સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નરક વિષે ઈસુએ શું શીખવ્યું?

નરક વિષે ઈસુએ શું શીખવ્યું?

નરક વિષે ઈસુએ શું શીખવ્યું?

ઈસુએ કહ્યું: “જો તારી આંખ તને પાપમાં પાડે, તો તેને કાઢી નાખ. બે આંખો સાથે નરકમાં જવું કે જ્યાં કીડો કદી મરતો નથી અને અગ્‍નિ કદી બુઝાતો નથી તેના કરતાં એક આંખે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો એ સારું છે.”—માર્ક ૯:૪૭, ૪૮, IBSI.

બીજી એક વાર ઈસુએ ન્યાયના દિવસની વાત કરી. એ દિવસે તે દુષ્ટોને કહેશે: “શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલા અનંત અગ્‍નિમાં તમે અહીંથી જાઓ.” ઈસુએ એમ પણ કહ્યું કે તેઓ ‘અનંતકાળની શિક્ષા’ ભોગવશે.—માથ્થી ૨૫:૪૧, ૪૬, IBSI.

ઈસુના શબ્દો પરથી એવું લાગી શકે કે તેમણે નરક વિષે શીખવ્યું હતું. પણ ઈસુને ખબર હતી કે “મૂએલા કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫) ઈસુએ કદીયે બાઇબલ વિરુદ્ધ શિક્ષણ આપ્યું ન હતું.

તો પછી ઈસુએ કેમ કહ્યું કે વ્યક્તિઓ “નરકમાં” જશે? શું ઈસુ એવી કોઈ જગ્યાની વાત કરતા હતા, જ્યાં ‘અનંત અગ્‍નિ’ બળતો હોય? દુષ્ટો કઈ રીતે ‘અનંતકાળની શિક્ષા’ ભોગવશે? ચાલો જોઈએ.

ઈસુએ કેમ કહ્યું કે વ્યક્તિઓ “નરકમાં” જશે? માર્ક ૯:૪૭માં ગ્રીક ભાષાના ગેહેન્‍ના શબ્દ માટે ‘નરક’ ભાષાંતર થયું છે. હિબ્રૂ ભાષામાં ગે હિન્‍નોમ કહેવાય છે, જેનો અર્થ થાય “હિન્‍નોમની ખીણ.” ઈસ્રાએલના રાજાઓના જમાનામાં આ ખીણ યરૂશાલેમની બહાર આવેલી હતી. અમુક લોકો એમાં બાળકોનાં બલિદાનો ચડાવતાં, જેનાથી ઈશ્વરને ખૂબ નફરત હતી. તેમણે કહ્યું કે એવાં કામો કરનારાને તે મોતની સજા ફટકારશે. પછી એવા “લોકનાં મુડદાં” હિન્‍નોમની ખીણમાં સડ્યાં કરશે. એ “કતલની ખીણ” કહેવાશે. (યિર્મેયાહ ૭:૩૦-૩૪) પણ ઈશ્વર યહોવાહે એમ ન કહ્યું કે દુષ્ટોને હિન્‍નોમની ખીણમાં રિબાવવામાં આવશે.

ઈસુના જમાનામાં લોકો હિન્‍નોમની ખીણમાં બધો કચરો ફેંકતા. અરે, અમુક દુષ્ટ ગુનેગારોની લાશો પણ એમાં ફેંકતા. એ ખીણમાં કદીયે આગ બૂઝાતી નહિ. એટલે કચરો અને લાશો એમાં બળી જતા.

ઈસુએ કહ્યું કે એ ખીણમાં કીડા મરતા નથી, ને અગ્‍નિ હોલવાતો નથી. એનો શું અર્થ થાય? કદાચ તે યશાયાહ ૬૬:૨૪ વિષે કહેતા હતા, જે જણાવે છે: ‘જેઓએ ઈશ્વરનો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં દેખાશે. તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્‍નિ હોલવાશે નહિ.’ ઈસુ અને લોકો જાણતા હતા કે જે ગુનેગારોની લાશ દાટવામાં આવતી નહિ, તેઓને એ શબ્દો લાગુ પડતા હતા.

હિન્‍નોમની ખીણ ગેહેન્‍ના તરીકે પણ ઓળખાતી. ગેહેન્‍ના એવી કોઈ જગ્યા નથી, જેમાં વ્યક્તિ કાયમ પીડાતી રહે. ગેહેન્‍ના શબ્દ વાપરીને ઈસુ કહેતા હતા કે એમાંની વ્યક્તિનું નામ-નિશાન રહેશે નહિ. ઈશ્વર તેઓને સજીવન કરવાને યોગ્ય ગણતા નથી. એના પર ભાર મૂકતા ઈસુએ કહ્યું: “શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.”—માથ્થી ૧૦:૨૮, કોમન લેંગ્વેજ.

