સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકટીકરણના મુખ્ય વિચારો—૨

પ્રકટીકરણના મુખ્ય વિચારો—૨

યહોવાહનો શબ્દ જીવંત છે

પ્રકટીકરણના મુખ્ય વિચારો—૨

જલદી જ યહોવાહને ભજનારાનું શું થશે? જેઓ નથી ભજતા તેઓનું શું થશે? શેતાન અને તેના દુષ્ટ દૂતોનું શું થશે? ઈસુના હજાર વર્ષના રાજમાં ઈશ્વરભક્તોને કેવા આશીર્વાદો મળશે? આવા સવાલોના જવાબ આપણે પ્રકટીકરણ ૧૩:૧–૨૨:૨૧માં જોઈશું. * આ અધ્યાયોમાં પહેલી સદીના અંતે યોહાને જોયેલા ૧૬માંથી છેલ્લાં ૯ સંદર્શનોની ચર્ચા થાય છે.

યોહાને લખ્યું: “આ ભવિષ્યવચનો જે વાંચે છે, ને જેઓ સાંભળે છે, અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે.” (પ્રકટી. ૧:૩; ૨૨:૭) પ્રકટીકરણમાંથી શીખીએ અને એ જીવનમાં ઉતારીએ. પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરીએ. ઈસુમાં પૂરો ભરોસો મૂકીએ. એ પુસ્તક સુંદર ભાવિની આશા આપે છે. *હેબ્રી ૪:૧૨.

ઈશ્વરના કોપના સાત પ્યાલા રેડાયા

(પ્રકટી. ૧૩:૧–૧૬:૨૧)

પ્રકટીકરણ ૧૧:૧૮ જણાવે છે કે ‘દેશોના લોકો ક્રોધે ભરાયા. ઈશ્વરનો કોપ પ્રગટ થયો અને જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો.’ ઈશ્વરનો કોપ કેમ પ્રગટ થયો? આઠમું સંદર્શન ‘દશ શિંગડાં તથા સાત માથાવાળા શ્વાપદનાં’ કામો વિષે જણાવે છે.—પ્રકટી. ૧૩:૧.

યોહાન નવમા સંદર્શનમાં “સિયોન પહાડ પર હલવાન ઊભેલું” જુએ છે. “તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર સંતો” છે. તેઓને “માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.” (પ્રકટી. ૧૪:૧,) પછી દૂતો જાહેરાતો કરે છે. એ પછીના સંદર્શનમાં યોહાન “સાત દૂત અને તેઓની પાસે સાત અનર્થ” જુએ છે. યહોવાહ પોતે આ દૂતોને કોપનાં સાત પ્યાલા રેડવાનો હુકમ કરે છે. કોના ઉપર? શેતાનની દુનિયા પર. એ પ્યાલાઓ શું રજૂ કરે છે? ઈશ્વરની ચેતવણી અને ન્યાયચુકાદાને, જે જલદી જ શેતાનની દુનિયા પર આવી પડશે. (પ્રકટી. ૧૫:૧; ૧૬:૧) આ બે સંદર્શનો ત્રીજી આપત્તિ અને સાતમું રણશિંગડું વાગવા વિષે યહોવાહના ચુકાદા વિષે વધારે જણાવે છે.—પ્રકટી. ૧૧:૧૪, ૧૫.

સવાલ-જવાબ:

૧૩:૮—‘હલવાનનું જીવન પુસ્તક’ શું છે? અહીં યોહાન ચિત્ર ભાષા વાપરે છે. એ પુસ્તકમાં ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા જનારાનાં નામ છે, ભલે તેઓ સ્વર્ગમાં હોય કે હજુ પૃથ્વી પર હોય.

૧૩:૧૧-૧૩—બે શિંગડાંવાળું શ્વાપદ કઈ રીતે અજગરની જેમ વર્તે છે અને આકાશમાંથી પૃથ્વી પર અગ્‍નિ પણ વરસાવે છે? આ બે શિંગડાવાળું શ્વાપદ એટલે એંગ્લો-અમેરિકાની જગત સત્તા. એ જાણે કે અજગરની જેમ બોલે છે, તેની સત્તા સ્વીકારવા લોકોને ધમકી આપીને દબાણ મૂકે છે. હિંસા પણ વાપરે છે. એ આકાશમાંથી અગ્‍નિ વરસાવે છે, એટલે કે પોતાને પ્રબોધક માને છે. એનો દાવો છે કે બે વિશ્વયુદ્ધોમાં દુષ્ટોને કચડી નાખીને, એણે સમાજવાદ સામે જીત મેળવી.

