સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુની જેમ હિંમતથી શીખવીએ

ઈસુની જેમ હિંમતથી શીખવીએ

ઈસુની જેમ હિંમતથી શીખવીએ

‘તમારી આગળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને અમે હિંમતવાન થયા.’—૧ થેસ્સા. ૨:૨.

૧. શા માટે ઈશ્વરના રાજ્યના સમાચાર સૌથી સારા છે?

 આપણને બધાને સારા સમાચાર સાંભળવા ગમે છે. સૌથી સારા સમાચાર ઈશ્વરના રાજ્ય વિષેના છે. ઈસુએ બધાને જણાવ્યું કે ઈશ્વરનું રાજ્ય મનુષ્યો માટે શું કરશે. એ દુઃખ-તકલીફો, બીમારીઓ અને મરણનો અંત લાવશે. એ સંદેશો આપણને અમર જીવનની આશા પણ આપે છે. એ સંદેશાથી આપણે ઈશ્વરને વધારે સારી રીતે ઓળખી શકીએ છીએ. આપણને લાગે કે એવો સંદેશો સાંભળવો કોને નહિ ગમે. પણ હકીકત એ છે કે મોટા ભાગના લોકો એ સાંભળવા રાજી નથી.

૨. ઈસુએ શિષ્યોને જે કહ્યું એનો અર્થ શું થાય?

ઈસુએ શિષ્યોને કહ્યું હતું: ‘પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો; શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું. કેમકે માણસને તેના બાપની સામે, તથા દીકરીને તેની માની સામે, તથા વહુને તેની સાસુની સામે લડાવવાને હું આવ્યો છું. અને માણસના વૈરી તેના ઘરમાંના જ થશે.’ (માથ. ૧૦:૩૪-૩૬) ઈસુનું કહેવું હતું કે મોટા ભાગના લોકો ઈશ્વરના રાજ્યનો સંદેશો નહિ સાંભળે. તેઓ સંદેશો જણાવનારનો વિરોધ કરશે. અરે, કુટુંબના લોકો પણ તેનો સખત વિરોધ કરશે.

૩. સંદેશો જણાવવા આપણને શાની જરૂર છે?

ઈસુએ શિષ્યોને કહ્યું: ‘દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મારી સતાવણી કરી, તો તેઓ તમારી સતાવણી પણ કરશે.’ (યોહા. ૧૫:૨૦) ખરું કે આજે ઘણા દેશોમાં સતાવણી નથી થતી. તેમ છતાં, ઈસુના જમાનાની જેમ જ આજે પણ મોટા ભાગના લોકો સંદેશો સાંભળતા નથી. અમુકને સંદેશો જરાય ગમતો ન હોવાથી, તેઓ આપણને નફરત કરવા લાગે છે. એટલે સંદેશો જણાવવા આપણને હિંમતની જરૂર છે. યહોવાહમાં પૂરી શ્રદ્ધાની જરૂર છે.—૨ પીતર ૧:૫-૮ વાંચો.

૪. પાઊલે કેમ ‘હિંમતવાન થવાની’ જરૂર હતી?

આપણને કદાચ સંદેશો જણાવવાનું અઘરું લાગે કે એ જણાવવાની અલગ અલગ રીત અઘરી લાગે. જો એમ હોય તો ચિંતા નહિ કરો. ઈશ્વરભક્ત પાઊલને પણ એવું લાગ્યું હતું. ખરું કે પાઊલ કોઈની પણ બીક રાખ્યા વિના સંદેશો જણાવતા હતા. તેમને સત્યનું સારું જ્ઞાન હતું. છતાંયે અમુક વખત તેમને પણ સંદેશો જણાવવાનું અઘરું લાગ્યું. થેસ્સાલોનીકીના ભાઈ-બહેનોને તેમણે લખ્યું: “તમે જાણો છો, કે અમે પહેલાં ફિલિપીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, તોપણ ઘણા કષ્ટથી તમારી આગળ દેવની સુવાર્તા પ્રગટ કરવાને આપણા દેવથી હિંમતવાન થયા.” (૧ થેસ્સા. ૨:૨) ફિલિપીમાં અધિકારીઓએ પાઊલ અને સીલાસને માર્યા, જેલમાં પૂર્યા અને તેઓના પગ લાકડાના હેડમાં બાંધી દીધા. (પ્રે.કૃ. ૧૬:૧૬-૨૪) આવા સંજોગોમાં પણ પાઊલ અને સીલાસ “હિંમતવાન થયા” અને સંદેશો જણાવવાનું ચાલુ રાખ્યું. એમ જ કરવા, ચાલો આપણે બીજા અમુક ઈશ્વરભક્તોના દાખલા લઈએ. એમાંથી શીખીશું કે તેઓ કઈ રીતે હિંમતથી યહોવાહ વિષે બોલ્યા હતા.

