નરકની માન્યતા
નરકની માન્યતા
‘મને નરકનાં ઘણાં સપનાં આવતાં. જાણે કે કોઈ મને નરકમાં નાખીને સખત પીડા આપતું હોય! હું ચીસાચીસ કરીને ઊંઘમાંથી જાગી ઊઠતી. નરકથી એટલી બીતી કે કોઈ પાપ ન થાય એનો બહુ ખ્યાલ રાખતી.’—આર્લિન.
શું તમે માનો છો કે પાપી લોકો હંમેશાં નરકમાં પીડાતા રહેશે? ઘણા લોકો એવું માને છે. દાખલા તરીકે, ૨૦૦૫માં સ્કૉટલૅન્ડના સેન્ટ એન્ડ્રુ યુનિવર્સિટીના એક વિદ્વાને પાદરીઓ પર સર્વે કર્યો. લગભગ ૩૩ ટકા માને છે કે જેઓ ઈશ્વરમાં માનતા નથી, તેઓને ‘નરકમાં કાયમ માનસિક પીડા આપવામાં આવશે.’ લગભગ ૨૦ ટકા માને છે કે તેઓને નરકમાં રિબાવવામાં આવશે.
મોટા ભાગના ધર્મો નરકમાં માને છે. ૨૦૦૭માં અમેરિકામાં એક સર્વે થયો, જે ગૅલપ નામથી ઓળખાયો. એના પ્રમાણે અમેરિકાના લગભગ ૭૦ ટકા લોકો નરકમાં માને છે. જે દેશોના લોકો બહુ ધાર્મિક નથી, તેઓ પણ નરકમાં માને છે. ૨૦૦૪માં કૅનેડાના એક સર્વે પ્રમાણે આશરે ૪૨ ટકા લોકો નરકમાં માને છે. બ્રિટનમાં લગભગ ૩૨ ટકા લોકો માને છે કે નરક જેવી કોઈ જગ્યા છે.
પાદરીઓ શું શીખવે છે?
વર્ષોથી પાદરીઓ શીખવતા આવ્યા છે કે નરકમાં લોકોને રાતદિવસ પીડા આપવામાં આવે છે. પણ હવે તેઓ એમ શીખવે છે કે ‘નરકમાંના લોકો પરમેશ્વર સાથે કદીયે નાતો બાંધી નહિ શકે. એ જ તેઓની સજા છે.’ એ શિક્ષણ ૧૯૯૪માં કૅથલિક માન્યતાના પુસ્તકમાં પહેલી વાર બહાર પડ્યું.—કેટેકિઝમ ઑફ ધ કૅથલિક ચર્ચ.
તોપણ, મોટા ભાગના લોકો માને છે કે નરકમાં પાપીઓને બેહદ પીડા આપવામાં આવે છે. અરે, ઘણા માને છે કે બાઇબલ એવું શીખવે છે. આલ્બર્ટ મોલેર કહે છે કે ‘બાઇબલ નરક વિષે શીખવે છે, એમાં કોઈ શંકા નથી.’—સધર્ન બાપ્ટિસ્ટ થીયોલૉજિકલ સેમિનરિના પ્રેસિડન્ટ.
તમે શું માનશો?
જો બાઇબલ નરક વિષે શીખવતું હોય, તો એનાથી કોને ડર ન લાગે? પણ એવું ન શીખવતું હોય તો? તો પછી પાદરીઓ લોકોને ખોટા ગભરાવે છે. મૂંઝવી નાખે છે. અરે, તેઓ ઈશ્વરને બદનામ કરે છે.
બાઇબલ એ વિષે શું શીખવે છે? હવે પછીના લેખો એ બતાવશે. ખાસ કરીને આ ત્રણ પ્રશ્નોના જવાબ આપશે: (૧) મરણ પછી વ્યક્તિનું શું થાય છે? (૨) નરક વિષે ઈસુએ શું શીખવ્યું? (૩) નરક વિષે તમને કેવું લાગે છે? (w08 11/1)