શું ઈસુ એવી કોઈ જગ્યાની વાત કરતા હતા, જ્યાં ‘અનંત અગ્‍નિ’ બળતો હોય? ઈસુએ માત્થી ૨૫:૪૧માં “શેતાન અને તેના દૂતો માટે” તૈયાર કરેલા ‘અનંત અગ્‍નિ’ વિષે વાત કરી. શું સ્વર્ગદૂતો આગથી ભસ્મ થઈ શકે? ના. હકીકતમાં તો ઈસુએ ‘આગનો’ દાખલો આપ્યો. એ જ પ્રવચનમાં ઈસુએ ‘ઘેટાં’ અને ‘બકરાંનો’ દાખલો આપ્યો. પણ ત્યાં ઈસુ પ્રાણીઓની નહિ, લોકોના સ્વભાવની વાત કરતા હતા. (માત્થી ૨૫:૩૨, ૩૩) એ જ રીતે ઈસુએ અનંત અગ્‍નિનો દાખલો આપીને સમજાવ્યું કે દુષ્ટનો સાવ નાશ થઈ જશે.

દુષ્ટો કઈ રીતે ‘અનંતકાળની શિક્ષા’ ભોગવશે? માત્થી ૨૫:૪૬માં ‘શિક્ષા’ ભાષાંતર થયેલો મૂળ ગ્રીક શબ્દ કોલાસીન છે. એનો અર્થ થાય કે ‘ઝાડની વૃદ્ધિ તપાસવી’ કે પછી એની વૃદ્ધિ થવા દેવા નકામી ડાળીઓ કાપી નાખવી. ઘેટાં જેવા નમ્ર સ્વભાવના લોકોને ઈશ્વર સદા માટેના જીવનનું વરદાન આપશે. જ્યારે કે બકરાં જેવા ઘમંડી લોકોને ‘અનંતકાળની શિક્ષા’ થશે. એટલે કે તેઓની જીવનદોરી હંમેશ માટે કપાઈ જશે.

તમને શું લાગે છે?

આપણામાં આત્મા જેવું કંઈ છે, એવું ઈસુએ કદીએ શીખવ્યું નહિ. એના બદલે તેમણે શીખવ્યું કે ગુજરી ગયેલાને સજીવન કરવામાં આવશે.—લુક ૧૪:૧૩, ૧૪; યોહાન ૫:૨૫-૨૯; ૧૧:૨૫.

ઈસુએ એવું પણ શીખવ્યું નહિ કે પાપીઓને ઈશ્વર રિબાવશે. પણ ઈસુએ તો કહ્યું: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે પોતાનો દીકરો આપ્યો. એ માટે કે જે કોઈ દીકરા પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) અહીં ઈસુએ કહ્યું કે જે કોઈ વિશ્વાસ નહિ કરે, તેનો નાશ થશે. જો નરક જેવું કંઈક હોત, તો તેમણે એના વિષે પણ જણાવ્યું હોત.

અમુક કલમો તપાસીને આપણે જોયું કે નરકની માન્યતા બાઇબલ પર આધારિત નથી. તો પછી એ ક્યાંથી આવી? કઈ રીતે એ માન્યતા ખ્રિસ્તીધર્મમાં આવી? (પાન ૬ પર “નરકની માન્યતા ક્યાંથી આવી?” બૉક્સ જુઓ.) ઈશ્વર કોઈને રિબાવતા નથી. હવે નરક વિષેનું સત્ય જાણીને, તમને ઈશ્વર વિષે કેવું લાગે છે? (w08 11/1)

[પાન ૬ પર બોક્સ]

નરકની માન્યતા ક્યાંથી આવી?

મૂર્તિપૂજક ધર્મોમાં મૂળ: ઈસવીસન પૂર્વે ૧૩૭૫માં ધ બુક અમ-ટોટમાં ઇજિપ્તના લોકોની માન્યતા વિષે આમ લખાયું: ‘પાપીઓને નરકની ધગધગતી આગમાં ઊંધા માથે ફેંકવામાં આવશે. તેઓ કદી એમાંથી આઝાદ થશે નહિ.’ ગ્રીક ફિલસૂફ પ્લુટાર્ક લગભગ ૪૬-૧૨૦ની સાલમાં જીવી ગયો. નરકમાંના લોકો વિષે તેણે લખ્યું: ‘તેઓ પોક મૂકીને રડે છે. ચીસાચીસ પાડે છે. ખૂબ રિબામણી સહે છે.’

યહુદી ધર્મમાં નરકની માન્યતાની શરૂઆત: ઇતિહાસકાર જોસેફસ આશરે ૩૭-૧૦૦ની સાલમાં થઈ ગયો. તેણે કહ્યું કે એસીન્સ નામના યહૂદી પંથના લોકો માનતા કે ‘આપણામાં અમર આત્મા છે.’ તેણે કહ્યું કે ‘ગ્રીક લોકો પણ એવું માનતા હતા. તેઓ કહેતા કે પાપી લોકોના આત્માને અંધારી જગ્યામાં કાયમ રિબાવવામાં આવશે.’

