પ્રેમ વગરની દુનિયામાં દોસ્તી નિભાવીએ
પ્રેમ વગરની દુનિયામાં દોસ્તી નિભાવીએ
“તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.”—યોહા. ૧૫:૧૭.
૧. શા માટે શિષ્યોએ પ્રેમ રાખવાની જરૂર હતી?
ઈસુએ પોતાના મરણની છેલ્લી રાત્રે શિષ્યોને ઉત્તેજન આપ્યું કે તેઓ એકબીજાના સારા મિત્રો બની રહે. એ રાત્રે ઈસુએ જણાવ્યું કે એકબીજા પર પ્રેમ રાખવાથી લોકો જાણશે કે ‘તમે મારા શિષ્યો છો.’ (યોહા. ૧૩:૩૫) શિષ્યોએ કોઈ પણ કસોટી સહન કરવા અને ઈસુએ સોંપેલી જવાબદારી પૂરી કરવા, એકબીજા માટે ગાઢ પ્રેમ રાખવાની જરૂર હતી. પહેલી સદીના ભાઈ-બહેનો એકબીજા પર પ્રેમ રાખવા અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખવા માટે જાણીતા હતા.
૨. (ક) આપણે મનમાં કેવી ગાંઠ વાળવી જોઈએ? શા માટે? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૨ કેટલી ખુશીની વાત છે કે પહેલી સદીની જેમ, આજે પણ દુનિયાભરના સાક્ષીઓ એકબીજા પર પ્રેમ રાખે છે. ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખે છે. પણ આજે છેલ્લા દિવસોમાં દુનિયામાં મોટાભાગના લોકો એકબીજાને વિશ્વાસુ નથી. તેઓને કોઈના માટે પ્રેમ પણ નથી. (૨ તીમો. ૩:૧, ૩) આવા લોકો સ્વાર્થના લીધે અને નામ ખાતર બીજાઓ સાથે દોસ્તી બાંધે છે. આપણે દુનિયાનું આવું વલણ ન બતાવવું જોઈએ. પણ એકબીજા પર પ્રેમ રાખવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ. એટલે હવે આપણે પ્રેમ રાખવા અને સારા દોસ્તો બનાવવા વિષે આ સવાલો પર વિચાર કરીશું: આપણે કેવી રીતે સારા મિત્રો બનાવી શકીએ? ક્યારે દોસ્તી તોડી નાખવી જોઈએ? સારી દોસ્તી નિભાવી રાખવા શું કરવું જોઈએ?
દોસ્તી ટકી રહે માટે શું જરૂરી છે?
૩, ૪. ક્યારે દોસ્તી ટકી રહેશે? શા માટે?
૩ બંને વ્યક્તિ યહોવાહને પ્રેમ કરતી હશે તો, તેઓની દોસ્તી ટકી રહેશે. રાજા સુલેમાને લખ્યું: “એકલા માણસને હર કોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે; ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.” (સભા. ૪:૧૨) અહીં ત્રીજી દોરી યહોવાહને દર્શાવે છે. એટલે દોસ્તીમાં યહોવાહ હશે તો એ ટકી રહેશે.
૪ ખરું કે યહોવાહને પ્રેમ કરતા નથી, તેઓ પણ એકબીજાના સારા મિત્રો હોઈ શકે. પણ જ્યારે બે મિત્રો યહોવાહને પ્રેમ કરતા હશે, ત્યારે તેઓની દોસ્તી અતૂટ રહેશે. તેઓ વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થાય તો યહોવાહના નીતિ-નિયમો પ્રમાણે હલ કરશે. આવી દોસ્તી હશે તો વિરોધીઓ પણ જોઈ શકશે કે યહોવાહના ભક્તો વચ્ચે અતૂટ સંબંધ છે. સદીઓથી જોવા મળે છે કે યહોવાહના ઘણા ભક્તોએ એકબીજાનું રક્ષણ કર્યું છે. કદી દગો દેવાનું વિચાર્યું નથી. અરે, તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ દોસ્તી નિભાવી છે.—૧ યોહાન ૩:૧૬ વાંચો.
