સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકરાગે યહોવાહની સ્તુતિ કરીએ

એકરાગે યહોવાહની સ્તુતિ કરીએ

એકરાગે યહોવાહની સ્તુતિ કરીએ

“યહોવાહની સ્તુતિ કરો.”—ગીત. ૧૧૧:૧.

૧, ૨. “હાલેલુયાહ” શબ્દનો અર્થ શું થાય? પ્રકટીકરણ ૧૯:૧-૬માં એ શબ્દ કઈ રીતે વપરાય છે?

 “હાલેલુયાહ!” એ શબ્દ વારંવાર ચર્ચમાં સંભળાતો હોય છે. ઘણા વાતવાતમાં પણ એ શબ્દ વાપરે છે. જોકે બહુ થોડા લોકો એનો અર્થ સમજે છે. (તીત. ૧:૧૬) બાઇબલના ઘણા સ્કૉલરોના કહેવા પ્રમાણે “હાલેલુયાહ” શબ્દનો અર્થ “યહોવાહની સ્તુતિ કરો” થાય છે. એક બાઇબલ ડિક્શનરી પ્રમાણે, ‘ગીતશાસ્ત્ર રચનારાઓએ અનેક વાર એ શબ્દ વાપર્યો. એનાથી લોકોને યહોવાહની સ્તુતિ કરવાનું ઉત્તેજન આપ્યું.’

ગુજરાતી બાઇબલમાં ગીતશાસ્ત્ર ૧૧૧:૧ કહે છે “યહોવાહની સ્તુતિ કરો.” ત્યાં મૂળ ભાષામાં હાલેલુયાહ શબ્દ હતો. પ્રકટીકરણ ૧૯:૧-૬માં મૂળ ગ્રીકમાં એ શબ્દ ચાર વખત આવે છે. એ કલમો જણાવે છે માણસોએ બનાવેલા ધર્મોનો અંત આવશે ત્યારે, યહોવાહના ભક્તો ખુશીથી તેમની સ્તુતિ કરશે.

યહોવાહે કરેલી રચના

૩. આપણે કેમ વારંવાર ભેગા મળીએ છીએ?

એકરાગે યહોવાહના ગુણગાન ગાવાનાં ઘણાં કારણો છે. ગીતશાસ્ત્ર ૧૧૧:૧ કહે છે: ‘સભા અને મંડળીમાં હું ખરા હૃદયથી યહોવાહની ઉપકારસ્તુતિ કરીશ.’ આજે પણ આપણે મંડળમાં અને સંમેલનોમાં ભેગા મળીને તેમનો જયજયકાર કરીએ છીએ.

૪. કઈ રીતે યહોવાહનાં કાર્યોની શોધ થાય છે?

“યહોવાહનાં કૃત્યો મહાન છે, તેથી આનંદ માનનારાઓ તેઓને શોધી કાઢે છે.” (ગીત. ૧૧૧:૨) યહોવાહનાં કાર્યો કઈ રીતે ‘શોધી કાઢવામાં’ આવે છે? બાઇબલ વિષેના એક પુસ્તક મુજબ, ઈશ્વરનાં કાર્યો ને સર્જન પર ‘સતત વિચાર અને મનન’ કરવાથી. સૃષ્ટિમાંથી ઘણું જ શીખવા મળે છે. યહોવાહે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રને યોગ્ય જગ્યાએ મૂક્યા છે. એના લીધે પૃથ્વીને પૂરતી ગરમી અને પ્રકાશ મળે છે. રાત-દિવસ થાય છે. મોસમ બદલાય છે. ભરતી-ઓટ આવે છે.

૫. વિશ્વ પરની શોધથી શું જાણવા મળ્યું છે?

વૈજ્ઞાનિકોને આપણી આકાશગંગા ને પૃથ્વી વિષે ઘણું જાણવા મળ્યું છે. તેઓએ ચંદ્ર, એના કદ અને એના ભ્રમણ વિષે ઘણી શોધ કરી છે. યહોવાહે જે રીતે આ બધું ગોઠવ્યું છે, એનાથી જુદી જુદી મોસમ આવે છે. મિકેનિકલ એન્જિનિઅરીંગના પ્રોફેસરે વિશ્વ પર એક લેખ લખ્યો. એમાં કહ્યું: ‘પહેલા વૈજ્ઞાનિકો માનતા કે વિશ્વ આમ જ આવી ગયું. પણ છેલ્લાં ત્રીસ વર્ષોમાં તેઓના વિચારો બદલાયા છે. જેમ સૃષ્ટિનો વધારે અભ્યાસ કરીએ, તેમ વધારે પુરાવા મળે છે કે વિશ્વના રચનાર કોઈ છે.’—ધ ડિઝાઈન્ડ “જસ્ટ સો” યુનિવર્સ.

