સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુઓ! યહોવાહના પસંદ કરેલા સેવક

જુઓ! યહોવાહના પસંદ કરેલા સેવક

જુઓ! યહોવાહના પસંદ કરેલા સેવક

‘જુઓ, મારો સેવક, એ મારો પસંદ કરેલો છે.’—યશા. ૪૨:૧.

૧. મેમોરિયલ આવે તેમ શું કરવું જોઈએ અને શા માટે?

 “આપણા વિશ્વાસના અગ્રેસર [આગેવાન] તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ.” એમ કહ્યા પછી પાઊલે જણાવ્યું કે “જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેનો વિચાર કરો, રખેને તમે તમારાં મનમાં નિર્ગત [નિરાશ] થયાથી થાકી જાઓ.” (હેબ્રી ૧૨:૨, ૩) મેમોરિયલ પાસે આવે છે તેમ, ઈસુના જીવન અને કુરબાની પર વિચાર કરીએ. ભલે આપણે સ્વર્ગમાં જનારા હોઈએ કે પૃથ્વી પર રહેનારા, સર્વને એનાથી મદદ મળશે. એમ આપણે યહોવાહની દિલથી ભક્તિ કરતા રહીશું અને ‘થાકી નહિ જઈએ.’—વધુ માહિતી: ગલાતી ૬:૯.

૨. ઈસુ વિષેની યશાયાહની ભવિષ્યવાણીમાંથી શું શીખીશું?

યહોવાહે પ્રબોધક યશાયાહ દ્વારા ઈસુ વિષે ઘણી ભવિષ્યવાણી લખાવી. એ ‘આપણા વિશ્વાસના આગેવાન અને તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખવા’ મદદ કરશે. * ઈસુના સ્વભાવ અને તેમણે સહેલાં દુઃખો પર એ પ્રકાશ પાડે છે. ભવિષ્યવાણી એ પણ બતાવે છે કે તે આપણા રાજા અને બચાવનાર છે. એ મેમોરિયલની આપણી સમજણ વધારશે. આ વર્ષે આપણે એપ્રિલ ૯, ગુરુવારે સૂર્ય આથમે પછી મેમોરિયલ ઉજવીશું.

સેવકની ઓળખ

૩, ૪. (ક) યશાયાહના પુસ્તકમાં “સેવક” શબ્દ કોને કોને લાગુ પડે છે? (ખ) યશાયાહના ૪૨, ૪૯, ૫૦, ૫૨ અને ૫૩ અધ્યાયોમાંના સેવકની ઓળખ બાઇબલ કઈ રીતે આપે છે?

યશાયાહના પુસ્તકમાં “સેવક” શબ્દ ઘણી વાર આવે છે. અમુક વાર એ પ્રબોધક યશાયાહ માટે વપરાયો છે. (યશા. ૨૦:૩; ૪૪:૨૬) કોઈ વાર એ ઈસ્રાએલ પ્રજાને કે યાકૂબને લાગુ પડે છે. (યશા. ૪૧:૮, ૯; ૪૪:૧, ૨, ૨૧) પણ યશાયાહના ૪૨, ૪૯, ૫૦, ૫૨ અને ૫૩મા અધ્યાયોની ભવિષ્યવાણીઓ વિષે શું? એ અધ્યાયોમાં જણાવેલા સેવકની ઓળખ ગ્રીક શાસ્ત્રવચનો આપે છે. પ્રેરિતોનાં કૃત્યો જણાવે છે કે ઇથિયોપિયાનો એક અધિકારી, યશાયાહની ભવિષ્યવાણી વાંચતો હતો. એ ભવિષ્યવાણી આજે યશાયાહ ૫૩:૭, ૮માં મળી આવે છે. યહોવાહે પોતાના ભક્ત ફિલિપને તેની પાસે મોકલ્યો. એ અધિકારીએ ફિલિપને પૂછ્યું: “હું તને વિનંતી કરૂં છું, કે પ્રબોધક કોના વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?” ફિલિપે તરત જ સમજાવ્યું કે એ તો મસીહ ઈસુની વાત થાય છે.—પ્રે.કૃ. ૮:૨૬-૩૫.

