સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુને પગલે ચાલીએ

ઈસુને પગલે ચાલીએ

ઈસુને પગલે ચાલીએ

“જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.”—લુક ૯:૨૩.

૧, ૨. ‘મસીહના’ પગલે ચાલવા વિષે વિચારવું કેમ મહત્ત્વનું છે?

 શું તમે યહોવાહ વિષે શીખવાનું હમણાં જ શરૂ કર્યું છે? નાના-મોટા ઘણા લોકો એમ જ કરી રહ્યા છે. તમે બાઇબલ વિષે શીખો છો અને મિટિંગમાં આવી ઈશ્વરની અમૃતવાણી સાંભળો છો, એ જોઈને યહોવાહ ઘણા ખુશ થાય છે. પણ તેમની ઇચ્છા છે કે હવે તમે ઈસુના આ શબ્દ પાળો: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.” (લુક ૯:૨૩) “મસીહ” ઈસુએ કહ્યું કે તેમના પગલે ચાલવા, વ્યક્તિ ખુશીથી પોતાનો નકાર કરશે.—માથ. ૧૬:૧૩-૧૬.

જેઓ વર્ષોથી ઈસુના પગલે ચાલે છે તેઓ વિષે શું? પાઊલે કહ્યું કે ‘વધારે ને વધારે એમ કરતા જાઓ.’ (૧ થેસ્સા. ૪:૧, ૨) ભલે કોઈએ યહોવાહની ભક્તિ હમણાં શરૂ કરી હોય કે વર્ષોથી કરતા હોય, આપણે સર્વએ ઈસુના પગલે ચાલતા રહેવું જોઈએ. શા માટે? ચાલો પાંચ કારણ જોઈએ.

યહોવાહ સાથેનો નાતો પાકો થશે

૩. કઈ બે રીતથી યહોવાહને સારી રીતે ઓળખી શકીએ?

આથેન્સમાં ‘પાઊલે અરેઓપાગસની વચ્ચે ઊભા થઈને કહ્યું કે ઈશ્વરે ઇન્સાનને સારૂ નિર્માણ કરેલો સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી છે; જેથી તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેને ફંફોસીને તેને પામે, પરંતુ તે આપણામાંના કોઈથી દૂર નથી.’ (પ્રે.કૃ. ૧૭:૨૨, ૨૬, ૨૭) પાઊલે કહ્યું તેમ, આપણે ઈશ્વરને સારી રીતે ઓળખી શકીએ છીએ. કઈ રીતે? એક તો સૃષ્ટિ દ્વારા. એમાંથી ઈશ્વરની શક્તિ, કળા ને ગુણો વિષે ઘણું શીખવા મળે છે. (રૂમી ૧:૨૦) બાઇબલ દ્વારા પણ ઈશ્વરને સારી રીતે ઓળખી શકાય. એટલે આપણે બાઇબલ વાંચીએ, એનો વિચાર કરીએ. (૨ તીમો. ૩:૧૬, ૧૭) યહોવાહને વધારે સારી રીતે ઓળખવા, તેમનાં ‘સર્વ કામોનું મનન કરીએ, તેમનાં કૃત્યો વિષે વિચાર કરીએ.’—ગીત. ૭૭:૧૨.

૪. યહોવાહ સાથે પાકો નાતો બાંધવો હોય તો શું કરવું જોઈએ? શા માટે?

પણ યહોવાહ સાથે પાકો નાતો બાંધવો હોય તો શું કરવું જોઈએ? ઈસુના પગલે ચાલીએ. “જગત ઉત્પન્‍ન થયા અગાઉ,” ઈસુ સ્વર્ગમાં યહોવાહ સાથે હતા. (યોહા. ૧૭:૫) તે ‘ઈશ્વરની સૃષ્ટિની શરૂઆત છે.’ (પ્રકટી. ૩:૧૪) તે ‘સર્વ સૃષ્ટિના પ્રથમજનિત’ છે. તેમણે યહોવાહ સાથે યુગો ને યુગો વિતાવ્યા છે. તેઓ વચ્ચે બાપ-બેટા જેવો નાતો, એવો નાતો કદી થયો નથી ને થશે પણ નહિ. ઈસુએ રાજી-ખુશીથી યહોવાહ સાથે કામ કર્યું. એટલું જ નહિ, પણ તે યહોવાહની જેમ વિચારવા અને તેમના જેવો સ્વભાવ કેળવવા લાગ્યા. ઈસુ એટલી હદે યહોવાહ જેવા હતા કે બાઇબલ તેમને ‘અદૃશ્ય ઈશ્વરની પ્રતિમા’ કહે છે. (કોલો. ૧:૧૫) એટલે ઈસુને પગલે ચાલવાથી આપણે પણ યહોવાહ સાથે પાકો નાતો બાંધી શકીશું.

