ઇનામ પર નજર રાખીએ
ઇનામ પર નજર રાખીએ
‘હું ઇનામને સારુ, નિશાનની ભણી આગળ ધસું છું.’—ફિલિ. ૩:૧૪.
૧. પાઊલની આગળ કયું ઇનામ રહેલું હતું?
શાઊલ તાર્સસ શહેરના હતા. સુખી કુટુંબમાં મોટા થયા. યહુદી ધર્મનું જ્ઞાન જાણીતા શિક્ષક ગમાલીએલ પાસેથી લીધું. (પ્રે.કૃ. ૨૨:૩) તે દુનિયામાં મોટું નામ બનાવી શક્યા હોત. તોયે એ બધું છોડીને ઈસુના પગલે ચાલ્યા. પછી તે પાઊલ નામે ઓળખાયા. ઈશ્વરે આપેલી આશાના ઇનામ પર તેમણે નજર રાખી. એ ઇનામ ઈસુ સાથે સ્વર્ગમાં રાજા અને યાજક તરીકે રાજ કરવાનું હતું. યહોવાહનું એ રાજ પૃથ્વી પર આશીર્વાદો વરસાવશે.—માથ. ૬:૧૦; પ્રકટી. ૭:૪; ૨૦:૬.
૨, ૩. પાઊલને મન સ્વર્ગમાં અમર જીવનની આશા કેટલી કીમતી હતી?
૨ પાઊલને એ ઇનામ વિષે કેવું લાગ્યું? તેમણે કહ્યું: ‘જે મને લાભકારક હતું, તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યું. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુનું જ્ઞાન ઉત્તમ હોવાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું; એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરૂં.’ (ફિલિ. ૩:૭, ૮) એ જમાનામાં મોટે ભાગે લોકોને મન ધનદોલત, કામધંધો અને સમાજમાં નામ કમાવવું મહત્ત્વનું હતું. પણ પાઊલ જુદી જ માટીના હતા. યહોવાહ વિષે શીખ્યા પછી, પાઊલને મન ધનદોલત હોય કે માન-મોભો, એ બધુંય સાવ કચરો જ હતું.
૩ પાઊલને મન તો યહોવાહ અને ઈસુનું જ્ઞાન જ બધું હતું. એ જ્ઞાન વિષે ઈસુએ યહોવાહને પ્રાર્થના કરી: ‘અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.’ (યોહા. ૧૭:૩) પાઊલની તમન્ના સ્વર્ગમાં અમર જીવવાની હતી. તેમણે ફિલિપી મંડળને લખ્યું: ‘હું ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને સારુ, નિશાનની ભણી આગળ ધસું છું.’ (ફિલિ. ૩:૧૪) સ્વર્ગમાં યહોવાહના રાજ્યમાં સેવા આપવા તેમનું મન તલપતું હતું.
પૃથ્વી પર અમર જીવન
૪, ૫. યહોવાહ પોતાના ભક્તોને કયું ઇનામ આપશે?
૪ યહોવાહે પોતાના મોટા ભાગના ભક્તોને પૃથ્વી પર અમર જીવનની આશા આપી છે. આપણી આરઝૂ પણ એ ઇનામ મેળવવાની છે. (ગીત. ૩૭:૧૧, ૨૯) ઈસુએ પણ કહ્યું: “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.” (માથ. ૫:૫) ઈસુ પોતે નમ્ર છે. ગીતશાસ્ત્ર ૨:૮ પ્રમાણે, ઈસુને આખી પૃથ્વીનો વારસો મળ્યો છે. તેમની સાથે ૧,૪૪,૦૦૦ ભક્તો સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. (દાની. ૭:૧૩, ૧૪, ૨૨, ૨૭) ઈસુનાં “બીજાં ઘેટાં” એટલે નમ્ર લોકો પૃથ્વીનો “વારસો” પામશે, જે ‘જગતનો પાયો નાખ્યા અગાઉ’ તૈયાર કરવામાં આવી હતી. (માથ. ૨૫:૩૪, ૪૬) એમ થશે જ, કેમ કે યહોવાહ ‘કદી જૂઠું બોલી શકતા નથી.’ (તીત. ૧:૨) આપણે પણ યહોશુઆ જેવી ખાતરી રાખીએ, જેણે ઈસ્રાએલીઓને કહ્યું, ‘જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં સફળ થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.’—યહો. ૨૩:૧૪.
