સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘સારાં કામ કરવાને આતુર રહો’

‘સારાં કામ કરવાને આતુર રહો’

‘સારાં કામ કરવાને આતુર રહો’

“તેણે [ઈસુએ] આપણે સારૂ પોતાનું સ્વાર્પણ કર્યું, કે જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને સારૂ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.”—તીતસ ૨:૧૪.

૧. નીસાન ૧૦, ત્રેતીસની સાલમાં ઈસુએ મંદિરમાં શું કર્યું?

 નિસાન ૧૦, તેત્રીસની સાલ છે. અમુક દિવસ પછી પાસ્ખાપર્વની ઉજવણી શરૂ થશે. ઘણા સેવકો યરૂશાલેમ મંદિરમાં આવીને પાસ્ખાપર્વ ઉજવવાની તૈયારીમાં છે. ઈસુએ મંદિરમાં આવીને જે કર્યું એ વિષે માત્થી, માર્ક અને લુકમાં લખ્યું છે. તેઓ જણાવે છે કે ઈસુ વેપારીઓને અને ખરીદનારાઓને મંદિરમાંથી કાઢી મૂકે છે. વેપારીઓના અને કબૂતર વેચનારાઓના ટેબલ ઊંધા વાળી નાખે છે. (માથ. ૨૧:૧૨; માર્ક ૧૧:૧૫; લુક ૧૯:૪૫) ઈસુએ ત્રણ વર્ષ પહેલાં પણ આમ જ કર્યુ હતું. આ બતાવે છે કે ઈસુનો મંદિરને પવિત્ર રાખવાનો ઉત્સાહ ઠંડો થયો ન હતો.—યોહા. ૨:૧૩-૧૭.

૨, ૩. ઈસુએ બીજાં કયાં કાર્યો કર્યાં હતા?

મંદિર વેપાર ધંધાની જગ્યા ન બને એનું ઈસુએ ખાસ ધ્યાન રાખ્યું. માત્થી જણાવે છે કે ઈસુએ આંધળા અને લંગડાઓને પણ સાજા કર્યા હતા. (માથ. ૨૧:૧૪) લુક જણાવે છે કે ઈસુએ બીજાં કામો પણ કર્યાં હતાં. જેમ કે, તે ‘રોજ મંદિરમાં બોધ કરતા હતા.’ (લુક ૧૯:૪૭; ૨૦:૧) આમ બીજા લોકોને ઈશ્વર વિષે શીખવવાની ઈસુને ઘણી હોંશ હતી.

થોડાં વર્ષો પછી પ્રેરિત પાઊલે ફરીથી ઈસુનો ઉલ્લેખ કરતા જણાવ્યું: ‘ઈસુએ આપણે સારૂ પોતાનું બલિદાન આપ્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.’ (તીત. ૨:૧૪) ઈસુની જેમ આજે આપણે કઈ રીતે “સારાં કામ કરવાને આતુર” બની શકીએ? ગયા લેખમાં જોયું તેમ યહુદાહના ચાર રાજાઓના દાખલામાંથી શું શીખી શકીએ?

ઈશ્વર વિષે શીખવવાની હોંશ

૪, ૫. યહુદાહના ચાર રાજાઓએ યહોવાહની ભક્તિ માટે કઈ રીતે ઉત્સાહ બતાવ્યો?

આસા, યહોશાફાટ, હિઝ્કીયાહ અને યોશીયાહ રાજાએ યહુદાહમાંથી મૂર્તિપૂજા કાઢી નાખવા ઘણો પ્રયત્ન કર્યો. રાજા આસાએ “પારકી વેદીઓ તથા ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, ભજનસ્તંભો ભાંગી નાખ્યા, ને અશેરીમ મૂર્તિઓને કાપી નાખી.” (૨ કાળ. ૧૪:૩) રાજા યહોશાફાટે “યહુદાહમાંથી ઉચ્ચસ્થાનો તથા અશેરીમ મૂર્તિઓ કાઢી નાખ્યાં.”—૨ કાળ. ૧૭:૬; ૧૯:૩. *

