સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સત્ય શીખવવા જેવું બીજું કંઈ નહિ!

સત્ય શીખવવા જેવું બીજું કંઈ નહિ!

સત્ય શીખવવા જેવું બીજું કંઈ નહિ!

‘તમે જઈને શિષ્ય બનાવો.’—માથ. ૨૮:૧૯.

૧-૩. (ક) જેઓ બાઇબલ સ્ટડી ચલાવે છે તેઓને કેવું લાગે છે? (ખ) આપણે કયા સવાલોનો વિચાર કરીશું?

 એક બહેન અમેરિકામાં હિંદી ગ્રૂપમાં છે. તેણે કહ્યું, ‘પાકિસ્તાનથી આવેલા એક કુટુંબ સાથે મેં ૧૧ અઠવાડિયાં સ્ટડી કરી. અમે એકદમ ફ્રેન્ડ્‌ઝ બની ગયા. તેઓ પાછા પાકિસ્તાન જવાના છે, એ જાણીને મારી આંખો ભરાઈ આવી. એની સાથે મને ખુશી હતી કે તેઓને યહોવાહ વિષે શીખવી શકી.’

ઈસુ અને તેમના શિષ્યોને પણ એવી જ ખુશી થઈ હતી. ઈસુએ સિત્તેર શિષ્યોને પ્રચાર કરતા શીખવ્યું. પછી તેઓને પ્રચાર કરવા મોકલ્યા. શિષ્યો સારા સારા અનુભવ સાથે પાછા ફર્યા ત્યારે, ઈસુ ‘હરખાઈ’ ઊઠ્યા. (લુક ૧૦:૧૭-૨૧) તમને પણ અનુભવ થયો હશે કે કોઈ સાથે બાઇબલ સ્ટડી કરવાની કેવી મજા આવે છે. ૨૦૦૭માં આપણે દર મહિને લગભગ ૬૫ લાખ જેટલા લોકો સાથે બાઇબલ સ્ટડી કરવાનો આનંદ માણ્યો!

જોકે આપણામાંના અમુકે હજુ એ આનંદ માણ્યો નથી કે પછી અમુકે થોડાં વર્ષોથી કોઈ સ્ટડી ચલાવી જ નથી. જો એમ હોય તો શું કરી શકાય? આપણને શું મુશ્કેલ લાગે છે? ‘શિષ્ય બનાવવાની’ ઈસુની આજ્ઞા પાળવાથી કેવા આશીર્વાદો મળે છે?—માથ. ૨૮:૧૯.

બાઇબલ સ્ટડી ચાલુ કરવાની મુશ્કેલીઓ

૪, ૫. (ક) અમુક જગ્યાએ લોકો બાઇબલનો સંદેશો સાંભળીને શું કરે છે? (ખ) બીજી જગ્યાઓમાં ભાઈ-બહેનોને કઈ મુશ્કેલી પડે છે?

દુનિયાના અમુક ભાગોમાં લોકો ખુશીથી આપણાં પુસ્તકો લઈને સ્ટડી કરે છે. ઑસ્ટ્રેલિયાના એક પતિ-પત્ની ઝાંબિયામાં થોડો ટાઇમ પ્રચાર કરવા ગયા. તેઓએ લખ્યું: ‘ઝાંબિયામાં પ્રચાર કરવાની બહુ જ મજા આવી. રસ્તા પર પ્રચાર કરતા ત્યારે તો લોકો સામેથી અમારી પાસે આવતા. અરે અમુક તો ખાસ વિષય પર મૅગેઝિન માંગતા.’ ઝાંબિયામાં એક વર્ષે ભાઈ-બહેનોએ બે લાખથી વધારે બાઇબલ સ્ટડી ચલાવી. એ દેશમાં પ્રકાશક કરતાં વધારે સ્ટડીઓ હતી.

