સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમે મારા મિત્ર છો”

“તમે મારા મિત્ર છો”

“તમે મારા મિત્ર છો”

“જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.”—યોહા. ૧૫:૧૪.

૧, ૨. (ક) ઈસુના શિષ્યો કઈ રીતે એકબીજાથી અલગ હતા? (ખ) શા માટે ઈસુના મિત્ર બનવું જરૂરી છે?

 યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઉજવવા શિષ્યો, ઈસુ સાથે એક ઘરના ઉપલા માળે હતા. ચાલો શિષ્યો વિષે થોડું જોઈએ. પીતર અને આંદ્રિયા પહેલાં માછીમાર હતા. માત્થી કર ઉઘરાવનાર હતા, જે યહુદીઓને ગમતું ન હતું. અમુક શિષ્યો, જેમ કે યાકૂબ અને યોહાન ઈસુને નાનપણથી ઓળખતા હોઈ શકે. જ્યારે કે નાથાનાએલ અને બીજા અમુક ઈસુને થોડાં વર્ષો પહેલાંથી જાણતા હોઈ શકે. (યોહા. ૧:૪૩-૫૦) ખરું કે શિષ્યો એકબીજાથી અલગ હતા, પણ પાસ્ખાપર્વની રાતે તેઓના વિચાર એક હતા. તેઓ બધા જ ઈસુને મસીહ અને ઈશ્વરના દીકરા માનતા હતા. (યોહા. ૬:૬૮, ૬૯) ઈસુએ કહ્યું: “મેં તમને મિત્ર કહ્યા છે; કેમકે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.” એ સાંભળીને શિષ્યોને કેટલું ઉત્તેજન મળ્યું હશે.—યોહા. ૧૫:૧૫.

આજે એ શબ્દોથી આપણને પણ ઉત્તેજન મળે છે. એ શબ્દો પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો અને ‘બીજાં ઘેટાંને’ લાગુ પડે છે. (યોહા. ૧૦:૧૬) આજે આપણે ગમે તે નાત-જાતમાંથી આવ્યા હોઈએ, આપણે ઈસુના મિત્ર બની શકીએ છીએ. એ ખરેખર મોટો લહાવો છે. ઈસુના મિત્ર બનવાથી આપણે યહોવાહને ઓળખી શકીએ છીએ. એટલે ઈસુના મિત્ર ના બનીએ તો યહોવાહને ઓળખવું અશક્ય છે. (યોહાન ૧૪:૬, ૨૧ વાંચો.) તો પછી, ઈસુના મિત્ર બની રહેવા આપણે શું કરવું જોઈએ? એનો જવાબ મેળવતા પહેલાં, ચાલો જોઈએ કે ઈસુએ બીજાઓ સાથે કેવી રીતે સારી દોસ્તી નિભાવી? તેમ જ, જોઈશું કે ઈસુ સાથે દોસ્તી બાંધવાથી શિષ્યોના જીવન પર કેવી અસર પડી?

ઈસુએ સારી દોસ્તી નિભાવી

૩. લોકો ઈસુને કઈ રીતે ઓળખતા હતા?

રાજા સુલેમાને લખ્યું કે “દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે.” (નીતિ. ૧૪:૨૦) મોટાભાગના માણસો અમીરો સાથે જ દોસ્તી કરે છે. તેઓ બીજાઓને કંઈ આપવાને બદલે હંમેશા મેળવવાની જ ઇચ્છા રાખતા હોય છે. પણ ઈસુએ કદીયે આવી ઇચ્છા રાખી નહિ. ઈસુએ ક્યારેય વ્યક્તિની માલમિલકત જોઈને દોસ્તી બાંધી નહિ. જોકે એક બનાવમાં ઈસુએ અમીર યુવાનને પ્રેમ બતાવ્યો અને તેને શિષ્ય બનવા કહ્યું. પણ પછીથી તેમણે એ યુવાનને પોતાની માલમિલકત વેચીને પૈસા ગરીબોને આપવા જણાવ્યું. (માર્ક ૧૦:૧૭-૨૨; લુક ૧૮:૧૮, ૨૩) ઈસુ અમીરોના નહિ, પણ ગરીબ અને લાચાર લોકોના મિત્ર તરીકે જાણીતા હતા.—માથ. ૧૧:૧૯.

૪. શું ઈસુના મિત્રો ભૂલો કરતા હતા?