૫. શા માટે રૂથ અને નાઓમીની દોસ્તી ટકી રહી?
૫ યહોવાહને પ્રેમ કરે છે તેઓ સાચી દોસ્તી નિભાવે છે. એટલે તેઓને એકબીજા સાથે સમય પસાર કરવામાં આનંદ મળે છે. ચાલો રૂથ અને નાઓમીનો દાખલો લઈએ. તેઓએ સારી દોસ્તી નિભાવી. રૂથ, નાઓમીને જણાવે છે: ‘તારા લોક તે મારા લોક, ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે, તો યહોવાહ મારું મોત લાવે ને એથી પણ વધારે દુઃખ દે.’ (રૂથ ૧:૧૬, ૧૭) આ બતાવે છે કે રૂથ અને નાઓમી યહોવાહને બહુ પ્રેમ કરતા હતા. આ પ્રેમને લીધે તેઓએ એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપ્યો. યહોવાહે પણ તેઓને આશીર્વાદો આપ્યા. સારી દોસ્તી નિભાવવા આપણે આ દાખલો યાદ રાખી શકીએ.
કેવી રીતે સારા મિત્રો બનાવી શકીએ?
૬-૮. (ક) સારા મિત્રો બનવા શું કરવું જોઈએ? (ખ) દોસ્તી બાંધવામાં કેવી રીતે પહેલ કરી શકીએ?
૬ રૂથ અને નાઓમીના દાખલા પરથી જોવા મળે છે કે આપણે આપમેળે જ સારા મિત્રો બની શકતા નથી. બન્ને વ્યક્તિઓને યહોવાહ માટે પ્રેમ હોવો જોઈએ. વાણી-વર્તન સારાં હોવાં જોઈએ. પોતાનું જ નહિ પણ બીજાનું ભલું વિચારવું જોઈએ. અરે, સત્યમાં છે એવા કુટુંબમાં પણ સગાં ભાઈ-બહેનોએ ગાઢ દોસ્તી કેળવવા કોશિશ કરવી જોઈએ. પણ ગાઢ દોસ્તી કેવી રીતે કેળવી શકાય?
૭ પહેલ કરો. પ્રેરિત પાઊલે રોમના મંડળમાં પોતાના મિત્રોને કહ્યું: “પરોણાગત કરવામાં તત્પર રહો.” (રૂમી ૧૨:૧૩) સારા દોસ્તો બનાવવા મોકો મળે ત્યારે આપણે ‘પરોણાગત’ કે મહેમાનગતિ કરવી જોઈએ. એમ કરવા બીજા કોઈએ નહિ પણ આપણે પહેલ કરવી પડશે. (નીતિવચનો ૩:૨૭ વાંચો.) મહેમાનગતિ કરવા મંડળના અલગ અલગ ભાઈ-બહેનોને ઘરે જમવા અથવા ચા-નાસ્તા માટે બોલાવી શકીએ. શું તમે મંડળના ભાઈ-બહેનોને વારંવાર ઘરે બોલાવીને મહેમાનગતિ કરો છો?
૮ અલગ અલગ ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જવા પણ પહેલ કરી શકીએ. એ ભાઈ કે બહેન દિલથી ઘરમાલિકને યહોવાહનો સંદેશો જણાવે છે ત્યારે તમને પણ ઉત્તેજન મળે છે. એનાથી તમારી દોસ્તી ગાઢ થશે.
૯, ૧૦. પાઊલે આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે? એમાંથી આપણે શું શીખી શકીએ?
