પૃથ્વી પર અમર જીવનની આશા પાછી મળી
પૃથ્વી પર અમર જીવનની આશા પાછી મળી
“હે દાનીયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર; ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.”—દાની. ૧૨:૪.
૧, ૨. આ લેખમાં કયા સવાલો પર ચર્ચા કરીશું?
બાઇબલ સમજાવે છે કે ભવિષ્યમાં પૃથ્વી પર ઘણા લોકો હંમેશ માટેનું જીવન જીવશે. આજે એમાં લાખો લોકો આશા રાખે છે. (પ્રકટી. ૭:૯, ૧૭) ઈશ્વરે પહેલેથી જણાવ્યું હતું કે માણસ થોડાં વર્ષો નહિ, પણ હંમેશ માટે જીવશે.—ઉત. ૧:૨૬-૨૮.
૨ આદમે હંમેશ માટેનું જીવન ગુમાવી દીધું. પણ જૂના જમાનામાં ઈસ્રાએલીઓ માનતા હતા કે ભવિષ્યમાં ઈશ્વર એ આશીર્વાદ પાછો આપશે. ગ્રીક શાસ્ત્રવચનો સમજાવે છે કે ઈશ્વર કઈ ગોઠવણ દ્વારા પૃથ્વી પર હંમેશ માટેનું જીવન શક્ય બનાવશે. તોપણ ધીમે ધીમે લોકો એ આશા ભૂલી ગયા. એ આશા ફરીથી કેવી રીતે અમુક લોકોના ધ્યાનમાં આવી? કેવી રીતે એ આશા લાખો લોકોને જણાવવામાં આવી?
આશામાં ભેળસેળ કરવામાં આવી
૩. ઈશ્વરે આપેલી આશા કયાં કારણોને લીધે છૂપી રાખવામાં આવી?
૩ ઈસુએ જણાવ્યું હતું કે જૂઠા પ્રબોધકો આવશે, જેઓ ખોટા વિચારો ફેલાવશે અને લોકોને ખોટે માર્ગે દોરી જશે. (માથ. ૨૪:૧૧) પ્રેરિત પીતરે પણ ભક્તોને ચેતવણી આપતા કહ્યું: “તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે.” (૨ પીત. ૨:૧) પ્રેરિત પાઊલે કહ્યું કે “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે.” (૨ તીમો. ૪:૩, ૪) લોકોને ખોટે માર્ગે દોરી જવા શેતાને સૌથી મોટો ભાગ ભજવ્યો છે. તેણે જૂઠા પ્રબોધકોનો ઉપયોગ કરીને ઈશ્વરે આપેલી આશા માણસોથી છૂપી રાખી છે.—૨ કોરીં. ૪:૩, ૪ વાંચો.
૪. મોટા ભાગે ચર્ચના ધર્મગુરુઓ શું માને છે?
૪ બાઇબલ સમજાવે છે કે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં છે. એ રાજ્ય માણસોની બધી જ સરકારોનો નાશ કરશે. (દાની. ૨:૪૪) એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે. એ હજાર વર્ષના રાજમાં શેતાન ઊંડાણની કેદમાં હશે. ગુજરી ગયેલાઓને એ રાજમાં સજીવન કરવામાં આવશે. મનુષ્યોમાંથી ધીરે ધીરે પાપ અને મરણનો વારસો કાઢી નાખવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧-૩, ૬, ૧૨; ૨૧:૧-૪) પણ મોટા ભાગે ચર્ચના ધર્મગુરુઓ, ઈસુના એ રાજ્યમાં અને એના આશીર્વાદોમાં માનતા નથી. દાખલા તરીકે, ત્રીજી સદીના પાદરી ઑરીજન ઑફ એલેક્ઝાંડ્રિયાનો વિચાર કરો. તે એવા લોકોનો વિરોધ કરતો હતો, જે લોકો ઈસુના હજાર વર્ષના રાજના આશીર્વાદોમાં માનતા હતા. કેથલિક એન્સાયક્લોપેડિયા પ્રમાણે ધર્મશાસ્ત્રી ઑગસ્ટીને પણ એવા વિચારોમાં સાથ આપ્યો કે ‘ઈસુ હજાર વર્ષ રાજ કરવાના નથી.’ *
૫, ૬. ઑગસ્ટીન અને ઑરીજને શા માટે ઈસુના હજાર વર્ષના રાજની માન્યતાનો નકાર કર્યો?
