સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના ભક્તોની આસપાસ “દૂત છાવણી કરે છે”

યહોવાહના ભક્તોની આસપાસ “દૂત છાવણી કરે છે”

યહોવાહના ભક્તોની આસપાસ “દૂત છાવણી કરે છે”

ક્રિસાબેલ કોનેલનો અનુભવ

ક્રિસ્ટોફર બાઇબલ વિષે એક પછી એક સવાલો પૂછતો હતો. અમે એના જવાબ આપવામાં એટલા મશગૂલ હતા કે સમયનું ભાન જ ન રહ્યું. અમને એ પણ ખ્યાલ ન રહ્યો કે તે કેમ વારંવાર બારી બહાર જોયા કરતો હતો. આખરે તેણે કહ્યું, “ચાલો, સબ સલામત છે!” પછી તે અમારી સાઇકલ સુધી મૂકવા આવ્યો. તેણે બારીની બહાર એવો કયો ખતરો જોયો?

હુંક્રિસાબેલ અર્લ. મારો જન્મ ૧૯૨૭માં ઇંગ્લૅંડના શેફીલ્ડ શહેરમાં થયો. બીજા વિશ્વયુદ્ધના બૉંબમારામાં અમારું ઘર ઉજ્જડ થઈ ગયું. મારું ભણતર પૂરું કરવા મને મારાં નાનીમા પાસે મોકલી દેવામાં આવી. હું કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી હતી. ત્યાં મેં ઘણી નનને પૂછ્યું કે કેમ હિંસા? કેમ આટલી બધી બૂરાઈ? તેઓએ અથવા બીજા કોઈ ધાર્મિક લોકોએ મને બરાબર જવાબ આપ્યો નહિ.

બીજા વિશ્વયુદ્ધ પછી, મેં નર્સની ટ્રેનિંગ લીધી. મને લંડનની પેડીંગટન જનરલ હૉસ્પિટલમાં નોકરી મળી. શહેરમાં હિંસાનો કોઈ પાર ન હતો. મારો મોટો ભાઈ કોરિયાના યુદ્ધમાં ગયો, પણ મેં તો હૉસ્પિટલની બહાર જ મારામારી જોઈ. એક માણસને માર મારવામાં આવ્યો. બિચારાને કોઈએ મદદ ન કરી. તેણે આંખો ગુમાવી! લગભગ એ જ સમયે મારી મમ્મી મને જંતર-મંતરમાં માનનારા પાસે લઈ ગઈ. તોપણ, મને જવાબ ન મળ્યો કે દુનિયામાં આટલી બૂરાઈ કેમ છે!

પવિત્ર શાસ્ત્રની સ્ટડી કરવા ઉત્તેજન

એક દિવસ મારા મોટા ભાઈઓમાંથી એક, જોન મને મળવા આવ્યા. તે યહોવાહના સાક્ષી હતા. તેમણે પૂછ્યું, “તને ખબર છે કેમ દુનિયામાં બૂરાઈ વધતી જાય છે?” મેં કહ્યું, “ના.” તેમણે બાઇબલમાંથી પ્રકટીકરણ ૧૨:૭-૧૨ વાંચ્યું. પછી મને સમજાયું કે દુનિયાની દુષ્ટતા પાછળ શેતાન ને તેના ચેલાઓ છે! મારા ભાઈનું કહેવું માનીને મેં બાઇબલ સ્ટડી ચાલુ કરી. પણ લોકોના ડરથી હું યહોવાહની સાક્ષી ન બની.—નીતિ. ૨૯:૨૫.

મારાં મોટાં બહેન ડોરોથી પણ યહોવાહના સાક્ષી હતાં. તે ન્યૂ યૉર્કમાં (૧૯૫૩) ઇન્ટરનેશનલ સંમેલનમાં ગયાં હતાં. તે પોતાના મંગેતર બીલ રોબર્ટ્‌સ સાથે મને મળવા આવ્યા. મેં જણાવ્યું કે મેં પણ બાઇબલ સ્ટડી કરી છે. બીલે મને પૂછ્યું, ‘તેં બધી કલમો વાંચી હતી? પુસ્તકની તૈયારી કરી હતી?’ મેં કહ્યું, ના. તેમણે તરત કહ્યું: ‘તો પછી તેં સ્ટડી કરી કહેવાય જ નહિ. પાછી સ્ટડી ચાલુ કર!’ લગભગ એ જ સમયે મને દુષ્ટ દૂતો બહુ હેરાન કરવા લાગ્યા. મને યાદ છે કે મેં યહોવાહને પ્રાર્થના કરી કે મારું રક્ષણ કરે. મને દુષ્ટ દૂતોથી બચાવે.

