વિશ્વાસુ કારભારી અને ગવર્નિંગ બૉડી
વિશ્વાસુ કારભારી અને ગવર્નિંગ બૉડી
“જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારૂ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?”—લુક ૧૨:૪૨.
૧, ૨. છેલ્લા દિવસોની અમુક નિશાનીઓ આપી ત્યારે ઈસુએ કયો મહત્ત્વનો સવાલ પૂછ્યો?
છેલ્લા દિવસોની અમુક નિશાનીઓ આપી ત્યારે ઈસુએ આ સવાલ પૂછ્યો હતો: “જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા સારૂ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?” પછી ઈસુએ કહ્યું કે આ ચાકરના વિશ્વાસને લીધે ‘તેનો ધણી તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.’—માથ. ૨૪:૪૫-૪૭.
૨ આ બનાવના થોડા મહિના પહેલાં પણ ઈસુએ આવો જ સવાલ પૂછ્યો હતો. (લુક ૧૨:૪૨-૪૪ વાંચો.) પણ એ વખતે તેમણે “ચાકર” માટે “કારભારી,” અને “ઘરનાંને” માટે “ઘરનાંઓ” શબ્દ વાપર્યો હતો. અહીંયા કારભારી પણ એક ચાકર જ છે. પરંતુ ધણીએ કારભારીને બીજા ચાકરો ઉપર દેખરેખ રાખવા નીમ્યો છે. તો ચાલો જોઈએ કે આ ચાકર કે કારભારી કોણ છે? અને તે કેવી રીતે ‘વખતસર ખાવાનું આપે’ છે? એના જવાબથી જોઈ શકીશું કે યહોવાહ કોના દ્વારા આપણને તેમનું જ્ઞાન આપે છે.
૩. (ક) બાઇબલ પર ટીકા આપનારા ‘ચાકર’ વિષે શું માને છે? (ખ) “કારભારી” કે “ચાકર” કોણ છે? અને “ઘરનાંને” કે “ઘરનાંઓ” કોણ છે?
૩ બાઇબલ પર ટીકા આપનારા કહેવાતા ખ્રિસ્તીઓનું માનવું છે કે ‘ચાકર’ કે ‘કારભારી,’ ચર્ચમાં જવાબદારી કે પદવી છે એવા લોકોને રજૂ કરે છે. પણ એવું નથી. કેમ કે એ દાખલામાં “ધણી” ઈસુએ એવું કહ્યું ન હતું કે આ ચાકર વર્ગ ખ્રિસ્તીઓના અનેક પંથોમાં હશે. એને બદલે ઈસુએ સાફ કહ્યું હતું કે તે એક જ ‘કારભારી’ કે ‘ચાકરને’ નીમશે. એ ચાકર વર્ગ તેમની સર્વ “સંપત્તિ પર” ધ્યાન રાખશે. એટલે વર્ષોથી ચોકીબુરજ સમજાવે છે તેમ, આ ‘ચાકર’ કે ‘કારભારી’ ઈસુના શિષ્યોની “નાની ટોળી” છે. લુકમાં પણ ઈસુ આ જ ગ્રૂપ કે અભિષિક્તો વિષે વાત કરતા હતા, જેઓ તેમની સાથે રાજ કરશે. (લુક ૧૨:૩૨) “ઘરનાંને” કે “ઘરનાંઓ” પણ બધા અભિષિક્તોને રજૂ કરે છે. પરંતુ એ ગ્રૂપમાં દરેક વ્યક્તિની જવાબદારી જુદી જુદી છે. એ સમજણને લઈને આ સવાલ ઊભો થાય છે કે શું ચાકર વર્ગની દરેક વ્યક્તિ ‘વખતસર ખાવાનું તૈયાર કરે’ છે? ચાલો અમુક કલમો તપાસીએ જે આપણને એના જવાબ આપશે.
પહેલાના સમયમાં યહોવાહના સેવક
૪. યહોવાહે શું કહીને ઈસ્રાએલીઓને બોલાવ્યા? ઈસ્રાએલીઓમાંથી કોણ યહોવાહ વિષે શીખવી શકતું?
