સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકટીકરણના મુખ્ય વિચારો—૧

પ્રકટીકરણના મુખ્ય વિચારો—૧

યહોવાહનો શબ્દ જીવંત છે

પ્રકટીકરણના મુખ્ય વિચારો—૧

યોહાનને ઘડપણમાં પાત્મસ ટાપુ પર સોળ સંદર્શનો થયાં. એમાં તેમણે જોયું કે ‘પ્રભુના દિવસમાં’ યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત શું કરશે. ૧૯૧૪માં યહોવાહનું રાજ્ય શરૂ થયું ત્યારથી એ ‘દિવસ’ શરૂ થયો. એનો અંત આર્માગેદન પછી ઈસુના હજાર વર્ષના રાજ પછી થશે. યોહાને પ્રકટીકરણનું પુસ્તક લગભગ ૯૬ની સાલમાં લખ્યું હતું. ચાલો એ સંદર્શનોની ચર્ચા કરીએ.

પહેલા સાત સંદર્શનો પ્રકટીકરણ ૧:૧–૧૨:૧૭માં મળી આવે છે. એ બતાવે છે દુનિયામાં શું બની રહ્યું છે. યહોવાહ જલદી જ શું કરશે. પૂરી શ્રદ્ધાથી એ વાંચનારને દિલાસો અને ઉત્તેજન મળશે.—હેબ્રી ૪:૧૨.

“હલવાન” સાત મુદ્રામાંની છ ખોલે છે

(પ્રકટી. ૧:૧–૭:૧૭)

પહેલા સંદર્શનમાં યોહાનને મહિમાવાન ઈસુ સંદેશાઓ આપીને જણાવે છે: ‘તે પુસ્તકમાં લખ; અને સાત મંડળી ઉપર તે મોકલ.’ (પ્રકટી. ૧:૧૦, ૧૧) બીજા સંદર્શનમાં યોહાનને સ્વર્ગમાં રાજ્યાસન દેખાય છે. એના પર જે બેઠેલા છે તેમના જમણા હાથમાં ઓળિયું કે વીંટો છે, જેના પર સાત મુદ્રા લગાડેલી છે. “તે ઓળિયું ઉઘાડવાને” ફક્ત “યહુદાહના કુળમાંનો જે સિંહ છે” તે જ યોગ્ય છે. એ ‘સાત શિંગડાં તથા સાત આંખવાળું એક હલવાન’ પણ કહેવાય છે.—પ્રકટી. ૪:૨; ૫:૧, ૨, ૫, ૬.

ત્રીજા સંદર્શનમાં “હલવાન” એક પછી એક છ મુદ્રા ખોલે છે. દરેક મુદ્રા ખોલે તેમ કંઈક બને છે. છઠ્ઠી મુદ્રા ખોલે છે તેમ, મોટો ધરતીકંપ થાય છે. યહોવાહના કોપનો મહાન દિવસ આવે છે. (પ્રકટી. ૬:૧, ૧૨, ૧૭) એના પછીના સંદર્શનમાં ‘ચાર દૂતોએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા’ હતા, જેથી ૧,૪૪,૦૦૦ પર મુદ્રા કરવામાં આવે. મુદ્રા ન કરાયેલી “એક મોટી સભા” દેખાઈ. “તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા.”—પ્રકટી. ૭:૧,.

સવાલ-જવાબ:

૧:૪; ૩:૧; ૪:૫; ૫:૬—“સાત આત્મા” એટલે શું? યહોવાહની નજરે સાતની સંખ્યા સંપૂર્ણતા બતાવે છે. ‘સાત મંડળીને’ મળેલો સંદેશો દુનિયામાં આવેલાં એક લાખથી વધારે મંડળોને પણ લાગુ પડે છે. (પ્રકટી. ૧:૧૧, ૨૦) યહોવાહ જે કામ કરવા ધારે છે, એ પૂરું કરવા બધાં મંડળોને પોતાનો “આત્મા” કે શક્તિ આપે છે. “સાત આત્મા” શબ્દો બતાવે છે કે યહોવાહ એ ભરપૂર રીતે આપે છે. એના દ્વારા જેઓ ભવિષ્યવાણીને ધ્યાન આપે છે તેઓને સમજણ અને આશીર્વાદ આપે છે. પ્રકટીકરણમાં સાતની સંખ્યામાં ઘણા બનાવો બને છે, જે સંખ્યા સંપૂર્ણતા બતાવે છે. આ પુસ્તક બતાવે છે કે ‘ઈશ્વરનો મર્મ’ “સંપૂર્ણ” કે પૂરો કઈ રીતે થાય છે.—પ્રકટી. ૧૦:૭.

