સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ જેવો પ્રેમ બીજાઓને બતાવીએ

ઈસુ જેવો પ્રેમ બીજાઓને બતાવીએ

ઈસુ જેવો પ્રેમ બીજાઓને બતાવીએ

“ઈસુએ જગતમાં પોતાના લોક, જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.”—યોહાન ૧૩:૧.

૧, ૨. (ક) પ્રેમ બતાવવામાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો? (ખ) આ લેખમાં શું શીખીશું?

 પ્રેમ બતાવવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તેમનાં વાણી-વર્તન અને શિક્ષણમાં પણ પ્રેમ જોવા મળતો હતો. અરે ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપીને મહાન પ્રેમ બતાવ્યો. તેમણે આખી જિંદગી બીજાઓને અને તેમના શિષ્યોને પ્રેમ બતાવ્યો.

ઈસુનો પ્રેમ જોઈને આપણને પણ તેમના જેવો પ્રેમ બતાવવા ઉત્તેજન મળે છે. એટલે આપણે પણ ઈસુ જેવો પ્રેમ ભાઈ-બહેનો અને બીજાઓને બતાવી શકીએ છીએ. આ લેખમાં આપણે શીખીશું કે મંડળમાં કોઈએ ખોટું કામ કર્યું હોય તો, એ વ્યક્તિને કેવી રીતે વડીલો ઈસુ જેવો પ્રેમ બતાવી શકે. એ પણ જોઈશું કે મુશ્કેલ સંજોગો, આફતો કે બીમારીમાં વ્યક્તિને કઈ રીતે મદદ કરીને ઈસુ જેવો પ્રેમ બતાવી શકીએ.

૩. ઈસુ પીતર સાથે કેવી રીતે વર્ત્યા?

ઈસુના મરણની આગલી રાતે તેમણે પીતરને કહ્યું કે ‘તું ત્રણ વાર મારો નકાર કરશે.’ (માર્ક ૧૪:૬૬-૭૨) ઈસુ જાણતા હતા કે પીતર પસ્તાવો કરશે. પીતરે એમ કર્યું ત્યારે ઈસુએ તેમને માફ કર્યા અને અમુક જવાબદારી સોંપી. (લુક ૨૨:૩૨; પ્રે.કૃ. ૨:૧૪; ૮:૧૪-૧૭; ૧૦:૪૪, ૪૫) એમાંથી આપણને શીખવા મળે છે કે ખોટું કરનાર સાથે કેવું વલણ રાખી શકીએ.

ખોટું કરનારને ઈસુ જેવો પ્રેમ બતાવીએ

૪. ક્યારે ઈસુ જેવો પ્રેમ બતાવવો જરૂરી છે?

મંડળમાં કે કુટુંબમાં કોઈએ ખોટું કામ કર્યું હોય, ત્યારે આપણને ઘણું દુઃખ થાય છે. આ છેલ્લા દિવસોમાં શેતાન ઝેરી હવા ફેલાવતો હોવાથી અમુક લોકો યહોવાની ભક્તિમાં ઠંડા પડી જાય છે. દુનિયાનું કઠોર વલણ અને ખરાબ વિચારો નાના-મોટા બધાને અસર કરી શકે. એનાથી આપણે સત્યમાં ઠંડા પડી જઈ શકીએ અને છેવટે ખોટે માર્ગે ચઢી શકીએ. પહેલી સદીમાં અમુક ભાઈ-બહેનો ખોટા કામોમાં ફસાઈ ગયા. એના લીધે વડીલોએ તેઓને ઠપકો આપ્યો અથવા મંડળમાંથી કાઢી મૂક્યા. આજે પણ વડીલોએ એવા નિર્ણય લેવા પડે છે. (૧ કોરીં. ૫:૧૧-૧૩; ૧ તીમો. ૫:૨૦) એવા સંજોગોમાં આપણે અને ખાસ કરીને વડીલોએ ઈસુ જેવો પ્રેમ બતાવવો જોઈએ. આમ કરીશું તો વ્યક્તિ પર સારી અસર પડી શકે.

