‘સઘળા સાથે હળીમળીને રહો’
‘સઘળા સાથે હળીમળીને રહો’
“જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.”—રૂમી ૧૨:૧૮.
૧, ૨. (ક) ઈસુએ શિષ્યોને કઈ ચેતવણી આપી હતી? (ખ) વિરોધ સહન કરવા આપણને ક્યાંથી સલાહ મળી શકે?
ઈસુએ શિષ્યોને ચેતવ્યા હતા કે બીજાં રાજ્યોથી તેઓની સતાવણી કરવામાં આવશે. શા માટે સતાવણી થશે એની સમજણ આપતા ઈસુએ પોતાના મરણની આગલી સાંજે કહ્યું: “જો તમે જગતના હોત તો જગત પોતાનાં ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ [ધિક્કાર] રાખે છે.”—યોહા. ૧૫:૧૯.
૨ પ્રેરિત પાઊલે ઈસુના આ શબ્દો અનુભવ્યા હતા. તેથી તીમોથીને લખેલા બીજા પત્રમાં પાઊલે લખ્યું: ‘મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યાં એ બધામાં તું મારી પાછળ ચાલ્યો. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.’ (૨ તીમો. ૩:૧૦-૧૨) રૂમીઓના ૧૨મા અધ્યાયમાં તેમણે વિરોધ સહન કરવા ખ્રિસ્તીઓને સલાહ આપી. પાઊલની સલાહમાંથી આ છેલ્લા સમયમાં આજે આપણને પણ માર્ગદર્શન મળે છે.
‘કાળજી રાખીએ’
૩, ૪. રૂમી ૧૨:૧૭માં આપેલી સલાહ કેવી રીતે પાળી શકીએ: (ક) કુટુંબીજનો સત્યમાં ન હોય ત્યારે? (ખ) પડોશીઓ સાથે?
૩ રૂમી ૧૨:૧૭ વાંચો. પાઊલ સમજાવે છે કે કોઈ આપણો વિરોધ કરે ત્યારે, આપણે સામે બદલો ન લેવો જોઈએ. ખાસ કરીને કુટુંબમાં કોઈ સત્યમાં ન હોય ત્યારે, આ સલાહ પાળવી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે, લગ્નસાથી સત્યમાં ન હોય અને ખરાબ વર્તન કરે તો, સત્યમાં છે તેણે સારું વર્તન રાખવું જોઈએ. ‘ભૂંડાઈને બદલે ભૂંડું કરવાથી’ કંઈ સારું થતું નથી, પણ વાત વધારે બગડે છે.
૪ પાઊલે સલાહ આપી: “સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.” દાખલા તરીકે, પતિ સત્યમાં ન હોય અને પત્નીની માન્યતાનો વિરોધ કરતો હોય. એવા સમયે પણ પત્નીએ પ્રેમથી તેની સાથે વર્તવું જોઈએ. આ રીતે ઘરમાં શાંતિ જળવાઈ રહેશે. (નીતિ. ૩૧:૧૨) ચાલો એક અનુભવ જોઈએ. હાલમાં કારલોસ બેથેલમાં સેવા આપી રહ્યો છે. તેના પિતાનો સખત વિરોધ હોવા છતાં, તેની મમ્મીએ પ્રેમથી વહેવાર કર્યો. તેમ જ, કુટુંબની સંભાળ રાખી. એ વિષે કારલોસ જણાવે છે, ‘મમ્મી હંમેશા અમને કહેતી કે પપ્પાને માન આપવું જોઈએ. મને પપ્પા સાથે તેમની મનગમતી ગેમ રમવાનું પણ કહેતી. મને એ ગેમ ગમતી ન હતી તોય હું રમતો. હું જાણતો હતો કે એ રમવાથી પપ્પાનો મૂડ સારો થઈ જશે.’ સમય જતા કારલોસના પપ્પાએ બાઇબલ સ્ટડી કરીને બાપ્તિસ્મા પણ લીધું. યહોવાહના સાક્ષીઓ “સઘળાં માણસોની નજરમાં શોભે છે” એવા કામ કુટુંબમાં જ નહિ, પડોશીઓ માટે પણ કરે છે. દાખલા તરીકે, આફતો આવે ત્યારે, પડોશીઓને મદદ કરીને સાક્ષીઓએ તેઓનાં મન જીતી લીધાં છે.