૬. ઈશ્વરે આપણને જે રીતે બનાવ્યા છે એના વિષે તમને કેવું લાગે છે?

યહોવાહે માનવ શરીર અજોડ રીતે રચ્યું છે! (ગીત. ૧૩૯:૧૪) દાખલા તરીકે, આપણે બોલી શકીએ, સાંભળી શકીએ, લખી-વાંચી શકીએ છીએ. આપણા મગજ અને જ્ઞાનતંત્રમાં જે ક્રિયા થાય છે, એને કોઈ પૂરી રીતે સમજી શક્યું નથી. વળી આપણે ખાવાનું પચાવી શકીએ, હલન-ચલન કરી શકીએ છીએ. અરે, આંગળીઓ અને અંગૂઠાથી પણ ઘણું કામ કરી શકીએ. સુંદર ચિત્ર અને વસ્તુઓ બનાવી શકીએ છીએ. માણસો ભલે ગમે એ બનાવે, પણ આપણા હાથ કે શરીર જેવી કમાલ કરી શકતા નથી. આપણું શરીર ઈશ્વરનો એક ચમત્કાર છે!

યહોવાહનાં મહાન કાર્યો અને ગુણો

૭. બાઇબલ કઈ રીતે ઈશ્વરનું મહાન કાર્ય છે?

બાઇબલ પણ ઈશ્વરનું એક મહાન કાર્ય છે. એમાં બતાવ્યું છે કે ઈશ્વરે આપણા માટે શું કર્યું છે. બાઇબલનું દરેક પુસ્તક જાણે કે એકબીજાના સૂરમાં સૂર પુરાવે છે. એ ‘ઈશ્વરપ્રેરિત છે, તે બોધને માટે ઉપયોગી છે.’ (૨ તીમો. ૩:૧૬) દાખલા તરીકે, ઉત્પત્તિનું પુસ્તક જણાવે છે કે નુહના જમાનામાં કઈ રીતે યહોવાહે બૂરાઈ મીટાવી. નિર્ગમનનું પુસ્તક જણાવે છે કે કઈ રીતે યહોવાહે ઈસ્રાએલીઓને ગુલામીમાંથી છોડાવ્યા. કઈ રીતે તેમણે સાબિત કર્યું કે પોતે જ ખરા ઈશ્વર છે. ગીતશાસ્ત્રના રચનારે કદાચ એ બનાવો યાદ કરીને લખ્યું: “તેનું કામ તેજસ્વી તથા શોભાયમાન છે; અને તેનું ન્યાયીપણું સદાકાળ ટકે છે. તેણે પોતાનાં ચમત્કારી કામોથી પોતાને સારૂ સ્મારક કર્યું છે; યહોવાહ કૃપાળુ તથા દયાથી ભરપૂર છે.” (ગીત. ૧૧૧:૩, ૪) યહોવાહે પહેલાં મહાન કાર્યો કર્યાં હતાં. આજે પણ એમ જ કરે છે. એ બતાવે છે કે યહોવાહનાં કામ “તેજસ્વી તથા શોભાયમાન” છે.

૮, ૯. (ક) યહોવાહનાં કાર્યો કઈ રીતે મનુષ્યોનાં કાર્યોથી સાવ જુદાં છે? (ખ) તમને યહોવાહના અમુક કયા ગુણો બહુ ગમે છે?

એ ભજનના રચનાર યહોવાહની કૃપા, ન્યાયીપણું અને દયા જેવા ગુણોની વાત કરે છે. મોટા ભાગના લોકોનાં વાણી-વર્તનમાં એ ગુણો છે જ નહિ. સ્વાર્થ અને ઘમંડને લીધે માણસો એકબીજાની કતલ કરે છે. પૈસા કમાવા તેઓ લડાઈનાં હથિયારો બનાવે છે. લાખો નિર્દોષ લોકોનાં જીવન તબાહ કરે છે! ગરીબો પર જુલમ ગુજારે છે. દાખલા તરીકે, હજારો વર્ષો પહેલાં મિસર કે ઇજિપ્તના ઘમંડી રાજાઓ પોતાના પિરામિડો બાંધવા ગુલામો પાસે કાળી મજૂરી કરાવતા. આજે પણ લાખો લોકો પર સખત જુલમ થાય છે. એટલું જ નહિ, તેઓનાં કામોથી ‘પૃથ્વીનો નાશ’ થાય છે.—પ્રકટીકરણ ૧૧:૧૮ વાંચો.