રાજા હિઝ્કીયાહે યરૂશાલેમમાં સાત દિવસના પાસ્ખા પર્વની ઉજવણી પછી મૂર્તિપૂજા કાઢવાની ગોઠવણ કરી. એ વિષે બાઇબલ જણાવે છે: “એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઈસ્રાએલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વે યહુદાહનાં નગરોમાં પાછા ગયા, ને તેઓએ ભજન સ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા, તથા અશેરીન મૂર્તિઓને કાપી નાખી, અને આખા યહુદાહ તથા બિન્યામીનમાંથી, તેમજ એફ્રાઇમ તથા મનાશ્શેહમાંથી પણ, ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઈસ્રાએલપુત્ર પોતાનાં નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા.” (૨ કાળ. ૩૧:૧) યોશીયાહ રાજાએ પણ મૂર્તિઓનો નાશ કર્યો. તે આઠ વર્ષના હતા ત્યારે રાજા બન્યા. બાઇબલ જણાવે છે: “તેના રાજ્યને આઠમે વર્ષે, તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલામાં તો તેણે પોતાના પિતા દાઊદના દેવની ઉપાસના કરવા માંડી; બારમે વર્ષે ઉચ્ચસ્થાનો તથા અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરીને યહુદાહ તથા યરૂશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.” (૨ કાળ. ૩૪:૩) આ ચારેય રાજાઓએ યહોવાહની ભક્તિ માટે ઉત્સાહથી મૂર્તિપૂજા કાઢી નાખી. યહોવાહની શુદ્ધ ભક્તિ કરવા આપણા માટે સારો દાખલો બેસાડ્યો.

૬. આજે આપણે કઈ રીતે ચાર રાજાઓની જેમ ઉત્સાહ બતાવી શકીએ?

આજે આપણે કઈ રીતે ચાર રાજાઓની જેમ ઉત્સાહ બતાવી શકીએ? એક રીત છે, સર્વ જાતના લોકોને ઘરે ઘરે જઈને ઈશ્વરનો સંદેશો જણાવીએ. (૧ તીમો. ૨:૪) આમ કરીને આપણે અમુક લોકોને મૂર્તિપૂજા છોડીને ઈશ્વરના માર્ગે ચાલવા મદદ કરીએ છીએ. દાખલા તરીકે, એક એશિયન છોકરીનો અનુભવ જોઈએ. તે કહે છે કે તેના ઘરમાં ઘણા દેવ-દેવીઓનાં ફોટા હતા. તેની મમ્મી એ બધાને પૂજતી હતી. તેને મનમાં થતું કે આ બધામાંથી કોણ સાચા ઈશ્વર છે. એ જાણવા તે હંમેશા પ્રાર્થના કરતી. પછી એક દિવસે તેના ઘરે યહોવાહના સાક્ષીઓ આવે છે. તેઓ તેને શીખવે છે કે સાચા ઈશ્વરનું નામ યહોવાહ છે. તેમ જ, મૂર્તિપૂજા કરવી ખોટી છે. હવે તે છોકરી પણ ઘણા ઉત્સાહથી બીજા લોકોને ઈશ્વરનો સંદેશો જણાવે છે. યહોવાહ અને તેમની ઇચ્છા શું છે એ વિષે શીખવે છે.—ગીત. ૮૩:૧૮; ૧૧૫:૪-૮; ૧ યોહા. ૫:૨૧.

૭. લેવીય અને અમલદારની જેમ ટેરેટરીમાં દરેક લોકોને મળવા આપણે શું કરી શકીએ?

રાજા યહોશાફાટે ત્રીજા વર્ષમાં પાંચ અમલદાર, નવ લેવીઓ અને બે યાજકોને પસંદ કર્યા. તેઓએ યહુદાહના દરેક નગરોમાં જઈને લોકોને યહોવાહના નિયમો શીખવ્યા. એના લીધે આજુ-બાજુના દેશોના લોકોને યહોવાહ વિષે જાણ થઈ. આપણે પણ ટેરેટરીમાં દરેક લોકોને યહોવાહ વિષે શીખવવું જોઈએ. (૨ કાળવૃત્તાંત ૧૭:૯, ૧૦ વાંચો.) એ માટે આપણે ફેરફાર કરીને અલગ સમયે અને દિવસે લોકોના ઘરે જવું જોઈએ.

