સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહે કરેલી છુટકારાની ગોઠવણની તમે કદર કરો છો?

યહોવાહે કરેલી છુટકારાની ગોઠવણની તમે કદર કરો છો?

યહોવાહે કરેલી છુટકારાની ગોઠવણની તમે કદર કરો છો?

‘ઈસ્રાએલના ઈશ્વર સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.’—લુક ૧:૬૮.

૧, ૨. આપણી લાચાર સ્થિતિને શાની સાથે સરખાવી શકીએ? હવે કયા સવાલોની ચર્ચા કરીશું?

 માની લો કે તમને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. તમને એવી જીવલેણ બીમારી છે જેનો કોઈ ઇલાજ નથી. તમારા વૉર્ડમાં બધા જ દર્દીઓને એ જ બીમારી છે. એવામાં તમને ખબર પડે છે કે તમારી બીમારીનો ઇલાજ શોધવા એક ડૉક્ટર ખૂબ કોશિશ કરી રહ્યા છે. એનાથી તમને થોડીક આશા મળે છે. તમે રાહ જોઈને બેઠા છો કે ડૉક્ટર ક્યારે કંઈક ખુશખબર જણાવે. એક દિવસ તમને જાણવા મળે છે કે તમારી બીમારીનો ઇલાજ મળ્યો છે! ડૉક્ટરે એની શોધ પાછળ તનતોડ મહેનત કરી છે. એ જાણીને તમને કેવું લાગશે? ઇલાજ શોધનાર ડૉક્ટર માટે તમારું માન અનેક ઘણું વધી જશે. એ ડૉક્ટરે શોધેલા ઇલાજને લીધે હવે ઘણા લોકો મોતના મોંમાંથી બચી જશે.

ખરું કે આવું તો ભાગ્યે જ બને. પરંતુ આપણે બધા કંઈક એવી જ લાચાર સ્થિતિમાં છીએ. ઉપર જોયું એવી જીવલેણ બીમારીથીયે વધારે ખરાબ હાલતમાં આપણે છીએ. આપણ બધાને એમાંથી છુટકારાની જરૂર છે. (રૂમી ૭:૨૪ વાંચો.) આપણને એવી લાચાર સ્થિતિમાંથી છોડાવવા માટે યહોવાહે મોટી કિંમત ચૂકવી છે. તેમના દીકરા ઈસુએ પણ મોટો ભોગ આપ્યો છે. ચાલો આપણે ચાર સવાલોની ચર્ચા કરીએ: (૧) આપણને કેમ છુટકારાની જરૂર પડી? (૨) આપણને છોડાવવા ઈસુએ શું કિંમત ચૂકવી? ૩) યહોવાહે કેવી કિંમત ચૂકવી? (૪) યહોવાહે છુટકારાની જે ગોઠવણ કરી એની કદર બતાવવા આપણે શું કરવું જોઈએ?

આપણને કેમ છુટકારાની જરૂર પડી?

૩. પાપ કઈ રીતે જીવલેણ બીમારી જેવું છે?

દુનિયાભરમાં કોઈ જીવલેણ રોગ ફેલાયો હોય તો કોને ડર ન લાગે! એક અંદાજ પ્રમાણે, ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુ નામની જીવલેણ બીમારી ફેલાઈ હતી. એનાથી દસેક કરોડ લોકો માર્યા ગયા. એના કરતાંયે વધારે જીવલેણ બીમારીઓ આજે છે. એવી બીમારી અમુક લોકોને જ થાય છે. પણ એ બીમારી આવે ત્યારે બહુ થોડા લોકો બચે છે. * આદમથી વારસામાં મળેલું પાપ પણ જીવલેણ બીમારી છે. શું એ બીમારીથી કોઈ બચે છે? રૂમી ૫:૧૨ના શબ્દોનો વિચાર કરો: ‘એક માણસથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.’ આપણા બધામાં આદમના પાપની અસર છે. એનાથી કોઈ છટકી શકતું નથી. (રૂમી ૫:૧૨, વાંચો.) પાઊલે એના વિષે લખ્યું કે આ પાપને કારણે ‘સઘળાં માણસો’ મરણ પામે છે.