સ્કૉટલૅન્ડ અને આયર્લૅન્ડમાં પાયોનિયર કામ

મેં જાન્યુઆરી ૧૬, ૧૯૫૪માં બાપ્તિસ્મા લીધું. નર્સ તરીકેની જૉબનો કોન્ટ્રાક્ટ મે મહિનામાં પૂરો થયો. જૂનથી પાયોનિયર કામ ચાલુ કર્યું. આઠેક મહિના પછી, મને ગ્રેન્જમથ, સ્કૉટલેન્ડમાં સ્પેશિયલ પાયોનિયર તરીકે મોકલવામાં આવી. ત્યાં હું છૂટાછવાયા એરિયામાં પ્રચાર કરતી હતી. ત્યાં મને અનુભવ થયો કે મારી આસપાસ યહોવાહના “દૂત છાવણી કરે છે.”—ગીત. ૩૪:૭.

૧૯૫૬માં મને આયર્લૅન્ડમાં પ્રચાર કરવા બોલાવવામાં આવી. બીજી બે બહેનો અને હું ગૉલવે શહેર ગયા. હું પહેલી જ વાર ત્યાં પ્રચારમાં ગઈ. પહેલું જ ઘર પાદરીનું હતું. થોડી જ મિનિટોમાં પોલીસ આવ્યો. અમને પોલીસ સ્ટેશને લઈ ગયો. અમારું નામ-સરનામું લઈને, તેણે ફોન લગાડ્યો. અમે તેને એમ કહેતા સાંભળ્યો, “હા ફાધર, મને ખબર છે તેઓ ક્યાં રહે છે.” પેલા પાદરીએ તેને મોકલ્યો હતો! અમારા મકાન-માલિકનું આવી બન્યું. અમને તરત ઘર ખાલી કરવા કહ્યું. બ્રાંચ ઑફિસે અમને એ એરિયા છોડી દેવા કહ્યું. અમે રેલવે સ્ટેશને મોડા પહોંચ્યા હોવાથી થયું કે ટ્રેન ચૂકી જઈશું. પણ ટ્રેન ઊભી હતી. તેઓએ એક માણસને ખાતરી કરવા ત્યાં ઊભો રાખ્યો હતો કે અમે એ ટ્રેનમાં જ શહેર છોડી જઈએ. અમને ત્યાં હજુ તો ત્રણ જ અઠવાડિયાં થયાં હતાં!

પછી અમને લિમરિક શહેરમાં મોકલ્યા. ત્યાં પણ કૅથલિક ચર્ચનું રાજ ચાલતું હતું. લોકોનાં ટોળાં અમને બૂમાબૂમ કરતાં. ઘણા લોકો ડરના માર્યા બારણું ખોલતા નહિ. એકાદ વર્ષ પહેલાં, નજીકના ગામ ક્લૂનલારામાં એક ભાઈને મારવામાં આવ્યો હતો. એટલે શરૂઆતમાં જણાવ્યું એમ, અમે ક્રિસ્ટોફરને મળ્યા ત્યારે, અમારી ખુશીનો પાર ન રહ્યો. તેણે અમને વધારે ચર્ચા કરવા પાછા બોલાવ્યા હતા. અમે તેના ઘરમાં હતા ત્યારે, પાદરીએ આવીને ક્રિસ્ટોફરને કહ્યું કે અમને કાઢી મૂકે. ક્રિસ્ટોફરે પાદરીને કહ્યું: “મેં તેઓને બોલાવ્યા છે. ઘરમાં આવતા પહેલાં તેઓએ બારણું ખખડાવ્યું. તમને મેં બોલાવ્યા નથી અને અંદર આવતા પહેલાં, તમે બારણું પણ ખખડાવ્યું નહિ.” પાદરી ગુસ્સાથી લાલચોળ થઈને જતો રહ્યો.

પાદરીએ ક્રિસ્ટોફરના ઘરની બહાર માણસોને ભેગા કરી રાખ્યા હતા. અમે ઘરની બહાર નીકળીએ એટલી જ વાર હતી. અમને ખબર ન હતી, પણ ક્રિસ્ટોફરે એ જોઈ લીધું હતું. એટલે શરૂઆતમાં જણાવ્યું એમ બન્યું. તે એક પછી એક સવાલો પૂછતો રહ્યો, જેથી અમે બહાર ન જઈએ. બહાર માણસો રાહ જોઈ જોઈને ચાલ્યા ગયા પછી જ, ક્રિસ્ટોફરે અમને જવા દીધા. પછીથી અમને ખબર પડી કે તેણે પોતાના કુટુંબ સાથે એ એરિયા છોડીને ઇંગ્લૅન્ડ ચાલ્યા જવું પડ્યું.