૧૬:૧૭—“વાતાવરણ” કે વાયુ શું છે, જેના પર સાતમો પ્યાલો રેડવામાં આવ્યો? આ વાતાવરણ કે વાયુ શેતાનના વિચારો અને વલણ છે. એ ઝેરી વાયુની અસર આખા જગતમાં જોવા મળે છે. મનુષ્યો જાણે ‘આજ્ઞાભંગના દીકરાઓ’ હોય એમ વર્તે છે.—એફ. ૨:૨.

આપણે શું શીખી શકીએ?

૧૩:૧-૪, ૧૮. “જંગલી શ્વાપદ” એટલે દુનિયાની સરકારો. એ તોફાની માનવ સમાજના “સમુદ્રમાંથી નીકળે છે.” (યશા. ૧૭:૧૨, ૧૩; દાની. ૭:૨-૮, ૧૭) શેતાને જ એને ઊભું કર્યું છે, બળવાન બનાવ્યું છે. એ શ્વાપદને ૬૬૬ નંબર અપાયો છે. એ બતાવે છે કે શ્વાપદ બધી રીતે અપૂર્ણ, અધૂરું છે. એ જાણ્યા પછી બીજા મનુષ્યોની જેમ આપણે એની વાહ વાહ નથી કરતા કે નથી ભક્તિ કરતા.—યોહા. ૧૨:૩૧; ૧૫:૧૯.

૧૩:૧૬, ૧૭. રોજ આપણે ઘણી લેવડ-દેવડ કરવી પડતી હોય છે. એ વખતે ઘણાં દબાણો આવે છે. પરંતુ ‘આપણા કપાળ પર કે હાથ પર જંગલી શ્વાપદની છાપ’ કોઈ પણ રીતે લઈએ નહિ. એટલે કે તેના દબાણોમાં આપણે આવી ન જઈએ. નહિ તો શેતાન આપણાં વાણી-વર્તન પર રાજ કરશે.

૧૪:૬, ૭. સ્વર્ગદૂતની જાહેરાત શીખવે છે કે ઈશ્વરના રાજ્યની ખુશખબરી જણાવવામાં જરાય ઢીલ ન કરીએ. બાઇબલ સ્ટડી કરનારાને યહોવાહ સાથે પાકો નાતો બાંધવા મદદ કરીએ. પછી તેઓ કાયમ યહોવાહની ભક્તિ કરતા રહેશે.

૧૪:૧૪-૨૦. “પૃથ્વીની ફસલ” એટલે જેઓ વિનાશમાંથી બચી જશે. તેઓને ભેગા કર્યા પછી, સ્વર્ગદૂત ‘પૃથ્વીના દ્રાક્ષાવેલાને’ ભેગો કરીને ‘દેવના કોપના દ્રાક્ષાકુંડમાં નાખ્યો.’ એ દ્રાક્ષાવેલો મનુષ્યો પર રાજ કરતી શેતાનની સરકારો છે. એણે દ્રાક્ષાવેલાના ઝૂમખાંની જેમ, ધરતીને પાપથી ભરી દીધી છે. સ્વર્ગદૂત તેઓનો હંમેશ માટે વિનાશ કરશે. આપણે એ દ્રાક્ષાવેલાની અસરમાં ન આવીએ, માટે ચેતતા રહીએ.

૧૬:૧૩-૧૬. “અશુદ્ધ આત્માઓ” શેતાને કરેલો પ્રચાર છે, જે રાજાઓ અને સરકારોને ભમાવે છે. જેથી યહોવાહના કોપના સાત પ્યાલાથી પૃથ્વીના રાજાઓ ડરે નહિ, પણ એકમતે તેમનો વિરોધ કરે.—માથ. ૨૪:૪૨, ૪૪.

