સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરમાં વિશ્વાસ રાખવાથી મળતા આશીર્વાદ

ઈશ્વરમાં વિશ્વાસ રાખવાથી મળતા આશીર્વાદ

ઈશ્વરમાં વિશ્વાસ રાખવાથી મળતા આશીર્વાદ

શું ઈશ્વરની ભક્તિ કરવાથી તે આપણને ધનવાન બનાવે છે? કદાચ બનાવે, પણ મોટે ભાગે આપણે ધારીએ એ રીતે નહિ. એ સમજવા ચાલો ઈસુની માતા મરિયમનો વિચાર કરીએ. ગાબ્રીએલ સ્વર્ગદૂતે મરિયમને કહ્યું કે તું ઈશ્વરની નજરમાં ‘કૃપા પામી છે.’ તું ઈશ્વરના દીકરાને જન્મ આપશે. (લુક ૧:૨૮, ૩૦-૩૨) એ સમયે મરિયમ કંઈ અમીર ન હતી. કેમ કે, ઈસુના જન્મ પછી મરિયમે ‘હોલાની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાંનું’ બલિદાન ચઢાવ્યું. ઈશ્વરના નિયમો પ્રમાણે ગરીબ લોકો જ આવું બલિદાન ચઢાવતા.—લુક ૨:૨૪; લેવીય ૧૨:૮.

મરિયમ ગરીબ હતી પણ ઈશ્વરના આશીર્વાદ તેના પર હતા. એક વાર તે એક સંબંધી એલીસાબેતને મળવા ગઈ. એલીસાબેતે “મોટા અવાજે તેને કહ્યું: ‘બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે.’” (લૂક ૧:૪૧, ૪૨ ઈઝી ટુ રીડ વર્ઝન) મરિયમને પેટે ઈશ્વરનો દીકરો જન્મવાનો હતો. એ મરિયમ માટે સૌથી મોટો આશીર્વાદ હતો.

ઈસુ પણ અમીર ન હતા. તે ગરીબ ઘરમાં મોટા થયા અને આખું જીવન ગરીબ રહ્યા. એટલે તેમણે એક માણસને કહ્યું: ‘લોંકડાંને દર હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે. પણ મારી પાસે માથું મૂકવાની જગ્યા નથી.’ (લુક ૯:૫૭, ૫૮) ઈસુ પૃથ્વી પર સાદાઈથી જીવ્યા. પણ તેમણે પોતાના શિષ્યો માટે ઈશ્વરની નજરે ધનવાન થવાનો રસ્તો ખુલ્લો કર્યો. પ્રેરિત પાઊલે લખ્યું: ‘ઈસુ ધનવાન છતાં તમારે લીધે ગરીબ થયો, એ માટે કે તમે તેની ગરીબાઈથી ધનવાન થાઓ.’ (૨ કોરીંથી ૮:૯) ઈસુએ કયા અર્થમાં શિષ્યોને ધનવાન બનાવ્યા? આજે આપણે કઈ રીતે ધનવાન થઈ શકીએ?

ધનવાન—કયા અર્થમાં?

ઘણી ધનદોલત હોય તેઓને ઈશ્વરમાં વિશ્વાસ મૂકવો અઘરો લાગી શકે. કેમ કે, તેઓને સંપત્તિમાં વધારે ભરોસો હોઈ શકે. ઈસુએ કહ્યું: “જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે!” (માર્ક ૧૦:૨૩) આ બતાવે છે કે ઈસુએ પોતાના શિષ્યોને ધનદોલત નહિ, પણ બીજું કંઈ આપ્યું હતું.

પહેલી સદીના મોટા ભાગના ખ્રિસ્તીઓ પણ ગરીબ હતા. એક લંગડા માણસે પીતર પાસે પૈસા માંગ્યા ત્યારે, “પીતરે કહ્યું, કે સોનુંરૂપું તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા.” અને તે માણસ સાજો થયો.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૬.

ઈસુના શિષ્ય યાકૂબે લખ્યું: “મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારૂ, તથા દેવે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા સારૂ, દેવે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યા?” (યાકૂબ ૨:૫) આ શબ્દો બતાવે છે કે ખ્રિસ્તી મંડળોમાં મોટા ભાગના લોકો ગરીબ હતા. પ્રેરિત પાઊલે કહ્યું કે ખ્રિસ્તી મંડળમાં “ઊંચા કુળના, શક્તિશાળી કે શ્રીમંતો” ઘણા ઓછા હતા.—૧ કરિંથી ૧:૨૬, IBSI.