૪. આજે મોટા ભાગના લોકો પોતાના જીવન વિષે શું માને છે? આપણા આયુષ્ય વિષે યહોવાહનું શું કહેવું છે?

આજે ઘણા લોકો માને છે કે બધાએ એક દિવસ મરવાનું તો છે જ. આપણે ઘરડા થઈએ ને છેવટે મોત દરવાજા ખખડાવે તો લોકો એને માની લે છે. પણ કોઈનું અકાળે કે અકુદરતી મૃત્યુ થાય ત્યારે તેઓને એ સ્વીકારવું અઘરું લાગે છે. પણ ઈશ્વરનું એના વિષે શું કહેવું છે એ તેઓ સાવ ભૂલી જાય છે. યહોવાહે તો મનુષ્યને હંમેશ માટેનું જીવન આપ્યું હતું. એની સરખામણીમાં આપણું જીવન કાંઈ જ નથી. યહોવાહની નજરમાં તો કોઈ મનુષ્ય “એક દિવસ” પણ જીવ્યો નથી. (૨ પીત. ૩:૮) બાઇબલ કહે છે કે આપણું આયુષ્ય ઘાસના જેવું છે જે ઝડપથી સુકાઈ જાય છે. એ જાણે નાની અમથી ફૂંક જેવું જ છે. (ગીત. ૩૯:૫; ૧ પીત. ૧:૨૪) યહોવાહની નજરમાં આપણું જીવન કેટલું ટૂંકું છે એ કદી ભૂલવું ન જોઈએ. જો આપણે સમજીએ કે મરણ એક ખતરનાક બીમારી છે, તો જ એનો ઇલાજ એટલે કે એમાંથી છુટકારો મેળવવા માટેની આપણી કદર વધશે.

૫. પાપને લીધે આપણે શું ગુમાવ્યું?

આપણે પાપ વિનાનું જીવન કદી જીવ્યા નથી. એટલે પાપને લીધે આપણે શું ગુમાવ્યું છે એ સમજવું અઘરું છે. પણ એ આપણી સમજની બહાર નથી. યહોવાહે શરૂઆતમાં આદમ અને હવાને એવી રીતે બનાવ્યા હતા કે તેઓ ન બીમાર થાય, ન ઘરડા થાય કે ન મરણ પામે. ઈશ્વર સાથે તેઓનો પાકો નાતો હતો. તેઓમાં યહોવાહના નિયમો પાળવાની અને તેમના ગુણો કેળવવાની ક્ષમતા હતી. પણ તેઓએ જાણીજોઈને પાપ કર્યું અને જીવનદાતાથી મોં ફેરવી લીધું. બધા આશીર્વાદો ગુમાવી બેઠા. અરે, કાયમી જીવનનો આશીર્વાદ પોતા માટે તો ગુમાવ્યો સાથે સાથે તેમનાં આવનાર બાળકો માટે પણ ગુમાવ્યો. (ઉત. ૩:૧૬-૧૯) તેઓ પાપી બન્યા, મરણ પામ્યા. એ પાપની અસર આપણામાં આવી, એટલે આપણેય મરણ પામીએ છીએ. આદમ-હવાએ પાપ કર્યું એટલે યહોવાહે તેઓને મોતની સજા ફરમાવી. જોકે યહોવાહે પાપ અને મરણમાંથી આપણને છોડાવવાની આશા પણ આપી.—ગીત. ૧૦૩:૧૦.

આપણને છોડાવવા ઈસુએ શું કિંમત ચૂકવી?

૬, ૭. (ક) યહોવાહે સૌથી પહેલાં કઈ રીતે જણાવ્યું કે મનુષ્યને પાપમાંથી છોડાવવા મોટી કિંમત ચૂકવવી પડશે? (ખ) પરમેશ્વરે મુસાને નિયમો આપ્યા એ પહેલાં, હાબેલ અને બીજા ઈશ્વરભક્તોએ ચઢાવેલા બલિદાનોથી આપણને શું શીખવા મળે છે?