૧૬:૨૧. શેતાનની દુનિયાનો અંત નજીક આવે છે. એટલે તેની વિરુદ્ધ યહોવાહના ચુકાદાનો સંદેશ વધારે કડક થતો જાય છે. એ માનવામાં નહિ આવે એવા મોટા મોટા કરા જેવો ભારે હશે. તોપણ મોટાભાગના લોકો નહિ સુધરે. યહોવાહની નિંદા કરતા રહેશે.

વિજયી રાજા રાજ કરે છે

(પ્રકટીકરણ ૧૭:૧–૨૨:૨૧)

મહાન બાબેલોન એટલે સર્વ જૂઠા ધર્મો શેતાનની દુનિયાનો ભાગ છે. અગિયારમું સંદર્શન એ બાબેલોનને “મોટી વેશ્યા” કહે છે. “એક કિરમજી રંગના શ્વાપદ” તે સ્ત્રી જાણે કે ઘણા સાથે વ્યભિચાર કરે છે. પરંતુ એ ‘દસ શિંગડાંવાળું શ્વાપદ’ તેનો પૂરેપૂરો નાશ કરશે. (પ્રકટી. ૧૭:૧, ૩, ૫, ૧૬) એ વેશ્યાને એક “બળવાન નગર” પણ કહેવામાં આવે છે. એનો નાશ થવાનો છે. પછીનું સંદર્શન ભક્તોને ચેતવણી આપે છે કે એમાંથી તરત “નીકળી જાઓ.” એ બળવાન નગરનો નાશ જોઈને ઘણા શોક કરે છે. પણ સ્વર્ગમાં આનંદ છવાઈ જાય છે, કેમ કે ત્યાં ‘હલવાનનું લગ્‍ન’ છે. (પ્રકટી. ૧૮:૪, ૯, ૧૦, ૧૫-૧૯; ૧૯:૭) તેરમા સંદર્શનમાં ‘સફેદ ઘોડાનો’ ઘોડેસવાર દેશો સાથે લડાઈ કરશે. શેતાનની દુનિયાનો અંત લાવશે.—પ્રકટી. ૧૯:૧૧-૧૬.

બાઇબલ જેને ‘અજગર, ઘરડો સર્પ અને શેતાન’ કહે છે, તેનું શું થશે? તે ક્યારે “અગ્‍નિ તથા ગંધકની ખાઈમાં” નંખાશે? ૧૪મું સંદર્શન એ સમજાવે છે. (પ્રકટી. ૨૦:૨, ૧૦) છેલ્લાં બે સંદર્શનો હજાર વર્ષના રાજના જીવનની ઝલક આપે છે. “પ્રકટીકરણ” પૂરું થાય છે તેમ, યોહાન ‘રાજ્યાસનમાંથી નીકળતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે’ જુએ છે. ‘તરસ્યા હોય’ તેઓને આ પાણી પીવાનું આમંત્રણ મળે છે.—પ્રકટી. ૧:૧; ૨૨:૧, ૨, ૧૭.

સવાલ-જવાબ:

૧૭:૧૬; ૧૮:૯, ૧૦—‘પૃથ્વીના રાજાઓ’ પોતે જ જેનો નાશ કરે છે, એના માટે કેમ વિલાપ કરે છે? મહાન બાબેલોન કે જૂઠા ધર્મોનો નાશ કર્યા પછી, તેઓને પસ્તાવો થાય છે. એમાં તેઓનો સ્વાર્થ છુપાયેલો છે. તેઓ ધર્મને નામે કેટલાય ધતિંગ કરતા. લડાઈ માટે સૈનિકોની જરૂર પડે ત્યારે, મહાન બાબેલોન મદદ કરતું. લોકોને આધીન રાખવામાં પણ મહાન બાબેલોનનો કેટલું કામ આવતું. હવે તેઓ શું કરશે!

૧૯:૧૨—‘લખેલા નામ’ વિષે કેમ બીજું કોઈ નહિ, પણ ઈસુ જ જાણે છે? એ નામ યશાયાહ ૯:૬ જેવી કોઈ પદવી કે ખાસ જવાબદારી બતાવે છે. પ્રભુના દિવસમાં ઈસુને એ આશીર્વાદ મળે છે. ફક્ત ઈસુ જ સમજી શકે છે એ કેટલી મોટી પદવી છે. ઈસુ એમાંથી અમુક અધિકાર અને સત્તા ‘કન્યા વર્ગ’ એટલે કે સ્વર્ગમાં જનારાને પણ આપે છે. ઈસુ જાણે કે ‘તેઓ પર પોતાનું નવું નામ લખે છે.’—પ્રકટી. ૩:૧૨.