જ્યારે કે અમુક જગ્યાએ પુસ્તકો આપવા અને સ્ટડી ચલાવવી અઘરું છે. ઘણી વાર લોકો ઘરે મળતા જ નથી. જેઓ મળે છે તેઓને ધર્મ વિષે કાંઈ જાણવું નથી. તેઓ કદાચ એવા કુટુંબમાં મોટા થયા હોય જેઓ ધાર્મિક ન હોય. અથવા તો તેઓ ધર્મને નામે થતા ધતિંગથી કંટાળી ગયા હોય. ઘણાને ગુરુઓએ છેતર્યા હોવાથી, તેઓનું મન ધર્મ પરથી ઊઠી ગયું છે. (માથ. ૯:૩૬) તેઓને કદાચ બાઇબલની ચર્ચા કરવાનું મન ન થાય, એ સમજી શકાય.

૬. કયાં કારણોને લીધે આપણે કદાચ બાઇબલ સ્ટડી ચાલુ કરતા નથી?

અમુક ભાઈ-બહેનો પહેલાં થાક્યા વગર લોકો સાથે બાઇબલ સ્ટડી કરતા. પણ હવે બીમારી કે ઘડપણ તેઓનો આનંદ છીનવી લે છે. બીજા અમુકને કદાચ મુસા જેવું લાગે છે. યહોવાહે ફારૂનને સંદેશો આપવા જણાવ્યું ત્યારે, મુસાએ કહ્યું: ‘હે પ્રભુ, હું તો વક્તા નથી; કેમકે હું બોલવે ધીમો છું, ને મારી જીભ મંદ છે.’ (નિર્ગ. ૪:૧૦) આપણને એમ થયા કરે કે ‘મને સારી રીતે શીખવતા આવડતું નથી. તો પછી એ વ્યક્તિ કઈ રીતે આગળ વધશે? એના બદલે હું સ્ટડી ચલાવું જ નહિ તો સારું.’ એવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ?

આપણે કેમ પ્રચાર કરવો જોઈએ?

૭. ઈસુ કેમ પ્રચાર કરતા થાક્યા નહિ?

ઈસુએ કહ્યું: ‘મનના ભરપૂરપણામાંથી માણસનું મોં બોલે છે.’ (લુક ૬:૪૫) એટલે સૌથી પહેલા તો વિચારીએ કે ‘આપણે કેમ પ્રચાર કરવો જોઈએ?’ આપણે ઈસુની જેમ બીજાઓના ભલાની ચિંતા કરીએ. જ્યારે તેમણે જોયું કે લોકો યહોવાહ વિષે કંઈ જાણતા નથી, ત્યારે ‘ઈસુને દયા આવી. તેમણે શિષ્યોને કહ્યું કે ફસલ પુષ્કળ છે. તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.’—માથ. ૯:૩૬-૩૮.

૮. (ક) આપણે શું ન ભૂલીએ? (ખ) એક સ્ત્રીએ જે કહ્યું એમાંથી આપણને શું શીખવા મળે છે?

એ ન ભૂલીએ કે કોઈએ આપણને પણ યહોવાહ વિષે શીખવવા ટાઇમ કાઢ્યો, મહેનત કરી. પ્રચાર કરતી વખતે વિચારીએ કે જો આપણે પણ એમ જ કરીએ તો સામેવાળી વ્યક્તિને કેટલો ફાયદો થશે. એક સ્ત્રીએ પોતાના દેશની બ્રાન્ચ ઑફિસને લખ્યું: ‘યહોવાહના સાક્ષીઓ મારા ઘરે આવે છે, એનાથી મને ઘણો ફાયદો થયો છે. મને ઘણા સવાલો હોય છે. તેઓને મોડું થાય તોપણ મને શાંતિથી અને ધીરજથી જવાબ આપે છે. હું યહોવાહ અને ઈસુનો લાખ લાખ શુકર માનું છું!’

૯. લોકોએ ઈસુનું સાંભળ્યું નહિ, તોપણ તેમણે શું કર્યું? આપણે પણ શું કરવું જોઈએ?

