૧. ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માગો
તમે કેવી રીતે બાઇબલ સમજી શકો?
૧. ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માગો
ઇટલીમાં રહેતી નીન્ફા કહે છે: “બાઇબલમાં ઈશ્વરના વિચારો હોવાથી, મેં એ વાંચવાનો નિર્ણય કર્યો. રોજ સૂતા પહેલાં હું એ વાંચતી, પણ મને કંટાળો આવતો. તોપણ, મારે જાણવું હતું કે ઈશ્વરે બાઇબલમાં શું લખાવ્યું છે, એટલે મેં વાંચવાનું ચાલુ રાખ્યું. પહેલા પહેલા તો મને સમજવું સહેલું લાગ્યું, પણ આગળ વાંચતી ગઈ તેમ અઘરું લાગ્યું. એટલે મેં વાંચવાનું બંધ કરી દીધું.”
ઘણા લોકોને નીન્ફા જેવું લાગે છે. શું તમને પણ એવું જ લાગે છે? પહેલા લેખમાં જોયું તેમ યહોવાહ ઈશ્વર ચાહે છે કે આપણે બધા બાઇબલની સમજણ મેળવીએ. પણ સવાલ થાય કે કેવી રીતે? સૌથી પહેલા, એ માટે આપણે ઈશ્વર પાસે મદદ માગીએ.
ઈસુના શિષ્યોને પણ એવી મદદની જરૂર પડી, કેમ કે તેઓએ ધર્મગુરુઓ જેવું શિક્ષણ મેળવ્યું ન હોવાથી, “અભણ તથા અજ્ઞાન માણસો” ગણાતા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) તેમ છતાં, ઈસુએ તેઓને કહ્યું કે તેઓ શાસ્ત્ર સમજી શકશે. કેવી રીતે? ઈસુએ તેઓને કહ્યું કે “સંબોધક, એટલે પવિત્ર આત્મા [શક્તિ], જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શિખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.” (યોહાન ૧૪:૨૬) જે શક્તિએ શિષ્યોને મદદ કરી, એ જ શક્તિથી ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું. એમાં બધા જીવોને ઉત્પન્ન કર્યા. (ઉત્પત્તિ ૧:૨) એ જ શક્તિથી ઈશ્વરે પોતાના વિચારો ચાળીસ લેખકો પાસે બાઇબલમાં લખાવી લીધા. (૨ પીતર ૧:૨૦, ૨૧) એ જ શક્તિ આજે પણ એવા લોકોને મદદ કરે છે, જેઓને બાઇબલની વધારે સમજણ મેળવવી છે.
શું તમે ઈશ્વરની એ શક્તિ મેળવી શકો? હા, મેળવી શકો. એ માટે પૂરા વિશ્વાસથી ઈશ્વર પાસે મદદ માગો. એક વાર નહિ, અનેક વાર માગો. ઈસુએ કહ્યું, “માગો, તો તમને આપવામાં આવશે.” તેમણે એમ પણ કહ્યું, “જો તમે તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા [શક્તિ] આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (લુક ૧૧:૯, ૧૩) જે લોકો સાચા દિલથી મદદ માગે છે તેઓને યહોવાહ જરૂર પોતાની શક્તિ આપે છે. તમે એ શક્તિથી બાઇબલમાં હજારો વર્ષો પહેલાં લખેલા વિચારોને સારી રીતે સમજી શકશો. એ શક્તિની મદદથી તમે બાઇબલનાં સલાહ-સૂચનો જીવનમાં લાગુ પાડી શકશો.—હેબ્રી ૪:૧૨; યાકૂબ ૧:૫, ૬.
હર વખત જ્યારે તમે બાઇબલ વાંચવા બેસો, ત્યારે પહેલા ઈશ્વરને પ્રાર્થના કરો. તે જરૂર તમને પોતાની શક્તિ આપશે, જેથી તમે બાઇબલને સારી રીતે સમજી શકો. (w09 7/1)