બાઇબલની સલાહ કેમ અનમોલ છે?
બાઇબલની સલાહ કેમ અનમોલ છે?
‘પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જીવનમાં સુધારો કરવા તે આપણને બહુ ઉપયોગી છે.’—૨ તિમોથી ૩:૧૬, IBSI.
ઉપરની કલમ બતાવે છે કે બાઇબલમાં ઈશ્વરના વિચારો છે. એ ઈશ્વરે માણસો દ્વારા બાઇબલમાં લખાવી લીધા છે. બાઇબલ જણાવે છે: ‘ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ માણસો ઈશ્વરની પ્રેરણાથી તેમનાં વચન બોલ્યાં.’ (૨ પીતર ૧:૨૧) સદીઓથી બાઇબલે સર્વ નાત-જાતના લોકોને મદદ કરી છે. એની સલાહ જીવનમાં ઉતારવાથી તેઓ સુખી થયા છે.
ચાલો આપણે એવી બે રીતોનો વિચાર કરીએ, જેનાથી વ્યક્તિને ફાયદો થાય છે. એક તો બાઇબલની સલાહ સુખી જીવનની રીત બતાવે છે. બીજું, એ વ્યક્તિને સુધારો કરવા ઉત્તેજન આપે છે, જેથી તે સુખી થઈ શકે.
સુખી થવાનો માર્ગ
ઈશ્વર આ વચન આપે છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીતશાસ્ત્ર ૩૨:૮) ઈશ્વર ફક્ત માર્ગ જ બતાવતા નથી, એના પર કેવી રીતે ચાલવું એ પણ શીખવે છે. એમ કરીએ ત્યારે આપણને જ લાભ થાય છે.
દાખલા તરીકે, ઘણા લોકોને જીવનમાં માન-મોભો ને ધનદોલત જોઈતા હોય છે. અમુક પુસ્તકો સલાહ આપે છે કે વ્યક્તિ કઈ રીતે બીજાથી ચડિયાતી બનીને ધનદોલત કમાઈ શકે. જ્યારે કે બાઇબલ આ સલાહ આપે છે: “માણસ ઉપર તેનો પડોશી ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.” બાઇબલ એમ પણ કહે છે કે “રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ.” (સભાશિક્ષક ૪:૪; ૫:૧૦) ચાલો જોઈએ કે આજે પણ એ સલાહથી કઈ રીતે ફાયદો થાય છે.
એકીનોરી નામે એક ભાઈ જાપાનમાં રહે છે. તે એક સારી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયા. એક સારી કંપનીમાં જોબ માટે ઘણી પડાપડી છતાં, એ જોબ તેમને મળી. તેમને એવું લાગ્યું કે જાણે બધાં જ નીતિવચનો ૧૪:૩૦.
સપનાં સાકાર થઈ ગયાં. પણ હકીકતમાં તો તેમને કંપનીના કામની ઘણી ચિંતા રહેતી. તે થાકીને લોથપોથ થઈ જતા. એની અસર તેમની તબિયત પર પડી. જોબ પરના તેમના મિત્રોથી પણ કોઈ સહારો મળ્યો નહિ. ડિપ્રેશનમાંથી બહાર આવવા તે શરાબનો સહારો લેવા લાગ્યા. અરે, તેમણે આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો. એવામાં તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ સ્ટડી કરવા લાગ્યા. તે શીખ્યા કે સુખી થવા શું કરવાની જરૂર છે. તેમનું ડિપ્રેશન ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. હવે માન-મોભા કે ધનદોલત પાછળ પડવાને બદલે, તે બાઇબલના આ શબ્દો માને છે: ‘મનની શાંતિ શરીરનું જીવન છે.’—તમે સુખી થવા શું કરશો? ઘણા માને છે કે લગ્નજીવન સુખી તો પોતે સુખી. ઘણા લોકો બાળકોને સારું ભણતર આપવામાં સુખ માને છે. અમુક પોતાના ફ્રેન્ડ્ઝ સાથે મોજશોખ કરીને મજા માણે છે. બાઇબલ કહે છે કે એ બધું જરૂરી છે, પણ સાચું સુખ તો આમ કરવાથી મળે છે: ‘ઈશ્વરનો ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.’ (સભાશિક્ષક ૧૨:૧૩) જ્યારે આપણે એમ કરતા નથી ત્યારે જીવન અધૂરું લાગે છે. વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પણ જે કોઈ ‘યહોવાહ પર વિશ્વાસ રાખીને’ તેમનું કહેવું માને છે, તે સુખી થાય છે.—નીતિવચનો ૧૬:૨૦.
બાઇબલ વ્યક્તિનો સ્વભાવ બદલી શકે છે
એક ઈશ્વરભક્તે લખ્યું કે ‘ઈશ્વરનો શબ્દ જીવંત અને સમર્થ છે.’ બાઇબલ વ્યક્તિના વિચારો અને ભાવનાઓને પણ પારખે છે. (હેબ્રી ૪:૧૨) એમાં એટલી શક્તિ છે કે એ વ્યક્તિનું જીવન બદલી શકે છે. એ પણ જોવા મદદ કરે છે કે વ્યક્તિ ખરેખર કેવી છે. એટલું જ નહિ, પણ તેને સુધારો કરવાની જરૂર હોય ત્યાં બાઇબલ મદદ કરે છે. નમ્ર વ્યક્તિઓ એ પ્રમાણે જીવનમાં ફેરફાર કરે છે. દાખલા તરીકે, એક ઈશ્વરભક્તે કોરીંથ મંડળના ભાઈ-બહેનોને કહ્યું: ‘તમારામાંના કેટલાએક વ્યભિચારીઓ, ચોરો અને દારૂડિયા હતા; પણ તમે ઈશ્વરની શક્તિથી શુદ્ધ થયા.’ (૧ કોરીંથી ૬:૯-૧૧) ઈશ્વર યહોવાહની શક્તિ આજે પણ વ્યક્તિને જીવનમાં જરૂરી ફેરફારો કરવા મદદ કરે છે.