૫ ઑગસ્ટીને અને ઑરીજને શા માટે ઈસુના હજાર વર્ષના રાજની માન્યતાનો નકાર કર્યો? બન્ને માનતા હતા કે વ્યક્તિમાં આત્મા છે, જે અમર રહે છે. એ માન્યતા ગ્રીક રીતરિવાજોમાં હતી. એક ગ્રીક ફિલસૂફ પ્લુટો પણ એ માન્યતામાં માનતો હતો. એ વિષે ધર્મશાસ્ત્રી વર્નર જાએગર જણાવે છે કે ‘ક્લેમેંટ ઑફ એલેક્ઝાંડ્રિયા, પ્લુટોનું શિક્ષણ શીખવતો. તેણે ઑરીજનને પણ એ જ માન્યતા શીખવી. ઑરીજન એ માન્યતા ખ્રિસ્તી ધર્મમાં લઈ આવ્યો.’ એને લીધે તેને લાગ્યું કે ઈસુના હજાર વર્ષના રાજ દરમિયાન વ્યક્તિને પૃથ્વી પર આશીર્વાદો નહિ મળે, પણ વ્યક્તિના મરણ પછી તેના આત્માને એ આશીર્વાદો મળશે.
૬ પ્લુટોની અમર આત્માની ફિલસૂફી ત્રીજી સદીના પ્લોટિનસે સ્વીકારી. તેણે એ માન્યતામાં થોડા ઘણા ફેરફારો કર્યા, પણ મોટે ભાગે એ સરખી જ હતી. ઑગસ્ટીને આ પ્લોટિનસનું શિક્ષણ સ્વીકાર્યું. ઑગસ્ટીન ૩૩ વર્ષનો હતો ત્યારે, ખ્રિસ્તી બન્યો. ભલે તે ખ્રિસ્તી બન્યો તેમ છતાં, તે અમર આત્માની પ્લોટિનસની ફિલસૂફીમાં માનતો હતો. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા જણાવે છે કે ‘ઑગસ્ટીને બાઇબલના ગ્રીક શાસ્ત્રવચનોની માહિતી અને પ્લુટોની માન્યતા ભેગી કરી દીધી.’ ધ કેથલિક એન્સાયક્લોપેડિયા જણાવે છે કે ‘ઑગસ્ટીન માનતો હતો કે પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલું ઈસુનું એક હજાર વર્ષનું રાજ્ય, હકીકત નથી પણ કાલ્પનિક છે. ઑગસ્ટીન જે શીખવતો હતો એવી માન્યતામાં બીજા ઘણા ધર્મશાસ્ત્રીઓ પણ માનતા હતા. એટલા માટે તેઓમાંના ઘણાએ વિશ્વાસ ન રાખ્યો કે ઈસુ પૃથ્વી પર હજાર વર્ષ રાજ કરશે.’
૭. કયાં કારણોને લીધે ઘણા માનતા ન હતા કે માણસોને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મળશે?