૫ યહોવાહની નવી દુનિયા આજના જેવી નહીં હોય. અરે યુદ્ધો, ગુના, ગરીબી, અન્યાય, બીમારી, ઘડપણ કે મરણ પણ નહિ હોય. પૃથ્વી સ્વર્ગ જેવી બની જશે. એ સપનું નથી, હકીકતમાં બનશે. પછી દરરોજ જીવન જીવવા જેવું હશે!
૬, ૭. (ક) ઈસુએ કઈ રીતે નવી દુનિયાના આશીર્વાદોની ઝલક આપી? (ખ) ગુજરી ગયેલા માટે પણ કયો આશીર્વાદ છે?
૬ યહોવાહની શક્તિથી ઈસુએ બતાવ્યું કે એ રાજ્ય પૃથ્વી પર કેવા આશીર્વાદ લાવશે. દાખલા તરીકે, એક માણસ ૩૮ વર્ષથી ચાલી શકતો ન હતો. ઈસુએ તેને કહ્યું કે ચાલતો થા અને તે ચાલવા લાગ્યો. (યોહાન ૫:૫-૯ વાંચો.) બીજો એક દાખલો લઈએ. એકવાર ઈસુએ એક માણસને જોયો, જે ‘જન્મથી આંધળો હતો.’ ઈસુએ તેને દેખતો કર્યો. તે માણસને પૂછવામાં આવ્યું કે તેને કોણે સાજો કર્યો. તેણે કહ્યું: “જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી, કે જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. જો એ માણસ દેવની પાસેથી આવ્યો ન હોત, તો તે કંઈ પણ કરી શકત નહિ.” (યોહા. ૯:૧, ૬, ૭, ૩૨, ૩૩) ઈસુએ “જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યાં.”—લુક ૯:૧૧.
૭ ઈસુએ ફક્ત બીમાર કે અપંગ લોકોને જ સાજા ન કર્યા. અરે, તેમણે તો ગુજરી ગયેલાને પણ જીવતા કર્યા. એક બાર વર્ષની છોકરીનો દાખલો લઈએ. તેના ગુજરી જવાથી, માબાપનું હૈયું વીંધાઈ ગયું. ઈસુએ તે છોકરી પાસે જઈને કહ્યું, ‘છોકરી, હું તને કહું છું, ઊઠ!’ એ છોકરી જીવતી થઈ. છોકરીનાં માબાપ, સગાં-વહાલાંને કેવું લાગ્યું હશે, એની કલ્પના કરો! (માર્ક ૫:૩૮-૪૨ વાંચો.) નવી દુનિયામાં પણ “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” લાખો ને લાખો લોકોને સજીવન કરવામાં આવશે. ત્યારે આપણા આનંદનો પણ પાર નહિ રહે! (પ્રે.કૃ. ૨૪:૧૫; યોહા. ૫:૨૮, ૨૯) બધાને અમર જીવનનો મોકો મળશે.
૮, ૯. (ક) ઈસુના હજાર વર્ષના રાજમાં આદમ પાસેથી વારસામાં મળેલા પાપનું શું થશે? (ખ) સજીવન થયેલાનો ન્યાય શાના આધારે થશે?