જ્યારે કે યહોવાહ એવા નથી! પહેલાના જમાનામાં તેમના ભક્તો ખોટા માર્ગે ચડી ગયા ત્યારે, તેમણે તેઓને પાછા ફરવાની વિનંતી કરી. (હઝકીએલ ૧૮:૨૫ વાંચો.) યહોવાહનું “ન્યાયીપણું સદાકાળ ટકે છે.” તે આપણી સાથે પણ ધીરજથી વર્તે છે, એમાં તેમની કૃપા દેખાય છે. યહોવાહે મનુષ્યોને પાપમાંથી છોડાવવા કુરબાનીની ગોઠવણ કરી. એનાથી તે દયા અને “ન્યાયીપણું દેખાડે” છે.—રૂમી ૩:૨૫, ૨૬.

વચન પાળનાર

૧૦. ઈબ્રાહીમ સાથે કરેલો કરાર યહોવાહે કેવી રીતે પાળ્યો? યહોવાહના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૦ “જેઓ તેના ભક્તો છે તેમને તેણે ખોરાક આપ્યો છે; તે પોતાના કરારનું સદાકાળ સ્મરણ રાખશે.” (ગીત. ૧૧૧:૫) એવું લાગે છે કે ગીતકર્તા અહીં ઈબ્રાહીમ સાથે યહોવાહે કરેલા કરારની વાત કરે છે. યહોવાહે વચન આપ્યું હતું કે ઈબ્રાહીમને સંતાન થશે. તેઓ દુશ્મનો પર જીત મેળવશે. (ઉત. ૨૨:૧૭, ૧૮; ગીત. ૧૦૫:૮, ૯) એ વચન પ્રમાણે, ઈબ્રાહીમના વંશમાંથી ઈસ્રાએલ પ્રજા આવી. સમય જતા, તેઓ ઇજિપ્તની ગુલામીમાં આવી પડ્યા. એ વખતે ‘ઈશ્વરે ઈબ્રાહીમ સાથેના કરાર’ મુજબ ઈસ્રાએલ પ્રજાને ગુલામીમાંથી છોડાવી. (નિર્ગ. ૨:૨૪) યહોવાહે તેઓને દયા બતાવી. તેઓને પૂરતો ખોરાક પૂરો પાડ્યો. સચ્ચાઈના માર્ગે ચાલતા રહેવા માર્ગદર્શન આપ્યું. (પુન. ૬:૧-૩; ૮:૪; નહે. ૯:૨૧) સમય વહેતો ગયો તેમ, તેઓ કેટલીયે વાર યહોવાહના માર્ગથી ભટકી ગયા. તોપણ, યહોવાહે પ્રબોધકો દ્વારા તેઓને પાછા ફરવા અરજ કરી. ઈસ્રાએલીઓને ઇજિપ્તમાંથી છોડાવ્યાના લગભગ ૧,૫૦૦ વર્ષ પછી ઈસુને પૃથ્વી પર મોકલવામાં આવ્યા. મોટા ભાગના યહુદીઓએ ઈસુનો વિરોધ કર્યો. તેમને મારી નાખ્યા. એટલે યહોવાહે પોતાને માટે નવી પ્રજા ઊભી કરી. તેઓ ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ કહેવાય છે. ઈસુ સાથે તેઓ જાણે ઈબ્રાહીમનું સંતાન બને છે. યહોવાહે વચન આપ્યું તેમ, ઈબ્રાહીમના એ સંતાન દ્વારા બધા મનુષ્યો પર ઘણા આશીર્વાદ આવશે.—ગલા. ૩:૧૬, ૨૯; ૬:૧૬.

૧૧. યહોવાહ કઈ રીતે ઈબ્રાહીમ સાથેનો ‘પોતાનો કરાર’ ભૂલ્યા નથી?

