સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણે મરિયમની ભક્તિ કરવી જોઈએ?

શું આપણે મરિયમની ભક્તિ કરવી જોઈએ?

શું આપણે મરિયમની ભક્તિ કરવી જોઈએ?

ઈસુ એક વખત જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે એક સ્ત્રીએ મોટેથી કહ્યું, “જે ઉદરમાં તું રહ્યો, અને જે થાનને તું ધાવ્યો તેઓને ધન્ય છે!” એ સાંભળીને શું ઈસુએ એમ કહ્યું કે આપણે બધાએ મરિયમને માન આપવું જોઈએ અને તેની ભક્તિ કરવી જોઈએ? ના, એને બદલે તેમણે કહ્યું, ‘જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે, તેઓને ધન્ય છે!’—લુક ૧૧:૨૭, ૨૮.

અહીંયા જોવા મળે છે કે ઈસુએ પોતાની માતાની કોઈ પણ રીતે ભક્તિ કરવા કહ્યું નહિ. અરે પોતાના શિષ્યોને પણ એમ કરવા કહ્યું નહિ. તો પછી શા માટે આજે લાખો લોકો મરિયમની ભક્તિ કરે છે? એ પ્રશ્નનો જવાબ મેળવવા ચાલો જોઈએ કે મરિયમ વિષે લોકો શું માને છે અને બાઇબલ શું શીખવે છે.

શું મરિયમને પ્રાર્થના કરવી જોઈએ?

સ્વર્ગદૂતે મરિયમને જણાવ્યું હતું કે તેણે ઈશ્વરની એક ભવિષ્યવાણી પૂરી કરવાની હતી. પણ એ પહેલાં સ્વર્ગદૂતે મરિયમને કહ્યું, “હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.” (લુક ૧:૨૮) બીજા બાઇબલ અનુવાદ પ્રમાણે સ્વર્ગદૂતે મરિયમને કહ્યું કે ‘અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તને આશીર્વાદ આપવા ઇચ્છે છે.’ જ્યારે એલિસાબેત મરિયમને મળે છે ત્યારે કહે છે, “સ્ત્રીઓમાં તને ધન્ય છે, ને તારા પેટના ફળને ધન્ય છે!” (લુક ૧:૪૨) આ કલમો પરથી ઘણા ખ્રિસ્તીઓ માને છે કે મરિયમની ઉપાસના કરવી જોઈએ. તેને પ્રાર્થના કરવી જોઈએ.

પણ એ સાચું નથી. ખરું કે મરિયમ મસીહાને જન્મ આપવાની હતી એટલે એલિસાબેત અને સ્વર્ગદૂતે તેને માન આપ્યું. આ એક કારણ છે જેના લીધે કૅથલિકો મરિયમને પ્રાર્થના કરે છે. જ્યારે કે ઈસુએ શિષ્યોને ‘આકાશમાંના બાપને’ પ્રાર્થના કરતા શીખવ્યું. (માત્થી ૬:૯) ઉપરાંત બાઇબલમાં પણ ક્યાંય જોવા મળતું નથી કે આપણે મરિયમને પ્રાર્થના કરવી જોઈએ.

શું મરિયમ સ્વર્ગમાં રાણી છે?

લોકો એવું પણ શીખવે છે કે મરિયમ સ્વર્ગમાં રાણી છે. જ્યારે કે બાઇબલ એવું કંઈ શીખવતું નથી. જોકે બાઇબલ જણાવે છે કે મરિયમને સ્વર્ગમાં એક મોટી જવાબદારી મળી છે.

મરણ પામ્યા પહેલાં ઈસુએ શિષ્યોને જણાવ્યું હતું કે અમુક પસંદ કરાયેલા તેમની સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. (લુક ૨૨:૨૮-૩૦) એ પસંદ કરાયેલા ‘પૃથ્વી પર રાજ કરશે.’ (પ્રકટીકરણ ૫:૧૦) બાઇબલ સાફ જણાવે છે કે એ પસંદ કરાયેલા લોકોમાં મરિયમ પણ છે. પણ શા માટે મરિયમને પસંદ કરવામાં આવી?