વિરોધનો સામનો કરવા હિંમતની જરૂર પડી

૫. ઘણા ઈશ્વરભક્તોએ શા માટે હિંમત બતાવવી પડી?

ઈસુએ હિંમતથી સંદેશો ફેલાવવામાં સૌથી સારો દાખલો બેસાડ્યો. બીજા ઘણા ઈશ્વરભક્તોએ પણ વિશ્વાસુ રહેવા હિંમત બતાવી હતી. તેઓએ કેમ હિંમત બતાવવી પડી? યહોવાહે એદન બાગમાં જ જણાવ્યું કે પોતાના લોકો અને શેતાનના લોકો વચ્ચે વેરઝેર હશે. (ઉત. ૩:૧૫) જેમ કે, વિશ્વાસુ હાબેલને તેના ભાઈએ અદેખાઈને લીધે મારી નાખ્યો. બીજો દાખલો હનોખનો લો. તે જળપ્રલય પહેલાં જીવતા હતા. તેમણે લોકોને કડક શબ્દોમાં ચેતવણી આપવી પડી કે યહોવાહ અને તેમના સ્વર્ગદૂતો દુષ્ટ લોકોનો નાશ કરશે. (યહુ. ૧૪, ૧૫) એ જણાવવા હનોખને ઘણી હિંમતની જરૂર પડી હશે. લોકોને એ સંદેશો કડવો ઝેર જેવો લાગ્યો અને તેઓ હનોખને સખત નફરત કરવા લાગ્યા. જો યહોવાહે હનોખને મોતની ઊંઘમાં સુવાડી દીધા ન હોત, તો લોકોએ તેમને રિબાવી રિબાવીને મારી નાખ્યા હોત!—ઉત. ૫:૨૧-૨૪.

૬. મુસાને કેમ હિંમતની જરૂર પડી?

મુસા ઇજિપ્તના રાજા ફારૂનને મળવા ગયા ત્યારે, તેમણે ઘણી હિંમત બતાવવી પડી. એ સમયમાં ઇજિપ્તનો દરેક રાજા સૂર્યદેવ રાનો દીકરો ગણાતો. લોકો તેની પૂજા કરતા. અરે, ફારૂન પોતે પણ પોતાની પૂજા કરતો. ફારૂન જે કહેતો, એ લોકો માટે નિયમ બની જતો. તે ઘણો શક્તિશાળી, ઘમંડી અને હઠીલો પણ હતો. તે બીજાની સલાહ જરાય માનતો નહિ. હવે વિચારો કે એવા રાજા સામે, ઘેટાં ચરાવનાર મુસાએ વગર બોલાવ્યે વારંવાર જવું પડ્યું. યહોવાહનો સંદેશો આપવો પડ્યો કે ફારૂન ઈસ્રાએલી લોકોને ગુલામીમાંથી છોડી દે. જો એમ નહિ કરે તો ફારૂન અને તેના લોકો પર આફતો આવી પડશે. આવો સંદેશો આપવા કેટલી હિંમતની જરૂર પડી હશે!—ગણ. ૧૨:૩; હેબ્રી ૧૧:૨૭.

૭, ૮. (ક) ઈશ્વરભક્તો પર કેવી સતાવણી આવી? (ખ) એ ઈશ્વરભક્તોને કેવી રીતે હિંમત મળી?