૮. ઈશ્વરનો સંદેશો બધાને જણાવવા શું કરી શકીએ?

અમુક દેશોમાં બહુ ઓછા યહોવાહના સાક્ષીઓ છે. એના લીધે અમુક ભાઈ-બહેનો ઈશ્વરનો સંદેશો જણાવવા આવા દેશોમાં જાય છે. શું તમે પણ તેઓની જેમ કરી શકો? એમ ન કરી શકાય તો કદાચ તમારા મંડળના વિસ્તારમાં બીજી ભાષા બોલતા લોકોને સંદેશો જણાવી શકો. દાખલા તરીકે, રાનભાઈની ટેરેટરીમાં બીજી ભાષા બોલતા ઘણા લોકો છે. એટલે તે ૩૨ ભાષામાં ‘કેમ છો’ બોલવાનું શીખ્યા. એક વખતે તે ભાઈ આફ્રિકન યુગલને મળ્યા. તેઓ યરૂબા ભાષા બોલતા હતા. રાનભાઈએ તેઓની ભાષામાં ‘કેમ છો’ કહ્યું. તેઓએ રાનભાઈને પૂછ્યું: ‘તમે કદી આફ્રિકા ગયા છો?’ તેમણે ના પાડી તો, તેઓએ પૂછ્યું કે ‘તમને કઈ રીતે યરૂબા ભાષા આવડે છે?’ રાનભાઈએ જણાવ્યું કે તે દરેકને ઈશ્વરનો સંદેશો જણાવી શકે એટલે યરૂબા ભાષામાં પણ અમુક શબ્દો શીખ્યા. એ સાંભળીને તેઓએ તરત જ મૅગેઝિન લીધા અને પોતાનું સરનામું રાનભાઈને આપ્યું. તેમણે એ સરનામું યોગ્ય મંડળને આપ્યું, જેથી કોઈ આ યુગલ સાથે બાઇબલ સ્ટડી કરી શકે.

૯. ઈશ્વરનો સંદેશો જણાવવા બાઇબલમાંથી કલમ વાંચવી કેમ મહત્ત્વની છે? દાખલો આપો.

અમલદારો, લેવીઓ અને યાજકોએ યહુદાહના નગરોમાં દરેક લોકોને ‘યહોવાહના નિયમના પુસ્તકમાંથી’ શીખવ્યું. તેઓની જેમ આપણે પણ બાઇબલમાંથી બીજા લોકોને ઈશ્વરના વચનો શીખવીએ છીએ. આપણે કોઈને મળીએ ત્યારે કોશિશ કરીએ છીએ કે બાઇબલમાંથી એક કલમ વાંચીએ. એના વિષે લીંડાબેનનો દાખલો જોઈએ. તે એક સ્ત્રીને મળ્યા. પણ સ્ત્રીએ જણાવ્યું કે તેની પાસે વાત કરવાનો સમય નથી. કેમ કે, તેના પતિને સ્ટ્રોક થયો છે અને તે તેમની સંભાળ રાખે છે. પછી સ્ત્રીએ દુઃખી થઈને જણાવ્યું, ‘મેં એવું તો શું પાપ કર્યું કે ઈશ્વર મને એની સજા આપે છે?’ લીંડાએ દિલાસો આપતા કહ્યું: ‘તમે દુઃખી ન થાઓ.’ પછી યાકૂબ ૧:૧૩ વાંચીને જણાવ્યું કે ‘આપણે અને આપણાં સગાં જે તકલીફ ભોગવીએ છીએ એ ઈશ્વર તરફથી નથી.’ આ સાંભળીને સ્ત્રી લીંડાને ભેટી પડી. આ ચર્ચાને લીધે લીંડાએ તેની સાથે બાઇબલ સ્ટડી શરૂ કરી. આ અનુભવ વિષે લીંડા જણાવે છે, ‘મેં સ્ત્રીને બાઇબલમાંથી દિલાસો આપ્યો. અમુક વખતે આપણે બાઇબલમાંથી એવી કલમો વાંચીએ છીએ જે લોકોએ ક્યારેય સાંભળી નથી.’

