સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વ્યક્તિ કેવી રીતે નવો જન્મ પામી શકે?

વ્યક્તિ કેવી રીતે નવો જન્મ પામી શકે?

વ્યક્તિ કેવી રીતે નવો જન્મ પામી શકે?

ઈસુ ખ્રિસ્તે નીકોદેમસને એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે નવો જન્મ પામી શકાય છે. તેમને કહ્યું કે “જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી.” (યોહાન ૩:૫) એનો અર્થ થાય કે વ્યક્તિએ પાણીથી અને આત્માથી નવો જન્મ લેવો પડે.

‘પાણી’ અને ‘આત્મા’ શું છે?

નીકોદેમસ યહુદીઓનો ધર્મગુરુ હતા. તે ધર્મશાસ્ત્રામાં “દેવનો આત્મા” શબ્દો વાંચતા ત્યારે સમજી જતા કે એ દેવની પવિત્ર શક્તિ છે. એ શક્તિની મદદથી વ્યક્તિ ચમત્કારો કે કોઈ ખાસ કામ કરી શકે છે. (ઉત્પત્તિ ૪૧:૩૮; નિર્ગમન ૩૧:૩; ૧ શમૂએલ ૧૦:૬) તેથી ઈસુએ ‘આત્મા’ વિષે કહ્યું ત્યારે નીકોદેમસ સમજી ગયા કે એ પરમેશ્વરનો પવિત્ર આત્મા છે.

હવે જ્યારે ઈસુએ ‘પાણી’ કહ્યું ત્યારે નીકોદેમસ સમજી ગયા કે એ પાણીનું બાપ્તિસ્મા છે. કેમ કે એ વખતે યોહાન બાપ્તિસ્મક અને ઈસુના બીજા શિષ્યો લોકોને પાણીનું બાપ્તિસ્મા આપતા હતા. (યોહાન ૧:૧૯, ૩૧; ૩:૨૨; ૪:૧-૩) યરૂશાલેમમાં બધા જ પાણીના બાપ્તિસ્માથી જાણકાર હતા. એટલે ઈસુએ ‘પાણીથી જન્મ’ પામવા વિષે વાત કરી ત્યારે નીકોદેમસ ગૂંચવાઈ ના ગયા. પણ તરત સમજી ગયા કે એ પાણીનું બાપ્તિસ્મા છે.

‘પવિત્ર આત્માથી’ બાપ્તિસ્મા

‘પાણીથી જન્મ’ પામવાનો અર્થ પાણીનું બાપ્તિસ્મા લેવું થાય છે. તો પછી ‘આત્માથી જન્મ’ પામવાનો શું અર્થ થાય? યોહાન બાપ્તિસ્મકે લોકોને પાણીનું બાપ્તિસ્મા આપતી વખતે કહ્યું: ‘મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ ઈસુ પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’ (માર્ક ૧:૭, ૮) આત્માથી બાપ્તિસ્મા પામવા વિષે પ્રેરિત માર્કે પણ લખ્યું: ‘ઈસુ ગાલીલના નાઝરેથથી આવ્યા, ને યરદનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા. અને તરત પાણીમાંથી ઉપર આવીને આકાશ ઊઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતા પર ઊતરતો તેમણે જોયો.’ (માર્ક ૧:૯, ૧૦) ઈસુએ યરદન નદીમાં પાણીનું બાપ્તિસ્મા લીધું ત્યારે તેમના પર પવિત્ર આત્મા આવ્યો. આ રીતે તેમનું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા થયું.

ઈસુએ બાપ્તિસ્માના ત્રણ વર્ષ પછી શિષ્યોને કહ્યું કે “થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧:૫) પણ એ ક્યારે બન્યું?

એ પેનતેકોસ્ત ૩૩ની સાલમાં બન્યું. યરૂશાલેમમાં એકસો વીસ શિષ્યો ભેગા મળ્યા હતા. ‘ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્‍નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪) એ જ દિવસે યરૂશાલેમમાં બીજા લોકોને પણ પાણીનું બાપ્તિસ્મા લેવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. પ્રેરિત પીતરે તેઓને કહ્યું: “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારાં પાપનું નિવારણ થાય; અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં, અને તેજ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮, ૪૧) આમ તેઓનું પાણીથી અને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા થયું.

નવા જન્મના બે પગલાં

આગળ જોઈ ગયા તેમ નવો જન્મ પામવા બે પ્રકારના બાપ્તિસ્મા લેવાની જરૂર છે. ઈસુએ પહેલા પાણીનું બાપ્તિસ્મા લીધું અને પછી તેમના પર પવિત્ર આત્મા આવ્યો. ઈસુની જેમ જ બીજા અમુક શિષ્યોએ યોહાન બાપ્તિસ્મક પાસે પાણીનું બાપ્તિસ્મા લીધું. પછી તેઓ પર પવિત્ર આત્મા આવ્યો. (યોહાન ૧:૨૬-૩૬) એવી જ રીતે ત્રણ હજાર શિષ્યોએ પણ પહેલા પાણીનું બાપ્તિસ્મા લીધું અને પછી તેમના પર પવિત્ર આત્મા આવ્યો. આમ તેઓ બંને પ્રકારના બાપ્તિસ્મા લઈને નવો જન્મ પામ્યા.

આજે કેવી રીતે વ્યક્તિ નવો જન્મ પામી શકે છે? ઈસુના સમયની જેમ આજે પણ સૌથી પહેલાં વ્યક્તિએ પાપનો પસ્તાવો કરવો  પડે. ખોટા માર્ગેથી પાછા ફરવું પડે. યહોવાહ પરમેશ્વરની પૂરા દિલથી સેવા કરવાનો નિર્ણય કરવો પડે. જાહેરમાં બાપ્તિસ્મા લેવું પડે. અને પછી જો પરમેશ્વર એ વ્યક્તિને પોતાના રાજ્યમાં ઈસુ સાથે રાજ કરવા પસંદ કરે તો તેને પવિત્ર આત્માથી ભરપૂર કરશે. એનો અર્થ થાય કે પાણીનું બાપ્તિસ્મા લેવું વ્યક્તિની જવાબદારી છે. પછી પવિત્ર આત્માથી એ વ્યક્તિને ભરપૂર કરવો એ પરમેશ્વરના હાથમાં છે. જો આ બંને રીતે વ્યક્તિનું બાપ્તિસ્મા થાય તો જ તે નવો જન્મ પામે છે.

નવો જન્મ પામેલી વ્યક્તિના જીવનમાં કેવાં મોટા ફેરફારો થશે એ વિષે આગળના લેખમાં જોઈશું. (w09 4/1)

[પાન ૯ પર ચિત્ર]

યોહાન બાપ્તિસ્મક, નેકદિલ ઈસ્રાએલીઓને પાણીનું બાપ્તિસ્મા આપતા