ઈસુના મિત્રોએ ઘણી વખતે ભૂલો કરી. દાખલા તરીકે, પીતરે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે નહિ, પણ પોતાની ઇચ્છા પ્રમાણે વિચાર કર્યો. (માથ. ૧૬:૨૧-૨૩) યાકૂબ અને યોહાનને મોટી પદવી જોઈતી હતી. એટલે તેઓએ ઈશ્વરના રાજ્યમાં ઈસુ પાસે મોટી પદવી માંગી. એ સાંભળીને બીજા શિષ્યો બહુ ગુસ્સે થયા. તેઓ વચ્ચે કોણ મોટું એ વિષે દલીલ કરવા લાગ્યા. એ જોઈને ઈસુએ તેઓને ધમકાવ્યા નહિ, પણ શાંતિથી તેઓને સુધાર્યા.—માથ. ૨૦:૨૦-૨૮.

૫, ૬. (ક) શા માટે ઈસુ અને શિષ્યો વચ્ચેની દોસ્તી અતૂટ રહી? (ખ) ઈસુએ શા માટે યહુદા સાથે દોસ્તી તોડી નાખી?

ઈસુના શિષ્યોમાં ઘણી નબળાઈઓ પણ હતી. તો શું ઈસુ એ જોઈ શકતા ન હતા? જોઈ શકતા હતા. તોપણ, ઈસુએ તેઓની ભૂલો અને નબળાઈઓને ધ્યાન આપવાને બદલે, સારા ગુણો પર ધ્યાન આપ્યું. એનાથી ઈસુ અને શિષ્યો વચ્ચેની દોસ્તી અતૂટ રહી. દાખલા તરીકે, ઈસુ મુશ્કેલ સંજોગોમાં હતા ત્યારે તેમને મદદ કરવાને બદલે પીતર, યાકૂબ અને યોહાન ઊંઘી ગયા. એ જોઈને ઈસુને દુઃખ થયું, પણ તે જાણતા હતા કે તેઓની ઇચ્છા સારી છે પણ “શરીર અબળ છે.”—માથ. ૨૬:૪૧.

જોકે ઈસુએ હર વખત ભૂલો ચલાવી લીધી નહિ. જેમ કે, તેમણે યહૂદા ઈશ્કરિયોત સાથે દોસ્તી તોડી નાખી, કેમ કે યહૂદાએ જગતની મિત્રતા કરીને ઈશ્વરથી મોં ફેરવી લીધું હતું. (યાકૂ. ૪:૪) તે ઈસુના મિત્ર હોવાનો ઢોંગ કરતો હતો. ઈસુ તેના વિચારો જાણી ગયા હતા. તેથી ઈસુએ યહુદાને કાઢી મૂક્યા પછી, ૧૧ શિષ્યોને કહ્યું કે “તમે મારા મિત્ર છો.”—યોહા. ૧૩:૨૧-૩૫.

૭, ૮. ઈસુએ કઈ રીતે પોતાના મિત્રો માટે પ્રેમ બતાવ્યો?

ઈસુએ પોતાના મિત્રોની ભૂલો અને નબળાઈ પર ધ્યાન આપ્યું નહિ. એના બદલે તેઓનું ભલું થાય એ રીતે વર્ત્યા. દાખલા તરીકે, તેઓને મુશ્કેલ સંજોગોમાં રક્ષણ પૂરું પાડવા ઈશ્વરને પ્રાર્થના કરી. (યોહાન ૧૭:૧૧ વાંચો.) ઈસુએ તેઓની સંભાળ રાખી. (માર્ક ૬:૩૦-૩૨) ઈસુએ ફક્ત શીખવ્યું જ નહિ, તેઓનું સાંભળ્યું પણ ખરું. તેમ જ, શિષ્યોના વિચારો ને લાગણીઓને ધ્યાન આપ્યું.—માથ. ૧૬:૧૩-૧૬; ૧૭:૨૪-૨૬.

ઈસુએ પોતાના પિતાનો મકસદ પૂરો કરવા અને આપણને પાપમાંથી છોડાવવા જીવન આપી દીધું. (માથ. ૨૬:૨૭, ૨૮; હેબ્રી ૯:૨૨, ૨૮) ઈસુએ પોતાના મિત્રો માટે જીવ આપી દીધો. એટલે તે કહી શક્યા: “પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.”—યોહા. ૧૫:૧૩.

શિષ્યો ઈસુ સાથે કેવી રીતે વર્ત્યા?

૯, ૧૦. લોકો ઈસુ સાથે કઈ રીતે વર્ત્યા?

ઈસુએ લોકોને પ્રેમ અને સમય આપ્યો. તેઓ માટે બનતું બધું જ કર્યું. લોકોને પણ તેમની પાસે આવવું ગમતું. તેઓએ પણ ખુશી ખુશી ઈસુ માટે બનતું બધું જ કર્યું. (લુક ૮:૧-૩) એટલે ઈસુએ પોતાના અનુભવથી કહ્યું: “આપો ને તમને અપાશે; સારૂં માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમકે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”—લુક ૬:૩૮.