વિરોધીઓ પર ‘અંગારા’ મૂકીએ
૫, ૬. (ક) કયા અર્થમાં આપણે વિરોધીના માથે “ધગધગતા અંગારા” મૂકી શકીએ? (ખ) રૂમી ૧૨:૨૦ની સલાહ પાળવાથી તમને કોઈ સારો અનુભવ થયો હોય તો જણાવો.
૫ રૂમી ૧૨:૨૦ વાંચો. આ કલમ લખતી વખતે પાઊલના મનમાં નીતિવચનો ૨૫:૨૧, ૨૨ના વિચારો હશે, જે કહે છે: “જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને રોટલી ખવાડ; જો તે તરસ્યો હોય તો તેને પાણી પા; કેમકે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે, અને યહોવાહ તને તેનું ફળ આપશે.” પાઊલે રૂમીના ૧૨મા અધ્યાયમાં અંગારાનું દૃષ્ટાંત વાપર્યું, કેમ કે કદાચ એ સમયમાં કાચી ધાતુને શુદ્ધ કરવા અંગારાનો ઉપયોગ થતો હતો. એટલે વિરોધીને શરમાવવા કે શિક્ષા કરવા, તેમણે આ દૃષ્ટાંત વાપર્યું ન હતું. ઓગણીસમી સદીના અંગ્રેજ સ્કૉલર ચાર્લ્સ બ્રીજે જણાવ્યું: “લોઢા જેવી કઠણ ધાતુને આકાર આપવા, તેને નરમ બનાવવી પડે. નરમ બનાવવા આગમાં જ નહિ, પણ ધગધગતા અંગારા વચ્ચે મૂકવું પડે. એવી જ રીતે, અમુક લોકોનાં હૃદય સખત કઠણ હોય છે. તેઓને નરમ બનાવવા નિઃસ્વાર્થ પ્રેમ અને ધીરજ બતાવીને, તેઓને માથે જાણે ‘અંગારા’ મૂકીએ છીએ.”
૬ “ધગધગતા અંગારાની” જેમ જ સારાં કામો કરીને, આપણે કઠણ દિલને પીગળાવી શકીએ છીએ. જે લોકો યહોવાહના સંદેશાનો અને આપણો વિરોધ કરે છે, તેના માટે સારાં કામો કરીને તેનું દિલ જીતી લઈએ. એમ કરવાથી તેનું મન બદલાઈ શકે અને તે કદાચ બાઇબલનો સંદેશો સાંભળશે. પ્રેષિત પીતરે લખ્યું: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.”—૧ પીત. ૨:૧૨.
‘સઘળાની સાથે હળીમળીને રહીએ’
૭. ઈસુએ શિષ્યોને કેવી શાંતિ આપી? એની આપણા પર કેવી અસર પડશે?
૭ રૂમી ૧૨:૧૮ વાંચો. ઈસુએ શિષ્યો સાથે છેલ્લી સાંજ વિતાવી ત્યારે કહ્યું: “હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું.” (યોહા. ૧૪:૨૭) ઈસુએ તેમના શિષ્યોને મનની શાંતિ આપી. એનાથી શિષ્યો અનુભવી શક્યા કે યહોવાહ અને ઈસુને તેમના પર પ્રેમ છે. ઈસુ આજે આપણને પણ મનની શાંતિ આપે છે. એનાથી આપણે પણ બીજાઓ સાથે હળીમળીને રહીશું. ઈશ્વરભક્તો તરીકે શાંતિ જાળવવા આપણે બનતું બધું કરીશું.—માથ. ૫:૯.
૮. કુટુંબીજનો વચ્ચે અને મંડળમાં કઈ રીતે શાંતિ જાળવી શકીએ?