યુવાનો જેઓએ હોંશથી સેવા આપી

૧૦. યોશીયાહ રાજાએ યુવાનો માટે કેવો દાખલો બેસાડ્યો?

૧૦ યોશીયાહ રાજાએ આઠ વર્ષની વયે શુદ્ધ ભક્તિ ફેલાવવા પગલાં ભર્યા. વીસ વર્ષના થયા ત્યારે તેમણે ઉત્સાહથી યહુદાહમાંથી મૂર્તિપૂજા મિટાવી દેવા પગલાં ભર્યા. (૨ કાળવૃત્તાંત ૩૪:૧-૩ વાંચો.) ઘણા યુવાનો ઈશ્વરનો સંદેશો જણાવવા એવો જ ઉત્સાહ બતાવે છે.

૧૧-૧૩. ઉત્સાહી યુવાનોના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૧ ઇંગ્લેન્ડની ૧૩ વર્ષની હાન્‍ના ફ્રેન્ચ ભાષા શીખતી હતી. પછી તેને ખબર પડી કે નજીકના મંડળમાં ફ્રેન્ચ બોલતું એક ગ્રૂપ છે. તેને એ ગ્રૂપમાં જવું હતું એટલે તેના પપ્પાને ત્યાં આવવા મનાવી લીધા. અત્યારે હાન્‍ના ૧૮ વર્ષની છે. તે રેગ્યુલર પાયોનિયર છે અને ફ્રેન્ચ લોકોને સત્ય શીખવે છે.

૧૨ ૧૯૯૫માં રેચલ સત્યમાં આવી. સમય જતા તેણે પરસ્યુ ગૉલ ધેટ ઑનર ગોડ ડીવીડી જોઈ. આ વિડીયો તેને બહુ ગમે છે. તે જણાવે છે: ‘વિડીયો જોયા પહેલાં મને લાગતું હતું કે સત્યમાં હું બહુ સારું કરું છું. પણ પછી મને સમજાયું કે હું તો ઉપરછલ્લી જ યહોવાહની ભક્તિ કરતી હતી. મારે યહોવાહની ભક્તિમાં હજી ઘણું કરવાનું છે. હવે હું પર્સનલ સ્ટડી અને બીજાઓને સત્ય શીખવવામાં વધારે કોશિશ કરીશ.’ હવે રેચલને લાગે છે કે તે ઉત્સાહથી યહોવાહની ભક્તિ કરી રહી છે. તે જણાવે છે: ‘યહોવાહ સાથેનો મારો સંબંધ ગાઢ બન્યો છે. હું દિલથી પ્રાર્થના કરું છું. કોઈ બાબત સમજવા વધારે રિસર્ચ કરું છું. બાઇબલ વાંચું છું ત્યારે બનાવો જાણે મારી સામે બનતા હોય એમ લાગે છે. હવે મને ઈશ્વરનો સંદેશો જણાવવામાં વધારે આનંદ મળે છે. બીજા લોકોને યહોવાહના સંદેશાથી દિલાસો મળે છે એ જોઈને મને ઘણો સંતોષ થાય છે.’

૧૩ લુકને પણ યંગ પીપલ આસ્ક—વૉટ વિલ આઈ ડૂ વિથ માઈ લાઇફ? ડીવીડી જોઈને ઘણું ઉત્તેજન મળ્યું. એ ડીવીડી જોયા પછી તે લખે છે, ‘પહેલાં લોકો મને દબાણ કરતા કે સારું ભણું અને નોકરી કરું. પછી યહોવાહની ભક્તિ કરું. આવા વિચારથી તો વ્યક્તિ યહોવાહની ભક્તિમાં ઠંડી પડી જાય. આ વિડીયો જોયા પછી મને એ વિચારવા ઉત્તેજન મળ્યું કે મારા જીવનમાં પહેલું શું હોવું જોઈએ.’ યુવાનો, આ ત્રણ દાખલામાંથી શું શીખવા મળે છે? હાન્‍નાની જેમ બીજી ભાષા શીખીને શું તમે બીજા લોકોને સત્ય શીખવી શકો? રેચલની જેમ તમે પણ સત્યમાં પહેલાંના કરતાં વધારે ઉત્સાહ બતાવી શકો? લુકની જેમ સારું ભણતર અને નોકરી કરતાં યહોવાહની ભક્તિને જીવનમાં પહેલાં રાખી શકો?