૧૧ યહોવાહ ‘પોતાનો કરાર સદાકાળ’ યાદ રાખશે. અને એનાથી આવનારા આશીર્વાદોને વરસાવાનું કદી ભૂલશે નહિ. આજે તે આપણને ૪૦૦થી વધારે ભાષાઓમાં પોતાનું જ્ઞાન શીખવે છે. “દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ,” એવી પ્રાર્થનાનો જવાબ પણ તે અચૂક આપે છે.—લુક ૧૧:૩; ગીત. ૭૨:૧૬, ૧૭; યશા. ૨૫:૬-૮.

યહોવાહની શક્તિ

૧૨. ઈસ્રાએલીઓને કઈ રીતે “વિદેશીઓનો વારસો” મળ્યો?

૧૨ “વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેણે તેઓને પોતાનાં કામોનું પરાક્રમ દેખાડ્યું છે.” (ગીત. ૧૧૧:૬) અહીં ગીતકર્તા કયાં કામોની વાત કરે છે? ઈસ્રાએલીઓને ઇજિપ્તમાંથી આઝાદ કરવામાં આવ્યા એની વાત કરતા હોઈ શકે. યહોવાહ આખરે ઈસ્રાએલીઓને વચનના દેશમાં લઈ આવ્યા. યહોવાહની મદદથી તેઓએ યરદનની પૂર્વ-પશ્ચિમ બાજુનાં રાજ્યો જીતી લીધાં. (નહેમ્યાહ ૯:૨૨-૨૫ વાંચો.) આમ યહોવાહે ઈસ્રાએલીઓને “વિદેશીઓનો વારસો” આપ્યો. યહોવાહની શક્તિનો કેવો પરચો જોવા મળ્યો!

૧૩, ૧૪. (ક) ગીતશાસ્ત્ર ૧૧૧ના લેખકના મનમાં કયા બનાવો હોય શકે? (ખ) યહોવાહની શક્તિથી શું થયું છે?

૧૩ ઈસ્રાએલીઓએ તેઓના બાપદાદા ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબને કોઈ માન બતાવ્યું નહિ. અરે યહોવાહે પણ તેઓ માટે ઘણું કર્યું છતાંય તેઓએ કદર ન બતાવી. એટલે યહોવાહે તેઓને બાબેલોનના હાથમાં સોંપી દીધા. તેઓ ગુલામ થઈ ગયા. (૨ કાળ. ૩૬:૧૫-૧૭; નહે. ૯:૨૮-૩૦) બાબેલોનનું રાજ એવું હતું કે કદીયે ગુલામોને છૂટા કરતા નહિ. તોપણ યહોવાહે ઈસ્રાએલીઓને બાબેલોનના પંજામાંથી છોડાવ્યા. અમુક બાઇબલ સ્કૉલર જણાવે છે કે ગીત ૧૧૧ના રચનાર, ઈસ્રાએલીઓ આઝાદ થયા એ પછી થઈ ગયા હતા. આઝાદી વિષે જાણીને એ ગીત રચનારને યહોવાહની સ્તુતિ કરવાના ઘણા કારણો હતા.—યશા. ૧૪:૪, ૧૭.

૧૪ એના લગભગ પાંચસો વર્ષ પછી, ઈસુની કુરબાનીથી યહોવાહે માણસજાતને પાપ અને મોતની જંજીરમાંથી આઝાદ કર્યા. (રૂમી ૫:૧૨) એ ગોઠવણથી ૧,૪૪,૦૦૦ મનુષ્યોને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો મોકો મળ્યો. ૧૯૧૯માં યહોવાહે સ્વર્ગમાં જનારાને જૂઠા ધર્મની ગુલામીમાંથી આઝાદ કર્યા. તેઓ મરણ સુધી યહોવાહને વળગી રહેશે, તો સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરશે. પૃથ્વી પર આશીર્વાદ વરસાવવા મદદ કરશે. (પ્રકટી. ૨:૨૬, ૨૭; ૫:૯, ૧૦) પહેલાંના ઈસ્રાએલીઓ કરતાં તેઓને મોટો વારસો મળશે. (માથ. ૫:૫) આ બધું યહોવાહની શક્તિથી થયું છે.

યહોવાહના સિદ્ધાંતો કદી બદલાતા નથી

૧૫, ૧૬. (ક) યહોવાહના હાથનાં કામોમાં બીજું શું આવે છે? (ખ) ઈસ્રાએલીઓને યહોવાહે કેવી આજ્ઞાઓ આપી હતી?