૪ યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું: “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે.” (યશા. ૪૩:૧૦) આ કલમ પરથી જોવા મળે છે કે યહોવાહ આખી ઈસ્રાએલ પ્રજાને એક ‘સેવક’ કહીને બોલાવે છે. તેમ છતાં, બાઇબલ સમજાવે છે કે યહોવાહ વિષે શીખવવા ઈસ્રાએલીઓમાંથી ફક્ત યાજકો અને લેવીઓ પસંદ થયા હતા.—૨ કાળ. ૩૫:૩; માલા. ૨:૭.
૫. શું ચાકર વર્ગ ઈસ્રાએલી પ્રજાને લાગુ પડે છે? શા માટે?
૫ ઈસુએ જે ‘ચાકર’ વર્ગની વાત કરી એ શું ઈસ્રાએલી પ્રજાને લાગુ પડે છે? ના, કેમ કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે ઈસ્રાએલીઓને જણાવ્યું હતું: “દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.” (માથ. ૨૧:૪૩) આના પરથી સાફ જોવા મળે છે કે સમય જતા ઈસ્રાએલીઓની જગ્યાએ યહોવાહે બીજા લોકોને પોતાના ભક્તો તરીકે પસંદ કર્યા. પણ તેઓમાંથી કોણ યહોવાહ વિષે શીખવશે? ઈસ્રાએલીઓના દાખલામાં આપણે જોયું કે શિક્ષણ આપવા અમુક જ પસંદ થયા હતા. વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર વર્ગમાં પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે.
ચાકર વર્ગની ઓળખ
૬. પેન્તેકોસ્ત ૩૩ની સાલથી યહોવાહે પોતાના લોકો તરીકે કોને પસંદ કર્યા?
૬ ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસે યહોવાહે પોતાની શક્તિથી બીજા લોકોને પસંદ કર્યા. બાઇબલ તેઓને “દેવના ઈસ્રાએલ” તરીકે ઓળખાવે છે. (ગલા. ૬:૧૬; રૂમી ૨:૨૮, ૨૯; ૯:૬) સમય જતાં યહોવાહે વધારે લોકોને એમાં ઉમેર્યા. આ બધા ભાઈ-બહેનો ઈસુનો ચાકર વર્ગ બન્યા. એ વર્ગના દરેકને ઈશ્વરનો સંદેશો જણાવવાની અને શિષ્યો બનાવવાની જવાબદારી હતી. (માથ. ૨૮:૧૯, ૨૦) પણ શું એ ચાકર વર્ગના દરેક સભ્ય ‘વખતસર ખાવાનું આપવામાં’ ભાગ લેતા હતા? ચાલો જોઈએ બાઇબલ આનો શું જવાબ આપે છે.
૭. શરૂઆતમાં પ્રેરિતોની મુખ્ય જવાબદારી શું હતી? સમય જતાં તેઓને બીજી કઈ જવાબદારી મળી?
૭ ઈસુએ ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા ત્યારે, તેઓને અનેક જગ્યાએ જઈને ઈશ્વરનો સંદેશો ફેલાવવાની મુખ્ય જવાબદારી સોંપી હતી. (માર્ક ૩:૧૩-૧૫ વાંચો.) મૂળ ગ્રીક ભાષામાં પ્રેરિતનો અર્થ, ‘કોઈ કામ માટે મોકલવા’ થાય છે. એટલે પ્રેરિતો માટે એ જવાબદારી યોગ્ય જ હતી. સમય જતાં મંડળ સ્થપાયું તેમ, પ્રેરિતોની જવાબદારી પણ વધી. તેઓ ‘અધ્યક્ષ’ બન્યા, એટલે કે મંડળની દેખરેખ કરવા લાગ્યા.—પ્રે.કૃ. ૧:૨૦-૨૬.
૮, ૯. (ક) બાર પ્રેરિતોએ ખાસ શું ધ્યાન રાખવાનું હતું? (ખ) પ્રેરિતોએ બીજાઓને કઈ જવાબદારી સોંપી?
