શું તમે પોતાની પસંદગી જતી કરશો?
શું તમે પોતાની પસંદગી જતી કરશો?
બે બાળકો સાથે રમતાં હતાં. રમતા રમતા એકે રમકડું ઝૂંટવીને બૂમ પાડી, ‘મારું છે!’ એ બતાવે છે કે બચપનથી જ બાળકમાં સ્વાર્થ દેખાઈ આવે છે. (ઉત. ૮:૨૧; રૂમી ૩:૨૩) દુનિયામાં બધે જ સ્વાર્થ જોવા મળે છે. આપણે દિલમાંથી સ્વાર્થના મૂળ ઉખેડી નાખવા સખત મહેનત કરવી પડે છે. જો એમ નહિ કરીએ તો, બીજા સાથેના સંબંધ બગડશે. ખાસ તો યહોવાહ સાથેનો આપણો નાતો કમજોર બની જશે.—રૂમી ૭:૨૧-૨૩.
આપણા વર્તનથી બીજા પર કેવી અસર થશે, એનો વિચાર કરીએ. પાઊલે કહ્યું કે “સઘળી વસ્તુઓ ઉચિત [યોગ્ય] છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત [યોગ્ય] છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.” તેમણે એમ પણ કહ્યું કે ‘ઈશ્વરની મંડળીને ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ.’ (૧ કોરીં. ૧૦:૨૩, ૩૨) પસંદગીની વાત આવે ત્યારે, પહેલા આ વિચારીએ: ‘શું મંડળની શાંતિને ભોગે પણ, હું પોતાનો સ્વાર્થ જોઉં છું? કે પછી બાઇબલના સિદ્ધાંતો પહેલા મૂકું છું?’
નોકરી-ધંધામાં
શું આપણા નોકરી-ધંધાની કોઈ પર અસર થઈ શકે? ઘણા કહેશે કે ના. એ તો દરેકની પોતાની પસંદગી. ચાલો દક્ષિણ અમેરિકાના એક માણસનો અનુભવ લઈએ. તે દારૂ વેચવાનો ધંધો કરતો હતો. લોકો વધારે નશો કરવા એ દારૂ લેતા. તે માણસ પોતે શરાબી અને જુગારી હતો. પણ તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી ચર્ચા કરવા લાગ્યો. તેણે જીવનમાં ફેરફાર કર્યા. (૨ કોરીં. ૭:૧) તેને પ્રચારમાં જવાની ઘણી હોંશ હતી એટલે એક વડીલ સાથે વાત કરી. એ વડીલે પ્રેમથી તેને સમજાવ્યું કે તેના ધંધાની લોકો પર કેવી અસર પડશે, એનો વિચાર કરે.
એ માણસ તરત સમજી ગયો કે પોતે દારૂ વેચે અને પ્રચાર કરે તો, મંડળનું નામ બદનામ થશે. યહોવાહ સાથેનો પોતાનો સંબંધ બગડી શકે. એ ભાઈએ મોટા કુટુંબની દેખભાળ કરવાની હતી. તેમ છતાં, તેણે દારૂ વેચવાનું છોડી દીધું. એને બદલે સેલ્સમેનની નોકરી કરવા લાગ્યો. હવે તે, તેની પત્ની અને પાંચમાંથી બે બાળકો યહોવાહના ભક્તો બન્યા છે. હવે કોઈ શરમ વગર તેઓ પ્રચાર કરે છે.
દોસ્તોની પસંદગીમાં
જેઓ યહોવાહને ભજતા નથી, તેઓ સાથે દોસ્તી કરવી જોઈએ? એ શું દરેકની પોતાની મરજી કે પછી બાઇબલના કોઈ સિદ્ધાંત મદદ કરી શકે? એક બહેનનો અનુભવ લઈએ. તેને એક છોકરા સાથે પાર્ટીમાં જવું હતું. જોકે એ છોકરો યહોવાહનો ભક્ત ન હતો. અમુકે બહેનને ચેતવણી આપી. પણ તેણે વિચાર કર્યો કે ‘એમાં કોઈને શું, એ તો મારી મરજી.’ તે પાર્ટીમાં ગઈ. થોડી વાર પછી કોઈએ તેને ડ્રિંક આપ્યું. તેને ખબર ન હતી કે એમાં ડ્રગ્સ મેળવેલું હતું. એ પીને તેને ભર ઊંઘ આવી. તે ભાનમાં આવી ત્યારે, ખબર પડી કે એ છોકરાએ તેની ઇજ્જત લૂંટી હતી.—વધુ માહિતી: ઉત્પત્તિ ૩૪:૨.
જેઓ યહોવાહને ભજતા નથી, તેઓ સાથે હળવા-મળવાથી હર વખત આવો કડવો અનુભવ થતો નથી. પણ બાઇબલ ચેતવે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિ. ૧૩:૨૦) ખરાબ સોબત પસંદ કરીશું તો આપણે ખતરામાં આવીશું, એમાં કોઈ શંકા જ નથી. એટલે નીતિવચન ૨૨:૩ કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે. પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.” જેવી આપણી દોસ્તી, એવી યહોવાહ સાથેના સંબંધ પર અસર.—૧ કોરીં. ૧૫:૩૩; યાકૂ. ૪:૪.