ઈશ્વરભક્ત શિમઓને નાનકડા ઈસુને ગોદમાં લઈને યહોવાહની પ્રેરણાથી કહ્યું: એ ‘બાળક ઈસુ,’ ‘વિદેશીઓને પ્રકાશ આપનાર’ બનશે. યશાયાહ ૪૨:૬ અને ૪૯:૬માં એ પહેલેથી કહેવામાં આવ્યું હતું. (લુક ૨:૨૫-૩૨) યશાયાહ ૫૦:૬-૯માં પહેલેથી જણાવવામાં આવ્યું હતું કે ઈસુને મરણ પહેલાંની રાતે શું વીતશે. (માથ. ૨૬:૬૭; લુક ૨૨:૬૩) ૩૩ની સાલમાં પેન્તેકોસ્ત પછી ઈશ્વરભક્ત પીતરે યહોવાહના “સેવક” તરીકે ઈસુની ઓળખ આપી. (યશા. ૫૨:૧૩; ૫૩:૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૩, ૨૬ વાંચો.) એ ભવિષ્યવાણીઓ આપણને શું શીખવે છે?

યહોવાહ પોતાના સેવકને ટ્રેનિંગ આપે છે

૫. યહોવાહના સેવક ઈસુ કેવી રીતે શીખ્યા?

ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા એ પહેલાં પણ, યહોવાહ સાથે અતૂટ નાતો હતો. યશાયાહની એક ભવિષ્યવાણી એના વિષે જણાવે છે. (યશાયાહ ૫૦:૪-૯ વાંચો.) યહોવાહના સેવક કેવી રીતે શીખશે, એના વિષે યશાયાહ ભાખે છે: “તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની પેઠે સાંભળું.” (યશા. ૫૦:૪) યહોવાહે પોતાના સેવક ઈસુને ટ્રેનિંગ આપી. તે મન લગાડીને શીખ્યા. ઈસુ માટે એ અજોડ આશીર્વાદ હતો.

૬. સેવક કઈ રીતે યહોવાહને પૂરેપૂરા આધીન હતા?

સેવક એ ભવિષ્યવાણીમાં ઈશ્વરને ‘પ્રભુ યહોવાહ’ કહે છે. તેમણે યહોવાહને જ વિશ્વના માલિક માન્યા. તેમને પૂરેપૂરા આધીન રહેવા સેવક ઈસુ કહે છે: “પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યા છે, તેથી મેં ફિતૂર કર્યું નહિ” એટલે કે વિરોધ કર્યો નહિ. (યશા. ૫૦:૫) વિશ્વ અને ઇન્સાનની ઉત્પત્તિ વખતે સેવક ‘કુશળ કારીગર તરીકે યહોવાહની સાથે હતા.’ તે ‘સદા યહોવાહની આગળ હર્ષ કરતા. વસ્તીવાળી પૃથ્વી પર અને મનુષ્યોમાં તેમને આનંદ થતો.’—નીતિ. ૮:૨૨-૩૧.

૭. શું બતાવે છે કે સેવક ઈસુને યહોવાહમાં પૂરો ભરોસો હતો?

પૃથ્વી પર આવીને સખત સતાવણી સહેવા ઈસુને શામાંથી મદદ મળી? યહોવાહ પાસેથી મળેલી ટ્રેનિંગ અને ઇન્સાન માટેના પ્રેમે તેમને મદદ કરી. તેમણે ઘણું સહીને પણ યહોવાહની ઇચ્છા પૂરી કરવાનો આનંદ લીધો. (ગીત. ૪૦:૮; માથ. ૨૬:૪૨; યોહા. ૬:૩૮) ઈસુને સો ટકા ભરોસો હતો કે યહોવાહ તેમની સાથે છે. યશાયાહે જણાવ્યું હતું તેમ ઈસુએ કહ્યું: ‘મને ન્યાયી ઠરાવનાર પાસે છે; કોણ મારી સાથે તકરાર કરશે? જુઓ, પ્રભુ યહોવાહ મને મદદ કરશે.’ (યશા. ૫૦:૮, ૯) યશાયાહની બીજી ભવિષ્યવાણીઓ જણાવે છે કે યહોવાહે પોતાના સેવકને મદદ કરી.