ખ્રિસ્તી ધર્મમાં નરકની માન્યતાની શરૂઆત: બીજી સદીમાં એપોકેલીપ્સ ઑફ પીટર નામના પુસ્તકે દુષ્ટો વિષે આમ કહ્યું: ‘તેઓને બસ આગથી જ પીડા આપવામાં આવશે.’ એમાં એમ પણ કહ્યું: ‘એઝરિયેલ ક્રોધનો દેવ છે. તે સ્ત્રી-પુરુષોને સળગાવે છે. પછી તેઓને નરકના અંધકારમાં ફેંકી દે છે. ત્યાં એક આત્મા તેઓને સજા ફટકારતો રહે છે.’ આ લેખકના જમાનામાં થીઓફિલસ નામનો એક લેખક પણ હતો. તે અંત્યોખનો હતો. તેણે સીબલ નામની ગ્રીક પ્રબોધિકાની વાત કરી. સીબલે કહ્યું કે દુષ્ટો ‘પર આગ વરસાવવામાં આવશે ને તેઓ કાયમ બળતા જ રહેશે.’ થીઓફિલસે કહ્યું કે એ માન્યતા ‘સાચી છે. અદલ ઇન્સાફ આપે છે. આપણા માટે ઉપયોગી છે ને સર્વના ભલા માટે છે.’

મધ્ય યુગમાં નરકના નામે હિંસા: ૧૫૫૩-૧૫૫૮માં મેરી ઇંગ્લૅંડની રાણી હતી. તેણે લગભગ ૩૦૦ પ્રોટેસ્ટંટને થાંભલા પર બાંધીને સળગાવી દીધા. લોકોના માનવા પ્રમાણે રાણીએ કહ્યું કે ‘આ લોકો ધર્મ વિરોધી છે. ઈશ્વર તેઓના આત્માને હંમેશાં નરકમાં બાળશે. એ પહેલાં કેમ નહિ કે હું તેઓને આગની પીડા ચખાડું.’

નરકની માન્યતામાં ફેરફાર: છેલ્લાં થોડાં વર્ષોમાં અમુક ચર્ચોએ નરકની પોતાની માન્યતામાં ફેરફાર કર્યો છે. દાખલા તરીકે, ચર્ચ ઑફ ઇંગ્લૅંડના બોર્ડે ૧૯૯૫માં કહ્યું: ‘ઈશ્વરનો સખત વિરોધ કરનારા નરકમાં જાય છે. પણ તેઓને રિબાવવામાં આવતા નથી. એને બદલે નરકમાં લોકો ઈશ્વરથી એટલા દૂર થઈ જાય છે કે છેવટે તેઓનું અસ્તિત્વ રહેતું જ નથી.’

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

‘અગ્‍નિની ખાઈ’ શું છે?

પ્રકટીકરણ ૨૦:૧૦ કહે છે કે ‘શેતાનને અગ્‍નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તે રાતદહાડો સદાને માટે વેદના ભોગવશે.’ પણ જો શેતાનને હંમેશાં વેદના આપવી હોય, તો ઈશ્વરે તેને જીવતો રાખવો પડે. જ્યારે કે ઈશ્વરના હુકમ મુજબ ઈસુ જલદી જ ‘શેતાનનો નાશ કરશે.’ (હેબ્રી ૨:૧૪) તો પછી આ અગ્‍નિની ખાઈ શું છે? એ કોઈ જગ્યા નથી, પણ “બીજું મરણ” છે. (પ્રકટીકરણ ૨૧:૮) એ આદમ પાસેથી વારસામાં મળેલા મરણની વાત નથી, જેમાંથી તો ઈશ્વર લોકોને ફરીથી જીવતા કરશે. (૧ કોરીંથી ૧૫:૨૧, ૨૨) પણ જેઓ ‘અગ્‍નિની ખાઈમાં’ છે, તેઓ કદી એમાંથી બચશે નહિ. ઈશ્વર જેઓને એની સજા આપે છે, તેઓને હંમેશ માટે મિટાવી દેવામાં આવશે.

કઈ રીતે બીજું મરણ પામનારા ‘સદાને માટે વેદના’ ભોગવશે? બાઇબલની મૂળ ભાષામાં ‘વેદના’ માટેના શબ્દનો અર્થ અમુક વાર ‘રોકવું કે કેદ કરવું’ પણ થાય છે. જેમ કે એક વાર ખરાબ દૂતોએ પોકાર કરીને ઈસુને કહ્યું: “સમય અગાઉ તું અમને પીડા દેવાને [ઊંડાણમાં કેદ કરવા] અહીં આવ્યો છે શું?” (માત્થી ૮:૨૯; લૂક ૮:૩૦, ૩૧, કોમન લેંગ્વેજ) એ બતાવે છે કે જેઓ ‘અગ્‍નિની ખાઈમાં’ છે, તેઓને ઈશ્વરે જાણે કે કાયમ માટે રોકી દીધા છે. એ તેઓની ‘વેદના’ કે સજા છે, જેને “બીજું મરણ” કહેવાય છે.