૮ બાર પ્રેરિતોએ ખાસ શું ધ્યાન રાખવાનું હતું? પેન્તેકોસ્તના દિવસ પછી જે બનાવો બન્યા એના પરથી આપણને જવાબ મળશે. વિધવાઓને રોજ પીરસાતા ભોજન વિષે તકરાર થઈ ત્યારે, બાર પ્રેરિતોએ બધા શિષ્યોને ભેગા કરીને કહ્યું: “અમે દેવની વાત પડતી મૂકીને ભાણાં પીરસવાની સેવા કરીએ, એ શોભતું નથી.” (પ્રેરિતોના કૃત્યો ૬:૧-૬ વાંચો.) પછી પ્રેરિતોએ બીજા યોગ્ય ભાઈઓને ભોજન પીરસવાના ‘કામ પર નીમ્યા.’ એનાથી પ્રેરિતો ‘પ્રભુની સેવામાં લાગુ’ રહી શક્યા. યહોવાહે આ ગોઠવણને આશીર્વાદ આપ્યો: “દેવની વાતનો પ્રચાર થતો ગયો, અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ.” (પ્રે.કૃ. ૬:૭) આપણે જોયું તેમ પ્રેરિતોએ બીજા લોકોને યહોવાહનું શિક્ષણ આપવા પર વધારે ધ્યાન આપ્યું.—પ્રે.કૃ. ૨:૪૨.
૯ સમય જતાં, પ્રેરિતોએ યહોવાહની શક્તિની મદદથી બીજી જવાબદારી ઉપાડવા અમુક ભાઈઓને નીમ્યા. જેમ કે, પાઊલ અને બાર્નાબાસ. યહોવાહના માર્ગદર્શનથી તેઓને અંત્યોખ મંડળમાંથી મિશનરી તરીકે મોકલવામાં આવ્યા. શરૂઆતના બાર પ્રેરિતોમાં આ બે ભાઈઓ ન હતા. તેમ છતાં, પછીથી તેઓ પ્રેરિતો તરીકે ઓળખાયા. (પ્રે.કૃ. ૧૩:૧-૩; ૧૪:૧૪; ગલા. ૧:૧૯) યરૂશાલેમમાં ગવર્નિંગ બૉડીએ તેઓને પ્રેરિતો તરીકે સ્વીકારી લીધા. (ગલા. ૨:૭-૧૦) એના થોડા વખત પછી ઈશ્વર પ્રેરણાથી પાઊલે પહેલો પત્ર લખ્યો. આ રીતે તેમણે બીજાઓને યહોવાહનું ‘વખતસર ખાવાનું આપ્યું.’
૧૦. પહેલી સદીમાં શું બધા જ અભિષિક્તો યહોવાહનું વખતસર ખાવાનું આપતા?
૧૦ શું બધા અભિષિક્તો ઈશ્વરનો સંદેશો જણાવવાના કામની દેખરેખ કરતા? અને યહોવાહનું વખતસર ખાવાનું તૈયાર કરતા હતા? ના, કેમ કે પાઊલ જણાવે છે: “શું સઘળા પ્રેરિતો છે? શું સઘળા પ્રબોધકો છે? શું સઘળા ઉપદેશકો છે? શું સઘળા ચમત્કાર કરનારા છે?” (૧ કોરીં. ૧૨:૨૯, ૩૦) એ ખરું છે કે બધા અભિષિક્તો ઈશ્વરનો સંદેશો જણાવતા હતા. પણ એમાંથી ફક્ત આઠ ભાઈઓનો જ ગ્રીક શાસ્ત્રના ૨૭ પુસ્તકો લખવા ઉપયોગ થયો હતો. આ બતાવે છે કે બહુ ઓછા અભિષિક્તો વખતસર ખાવાનું તૈયાર કરતા હતા.
આપણા દિવસોમાં ચાકર વર્ગ
૧૧. ‘સંપત્તિ’ શું છે જેની ચાકર વર્ગ દેખરેખ રાખે છે?