યહોવાહ જેવો સ્વભાવ કેળવી શકીશું

૫. કોણ આપણને યહોવાહ જેવો સ્વભાવ કેળવવા મદદ કરી શકે? સમજાવો.

ઈશ્વરે મનુષ્યને “પોતાના સ્વરૂપ તથા પ્રતિમા” પ્રમાણે બનાવ્યો હોવાથી, તેમના જેવા ગુણો કેળવી શકે છે. (ઉત. ૧:૨૬) પાઊલે કહ્યું કે ‘પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ.’ (એફે. ૫:૧) એમ કરવા ઈસુની જેમ બીજું કોઈ શીખવી ન શકે. તેમનો સ્વભાવ, વિચારો, લાગણીઓ યહોવાહ જેવા જ છે. તેમણે ફક્ત યહોવાહનું નામ જ જાહેર ન કર્યું, પણ તે કેવા છે એ પણ શીખવ્યું. (માત્થી ૧૧:૨૭ વાંચો.) ઈસુએ પોતાના જીવન અને શિક્ષણથી યહોવાહની ઓળખ આપી. તેથી ઈસુને પગલે ચાલીને, આપણે યહોવાહ જેવો સ્વભાવ કેળવી શકીશું.

૬. યહોવાહ વિષે ઈસુ શું શીખવે છે?

ઈસુએ શીખવ્યું કે ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે અને પોતાના ભક્તોને કેટલા ચાહે છે. (માથ. ૨૨:૩૬-૪૦; લુક ૧૨:૬, ૭; ૧૫:૪-૭) દાખલા તરીકે, ઈસુએ દસ આજ્ઞાઓમાંથી એક જણાવી: “વ્યભિચાર ન કર.” પછી તેમણે સમજાવ્યું કે વ્યક્તિ વ્યભિચાર કરે એ પહેલાં, તેના દિલમાં શું ચાલે છે એ ઈશ્વર જાણે છે. ઈસુએ જણાવ્યું: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (નિર્ગ. ૨૦:૧૪; માથ. ૫:૨૭, ૨૮) બીજો દાખલો લઈએ. ફરોશીઓ નિયમશાસ્ત્ર પરથી મન ફાવે એમ શીખવતા હતા. તેઓ કહેતા કે “તું તારા પડોશી પર પ્રીતિ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર.” પણ યહોવાહના વિચારો જણાવતા ઈસુએ કહ્યું: “તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારૂ પ્રાર્થના કરો.” (માથ. ૫:૪૩, ૪૪; નિર્ગ. ૨૩:૪; લેવી. ૧૯:૧૮) જો ઈશ્વરના વિચારો ને લાગણીઓ સારી રીતે સમજીએ,  તો આપણે તેમના જેવો સ્વભાવ કેળવી શકીશું.

૭, ૮. ઈસુના જીવનમાંથી યહોવાહ વિષે શું શીખીએ છીએ?