૮ ઈસુએ આપેલી કુરબાનીના આશીર્વાદ, હજાર વર્ષના રાજમાં નમ્ર લોકોને મળશે. આદમ પાસેથી વારસામાં મળેલા પાપની અસર સાવ જ નીકળી જશે. (રૂમી ૮:૨૧) જેઓને સજીવન કરવામાં આવશે, તેઓને પાપની સજા નહિ પણ માફી મળશે. (રૂમી ૬:૭) પછી, યહોવાહ ‘સદાને માટે મરણ રદ કરશે; અને તે સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’ (યશા. ૨૫:૮) એ પછી ‘પુસ્તકો ઉઘાડવામાં આવશે.’ એમાંથી ભક્તો નવું નવું શીખશે. (પ્રકટી. ૨૦:૧૨) ‘જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખશે.’ પૃથ્વી આદમે પાપ કર્યા પહેલાં હતી, એવી ફરી થઈ જશે.—યશા. ૨૬:૯.
૯ પછી યહોવાહ સજીવન થયેલાનો ન્યાય કરશે. શાના આધારે? બાઇબલ જણાવે છે: “તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.” (પ્રકટી. ૨૦:૧૨) યહોવાહની દયા, ન્યાય અને પ્રેમનો કેટલો સરસ દાખલો! સજીવન થયેલાનો ન્યાય આદમ પાસેથી વારસામાં મળેલા પાપને આધારે થતો નથી. પણ તેઓએ સજીવન થયા પછી કરેલાં કાર્યોને આધારે થશે. તેઓને નવું જ્ઞાન મળશે. જીવનનો ખરો મકસદ હશે. શેતાનની દુનિયાના કડવા અનુભવો કે “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ. તેઓ મનમાં આવશે નહિ.” (યશા. ૬૫:૧૭) જીવન બસ ખુશીઓથી ભરાઈ જશે! (પ્રકટી. ૨૧:૪) આર્માગેદનમાંથી બચી જનાર “મોટી સભા” પણ એવા જ આશીર્વાદો મેળવશે!—પ્રકટી. ૭:૯, ૧૦, ૧૪.
૧૦. (ક) નવી દુનિયામાં જીવન કેવું હશે? (ખ) ઇનામ પર નજર રાખવા તમે શું કરશો?
૧૦ યહોવાહની નવી દુનિયામાં કોઈ ‘રહેવાસી કહેશે નહિ કે હું માંદો છું.’ (યશા. ૩૩:૨૪) અરે, મરણ પણ નહિ હોય! બધાની તબિયત ફર્સ્ટ ક્લાસ હશે. દરરોજ દિલથી કામ કરવાની અને બધા સાથે હળવા-મળવાની ઇંતેજારી હશે. બધાના દિલમાં એકબીજાનું ભલું કરવાની તમન્ના હશે. જો દુનિયા એવી હોય, તો બીજું શું જોઈએ! યશાયાહ ૩૩:૨૪ અને ૩૫:૫-૭ જેવી કલમો વાંચતી વખતે કલ્પના કરો કે તમે ત્યાં છો. એ રીતે બાઇબલ વાંચવાથી આપણને ઇનામ પર નજર રાખવા મદદ મળશે.
અમુકે ઇનામની કદર કરી નહિ
૧૧. શરૂઆતમાં સુલેમાન કેવો હતો?
૧૧ યહોવાહ નવી દુનિયામાં જે ઇનામ આપવાના છે, એના વિષે આપણે શીખ્યા તો ખરા. પણ ધ્યાન રાખીએ કે આપણી નજર એના પરથી ભટકી ન જાય. સુલેમાનનો દાખલો લઈએ. તે રાજા બન્યો ત્યારે નમ્રતાથી યહોવાહને જ્ઞાન અને બુદ્ધિ માટે પ્રાર્થના કરી. તે યહોવાહના લોકોનો ખરો ન્યાય કરવા માગતો હતો. (૧ રાજાઓ ૩:૬-૧૨ વાંચો.) યહોવાહે “સુલેમાનને ઘણું જ્ઞાન ને સમજશક્તિ” આપી. “પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું.”—૧ રાજા. ૪:૨૯-૩૨.