દાખલા તરીકે, યુરોપમાં રહેતો મારિયો સ્મોકિંગ કરતો અને ડ્રગ્સ પણ લેતો. અરે, તે પોતે ડ્રગ્સ વેચતો. એક વાર પોલીસે તેના ડ્રગ્સ જપ્ત કરી લીધા. તેને એટલો ગુસ્સો ચડ્યો કે પોલીસને માર્યો અને કાર તોડી-ફોડી નાખી. મારિયો નોકરી કરતો ન હતો. એટલે તેને માથે ઘણા દેવા હતા. એક પછી એક પ્રૉબ્લેમ આવતા હતા. એવામાં તેણે બાઇબલ સ્ટડી શરૂ કરી. એ પછી સ્મોકિંગ અને ડ્રગ્સ છોડી દીધા. ડ્રગ્સ વેચવાનું પણ છોડી દીધું. તેના સ્વભાવમાં મોટા ફેરફાર આવ્યા. તે એવો સ્માર્ટ દેખાવા માંડ્યો કે તેના દોસ્તો પૂછવા લાગ્યા, “અરે યાર, તું તો ઓળખાતો પણ નથી!”
સુખી થવા એકીનોરી અને મારિયોએ શું કર્યું? તેઓએ બાઇબલમાંથી યહોવાહનું જ્ઞાન લીધું. એ પ્રમાણે જીવનમાં ફેરફાર કર્યા. ફક્ત યહોવાહ જ આપણને સુખી થવા માર્ગદર્શન આપી શકે છે. તે અમર જીવનનો માર્ગ પણ બતાવે છે. તેમની સલાહ સૌથી સારી છે, એ જ સાંભળીએ! યહોવાહ આપણને પ્રેમથી કહે છે: ‘હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર; એટલે તારાં વર્ષો ઘણાં થશે. તું ચાલશે ત્યારે તારાં પગલાં અચકાશે નહિ; અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ. શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમકે તે તારું જીવન છે.’—નીતિવચનો ૪:૧૦-૧૩. (w09 6/1)
[પાન ૭ પર બોક્સ/ચિત્ર]
સુખી બનાવતી બાઇબલની સલાહ
બાઇબલ આપણને જીવનમાં દરેક પાસામાં સલાહ આપે છે. ચાલો અમુક જોઈએ:
• સારા સંબંધ જાળવવા
“જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૭:૧૨.
‘તમારામાં જે સૌથી નાનો છે તે જ મોટો છે.’—લુક ૯:૪૮.
“મહેમાનોનો આવકાર કરવા તમારાં ઘર ખુલ્લાં રાખો.”—રોમનો ૧૨:૧૩, કોમન લેંગ્વેજ.
• ખરાબ ટેવો છોડવા
“જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.
‘દારૂડિયાની સોબત ન કર.’—સુભાષિતો [નીતિવચનો] ૨૩:૨૦, સંપૂર્ણ.
“ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર.”—નીતિવચનો ૨૨:૨૪.
• સુખી લગ્નજીવન ટકાવવા
“તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે; અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૩૩.
“દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.”—કોલોસી ૩:૧૨, ૧૩.
• બાળકોને સારી રીતે ઉછેરવાં
“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.
“પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.”—એફેસી ૬:૪.
• એકબીજા સાથે હળીમળીને રહેવા
“નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.”—નીતિવચનો ૧૫:૧.
“માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.”—રૂમી ૧૨:૧૦.
કોઈની પણ સાથે બિઝનેસ કરતી વખતે વિગતો લખાણમાં લઈ લઈએ, જેથી કોઈ ગેરસમજ ઊભી નહિ થાય. એક ઈશ્વરભક્તે પણ એમ જ કર્યું. તે જણાવે છે: “મેં ખતમાં સહી કરી, ને તેના ઉપર મહોર કરી. પછી મેં સાક્ષીઓને બોલાવ્યા, ને ત્રાજવામાં રૂપું તોળી આપ્યું.”—યિર્મેયાહ ૩૨:૧૦.
• સારો સ્વભાવ કેળવવા
‘જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ પ્રેમપાત્ર કે જો કોઈ પ્રશંસા હોય તો, આ બાબતોનો વિચાર કરીને’ જીવનમાં ઉતારો.—ફિલિપી ૪:૮.
આપણને જીવનમાં ‘સંતોષ ન હોય’ અને ખોટા વિચારો આવ્યા કરતા હોય તો, એ મનમાંથી કાઢી નાખીએ. બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે ‘આશામાં આનંદ કરીએ.’—યહુદા ૪, ૧૬; રૂમી ૧૨:૧૨.
બાઇબલના સિદ્ધાંતો ઈશ્વર પાસેથી આવે છે. એ પાળીશું તો ઈશ્વર આશીર્વાદ આપશે. આપણું જીવન સુખી થશે. ભાવિ વિષે પણ બાઇબલ જણાવે છે: “ન્યાયીઓ દેશનો [પૃથ્વીનો] વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
[પાન ૫ પર ચિત્રો]
બિઝનેસમેન એકીનોરી (ડાબી બાજુ) આજે તેની પત્ની સાથે બાઇબલમાંથી શીખવે છે