પૃથ્વી પર ઈસુનું જીવન

૮. ‘પસંદ કરેલા’ સેવક વિષે યશાયાહ ૪૨:૧ જે કહે છે, એ કઈ રીતે ઈસુ સાબિત થયા?

યહોવાહે પોતાના ‘પસંદ કરેલા’ વિષે બીજી ભવિષ્યવાણીઓ પણ કરી. (યશાયાહ ૪૨:૧-૭ વાંચો.) ઈસુ એ જ પ્રમાણે જીવ્યા. ૨૯ની સાલમાં ઈસુના બાપ્તિસ્મા વખતે, ‘પવિત્ર આત્મા તેમના પર ઊતર્યો; અને આકાશમાંથી એવી વાણી થઈ, કે “તું મારો વહાલો દીકરો છે; તારા પર હું પ્રસન્‍ન છું.”’ (લુક ૩:૨૧, ૨૨) એ રીતે યહોવાહે પોતાના ‘પસંદ કરેલાની’ ઓળખ આપી. ઈશ્વરભક્ત માત્થીએ પણ યશાયાહ ૪૨:૧-૪માંના શબ્દો ઈસુને લાગુ પાડ્યા.—માથ. ૧૨:૧૫-૨૧.

૯, ૧૦. (ક) ઈસુએ યશાયાહ ૪૨:૩ પ્રમાણે શું કર્યું? (ખ) ઈસુએ પૃથ્વી પર કઈ રીતે ‘ન્યાય પ્રગટ કર્યો’ અને ક્યારે ‘ન્યાય’ લઈ આવશે?

યહૂદી ગુરુઓ લોકોને પોતાનાથી સાવ નીચા ગણતા. (યોહા. ૭:૪૭-૪૯) લોકો સાથે ક્રૂર રીતે વર્તતા. લોકો જુલમ સહી સહીને જાણે કે ‘છુંદાએલા બરૂ’ કે ‘મંદ મંદ સળગતી દિવેટ’ જેવા બની ગયા હતા. (માથ. ૯:૩૫, ૩૬) ઈસુ ગરીબ ને લાચાર લોકો સાથે ખૂબ પ્રેમથી વર્તતા. તેમણે કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.” (માથ. ૧૧:૨૮) ઈસુએ લોકોને યહોવાહની નજરે ખરુંખોટું પારખતા શીખવ્યું. એ રીતે ‘સત્ય પ્રમાણે ધર્મ’ કે ન્યાય ‘પ્રગટ કર્યો.’ (યશા. ૪૨:૩) તેમણે શીખવ્યું કે યહોવાહના નિયમ પાળવા પાછળ પ્રેમ હોવો જોઈએ. (માથ. ૨૩:૨૩) ઈસુએ ગરીબ કે અમીર વચ્ચે કોઈ ભેદભાવ ન રાખ્યો, પણ બધાને યહોવાહ વિષે શીખવ્યું.—માથ. ૧૧:૫; લુક ૧૮:૧૮-૨૩.

૧૦ યશાયાહની ભવિષ્યવાણી બતાવે છે કે યહોવાહના ‘પસંદ કરેલા’ સેવક, “પૃથ્વી પર ધર્મ [ન્યાય] સ્થાપિત કરશે.” (યશા. ૪૨:૪) જલદી જ તે યહોવાહનું રાજ્ય પૃથ્વી પર લાવશે. બધી સરકારોનો નાશ કરશે. એવી નવી દુનિયા લઈ આવશે, જેમાં “ન્યાયીપણું વસે છે.”—૨ પીત. ૩:૧૩; દાની. ૨:૪૪.

“પ્રકાશ” અને ‘કરાર’

૧૧. ઈસુ કઈ રીતે “વિદેશીઓને પ્રકાશ આપનાર” હતા અને આજે પણ છે?