૧૯:૧૪—આર્માગેદનમાં ઈસુની સાથે કોણ હશે? એ ‘આકાશના સૈન્યમાં’ સ્વર્ગદૂતો હશે. ૧,૪૪,૦૦૦માંથી સજીવન થઈ સ્વર્ગમાં જઈ ચૂકેલા પણ હશે.—માથ. ૨૫:૩૧, ૩૨; પ્રકટી. ૨:૨૬, ૨૭.

૨૦:૧૧-૧૫—‘જીવનના પુસ્તકમાં’ કોનાં નામ લખવામાં આવ્યાં છે? એમાં અમર જીવનનું વરદાન પામશે એવા સ્વર્ગમાં જનારા, પૃથ્વી પર રહેનારા અને ‘ન્યાયીઓનું પુનરુત્થાન પામનારાનાં’ નામ હશે. (પ્રે.કૃ. ૨૪:૧૫; પ્રકટી. ૨:૧૦; ૭:૯) એમાં “અન્યાયીઓનું પુનરુત્થાન” પામનારાનાં નામ હજી નથી. તેઓનું નામ ત્યારે જ લખવામાં આવશે જ્યારે તેઓ હજાર વર્ષના રાજમાં બીજા ‘પુસ્તકમાં લખેલી’ વાતો પ્રમાણે જીવશે. તોપણ, એ નામ કાયમ માટે લખાતાં નથી. હજાર વર્ષના રાજને અંતે તેઓ છેલ્લી કસોટીમાં પાર ઊતરશે ત્યારે જ, તેઓનાં નામ કાયમ માટે જીવનના પુસ્તકમાં લખાશે. (પ્રકટી. ૨૦:૭, ૮) સ્વર્ગમાં જનારાની વાત અલગ છે. તેઓ મરણ સુધી યહોવાહને વળગી રહે તો, તેઓનાં નામ કાયમ માટે જીવનના પુસ્તકમાં લખાય છે.—પ્રકટી. ૩:૫.

આપણે શું શીખી શકીએ?

૧૭:૩, ૫, ૭, ૧૬. ‘સ્ત્રી જેના પર બેઠી છે એ શ્વાપદને’ ઓળખવા ઈશ્વરનું જ્ઞાન આપણને મદદ કરે છે. (યાકૂ. ૩:૧૭) આ જંગલી શ્વાપદ લીગ ઓફ નેશન્સ છે, જે પછી યુનાઈટેડ નેશન્સના નામે ઊભું થયું. એ જાણ્યા પછી, ચાલો આપણે ઈશ્વરના રાજ્યની ખુશખબરી જોરશોરથી જણાવીએ. યહોવાહના ન્યાયચુકાદા વિષે સર્વને ચેતવણી આપીએ.

૨૧:૧-૬. ઈશ્વરના રાજ્યથી આવતા આશીર્વાદોની ભવિષ્યવાણી વિષે કહેવામાં આવ્યું કે ‘તેઓ પૂરી થઈ છે!’ એટલે આપણને પૂરી ખાતરી છે કે એ આશીર્વાદો જરૂર આવશે.

૨૨:૧-૭. “જીવનના પાણીની નદી” એવી ગોઠવણ છે, જેનાથી ઈશ્વરભક્તોનાં પાપ ભૂંસાઈ જશે. મરણનું નામ-નિશાન મિટાવી દેવામાં આવશે. આ પાણી આજે પણ મળે છે. યહોવાહે આમંત્રણ આપ્યું છે કે ‘આવ, અને જીવનનું પાણી મફત લે.’ એને સ્વીકારીએ. બીજાઓને પણ એ આમંત્રણનો લાભ લેવા મદદ કરીએ! (w09 2/15)

[ફુટનોટ્‌સ]

^ પ્રકટીકરણની એક પછી એક કલમની સમજણ માટે પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તક જુઓ.

[પાન ૧૩ પર ચિત્ર]

ઈશ્વરના રાજ્યમાં આપણને કેટલા સરસ આશીર્વાદો મળશે!