૧૦ અમુક લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરવા જ ઈસુના મિત્રો બન્યા હતા. એટલે ઈસુની વાતો સમજ્યા નહિ ત્યારે, તેઓને ખોટું લાગ્યું. તેઓ ઈસુને છોડીને જતા રહ્યા. તેઓએ ઈસુ પર વિશ્વાસ રાખ્યો નહિ. જ્યારે કે શિષ્યો ઈસુને વિશ્વાસુ રહ્યા. લોકોએ શિષ્યોને ઈસુ સાથે મિત્રતા તોડવા ઘણું દબાણ કર્યું. તોપણ શિષ્યોએ ઈસુના સુખ-દુઃખમાં સાથ આપ્યો. (યોહાન ૬:૨૬, ૫૬, ૬૦, ૬૬-૬૮ વાંચો.) મરણની આગલી રાતે ઈસુએ શિષ્યોને કહ્યું: “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો.”–લુક ૨૨:૨૮.

૧૧, ૧૨. ઈસુએ શિષ્યોને શાની ખાતરી આપી? ઈસુએ આપેલી જવાબદારી શિષ્યોએ કેવી રીતે નિભાવી?

૧૧ ખરું કે શિષ્યોએ ઈસુને સુખ-દુઃખમાં સાથ આપ્યો. પણ એક વખતે માણસોની બીકને લીધે તેઓની શ્રદ્ધા ડગી ગઈ. તોય ઈસુએ તેઓને માફ કર્યા. સજીવન થયા પછી તેઓને ખાતરી આપી કે ‘તમે હજી મારા મિત્ર છો.’ એટલું જ નહિ, તેઓને શિષ્યો બનાવવાની મોટી જવાબદારી પણ સોંપી. તેમણે શિષ્યોને કહ્યું, “સર્વ દેશનાઓને શિષ્ય કરો” અને “પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (માથ. ૨૮:૧૯; પ્રે.કૃ. ૧:૮) શું શિષ્યોએ આ જવાબદારી નિભાવી?

૧૨ રાજ્યનો સંદેશો ફેલાવવાનું કામ શિષ્યોએ પૂરા તન-મનથી કર્યું. ઈશ્વરની શક્તિથી શિષ્યોએ આખા યરૂશાલેમમાં સંદેશો ફેલાવ્યો. (પ્રે.કૃ. ૫:૨૭-૨૯) તેઓએ જીવ જોખમમાં મૂકીને પણ સંદેશો ફેલાવવાની આજ્ઞા પાળી. તેઓએ સંદેશો એ હદે ફેલાવ્યો કે થોડા જ દાયકાઓ પછી પાઊલે લખ્યું: “એ સુવાર્તા આકાશ તળેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે.” (કોલો. ૧:૨૩) એ સાબિતી આપે છે કે શિષ્યો ઈસુની દોસ્તી ભૂલી ન ગયા અને એને મૂલ્યવાન ગણી.

૧૩. ઈસુના શિક્ષણથી શિષ્યોના જીવન પર કેવી અસર પડી?

૧૩ ઘણા લોકો ઈસુના શિષ્ય બન્યા. ઈસુના શિક્ષણની તેઓના જીવન પર સારી અસર પડી. એટલે ઘણાએ જીવનમાં મોટા ફેરફાર કર્યા. વાણી-વર્તનમાં પણ સુધારા કર્યા. જેમ કે, પહેલાં અમુક સજાતીય સંબંધ બાંધતા, વ્યભિચાર જેવાં કામ કરતા, વધારે પડતો દારૂ પીતા અને ચોરી કરતા. આ બધી બાબતો તેઓએ છોડી દીધી. (૧ કોરીં. ૬:૯-૧૧) એટલું જ નહિ, ભેદભાવ રાખવાનું પણ છોડી દીધું. (પ્રે.કૃ. ૧૦:૨૫-૨૮) ઈસુના શિક્ષણને દિલમાં ઉતારીને, તેઓએ પોતાના જૂના વાણી-વર્તન છોડીને નવો સ્વભાવ કેળવ્યો. (એફે. ૪:૨૦-૨૪) તેઓએ “ખ્રિસ્તનું મન” કેળવવા અને એ પ્રમાણે જીવવા મહેનત કરી.—૧ કોરીં. ૨:૧૬.

આજે કઈ રીતે ઈસુના મિત્ર બની શકીએ?