ઈસુ જ્યારે લોકોને શીખવતા, ત્યારે બધા સાંભળતા નહિ. (માથ. ૨૩:૩૭) અમુક તો થોડો સમય ઈસુ સાથે રહ્યા, “ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહિ.” (યોહા. ૬:૬૬) તોપણ ઈસુએ પોતાનું કામ નકામું ન ગણ્યું. તેમણે જોયું કે પ્રચાર કામની ફસલ પુષ્કળ છે અને એ કામનો આનંદ લીધો. (યોહાન ૪:૩૫, ૩૬ વાંચો.) માનો કે આપણી ટેરેટરી ઉજ્જડ જમીન જેવી હોય. તોપણ, આપણે કલ્પના કરીએ કે એમાં અનાજ ભરેલાં કણસલાં ઊગશે, એટલે કે સંદેશો સાંભળનારા જરૂર મળશે. ઈસુ જેવું વલણ રાખવા આપણે શું કરવું જોઈએ?

સ્ટડી શરૂ કરવાની આશાથી પ્રચાર કરીએ

૧૦, ૧૧. પ્રચારની મજા લેતા રહેવા શું કરવું જોઈએ?

૧૦ ખેડૂત પુષ્કળ પાક લણવાની આશાથી બી વાવે છે. આપણે પણ બાઇબલ સ્ટડી શરૂ કરવાની આશાથી પ્રચાર કરીએ. આપણે ઘરેઘરે પ્રચાર કરીએ કે લોકોને પાછા મળવા જઈએ ત્યારે, તેઓ ઘરે ન મળે તો શું કરીશું? આપણે નારાજ ન થઈએ, પણ ઘરેઘરે પ્રચાર કરતા રહીએ. આ રીતે હજુ પણ ઘણા લોકો સત્ય શીખે છે.

૧૧ આપણે રસ્તા પર, નોકરીધંધા પર, ફોન દ્વારા પણ પ્રચાર કરી શકીએ છીએ. કદાચ કોઈની સાથે વાત કરી હોય, તેઓને ફોન કરીને પણ સત્ય વિષે વધારે વાત કરી શકાય. એમ કરતા થાકીએ નહિ. આવી જુદી જુદી રીતે પ્રચારની મજા લેતા રહીએ. પછી આપણને પણ બાઇબલ સ્ટડી ચલાવવાનો આનંદ મળશે.

પ્રચારનો આનંદ લેવાની રીતો

૧૨. લોકોને ધર્મમાં રસ ન હોય તો શું કરી શકીએ?

૧૨ લોકોને ધર્મમાં રસ ન હોય તો શું કરી શકીએ? પાઊલે કોરીંથના મંડળને કહ્યું, ‘યહુદીઓને મેળવવા સારૂ હું યહુદી જેવો થયો. નિયમ વગરનાને સારૂ નિયમ વગરના જેવો થયો; ઈશ્વર વિષે નિયમ વગરનો તો નહિ. જેથી હરકોઈ રીતે કેટલાકના ઉદ્ધારને સારૂ હું સર્વેની સાથે સર્વેના જેવો થયો.’ (૧ કોરીં. ૯:૨૦-૨૨) આપણે પણ રજૂઆતમાં ફેરફાર કરીને, લોકોને મનગમતા વિષય પર વાત શરૂ કરીએ. જેમ કે મોટા ભાગે લોકો પોતાનું કુટુંબ સુખી જોવા માંગે છે. ઘણા જીવનનો મકસદ શોધે છે.

૧૩, ૧૪. બીજી કઈ રીતે પ્રચારનો આનંદ માણી શકીએ?

૧૩ લોકોનું મન ધર્મમાંથી ઊઠી ગયું હોય, એવી જગ્યાએ પણ ઘણા ભાઈ-બહેનો પ્રચાર કરવાનો આનંદ માણે છે. સાઈઠેક વર્ષના એક પતિ-પત્નીનો દાખલો લઈએ. પતિ કહે છે: ‘અમારી ટેરેટરીમાં હજારો ચાઇનીઝ લોકો રહે છે. તેઓને સત્ય શીખવવા અમે ચાઇનીઝ ભાષા શીખવા લાગ્યા. રોજ એ ભાષા શીખવા ટાઇમ કાઢવો પડે. પણ અમે ઘણા જ લોકો સાથે સ્ટડી શરૂ કરી છે. તેઓને મદદ કરવાની બહુ જ મજા આવે છે.’

