજરી ગયેલાને જીવતા કર્યા. પરંતુ તેમનું મુખ્ય કામ શું હતું? યહોવાહના રાજ્યનો પ્રચાર કરવો. જે કોઈ સાંભળે, એને વધારે શીખવવું. (માથ. ૪:૨૩) ઈસુએ એ કામ ધગશથી કર્યું. ઈસુના પગલે ચાલવા આપણે પણ હોંશથી પ્રચાર કરીએ. ઈસુએ એવી હોંશ કઈ રીતે કેળવી?

૧૩ યહોવાહ માટે ઈસુને અપાર પ્રેમ. યહોવાહનું શિક્ષણ તેમને મન કીમતી ખજાનો. એટલે જ તે લોકોને હોંશથી યહોવાહ વિષે શીખવતા. ઈસુની જેમ આપણે પણ પૂરા દિલથી યહોવાહને ચાહીએ. અનમોલ મોતી જેવું સત્ય બીજાને શીખવીએ. જેમ કે યહોવાહ જ વિશ્વના માલિક છે, એ કઈ રીતે સાબિત થશે. ગુજરી ગયેલા માટે કઈ આશા છે. ઈશ્વરનું રાજ્ય કેવા કેવા આશીર્વાદો લાવશે. સત્યના એ કીમતી ખજાનાની હંમેશાં કદર કરીએ. (માત્થી ૧૩:૫૨ વાંચો.) ઈસુની જેમ આપણે પણ એ સત્ય બીજાઓને હોંશથી શીખવીએ.

૧૪. ઈસુની જેમ શીખવવા શું કરવું જોઈએ?

૧૪ ઈસુ લોકોને અનેક રીતે શીખવતા. ઘણી વાર તેમણે છૂટથી હેબ્રી શાસ્ત્રવચનો વાપર્યાં કે એનો ઉલ્લેખ કર્યો. કોઈ મહત્ત્વનો મુદ્દો જણાવતી વખતે તે કહેતા કે “એમ લખેલું છે.” (માથ. ૪:૪; ૨૧:૧૩) ઈસુના પગલે ચાલવા, આપણે પણ શક્ય હોય તેમ બાઇબલ વાપરીએ. એનાથી લોકો જોઈ શકશે કે આપણે પોતાના નહિ, પણ ઈશ્વરના વિચારો શીખવીએ છીએ. લોકો વધારે જાણવા તૈયાર થાય, એનાથી આપણને ઘણો આનંદ થાય છે! જ્યારે કોઈ ઈસુને પગલે ચાલવા તૈયાર થાય છે ત્યારે તો આપણી ખુશીનો પાર નથી રહેતો!

ઈસુની જેમ સર્વ પર પ્રેમ રાખો

૧૫. ઈસુનો કયો ગુણ મહાન છે? એની આપણા પર કેવી અસર થાય છે?

૧૫ ઈસુના સર્વ ગુણોમાંથી પ્રેમ મહાન છે. તે સર્વ મનુષ્યોને, અરે આપણને દરેકને ખૂબ ચાહે છે. એટલે જ તેમને પગલે ચાલવા આપણને મન થાય છે. ઈશ્વરભક્ત પાઊલે પણ લખ્યું: “ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે.”—૨ કોરીં. ૫:૧૪.

૧૬, ૧૭. ઈસુએ લોકો પર કઈ રીતે પ્રેમ વરસાવ્યો?

૧૬ ઈસુએ આપણા માટે પોતાની કુરબાની આપી દીધી. એ મહાન પ્રેમ નહિ તો બીજું શું કહેવાય! (યોહા. ૧૫:૧૩) ઈસુએ બીજી ઘણી રીતોએ પ્રેમ બતાવ્યો. હમદર્દી બતાવી. જેમ કે તેમનો જિગરી દોસ્ત લાજરસ ગુજરી ગયો. લાજરસની બહેન મરિયમ અને બીજાં સગાં-વહાલાંનાં દુઃખનો કોઈ પાર ન હતો. ખરું કે ઈસુ થોડી જ વારમાં લાજરસને સજીવન કરવાના હતા, તોપણ સગાંનું દુઃખ જોઈને તે ‘રડી પડ્યા.’—યોહા. ૧૧:૩૨-૩૫.