યહોવાહ જાણતા હતા કે આદમ અને હવામાંથી આવનાર મનુષ્યને પાપમાંથી છોડાવવા મોટી કિંમત ચૂકવવી પડશે. ઉત્પત્તિ ૩:૧૫માં આપેલી ભવિષ્યવાણી પરથી આપણને એ કિંમત વિષે જાણવા મળે છે. યહોવાહ એક “સંતાન” કે તારણહારને ઊભો કરશે જે એક દિવસ શેતાનનો નાશ કરશે. એ પહેલાં તારણહારની જાણે એડી છૂંદવામાં આવશે. તેમણે ઘણું દુઃખ સહેવું પડશે. કેટલું પીડાદાયક! કયા અર્થમાં તારણહારની એડી છૂંદવામાં આવશે? તેમણે શું સહેવું પડશે?

મનુષ્યને પાપના પંજામાંથી છોડાવવા તારણહારે એક કિંમત ચૂકવવાની હતી. એમ કરવાથી જ યહોવાહ સાથે આદમે જે નાતો તોડી નાંખ્યો હતો, એને મનુષ્ય ફરીથી બાંધી શકે છે. એ માટે તારણહારે શું કર્યું? તેમણે પરમેશ્વરને બલિદાન આપ્યું. શા માટે? એ જાણવા અગાઉ શું કરવામાં આવતું એનો વિચાર કરો. સૌ પ્રથમ હાબેલે ઈશ્વરને પ્રાણીનું બલિદાન ચઢાવ્યું હતું. એ યહોવાહને ગમ્યું. અમુક સમય પછી નૂહ, ઈબ્રાહીમ, યાકૂબ અને અયૂબે પણ પરમેશ્વરને પ્રાણીઓના બલિદાનો ચઢાવ્યાં. એ પણ યહોવાહને ગમ્યું. (ઉત. ૪:૪; ૮:૨૦, ૨૧; ૨૨:૧૩; ૩૧:૫૪; અયૂ. ૧:૫) ત્યાર પછી યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલી લોકોને નિયમો આપ્યા, જેનાથી વધારે સ્પષ્ટ થયું કે કેવું બલિદાન આપવું પડશે.

૮. પ્રાયશ્ચિત્તના દિવસે પ્રમુખયાજક શું કરતા?

મુસાના નિયમ પ્રમાણે ઈસ્રાએલીઓ અનેક બલિદાનો ચઢાવતા. એ બધાં કરતાં પ્રાયશ્ચિત્ત દિવસે જે બલિદાનો ચઢાવવામાં આવતા એ સૌથી મહત્ત્વના હતા. એ દિવસે પ્રમુખયાજક બલિદાન ચઢાવવા માટે જે કંઈ કરતા, એનો ઊંડો અર્થ રહેલો હતો. પ્રમુખયાજક સૌથી પહેલા તો યાજકવર્ગના પાપોની માફી માટે બલિદાન ચઢાવતા. પછી તે ઈસ્રાએલના બાકી રહેલા લોકોના પાપોની માફી માટે બલિદાન ચઢાવતા. પ્રમુખયાજક દર વર્ષે પ્રાયશ્ચિત્તના દિવસે મંડપ કે મંદિરના પરમપવિત્ર ભાગમાં જઈને પ્રાણીનું લોહી કરારકોશ પર છાંટતા. જ્યારે પ્રમુખયાજક પરમપવિત્ર સ્થાનમાં જતા ત્યારે કરારકોશ ઉપર તેજસ્વી વાદળું જોવા મળતું. આ વાદળું યહોવાહની હાજરીને બતાવતું હતું.—નિર્ગ. ૨૫:૨૨; લેવી. ૧૬:૧-૩૦.

૯. (ક) પ્રાયિશ્ચત્ત દિવસે પ્રમુખયાજક સમય જતા કોને બતાવતા હતા? તે જે બલિદાનો ચઢાવતા એનો શું અર્થ થતો હતો? (ખ) પ્રમુખયાજક પરમપવિત્ર ભાગમાં પ્રવેશતા એ શાને બતાવતું હતું?