ચેતવણી સાંભળો

૧૪. યહોવાહ કેવી ભક્તિ સ્વીકારે છે? આજે એમ કરવું શા માટે અઘરું છે?

૧૪ રાજા આસાએ યહુદાહમાંથી અનૈતિકતા કાઢી નાખી. (૧ રાજાઓ ૧૫:૧૧-૧૩ વાંચો.) અમુક વર્ષો પછી યશાયાહે ઈશ્વરભક્તોને ચેતવણી આપી: “જાઓ, જાઓ, ત્યાંથી [બાબેલોનથી] નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુને અડકશો મા; તેની વચમાંથી નીકળો; યહોવાહનાં પાત્રો ઉંચકનારા, તમે શુદ્ધ થાઓ.” (યશા. ૫૨:૧૧) સદીઓ પછી પાઊલે તીતસને કહ્યું કે લોકોના પાપ માફ કરવામાં આવે માટે ઈસુએ પોતાનું જીવન આપ્યું, જેથી “સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તૈયાર” થાય. (તીત. ૨:૧૪) આ બતાવે છે કે આપણે યહોવાહની શુદ્ધ ભક્તિ કરવી જોઈએ. પણ આજની દુનિયામાં સંસ્કારની કોઈને પડી નથી. એટલે જ યહોવાહના ભક્તો, એમાં પણ ખાસ કરીને યુવાનો માટે સંસ્કાર જાળવી રાખવા સહેલું નથી. કેમ કે, જ્યાં જુઓ ત્યાં પોર્નોગ્રાફી જોવા મળે છે. જેમ કે, રસ્તા પર લગાવેલા જાહેરાત બોર્ડ, ટીવી, ફિલ્મો અને ખાસ કરીને ઇંટરનેટ પર. આ બધી બાબતોથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ.

૧૫. કોઈ ખરાબ બાબતને ધિક્કારવા શેનાથી મદદ મળશે?

૧૫ યહોવાહના નિયમો પાળવામાં ઉત્સાહી બનીશું તો ખરાબ બાબતોને ધિક્કારવામાં ઘણી મદદ મળશે. (ગીત. ૯૭:૧૦; રૂમી ૧૨:૯) જેમ કે આપણે પોર્નોગ્રાફીને સખત ધિક્કારવી જોઈએ. એમ નહિ કરીએ તો આપણને જ નુકસાન થશે. એ વિષે એક ભાઈ કહે છે કે પોર્નોગ્રાફી એક ચુંબક જેવી છે. આપણને ખબર છે કે ચુંબક સાથે ચોંટેલી વસ્તુને છૂટી પાડવા ઘણું જોર લગાવવું પડે છે. એવી જ રીતે પોર્નોગ્રાફીની લાલચથી દૂર રહેવા ઘણી મહેનત કરવી પડે છે. બીજા એક ભાઈ સમજાવે છે કે પોર્નોગ્રાફીની લાલચમાં ન પડવા ઘણા પ્રયત્ન કરવા પડે છે. તે પોર્નોગ્રાફીની લાલચમાં ફસાયા હતા. એ લાલચ છોડવા તેમણે પોતાનું કૉમ્પ્યુટર કુટુંબમાં બધા જોઈ શકે એવી રીતે મૂક્યું. બીજું કે નોકરીના કામ માટે ઇન્ટરનેટ વાપરતા ત્યારે પત્ની સાથે બેસતા. છેવટે તેમણે મનમાં ગાંઠ વાળી કે યહોવાહના નિયમો પાળીને શુદ્ધ રહેવા પૂરો પ્રયત્ન કરશે.

સારા વાણી-વર્તનથી શું થશે?

૧૬, ૧૭. આપણા સારા વાણી-વર્તનથી બીજાઓ પર કેવી અસર પડી શકે એ દાખલાથી સમજાવો.