૧૪. ‘જગતના અંતના’ સમય માટે ઈસુએ શું વચન આપ્યું છે?

૧૪ પહેલી સદીના ઘણા લોકો ઈસુને ઓળખતા હતા. અરે અમુક લોકોએ તો ઈસુને સજીવન થયા પછી પણ જોયા હતા. જોકે, આપણને એવો લહાવો નથી. તો પછી, આપણે કેવી રીતે ઈસુના મિત્ર બની શકીએ? એક રીત છે કે આપણે વિશ્વાસુ અને શાણા ચાકર તરફથી મળતું માર્ગદર્શન પાળીએ. એ ચાકર વર્ગમાં, પૃથ્વી પર બાકી રહેલા સ્વર્ગમાં જનારાનો સમાવેશ થાય છે. ઈસુએ વચન આપ્યું છે કે ‘જગતના અંતના’ સમયે તે પોતાના ‘ચાકરને બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.’ (માથ. ૨૪:૩, ૪૫-૪૭) ઈસુના મિત્ર બનવા ઇચ્છે છે, એમાંના મોટાભાગના લોકો આજે ‘ચાકર વર્ગનો’ ભાગ નથી. તેથી, ચાકર વર્ગ તરફથી આવતા માર્ગદર્શનને પાળવાથી ઈસુ સાથે દોસ્તી નિભાવવા મદદ મળશે.

૧૫. વ્યક્તિ ઘેટાં કે બકરાંના વર્ગમાં છે એ શાના આધારે નક્કી થશે?

૧૫ માત્થી ૨૫:૩૧-૪૦ વાંચો. આ કલમોમાં ઈસુએ વિશ્વાસુ ચાકર વર્ગને પોતાના ભાઈઓ કહ્યા અને ઘેટાં તથા બકરાંને છૂટા પાડવાનું ઉદાહરણ આપ્યું. એનાથી ઈસુએ સાફ જણાવ્યું કે આપણે જે રીતે ચાકર વર્ગ સાથે વર્તીએ છીએ, એ જાણે તેમની સાથે વર્ત્યા બરાબર છે. ઈસુએ કહ્યું કે ‘મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે જે કરશો,’ એના આધારે નક્કી થશે કે વ્યક્તિ ઘેટાં કે બકરાંના વર્ગમાં છે. તેથી, આપણે ઈસુના મિત્ર બનવા વિશ્વાસુ ચાકર વર્ગને ટેકો આપવો જોઈએ.

૧૬, ૧૭. ચાકર વર્ગ સાથે દોસ્તી રાખવા શું કરવાની જરૂર છે?

૧૬ ઈશ્વરના રાજ્ય હેઠળ પૃથ્વી પર અમર જીવનનો આશીર્વાદ મેળવવા આપણે શું કરવું જોઈએ? ચાકર વર્ગને સાથ આપવાની જરૂર છે. એ માટે ચાલો ત્રણ રીતો જોઈએ. પહેલી, આપણે પૂરા દિલથી સંદેશો ફેલાવવાનું કામ કરતા રહીએ. ઈસુએ ચાકર વર્ગને આખી દુનિયામાં ઈશ્વરનો સંદેશો ફેલાવવાનું કામ સોંપ્યું હતું. (માથ. ૨૪:૧૪) પૃથ્વી પર હવે એ ચાકર વર્ગમાંથી બહુ ઓછા બાકી રહ્યા છે. તેઓ માટે એકલા હાથે આ કામ પૂરું કરવું મુશ્કેલ છે. એટલે આપણે તેઓને મદદ કરીએ છીએ. આપણે સંદેશો ફેલાવવાનું કામ કરીએ છીએ ત્યારે, ચાકર વર્ગને મિત્ર બનીને મદદ કરીએ છીએ. ઈસુ અને ચાકર વર્ગ પણ આ કામની ઘણી કદર કરે છે.

૧૭ બીજી રીત છે, ખુશખબર જણાવવાના કામને આગળ વધારવા દાન આપીએ. ઈસુએ શિષ્યોને ઉત્તેજન આપ્યું કે ‘દુન્યવી સંપત્તિ વડે પોતાને સારૂ મિત્રો’ બનાવો. (લુક ૧૬:૯) ખરું કે આપણે પૈસાથી ઈસુ અને યહોવાહની મિત્રતા ખરીદી શકતા નથી. પણ આપણે પૈસા વાપરીને સેવાકાર્યમાં મદદ કરીએ છીએ. આ રીતે આપણે ફક્ત શબ્દોથી નહિ, ‘પણ કાર્યોથી સત્ય માટે પ્રેમ’ બતાવીએ છીએ. (૧ યોહા. ૩:૧૬-૧૮) ઈશ્વરનો સંદેશો ફેલાવવા આપણે પોતાના પૈસા વાપરીએ છીએ. મંડળના બાંધકામ કે રિપેર કામ માટે દાન આપીએ છીએ. દુનિયા ફરતેના પ્રચાર કામ માટે દાન આપીએ છીએ. આપણે દિલથી જે કંઈ દાન કરીશું એની યહોવા અને ઈસુ કદર કરશે.—૨ કોરીં. ૯:૭.