૭ એ સમયમાં ઘણા માનતા ન હતા કે માણસજાતને પૃથ્વી પર અમર જીવન મળશે, કેમ કે તેઓ અમર આત્મામાં માનતા હતા. એ માન્યતા પ્રાચીન બાબેલોનમાંથી શરૂ થઈ હતી. સમય જતાં એ માન્યતા દુનિયાભરમાં ફેલાવા લાગી. જ્યારે અમુક ચર્ચોએ આ માન્યતા સ્વીકારી, ત્યારે અમુક ધર્મશાસ્ત્રીઓએ બાઇબલના શિક્ષણમાં એની ભેળસેળ કરી. જેમ કે, તેઓએ દાવો કર્યો કે સારા લોકો જ સ્વર્ગમાં જશે. જો એમ હોય તો વ્યક્તિ પૃથ્વી પર જીવે એનો કયો મકસદ હોઈ શકે? શું એ હોય શકે કે પૃથ્વી પર રહીને પોતાના વર્તનથી બતાવે કે તેઓ સ્વર્ગમાં અમર જીવન માટે લાયક છે કે નહિ? યહુદીઓમાં પણ આવી ખોટી માન્યતા ઊભી હતી. પૃથ્વી પર અમર જીવનની તેઓની આશામાં ખોટું શિક્ષણ આવી ગયું હતું. એ કેવી રીતે બન્યું? ગ્રીક ફિલસૂફીને લીધે ધીમે ધીમે યહુદીઓ પૃથ્વી પર અમર જીવનની આશા ભૂલી જવા લાગ્યા. તેઓ માનવા લાગ્યા કે વ્યક્તિમાં આત્મા જેવું કંઈક છે, જે અમર છે. જ્યારે કે બાઇબલ શીખવે છે કે મરણ પછી વ્યક્તિ ધૂળમાં મળી જાય છે. યહોવાહે આદમને કહ્યું કે “તું ધૂળ છે.” (ઉત. ૩:૧૯) તો પછી આપણા માટે કોઈ આશા છે? હા, બાઇબલ જણાવે છે કે મોટા ભાગના માણસોને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મળશે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૫; ૧૧૫:૧૬ વાંચો.
અંધકારમાં આશાનું કિરણ
૮. સત્તરમી સદીમાં બાઇબલ સ્ટડી કરનાર બે વ્યક્તિઓએ પૃથ્વી પર અમર જીવનની આશા વિષે શું કહ્યું?
૮ ચર્ચો પૃથ્વી પર અમર જીવનની આશા વિષે ન શીખવે, એ માટે શેતાન વર્ષોથી કોશિશ કરે છે. પણ હર વખત તેને સફળતા મળતી નથી. ઇતિહાસ સાબિતી આપે છે કે અમુક બાઇબલ વાચકો સમજી શક્યા કે ઈશ્વર કેવી રીતે માણસજાતને અમર જીવન પાછું આપશે. (ગીત. ૯૭:૧૧; માથ. ૭:૧૩, ૧૪; ૧૩:૩૭-૩૯) એ વધારે સમજવા માટે ચાલો સત્તરમી સદીનો વિચાર કરીએ. સત્તરમી સદીથી બાઇબલ જુદી જુદી ભાષાઓમાં છપાવા લાગ્યું. એનાથી ઘણા લોકો બાઇબલ વાંચી શક્યા. જેમ કે, ૧૬૫૧માં એક સ્કૉલરે બાઇબલ વિષે લખ્યું કે આદમ દ્વારા માણસજાતે ‘સુંદર પૃથ્વી પર અમર જીવનની આશા ગુમાવી. પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા માણસજાત પૃથ્વી પર અમર જીવનનો આશીર્વાદ મેળવી શકશે.’ (૧ કોરીંથી ૧૫:૨૧, ૨૨ વાંચો.) બ્રિટનના જાણીતા કવિ જોન મિલ્ટને (૧૬૦૮-૧૬૭૪) મોટે ભાગે પોતાનું જીવન બાઇબલ પર અભ્યાસ કરવામાં કાઢ્યું. તેમણે પેરેડાઈસ લોસ્ટ અને પેરેડાઈસ રીગેઈન એવાં બે પુસ્તકો લખ્યાં. એમાં તે બાઇબલનું આ સત્ય જણાવે છે કે જેઓ ઈશ્વરને વિશ્વાસુ રહેશે, તેઓને પૃથ્વી પર અમર જીવનનો આશીર્વાદ મળશે. ખરું કે તેમને બાઇબલની બધી જ સમજણ ન હતી. પણ તે જાણતા હતા કે ઈસુ રાજા બનશે ત્યાર પછી, બાઇબલનાં શિક્ષણ પર લોકોને વધારે સમજણ મળશે.