૫. વ્યક્તિ પસ્તાવો કરે ત્યારે વડીલોએ શું કરવું જોઈએ?

ઈસુએ યહોવાહના નીતિ-નિયમો પાળ્યા. વડીલોએ પણ નીતિ-નિયમો પાળીને મંડળને શુદ્ધ રાખવું જોઈએ. આમ કરવાથી તેઓ યહોવાહની જેમ નમ્રતા, માયા અને પ્રેમ જેવા ગુણો બતાવી શકશે. ઘણી વાર વ્યક્તિ પોતાના પાપને લીધે ‘દુઃખથી ભાંગી પડીને દબાઈ ગઈ હોય છે.’ તે પૂરા દિલથી પસ્તાવો કરે ત્યારે વડીલોએ એવા ગુણો બતાવીને તેને ‘નમ્ર ભાવે પાછી લાવવી’ જોઈએ. (ગીત. ૩૪:૧૮ કોમન લેંગ્વેજ; ગલા. ૬:૧) પણ જો કોઈ વ્યક્તિ વડીલોની સલાહ ન સ્વીકારે અને પોતાની ભૂલ કબૂલ ન કરે ત્યારે કેવી રીતે વર્તવું જોઈએ?

૬. કોઈએ ખોટું કામ કર્યું હોય તો વડીલોએ શું ન કરવું જોઈએ?

ધારો કે કોઈ વ્યક્તિએ ખોટું કામ કર્યું છે. એનાથી બીજી વ્યક્તિને નુકસાન પણ થયું છે. વડીલોએ બાઇબલમાંથી આપેલી સલાહ તે સાંભળતી નથી. પોતાના દોષનો ટોપલો બીજા પર નાખે છે. એટલે મંડળના અમુક ભાઈ-બહેનો અને વડીલોને તેના પર ગુસ્સે આવે છે. તેની વિરુદ્ધ વાતો કરે છે. પણ શું એ સારું કહેવાય? ના, ગુસ્સો કરવાથી વાત વધારે બગડશે. તેમ જ, આપણે ‘ખ્રિસ્ત જેવું મન’ બતાવતા નથી. (૧ કોરીં. ૨:૧૬; યાકૂબ ૧:૧૯, ૨૦ વાંચો.) ખરું કે ઈસુએ બીજાઓને ચેતવ્યા હતા. પણ તેમણે કદીયે કઠોર શબ્દો વાપર્યા ન હતા. (૧ પીત. ૨:૨૩) ઈસુએ પોતાના વાણી-વર્તનથી બતાવ્યું કે ખોટું કરનાર પસ્તાવો કરીને પાછો યહોવાહ તરફ ફરી શકે છે. એટલે બાઇબલ જણાવે છે કે “ઈસુ પાપીઓને તારવાને સારૂ જગતમાં આવ્યો.”—૧ તીમો. ૧:૧૫.

૭, ૮. શિસ્ત આપતી વખતો વડીલોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

મંડળમાં વડીલોએ કોઈને શિસ્ત આપી હોય ત્યારે આપણે ઈસુ જેવું વલણ બતાવવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે વડીલોએ મંડળને શુદ્ધ રાખવા વ્યક્તિને શિસ્ત આપી છે. એ શિસ્ત વ્યક્તિને પસ્તાવો કરવા મદદ કરશે. (૨ કોરીં. ૨:૬-૮) જોકે અમુક વ્યક્તિઓ પસ્તાવો કરતી નથી એટલે તેઓને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. પણ સમય જતાં તેઓમાંના ઘણા યહોવાહ તરફ પાછા ફરે છે. એટલે જરૂરી છે કે વડીલો આવી વ્યક્તિને શિસ્ત આપે ત્યારે ઈસુ જેવો સ્વભાવ બતાવે. ખરું કે અમુક સમય પછી વ્યક્તિને કદાચ યાદ નહિ હોય કે વડીલોએ બાઇબલમાંથી શું સલાહ આપી હતી. પણ તેઓને યાદ રહેશે કે વડીલોએ કેટલો પ્રેમ બતાવ્યો હતો, માન આપ્યું હતું.