મુસાના સમય પછી બીજા પ્રબોધકો અને ભક્તોને પણ યહોવાહને વળગી રહેવા હિંમતની જરૂર પડી. શેતાને તેઓની ઘણી સતાવણી કરી. એ વિષે પાઊલે જણાવ્યું: “તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા ગયા; તેઓ ઘેટાંબકરાંનાં ચામડાં પહેરીને ફરતા હતા; તેઓ કંગાલ, રિબાએલા તથા પીડાએલા હતા.” (હેબ્રી ૧૧:૩૭) તેઓએ કઈ રીતે એ સતાવણી હિંમતથી સહી? હાબેલ, ઈબ્રાહીમ, સારાહ અને બીજા ઈશ્વરભક્તો વિષે પાઊલે જણાવ્યું: ‘એ સઘળાં વિશ્વાસમાં મરણ પામ્યાં. તેઓને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેમને દૂરથી જોઈને તેમનો આવકાર કર્યો.’ (હેબ્રી ૧૧:૧૩) પાઊલે જણાવ્યું કે તેઓએ યહોવાહનાં વચનો પર પૂરો ભરોસો રાખ્યો. એ રીતે એલીયાહ, યિર્મેયાહ અને બીજા ઈશ્વરભક્તોએ હિંમતથી સંદેશો ફેલાવ્યો.—તીત. ૧:૨.

એ ઈશ્વરભક્તોને યહોવાહનાં વચનોમાં પૂરી શ્રદ્ધા હતી. જ્યારે તેઓને સજીવન કરવામાં આવશે, ત્યારે તેઓ ‘નાશની ગુલામીમાંથી મુક્ત’ થશે. તેઓને આ અમર જીવનનો આશીર્વાદ ઈસુ અને તેમની સાથે રાજ કરતા ૧,૪૪,૦૦૦ આપશે. (રૂમી ૮:૨૧) બીજા કયાં કારણને લીધે, યિર્મેયાહ અને બીજા ભક્તો હિંમત બતાવી શક્યા? તેઓએ યહોવાહનું આ વચન હંમેશાં યાદ રાખ્યું: “તેઓ તારી સાથે યુદ્ધ કરશે; પણ તને હરાવશે નહિ; કેમકે તારો છૂટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવાહ કહે છે.” (યિર્મે. ૧:૧૯) તેઓને યહોવાહમાં અતૂટ ભરોસો હતો. આપણે પણ યાદ રાખીએ કે યહોવાહ આપણી સાથે જ છે. તેમનાં વચનોમાં પૂરી શ્રદ્ધા રાખીએ. પછી, આપણને પણ હિંમત મળશે.—નીતિ. ૨:૭; ૨ કોરીંથી ૪:૧૭, ૧૮ વાંચો.

પ્રેમના લીધે ઈસુએ હિંમતથી સંદેશો જણાવ્યો

૯, ૧૦. ઈસુએ જુદી જુદી વ્યક્તિઓ સામે કેવી હિંમત બતાવી?

ચાલો હવે જોઈએ કે ઈસુએ કઈ રીતે હિંમત બતાવવામાં સૌથી સારો દાખલો બેસાડ્યો. એ સમયના ધર્મગુરુઓ પાસે ઘણી સત્તા હતી અને તેઓનું રાજ ચાલતું. તેઓ માનતા કે પોતે જ સાચા અને બીજા બધા ખોટા. પણ ઈસુએ કોઈ બીક રાખ્યા વગર, તેઓને ખુલ્લા પાડ્યા. ઈસુએ તેઓને મન-માની કરવા ન દીધી કે યહોવાહની ભક્તિ બદનામ થવા ન દીધી. પણ મોં પર કહ્યું કે તેઓ ખોટા છે. જેમ કે, એક વાર ઈસુએ કહ્યું: ‘ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મુડદાંનાં હાડકાંએ તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છો.’—માથ. ૨૩:૨૭, ૨૮.