૯, ૧૦. (ક)અમર જીવનની આશા વિષે આઇઝેક ન્યૂટને શું લખ્યું? (ખ) શા માટે ન્યૂટનને લાગ્યું કે ઈસુનું શાસન આવતા વાર લાગશે?
૯ જાણીતા ગણિતશાસ્ત્રી આઇઝેક ન્યૂટન (૧૬૪૨-૧૭૨૭) બાઇબલમાં પણ રસ લેતા હતા. એના પરથી તે સમજ્યા કે અમુક ઈશ્વરભક્તો ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. (પ્રકટી. ૫:૯, ૧૦) તેઓ કોના પર રાજ કરશે? એ વિષે ન્યૂટને લખ્યું કે ‘ન્યાયના દિવસ પછી પણ પૃથ્વી પર લોકો હશે. ફક્ત હજાર વર્ષ માટે નહિ, પણ હંમેશ માટે તેઓ પૃથ્વી પર જીવશે.’
૧૦ ન્યૂટને બાઇબલની અમુક કલમો સમજાવતા કહ્યું કે ‘એવો સમય આવશે જ્યારે ઈશ્વર બાઇબલની વધારે સમજણ આપશે. એ માટે બાઇબલનો સંદેશો મહાન વિપત્તિ પહેલાં સર્વ દેશોમાં જાહેર કરવામાં આવશે. આમ થશે તો જ ગણી ન શકાય એટલા લોકો મહાન વિપત્તિમાંથી બચી જશે.’ (દાની. ૧૨:૪; માથ. ૨૪:૧૪; પ્રકટી. ૭:૯, ૧૦) ન્યૂટને લખ્યું કે ‘દાનીયેલ અને પ્રકટીકરણની ભવિષ્યવાણીઓની સમજણ મહાન વિપત્તિ આવે એ પહેલાં મળશે.’ તોપણ, ન્યૂટન માનતા હતા કે ઈસુનું શાસન ઘણી સદીઓ પછી આવશે. શા માટે એમ? એ વિષે ઇતિહાસકાર સ્ટીવન સ્નોબેલેન કહે છે: ‘ન્યૂટન માનતા હતા કે ઈસુના શાસનને આવતા વાર લાગશે, કેમ કે ચારે બાજુ ત્રૈક્યની માન્યતા ફેલાયેલી હતી.’ ન્યૂટનના સમયમાં ઈશ્વરના રાજ્યનો સંદેશો કોઈ ફેલાવતું ન હતું. એને ફેલાવવાની શરૂઆત કરવા કોઈએ પગલાં પણ ભર્યાં ન હતાં.
૧૧. મિલ્ટન અને ન્યૂટનના સમયમાં કેમ લોકો ખરી આશા વિષે જાણી ન શક્યા?
૧૧ ચર્ચો જે માનતા હતાં એનાથી મિલ્ટન અને ન્યૂટન અલગ માનતા હતા. પણ તેઓ પોતાનાં લખાણો વિષે બીજાઓને જણાવી શક્યા નહિ. તેઓ જાણતા હતા કે તેઓએ જણાવ્યું હોત તો તેઓનાં જીવન જોખમમાં આવી પડ્યાં હોત. તેથી, મોટે ભાગે તેઓના મરતા સુધી તેઓના લખાણો બહાર પડ્યાં નહિ. આ બતાવે છે કે સત્તરમી સદીમાં અમુક લોકો પાસે ખરી આશા હતી. તેમ છતાં તેઓ લોકોની આત્મા વિષેની ખોટી માન્યતા દૂર કરી શક્યા નહિ. એને બદલે પ્રોટેસ્ટંટ ચર્ચોએ ઑગસ્ટીનના વિચારો શીખવવાનું ચાલુ રાખ્યું. તેઓએ લોકોને શીખવ્યું કે ઈસુનું હજાર વર્ષનું રાજ ભવિષ્યમાં નથી, પણ ચર્ચ શરૂ થયાં ત્યારથી એ શરૂ થઈ ગયું છે. તો પછી શું સત્તરમી સદી પછી કોઈએ બાઇબલનું સાચું જ્ઞાન ફેલાવ્યું?