૮ કુટુંબીજનો વચ્ચે શાંતિ જાળવી રાખવાની ઘણી રીત છે. એક છે કે વાત વધારે બગડે એ પહેલાં, મતભેદને થાળે પાડવો જોઈએ. (નીતિ. ૧૫:૧૮; એફે. ૪:૨૬) મંડળમાં પણ આ રીત લાગુ પડે છે. પ્રેરિત પીતર જણાવે છે કે શાંતિ જાળવવા જીભને કાબૂમાં રાખવી જોઈએ. (૧ પીત. ૩:૧૦, ૧૧) યાકૂબે પણ અદેખાઈ, ચરસાચરસી ન કરવા અને જીભને કાબૂમાં રાખવા વિષે સલાહ આપી. એ પછી તેમણે કહ્યું: “જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારૂં, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.”—યાકૂ. ૩:૧૭, ૧૮.
૯. રૂમી ૧૨:૧૮ની સલાહ પાળતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૯ રૂમી ૧૨:૧૮માં પાઊલે લખ્યું, ‘સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.’ પાઊલની આ સલાહ ફક્ત કુટુંબીજનો અને મંડળને જ લાગુ પડતી નથી. તો પછી, એમાં બીજા કોનો સમાવેશ થાય છે? આપણા પડોશીઓ, સાથે કામ કરનારા, સ્કૂલના મિત્રો, પ્રચારમાં મળતા લોકો. પાઊલે એવું પણ કહ્યું કે “જો બની શકે,” એટલે કે ઈશ્વરના નીતિ-નિયમો ભંગ થતા ન હોય ત્યાં સુધી, આપણે ‘ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલવું જોઈએ.’
બદલો લેવો યહોવાહનું કામ છે
૧૦, ૧૧. શા માટે આપણે વિરોધીઓ સામે બદલો ન લેવો જોઈએ?
૧૦ રૂમી ૧૨:૧૯ વાંચો. ઈશ્વરના સંદેશાનો નકાર કરે છે એવા ‘વિરોધીઓ’ કે સતાવનારા સાથે, આપણે “સહનશીલ” અને ‘નમ્ર’ રહેવું જોઈએ. (૨ તીમો. ૨:૨૩-૨૫) પાઊલે સલાહ આપી કે ‘વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો.’ એટલે કે ઈશ્વરને ન્યાય કરવા દઈએ. ઈશ્વરભક્તો હોવાથી આપણને ખબર છે કે બદલો ન લેવો જોઈએ. એક ઈશ્વરભક્તે લખ્યું: “રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઇશ મા, તેથી દુષ્કર્મ જ નીપજે છે.” (ગીત. ૩૭:૮) સુલેમાને સલાહ આપી: “હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો, તે તને ઉગારશે.”—નીતિ. ૨૦:૨૨.
૧૧ વિરોધીઓ આપણને હેરાન કરે ત્યારે, સામું વૈર વાળવાને બદલે યહોવાહ પર છોડી દઈએ. યહોવાહ યોગ્ય સમયમાં તેઓનો ન્યાય કરશે. એ વિષે પાઊલે જણાવ્યું: “વૈર વાળવું એ મારૂં [યહોવાહનું] કામ છે; હું બદલો લઈશ.” (વધુ માહિતી: પુનર્નિયમ ૩૨:૩૫.) આ કલમ પ્રમાણે બદલો લેવો યહોવાહનું કામ છે. જો આપણે બદલો લઈશું, તો આપણને યહોવાહના વચનમાં વિશ્વાસ નથી. તેમ જ, યહોવાહની ઉપરવટ જઈને આપણે ન્યાય કરીએ છીએ.
૧૨. યહોવાહનો કોપ ક્યારે પ્રગટ થશે? એ કામ કોના દ્વારા કરશે?
૧૨ પાઊલે રૂમીના પત્રની શરૂઆતમાં જણાવ્યું: “જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થએલો છે.” (રૂમી ૧:૧૮) ‘મોટી વિપત્તિ’ વખતે યહોવાહનો કોપ પ્રગટ થશે. એ સમયે ઈસુ દ્વારા યહોવાહ સ્વર્ગમાંથી દુષ્ટોનો ન્યાય કરશે. (પ્રકટી. ૭:૧૪) પાઊલે બીજા એક પત્રમાં જણાવ્યું કે, ‘એ તો ઈશ્વરના ન્યાયી ઇન્સાફનું પ્રમાણ છે.’ એ પત્રમાં તે આગળ જણાવે છે: “એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુઃખ દે છે તેઓને દેવ દુઃખનો બદલો આપે, અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે; તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.”—૨ થેસ્સા. ૧:૫-૮.