૧૦ એક વખતે સૈનિકો ઈસુને શોધતા શોધતા ગેથસેમાનેના બાગમાં આવી પહોંચ્યા. ઈસુએ સામે આવીને પોતાની ઓળખ આપી. (યોહા. ૧૮:૩-૮) પછી ઈસુને પકડીને ન્યાયસભામાં ઊભા કરવામાં આવ્યા. મુખ્ય યાજકોએ તેમને એક પછી એક સવાલ પૂછ્યા. ઈસુ જાણતા હતા કે તેઓ કોઈ પણ બહાને પોતાને ફસાવીને મારી નાખવા માંગે છે. તોપણ ઈસુ ડર્યા નહિ. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે પોતે ખ્રિસ્ત છે, ઈશ્વરના પુત્ર છે. ઈસુએ એમ પણ જણાવ્યું કે “માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશનાં વાદળાં સહિત આવતો તમે દેખશો.” (માર્ક ૧૪:૫૩, ૫૭-૬૫) પછી ઈસુને બાંધીને પીલાત સામે લઈ જવાયા, જેની પાસે તેમને છોડી મૂકવાની સત્તા હતી. લોકો ઈસુ પર ઘણા આરોપ મૂકતા હતા, તોયે તે ચૂપ રહ્યા. (માર્ક ૧૫:૧-૫) આ બધામાં ઈસુએ ઘણી હિંમત બતાવી.

૧૧. હિંમતથી સંદેશો જણાવવા આપણને કોના માટે પ્રેમ હોવો જોઈએ?

૧૧ જોકે ઈસુ કાયમ ચૂપ રહ્યા નહિ. તેમણે હિંમતથી પીલાતને કહ્યું: ‘સત્ય વિષે હું સાક્ષી આપું, એ જ માટે હું જન્મ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું.’ (યોહા. ૧૮:૩૭) યહોવાહે સોંપેલો સંદેશો ઈસુએ હિંમતથી જણાવ્યો. એનું કારણ કે ઈસુને યહોવાહ માટે અને લોકો માટે ઘણો જ પ્રેમ હતો. તે જાણતા હતા કે લોકોને એ સંદેશાથી દિલાસો મળશે. (લુક ૪:૧૮, ૧૯) આપણે પણ હિંમતથી સંદેશો જણાવવા, યહોવાહ અને લોકો માટેનો પ્રેમ કેળવીએ.—માથ. ૨૨:૩૬-૪૦.

હિંમતથી સંદેશો જણાવવા યહોવાહ શક્તિ આપે છે

૧૨. શિષ્યોને કયા કારણને લીધે આનંદ થયો?

૧૨ ઈસુના મરણના થોડા અઠવાડિયા પછી, બીજા દેશોથી લોકો પેન્તેકોસ્તનો દિવસ ઉજવવા યરૂશાલેમ આવ્યા. એક જ દિવસમાં ત્રણેક હજાર લોકોએ બાપ્તિસ્મા લીધું. યરૂશાલેમમાં બધા એની વાતો કરતા હતા. શિષ્યોને પણ એ નવા શિષ્યોનો ઉમેરો જોઈને ઘણો જ આનંદ થયો. બાઇબલ જણાવે છે: “બધાં ભયભીત થયાં; અને પ્રેરિતોથી ઘણાં અદ્‍ભૂત કૃત્યો તથા ચમત્કારો થયાં.”—પ્રે.કૃ. ૨:૪૧, ૪૩.

૧૩. શા માટે ભાઈઓએ પ્રાર્થના કરી અને એ પછી શું બન્યું?

૧૩ શિષ્યોમાં થયેલો વધારો જોઈને ધર્મગુરુઓ ગુસ્સે ભરાયા. તેઓએ પીતર અને યોહાનને પકડીને જેલમાં પૂર્યા અને હુકમ આપ્યો કે ઈસુ વિષેની વાતો ન ફેલાવે. જેલમાંથી છોડી મૂકાયા પછી, પીતર અને યોહાને ધર્મગુરુઓ વિષે ભાઈઓને જણાવ્યું. તેઓ બધાએ સતાવણી વિષે યહોવાહને પ્રાર્થના કરી કે ‘હે પ્રભુ, તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાની શક્તિ આપ.’ યહોવાહે એનો જવાબ આપ્યો અને “તેઓ સર્વે પવિત્ર આત્માથી [શક્તિથી] ભરપૂર થયા, અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા.”—પ્રે.કૃ. ૪:૨૪-૩૧.

૧૪. સંદેશો જણાવવા આપણને યહોવાહની શક્તિ કેવી રીતે મદદ કરે છે?