“જ્ઞાનની વૃદ્ધિ થશે”
૧૨. સાચું જ્ઞાન ફેલાવવા વિષે દાનીયેલે શું કહ્યું?
૧૨ દાનીયેલે કહ્યું હતું કે ‘અંતના સમયમાં’ સાચું જ્ઞાન ફેલાવવામાં આવશે. (દાનીયેલ ૧૨:૩, ૪, ૯, ૧૦ વાંચો.) ઈસુએ કહ્યું કે એ સમયે “ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશશે.” (માથ. ૧૩:૪૩) જગતના અંતે ન્યાયી લોકોએ સાચા જ્ઞાન પર કેવી રીતે પ્રકાશ ફેંક્યો? ચાલો જોઈએ કે ૧૮૭૦થી ૧૯૧૪નાં વર્ષોમાં શું બન્યું.
૧૩. બાઇબલ પર સ્ટડી કર્યા પછી રસેલે શું લખ્યું?
૧૩ ૧૮૭૦માં અમુક નેકદિલ લોકો ‘સત્ય વચનોની’ સમજણ શોધતા હતા. (૨ તીમો. ૧:૧૩) એમાંના એક ચાર્લ્સ ટેઝ રસેલ હતા. ૧૮૭૦માં તેમણે બીજા અમુક નેકદિલ લોકો સાથે ભેગા મળીને બાઇબલ સ્ટડી ક્લાસ શરૂ કર્યા. ૧૮૭૨માં તેઓએ અભ્યાસ કર્યો કે આદમે જે ગુમાવ્યું, એવું જીવન માણસજાત પાછું કેવી રીતે મેળવી શકે. ત્યાર બાદ રસેલે લખ્યું: ‘અત્યાર સુધી અમને લાગતું હતું કે અભિષિક્ત લોકો અને બીજા લોકોની એક જ આશા હતી. પણ અભ્યાસ કર્યા પછી અમે જાણ્યું કે જેઓ અભિષિક્ત નથી, તેઓને આશા છે કે આદમે જે ગુમાવ્યું, એ જીવન પૃથ્વી પર પાછું મળશે.’ ચાર્લ્સ રસેલે કબૂલ કર્યું કે બાઇબલ સમજવા તેમને મદદ કરનારા બીજા લોકો પણ હતા. તેઓ કોણ હતા?
૧૪. (ક) પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૧ પર ડને શું સમજણ મેળવી? (ખ) પૃથ્વી પર હંમેશ માટે કોણ જીવશે એ વિષે ડને શું કહ્યું?
૧૪ હેનરી ડન બાઇબલ સ્ટડી કરતા લોકોમાંના એક હતા. “દેવે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખ દ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના” વિષે તેમણે લખ્યું. (પ્રે.કૃ. ૩:૨૧) આ કલમ પર સમજણ મેળવીને ડનને ખબર પડી કે એ પુનઃસ્થાપના ઈસુના હજાર વર્ષના રાજમાં થશે. એમાં વ્યક્તિઓ પાપ અને મરણથી મુક્ત જીવન પાછું મેળવશે. ‘પૃથ્વી પર હંમેશ માટેનું જીવન કોણ મેળવશે?’ એ સવાલ પર ડને અભ્યાસ કર્યો. તેમણે સમજાવ્યું કે લાખો લોકોને પૃથ્વી પર સજીવન કરવામાં આવશે. ઈશ્વર વિષે સત્ય શીખવવામાં આવશે. તેઓને ઈસુમાં વિશ્વાસ મૂકવાનો મોકો મળશે.