૧:૮, ૧૭—“આલ્ફા તથા ઓમેગા” અને “પ્રથમ તથા છેલ્લો” એ નામો કોની વાત કરે છે? “આલ્ફા તથા ઓમેગા” યહોવાહને લાગુ પડે છે. તેમના પહેલાં કોઈ ઈશ્વર હતા નહિ અને કોઈ થશે પણ નહિ. તે જ “આદિ તથા અંત” છે. (પ્રકટી. ૨૧:૬; ૨૨:૧૩) પ્રકટીકરણ ૨૨:૧૩માં યહોવાહને “પ્રથમ તથા છેલ્લો” કહેવામાં આવે છે. તોપણ પ્રકટીકરણના પહેલા અધ્યાયમાં ઈસુને “પ્રથમ તથા છેલ્લો” કહેવામાં આવે છે. એનું કારણ એ કે ઈસુ સૌથી પહેલાં સ્વર્ગમાં જવા સજીવન કરાયા. તેમ જ ખુદ યહોવાહ દ્વારા સજીવન કરાયા હોય એવા છેલ્લા વ્યક્તિ છે.—કોલો. ૧:૧૮.

૨:૭—‘ઈશ્વરનો પારાદૈસ’ શું છે? એ સ્વર્ગ છે, જેમાં જનારા યહોવાહની સંગતમાં રહેશે. તેઓ “જીવનના ઝાડ” પરથી ખાઈને અમર જીવનનું ઈનામ મેળવશે.—૧ કોરીં. ૧૫:૫૩.

૩:૭—ઈસુને “દાઊદની કૂચી” કે ચાવી ક્યારે મળી? એ ચાવી તે કેવી રીતે વાપરે છે? ઈસુ ૨૯ની સાલમાં બાપ્તિસ્મા પામ્યા. તે દાઊદના વંશમાંથી આવનાર રાજા તરીકે પસંદ થયા. ૩૩ની સાલમાં સ્વર્ગમાં યહોવાહના જમણે હાથે બેઠા ત્યારે તેમને દાઊદની ચાવી મળી. એટલે કે તેમને એ રાજના બધા જ હક્કોનો વારસો મળ્યો. અમુક સમય પછી, ઈસુ એ રાજ્ય માટે કામ કરવાની તક બીજાઓને પણ આપવા એ ચાવી વાપરવા માંડ્યા. ૧૯૧૯માં ઈસુએ “દાઊદના ઘરની કૂચી” ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ આપી. તેઓને ‘પોતાની બધી સંપત્તિ’ સોંપી.—યશા. ૨૨:૨૨; માથ. ૨૪:૪૫, ૪૭.

૩:૧૨—ઈસુનું “નવું નામ” શું છે? એ ઈસુને સોંપવામાં આવેલી સત્તા અને આશીર્વાદ છે. (ફિલિ. ૨:૯-૧૧) એ નામ ઈસુ સિવાય બીજું કોઈ જાણી શકતું નથી. ઈસુ સ્વર્ગમાં પોતાના ભાઈઓ પર એ નામ લખીને પાકી દોસ્તી બાંધે છે. (પ્રકટી. ૧૯:૧૨) ઈસુ પોતાને મળેલા આશીર્વાદો તેઓને પણ આપે છે.

આપણે શું શીખી શકીએ?

૧:૩. શેતાની દુનિયાનો ન્યાય કરવાનો યહોવાહનો “સમય પાસે છે.” પ્રકટીકરણનો સંદેશો સમજીને એ પ્રમાણે હમણાં જ જીવીએ.

૩:૧૭, ૧૮. ‘અગ્‍નિથી શુદ્ધ કરેલું સોનું’ ઈસુ પાસેથી વેચાતું લઈને, યહોવાહની નજરે સારાં કામો કરતા રહીએ. (૧ તીમો. ૬:૧૭-૧૯) “ઊજળાં વસ્ત્ર” પણ પહેરી લઈએ. એટલે કે ઈસુના શિષ્યો તરીકે ઓળખાઈએ. વળી, “અંજન” વાપરીએ, જે ચોકીબુરજ મૅગેઝિન જેવા પુસ્તકો છે. એમાંથી યહોવાહના જ્ઞાનની સમજણ મળે છે.—પ્રકટી. ૧૯:૮.