૧૧ યશાયાહ ૪૨:૬માં જણાવેલા “વિદેશીઓને પ્રકાશ આપનાર,” ઈસુ સાબિત થયા. પૃથ્વી પર હતા ત્યારે તેમણે ખાસ તો યહુદી લોકોમાં સત્યનો પ્રકાશ ફેલાવ્યો. (માથ. ૧૫:૨૪; પ્રે.કૃ. ૩:૨૬) તોપણ ઈસુએ કહ્યું કે “જગતનું અજવાળું હું છું.” (યોહા. ૮:૧૨) એનો અર્થ કે તે ફક્ત યહુદીઓ માટે જ નહિ, પણ આખી દુનિયા માટે પ્રકાશ લઈ આવ્યા. બધાને યહોવાહનું સત્ય શીખવ્યું અને સર્વ માટે પોતાનું જીવન કુરબાન કર્યું. (માથ. ૨૦:૨૮) યહોવાહે ઈસુને સજીવન કર્યા. પછી ઈસુએ શિષ્યોને “પૃથ્વીના છેડા સુધી” સાક્ષી આપવાનું જણાવ્યું. (પ્રે.કૃ. ૧:૮) પાઊલ અને બાર્નાબાસે પણ “વિદેશીઓને પ્રકાશ આપનાર” વિષે વાત કરી. એ તેઓએ વિદેશીઓમાં પોતાના પ્રચારને લાગુ પાડી. (પ્રે.કૃ. ૧૩:૪૬-૪૮; વધુ માહિતી: યશાયાહ ૪૯:૬.) આજે પણ એ પ્રચાર કામ સ્વર્ગમાં જનારાઓ અને પૃથ્વી પર જીવવાની આશા રાખનારાઓ ચાલુ રાખે છે. “વિદેશીઓને પ્રકાશ આપનાર” ઈસુની કુરબાનીમાં ભરોસો મૂકવા, તેઓ લોકોને મદદ કરે છે.

૧૨. યહોવાહે પોતાના સેવકને કઈ રીતે ‘લોકના હકમાં કરારરૂપ’ કર્યા છે?

૧૨ એ જ ભવિષ્યવાણીમાં યહોવાહે સેવકને કહ્યું: ‘હું તારૂં રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ કરીશ.’ (યશા. ૪૨:૬) ઈસુને મારી નાખવા શેતાને બનતું બધું જ કર્યું, જેથી યહોવાહની ઇચ્છા પૂરી ન થાય. પણ ઈસુએ કુરબાની આપી ત્યાં સુધી, યહોવાહે તેમનું રક્ષણ કર્યું. (માથ. ૨:૧૩; યોહા. ૭:૩૦) પછી યહોવાહે તેમને મૂએલામાંથી ઉઠાડ્યા. સર્વ લોકોને માટે ઈસુ જાણે ‘કરાર’ બન્યા. એ કરાર ગેરંટી આપતો હતો કે યહોવાહનો સેવક “વિદેશીઓને પ્રકાશ આપનાર” તરીકે સેવા કરતા રહેશે.—યશાયાહ ૪૯:૮, ૯ વાંચો. *

૧૩. “અંધકારમાં બેસનારાઓને” ઈસુએ કઈ રીતે છોડાવ્યા? આજે પણ તે કઈ રીતે એમ કરે છે?

૧૩ એ કરાર પ્રમાણે યહોવાહનો સેવક ‘આંધળી આંખોને ઉઘાડશે.’ ‘બંદીખાનામાંથી બંદીવાનોને બહાર કાઢશે.’ ‘અંધકારમાં બેસનારાઓને’ છોડાવશે. (યશા. ૪૨:૭) એમ કરવા ઈસુએ જૂઠી માન્યતાઓને ખુલ્લી પાડી. યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવી. (માથ. ૧૫:૩; લુક ૮:૧) એ રીતે તેમણે અમુક યહુદીઓને ધાર્મિક અંધકારમાંથી છોડાવ્યા. (યોહા. ૮:૩૧, ૩૨) ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” તેઓને વચન આપ્યું કે “જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માથ. ૨૮:૧૯, ૨૦) આજેય ઈસુ પ્રચાર કામ પર દેખરેખ રાખે છે. લાખોને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે.

યહોવાહે ‘સેવકને’ મહાન બનાવ્યા

૧૪, ૧૫. યહોવાહે પોતાના સેવકને કેમ ઉચ્ચ પદવીએ બેસાડ્યા? કઈ રીતે એમ કર્યું?

૧૪ યહોવાહે પોતાના સેવક વિષે બીજી એક ભવિષ્યવાણીમાં કહ્યું: “જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે, તે ઉન્‍નત [સફળ] થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે, તથા અતિ મહાન થશે.” (યશા. ૫૨:૧૩) ઈસુએ યહોવાહને જ વિશ્વના માલિક માન્યા. તે આકરી કસોટીમાં પણ યહોવાહને વળગી રહ્યા. યહોવાહે તેમને ઉચ્ચ પદવીએ બેસાડ્યા.