પ્રાયશ્ચિત્ત દિવસે પ્રમુખયાજક જે વિધિ કરતા એની પાઊલે ઈશ્વર પ્રેરણાથી સમજણ આપી. તેમણે સમજાવ્યું કે પ્રમુખયાજક સમય જતા મસીહ કે ઈસુ ખ્રિસ્તને બતાવતા હતા. બલિદાનો ચઢાવવા એ ઈસુએ પોતાનું જીવન બલિદાન આપ્યું એને બતાવતા હતા. (હેબ્રી ૯:૧૧-૧૪) ઈસુમાં કોઈ પાપ ન હતું. એટલે તેમની કુરબાનીથી બે વર્ગને પાપોની માફી મળે છે. એક તો ૧,૪૪,૦૦૦ને જેઓ ઈસુ સાથે યાજકો તરીકે સેવા કરશે. બીજો વર્ગ “બીજાં ઘેટાં” છે. (યોહા. ૧૦:૧૬) પ્રમુખયાજક પરમપવિત્ર ભાગમાં પ્રવેશતા એ શાને બતાવતું હતું? ઈસુ સ્વર્ગમાં યહોવાહ આગળ પોતાના જીવનની કુરબાનીનું મૂલ્ય રજૂ કરવા ગયા એને બતાવતું હતું.—હેબ્રી ૯:૨૪, ૨૫.

૧૦. બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે મસીહને શું સહેવું પડશે?

૧૦ આનાથી સાફ જોવા મળે છે કે આદમ અને હવાના સંતાનોને પાપમાંથી છોડાવવા બહુ મોટી કિંમત ચૂકવવામાં આવી હતી. એ માટે મસીહે પોતાનું જીવન આપી દીધું. હેબ્રુ શાસ્ત્રના લેખકોએ મસીહની કુરબાની વિષે સ્પષ્ટ સમજાવ્યું હતું. દાખલા તરીકે, દાનીયેલે લખ્યું હતું કે ‘અભિષિક્ત સરદાર’ એટલે મસીહને “કાપી” કે મારી નાખવામાં આવશે. એનાથી “દુરાચારનું પ્રાયશ્ચિત્ત” એટલે કે મનુષ્યના પાપોની માફી મળશે. (દાની. ૯:૨૪-૨૬) યશાયાહે પણ કહ્યું હતું કે મસીહનો નકાર કરવામાં આવશે. તેમને સતાવવામાં આવશે અને મારી નાખવામાં આવશે. તેમને વીંધી નાખવામાં આવશે, જેથી મનુષ્યને પાપની માફી મળે.—યશા. ૫૩:૪, ૫,.

૧૧. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે આપણા છુટકારા માટે તે પોતાનો જીવ આપવા તૈયાર હતા?

૧૧ પૃથ્વી પર આવતા પહેલાં, ઈસુ જાણતા હતા કે મનુષ્યને પાપ ને મરણમાંથી છોડાવવા પોતે કેવી કિંમત ચૂકવવી પડશે. તેમણે સખત દુઃખ-તકલીફો સહીને છેવટે મરવું પડશે. જ્યારે યહોવાહે તેમને આ જણાવ્યું ત્યારે શું ઈસુ પાછા પડ્યા? ના જરાય નહિ. તેમણે તો રાજીખુશીથી યહોવાહનું કહેવું માન્યું. (યશા. ૫૦:૪-૬) પૃથ્વી પર આવ્યા પછી પણ ઈસુએ રાજીખુશીથી યહોવાહનું કહ્યું કર્યું. શા માટે? એનું એક કારણ તેમણે જણાવ્યું કે “હું બાપ પર પ્રેમ રાખું છું.” બીજું કારણ એ આપ્યું કે “પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહા. ૧૪:૩૧; ૧૫:૧૩) આ રીતે ખાસ તો ઈસુના પ્રેમને કારણે આપણો છુટકારો શક્ય બન્યો. આપણને છોડાવવા ઈસુએ ખુશીથી પોતાનું પવિત્ર જીવન કુરબાન કરી દીધું.