૧૨. ઈસ્રાએલના રાજાઓને યહોવાહે પહેલેથી કઈ ચેતવણી આપી હતી?
૧૨ સુલેમાન રાજા બન્યો એના વર્ષો પહેલાં, યહોવાહે રાજાઓ માટે સૂચનો આપ્યાં હતાં. જેમ કે, રાજાએ ‘પોતાને સારૂ ઘોડાઓ’ વધારવા નહિ. કેમ નહિ? જો વધારે તો તે રક્ષણ માટે યહોવાહ પર નહિ, પણ પોતાના સૈન્યમાં વધારે ભરોસો મૂકે. બીજું કે ‘રાજાએ ઘણી સ્ત્રીઓ કરવી નહિ, જેથી તેનું મન ભમી ન જાય.’ (પુન. ૧૭:૧૪-૧૭) ઘણી પત્નીઓ રાજા માટે ખતરો હતી. ખાસ કરીને જો બીજા દેવ-દેવીઓને પૂજનારા આજુબાજુના દેશોની હોય, તો રાજાને યહોવાહથી દૂર લઈ જાય.
૧૩. સુલેમાને શા માટે આશીર્વાદો ગુમાવ્યા?
૧૩ યહોવાહનું કહેવું સુલેમાને સાંભળ્યું નહિ. તેણે હજારો ઘોડા અને ઘોડેસવારો રાખ્યા. (૧ રાજા. ૪:૨૬) તેણે ૭૦૦ પત્નીઓ અને ૩૦૦ ઉપપત્નીઓ કરી. એમાંની ઘણી બીજા દેવ-દેવીઓને પૂજતી હતી. સુલેમાનની ‘સ્ત્રીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું; અને તેનું હૃદય તેના ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ ન’ રહ્યું. યહોવાહને એવી ભક્તિથી ખૂબ જ નફરત હતી. એટલે તેમણે સુલેમાનને કહ્યું, ‘હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈશ.’—૧ રાજા. ૧૧:૧-૬, ૧૧.
૧૪. સુલેમાન અને તેની પ્રજાનું શું થયું? ઈસુના જમાનામાં લોકોએ શું કર્યું?
૧૪ યહોવાહે સુલેમાનને ઈસ્રાએલનો રાજા બનાવ્યો હતો, એ તે ભૂલી ગયો. મૂર્તિપૂજા કરવા લાગ્યો. તેની જેમ જ ઈસ્રાએલ પ્રજા પણ યહોવાહને બેવફા બનીને, મૂર્તિપૂજામાં ડૂબી ગઈ. ઈ.સ. પૂર્વે ૬૦૭માં યહોવાહ ઈસ્રાએલીઓ પર વિનાશ લાવ્યા. ખરું કે યહોવાહની ભક્તિ ફરીથી શરૂ થઈ. તોપણ સદીઓ પછી ઈસુએ એ પ્રજાને કહ્યું કે ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.’ ઈસુએ એમ પણ કહ્યું કે ‘જુઓ, તમારૂં ઘર ઉજ્જડ મૂકાયું છે.’ (માથ. ૨૧:૪૩; ૨૩:૩૭, ૩૮) તેઓ યહોવાહને બેવફા બન્યા અને કૃપા ગુમાવી. સિત્તેરની સાલમાં રૂમી લશ્કર આવ્યું. યરૂશાલેમ અને મંદિરનો નાશ કર્યો. ઘણાની કતલ થઈ અને બચી ગયેલાને ગુલામ બનાવ્યા.
૧૫. પહેલી સદીમાં કોણ યહોવાહની ભક્તિ છોડી ગયા?