૧૬ આજે અનેક યુવાન ભાઈ-બહેનો યહોવાહના સંગઠનમાં સારું કરી રહ્યાં છે. એ જોઈને અમુક લોકો તેઓના વખાણ કરે છે. (૧ પીતર ૨:૧૨ વાંચો.) દાખલા તરીકે, પ્રિન્ટિંગ મશીન રિપેર કરતી એક વ્યક્તિનો વિચાર કરો. તેની પત્ની યહોવાહના સાક્ષીઓ સાથે સ્ટડી કરે છે. પણ આ વ્યક્તિને તેઓ જરાય ગમતા ન હતા. એટલે તે ચાહતો હતો કે સાક્ષીઓ ફરી વાર તેમના ઘરે ન આવે. પણ એક દિવસ તે લંડન બેથેલમાં પ્રિન્ટિંગ મશીન રીપેર કરવા ગયો. ભાઈ-બહેનોના વર્તન જોઈને તેનો વિચાર સાવ બદલાઈ ગયો. કેમ કે, બધાએ તેની સાથે સારો વ્યવહાર કર્યો. કોઈ ગાળ બોલતું ન હતું અને બધા જ શાંતિથી કામ કરતા હતા. તેને નવાઈ લાગી કે ત્યાં યુવાન ભાઈ-બહેનો પગાર વગર પૂરા ઉત્સાહથી કામ કરતા હતા. એટલે તેણે ઘરે જઈને પત્ની આગળ યહોવાહના સાક્ષીઓના વખાણ કર્યા.

૧૭ બેથેલમાં જ નહિ નોકરીમાં કામ કરતા ભાઈ-બહેનોના પણ વાણી-વર્તન સારાં હોય છે. તેઓ મહેનતથી અને પ્રમાણિક રીતે કામ કરે છે. (કોલો. ૩:૨૩, ૨૪) એની તેઓના માલિક કદર કરે છે. તેઓ કદી નોકરી ન છોડે એવું માલિક ચાહતા હોય છે. એટલે આવા ભાઈ-બહેનો મોટે ભાગે નોકરી ગુમાવતા નથી.

૧૮. કઈ રીતે “સર્વ સારાં કામ કરવાને આતુર” રહી શકીએ?

૧૮ આ બે લેખમાં જોયું તેમ કઈ રીતે “સર્વ સારાં કામ કરવાને આતુર” રહી શકીએ? (તીત. ૨:૧૪) યહોવાહમાં ભરોસો રાખીને. તેમની આજ્ઞાઓ પાળીને. કિંગ્ડમ હૉલનું ધ્યાન રાખીને. સંદેશો જણાવવાના કામમાં ભાગ લઈને. ચાલો આપણે નાનાં-મોટાં દરેક યહોવાહની શુદ્ધ મને ભક્તિ કરીએ. આમ કરીશું તો યહોવાહ આપણને ઘણા આશીર્વાદો આપશે. (w09 6/15)

[ફુટનોટ્‌સ]

^ આસા રાજાએ મૂર્તિપૂજા માટે વપરાતા ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યા હોઈ શકે. પણ યહોવાહની ભક્તિ માટે વપરાતા ઉચ્ચસ્થાનોને રહેવા દીધા. અથવા એવું પણ બન્યું હોઈ શકે કે આસા રાજાના રાજ્યના અંત સમયમાં મૂર્તિપૂજા માટે ઉચ્ચસ્થાનો બનાવ્યા હશે. એ સ્થાનો તેમના દીકરા યહોશાફાટે કાઢી નાખ્યા હશે.—૧ રાજા. ૧૫:૧૪; ૨ કાળ. ૧૫:૧૭.

બાઇબલ અને આજના ભાઈ-બહેનોના અનુભવને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:

• ઈશ્વરનો સંદેશો જણાવવામાં કઈ રીતે વધારે હોંશ બતાવી શકીએ?

• કઈ રીતે યુવાનો “સર્વ સારાં કામ કરવાને આતુર” રહી શકે?

• ખરાબ બાબતને ધિક્કારવા શેનાથી મદદ મળશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૯ પર ચિત્રો]

સંદેશો જણાવવા તમે નિયમિત રીતે બાઇબલનો ઉપયોગ કરો છો?

[પાન ૨૧ પર ચિત્રો]

બીજી ભાષા શીખીને તમે વધારે લોકોને સંદેશો જણાવી શકો છો