‘સારાથી ભૂંડાનો પરાજય કરીએ’
૧૩, ૧૪. (ક) કોઈ વિરોધ કરે ત્યારે આપણને કેમ નવાઈ લાગતી નથી? (ખ) સતાવનારને આપણે કઈ રીતે આશીર્વાદ આપી શકીએ?
૧૩ રૂમી ૧૨:૧૪, ૨૧ વાંચો. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાહ દરેક વચન પૂરાં કરશે. એટલે યહોવાહે આપણને જે કામ સોંપ્યું છે, એના પર ધ્યાન આપીએ. તેમણે આપણને ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યનો સંદેશો આખા જગતમાં ફેલાવવાનું’ કામ સોંપ્યું છે. (માથ. ૨૪:૧૪) પણ એ કામથી વિરોધીઓ ગુસ્સે થશે. ઈસુએ પણ ચેતવણી આપી: “મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ [ધિક્કાર] કરશે.” (માથ. ૨૪:૯) તેથી, કોઈ વિરોધ કરે ત્યારે આપણને નવાઈ નથી લાગતી, અથવા નિરાશ થતા નથી. પ્રેરિત પીતરે લખ્યું: “વહાલાઓ, તમારી કસોટી કરવાને સારૂ તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં, જાણે તમને કંઈ નવું થયું હોય, એમ સમજીને આશ્ચર્ય ન પામો; પણ એને બદલે ખ્રિસ્તનાં દુઃખોના તમે ભાગીદાર છો, એને લીધે હરખાઓ.”—૧ પીત. ૪:૧૨, ૧૩.
૧૪ આપણે સતાવનારા માટે મનમાં કડવાશ રાખવી ન જોઈએ. પણ તેઓને સત્ય શીખવવું જોઈએ. તેઓમાંના અમુક લોકો ઈશ્વર વિષેનું સત્ય જાણતા ન હોવાથી આપણને હેરાન કરે છે. (૨ કોરીં. ૪:૪) એટલે પાઊલની સલાહ પાળવી જોઈએ: “તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો, અને શાપ આપતા નહિ.” (રૂમી ૧૨:૧૪) આશીર્વાદ આપવાની એક રીત છે, તેઓ માટે પ્રાર્થના કરીએ. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ કહ્યું: “તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ [ધિક્કાર] કરે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારૂં અપમાન કરે છે તેઓને સારૂં પ્રાર્થના કરો.” (લુક ૬:૨૭, ૨૮) પાઊલ પોતાના અનુભવથી જાણતા હતા કે સતાવનારા જીવનમાં ફેરફાર કરીને ઈસુના શિષ્યો બની શકે છે. અરે, હોંશથી યહોવાહની ભક્તિ કરી શકે છે. (ગલા. ૧:૧૩-૧૬, ૨૩) પાઊલે કોરીંથીના પત્રમાં લખ્યું: ‘નિંદા કરવામાં આવી છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ. તુચ્છ ગણવામાં આવ્યા છતાં આજીજી કરીએ છીએ.’—૧ કોરીં. ૪:૧૨, ૧૩.
૧૫. ભૂંડાઈ પર જીત મેળવવાની સૌથી સારી રીત કઈ છે?
૧૫ આપણે બધા રૂમીના ૧૨મા અધ્યાયની છેલ્લી કલમ પાળીએ છીએ: “ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.” દરેક ભૂંડાઈ પાછળ ફક્ત શેતાનનો હાથ છે. (યોહા. ૮:૪૪; ૧ યોહા. ૫:૧૯) પ્રેરિત યોહાનને મળેલા સંદર્શનમાં ઈસુએ જણાવ્યું કે અભિષિક્ત ભાઈ-બહેનોએ “હલવાનના [ઈસુના] રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને [શેતાનને] જીત્યો છે.” (પ્રકટી. ૧૨:૧૧) આ બતાવે છે કે શેતાન અને તેની ભૂંડી અસર પર જીત મેળવવાની સૌથી સારી રીત છે, સાક્ષી આપીએ. એટલે કે ઈશ્વરના રાજ્યનો સંદેશો બીજાઓને જણાવીએ.