એટલે વડીલોએ આવા અઘરા સંજોગોમાં ‘પવિત્ર આત્માના’ ગુણો બતાવવાની જરૂર છે. ખાસ કરીને ઈસુ જેવો પ્રેમ. (ગલા. ૫:૨૨, ૨૩) જો વડીલો પ્રેમ બતાવશે તો, તેઓ તરત જ નક્કી નહિ કરે કે વ્યક્તિ મંડળમાં રહેવા લાયક નથી. વડીલોએ બતાવવું જોઈએ કે તેઓ ચાહે છે કે વ્યક્તિ પસ્તાવો કરીને યહોવા તરફ પાછી ફરે. એટલે વ્યક્તિ પસ્તાવો કરશે ત્યારે યહોવાહની દયાની કદર કરશે. તેમ જ, વડીલોની મદદથી મંડળમાં પાછી આવી છે એની તે કદર કરશે.—એફે. ૪:૮, ૧૧, ૧૨.

અંતના સમયમાં ઈસુ જેવો પ્રેમ બતાવીએ

૯. ઈસુએ શિષ્યો માટે કેવી રીતે પ્રેમ બતાવ્યો?

ઈસુને લોકો માટે કેટલો પ્રેમ હતો એ વિષે લુકના પુસ્તકમાં એક બનાવ જોઈએ. ઈસુને ખબર હતી કે રૂમી સૈનિકો યરૂશાલેમને ઘેરી લેશે. થોડા વખત પછી એનો નાશ કરશે. ઈસુને શિષ્યો માટે બહુ પ્રેમ હોવાથી તે ચાહતા હતા કે તેઓ બચી જાય. એટલે તેમણે શિષ્યોને ચેતવણી આપી: “યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.” આવા સંજોગોમાં શું કરવું એ વિષે ઈસુએ પૂરી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે “જેઓ યહુદાહમાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ. કેમકે એ વૈર વાળવાના દિવસો છે, જેથી જે જે લખેલું છે, તે બધું પૂરૂં થાય.” (લુક ૨૧:૨૦-૨૨) ઈસવીસન ૬૬માં રૂમી સૈનિકોએ યરૂશાલેમમાં ઘેરો નાખ્યો. ઈસુની ચેતવણી સાંભળી અને એ પ્રમાણે કર્યું તેઓ જ બચી ગયા.

૧૦, ૧૧. પહેલી સદીના ખ્રિસ્તીઓએ મુસાફરીમાં શું કરવાનું હતું? એ જાણીને ‘મોટી વિપત્તિમાં’ આપણને શું કરવા મદદ મળશે?

૧૦ પહેલી સદીના ખ્રિસ્તીઓએ સૈનિકો જોયા ત્યારે યરૂશાલેમમાંથી તરત જ નાસી ગયા. મુસાફરીમાં તેઓએ એકબીજા માટે ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવવાની જરૂર હતી. ખાવા-પીવાની વસ્તુઓમાં તેઓએ એકબીજાને મદદ કરવાની હતી. ખરું કે ઈસુના શબ્દો યહુદીઓના સમયમાં પૂરા થયા. પણ એ શબ્દો મોટા પાયે ભાવિમાં પૂરા થશે. એટલે ઈસુએ કહ્યું: “તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માથ. ૨૪:૧૭, ૧૮, ૨૧) “મોટી વિપત્તિ” આવે એ પહેલાં અને દરમિયાન આપણે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડવી મુશ્કેલ થશે. તેથી ઈસુ જેવો સ્વભાવ રાખીશું તો એ મુશ્કેલ સંજોગોનો સારી રીતે સામનો કરી શકીશું.