એ જવાબ મેળવવા આપણે ઈસુના મરણ સમયનો વિચાર કરીએ. એ વખતે મરિયમ, તેના દીકરાઓ અને બીજા શિષ્યો દુઃખી હોવાથી “પ્રાર્થનામાં લાગુ રહેતા હતા.” કુલ ૧૨૦ લોકો પ્રાર્થના કરવા ભેગા થયા હતા. એમાં અમુક “સ્ત્રીઓ” પણ હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૨-૧૫) એ સમયે તેઓ બધા ઈશ્વરના પવિત્ર આત્માથી ભરપૂર થયા અને અન્ય ભાષાઓ બોલવા લાગ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪.

મરિયમ અને બીજી અમુક સ્ત્રીઓને આ આશીર્વાદ મળ્યો. એને લીધે તેઓ ઈશ્વરના રાજ્યમાં રાજ કરશે. આપણે ખાતરી રાખી શકીએ કે મરિયમ ઈસુ સાથે રાજ કરે છે. (રૂમી ૮:૧૪-૧૭) જલદી જ તેઓ પૃથ્વી પર રાજ કરીને સારા ફેરફારો લાવશે.

પૃથ્વી પર સારા ફેરફારો

પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે પરમેશ્વરે ૧,૪૪,૦૦૦ને પૃથ્વી પરથી પસંદ કર્યા છે. તેઓ ગુજરી જાય છે ત્યારે તેઓને સજીવન કરવામાં આવે છે. તેઓ સ્વર્ગમાંથી ઈસુ સાથે રાજ કરશે અને ન્યાય કરશે. (પ્રકટીકરણ ૧૪:૧, ૪; ૨૦:૪,) તેઓ પરમેશ્વરની મદદથી પૃથ્વી પર ઘણા સારા ફેરફારો કરશે. સુખ-શાંતિ લાવશે. બધાને પરમેશ્વરના માર્ગમાં ચાલવા મદદ કરશે. આખી પૃથ્વી પર બધા સાચા પરમેશ્વરની ભક્તિ કરશે. તેઓને જ અમર જીવન મળશે. (પ્રકટીકરણ ૨૧:૧-૪) એ સમય કેટલો આનંદનો સમય હશે! *

પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવામાં મરિયમે પહેલાં અને હમણાં સ્વર્ગમાં પણ સારો ભાગ ભજવ્યો છે. તેને ઈસુના જન્મ સમયે અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. એવા કપરા સંજોગોમાં પણ તેણે હિંમત રાખી અને ઈશ્વરનું કહ્યું કર્યું. તેણે હંમેશાં નમ્રતા બતાવી અને ઈશ્વરમાં પૂરો ભરોસો રાખ્યો. ઉપરાંત મરિયમે મસીહાને જન્મ આપ્યો, જેના દ્વારા આપણને પાપ અને દુઃખ-તકલીફોમાંથી છુટકારો મળશે. આ બધું જાણીને શું તમને નથી લાગતું કે આપણે મરિયમને આદર આપવો જોઈએ!

મરિયમના જીવન પરથી જોવા મળે છે કે તેણે ફક્ત પરમેશ્વરની જ ઉપાસના કરી. મરિયમ અને બીજા ઈશ્વરભક્તો વિષે બાઇબલ જણાવે છે કે “રાજ્યાસન પર જે બેઠેલો છે તેને [પરમેશ્વરને] તથા હલવાનને [ઈસુ ખ્રિસ્તને] સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો.”—પ્રકટીકરણ ૫:૧૩; ૧૯:૧૦. (w09 1/1)

[ફુટનોટ]

^ એના વિષે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું આઠમું પ્રકરણ જુઓ. એ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૦ પર બ્લર્બ]

મરિયમની નમ્રતા, વિશ્વાસ અને આધીનતાનું અનુકરણ કરીએ