ઈસુએ શિષ્યોને દુન્યવી ધનદોલતને બદલે આશીર્વાદ આપ્યા હતા. ઈસુએ સ્મર્નાને લખેલા પત્રમાં જણાવ્યું કે “હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું તોપણ તું ધનવાન છે.” (પ્રકટીકરણ ૨:૮, ૯) સ્મર્નાના ખ્રિસ્તીઓ અમીર ન હતા. પણ તેઓ પાસે જે આશીર્વાદો હતા એ સોના-રૂપાથી વધારે મૂલ્યવાન હતા. તેઓ ઈશ્વરને વિશ્વાસુ હતા. એટલે ઈશ્વરે તેમને ઘણા આશીર્વાદો આપ્યા હતા. જોકે બધા લોકો એવા આશીર્વાદ મેળવતા નથી. કેમ કે, બાઇબલ જણાવે છે કે “સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સાલોનીકી ૩:૨) એટલે ઈશ્વરમાં વિશ્વાસ રાખતા નથી એવા લોકો તેમની નજરે “ગરીબ” છે.—પ્રકટીકરણ ૩:૧૭, ૧૮.

વિશ્વાસ રાખવાથી કેવા આશીર્વાદો મળે છે?

ઈશ્વરમાં વિશ્વાસ રાખવાથી આપણને આશીર્વાદો મળે છે. જેમ કે, ‘ઉપકાર, સહનશીલતા અને ધીરજ જેવી સંપત્તિ’ મળે છે. (રૂમી ૨:૪) આપણને ઈસુના બલિદાનમાં વિશ્વાસ હોવાથી ‘પાપની માફી મળે છે.’ (એફેસી ૧:૭) એટલું જ નહિ, ઈસુમાં વિશ્વાસ હોવાથી ‘ખ્રિસ્તની વાતોનું’ જ્ઞાન મળે છે. (કોલોસી ૩:૧૬) વિશ્વાસ મજબૂત કરવા ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે, ‘ઈશ્વરની શાંતિ’ આપણા પર રહે છે. એ આપણા મન અને હૃદયની સંભાળ રાખે છે. એનાથી આપણને જીવનમાં સંતોષ અને ખુશી મળે છે.—ફિલિપી ૪:૭.

ઈશ્વર અને તેમના દીકરા ઈસુમાં વિશ્વાસ રાખીશું તો અમર જીવનનો આશીર્વાદ પણ મળશે. ઈસુએ કહ્યું: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) વ્યક્તિ જ્યારે ઈશ્વર અને ઈસુનું પૂરેપૂરું જ્ઞાન મેળવે છે ત્યારે, અમર જીવનના વચનમાં તેનો વિશ્વાસ મજબૂત થાય છે. ઈસુએ એમ પણ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

ઈશ્વરના આશીર્વાદથી આપણે તેમને વધારે સારી રીતે ઓળખી શકીએ છીએ. એટલું જ નહિ, જીવનમાં સારાં ફેરફાર પણ કરી શકીએ છીએ. બ્રાઝિલમાં રહેતા દાની સાથે પણ આવું જ કંઈક બન્યું. ઈશ્વર વિષે શીખ્યો એ પહેલાં તે ઘણો દારૂ પીતો હતો. તેની આ કુટેવને લીધે તેના કુટુંબ પર ખરાબ અસર પડી. પૈસે ટકે પણ તેને તંગી પડવા લાગી. આવા સંજોગોમાં યહોવાહના સાક્ષીઓએ તેની સાથે બાઇબલમાંથી અભ્યાસ શરૂ કર્યો. બાઇબલમાંથી શીખીને દાનીએ જીવનમાં સારા ફેરફાર કર્યા.

દાનીએ ખરાબ આદતો છોડી દીધી. બાઇબલના નીતિ-નિયમો પ્રમાણે જીવવા લાગ્યો. એ પછી તે કહે છે: ‘પહેલાં હું દરરોજ બિયર બારમાં જતો હતો. પણ હવે હું દરરોજ ઈશ્વરનો સંદેશો ફેલાવવા ઘરે-ઘરે જઉં છું.’ જીવનમાં આવા ફેરફાર કરવાથી તેની તબિયતમાં ઘણો સુધારો થયો. પૈસૈ ટકે પણ તે સધ્ધર થયો. દાની કહે છે, “હવે હું દારૂ પાછળ પૈસા વાપરવાને બદલે બીજાઓને મદદ કરવા અને મારી જરૂરિયાતો પૂરી કરવા વાપરું છું.” તેના ઘણા મિત્રો યહોવાહમાં વિશ્વાસ રાખનારા છે. બાઇબલમાંથી શીખીને અને ઈશ્વરને ઓળખ્યા પછી દાનીને ખરા અર્થમાં મનની શાંતિ મળી છે.