૧૧ એવા સંજોગોમાં આપણે ઈસુની જેમ એકબીજા માટે નિસ્વાર્થ પ્રેમ બતાવવો જોઈએ. એ માટે પાઊલે આપણને સલાહ આપી: ‘આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના ભલા માટે ખુશ કરવો જોઈએ. કેમકે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો. તમે એક ચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો, એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો, મહિમા પ્રગટ કરો.’—રૂમી ૧૫:૨, ૩,.

૧૨. આજે આપણે કેવો પ્રેમ કેળવવાની જરૂર છે? શા માટે?

૧૨ પીતરે ઈસુનો પ્રેમ અનુભવ્યો હતો. એટલે તેમણે બીજાઓને ઉત્તેજન આપ્યું: ‘તમે સત્યને આધીન રહીને ભાઈઓ પર સ્વાર્થ વગરનો પ્રેમ રાખો. પૂરા દિલથી એકબીજા પર પ્રેમ રાખો.’ (૧ પીત. ૧:૨૨) આજે આપણે એકબીજાને નિસ્વાર્થ પ્રેમ બતાવીએ એ ખૂબ જરૂરી છે. કેમ કે, ઈશ્વરના લોકો પર શેતાન અનેક રીતે દબાણ લાવે છે. આપણામાંથી કોઈએ પણ આ દુનિયા પર ભરોસો રાખવો જોઈએ નહિ. જેઓએ દુનિયા પર ભરોસો રાખ્યો હતો તેઓએ મોટે ભાગે પોતાની નોકરી, માલમિલકત અને બીજું ઘણું ગુમાવ્યું છે. (૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.) આપણે જાણીએ છીએ કે આ જગતનો અંત પાસે છે. તેથી આપણે યહોવાહમાં વધારે ભરોસો રાખવાની જરૂર છે. ભાઈ-બહેનો માટે ગાઢ પ્રેમ કેળવવાની જરૂર છે. પાઊલે આપણને સલાહ આપી: “ભાઈચારાની લાગણીથી એકબીજા પર પ્રેમ કરો. બીજાંઓને માન આપવામાં આનંદ માણો.” (રોમનો ૧૨:૧૦, IBSI) આ જ વિષય પર પીતરે પણ આપણને સલાહ આપી: “વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો; કેમકે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે.”—૧ પીત. ૪:૮.

૧૩-૧૫. આફતોમાં કઈ રીતે ભાઈ-બહેનોએ એકબીજા માટે પ્રેમ બતાવ્યો?

૧૩ દુનિયાભરમાં લોકો જાણે છે કે યહોવાહના સાક્ષીઓ બીજાઓને ઈસુ જેવો પ્રેમ બતાવે છે. એ સમજવા એક દાખલો લઈએ. ૨૦૦૫માં અમેરિકાના અમુક રાજ્યોમાં વાવાઝોડું ને તોફાનને લીધે ઘણું નુકસાન થયું હતું. એટલે મદદ કરવા વીસ હજારથી વધારે ભાઈ-બહેનો પોતાનું ઘર અને નોકરી છોડીને ત્યાં ગયા.

૧૪ એક વિસ્તારમાં દરિયાના પાણી દીવાલ તોડીને આશરે ૮૦ કિલોમીટ સુધી ફરી વળ્યા. એ વિસ્તારમાં ચારેય બાજુ ૩૦ ફૂટ પાણી હતું. પાણી ઓસરી ગયા ત્યારે ૩૩ ટકા ઘરો અને બીજા બિલ્ડિંગો તૂટી ગયા હતા. અમુક દેશોમાંથી ભાઈઓ બાંધકામની સાધન-સામગ્રી લઈને મદદ કરવા આવ્યા. તેઓ કોઈ પણ કામ કરવા તૈયાર હતા. બે સગી વિધવા બહેનોને પણ મદદ કરવી હતી. એટલે તેઓએ પોતાનો સામાન બાંધીને કારમાં ત્રણ હજાર કિલોમીટર મુસાફરી કરી. એક બહેન ત્યાં જ રહીને હજું પણ મદદ કરે છે, સાથે સાથે રેગ્યુલર પાયોનિયરીંગ પણ કરે છે.