આપણા દેખાવમાં
કપડાંની ફેશન રોજ આવે ને જાય. પણ આપણા દેખાવ વિષે બાઇબલ જે સલાહ આપે છે, એ કદી બદલાતી નથી. પાઊલે કહ્યું: ‘સ્ત્રીઓ પણ મર્યાદા રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે.’ (૧ તીમો. ૨:૯) આ સિદ્ધાંત માણસોને પણ લાગુ પડે છે. પાઊલ અહીં સાવ સાદાં કપડાં પહેરવાનું કહેતા ન હતા. એમ પણ નʼતા કહેતા કે બધાનાં કપડાં એકસરખા હોવા જોઈએ. તે કહેતા હતા કે યહોવાહના ભક્તોને શોભે એવાં કપડાં પહેરીએ. એનો અર્થ થાય કે ‘ભપકાદાર કપડાં કે કોઈ શરમાઈ જાય, એવાં કપડાં પહેરીએ નહિ. તેમ જ આપણા વાણી-વર્તન પણ એવા હોવા જોઈએ જેનાથી કોઈ શરમાઈ ન જાય.’
આપણે આ સવાલ પર વિચારીએ કે ‘મારા કપડાં જોઈને લોકોના મનમાં ખોટા વિચારો આવે છે? મારા કપડાંથી કોઈને ઠોકર લાગશે?’ આપણે ‘કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપવું ન જોઈએ.’ એટલે આપણે ‘પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખીએ.’—૨ કોરીં. ૬:૩; ફિલિ. ૨:૪.
વેપારધંધામાં
પહેલી સદીમાં કોરીંથ મંડળમાં વેપારધંધાને લઈને છેતરપિંડી થતી હતી ત્યારે, પાઊલે મંડળને લખ્યું: “તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી? અને નુકસાન કેમ વેઠતા નથી?” પાઊલે ખ્રિસ્તીઓને કહ્યું કે એકબીજાને અદાલતમાં લઈ જવાને બદલે પોતે નુકસાન સહન કરી લો. (૧ કોરીં. ૬:૧-૭) અમેરિકામાં એક ભાઈનો અનુભવ લઈએ. તેનો બોસ પણ યહોવાહનો ભક્ત હતો. પગારની બાબતે તેઓમાં મતભેદ પડ્યા. એનો ઉકેલ લાવવા તેઓ બાઇબલની સલાહ પ્રમાણે ઘણી વાર ભેગા મળ્યા. તોય કંઈ વળ્યું નહિ. છેવટે તેઓએ “મંડળીને” એટલે કે વડીલોને જણાવ્યું.—માથ. ૧૮:૧૫-૧૭.
વડીલો પણ તેઓમાં સમજૂતી લાવી ન શક્યા. નોકરી કરતા ભાઈએ યહોવાહની મદદ માટે વિનંતી કરી. છેવટે તેમણે નક્કી કર્યું કે પોતાનો એ પગાર જતો કરશે. તેમણે શું કામ એમ કર્યું? સમય જતાં તેમણે કહ્યું, ‘અમારી તકરારને કારણે હું મનની શાંતિ ગુમાવી બેઠો. એ ચિંતા મારો સમય ચોરી લેતી હતી. યહોવાહની ભક્તિમાં આડી આવતી હતી.’ એ નિર્ણય લેવાથી એ ભાઈને યહોવાહની ભક્તિનો આનંદ પાછો મળ્યો. એમ કરવાથી યહોવાહના આશીર્વાદો અનુભવ્યા.
નાની બાબતમાં પણ
નાની નાની બાબતમાં પણ કંઈ જતું કરીએ તો આનંદ મળે છે. એક પતિ-પત્નીનો દાખલો લઈએ. તેઓ પાયોનિયર છે. એક મોટા સંમેલનમાં તેઓ પહેલા દિવસે વહેલા પહોંચીને મનપસંદ જગ્યાએ બેસી ગયા. પ્રોગ્રામ શરૂ થયા પછી, એક મોટું કુટુંબ હાંફળું-ફાંફળું થતું આવ્યું. પેલા પતિ-પત્નીએ જોયું કે એ કુટુંબ બધા સાથે બેસી શકે એવી સીટો શોધતું હતું. એ જોઈને તેઓએ પોતાની બે સીટો જતી કરી દીધી, જેથી આખું કુટુંબ સાથે બેસી શકે. સંમેલન પતી ગયું એના અમુક દિવસ પછી, પેલા પતિ-પત્નીને પત્ર મળ્યો. સંમેલનમાં જે કુટુંબને મદદ કરી હતી, તેઓએ થેંક્યુનો પત્ર લખ્યો હતો. પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે સંમેલનમાં મોડા પહોંચ્યા હોવાથી, તેઓ નિરાશ થઈ ગયા હતા. પણ એ પતિ-પત્નીએ બે સીટ જતી કરી હોવાથી, કુટુંબની નિરાશા ખુશીમાં બદલાઈ ગઈ.
આપણને મોકો મળે ત્યારે બીજાના ભલા માટે જતું કરવા તૈયાર થવું જોઈએ. એમ કરવાથી એવો પ્રેમ બતાવીશું, જે ‘પોતાનું જ હિત જોતો નથી.’ (૧ કોરીં. ૧૩:૫) આમ મંડળમાં અને બધા સાથે હળી-મળીને રહીશું. સૌથી મહત્ત્વનું તો યહોવાહ સાથેનો નાતો પાકો થશે. (w09 2/15)