૯ મંડળમાં બધા સાથે દોસ્તી બાંધો. (૨ કોરીંથી વાંચો.) શું એવું લાગે છે કે તમારા મિત્ર બને, એવું મંડળમાં કોઈ જ નથી? કદાચ તમે પહેલેથી વિચાર્યું હોય કે ‘મિત્ર આવો જ હોવો જોઈએ.’ એમ હોય તો ખુલ્લું મન રાખવું જોઈએ. પ્રેરિત પાઊલે બધા સાથે દોસ્તી બાંધવામાં સારો દાખલો બેસાડ્યો છે. તે ચુસ્ત યહુદી હતા ત્યારે સ્વપ્નેય વિચાર્યું ન હતું કે બીજી જાતિના લોકો તેમના મિત્ર બનશે. પણ સમય જતા પાઊલે પોતાના વિચારો બદલ્યા, તે ‘વિદેશીઓના પ્રેરિત’ બન્યા.— ૬:૧૨,૧૩રૂમી ૧૧:૧૩.
૧૦ પાઊલે મિત્ર બનાવવામાં એ પણ ન જોયું કે વ્યક્તિની ઉંમર કેટલી છે. દાખલા તરીકે, પાઊલ કરતાં તીમોથી ઘણા નાના હતા અને બીજા સમાજમાં ઉછર્યા હતા. તોપણ, તીમોથી અને પાઊલ ગાઢ મિત્રો હતા. આજે પણ મંડળમાં એવા ઘણા યુવાનો છે જેઓના મોટી ઉંમરના મિત્રો છે. એ યુવાનો એવી દોસ્તીને કીમતી ગણે છે. વીસ વર્ષની વેનેસા કહે છે: ‘મારા ફ્રેન્ડ પચાસેક વર્ષના છે. મને તે ખૂબ વહાલા છે. હું મારી ઉંમરની ફ્રેન્ડ સાથે વાત કરું છું, એ બધી વાત તેમની સાથે પણ કરું છું. તે મારી ઘણી કાળજી રાખે છે. મેં તેમને ઓળખવાની કોશિશ કરી હોવાથી તેમની સાથે દોસ્તી બાંધી શકી.’ શું તમે મોટી ઉંમરના ભાઈ-બહેન સાથે દોસ્તી બાંધવા અચકાઓ છો? જો પ્રયત્ન કરશો તો, યહોવાહ તમને સફળતા આપશે.
૧૧. યોનાથાન અને દાઊદની મિત્રતામાંથી આપણે શું શીખી શકીએ?
૧૧ સુખ-દુઃખમાં સાથ આપો. રાજા સુલેમાને લખ્યું: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યા છે.” (નીતિ. ૧૭:૧૭) સુલેમાને એ શબ્દો લખતી વખતે પોતાના પિતા દાઊદ અને યોનાથાનની દોસ્તી ધ્યાનમાં રાખી હશે. (૧ શમૂ. ૧૮:૧) શાઊલ રાજા ઇચ્છતા હતા કે તેમનો દીકરો યોનાથાન રાજગાદીએ બેસે. પણ યોનાથાન જાણતા હતા કે યહોવાહે દાઊદને ઈસ્રાએલના રાજા બનવા પસંદ કર્યા છે. એનાથી શાઊલને દાઊદની ઘણી ઈર્ષા થઈ. પણ યોનાથાને જરાય ઈર્ષા રાખી નહિ. અરે, લોકો દાઊદના વખાણ કરતા હતા એની પણ યોનાથાને અદેખાઈ કરી નહિ. તેમ જ, પોતાના પિતા શાઊલે દાઊદ માટે અફવા ફેલાવી એ પણ માની નહિ. (૧ શમૂ. ૨૦:૨૪-૩૪) શું આપણે યોનાથાન જેવી મિત્રતા નિભાવીએ છીએ? મંડળમાં મિત્રને કોઈ લહાવો મળે ત્યારે શું આપણને ખુશી થાય છે? મિત્ર તકલીફમાં હોય ત્યારે શું આપણે તેને દિલાસો આપીએ છીએ, મદદ આપીએ છીએ? કોઈ આપણા મિત્ર વિષે અફવા ફેલાવે ત્યારે શું આપણે એ માની લઈએ છીએ? કે પછી યોનાથાનની જેમ મિત્રને સાથ આપવા બનતું બધું કરીએ છીએ?