હવે રોનીનો વિચાર કરીએ. તેને ઈશ્વરના વચનોમાં ભરોસો મૂકવાથી દિલાસો મળ્યો. આજે તેનો હસતો ચહેરો જોઈને લાગે પણ નહિ કે તેને જીવનમાં કોઈ કડવો અનુભવ થયો હોય. જન્મ થતા જ તેની મા તેને એક બૅન્ચ નીચે બેગમાં મૂકીને જતી રહી. રોની પર ગર્ભનાળ પણ લાગેલી હતી. બે સ્ત્રીઓએ ત્યાંથી પસાર થતા જોયું કે બૅન્ચ નીચે બેગ હલી રહી છે. પહેલાં તેઓને લાગ્યું કે એમાં બિલાડીનું બચ્ચું હશે. પણ તેઓએ જોયું તો નવું જન્મેલું બાળક હતું. બાળકની કરુણ સ્થિતિ જોઈને તેઓ તરત જ તેને હૉસ્પિટલ લઈ ગયા.

એમાંની એક સ્ત્રી યહોવાહની સાક્ષી હતી. તેણે રીટા નામની સાક્ષી બહેન સાથે આ બાળક વિષે વાત કરી. રીટાને ઘણી વાર મિસકેરેજ થયું હતું. તેને એક જ દીકરી હતી. તેને એક દીકરાની ઘણી ઇચ્છા હતી. એટલે તેણે રોનીને દત્તક લીધો.

રોની થોડો સમજણો થયો ત્યારે રીટાએ તેને કહ્યું કે ‘મેં તને દત્તક લીધો છે.’ પણ તેણે સગી માની જેમ જ તેની પ્રેમથી સંભાળ રાખી. બાઇબલના નીતિ-નિયમો પણ તેને શીખવ્યા. રોની મોટો થયો તેમ તેને વધારે બાઇબલ શીખવાનું મન થયું. પોતાનો જીવ બચાવવા માટે તે રીટાનો અને ઈશ્વરનો આભાર માને છે. રોની બાઇબલના આ શબ્દો વાંચે છે ત્યારે તેની આંખો ભરાઈ આવે છે: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવાહ મને સંભાળશે.”—ગીતશાસ્ત્ર ૨૭:૧૦.

યહોવાહે તેના માટે જે પણ કર્યું છે એની તે ઘણી કદર કરે છે. રોનીએ ૨૦૦૨માં બાપ્તિસ્મા લીધું. એના બીજા વર્ષથી તેણે દર મહિને લગભગ ૭૦ કલાક ઈશ્વરનો સંદેશો ફેલાવવાનું કામ શરૂ કર્યું. રોની હજુય જાણતો નથી કે તેના અસલી માબાપ કોણ છે. કદાચ તે જાણી શકશે પણ નહિ. તોય રોની જે કંઈ શીખ્યો એનાથી તેને પૂરો વિશ્વાસ છે કે યહોવાહ તેના પ્રેમાળ પિતા છે.

આપણે ગરીબ હોય કે અમીર, યહોવાહ અને તેમના દીકરાને સારી રીતે ઓળખી શકીએ છીએ. તેઓનો પ્રેમ ચાખી શકીએ છીએ. એનાથી કદાચ આપણને ધનદોલત નહિ મળે. પણ જીવનમાં સંતોષ અને મનની શાંતિ મળશે, જે ઘણા પૈસાથી પણ ખરીદી ન શકાય. આ વિચારની સાબિતી નીતિવચનો ૧૦:૨૨માં જોવા મળે છે: ‘યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તે તેમાં મુશ્કેલીઓ ઉમેરતા નથી.’

યહોવાહ ચાહે છે કે લોકો તેમને ઓળખે. એટલે તે કહે છે: ‘મારી આજ્ઞાઓ ધ્યાનમાં લો તો, તમારી શાંતિ નદીના જેવી, ને તમારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થશે.’ (યશાયાહ ૪૮:૧૮) યહોવાહ વચન આપે છે કે જે કોઈ સાફ દિલે તેમની ભક્તિ કરશે તેને તે ઘણા આશીર્વાદો આપશે: “નમ્રતા અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરના બદલામાં સંપત્તિ, સન્માન, અને ભરપૂર જીવન પ્રાપ્ત થાય છે.”—નીતિવચનો [સુભાષિતસંગ્રહ] ૨૨:૪, કૉમન લેંગ્વેજ. (w09 9/1)

[પાન ૫ પર બ્લર્બ]

ઈસુનું કુટુંબ ગરીબ હતું પણ એ કુટુંબ પર ઈશ્વરના ઘણા આશીર્વાદ હતા

[પાન ૬ પર ચિત્ર]

ઈશ્વરમાં વિશ્વાસ રાખીશું તો મનની શાંતિ, સંતોષ અને જીવનમાં આનંદ મળશે