૧૫ એ વિસ્તારમાં ભાઈબહેનોએ ૫,૬૦૦ ઘરો રીપેર કર્યા કે ફરી બાંધ્યા. આવો પ્રેમ બતાવવામાં આવ્યો ત્યારે ત્યાનાં ભાઈ-બહેનોએ એની ઘણી કદર કરી. એક બહેનનું ઘર તૂટી જવાથી તે એક નાના કેરેવાનમાં રહેતી હતી. * એના છાપરામાં કાણું હતું અને સ્ટવ તૂટી ગયો હતો. ભાઈઓએ તેને નાનું પણ આરામ દાયક ઘર બાંધી આપ્યું. એ જોઈને ખુશીથી તેની આંખો ભરાઈ આવી. તેણે યહોવાનો અને ભાઈઓનો ઘણો આભાર માન્યો. ઘણા કિસ્સાઓમાં ભાઈ-બહેનો પોતાનું ઘર બંધાયા પછી પણ બીજે રહેતા હતા. શા માટે? જેથી મદદ કરવા આવેલા ભાઈબહેનો એ ઘરોમાં રહીને બીજાઓને મદદ કરી શકે. ખરેખર તેઓએ એકબીજા માટે ઈસુ જેવો પ્રેમ બતાવ્યો હતો.

બીમારોને પણ ઈસુ જેવો પ્રેમ બતાવો

૧૬, ૧૭. બીમાર લોકોને આપણે કેવી રીતે ઈસુ જેવો પ્રેમ બતાવી શકીએ?

૧૬ કદાચ આપણને આફતમાં મદદ કરવાનો મોકો નહિ મળ્યો હોય. પણ આપણે બધાએ બીમારીનો સામનો કર્યો હશે. કદાચ પોતાને બીમારી થઈ હશે કે કુટુંબમાં કોઈને થઈ હશે. બીમારોને કેવી રીતે મદદ કરવી એ માટે પણ ઈસુએ સારો દાખલો બેસાડ્યો છે. ઈસુને લોકો માટે પ્રેમ હોવાથી તેમને બીમારોની દયા આવતી હતી. તેમની પાસે ઘણા લોકો સાજા થવા આવતા હતા. ઈસુએ તેઓ બધાને ‘સાજા કર્યા હતા.’—માથ. ૮:૧૬; ૧૪:૧૪.

૧૭ આપણી પાસે ઈસુ જેવી ચમત્કાર કરવાની શક્તિ નથી. પણ આપણે બીમાર લોકોને ઈસુ જેવી દયા બતાવી શકીએ છીએ. દાખલા તરીકે, વડીલો મંડળના બીમાર ભાઈ-બહેનોની સંભાળ રાખવાની ગોઠવણ કરે છે. એ ગોઠવણમાં આપણે પણ સાથ આપી શકીએ. એમ કરવાથી આપણે માત્થી. ૨૫:૩૯, ૪૦માં આપેલી સલાહ પાળીએ છીએ. (વાંચો.) *

૧૮. બે બહેનોએ કેવી રીતે પ્રેમ બતાવ્યો? એનું શું પરિણામ આવ્યું?