યહોવાહે કેવી કિંમત ચૂકવી?

૧૨. મનુષ્યના છુટકારા માટે કોણે ગોઠવણ કરી? શા માટે તેમણે એ ગોઠવણ કરી?

૧૨ ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપી દીધો, એની ગોઠવણ શરૂઆતથી યહોવાહે જ કરી હતી. મંદિરની વેદી યહોવાહની ઇચ્છાને રજૂ કરતી હતી. એટલે કે વેદી પર જેમ બલિદાનો ચઢાવવામાં આવતાં, તેમ યહોવાહની ઇચ્છા હતી કે આખરે ઈસુ પોતાનું જીવન બલિદાન કરે. (હેબ્રી ૧૦:૧૦) એટલે આપણને પાપમાંથી છોડાવવા ઈસુએ જીવ આપી દીધો, એનો જશ પહેલા તો યહોવાહને આપવો જોઈએ. (લુક ૧:૬૮) યહોવાહને મનુષ્ય પર અપાર પ્રેમ હતો, એટલે તેઓને છોડાવવા યહોવાહે મોટી કિંમત ચૂકવી.—યોહાન ૩:૧૬ વાંચો.

૧૩, ૧૪. યહોવાહે આપણા માટે શું કર્યું છે એ સમજવા ઈબ્રાહીમના દાખલામાંથી કઈ રીતે મદદ કરે છે?

૧૩ આપણને પ્રેમ બતાવવા યહોવાહે કેટલી મોટી કિંમત ચૂકવી, એ કદાચ આપણે પોતે સમજી નહિ શકીએ. પણ બાઇબલનો એક અહેવાલ એ સમજવા મદદ કરે છે. યહોવાહે ઈશ્વરભક્ત ઈબ્રાહીમને ઈસ્હાકનું બલિદાન આપવા કહ્યું. ઈસ્હાક તો ઈબ્રાહીમનો એકનો એક દીકરો. તેનું બલિદાન આપવું ઈબ્રાહીમ માટે સહેલું ન હતું. યહોવાહ પણ જાણતા હતા કે ઈબ્રાહીમ દીકરાને કેટલા ચાહે છે. એ વિષે તેમણે ઈબ્રાહીમને કહ્યું હતું: એ ‘તારો એકનોએક દીકરો છે, જેને તું પ્રીતિ કરે છે.’ (ઉત. ૨૨:૨) પણ ઈબ્રાહીમ માટે દીકરા કરતાં યહોવાહની ઇચ્છા પૂરી કરવી વધારે મહત્ત્વનું હતું. આ આકરી કસોટીમાંય તેમણે યહોવાહની આજ્ઞા માની. ઈબ્રાહીમને ખબર હતી કે ઈસ્હાકનું બલિદાન આપ્યા પછી, એકનો એક દીકરો ગુમાવી બેસશે. તે સજીવન થાય ત્યાં સુધી ફરી જોઈ નહિ શકે. પણ ઈબ્રાહીમની શ્રદ્ધા તો જુઓ, તેમને પૂરી ખાતરી હતી કે ઈસ્હાક મરી જાય તોય યહોવાહ તેને ફરીથી જીવતો કરશે. પછી ઈસ્હાકનું બલિદાન આપવાની અણીએ જ હતા ત્યાં, યહોવાહે સ્વર્ગદૂત મોકલીને ઈબ્રાહીમને રોક્યા. એટલે જ પાઊલે કહ્યું કે “પુનરુત્થાનના દૃષ્ટાંત પ્રમાણે” ઈબ્રાહીમને ઈસ્હાક પાછો મળ્યો.—હેબ્રી ૧૧:૧૯.