૧૪ શિષ્યો હિંમતથી સંદેશો જણાવી શક્યા, કેમ કે યહોવાહે પોતાની શક્તિ આપી. વિરોધીઓને આપણે પણ પોતાની શક્તિથી સંદેશો જણાવી શકતા નથી. સંદેશો જણાવવા યહોવાહની શક્તિ માટે પ્રાર્થના કરીએ. તે ચોક્કસ આપણને શક્તિ આપશે. શિષ્યોની જેમ જ, આપણે પણ ગમે એવા વિરોધ છતાં, યહોવાહની મદદથી સંદેશો જણાવી શકીશું.—ગીતશાસ્ત્ર ૧૩૮:૩ વાંચો.

હિંમતથી સંદેશો જણાવતા ભાઈ-બહેનો

૧૫. સત્ય વિષે લોકોને કેવું લાગે છે?

૧૫ પહેલાંની જેમ જ આજે પણ અમુક લોકો સત્ય સ્વીકારે છે, અમુક નથી સ્વીકારતા. અમુક આપણી મજાક ઉડાવે છે, નફરત પણ કરે છે. ઈસુએ કહ્યું હતું એમ જ બની રહ્યું છે. (માથ. ૧૦:૨૨) અમુક વખતે મિડીયા આપણા વિષે ખોટી માહિતી ફેલાવે છે. (ગીત. ૧૦૯:૧-૩) તેમ છતાં, આખી દુનિયામાં યહોવાહના લોકો હિંમતથી ખુશખબર જણાવે છે.

૧૬. હિંમતથી સત્ય જણાવવાને લીધે લોકોના વિચારો બદલાઈ શકે છે. અનુભવ આપો.

૧૬ હિંમતથી સત્ય જણાવવાને લીધે, લોકોના વિચારો બદલાઈ શકે છે. કિર્ગિઝસ્તાનના આપણા એક બહેનને એવો જ અનુભવ થયો. તે કહે છે: “હું ઘરે-ઘરે જઈને સંદેશો જણાવતી હતી. એક માણસે કહ્યું કે ‘હું ઈશ્વરમાં માનું છું પણ ખ્રિસ્તીઓના ઈશ્વરમાં નહિ. બીજી વાર મારે ઘરે આવ્યા તો મારા કૂતરાને છૂટો મૂકીશ!’ તેમના ઘરમાં એક ડાઘિયો કૂતરો ચેનથી બાંધેલો હતો. એ બનાવ પછી, થોડા જ દિવસમાં લોકોને એક ટ્રેક્ટ આપવાની હતી. એ આ વિષય પર હતી: ‘ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?’ મેં એ વ્યક્તિને ઘરે ટ્રેક્ટ આપવા પાછા જવાનો નિર્ણય કર્યો. કદાચ કુટુંબનું બીજું કોઈ મળશે, એમ થયું. હું પાછી ગઈ ત્યારે એ જ માણસે દરવાજો ખોલ્યો. મેં મનમાં યહોવાહને પ્રાર્થના કરીને, તે માણસને કહ્યું, ‘કેમ છો? ત્રણ દિવસ પહેલાં હું આવી હતી. તમે જે કહ્યું હતું એ મને યાદ છે. તમારો કૂતરો પણ મને યાદ છે. પણ હું આ ટ્રેક્ટ આપવા માંગું છું, કેમ કે હું પણ તમારી જેમ એક જ ઈશ્વરમાં માનું છું. આ ટ્રેક્ટ જણાવે છે કે જેઓ ઈશ્વરના કહેવા પ્રમાણે નથી કરતા, તેઓનો તે જલદી જ નાશ કરશે. તમે આ જરૂર વાંચજો.’ મને નવાઈ લાગી કે તેમણે એ ટ્રેક્ટ લીધી. પછી હું બીજા ઘરે ગઈ. થોડી જ મિનિટોમાં એ માણસ ટ્રેક્ટ લઈને દોડતો દોડતો આવ્યો અને કહ્યું, ‘મેં આ વાંચી. યહોવાહના ન્યાયના દિવસમાંથી હું કેવી રીતે બચી શકું?’” એ માણસ સાથે સ્ટડી ચાલુ થઈ અને તે હવે મિટિંગોમાં પણ આવે છે.