૧૫ ‘તેના હાથનાં કામ સત્ય તથા ન્યાયી છે. તેની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે. તેઓ સદા સ્થિર છે, અને સત્યતાથી તથા પ્રમાણિકપણે કરવામાં આવેલી છે.’ (ગીત. ૧૧૧:૭, ૮) ‘યહોવાહના હાથનાં કામોમાં’ તેમણે ઈસ્રાએલી લોકોને આપેલી દસ મહત્ત્વની આજ્ઞાઓ પણ છે. એ બે શિલાપાટીઓ પર લખવામાં આવી હતી. (નિર્ગ. ૩૧:૧૮) એ આજ્ઞાઓ અને બીજા નિયમો મુસાના નિયમ કરાર તરીકે ઓળખાય છે. એના સિદ્ધાંતો કદી બદલાતા નથી.

૧૬ એ શિલાપાટીના એક નિયમમાં યહોવાહે કહ્યું, ‘હું તારો આસ્થાવાન ઈશ્વર છું.’ એટલે કે મારા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને જરાય ગમતું નથી. યહોવાહે એમ પણ જણાવ્યું કે હું “મારા પર જેઓ પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું.” એ શિલાપાટીમાં આમ પણ લખ્યું હતું: “તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ.” “તું ચોરી ન કર.” પારકી ચીજોનો ‘લોભ ન રાખ.’—નિર્ગ. ૨૦:૫, ૬, ૧૨, ૧૫, ૧૭.

આપણો ઉદ્ધાર કરનાર

૧૭. ઈસ્રાએલીઓએ શું યાદ રાખવાની જરૂર હતી?

૧૭ “તેણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે; તેનું નામ પવિત્ર તથા ભયાવહ છે.” (ગીત. ૧૧૧:૯) ફરીથી ગીતકર્તાએ ઈબ્રાહીમને આપેલું યહોવાહનું વચન યાદ કર્યું હશે. એ વચન પાળવા યહોવાહે પોતાના ભક્તોને ઇજિપ્ત અને બાબેલોનની ગુલામીમાંથી આઝાદ કર્યા. ઈસ્રાએલીઓએ આ બે બનાવોને યાદ રાખીને યહોવાહનું નામ પવિત્ર મનાવ્યું હોત તો કેવું સારું થાત!—નિર્ગમન ૨૦:૭; રૂમી ૨:૨૩, ૨૪ વાંચો.

૧૮. યહોવાહના ભક્તો તરીકે ઓળખાવાથી તમને કેવું લાગે છે?

૧૮ યહોવાહે આપણને પાપ અને મોતની ગુલામીમાંથી આઝાદ કર્યા છે. એટલે આપણે ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે કહીએ: “તારૂં નામ પવિત્ર મનાઓ.” (માથ. ૬:૯) યહોવાહના ભક્તો તરીકે ઓળખાવું એ આપણા માટે એક લહાવો છે. એ માટે ડગલે ને પગલે વિચારવું જોઈએ કે યહોવાહને શું ગમશે, શું નહિ ગમે. પછી એ પ્રમાણે જીવીએ. ૧૧૧મુ ગીત રચનારની પણ એ જ તમન્‍ના હતી. એટલે તેમણે કહ્યું: “યહોવાહનું ભય તે બુદ્ધિનો આરંભ છે; જેઓ તેની આજ્ઞાઓ પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે.”ગીત. ૧૧૧:૧૦.

૧૯. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ યહોવાહને નજર સામે રાખીને જીવીએ તો જે ખરાબ છે, એને નફરત કરીશું. યહોવાહ જેવા ગુણો કેળવી શકીશું. હવે પછીના લેખમાં આપણે ગીતશાસ્ત્ર ૧૧૨ની ચર્ચામાંથી એ વિષે વધારે શીખીશું. એ લેખ એ પણ બતાવશે કે કઈ રીતે આપણે બીજા ભક્તો સાથે મળીને ‘યહોવાહની સ્તુતિ સર્વકાળ’ કરી શકીએ.—ગીત. ૧૧૧:૧૦. (w09 3/15)

આ સવાલોનો વિચાર કરો

• આપણે બધાએ કેમ યહોવાહની સ્તુતિ કરવી જોઈએ?

• યહોવાહનાં મહાન કામોમાંથી કયા ગુણો દેખાઈ આવે છે?

• યહોવાહના ભક્તો તરીકે ઓળખાવાથી તમને કેવું લાગે છે?

[અભ્યાસ પ્રશ્નો]