કેવી દોસ્તી તોડી નાખવી
૧૨-૧૪. બાઇબલ સ્ટડી કરતી વ્યક્તિને કેવી મુશ્કેલીઓ આવે છે? આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ?
૧૨ બાઇબલ સ્ટડી કરતી વ્યક્તિને જીવનમાં ફેરફાર કરવા મુશ્કેલ નિર્ણય લેવા પડે છે. જેમ કે, તેણે વિચારવું પડશે કે પોતાના મિત્રો કેવા છે. તેને અમુક મિત્રો ખૂબ ગમતા હશે, પણ તેઓ બાઇબલના નિયમો પાળતા નથી. તેણે એવા દોસ્તો સાથે સારો એવો સમય પણ પસાર કર્યો હશે. પણ હવે બાઇબલ સ્ટડી કરતી વ્યક્તિને સમજાય છે કે એવા મિત્રોની ખરાબ અસર તેના પર પડી શકે છે. તેથી, તે એવા દોસ્તો સાથે સમય પસાર કરવાનું ઓછું કરી નાખે છે. (૧ કોરીં. ૧૫:૩૩) એનાથી તેને એવું પણ લાગી શકે કે પોતે દોસ્તોને દગો આપી રહ્યો છે.
૧૩ જો તમે બાઇબલ સ્ટડી કરતા હોય અને આવું અનુભવ્યું હોય, તો એક વાત યાદ રાખો, ‘તમારું જીવન સુધરી રહ્યું છે એ જોઈને સાચો મિત્ર ખુશ થશે. તમને જોઈને કદાચ તે પણ યહોવાહ વિષે શીખશે.’ પણ નામ પૂરતા મિત્રો તમારી ‘નિંદા કરશે,’ કેમ કે તમે તેઓની ‘સાથે દુરાચારમાં’ કે ખરાબ કામોમાં જોડાતા નથી. (૧ પીત. ૪:૩, ૪) હકીકતમાં તમે નહિ પણ આવા મિત્રો તમને દગો આપે છે!
૧૪ યહોવાહને પ્રેમ કરતા નથી એવા દોસ્તોની સોબત રાખવી સારી નથી. એટલે બાઇબલ સ્ટડી કરતી ઘણી વ્યક્તિઓ આવા દોસ્તોની સોબત છોડી છે. તેઓને મંડળમાંથી ઘણા નવા મિત્રો મળે છે. (ગલા. ૬:૧૦) શું તમારા મંડળમાં બાઇબલ સ્ટડી કરતી વ્યક્તિઓ આવે છે? શું તેઓને ઉત્તેજન મળે એ રીતે તમે વાત કરો છો?
૧૫, ૧૬. (ક) આપણો મિત્ર યહોવાહને છોડી તો શું કરીશું? (ખ) આપણે કઈ રીતે યહોવાહ માટે પ્રેમ બતાવી શકીએ?
૧૫ હવે માની લો કે મંડળમાં તમારો ફ્રેન્ડ યહોવાહને છોડી દે અને કદાચ તેને ડિસ્ફેલોશીપ કરવામાં આવે છે. આવા સંજોગોમાં તમને ઘણું દુઃખ થઈ શકે. આવો જ અનુભવ એક બહેનને થયો હતો. તે કઈ રીતે વર્ત્યા એ વિષે જણાવે છે: ‘મને એવું હતું કે મારી ફ્રેન્ડનો સત્યમાં વિશ્વાસ મક્કમ છે. પણ કદાચ તે પોતાના કુટુંબને ખુશ કરવા જ યહોવાહની ભક્તિ કરતી હતી. તેને ગુમાવવાથી હું પડી ભાંગી હતી. પણ પછી મેં વિચાર કર્યો કે સત્યમાં મારો વિશ્વાસ કેટલો મજબૂત છે?’ આ બહેનને દુઃખમાં કઈ રીતે દિલાસો મળ્યો? તે કહે છે: ‘મેં યહોવાહ આગળ મારું દિલ ઠાલવ્યું. પછી નિર્ણય લીધો કે યહોવાહ મને મંડળમાં મિત્રો આપે છે એના લીધે જ નહિ, પણ તે મારા પિતા છે એટલે તેમની ભક્તિ કરીશ.’