૧૫ હવે યહુદા ઈસકારીઓતનો વિચાર કરો. તે ઈસુના ૧૨ શિષ્યોમાંનો એક હતો. તેણે ઈસુનો બોધ સાંભળ્યો, ચમત્કારો જોયા. તોયે તેણે એ આશીર્વાદની કદર કરી નહિ. ઈસુ અને શિષ્યો માટે તે દાનની થેલી સાચવતો. પણ ‘તે ચોર હતો અને તેમાં જે નાખવામાં આવતું, એ ચોરી લેતો.’ (યોહા. ૧૨:૬) તેને પૈસો બહુ વહાલો હોવાથી, ત્રીસ ચાંદીના સિક્કા માટે ઈસુને દગો કર્યો. (માથ. ૨૬:૧૪-૧૬) એવો જ દાખલો દેમાસનો પણ છે, જે પાઊલ સાથે હતો. પાઊલે તેના વિષે લખ્યું: ‘દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને છોડીને જતો રહ્યો છે.’—૨ તીમો. ૪:૧૦; નીતિવચનો ૪:૨૩ વાંચો.
તેઓ જેવા ન બનીએ
૧૬, ૧૭. (ક) શેતાન આપણને બેવફા બનાવવા શું કરે છે? (ખ) શેતાનની સામે ટકી રહેવા ક્યાંથી મદદ મળશે?
૧૬ બાઇબલ કહે છે કે “હવે એ સઘળું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું; અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારૂ તે લખવામાં આવ્યું છે.” (૧ કોરીં. ૧૦:૧૧) તેઓના દાખલામાંથી શીખીએ, કેમ કે આપણે આ દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં જીવીએ છીએ.—૨ તીમો. ૩:૧, ૧૩.
૧૭ ‘આ જગતનો દેવ’ શેતાન જાણે છે કે તેના “માટે થોડો જ વખત રહેલો છે.” (૨ કોરીં. ૪:૪; ) તે આપણને કોઈ પણ રીતે બેવફા બનાવવા ચાહે છે. એમ કરવા તે રેડિયો, ટીવી, ફિલ્મો જેવી જગતની ચીજો વાપરે છે. પણ “પરાક્રમની અધિકતા” એટલે યહોવાહની શક્તિથી આપણે શેતાન સામા થઈ શકીએ છીએ. ( પ્રકટી. ૧૨:૧૨૨ કોરીં. ૪:૭) એ માટે યહોવાહની મદદ માટે પ્રાર્થના કરવાનું ચૂકીએ નહિ. અતૂટ ભરોસો રાખીએ કે યહોવાહ ‘પાસે જેઓ માગશે તેને તે પવિત્ર આત્મા’ કે શક્તિ આપશે.—લુક ૧૧:૧૩.
૧૮. શેતાનની દુનિયા વિષે તમને કેવું લાગે છે?
૧૮ જલદી જ શેતાન અને તેનું જગત હંમેશ માટે નાશ પામશે. ફક્ત યહોવાહના ભક્તો બચી જશે. શાસ્ત્ર કહે છે: ‘જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.’ (૧ યોહા. ૨:૧૭) જો આપણને થાય કે યહોવાહની ભક્તિને બદલે, આ જગતમાંથી વધારે ફાયદો થશે, તો એ મૂર્ખતા છે! શેતાનનું જગત ડૂબી રહેલા વહાણ જેવું છે, જેમાંથી બચવા યહોવાહે લાઇફ-બોટ જેવું મંડળ આપ્યું છે. ચાલો આપણે એમાં જ રહીએ. યહોવાહે આપેલા ઇનામના આ વચનમાં અતૂટ ભરોસો રાખીએ: ‘દુષ્ટોનો નાશ થશે; પણ યહોવાહ પર ભરોસો રાખનારાઓ પૃથ્વીનું વતન પામશે.’—ગીત. ૩૭:૯. (w09 3/15)
મુખ્ય વિચારો
• પાઊલને ઇનામ વિષે કેવું લાગ્યું હતું?
• પૃથ્વી પર અમર જીવનારાનો ન્યાય શાના આધારે થશે?
• તમે કેવા નિર્ણય લેશો?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૭ પર ચિત્ર]
બાઇબલ વાંચતી વખતે એ ઇનામની કલ્પના કરો છો?