૧૫. સજીવન થવા વિષે જ્યોર્જ સ્ટોર્સ શું સમજ્યા?
૧૫ જ્યોર્જ સ્ટોર્સે ૧૮૭૦માં બાઇબલ પર અભ્યાસ કરીને સમજણ મેળવી કે અન્યાયી લોકોને પણ સજીવન કરવામાં આવશે. તેઓને પણ પૃથ્વી પર અમર જીવનની આશા મળશે. ત્યાર પછી જો એ વ્યક્તિ ઈશ્વરનું કહેવું નહિ માને, તો ‘સો વરસની ઉંમર’ હોવા છતાં તે મરણ પામશે. (યશા. ૬૫:૨૦) સ્ટોર્સ ન્યૂ યૉર્ક બ્રુકલિનમાં રહેતા હતા. તે બાઇબલ એક્ઝામીનર મૅગેઝિનના તંત્રી હતા.
૧૬. બાઇબલ પર અભ્યાસ કરનારાની માન્યતા કઈ રીતે ચર્ચના શિક્ષણથી અલગ હતી?
૧૬ બાઇબલ પર સ્ટડી કર્યા પછી, રસેલને લાગ્યું કે ઈશ્વરનો સંદેશો ચારે બાજુ ફેલાવવાની જરૂર હતી. તેથી, ૧૮૭૯માં ઝાયન્સ વોચ ટાવર એન્ડ હેરલ્ડ ઑફ ક્રાઈસ્ટ્સ પ્રેઝન્સ મૅગેઝિન બહાર પાડવાનું શરૂ કર્યું. આજે એ મૅગેઝિન આ નામથી ઓળખાય છે: ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે. રસેલે આ મૅગેઝિને બહાર પાડ્યું એ પહેલાં થોડા જ લોકો પૃથ્વી પરની આશા વિષે સમજી શક્યા. પણ આ મૅગેઝિન બહાર પડ્યું પછી, દુનિયા ફરતે અનેક લોકો એનો અભ્યાસ કરવા લાગ્યા. બાઇબલ પર અભ્યાસ કરવાથી તેઓને ખબર પડી કે થોડા લોકો સ્વર્ગમાં જશે અને લાખો લોકો પૃથ્વી પર હંમેશ માટેનું જીવન જીવશે. આ માન્યતા ચર્ચના શિક્ષણથી સાવ અલગ હતી.
૧૭. હંમેશ માટેના જીવનની આશા કેવી રીતે ચારે બાજુ ફેલાવવામાં આવી?
૧૭ દાનીયેલે જણાવેલો ‘અંતનો સમય’ ૧૯૧૪માં શરૂ થયો. એ સમય પછી, શું હંમેશ માટેના જીવનની આશા ચારે બાજુ ફેલાવવામાં આવી? (દાની. ૧૨:૪) ૧૯૧૩માં રસેલનાં ભાષણો બે હજાર જુદા જુદા ન્યૂઝ પેપરમાં છપાયાં. એનાથી ૧,૫૦,૦૦,૦૦૦ લોકો એ વાંચી શક્યા. ૧૯૧૪માં ત્રણ ખંડોના ઘણા દેશોમાં ૯૦,૦૦,૦૦૦ લોકોએ ફોટો ડ્રામા ઑફ ક્રિએશન જોયું. એ ડ્રામામાં નાની ફિલ્મ અને સ્લાઈડ શો દ્વારા ઈસુના હજાર વર્ષના રાજ વિષે સમજણ આપવામાં આવી. ૧૯૧૮થી ૧૯૨૫ સુધી આ વિષય પર ત્રીસેક ભાષામાં ટૉક આપવામાં આવી: “અત્યારે જીવનારા કરોડો ક્યારેય મરશે નહિ!” એમાં સમજાવ્યું કે પૃથ્વી પર હંમેશ માટેનું જીવન છે. ૧૯૩૪માં યહોવાહના સાક્ષીઓને જાણવા મળ્યું કે જેઓને પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા છે, તેઓએ બાપ્તિસ્મા લેવું જરૂરી છે. આ સમજણને લીધે ઈશ્વરનો સંદેશો ફેલાવવાનો તેઓનો ઉત્સાહ વધ્યો. એના લીધે આજે લાખો લોકોને પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા મળી છે, જેના લીધે આપણે યહોવાહના ઘણા આભારી છીએ.