૧૪ બીજી ભાષા શીખી શકાય એમ ન હોય તો, શું કરી શકીએ? તોયે ગુડ ન્યૂઝ ફોર પીપલ ઑફ ઓલ નેશન્સ પુસ્તિકા જરૂર વાપરીએ. તેઓની ભાષામાં આપણાં પુસ્તકો લાવી આપીએ. એ રીતે જુદી જુદી ભાષાના લોકોને સત્ય જણાવવા પ્રયત્ન કરીએ, સમય કાઢીએ. ભૂલીએ નહિ, “જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.”—૨ કોરીં. ૯:૬.

શિષ્યો બનાવવા મંડળનો સાથ

૧૫, ૧૬. (ક) કેમ એકલા હાથે કોઈને યહોવાહના ભક્ત બનાવી ન શકાય? (ખ) મોટી ઉંમરના ભાઈ-બહેન સ્ટડીને કઈ રીતે મદદ કરે છે?

૧૫ મંડળની મદદ વગર, આપણે કોઈને યહોવાહના ભક્ત બનાવી શકતા નથી. વ્યક્તિ મિટિંગમાં આવે છે ત્યારે, તે મંડળનો પ્રેમ અનુભવે છે. એક વ્યક્તિએ કહ્યું, ‘મિટિંગમાં બધા મને મળવા આવે છે, એ મને બહુ જ ગમે છે.’ ઈસુએ કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) ઈસુએ એમ પણ કહ્યું કે આપણે યહોવાહના ભક્ત બનીએ ત્યારે, કદાચ કુટુંબ વિરોધ કરે. (માત્થી ૧૦:૩૫-૩૭ વાંચો.) તોયે હિંમત ન હારીએ, કેમ કે મંડળમાં ‘ભાઈ, બહેન, મા અને છોકરા’ જેવા અનેક ભાઈ-બહેનો મળશે.—માર્ક ૧૦:૩૦.

૧૬ મોટી ઉંમરના ભાઈ-બહેનો પણ બાઇબલ સ્ટડીને મદદ કરી શકે છે. ભલે તેઓ સ્ટડી ચલાવતા નહિ હોય તોપણ, મિટિંગમાં કોમેન્ટથી તેઓ બધાને ઉત્તેજન આપે છે. લાંબા સમયથી “નેકીના માર્ગમાં” ચાલતા હોવાથી, પોતાના દાખલાથી પણ તેઓ મદદ કરે છે. એ જોઈને લોકોને યહોવાહને માર્ગે ચાલવાનું મન થાય છે.—નીતિ. ૧૬:૩૧.

સ્ટડી ચલાવતા ડરીએ નહિ

૧૭. ‘હું સ્ટડી ચલાવી નહિ શકું’ એવું થાય તો શું કરશો?

૧૭ હવે જો તમને થાય કે ‘હું સ્ટડી ચલાવી નહિ શકું,’ તો શું કરશો? ફરીથી મુસાનો વિચાર કરો. યહોવાહે તેમને શક્તિ આપી અને તેમના ભાઈ હારૂનની મદદ આપી. (નિર્ગ. ૪:૧૦-૧૭) ઈસુએ બબ્બેની જોડીમાં શિષ્યોને પ્રચાર કરવા મોકલ્યા હતા. (લુક ૧૦:૧) ઈસુએ વચન આપ્યું છે કે પ્રચાર કરવા યહોવાહ પોતાના ભક્તોને શક્તિ આપશે. (પ્રે.કૃ. ૧:૮) જો સ્ટડી ચલાવવું અઘરું લાગતું હોય, તો યહોવાહની મદદ માટે પ્રાર્થના કરો. કોઈ અનુભવી ભાઈ-બહેનને તમારી સાથે લઈ જાવ. તેમની પાસેથી શીખો. એ ન ભૂલો કે યહોવાહે પોતાનો સંદેશો જણાવવા, આપણા જેવા મામૂલી લોકોને “પસંદ કર્યા છે.”—૧ કોરીં. ૧:૨૬-૨૯.

૧૮. કોઈ શિષ્ય બને એનો આધાર શાના પર છે?

