સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૩. બીજાની મદદ લો

૩. બીજાની મદદ લો

તમે કેવી રીતે બાઇબલ સમજી શકો?

૩. બીજાની મદદ લો

એડવર્ડ જોન ઐરે ઑસ્ટ્રેલિયાના એક છેડાથી બીજા છેડા સુધીની લાંબી મુસાફરી કરી. આ મુસાફરીમાં વચ્ચે રણ આવતું હતું. ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓએ એડવર્ડને શીખવ્યું હતું કે કેવી રીતે દરિયા કિનારા પાસે રેતીની ટેકરીઓમાંથી અને નિલગિરીના ઝાડમાંથી પાણી કાઢવું. અનુભવી લોકોની આવી મદદ સ્વીકારવાથી એડવર્ડે પોતાનું જીવન બચાવ્યું.

આ દાખલામાંથી આપણે શું શીખીએ છીએ? જે વ્યક્તિઓ અનુભવી લોકોની મદદ સ્વીકારે છે, તેઓ કોઈ પણ મુશ્કેલ કામ પાર પાડી શકે છે. બાઇબલની સમજણ મેળવવા વિષે પણ એવું જ છે.

ઈસુને ખબર હતી કે શાસ્ત્ર સમજવા શિષ્યોને બીજાની મદદની જરૂર પડશે. એટલે ઈસુએ ‘ધર્મલેખો સમજવા માટે શિષ્યોનાં મન ખોલ્યાં.’ (લુક ૨૪:૪૫) ઈસુ જાણતા હતા કે શાસ્ત્રની સમજણ મેળવવા વ્યક્તિને બીજાની મદદની જરૂર પડશે.

કોણ મદદ કરશે?

ઈસુએ પોતાના શિષ્યોને જવાબદારી સોંપી કે તેઓ લોકને શાસ્ત્ર સમજવા મદદ આપે. ઈસુ સ્વર્ગમાં ગયા એ પહેલાં તેમણે શિષ્યોને કહ્યું, ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) ઈસુના શિષ્યોએ લોકોને બાઇબલ સમજવા મદદ કરી. તેઓએ લોકોને બાઇબલ સિદ્ધાંતો જીવનમાં લાગુ પાડતા પણ શીખવ્યું.

ઈસુએ પોતાના શિષ્યોને એ કામ સોંપ્યા પછી, એક સરસ બનાવ બન્યો. બાઇબલ જણાવે છે કે ઇથિયોપિયાનો એક અધિકારી યશાયાહની ભવિષ્યવાણીઓ વાંચતો હતો. એમાંથી તેને આ કલમોની સમજણ ન પડી, જે કહે છે: ‘ઘેટાની પેઠે મારી નંખાવાને તેને લઈ જવામાં આવ્યો; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહિ; તેનું અપમાન થયું અને તેનો ન્યાય ડૂબી ગયો; તેના જમાનાના લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમકે તેનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.’—પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૨, ૩૩; યશાયાહ ૫૩:૭, ૮.

અધિકારીએ આ કલમો સમજવા ઈશ્વરભક્ત ફિલિપની મદદ લીધી. ફિલિપ શાસ્ત્રના સારા જાણકાર હતા. એટલે અધિકારીએ પૂછ્યું: “પ્રબોધક કોના વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૪) અધિકારી ભલે મંદિરે જઈ આવ્યો હતો. પ્રાર્થના પણ કરી હશે. તે પૂરી હોંશથી અને ખુલ્લા મનથી વાંચી રહ્યો હતો. તેમ છતાં, તે અમુક ભાગ સમજી શક્યો નહિ. તેણે નમ્રભાવે ફિલિપની મદદ માંગી. ફિલિપે જે સમજણ આપી એ તેના દિલમાં ઊતરી ગઈ અને તે પણ યહોવાહનો ભક્ત બન્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૫-૩૯.