ગિલયડ સ્કૂલ

૧૯૫૮માં ન્યૂ યોર્કમાં ડીવાઈન વીલ ઇન્ટરનેશનલ એસેમ્બલીમાં જવાનો મેં પ્લાન કર્યો. એ જ વખતે ગિલયડના ૩૩મા ક્લાસમાં જવાનો મને પત્ર મળ્યો. એસેમ્બલી પછી તરત મને કેનેડાના ઓન્ટેરિયોમાં કોલીંગવૂડ શહેરમાં પ્રચાર કરવા મોકલવામાં આવી, જેથી ત્યાંથી સીધા ગિલયડ જઈ શકાય. ત્યાંથી ૧૯૫૯માં હું ગિલયડ સ્કૂલમાં ગઈ. જોકે એ પહેલાં એસેમ્બલીમાં હું એરીક કોનેલને મળી હતી. તે ભાઈ ૧૯૫૭માં સત્યમાં આવ્યા અને ૧૯૫૮થી પાયોનિયર કામ કરતા હતા. એસેમ્બલી પછી તે ભાઈ મને કેનેડામાં અને મારી ગિલયડ સ્કૂલના કોર્સ વખતે પણ દરરોજ પત્ર લખતા! મને થતું કે ગિલયડ પછી હવે અમે શું કરીશું.

ગિલયડ સ્કૂલ મારા જીવનનો યાદગાર પ્રસંગ હતો. મારાં મોટાં બેન ડોરોથી અને બનેવી પણ ગિલયડ સ્કૂલના એ જ ક્લાસમાં હતા. તેઓને મિશનરી તરીકે પોર્ટુગલ મોકલવામાં આવ્યા. પણ મારે આયર્લૅન્ડ જવાનું હતું, એ માની જ ન શકી. મને દુઃખ થયું કે હું મારાં બેન સાથે જવાની ન હતી. મેં તો અમારા એક ટીચરને પૂછ્યું પણ ખરું કે મારાથી કંઈ ભૂલ થઈ છે કે કેમ. ભાઈએ કહ્યું, ‘ના. તું અને આઇલીન માહોની દુનિયામાં ગમે ત્યાં જવા તૈયાર છો,’ જેમાંની એક જગ્યા આયર્લૅન્ડ છે.

આયર્લૅન્ડ પાછી આવી

હું ઑગસ્ટ, ૧૯૫૯માં પાછી આયર્લૅન્ડ આવી. મને ડનલેરે મંડળમાં મૂકવામાં આવી. ત્યાં સુધી એરીક પણ પાછા ઇંગ્લૅન્ડ આવી ગયા હતા. હું તેમનાથી બહુ દૂર ન હતી, એટલે તેમને ઘણી ખુશી થઈ. તેમને પણ મિશનરી બનવું હતું. એ સમયે મિશનરીઓને આયર્લૅન્ડ પણ મોકલતા. એટલે તેમણે વિચાર કર્યો કે પોતે ત્યાં પાયોનિયર કામ કરશે. તે પણ ડનલેરે આવીને રહેવા લાગ્યા અને અમે ૧૯૬૧માં લગ્‍ન કર્યા.

છ મહિના પછી એરીક બાઇક પર જતા હતા ને એક્સિડન્ટ થયો. તેમની ખોપરીમાં ફ્રેક્‌ચર થયું. ડૉક્ટરોને ભરોસો ન હતો કે તે બચશે કે નહિ! તેમને ત્રણ અઠવાડિયાં હૉસ્પિટલમાં રહેવું પડ્યું. પછી પાંચ મહિના સુધી મેં ઘરે તેમની સંભાળ રાખી અને તે સાજા થયા. ઈશ્વર વિષે લોકોને જણાવવા મારાથી બને એ કરતી રહી.

૧૯૬૫માં અમને ઉત્તર-પશ્ચિમ કિનારે આવેલા બંદર, સ્લીગો મોકલવામાં આવ્યા. એ મંડળમાં ફક્ત આઠ જ પ્રકાશકો હતા. ત્રણેક વર્ષ પછી, હજુયે ઉત્તરે આવેલા નાનકડા મંડળ લંડનડેરી ગયા. એક દિવસ અમે પ્રચાર કરીને પાછા ઘરે આવ્યા. અમે જોયું કે રોડ પર કાંટાવાળા તાર બાંધી દેવાયા હતા. ઉત્તર આયર્લૅન્ડમાં તકલીફો શરૂ થઈ હતી. યુવાનિયાના ટોળા વાહનો બાળી નાખવા લાગ્યા. શહેરમાં પ્રોટેસ્ટંટ અને કૅથલિકના એરિયામાં ભાગલા પડી ગયા હતા. શહેરના એકથી બીજા એરિયામાં જવું જોખમી હતું.