૧૭. આપણી બહેનની હિંમતને લીધે તેમની સાથે સ્ટડી કરતી સ્ત્રીને કેવી હિંમત મળી?

૧૭ આપણે બતાવેલી હિંમતથી બીજાઓને પણ હિંમત મળે છે. રશિયાનાં એક બહેનનો વિચાર કરો. તે બસમાં જતાં હતાં ત્યારે, બાજુમાં બેઠેલી પેસેંજરને મેગેઝિન ઑફર કર્યા. એક માણસે એ મેગેઝિનો ખૂંચવી લીધા અને ફાડીને નીચે નાખી દીધા. બૂમાબૂમ કરીને બહેનને ગાળો દેવા લાગ્યો. બહેનનું એડ્રેસ માંગ્યું ને કહ્યું કે એ ગામમાં કદીયે સંદેશો ન ફેલાવે. બહેને તરત જ યહોવાહને મનમાં પ્રાર્થના કરી અને ઈસુના આ શબ્દો યાદ કર્યા: ‘શરીરને જેઓ મારી નાખે છે, તેઓથી ન બીહો.’ (માથ. ૧૦:૨૮) પછી બહેન શાંતિથી ઊભા થયા અને તે માણસને કહ્યું, “હું ન તો મારું એડ્રેસ આપીશ કે ન તો આ ગામમાં સંદેશો ફેલાવવાનું બંધ કરીશ.” પછી બહેન બસમાંથી ઊતરી ગયાં. જોકે એ જ બસમાં એ બહેનની એક બાઇબલ સ્ટડી પણ હતી. આપણી બહેનને એ ખબર ન હતી. સ્ટડી કરતી સ્ત્રી મિટિંગોમાં જતા ગભરાતી હતી, કેમ કે તેને વિરોધીઓનો ડર હતો. બસમાં તેણે જોયું કે કઈ રીતે આપણાં બહેને હિંમત બતાવી. એટલે સ્ટડી કરતી સ્ત્રીએ પણ નક્કી કર્યું કે હવેથી તે મિટિંગોમાં જરૂર જશે.

૧૮. ઈસુની જેમ હિંમતથી સંદેશો જણાવવા શામાંથી મદદ મળશે?

૧૮ ઈસુની જેમ જ સંદેશો જણાવવા આપણને પણ હિંમતની જરૂર છે, કેમ કે મોટા ભાગના લોકો એ સાંભળતા નથી. હિંમત મેળવવા યહોવાહનાં વચનોમાં પૂરો ભરોસો રાખીએ અને તેમને પ્રાર્થના કરીએ. યહોવાહ માટે અને લોકો માટે પ્રેમ રાખીએ. હંમેશાં યાદ રાખીએ કે આપણે એકલા નથી, ઈસુ પણ આ કામમાં સાથે છે. (માથ. ૨૮:૨૦) યહોવાહ પોતે આપણને હિંમત અને મદદ આપશે. તે આશીર્વાદ આપશે. ચાલો આપણે આ શબ્દોથી હિંમત મેળવીએ: “પ્રભુ [યહોવાહ] મને સહાય કરનાર છે; હું બીહિશ નહિ: માણસ મને શું કરનાર છે?”—હેબ્રી ૧૩:૬. (w09 7/15)

તમને યાદ છે?

• ઈશ્વરભક્તોને શા માટે હિંમતની જરૂર છે?

• ઈસુ આવ્યા એ પહેલાંના ભક્તોએ કેવી રીતે હિંમત બતાવી?

• ઈસુએ હિંમતથી સંદેશો જણાવ્યો, એમાંથી શું શીખવા મળે છે?

• હિંમતથી સંદેશો જણાવવા ઈસુના શિષ્યો પાસેથી શું શીખીએ છીએ?

• ભાઈ-બહેનો જે રીતે હિંમત બતાવે છે, એમાંથી આપણે શું શીખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૭ પર ચિત્ર]

ઈસુએ ડર્યા વગર ધર્મગુરુઓને ખુલ્લા પાડ્યા

[પાન ૨૯ પર ચિત્ર]

સંદેશો જણાવવા યહોવાહ હિંમત આપે છે