પહેલી સદીના શિષ્યોની જેમ જ, આજે પણ યહોવાહના સાક્ષીઓ એ કામ કરી રહ્યા છે. દુનિયા ફરતે ૨૩૫ દેશોમાં તેઓ રાજી-ખુશીથી બીજાઓને બાઇબલ સમજવા મદદ કરી રહ્યા છે. વ્યક્તિને જે ગમે એ રીતે તેઓ એક પછી એક વિષય પર બાઇબલમાંથી સમજણ આપે છે. આ રીતે બાઇબલ સ્ટડી કરવામાં તેઓ કોઈ ખાસ વિષય પર વધારે સમજણ આપે છે. *—“બાઇબલ તમારા સવાલોના જવાબ આપે છે” બૉક્સ જુઓ.

‘બધા જ સવાલોના જવાબ મળ્યા’

સ્ટીવન, વાલ્વેનેરા અને જોઆન વિષે આપણે પહેલા લેખમાં વાંચ્યું. તેઓએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ સ્ટડી શરૂ કરી. સ્ટીવન કહે છે કે ‘હું ધારતો હતો કે રાત-દિવસ ચર્ચા કરીને, દલીલો કરીને જ બાઇબલ સમજાય. પણ યહોવાહના સાક્ષીઓએ બતાવ્યું કે એમ કરવાની જરૂર નથી. તેઓએ શીખવ્યું કે કોઈ એક બનાવ કે કલમ સમજવા, બાઇબલની બીજી કલમો જોવાથી મદદ મળે છે. આ જોઈને મને ખૂબ નવાઈ લાગી. મેં કદીયે ધાર્યું ન હતું કે મારા સવાલોના જવાબ બાઇબલમાંથી મળી જશે.’

વાલ્વેનેરા કહે છે, “યહોવાહના સાક્ષીઓ પાસેથી હું જે પણ શીખી, એ સમજી શકાય એવું હતું. ‘પાદરી કહે’ એટલે માનવું પડે, એમ ન હતું. મને એની સાચી સમજણ આપવામાં આવી.” જોઆન કહે છે કે “મારા બધા જ સવાલોના જવાબ બાઇબલમાંથી મળ્યા. એના લીધે ઈશ્વર માટેનું મારું માન વધી ગયું. ઈશ્વરને જાણે કે ખબર હતી કે મનુષ્યોને ઘણા પ્રશ્નો ઊભા થશે. એટલે જ તેમણે એના જવાબ પણ બાઇબલમાં લખાવી લીધા છે.”

શું તમે કોઈ યહોવાહના સાક્ષીઓને જાણો છો? જો જાણતા હોવ તો તેઓને પૂછી શકો કે બાઇબલ સ્ટડી કેવી રીતે ચલાવવામાં આવે છે. પણ જો તમે કોઈ યહોવાહના સાક્ષીઓને ન જાણતા હોય, તો પાન ૪ પર આપેલા યોગ્ય એડ્રેસ પર લખી શકો. બાઇબલ સમજવા ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થના કરો, ખુલ્લું મન રાખો અને બાઇબલના અનુભવી વ્યક્તિની મદદ લો. એનાથી તમે જરૂર બાઇબલ સમજી શકશો. (w09 7/1)

[ફુટનોટ્‌સ]

^ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાં બાઇબલના એક પછી એક વિષયની ચર્ચા થઈ છે. એમાંથી ઘણાને મદદ મળી છે. એ યહોવાહના સાક્ષીઓનું પુસ્તક છે.

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

બાઇબલ તમારા સવાલોના જવાબ આપે છે

યહોવાહના સાક્ષીઓ બાઇબલ સ્ટડીમાં આવા સવાલોની ચર્ચા કરે છે:

• ઈશ્વરે ધરતી કેમ બનાવી?

• ગુજરી ગયેલા લોકો ક્યાં છે?

• શું દુનિયાનો અંત નજીક છે?

• ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?

• કુટુંબ કઈ રીતે સુખી રહી શકે?

[પાન ૭ પર ચિત્રો]

બાઇબલ સમજવા ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થના કરો, ખુલ્લા મને વાંચો અને બીજાની મદદ લો