તકલીફોમાં જીવવું

ઘણી તકલીફો છતાં અમે બધી બાજુ ઈશ્વરનો સંદેશો જણાવતા રહ્યા. અમારી આસપાસ જાણે દૂતો હતા. જ્યારે જ્યારે ધમાલ ચાલુ થતી, ત્યારે અમે એ એરિયામાંથી તરત નીકળી જતા. જરા શાંતિ થાય પછી પાછા આવતા. એક વખત અમારા ઍપાર્ટમેન્ટની નજીક જ ધમાલ થઈ. બાજુના પેઇન્ટ સ્ટોરમાંથી કોઈ બળતી ચીજ અમારી બારી પાસે આવીને પડી. એ રાતે અમને ઊંઘ ન આવી, કોને ખબર ક્યારે અમારા ઍપાર્ટમેન્ટને આગ લાગે! ૧૯૭૦માં અમે બેલફાસ્ટ રહેવા ગયા. પછી જાણવા મળ્યું કે ફરીથી પેલા પેઇન્ટ સ્ટોરમાં પેટ્રોલ બૉંબ નાખીને આગ લગાડવામાં આવી હતી. આ વખતે પહેલાંનો અમારો ઍપાર્ટમેન્ટ પણ બળીને ખાખ થઈ ગયો!

એક વાર હું એક બહેન સાથે પ્રચારમાં ગઈ. અમે જોયું કે બારી પાસે પાઇપનો ટૂકડો પડ્યો હતો. અમે ઊભા ન રહ્યા, ચાલ્યા કર્યું. થોડી જ મિનિટોમાં ભડાકો થયો. એ પાઇપમાં બૉંબ મૂકવા લોકો અમને દોષ દેવા લાગ્યા. પણ ત્યારે જ એ એરિયામાં રહેતી એક બહેને અમને ઘરમાં બોલાવ્યા. અડોશી-પડોશીની શંકા દૂર થઈ!

૧૯૭૧માં અમે એક બહેનને મળવા લંડનડેરી ગયા. તેમને વાતવાતમાં જણાવ્યું કે અમે કઈ રીતે ચેક-પોઇંટ વટાવીને આવ્યા. તેમણે નવાઈથી પૂછ્યું કે ‘ચેક-પોઇંટ પર કોઈ નʼતું?’ અમે કહ્યું કે ‘હતા, પણ અમને રોક્યા નહિ.’ એ બહેન માની જ ન શકી. તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલાં, ચેક-પોઇંટ પર સૈનિકોએ એક ડૉક્ટર અને એક પોલીસની કાર બાળી નાખી હતી!

૧૯૭૨માં અમે કૉર્ક શહેર રહેવા ગયા. પછી અમે આર્કલો (નાસ) કહેવાતા શહેરમાં ઈશ્વરનો સંદેશ જણાવ્યો. આખરે ૧૯૮૭માં અમને કાસલબાર મૂકવામાં આવ્યા, જ્યાં અમે આજે પણ છીએ. અહીં અમને કિંગ્ડમ હૉલ બાંધવાનો મોટો આશીર્વાદ મળ્યો. ૧૯૯૯માં એરીક સખત બીમાર પડ્યા. તોપણ, યહોવાહની શક્તિ અને મંડળના પ્રેમથી મને બહુ જ મદદ મળી. ફરીથી એરીક સાજા થયા ત્યાં સુધી મેં તેમની સંભાળ રાખી.

એરીક સાથે હું બે વાર પાયોનિયર સ્કૂલ જઈ આવી. તે મંડળમાં વડીલ છે. મને સંધિવા બહુ હેરાન કરે છે. બંને થાપામાં અને ઘૂંટણોમાં મોટાં મોટાં ઑપરેશનો થયાં. મેં ધાર્મિક અને સામાજિક રીતે ઘણું સહ્યું. સરકારની ઊથલ-પાથલમાંથી પણ બચી ગઈ છું. તોપણ સૌથી મોટી કસોટી ત્યારે આવી, જ્યારે મારે ડ્રાઇવીંગ છોડવું પડ્યું. હવે હું મન ફાવે ત્યાં જઈ શકતી નથી. મંડળ બહુ જ મદદ કરે છે, સંભાળ રાખે છે. હું લાકડીની મદદથી હરી-ફરી શકું છું. થોડું વધારે દૂર જવું હોય તો, બેટરીથી ચાલતી ત્રણ પૈંડાવાળી સાઇકલ વાપરું છું.

મેં અને એરીકે સાથે મળીને ૧૦૦થી વધારે વર્ષો સ્પેશિયલ પાયોનિયર તરીકે પ્રચાર કર્યો. એમાંનાં ૯૮ વર્ષ અહીં આયર્લૅન્ડમાં! અમે રિટાયર્ડ થવાનો તો વિચાર જ કર્યો નથી. અમે જે કંઈ કર્યું એ યહોવાહની શક્તિથી કર્યું છે. તેમના ભક્તોની આસપાસ તેમના શક્તિશાળી “દૂત છાવણી કરે છે.” (w09 3/15)