‘આશામાં આનંદ કરીએ’
૧૬, ૧૭. રૂમીના બારમા અધ્યાયમાંથી આ વિષય પર શું શીખ્યા? (ક) જીવન અર્પણ કરવા વિષે. (ખ) મંડળમાં સંપ જાળવવા વિષે. (ગ) વિરોધીઓ સાથે વહેવાર રાખવા વિષે.
૧૬ આ બે લેખોમાં આપણે રૂમીના પત્રના બારમા અધ્યાયમાંથી થોડી ચર્ચા કરી. એમાંથી આપણને ઘણું શીખવા મળ્યું છે. જેમ કે, યહોવાહના ભક્ત હોવાથી આપણે ખુશી ખુશી જીવનમાં ઘણું જતુ કરવું જોઈએ. એ માટે આપણે પોતાની સમજશક્તિનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી આપણે યહોવાહની ઇચ્છા પારખી શકીશું. આ બધું દિલથી કરવા, યહોવાહની શક્તિ આપણને મદદ કરે છે. એટલું જ નહિ, ઈશ્વરની શક્તિથી આપણે જુદાં જુદાં વરદાનો ઉત્સાહથી વાપરીએ છીએ. મંડળના ભાઈ-બહેનો સાથે સંપ જાળવી રાખવા નમ્ર રહીએ છીએ. મહેમાનગતી બતાવીએ છીએ. તેમ જ, બીજાઓના સુખ-દુઃખમાં ભાગીદાર થઈએ છીએ.
૧૭ રૂમીના બારમા અધ્યાયમાં આપણે એ પણ શીખ્યા કે વિરોધીઓ સાથે કેવો વહેવાર રાખવો જોઈએ. તેઓની સામે વૈર વાળવાને બદલે સારાં કામો કરવા જોઈએ. બાઇબલના નીતિ-નિયમોનો ભંગ ન થાય ત્યાં સુધી, આપણે બધા સાથે હળી-મળીને રહેવા કોશિશ કરવી જોઈએ. કુટુંબીજનો, મંડળના ભાઈ-બહેનો, પાડોશીઓ, નોકરી પર, સ્કૂલના મિત્રો અને પ્રચારમાં લોકો સાથે હળી-મળીને રહેવું જોઈએ. કોઈ સતાવણી કરે ત્યારે, આપણે ભલાઈથી બૂરાઈ પર જીત મેળવી શકીશું. હંમેશા યાદ રાખીએ કે બદલો લેવો યહોવાહનું કામ છે.
૧૮. રૂમી ૧૨:૧૨માં પાઊલ કઈ ત્રણ બાબતો કરવા કહે છે?
૧૮ રૂમી ૧૨:૧૨ વાંચો. આ અધ્યાયમાં પાઊલે ઘણી સારી સલાહ આપી છે. કલમ બારમાં પાઊલ આપણને બીજી ત્રણ બાબતો કરવા કહે છે. યહોવાહની શક્તિ વગર આપણે કંઈ કરી શકતા નથી. એટલે પાઊલે કહ્યું “પ્રાર્થનામાં લાગુ રહો.” પ્રાર્થના કરવાથી ‘સંકટમાં ધીરજ રાખી શકીશું.’ છેલ્લે તેમણે કહ્યું, “આશામાં આનંદ કરો.” ભલે આપણી આશા સ્વર્ગમાં જવાની હોય કે પૃથ્વી પર હંમેશા માટે જીવવાની હોય, યહોવાહ ભાવિમાં જે કરશે એને યાદ રાખીએ. (w09 10/15)
તમે સમજાવી શકો?
• વિરોધ સહન કરવા આપણે શું કરવું જોઈએ?
• કોની સાથે હળી-મળીને રહેવું જોઈએ? કેવી રીતે?
• શા માટે આપણે બદલો ન લેવો જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૦ પર ચિત્રનું મથાળું]
સારાં કામ કરીને પડોશીઓનાં દિલ જીતી લઈશું
[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]
શું તમે મંડળમાં સંપ જાળવી રાખવા મદદ કરો છો?