૧૪ જરા વિચાર કરો, ઈસ્હાકનું બલિદાન આપવા તૈયારી કરતી વખતે ઈબ્રાહીમને દિલમાં કેટલી પીડા થઈ હશે. યહોવાહે પોતાના ‘વહાલા દીકરાની’ કુરબાની આપી ત્યારે તેમને કેવું લાગ્યું હશે, એ આપણને ઈબ્રાહીમના દાખલામાંથી થોડું ઘણું સમજવા મદદ મળે છે. (માથ. ૩:૧૭) એ ભૂલીએ નહિ કે ઈબ્રાહીમ કરતાં યહોવાહને વધારે દુઃખ થયું હશે. યહોવાહ અને ઈસુ તો કરોડો, કદાચ અબજોના અબજો વર્ષોથી સાથે હતા. ઈસુએ ખુશીથી યહોવાહની સાથે “કુશળ કારીગર” તરીકે કામ કર્યું હતું. તે યહોવાહનો સંદેશો બધાને આપતા, એટલે “શબ્દ” તરીકે ઓળખાતા. (નીતિ. ૮:૨૨, ૩૦, ૩૧; યોહા.૧:૧) લોકોએ ઈસુની ઠઠ્ઠામશ્કરી કરી, સખત સતાવણી કરી અને છેવટે ગુનેગારની જેમ મારી નાખ્યા, એ જોઈને યહોવાહને કેવું દુઃખ થયું હશે એ આપણે ખરેખર સમજી નહીં શકીએ. આપણને છોડાવવા યહોવાહે ભારે કિંમત ચૂકવી! એની કદર બતાવવા આપણે શું કરી શકીએ?

યહોવાહે કરેલી ગોઠવણની કદર બતાવવા આપણે શું કરવું જોઈએ?

૧૫. ઈસુએ કઈ રીતે આપણા પાપોનું પ્રાયશ્ચિત કર્યું? એનાથી શું શક્ય બન્યું?

૧૫ સજીવન થયા પછી ઈસુ સ્વર્ગમાં ગયા. યહોવાહ આગળ જઈને ઈસુએ આપણા પાપોના પ્રાયશ્ચિતની પૂરી કિંમત ચૂકવી. એનાથી ઘણા આશીર્વાદો આવ્યા. પ્રથમ તો જેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે તેઓને પોતાના પાપોની માફી મેળવવાની તક મળી. પછી ‘આખા જગતનાં પાપની’ માફીની તક મળી. એટલે જેઓ ઈસુના બલિદાન પર વિશ્વાસ મૂકીને દિલથી પસ્તાવો કરે છે, તેમના પગલે ચાલે છે, તેઓના પાપ માફ થાય છે. તેઓ શુદ્ધ દિલથી યહોવાહની ભક્તિ કરી શકે છે. (૧ યોહા. ૨:૨) આ જાણીને આપણી શું જવાબદારી બને છે?

૧૬. યહોવાહે પાપ ને મરણમાંથી છોડાવવા જે કર્યું એની આપણે કેવી રીતે કદર બતાવી શકીએ? દાખલો આપી સમજાવો.

૧૬ ચાલો આપણે અગાઉ જોઈ ગયેલા દાખલાનો ફરીથી વિચાર કરીએ. ધારો કે ડૉક્ટરને બીમારીનો ઇલાજ મળે છે અને એ વિષે તમારા વૉર્ડમાં આવીને બધા દર્દીઓને જણાવે છે કે ‘તમારી બીમારીનો ઇલાજ મળ્યો છે. પણ સાજા થવા હું જે કહું એ તમારે કરવું પડશે.’ જો એ સાંભળીને મોટા ભાગના દર્દીઓ એમ કહે કે ‘આટલી બધી દવા લેવાની? આટલી બધી પરેજી પાળવાની? આ તો બહુ અઘરું. અમારે એમ નથી કરવું.’ શું તમે એ દર્દીઓની વાતમાં આવી જશો? જરાય નહિ. તમે જાણો છો કે ડૉક્ટર પાસે જ તમારી બીમારીનો ઇલાજ છે. તમે તો ડૉક્ટરનો આભાર માનશો અને જે પણ કહે એમ કરવા તૈયાર થશો. તમે કદાચ એ વિષે બીજાઓને પણ કહેશો. હવે જરા વિચારો, યહોવાહે તેમના દીકરા ઈસુનું બલિદાન આપીને પાપ ને મરણમાંથી આપણો છુટકારો શક્ય બનાવ્યો છે. એની શું આપણે કદર ન બતાવવી જોઈએ! એ માટે આપણે દરેકે જોરશોરથી બીજાઓને જણાવવું જોઈએ.—રૂમી ૬:૧૭, ૧૮ વાંચો.

