શું ગરીબો પર ઈશ્વરની કૃપા છે?
શું ગરીબો પર ઈશ્વરની કૃપા છે?
ઈશ્વરે તેમની ખાસ પ્રજા ઈસ્રાએલીઓને કહ્યું હતું: “તારી મધ્યે કોઈ દરિદ્રી નહિ હોય.” ઈશ્વરે ગરીબોની સંભાળ રાખવા આવો નિયમ આપ્યો હતો. ગરીબોના માથે કોઈ દેવું હોય તો એ માફ કરી દેવાની પણ ગોઠવણ કરી હતી. (પુનર્નિયમ ૧૫:૧-૪, ૭-૧૦) યહોવાહની આ ગોઠવણ પ્રમાણે ઈસ્રાએલીઓએ કર્યું હોત તો, કોઈ પણ ગરીબ ન હોત. દુઃખની વાત છે કે તેઓએ ઈશ્વરના કહેવા પ્રમાણે ન કર્યું અને આશીર્વાદો ગુમાવ્યા.
એનો અર્થ એ નથી કે ગરીબો પર ઈશ્વરના આશીર્વાદ ઓછા હતા. મોટા ભાગના ઈશ્વરભક્તો તો ગરીબ હતા. દાખલા તરીકે, ઈશ્વરભક્ત આમોસ ઘેટાં ચરાવતા અને અમુક વખતે ખેતરમાં મજુરીકામ કરતા હતા. (આમોસ ૧:૧; ૭:૧૪) એલીયાહનો વિચાર કરીએ. તેમના સમયમાં ઈસ્રાએલમાં દુકાળ પડ્યો હતો. દુકાળમાં ટકી રહેવા તેમણે ગરીબ વિધવા પર આધાર રાખવો પડ્યો. એ વિધવા સ્ત્રી પાસે એક ટંકનું જ ખાવાનું હતું. એમાંથી પણ તેણે એલીયાહને ખાવાનું પૂરું પાડ્યું. એટલે ઈશ્વરના વચન પ્રમાણે, એ વિધવા સ્ત્રીના લોટ અને તેલ ચમત્કારથી ખૂટી ગયા નહિ. ઈશ્વરે તેઓની જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડી. પણ તેઓને અમીર બનાવ્યા નહિ. આ બતાવે છે કે ઈશ્વરની કૃપા ગરીબો પર છે.—૧ રાજાઓ ૧૭:૮-૧૬.
સમય અને સંજોગોને લીધે વ્યક્તિ ગરીબીમાં આવી શકે. જેમ કે, કોઈ ઍક્સિડન્ટ કે બીમારીને લીધે વ્યક્તિ કદાચ થોડા સમય કે હંમેશ માટે નોકરી-ધંધો ગુમાવી શકે. એટલું જ નહિ, કોઈ વિધવા થઈ શકે અને બાળકો અનાથ થઈ શકે.
આવા અઘરા સંજોગોમાં એમ ન માનવું જોઈએ કે ઈશ્વરની કૃપા આપણા પર નથી. એ સમજવા બાઇબલમાંથી નાઓમી અને તેની વહુ રૂથનો દાખલો જોઈએ. તેઓ બંને વિધવા હતી. તેઓનો બીજો કોઈ આશરો ન હતો. પણ યહોવાહે તેમને આશીર્વાદ આપ્યા. તેઓને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડવાની જોગવાઈ કરી. આ બતાવે છે કે યહોવાહ મુશ્કેલ સંજોગોમાં પણ વ્યક્તિની કાળજી રાખે છે.—રૂથ ૧:૧-૬; ૨:૨-૧૨; ૪:૧૩-૧૭.
આ અનુભવો પરથી સાફ જોવા મળે છે કે ગરીબો પર ઈશ્વરની કૃપા છે. ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખે છે તેઓ દાઊદ રાજાના આ શબ્દો પર પૂરો ભરોસો રાખી શકે: “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૫. (w09 9/1)
[પાન ૮ પર ચિત્ર]
નાઓમી અને રૂથ ગરીબ તથા લાચાર હતા ત્યારે યહોવાહે તેઓની કાળજી રાખી