૧૮ વડીલો જ નહિ આપણે બધાય બીમારોને મદદ કરી શકીએ. ૪૪ વર્ષના શારલીન બહેનનો દાખલો લઈએ. તેમને કેન્સર હોવાથી ડૉક્ટરે કહ્યું કે તે ફક્ત દસ દિવસ જીવશે. તેમના પતિ તેમની સારી રીતે સંભાળ રાખવા ઘણું બધું કરતા હતા. એ જોઈને મંડળની બે બહેનો શેરન અને નિકોલ પણ તેમને મદદ કરવા ચાહતી હતી. એ બે બહેનોએ શારલીનના છેલ્લા દિવસોમાં તેમની પ્રેમથી સંભાળ રાખી. એ છેલ્લા દિવસો છ અઠવાડિયા સુધી ચાલ્યા. શેરન જણાવે છે, ‘આપણે જાણતા હોઈએ કે વ્યક્તિ વધારે જીવવાની નથી ત્યારે હિંમત હારી જઈએ છીએ. પણ યહોવાહ આપણને હિંમત આપે છે. એનાથી યહોવાહ અને એકબીજા સાથેનો સંબંધ ગાઢ થાય છે.’ શારલીનના પતિ જણાવે છે, ‘શેરન અને નિકોલે જે મદદ કરી એ હું કદી ભૂલીશ નહિ. તેઓએ શારલીનને પૂરા દિલથી અને ખુશી ખુશી મદદ કરી. એનાથી મારું ટેન્શન ઓછું થયું હતું. મને ઘર અને પત્નીની સંભાળ રાખવામાં પણ મદદ મળી હતી. તેઓએ ખરેખર જે પ્રેમ બતાવ્યો એનાથી યહોવામાં મારી શ્રદ્ધા વધી. ભાઈ-બહેનો માટે કદર વધી.’

૧૯, ૨૦. (ક)ઈસુના સ્વભાવ વિષે કઈ પાંચ બાબતો આપણે જોઈ? (ખ) તમે શું કરવાનો નિર્ણય લીધો છે?

૧૯ આ ત્રણ લેખોમાં ઈસુના સ્વભાવ વિષે પાંચ બાબતો જોઈ. એ પણ શીખ્યા કે આપણે ઈસુ જેવો સ્વભાવ કેવી રીતે કેળવી શકીએ. ચાલો આપણે ઈસુની જેમ ‘નમ્ર તથા દીન’ થઈએ. (માથ. ૧૧:૨૯) બીજાઓની નબળાઈને ભૂલીને માયાળુ બનીએ. તકલીફો કે સતાવણીમાં પણ હિંમતથી યહોવાહની આજ્ઞાઓ પાળીએ.

૨૦ ઈસુની જેમ જ આપણે પણ ભાઈ-બહેનો પર ‘અંત સુધી પ્રેમ રાખીએ.’ એવો પ્રેમ બતાવીશું તો બધા જાણશે કે આપણે ઈસુના શિષ્યો છીએ. (યોહા. ૧૩:૧, ૩૪, ૩૫) ચાલો આપણે ‘ભાઈઓ પરની પ્રીતિ જાળવી રાખીએ.’ (હેબ્રી ૧૩:૧) તન-મનથી યહોવાહની ભક્તિ કરીએ અને બીજાઓને મદદ કરીએ. આમ કરતા રહીશું તો, યહોવાહ આપણને આશીર્વાદ આપશે. (w09 9/15)

[ફુટનોટ્‌સ]

^ કેરેવાન એટલે ફાયબર કે વુડનમાંથી બનાવેલું અને ગાડી સાથે જોડાઈ શકે એવી વાન, જેમાં રહેવાની સગવડ હોય.

^ ચોકીબુરજ જુલાઈ ૧, ૧૯૮૭માં આ લેખ જુઓ: “તાપો અને ખાયને તૃપ્ત થાઓ,” કહેવા કરતાં વધુ કરો.

તમે સમજાવી શકો?

• વ્યક્તિ પસ્તાવો કરે ત્યારે વડીલોએ શું કરવું જોઈએ?

• અંતના સમયમાં શા માટે ઈસુ જેવો પ્રેમ બતાવવાની જરૂર છે?

• બીમાર લોકોને આપણે કેવી રીતે ઈસુ જેવો પ્રેમ બતાવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર ચિત્ર]

વડીલો ચાહે છે કે વ્યક્તિ યહોવાહ તરફ પાછી ફરે

[પાન ૨૧ પર ચિત્ર]

યરૂશાલેમમાંથી ખ્રિસ્તીઓ નાસી ગયા ત્યારે તેઓએ કઈ રીતે ઈસુ જેવો સ્વભાવ બતાવ્યો?

[પાન ૨૨ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ ઈસુ જેવો પ્રેમ બતાવવા જાણીતા છે