૭:૧૩, ૧૪. પહેલાંના ઈસ્રાએલમાં રાજા દાઊદે યાજકોને ૨૪ ભાગમાં વહેંચી દીધા હતા. પ્રકટીકરણમાં ૨૪ વડીલો સ્વર્ગમાંના ૧,૪૪,૦૦૦ને રજૂ કરે છે. ત્યાં તેઓ રાજાઓ અને યાજકો તરીકે સેવા કરે છે. ૨૪ વડીલોમાંથી એકે યોહાનને મોટી સભાની ઓળખ આપી હતી. ઈશ્વર સ્વર્ગમાં જનારાને ૧૯૩૫ પહેલાંથી સજીવન કરવા લાગ્યા. એ શાના પરથી કહી શકાય? એ જ વર્ષે પૃથ્વી પર બાકી રહેલા સ્વર્ગમાં જનારાને પણ મોટી સભાની ઓળખ આપવામાં આવી.—લુક ૨૨:૨૮-૩૦; પ્રકટી. ૪:૪; ૭:૯.

સાતમી મુદ્રા ખુલે છે, સાત રણશિંગડાં વાગે છે

(પ્રકટી. ૮:૧–૧૨:૧૭)

હલવાન સાતમી મુદ્રા ખોલે છે. સાત સ્વર્ગ દૂતોને સાત રણશિંગડાં આપવામાં આવે છે. એમાંના છ સ્વર્ગ દૂતો રણશિંગડાં વગાડે છે. તેઓ મનુષ્યનો “ત્રીજો ભાગ” એટલે કે ચર્ચોના લોકોને યહોવાહનો ન્યાયચુકાદો જાહેર કરે છે. (પ્રકટી. ૮:૧, ૨, ૭-૧૨; ૯:૧૫, ૧૮) યોહાન એ બધું પાંચમાં સંદર્શનમાં જુએ છે. એ પછીના સંદર્શનમાં યોહાન પોતે નાનો વીંટો ખાય છે અને મંદિરનું માપ લે છે. દૂતે સાતમું રણશિંગડું વગાડ્યા પછી, મોટો અવાજ સંભળાય છે: “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે.”—પ્રકટી. ૧૦:૧૦; ૧૧:૧, ૧૫.

સાતમું સંદર્શન પ્રકટીકરણ ૧૧:૧૫, ૧૭ વિષે વધારે સમજાવે છે. આકાશમાં એક મોટી નિશાની દેખાઈ. સ્વર્ગમાં એક સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. તે સ્ત્રી પર ગુસ્સે ભરાઈને તેનાં ‘બાકીનાં સંતાનની સાથે લડવાને ચાલી નીકળ્યો.’—પ્રકટી. ૧૨:૧, ૫, ૯, ૧૭.

સવાલ-જવાબ:

૮:૧-૫—સ્વર્ગમાં કેમ શાંતિ છવાઈ ગઈ? એના લીધે સ્વર્ગમાંથી પૃથ્વી પર શું નાખવામાં આવ્યું? વિદેશીઓના સમયના અંતે પોતે સ્વર્ગમાં જતા રહેશે, એવું સ્વર્ગમાં જનારા ધારતા હતા. પણ એમ બન્યું નહિ. પહેલા વિશ્વ યુદ્ધના સમયે તેઓને ઘણી મુશ્કેલીઓ પડી. હવે તેઓ માર્ગદર્શન માટે રાત દિવસ પ્રાર્થના કરવા લાગ્યા. એ “સંતોની પ્રાર્થનાઓ” સંભળાય, એ માટે સ્વર્ગમાં જાણે કે શાંતિ છવાઈ ગઈ. એના જવાબમાં યહોવાહે એક સ્વર્ગદૂત દ્વારા જાણે પૃથ્વી પર આગ વરસાવી. સ્વર્ગમાં જનારાનાં દિલમાં ભક્તિની આગ સળગી ઊઠી. તેઓ થોડા જ હતા તોપણ, આખી દુનિયામાં જોરશોરથી યહોવાહના રાજ્યનો પ્રચાર કરવા લાગ્યા. ચર્ચોના લોકોમાં જાણે આગ લગાડી. બાઇબલમાંથી જાણે ગર્જના જેવી ચેતવણીઓ આપવામાં આવી. વીજળીની જેમ બાઇબલ સત્યના ચમકારા થયા. ધરતીકંપથી મકાનો હલે તેમ, નકલી ધર્મોના પાયા હલી ઊઠ્યા.