૧૬ જો આપણે દુનિયાના મિત્રો કરીશું તો યહોવાહની કૃપા ગુમાવીશું. શિષ્ય યાકૂબે લખ્યું: “શું તમને માલૂમ નથી, કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે દેવનો વૈરી થાય છે.” (યાકૂ. ૪:૪) ધારો કે આપણા કોઈ મિત્રએ યહોવાહને છોડી દીધા છે. એ દુઃખ સહન કરવા યહોવાહમાં ભરોસો મૂકવો જોઈએ. તેમને વિશ્વાસુ રહેવું જોઈએ. આમ કરીશું તો આપણે યહોવાહ માટે પ્રેમ બતાવીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૮:૨૫ વાંચો.) ઉપર જે બહેનની વાત કરી તે છેલ્લે કહે છે: ‘આપણે કોઈને પણ યહોવાહને પ્રેમ કરવા બળજબરી કરી શકતા નથી. એ પ્રેમ તો વ્યક્તિના દિલમાંથી ઊભરાવો જોઈએ.’ ચાલો જોઈએ કે મંડળમાં છે, તેઓ સાથે કઈ રીતે પાક્કી દોસ્તી નિભાવી શકીએ.
પાક્કી દોસ્તી નિભાવી રાખો
૧૭. દોસ્તી નિભાવી રાખવા શું કરવું જોઈએ?
૧૭ દોસ્તી નિભાવી રાખવા દિલ ખોલીને વાત કરવી ખૂબ જરૂરી છે. બાઇબલમાં ઘણા અહેવાલ છે જેમાં વ્યક્તિઓએ એકબીજા સાથે દિલ ખોલીને વાત કરી હોય અને માન પણ આપ્યું હોય. જેમ કે રૂથ અને નાઓમી, દાઊદ અને યોનાથાન, પાઊલ અને તીમોથી. બીજાઓ સાથે કઈ રીતે વાત કરવી જોઈએ એ વિષે પાઊલે સારી સલાહ આપી. તેમણે કહ્યું કે ‘જેઓ બહારના છે’ એટલે કે સત્યમાં નથી તેઓ સાથે “તમારૂં બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય.” (કોલો. ૪:૫, ૬) જો પાઊલે ‘બહારનાઓ’ સાથે માન આપીને વાત કરવા કહ્યું હોય, તો મંડળમાં બધાને માન આપીને વાત કરવી કેટલી જરૂરી છે!
૧૮, ૧૯. મિત્ર સલાહ આપે ત્યારે એને કેવી ગણવી જોઈએ? એફેસસ મંડળના વડીલોએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?
૧૮ સારા મિત્રો એકબીજાને પ્રેમથી સીધી સલાહ આપે છે. એકબીજાનું ધ્યાનથી સાંભળે પણ છે. રાજા સુલેમાને લખ્યું: ‘જેમ અત્તર તથા સુગંધીથી હૃદયને આનંદ થાય છે, તેમ અંતઃકરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ આનંદ થાય છે.’ (નીતિ. ૨૭:૯) શું તમને પણ તમારા મિત્રની સલાહ મીઠી લાગે છે? (ગીતશાસ્ત્ર ૧૪૧:૫ વાંચો.) માનો કે તમારા ફ્રેન્ડને લાગે છે કે તમે કંઈ ખોટું કરી રહ્યા છો. એટલે તે તમને સલાહ આપે છે. હવે એ કિસ્સામાં શું તમને એવું લાગશે કે એ ફ્રેન્ડે પ્રેમથી સલાહ આપી છે? કે પછી શું એવું લાગશે કે તે તમારા કામમાં માથું મારે છે?