૧૮. શા માટે બાઇબલમાંથી વડીલોની સલાહ સ્વીકારવી જોઈએ?

૧૮ ચાકર વર્ગ સાથે દોસ્તી રાખવાની ત્રીજી રીત છે કે મંડળના વડીલોનું માર્ગદર્શન સ્વીકારીએ. ઈશ્વરની શક્તિથી આ ભાઈઓને પસંદ કરવામાં આવ્યા છે. (એફે. ૫:૨૩) પાઊલે લખ્યું: “તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો.” (હેબ્રી ૧૩:૧૭) આપણે વડીલોની નબળાઈઓ જાણતા હોવાથી અમુક વખતે બાઇબલમાંથી તેઓની સલાહ સ્વીકારવી અઘરી લાગી શકે. અરે, કોઈ વાર સલાહ ખોટી પણ લાગી શકે. તેમ છતાં, આપણે યાદ રાખવું જોઈએ કે મંડળનું શિર ઈસુ ખ્રિસ્ત છે. ઈસુએ આ ભાઈઓને ઈશ્વરની શક્તિથી પસંદ કર્યા છે, જેથી તેઓ મંડળનું ધ્યાન રાખી શકે. એટલે વડીલો સાથે જે રીતે વર્તીશું, એની અસર ઈસુ સાથેના સંબંધ પડશે. આપણે વડીલોની ભૂલોને નજરઅંદાજ કરીને તેઓની સલાહ સ્વીકારીએ ત્યારે, ઈસુ ખ્રિસ્ત માટે પ્રેમ બતાવીએ છીએ.

સારા મિત્રો ક્યાંથી શોધી શકીએ?

૧૯, ૨૦. મંડળમાં આપણે શું જોઈ શકીએ છીએ? હવે પછીના લેખમાં આપણે શું જોઈશું?

૧૯ વડીલોની સાથે સાથે મંડળના ભાઈ-બહેનો દ્વારા પણ ઈસુ આપણી દેખરેખ રાખે છે. (માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.) તમે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે, તમારા સગાં-વહાલાંને કેવું લાગ્યું? બહુ ઓછા કિસ્સામાં સગાં-વહાલાં ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિષે વધારે શીખવા ઉત્તેજન આપે છે. ઈસુએ આપણને ચેતવ્યા છે કે અમુક વખતે આપણા ‘વૈરીઓ ઘરનાં જ હશે.’ (માથ. ૧૦:૩૬) મંડળમાં અમુક સગાં ભાઈ-બહેન કરતાં પણ વધારે કાળજી રાખે છે, એ જોઈને આપણને કેટલો દિલાસો મળે છે.—નીતિ. ૧૮:૨૪.

૨૦ પાઊલે રૂમીઓને લખેલા પત્રના છેલ્લા ભાગ પર નજર નાખીએ તો જોવા મળે છે કે પાઊલના ઘણા મિત્રો હતા. (રૂમી ૧૬:૮-૧૬) પ્રેરિત યોહાને પણ પોતાનો ત્રીજો પત્ર આ શબ્દોથી પૂરો કર્યો: “દરેકનું નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.” (૩ યોહા. ૧૪) આ બતાવે છે કે વર્ષો સુધી યોહાનના પણ ઘણા મિત્રો હતા. ઈસુ અને બીજા શિષ્યોની જેમ આપણે કેવી રીતે ભાઈ-બહેનો સાથે દોસ્તી રાખી શકીએ? હવે પછીના લેખમાં એનો જવાબ જોઈશું. (w09 10/15)

તમે સમજાવી શકો?

• સારા મિત્ર બનવામાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?

• લોકો ઈસુ સાથે કઈ કઈ રીતે વર્ત્યા?

• આપણે ઈસુના મિત્રો છીએ એ કેવી રીતે સાબિત કરી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્ર]

ઈસુએ શિષ્યોના વિચારો ને લાગણીઓને ધ્યાન આપ્યું

[પાન ૨૭ પર ચિત્ર]

ઈસુના મિત્ર બનવું હોય તો આપણે શું કરવું જોઈએ?