ઈસુના વાણી-વર્તનથી પણ યહોવાહના સ્વભાવની ઝલક દેખાઈ. ઈસુએ લાચાર, દુઃખી લોકો પર પ્રેમ રાખ્યો ને મદદ કરી. શિષ્યોએ બાળકોને ઈસુ પાસે આવતા રોક્યા ત્યારે, તેમને જરાય ન ગમ્યું. એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહ કેવા છે. (માર્ક ૧:૪૦-૪૨; ૧૦:૧૩, ૧૪; યોહા. ૧૧:૩૨-૩૫) ઈસુના જીવનમાં આપણને યહોવાહની શક્તિ, ન્યાય, ડહાપણ અને પ્રેમ પણ જોવા મળે છે. યહોવાહની શક્તિથી ઈસુએ અનેક ચમત્કારો કર્યા. તોપણ ઈસુએ એ શક્તિ પોતાના સ્વાર્થ માટે કે કોઈનું નુકસાન કરવા વાપરી નહિ. (લુક ૪:૧-૪) ઈસુમાં અદલ ઇન્સાફ હતો. એટલે તેમણે મંદિરમાંથી લોભિયા વેપારીઓને બહાર કાઢી મૂક્યા. (માર્ક ૧૧:૧૫-૧૭; યોહા. ૨:૧૩-૧૬) ઈસુમાં “સુલેમાન કરતાં” વધારે ડહાપણ હોવાથી, તેમનું શિક્ષણ લોકોના દિલમાં ઊતરી જતું. (માથ. ૧૨:૪૨) ઈસુના “કરતાં મોટો પ્રેમ કોઈનો નથી,” કેમ કે તેમણે ઇન્સાન માટે પોતાની કુરબાની આપી દીધી.—યોહા. ૧૫:૧૩.

ઈસુનો સ્વભાવ યહોવાહ જેવો જ છે. એટલે ઈસુએ કહ્યું કે “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.” (યોહાન ૧૪:૯-૧૧ વાંચો.) જો આપણે ઈસુને પગલે ચાલીએ, તો એ જાણે કે યહોવાહને પગલે ચાલવા બરાબર છે.

યહોવાહે ઈસુને પસંદ કર્યા છે

૯. ઈસુ ક્યારે અને કઈ રીતે મસીહ બન્યા?

ઈસુ ૨૯મી સાલની પાનખર ઋતુમાં બાપ્તિસ્મા લેવા યોહાન પાસે ગયા. ઈસુ ‘બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને સારૂ આકાશ ઉઘડાયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો.’ ત્યારથી ઈસુ મસીહ કે ખ્રિસ્ત બન્યા. એનો અર્થ થાય, યહોવાહે પસંદ કરેલી વ્યક્તિ કે ‘અભિષિક્ત.’ ઈસુ વિષે યહોવાહે કહ્યું: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.” (માથ. ૩:૧૩-૧૭) એ કારણથી આપણે ઈસુને પગલે ચાલવું જોઈએ.

૧૦, ૧૧. (ક) બાઇબલમાં  “ખ્રિસ્ત” ખિતાબ કઈ રીતે વપરાય છે? (ખ) આપણે કેમ ઈસુના પગલે ચાલવું જ જોઈએ?

૧૦ “ખ્રિસ્ત” શબ્દ નામ નથી પણ ખિતાબ છે, જે ઈસુને લાગુ પડે છે. એ ખિતાબ બાઇબલમાં કઈ રીતે વપરાય છે? એક છે ‘ઈસુ ખ્રિસ્ત.’ બીજું ‘ખ્રિસ્ત ઈસુ’ અને ત્રીજું ફક્ત ‘ખ્રિસ્ત.’ ઈસુએ પોતે પોતાના નામ પછી ‘ખ્રિસ્ત’ ખિતાબ વાપર્યો હતો. પ્રાર્થનામાં તેમણે કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહા. ૧૭:૩) “ઈસુ” નામ પછી એ ખિતાબ આવે તો શું અર્થ થાય? એ ધ્યાન દોરવા માગે છે કે યહોવાહે ઈસુને પૃથ્વી પર મોકલ્યા. જ્યારે “ખ્રિસ્ત ઈસુ” હોય, ત્યારે એ ઈસુની પદવી પર ભાર મૂકે છે. (૨ કોરીં. ૪:૫) ફક્ત “ખ્રિસ્ત” હોય ત્યારે પણ, મસીહ તરીકે ઈસુની પદવી પર ધ્યાન દોરે છે.—પ્રે.કૃ. ૫:૪૨.

૧૧ બાઇબલમાં “ખ્રિસ્ત” ખિતાબ ગમે એ રીતે વાપરવામાં આવે, એ શું બતાવે છે? એ જ કે ઈસુ ફક્ત આપણા જેવા ઇન્સાન ન હતા, કે પછી ફક્ત પ્રબોધક અને ગુરુ જ ન હતા. પણ તે તો ખુદ યહોવાહે પસંદ કરેલા સેવક હતા. ઈસુ પોતે યહોવાહની ઇચ્છા પૂરી કરવા પૃથ્વી પર આવ્યા. એટલે આપણે તેમના પગલે ચાલવું જ જોઈએ.