૧૧ માત્થી ૨૪:૪૫માં ઈસુના શબ્દો પરથી જોવા મળે છે કે ‘વિશ્વાસુ ને બુદ્ધિમાન ચાકર’ વર્ગ અંતના સમયમાં પણ હશે. પ્રકટીકરણ ૧૨:૧૭ આ ચાકર વર્ગનું ‘સ્ત્રીના બાકી રહેલા સંતાન’ તરીકે વર્ણન કરે છે. તેઓ પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો છે. એક ગ્રૂપ તરીકે તેઓને ઈસુ ખ્રિસ્તની ‘સર્વ સંપત્તિની’ દેખરેખ રાખવા નિમવામાં આવ્યા છે. (માથ. ૨૪:૪૭) આ ‘સંપત્તિ’ શું છે જેની ચાકર વર્ગ દેખરેખ રાખે છે? યહોવાહના રાજ્ય સાથે જોડાએલી સર્વ બાબતો એ સંપત્તિમાં આવે છે. જેમ કે, પૃથ્વી પર રહેવાની આશા રાખતા ઈશ્વરભક્તો. અને યહોવાહનો સંદેશો ફેલાવવા વપરાતી બધી સાધન સંપત્તિ.
૧૨, ૧૩. જો કોઈ સ્વર્ગમાં જવા પસંદ થયું હોય તો એની તેમને કઈ રીતે ખબર પડે છે?
૧૨ જો કોઈ સ્વર્ગમાં જવા પસંદ થયું હોય તો એની તેમને કઈ રીતે ખબર પડે છે? એનો જવાબ પ્રેરિત પાઊલ આપે છે. તેમણે સ્વર્ગમાં જવા પસંદ થયા હતા તેઓને લખ્યું: “જેઓ ઈશ્વરના આત્માની દોરવણી પ્રમાણે ચાલે છે તેઓ ઈશ્વરના સંતાન છે. તેથી આપણે ઈશ્વર સમક્ષ માલિકથી ડરતા ગુલામની જેમ ન વર્તીએ. આપણે ઈશ્વરના કુટુંબમાં બાળકો તરીકે મેળવાયેલાં છીએ. આપણે તેમના બાળકોની જેમ વર્તીએ, અને તેમને પિતા કહીને બોલાવીએ. વળી પવિત્ર આત્મા હૃદયના ઊંડાણમાં આપણને ખાતરી કરાવે છે કે આપણે તેમના સંતાન છીએ. ઈશ્વરનાં બાળકો ઈશ્વરના ભરપૂરપણાના સહભાગી છીએ. ઈશ્વરે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તને જે કાંઈ આપ્યું છે તે બધું હવે આપણું પણ છે. તેથી જો ખ્રિસ્તના ગૌરવમાં આપણો ભાગ છે તો તેમના દુઃખોમાં પણ આપણે ભાગીદાર બનવું જોઈએ.”—રોમન ૮:૧૪-૧૭, IBSI.
૧૩ બીજા શબ્દોમાં કહીએ તો તેઓને યહોવાહે પોતાની શક્તિથી અભિષિક્ત કર્યા છે. અને તેઓને ‘સ્વર્ગીય તેડું’ કે આમંત્રણ મળ્યું છે. (હેબ્રી ૩:૧) આ આમંત્રણ ખુદ યહોવાહે આપ્યું છે. તેઓ અચકાયા વગર તરત જ એ આમંત્રણ સ્વીકારી લે છે અને ઈશ્વરના સંતાન બને છે. (૧ યોહાન ૨:૨૦, ૨૧ વાંચો.) આમ તેઓ પોતે સ્વર્ગમાં જવા પસંદગી કરતા નથી. પણ યહોવાહ તેઓને પોતાની શક્તિથી પસંદ કરે છે.—૨ કોરીં. ૧:૨૧, ૨૨; ૧ પીત. ૧:૩, ૪.
અભિષિક્તોએ પોતાના વિષે કેવું વિચારવું જોઈએ?
૧૪. અભિષિક્તોએ પોતાને મળેલા આમંત્રણ વિષે કેવું વિચારવું જોઈએ?