૧૭ બીજો એક બનાવ લઈએ. એક માણસને કોઢ હતો. તેણે ઈસુને વિનંતી કરી કે “જો તારી ઇચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે.” બાઇબલ કહે છે કે ‘ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તેને અડક્યા. તેને કહ્યું કે “મારી ઇચ્છા છે; તું શુદ્ધ થા.” અને તરત તેનો કોઢ ગયો, ને તે શુદ્ધ થયો.’ મુસાના નિયમ પ્રમાણે, કોઢ હોય તેઓ અશુદ્ધ ગણાતા. ઈસુ પેલા માણસને અડ્યા વગર પણ સાજો કરી શકતા હતા. તોપણ તે તેને કેમ અડ્યા? પેલા માણસને કદાચ વર્ષોથી કોઈ અડક્યું નહિ હોય. એટલે ઈસુએ તેને અડકીને પ્રેમ બતાવ્યો ને સાજો કર્યો!—માર્ક ૧:૪૦-૪૨.

૧૮. આપણે કઈ રીતે ‘બીજાના દુઃખમાં ભાગ લઈ’ શકીએ?

૧૮ ઈસુની જેમ આપણે પણ ‘બીજાના દુઃખમાં ભાગ લઈએ.’ (૧ પીત. ૩:૮) ઈસુ પોતે કદી બીમાર પડ્યા ન હતા. તોયે બીમાર લોકોની લાચારી સમજ્યા ને હમદર્દી બતાવી. આજે ઘણા ભાઈ-બહેનો મોટી બીમારી કે ડિપ્રેશનથી દુઃખી થાય છે. આપણને એવું કંઈ થયું ન હોય તો, કદાચ તેઓનું દુઃખ બરાબર સમજી ન શકીએ. પણ આપણે ઈસુની જેમ વર્તીએ. દુઃખી, બીમાર કે લાચાર લોકો પોતાનું દિલ ઠાલવે ત્યારે, ધ્યાનથી સાંભળીએ. વિચારીએ કે ‘મને એવું થયું હોત તો હું સામેવાળા પાસેથી કેવી આશા રાખત?’ આમ આપણે ઈસુની જેમ તેઓને “ઉત્તેજન” આપી શકીશું.—૧ થેસ્સા. ૫:૧૪.

૧૯. ઈસુની આપણા જીવન પર કેવી અસર થાય છે?

૧૯ ઈસુ પાસેથી આપણે ઘણું જ શીખીએ છીએ. તેમણે જે કહ્યું, જે કર્યું, એમાંથી જેટલું વધારે શીખીએ, એટલા વધારે તેમના જેવા બનીશું. બીજાઓને પણ એમ કરવા મદદ કરી શકીશું. ચાલો આપણે ઈસુને પગલે કાયમ ચાલતા રહીએ! (w09 1/15)

આપણે કેવી રીતે સમજાવીશું?

• ઈસુની જેમ કઈ રીતે સમજી-વિચારીને નિર્ણય લેવા જોઈએ?

• આપણે નમ્ર હોઈશું તો કઈ રીતે વર્તીશું?

• લોકોને શીખવવાની હોંશ આપણે કઈ રીતે કેળવી શકીએ?

• આપણે કઈ રીતે ઈસુ જેવો પ્રેમ બતાવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર બોક્સ/ચિત્ર]

ઈસુના પગલે ચાલવા મદદ કરતું પુસ્તક

૨૦૦૭ના સંમેલનમાં ૧૯૨ પાનનું નવું પુસ્તક બહાર પડ્યું. એનો વિષય છે, “કમ બી માય ફોલોઅર.” એ ઈસુના સ્વભાવ અને કાર્યો વિષે સમજાવે છે. શરૂઆતનાં બે પ્રકરણો ઈસુ વિષે ટૂંકમાં જણાવે છે. પછી, તેમની નમ્રતા, હિંમત, સમજશક્તિ, આજ્ઞાપાલન અને સહન કરવાની શક્તિની વાત કરે છે.

એના પછી એ જણાવે છે કે ઈસુને મન પ્રચારકામ સૌથી મહત્ત્વનું. લોકો પર તેમને બહુ જ પ્રેમ. લોકોને તે સરસ રીતે શીખવતા. એમાંથી આપણે ઈસુના પગલે પગલે ચાલતા શીખીશું.

આ પુસ્તકનો પૂરો લાભ ઉઠાવવા વિચારો કે ‘શું હું ખરેખર ઈસુના પગલે ચાલુ છું? વધારે સારી રીતે તેમના પગલે ચાલવા મારે શું કરવું જોઈએ?’ એ પુસ્તક સત્ય માટે તરસતા લોકોને પણ ઈસુના પગલે ચાલવા અને ‘અનંતજીવન’ પામવા મદદ કરશે.—પ્રે.કૃ. ૧૩:૪૮.