૧૮ કોઈને શિષ્ય બનવા મદદ કરવી, એ કંઈ રસોઈ બનાવવા જેવું નથી. રસોઈ કેવી બને, એનો આધાર મોટા ભાગે રસોઈ બનાવનાર પર હોય છે. પણ કોઈ યહોવાહના ભક્ત બને, એનો આધાર ત્રણ પર હોય છે. સૌથી મહત્ત્વનો ભાગ યહોવાહનો છે. તે સત્ય શીખનાર વ્યક્તિનું દિલ ખોલે છે. (યોહા. ૬:૪૪) બીજું કે મંડળમાં આપણે બધા વ્યક્તિને સત્ય શીખવા મદદ કરીએ છીએ. (૨ તીમોથી ૨:૧૫ વાંચો.) ત્રીજું કે વ્યક્તિ જે શીખે એ તેણે પોતે જીવનમાં ઉતારવું જોઈએ. (માથ. ૭:૨૪-૨૭) આપણે બનતું બધુંય કર્યું હોય છતાં, કોઈ સ્ટડી બંધ કરી દે તો આપણને દુઃખ થાય છે. પણ એમાં આપણો વાંક નથી, કેમ કે ‘દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.’ (રૂમી ૧૪:૧૨) આશા રાખીએ કે તેઓ સ્ટડી ચાલુ રાખીને પ્રગતિ કરતા રહે.

સ્ટડી ચલાવવાના આશીર્વાદો

૧૯-૨૧. (ક) સ્ટડી ચલાવવાથી પોતાને કયો ફાયદો થાય છે? (ખ) આપણે પ્રચાર કરીએ એ જોઈને યહોવાહને કેવું લાગે છે?

૧૯ સ્ટડી ચલાવવાથી આપણને જ ફાયદો થાય છે. એક તો યહોવાહની ભક્તિ જીવનનો ધ્યેય બને છે. બીજું કે સત્યનાં મૂળ આપણા પોતાના દિલમાં ઊંડાં ઊતરે છે. બારાક નામના એક પાયોનિયરે કહ્યું, ‘બીજાને શીખવતા પહેલાં, મારે પોતે શીખવું પડે. સમજવું પડે. એટલે હું બાઇબલની વધારેને વધારે સ્ટડી કરું છું.’

૨૦ જો બાઇબલ સ્ટડી ચલાવતા ન હોવ, તો શું તમારો પ્રચાર નકામો ગયો કહેવાય? ના, એવું નથી. આપણે પ્રચારમાં જે કંઈ કરીએ, એ યહોવાહની નજરમાં અમૂલ્ય છે. આપણે તેમની “સાથે કામ કરનારા છીએ.” (૧ કોરીં. ૩:૬,) પણ જ્યારે કોઈ સ્ટડી યહોવાહની મદદથી પ્રગતિ કરે, ત્યારે આપણને ઘણો જ આનંદ થાય છે. એમી નામની એક પાયોનિયર બહેન કહે છે: ‘બીજાને અમર જીવન મળે એ માટે, યહોવાહ મને વાપરે છે. એટલે વ્યક્તિ જેમ પ્રગતિ કરે તેમ, હું યહોવાહનો વધારેને વધારે અહેસાન માનું છું.’

૨૧ બાઇબલ સ્ટડી ચલાવવા બધા જ પ્રયત્ન કરીશું તો, આપણી શ્રદ્ધા વધશે. નવી દુનિયામાં રહેવાની આપણી આશાની જ્યોત બૂઝાશે નહિ. યહોવાહની શક્તિથી કોઈને અમર જીવન મેળવવા મદદ કરીએ, એ કેટલો મોટો આશીર્વાદ છે!—૧ તીમોથી ૪:૧૬ વાંચો. (w09 1/15)

કેવી રીતે સમજાવીશું?

• બાઇબલ સ્ટડી ચલાવવામાં કેવી મુશ્કેલીઓ આવી શકે?

• લોકોને ધર્મમાં રસ ન હોય તો શું કરી શકીએ?

• સ્ટડી ચલાવવાથી કયા આશીર્વાદો આવે છે?

[અભ્યાસ પ્રશ્નો]