“મહિમાની સાથે રહેલી મુક્તિ”
૧૮, ૧૯. યશાયાહ ૬૫:૨૧-૨૫ ઈશ્વરભક્તોના ભવિષ્ય વિષે શું કહે છે?
૧૮ પ્રબોધક યશાયાહ ઈશ્વરની મદદથી ભવિષ્ય વિષે લખી શક્યા. તેમણે લખ્યું કે ઈશ્વરભક્તો ભવિષ્યમાં પૃથ્વી પર સુંદર જીવનનો આનંદ માણશે. (યશાયાહ ૬૫:૨૧-૨૫ વાંચો.) એ પણ લખ્યું કે તેઓનું આયુષ્ય વૃક્ષના આયુષ્ય જેટલું થશે. એ સમજવા વિચાર કરો કે યશાયાહે પોતાનું પુસ્તક લખ્યું, તે સમયમાં જે વૃક્ષ હતાં તેમાંથી અમુક હજુ જીવે છે. એ વૃક્ષોની ઉંમર અત્યારે ૨,૭૦૦ વર્ષો છે. આપણી ઉંમર એવા વૃક્ષથી પણ વધારે લાંબી થશે. એમાં આપણી તબિયત ફાઇન હશે.
૧૯ અત્યારના ટૂંકા જીવન કરતાં, ભવિષ્યમાં અંત વિનાનું લાંબું જીવન હશે. એમાં આપણે પોતાનાં સુંદર ઘરો બાંધીશું. મનગમતા ફૂલછોડ, ઝાડ ઉગાડીશું. અત્યારે જે નથી શીખી શકતા એ ત્યારે શીખી શકીશું. ઘણા બધા દોસ્તો બનાવીશું. આપણી દોસ્તી કાયમ ટકશે. એ વખતે આપણે ‘મુક્ત થઈશું.’ “દેવનાં છોકરાં” તરીકે પૃથ્વી પર આનંદ માણીશું.—રૂમી ૮:૨૧. (w09 8/15)
[ફુટનોટ્સ]
^ ઑગસ્ટીને (ઈસવીસન ૩૫૪-૪૩૦માં) દાવો કર્યો કે ઈશ્વરનું હજાર વર્ષનું રાજ ભવિષ્યમાં નહિ, પણ ચર્ચોની સ્થાપનાથી શરૂ થયું.
શું તમે સમજાવી શકો?
• ઈશ્વરે આપેલી આશા કયાં કારણોને લીધે છૂપી રાખવામાં આવી?
• સત્તરમી સદીમાં બાઇબલ વાંચનારા અમુકે પૃથ્વી પર અમર જીવનની આશા વિષે શું કહ્યું?
• ૧૯૧૪ આવતા સુધીમાં માણસજાતની આશા વિષે કેવી સમજણ મળી?
• કેવી રીતે હંમેશ માટેના જીવનની આશા ચારે બાજુ ફેલાવવામાં આવી?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૯ પર ચિત્રનું ચિત્રો]
કવિ જોન મિલ્ટન (ડાબે) અને ગણિતશાસ્ત્રી આઇઝેક ન્યૂટન (જમણે), બંને જાણતા હતા કે પૃથ્વી પર હંમેશ માટેનું જીવન હશે
[પાન ૨૧ પર ચિત્રનું ચિત્રો]
ચાર્લ્સ ટેઝ રસેલ અને તેમની સાથેના બાઇબલ વિદ્યાર્થીઓને શાસ્ત્રમાંથી ખબર પડી કે પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા ફેલાવવી જોઈએ