ઈસુ દ્વારા જીવન છે

૧૨. ઈસુએ થોમાને કઈ મહત્ત્વની બાબત જણાવી?

૧૨ ઈસુના પગલે ચાલવાનું બીજું એક મહત્ત્વનું કારણ છે. ઈસુએ પોતાના મરણ પહેલાં, ૧૧ શિષ્યોને કહ્યું કે તે તેઓ માટે જગ્યા તૈયાર કરવા જતા હતા. થોમાએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા, ઈસુએ કહ્યું: ‘માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા વિના બાપની પાસે કોઈ આવતું નથી.’ (યોહા. ૧૪:૧-૬) ઈસુએ વચન આપ્યું કે શિષ્યો તેમની સાથે સ્વર્ગમાં હશે. પૃથ્વી પર રહેનારાઓ માટે પણ એ શબ્દો મહત્ત્વના છે. (પ્રકટી. ૭:૯, ૧૦; ૨૧:૧-૪) કઈ રીતે?

૧૩. ઈસુ કઈ રીતે “માર્ગ” છે?

૧૩ ઈસુ ખ્રિસ્ત “માર્ગ” છે. તેમના દ્વારા જ યહોવાહ સાથે નાતો બાંધી શકીએ, યહોવાહને પ્રાર્થના કરી શકીએ. પછી યહોવાહના મકસદ મુજબ જે કંઈ માંગીએ, એ જરૂર આપશે. (યોહા. ૧૫:૧૬) ઈસુ બીજી કઈ રીતે “માર્ગ” છે? ઇન્સાનની હાલતનો વિચાર કરો. આપણને પાપનો વારસો મળ્યો હોવાથી, ઈશ્વર સાથેનો નાતો કપાઈ ગયો છે. (યશા. ૫૯:૨) પણ ઈસુએ ‘ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપીને’ મદદ કરી. (માથ. ૨૦:૨૮) એ રીતે “ઈસુનું રક્ત આપણને સઘળાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહા. ૧:૭) તેમણે આપણી અને યહોવાહની વચ્ચે માર્ગ ખોલ્યો છે. (રૂમી ૫:૮-૧૦) ઈસુમાં વિશ્વાસ રાખીને તેમનું કહેવું માનવાથી, આપણે યહોવાહ સાથેનો નાતો ફરીથી બાંધી શકીએ.—યોહા. ૩:૩૬.

૧૪. ઈસુ કઈ રીતે “સત્ય” છે?

૧૪ ઈસુ કઈ રીતે “સત્ય” છે? તેમણે હંમેશાં યહોવાહનું સત્ય શીખવ્યું. એ મુજબ જીવ્યા. મસીહ વિષેની બધી ભવિષ્યવાણીઓ તેમનામાં સાચી પડી. પાઊલે કહ્યું: ‘ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે, તોપણ તેનામાં હા છે.’ (૨ કોરીં. ૧:૨૦) મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે “જે સારી વસ્તુઓ થવાની હતી,” એ બધી ખ્રિસ્ત ઈસુમાં પૂરી થઈ. (હેબ્રી ૧૦:૧; કોલો. ૨:૧૭) બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે યહોવાહનો મકસદ પૂરો કરવામાં ઈસુ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. (પ્રકટી. ૧૯:૧૦) જો આપણે યહોવાહનો મકસદ પૂરો થવાના આશીર્વાદ મેળવવા હોય, તો ઈસુના પગલે જ ચાલીએ.

૧૫. ઈસુ કઈ રીતે “જીવન” છે?

૧૫ ઈસુ કઈ રીતે “જીવન” છે? તેમણે પોતાના લોહીથી ઇન્સાનને પાપના બંધનમાંથી છોડાવ્યા. ‘પ્રભુ ઈસુ ખ્રિસ્ત’ દ્વારા યહોવાહ પોતાના ભક્તોને અમર જીવનનું વરદાન આપે છે. (રૂમી ૬:૨૩) ગુજરી ગયેલાઓ માટે પણ ઈસુ “જીવન” છે. (યોહા. ૫:૨૮, ૨૯) આર્માગેદ્દોન પછી ઈસુ હજાર વર્ષ રાજ કરશે. પ્રમુખ યાજક તરીકે તે ઇન્સાનને પાપ અને મોતમાંથી આઝાદ કરશે!—હેબ્રી ૯:૧૧, ૧૨, ૨૮.