૧૪ અભિષિક્તો સ્વર્ગીય ઇનામની રાહ જુએ છે તેમ, તેઓએ એ આમંત્રણ વિષે કેવો વિચાર કરવો જોઈએ? તેઓને ખબર છે કે એ આમંત્રણ યહોવાહે તરફથી મોટો આશીર્વાદ છે. પરંતુ તેઓએ ભૂલવું ન જોઈએ કે એનો હજી અનુભવ કર્યો નથી. એ ઈનામ મેળવવા તેઓએ મરણ સુધી વિશ્વાસુ રહેવું પડશે. તેઓ પણ નમ્ર બની પાઊલના શબ્દો સાથે સહમત થાય છે: ‘ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી; પણ એક કામ હું કરું છું, એટલે કે જે પાછળ છે તેને ભૂલીને જે આગળ છે તેની તરફ દોડું છું. ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, નિશાનની તરફ આગળ દોડું છું.’ (ફિલિ. ૩:૧૩, ૧૪) પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોએ ‘તેમને મળેલા તેડાને યોગ્ય થઈને ચાલવા’ બનતું બધું જ કરવું જોઈએ. એ સાથે તેઓએ ‘સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા’ રાખીને ઈશ્વરનો “ભય” રાખવો જોઈએ.—એફે. ૪:૧, ૨; ફિલિ. ૨:૧૨; ૧ થેસ્સા. ૨:૧૨.
૧૫. મેમોરિયલમાં ભાગ લે છે તેઓને બીજાઓએ કેવા ગણવા જોઈએ? અભિષિક્તો પણ પોતાને કેવા ગણે છે?
૧૫ કોઈ વ્યક્તિ અભિષિક્ત હોવાનો દાવો કરે, મેમોરિયલમાં ભાગ લેવા માંડે ત્યારે, બીજા ભાઈ-બહેનોએ તેઓને કેવા ગણવા જોઈએ? તેઓએ આવી વ્યક્તિ વિષે કોઈ શંકા કે ન્યાય કરવો ન જોઈએ. એ બાબત વ્યક્તિ અને યહોવાહ વચ્ચે છે. (રૂમી ૧૪:૧૨) તેઓની પાસે મોટી પદવી છે એ રીતે ન ગણવું જોઈએ. અભિષિક્તો એવું માનતા નથી કે પૃથ્વી પર રહેવાની આશા રાખતા અનુભવી ભક્તો કરતાં પોતાને બાઇબલનું વધારે જ્ઞાન છે. (પ્રકટી. ૭:૯; યોહા. ૧૦:૧૬) એવું પણ માનતા નથી કે પોતાની પાસે યહોવાહની વધારે શક્તિ છે. તેઓ વધારે માન-પાનની પણ આશા રાખતા નથી. તેઓ ભલે મેમોરિયલમાં ભાગ લેતા હોય, પણ એનાથી કંઈ મંડળના વડીલોથી મોટા બની જતા નથી. આમ, તેઓ બધાની જેમ સામાન્ય છે, એ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ.
૧૬-૧૮. (ક) શું બધા જ અભિષિક્તો વખતસર ખાવાનું કે નવી સમજણ આપવામાં ભાગ લે છે? દાખલો આપીને સમજાવો. (ખ) શા માટે ગવર્નિંગ બૉડીએ કોઈ નિર્ણય લેતા પહેલાં ચાકર વર્ગના દરેક સભ્યને પૂછવાની જરૂર નથી?
૧૬ દુનિયાના અનેક દેશોમાં આજે અભિષિક્તો છે. તો શું તેઓ બધાય વખતસર ખાવાનું આપે છે? તેઓ બધાય બાઇબલની નવી સમજણ આપે છે? ના. ખરું કે ચાકર વર્ગ તરીકે તેઓની જવાબદારી છે કે ઈસુના ‘ઘરનાંને’ એટલે કે અભિષિક્તોને વખતસર ખાવાનું પૂરું પાડે. પરંતુ ચાકર વર્ગના દરેક સભ્ય પાસે એક સરખી જવાબદારી નથી. (૧ કોરીંથી ૧૨:૧૪-૧૮ વાંચો.) આગળ જોઈ ગયા તેમ, પહેલી સદીમાં બધા અભિષિક્તો ઈશ્વરનો સંદેશો ફેલાવવામાં ભાગ લેતા હતા. પણ ગ્રીક શાસ્ત્ર લખવામાં અને મંડળની દેખરેખ રાખવામાં તેઓમાંથી અમુકનો જ ઉપયોગ થયો હતો.