૧૭. યહોવાહે છુટકારાની જે ગોઠવણ કરી એની તમે કઈ રીતે કદર બતાવી શકો?

૧૭ યહોવાહ અને ઈસુએ આપણને પાપ ને મરણમાંથી છોડાવવા જે કિંમત ચૂકવી એની આપણને કદર હશે તો આપણા વાણી-વર્તનમાં દેખાઈ આવશે. (૧ યોહા. ૫:૩) આપણે કંઈક ખોટું ન કરીએ માટે બનતું બધું જ કરીશું. આપણે જાણીજોઈને કદી પાપ ન કરીએ. છૂપી રીતે કોઈ પાપ ન કરીએ. જો પાપ કરતા રહીશું તો એ બતાવશે કે આપણને ઈસુની કુરબાનીની કોઈ કદર નથી. આપણે યહોવાહની નજરમાં શુદ્ધ રહેવા બનતું બધું જ કરીએ. (૨ પીત. ૩:૧૪) બીજાઓને છુટકારાની આશા વિષે જણાવીને આપણી કદર બતાવીએ, જેથી તેઓ પણ યહોવાહની નજરમાં શુદ્ધ બને અને અમર જીવનની આશા મેળવે. (૧ તીમો. ૪:૧૬) આપણે યહોવાહ અને ઈસુના ગુણગાન ગાઈએ એ યોગ્ય જ છે. એ માટે આપણો સમય અને શક્તિ તેઓ વિષે લોકોને જણાવવા વાપરીએ. (માર્ક ૧૨:૨૮-૩૦) એવા સમયનો વિચાર કરો જ્યારે આપણામાં પાપની કોઈ અસર નહિ હોય. આપણે બધાય સુખ-શાંતિમાં રહીશું, કાયમ જીવીશું. ત્યારે યહોવાહનો મકસદ પૂરો થશે. એટલે જ તો યહોવાહે છુટકારાની ગોઠવણ કરી છે.—રૂમી ૮:૨૧. (w09 9/15)

[ફુટનોટ્‌સ]

^ કહેવામાં આવે છે કે દુનિયાની વસ્તીના ૨૦-૫૦ ટકા લોકોમાં સ્પેનિશ ફ્લુની બીમારી ફેલાઈ હતી. તેઓમાંથી ૧-૧૦ ટકા લોકોનું મોત થયું હોઈ શકે. જ્યારે કે ઈબોલા જેવો રોગ ભાગ્યે જ ફાટી નીકળે છે. પણ જેઓને એની બીમારી લાગી તેઓમાંથી અમુક કિસ્સામાં ૯૦ ટકા લોકો મરણ પામ્યા હતા.

તમે કેવો જવાબ આપશો?

• તમને શા માટે છુટકારાની જરૂર પડી?

• ઈસુની કુરબાનીની તમારા પર શું અસર થાય છે?

• યહોવાહે કુરબાનીની જે ગોઠવણ કરી એના વિષે તમને કેવું લાગે છે?

• યહોવાહે છુટકારાની જે ગોઠવણ કરી એની કદર બતાવવા તમે શું કરશો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૦ પર ચિત્ર]

પ્રાયશ્ચિત દિવસે ઈસ્રાએલના પ્રમુખયાજક મસીહને દર્શાવતા હતા

[પાન ૩૧ પર ચિત્ર]

ઈબ્રાહીમ પોતાના દીકરાનું બલિદાન આપવા તૈયાર હતા. આ દાખલો એ સમજવા મદદ કરે છે કે યહોવાહે આપણને છોડાવવા શું કર્યું છે