૧૬. આપણે કેમ ઈસુને પગલે ચાલવું જોઈએ?

૧૬ યોહાન ૧૪:૬ કહે છે તેમ, ઈસુ ખરેખર માર્ગ, સત્ય અને જીવન છે. યહોવાહે ઇન્સાનને બચાવવા ઈસુને પૃથ્વી પર મોકલ્યા. (યોહા. ૩:૧૭) ઈસુની કુરબાની વગર આપણે કોઈ યહોવાહ સાથે નાતો બાંધી શકતા નથી. બાઇબલ કહે છે: “બીજા કોઈથી તારણ નથી; કેમકે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી.” (પ્રે.કૃ. ૪:૧૨) ભલે આપણે અત્યાર સુધી ગમે એ માનતા, હવેથી ફક્ત યહોવાહની જ ભક્તિ કરીએ. એ માટે ઈસુમાં ભરોસો રાખીને તેમના પગલે ચાલીએ. એમ કરીશું તો જ, આપણે હંમેશાં સુખેથી જીવીશું.—યોહા. ૨૦:૩૧.

‘ઈસુનું સાંભળો’ એવી આજ્ઞા છે

૧૭. આપણે કેમ ઈસુનું સાંભળવું જોઈએ?

૧૭ પીતર, યોહાન અને યાકૂબે ઈસુનું રૂપાંતર જોયું હતું. એ વખતે તેઓએ ઈશ્વરના આ શબ્દો સાંભળ્યા: “આ મારો દીકરો છે, મારો પસંદ કરેલો; તેનું સાંભળો.” (લુક ૯:૨૮, ૨૯, ૩૫) આપણને યહોવાહ તરફથી આજ્ઞા મળી છે કે મસીહનું સાંભળીએ અને તેમનું માનીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૨, ૨૩ વાંચો.

૧૮. ઈસુનું કહેવું માનવા શું કરવું જોઈએ?

૧૮ ઈસુની ‘તરફ લક્ષ રાખીને, તેમનો વિચાર કરીએ.’ તેમના પગલે ચાલીએ. (હેબ્રી ૧૨:૨, ૩) બાઇબલ, મિટિંગ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા ઈસુ વિષે જે શીખીએ, એના ‘ઉપર આપણે વધારે લક્ષ રાખવું જોઈએ.’ (હેબ્રી ૨:૧; માથ. ૨૪:૪૫) ચાલો આપણે દરેક રાજી-ખુશીથી ઈસુનું માર્ગદર્શન સ્વીકારીએ.—યોહા. ૧૦:૨૭.

૧૯. ખ્રિસ્તના પગલે હંમેશાં ચાલવા શું કરવું જોઈએ?

૧૯ જીવનમાં ભલે ગમે એવી તકલીફો આવે તોપણ, ખ્રિસ્તના પગલે ચાલતા રહીએ. ‘સત્યનાં વચનો’ જીવનમાં લાગુ પાડીએ. ‘ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમને’ ઠંડો થવા ન દઈએ.—૨ તીમો. ૧:૧૩. (w09 5/15)

આપણે શું શીખ્યા?

• યહોવાહ સાથે પાકો નાતો બાંધવા કેમ ‘ખ્રિસ્તને’ પગલે ચાલવું જોઈએ?

• ઈસુના પગલે ચાલવું, એ યહોવાહને પગલે ચાલવા બરાબર છે. શા માટે?

• ઈસુ કઈ રીતે ‘માર્ગ, સત્ય અને જીવન’ છે?

• યહોવાહે પસંદ કરેલા સેવકનું કેમ માનવું જોઈએ?

[પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્ર]

ઈસુના શિક્ષણમાં યહોવાહના વિચારો હતા

[પાન ૩૦ પર ચિત્ર]

યહોવાહના પસંદ કરેલા સેવકના પગલે ચાલીએ

[પાન ૩૨ પર ચિત્ર]

યહોવાહે કહ્યું: ‘આ મારો દીકરો છે, તેનું સાંભળો’