૧૯ પ્રેરિત પાઊલનો એફેસસ મંડળના વડીલો સાથે ગાઢ સંબંધ હતો. તેઓમાંના ઘણા સત્યમાં આવ્યા ત્યારથી પાઊલ તેઓને જાણતા હતા. પાઊલ તેઓને છેલ્લી વાર મળ્યા ત્યારે પ્રેમથી સીધી સલાહ આપી. એ સાંભળીને વડીલોને કેવું લાગ્યું? તેઓએ ખોટું લગાડ્યું નહિ પણ પાઊલે જે મદદ આપી એની કદર કરી. અરે, તેઓ પાઊલને ફરી મળશે નહિ એના લીધે તેઓ રડ્યા.—પ્રે.કૃ. ૨૦:૧૭, ૨૯, ૩૦, ૩૬-૩૮.
૨૦. એક સારો મિત્ર શું કરશે?
૨૦ સારો મિત્ર ફક્ત સલાહ સ્વીકારતો જ નથી, જરૂર પડ્યે સામે આપે પણ છે. સલાહ આપીએ ત્યારે ધ્યાન રાખીએ કે મિત્રની બધી બાબતોમાં માથું ન મારીએ, કેમ કે “દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.” (રૂમી ૧૪:૧૨) પણ પ્રેમાળ મિત્ર જરૂર હોય ત્યારે યહોવાહના નીતિ-નિયમો યાદ કરાવશે. (૧ કોરીં. ૭:૩૯) દાખલા તરીકે, તમારો મિત્ર હજુ કુંવારો છે અને તેને સત્ય બહારની વ્યક્તિ ગમે છે. હવે તમે શું કરશો? તમારી દોસ્તી તૂટી જશે એ બીકના લીધે શું તમે મિત્રને કંઈ સલાહ આપશો નહિ? જો મિત્ર તમારી સલાહ સાંભળે નહિ તો શું કરશો? સાચો મિત્ર વડીલોની મદદ લેશે, જેથી ખોટું પગલું ભરી રહેલા મિત્રને યોગ્ય મદદ મળી શકે. આ બધું કરવા હિંમતની જરૂર પડે. આપણે યાદ રાખીએ કે જો આપણી દોસ્તી યહોવાહ માટેના પ્રેમના આધારે હશે તો એ હંમેશા ટકશે.
૨૧. દોસ્તીમાં અમુક વખતે શું થઈ શકે? પાક્કી દોસ્તી નિભાવવા શું કરવું જોઈએ?
૨૧ કોલોસી ૩:૧૩, ૧૪ વાંચો. કદાચ અમુક વખતે મિત્રને આપણી વિરુદ્ધ “કજિયો” કે ફરિયાદ હોય. અમુક વખતે તેઓ જે કરશે કે કહેશે એનાથી આપણને ખોટું લાગી શકે. યાકૂબે લખ્યું કે આપણે “ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.” (યાકૂ. ૩:૨) આપણે જાણીએ છીએ કે દોસ્તીમાં એકબીજાને ખોટું તો લાગવાનું જ છે. પણ પાક્કા દોસ્તો ભૂલો યાદ રાખવાને બદલે માફ કરવા પર વધારે ધ્યાન આપશે. તેથી એ કેટલું જરૂરી છે કે પાક્કી દોસ્તી નિભાવવા એકબીજા સાથે દિલ ખોલીને વાત કરીએ. એટલું જ નહિ, માફ કરીને ભૂલી જવું જઈએ. જો આપણે આમ કરીશું તો એ ‘પ્રેમ સંપૂર્ણતાનું બંધન’ બનશે. (w09 10/15)
તમે કેવો જવાબ આપશો?
• આપણે કેવી રીતે સારા મિત્રો બનાવી શકીએ?
• ક્યારે દોસ્તી તોડી નાખવી જોઈએ?
• સારી દોસ્તી નિભાવી રાખવા શું કરવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૯ પર ચિત્ર]
રૂથ અને નાઓમી વચ્ચેની દોસ્તી શેના આધારે ટકી રહી?
[પાન ૩૦ પર ચિત્ર]
શું તમે વારંવાર મહેમાનગતિ કરો છો?