૧૫ પીતરે ઈસુ વિષે લખ્યું, ‘દૂતો, અધિકારીઓ અને પરાક્રમીઓને પોતાને આધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે.’ (૧ પીત. ૩:૨૨) પાઊલે પણ ઈસુ વિષે લખ્યું: ‘મરણને, હા, વધસ્તંભના મરણને, આધીન થઈને, તેમણે પોતાને નમ્ર કર્યા. એને લીધે, ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું. એ કારણે આકાશમાંનાં અને ભૂમિ પરનાં સર્વે ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને ઈશ્વરના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.’—ફિલિ. ૨:૮-૧૧.

૧૬. ઈસુને ૧૯૧૪માં કઈ રીતે “અતિ મહાન” બનાવવામાં આવ્યા અને તેમણે કેવાં કામો કર્યાં છે?

૧૬ યહોવાહે ૧૯૧૪માં ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવીને “અતિ મહાન” બનાવ્યા. (ગીત. ૨:૬; દાની. ૭:૧૩, ૧૪) ત્યારથી ઈસુ પોતાના “શત્રુઓ ઉપર [મધ્યે] રાજ” કરે છે. (ગીત. ૧૧૦:૨) તેમણે સૌથી પહેલા તો શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધા. (પ્રકટી. ૧૨:૭-૧૨) પહેલાના બાબેલોનમાંથી કોરેશે યહુદીઓને છોડાવ્યા હતા. એ જ રીતે ઈસુએ સ્વર્ગની આશાવાળા ભાઈ-બહેનોને ‘મોટા બાબેલોનમાંથી’ છોડાવ્યા. (પ્રકટી. ૧૮:૨; યશા. ૪૪:૨૮) ઈસુએ પ્રચાર કામને દોરવણી આપીને, ‘નાની ટોળીમાંના’ ‘બાકીનાને’ ભેગા કર્યા છે. એ પછી લાખો “બીજાં ઘેટાં” ભેગા કરાય છે.—પ્રકટી. ૧૨:૧૭; યોહા. ૧૦:૧૬; લુક ૧૨:૩૨.

૧૭. “સેવક” વિષેની ભવિષ્યવાણીમાંથી શું શીખ્યા?

૧૭ યશાયાહની એ ભવિષ્યવાણીઓ સાચે જ ઈસુ માટેની આપણી કદર વધારે છે. તેમણે યહોવાહ પાસેથી ટ્રેનિંગ મેળવી અને એ જ પ્રમાણે જીવ્યા. “વિદેશીઓને પ્રકાશ આપનાર” તરીકે તેમણે પ્રચાર કર્યો. આજે પણ એ કામની દેખરેખ રાખે છે. હવે પછીના લેખમાં સેવક ઈસુ વિષે બીજી એક ભવિષ્યવાણી જોઈશું. એમાં પહેલેથી જણાવ્યું હતું કે તેમના પર શું વીતશે અને કઈ રીતે તે જીવન કુરબાન કરશે. મેમોરિયલ નજીક આવે છે તેમ, ‘એનો વિચાર કરીએ.’—હેબ્રી ૧૨:૨, ૩. (w09 1/15)

[ફુટનોટ્‌સ]

^ એ ભવિષ્યવાણીઓ યશાયાહ ૪૨:૧-૭; ૪૯:૧-૧૨; ૫૦:૪-૯; અને ૫૨:૧૩–૫૩:૧૨માં મળશે.

મુખ્ય મુદ્દાઓ

• ભવિષ્યવાણીઓમાં જણાવેલા “સેવક” કોણ છે? એની શું સાબિતી?

• યહોવાહ પાસેથી સેવકે કઈ ટ્રેનિંગ મેળવી?

• ઈસુ કઈ રીતે “વિદેશીઓને પ્રકાશ આપનાર” છે?

• યહોવાહે સેવકને કઈ રીતે ઉચ્ચ પદવી આપી?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૪ પર ચિત્ર]

યહોવાહે ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવ્યા