૧૭ એ વધારે સમજવા એક દાખલો લઈએ. બાઇબલ અમુક વાર જણાવે છે કે, કોઈએ મોટું પાપ કર્યું હોય તો એ વ્યક્તિને સુધારવા ‘મંડળી’ પગલાં લે છે. (માથ. ૧૮:૧૭) પરંતુ હકીકતમાં આખી મંડળી નહિ, પણ વડીલો જ પગલાં લે છે. તેઓ કોઈ નિર્ણય લેતા પહેલાં કંઈ મંડળના દરેક સભ્યને પૂછતા નથી. પણ આખી મંડળી તરફથી નિર્ણય લે છે. ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે, તેઓ મંડળ માટે આ જવાબદારી નિભાવે છે.
૧૮ એવી જ રીતે ચાકર વર્ગને રજૂ કરવા અમુક જ અભિષિક્ત ભાઈઓ એ જવાબદારી લે છે. એ ભાઈઓ યહોવાહના સાક્ષીઓની ગવર્નિંગ બૉડી તરીકે ઓળખાય છે. આ ભાઈઓ ઈશ્વરનો સંદેશો ફેલાવવાના અને વખતસર ખાવાનું આપવાના કામની દેખરેખ કરે છે. પહેલી સદીના પ્રેરિતોની જેમ, ગવર્નિંગ બૉડીના અભિષિક્ત ભાઈઓ પણ નિર્ણય લેતા પહેલાં ચાકર વર્ગના દરેક સભ્યને પૂછતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૪, ૫ વાંચો.) તેમ છતાં, દરેક અભિષિક્ત ભાઈ-બહેનો તન-મનથી ઈશ્વરનો સંદેશો ફેલાવવામાં લાગુ રહે છે. આમ, તેઓ એક ગ્રૂપ તરીકે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગને રજૂ કરે છે. પણ એ ચાકર વર્ગમાં દરેકને અલગ-અલગ જવાબદારી છે.—૧ કોરીં. ૧૨:૧૯-૨૬.
૧૯, ૨૦. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અને એની ગવર્નિંગ બૉડી વિષે આપણને કેવું લાગે છે?
૧૯ આપણે જે માહિતીની ચર્ચા કરી એ કેવી રીતે પૃથ્વીની આશા રાખતા મોટા ટોળાને અસર કરે છે? તેઓ પણ રાજા ઈસુની ‘સંપત્તિનો’ એક ભાગ છે. એટલે ગવર્નિંગ બૉડી યહોવાહનું વખતસરનું જે જ્ઞાન આપે છે એની મોટા ટોળાના સભ્યો બહુ કદર કરે છે. ગવર્નિંગ બૉડી, જે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ને રજૂ કરે છે તેઓના માર્ગદર્શનને મોટું ટોળું દિલથી માને છે. એક ગ્રૂપ તરીકે ચાકર વર્ગની મોટું ટોળું કદર કરે છે, પણ કોઈ અભિષિક્ત પાસે મોટી પદવી છે એવું તેઓ માનતા નથી. કોઈ પણ વ્યક્તિને યહોવાહે અભિષિક્ત કર્યા હશે તો, તે માન-પાન નહિ માગે, એની આશા પણ નહિ રાખે.—પ્રે.કૃ. ૧૦:૨૫, ૨૬; ૧૪:૧૪, ૧૫.
૨૦ ભલે આપણે ‘ઘરનાં’ એટલે કે બાકી રહેલા અભિષિક્તો હોઈએ કે પછી મોટાં ટોળાંનો ભાગ હોઈએ, ચાલો આપણે વિશ્વાસુ કારભારી અને એની ગવર્નિંગ બૉડીના માર્ગદર્શન પ્રમાણે જ ચાલીએ. તેઓને પૂરો સહકાર આપીએ. ચાલો આપણે બધા ‘જાગતા રહીએ’ અને અંત સુધી યહોવાહને વળગી રહીએ.—માથ. ૨૪:૧૩, ૪૨. (w09 6/15)
તમને યાદ છે?
• “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કોણ છે? ‘ઘરનાંઓ’ કોણ છે?
• જો કોઈ સ્વર્ગમાં જવા પસંદ થયું હોય તો એની તેમને કઈ રીતે ખબર પડે છે?
• બાઇબલની નવી સમજણ તૈયાર કરવાની મુખ્ય જવાબદારી કોની છે?
• અભિષિક્તોએ પોતાને કેવા ગણવા જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૯ પર ચિત્રો]
પહેલી સદીની જેમ આજે પણ ગવર્નિંગ બૉડી “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ને રજૂ કરે છે