૮:૬-૧૨; ૯:૧, ૧૩; ૧૧:૧૫—સાત સ્વર્ગ દૂતો પોતાના રણશિંગડાં વગાડવાની તૈયારી ક્યારે કરે છે? ક્યારે અને કેવી રીતે રણશિંગડાં સંભળાયાં? ૧૯૧૯-૧૯૨૨માં સ્વર્ગદૂતોએ સાત રણશિંગડાં વગાડવાની તૈયારી કરી. તેઓએ પૃથ્વી પરના યોહાન વર્ગને માર્ગદર્શન પણ આપ્યું. ત્યાર પછી યોહાન વર્ગ જોરશોરથી પ્રચાર કામ અને છાપકામની ગોઠવણમાં બીઝી થઈ ગયા. (પ્રકટી. ૧૨:૧૩, ૧૪) ૧૯૨૨માં સીદાર પૉઇંટ ઓહાયોના સંમેલનમાં જાણે કે એ રણશિંગડાં સંભળાયાં. એ વખતે શેતાનની દુનિયા વિરૂદ્ધ યહોવાહનો ન્યાયચુકાદો જાહેર થયો. આજે પણ યહોવાહના દૂતો અને ભક્તો એ હિંમતથી જણાવી રહ્યા છે. મહાન વિપત્તિ સુધી જણાવતા રહેશે.

૮:૧૩; ૯:૧૨; ૧૧:૧૪—કઈ રીતે છેલ્લાં ત્રણ રણશિંગડાંનો નાદ “અફસોસ” સાબિત થાય છે? પહેલા ચાર રણશિંગડાંનો નાદ ચર્ચના લોકોની શ્રદ્ધા મરી પરવારી હતી, એમ બતાવતા હતા. જ્યારે કે છેલ્લા ત્રણ ખાસ બનાવોને વિષે જણાવે છે. પાંચમો નાદ જણાવે છે કે ૧૯૧૯માં યહોવાહના લોકો જાણે ‘ઊંડાણમાંથી’ નીકળી આવ્યા. એટલે કે તેઓ ફરી જોરશોરથી પ્રચાર કામમાં મંડી પડ્યા હતા. એના લીધે ચર્ચના લોકોને જાણે પીડા ઊપડી. (પ્રકટી. ૯:૧) છઠ્ઠો નાદ ઘોડેસવારોની સૌથી મોટી સેનાને બતાવે છે, જે ૧૯૨૨થી ખાસ સંદેશો ફેલાવવા માંડી. છેલ્લો નાદ મસીહના રાજ્યના જન્મ વિષે જણાવે છે.

આપણે શું શીખી શકીએ?

૯:૧૦, ૧૯. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પાસેથી આવતા પુસ્તકોનો સંદેશો જોરદાર છે. (માથ. ૨૪:૪૫) એને તીડોની પૂંછડીઓ સાથે સરખાવવામાં આવે છે, જેમાં ‘વીંછી જેવો ડંખ’ છે. એ જાણે કે ઘોડાઓની સેના છે, જેના “પૂંછડાં સાપના જેવાં છે.” એ સંદેશો “દેવના પ્રતિકારનો [બદલાનો] દિવસ” જાહેર કરે છે. (યશા. ૬૧:૨) ચાલો એ પુસ્તકો હિંમત અને હોંશથી આપીએ.

૯:૨૦, ૨૧. ‘બાકીનાં માણસો’ એટલે કે ઘણા એવા દેશો જેઓ બાઇબલમાં માનતા નથી. એવું કહી ન શકાય કે તેઓમાંથી મોટી સંખ્યામાં લોકો યહોવાહનો ભક્તો બનશે. તોપણ આપણે જોરશોરથી પ્રચાર કરવો જોઈએ, કેમ કે ત્યાંના અમુક લોકોએ યહોવાહનો સંદેશો સાંભળ્યો છે.

૧૨:૧૫, ૧૬. ‘પૃથ્વી’ એટલે કે શેતાનની દુનિયાની રાજકીય સત્તા. એ ઘણા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા આપે છે. “અજગરે પોતાના મોંમાંથી છોડી મૂકેલી [સતાવણીની] નદીને,” ૧૯૪૦થી એ સત્તાઓ જાણે કે પી જાય છે. એ રીતે અમુક વાર યહોવાહ પોતાનું ધાર્યું કરાવવા તેઓને વાપરે છે. નીતિવચન ૨૧:૧ કહે છે: “પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.” એ જાણીને યહોવાહમાં આપણી શ્રદ્ધા હજુએ વધે છે. (w09 1/15)