સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના ભક્તો તરીકે સારી રીતભાત રાખીએ

ઈશ્વરના ભક્તો તરીકે સારી રીતભાત રાખીએ

ઈશ્વરના ભક્તો તરીકે સારી રીતભાત રાખીએ

‘તમારો ઈશ્વર યહોવાહ કૃપાળુ છે.’—૨ કાળ. ૩૦:૯.

૧, ૨. (ક) શા માટે સારી રીતભાત રાખવી જરૂરી છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

 સારી રીતભાત બતાવવા વિષે સૂ ફૉક્સ નામની લેખિકા લખે છે: ‘આજે ચાલશે, કાલે સારું વર્તન રાખીશ એવું થઈ જ ન શકે. કોઈ પણ જગ્યા કે સમયે સારું વર્તન રાખવું જોઈએ.’ સારું વર્તન રાખવાથી બીજાઓ સાથે મતભેદ ઓછા થાય છે. અમુક વખતે એ ઊભા જ નહિ થાય. પણ કઠોર હોઈશું તો મતભેદ, બોલાચાલી અને મનદુઃખ થશે.

મંડળમાં મોટાભાગે બધામાં સારી રીતભાત જોવા મળે છે. તેમ છતાં, દુનિયાના ખરાબ વાણી-વર્તન આપણામાં ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેથી ખરાબ વલણથી દૂર રહેવા અને સારા વાણી-વર્તન કેળવવા બાઇબલ સિદ્ધાંતો મદદ કરે છે. એ સિદ્ધાંત લાગુ પાડવાથી બીજાઓને પણ યહોવાહ વિષે શીખવાનું મન થશે. ચાલો જોઈએ કે સારું વર્તન રાખવા વિષે આપણે યહોવાહ અને તેમના દીકરા ઈસુ પાસેથી શું શીખી શકીએ.

યહોવાહ અને ઈસુ પાસેથી સારી વર્તણૂક શીખીએ

૩. સારું વર્તન રાખવામાં યહોવાહે કેવો દાખલો બેસાડ્યો છે?

સારું વર્તન રાખવા માટે યહોવાહનો દાખલો સૌથી સારો છે. તે વિશ્વના માલિક અને સર્વોપરી છે. તોય તે માણસો સાથે ખૂબ દયા ને માનથી વર્તે છે. યહોવાહના ભક્તો ભૂલો કરે છે ત્યારે તે કૃપા બતાવે છે. * યહોવાહ ‘દયાથી ભરપૂર છે, કોપ કરવે ધીમા ને કૃપા તથા સત્યથી ભરપૂર છે.’ (ગીત. ૮૬:૧૫) જ્યારે કે માણસોનો સ્વભાવ યહોવાહથી સાવ અલગ છે. જો કોઈનાથી ભૂલ થાય તો તેઓ તરત જ ગુસ્સાથી લાલ-પીળા થઈ જાય છે.

૪. આપણે કેવી રીતે યહોવાહને અનુસરી શકીએ?

માણસોનું ધ્યાનથી સાંભળીને યહોવાહ સારી રીતભાત બતાવે છે. જ્યારે ઇબ્રાહીમે સદોમના લોકોનું શું થશે એ વિષે પ્રશ્ન પૂછ્યા ત્યારે યહોવાહે તેમનું ધ્યાનથી સાંભળ્યું. દરેક પ્રશ્નોના જવાબ આપ્યા. (ઉત. ૧૮:૨૩-૩૨) તેમણે એવું ન વિચાર્યું કે ઇબ્રાહીમ તેમનો સમય બગાડે છે. યહોવાહ તેમના ભક્તોની પ્રાર્થના સાંભળે છે. પાપી વ્યક્તિના પસ્તાવા માટેની આજીજી પણ સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૫૧:૧૧, ૧૭ વાંચો.) આપણે પણ યહોવાહને અનુસરવા બીજાઓનું ધ્યાનથી સાંભળવું જોઈએ.

૫. કઈ રીતે ઈસુને અનુસરી શકીએ? એનાથી શું થશે?

યહોવાહ પાસેથી ઈસુ ઘણી બાબત શીખ્યા. તે સારી વર્તણૂક બતાવવાનું પણ શીખ્યા. ઈસુએ સેવાકાર્ય પૂરી શક્તિથી કર્યું. ઘણા વ્યસ્ત હોવા છતાં તેમણે હંમેશા ધીરજ અને કૃપા બતાવી. કોઢિયા, ભીખ માંગતા આંધળા અને બીજા જરૂરતમંદ લોકોને ઈસુએ હંમેશા મદદ કરી. તેઓ કોઈ પણ સમયે ઈસુને મળવા આવી જતા, તોપણ ઈસુએ કદીયે તેઓથી મોં ફેરવી લીધું નહિ. ઈસુ પોતાનું કામ પડતું મૂકીને પણ દુઃખી વ્યક્તિને મદદ કરતા. જેઓએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો તેઓ પર તેમણે વધારે કૃપા અને દયા બતાવી. (માર્ક ૫:૩૦-૩૪; લુક ૧૮:૩૫-૪૧) ઈસુને અનુસરવા આપણે પણ બીજાઓને કૃપા બતાવીએ. હંમેશા મદદ કરવા તૈયાર રહીએ. આમ કરીશું તો આપણા સગાં-વહાલાં, પડોશીઓ અને બીજાઓ આપણું સારું વર્તન જોશે. સારાં વર્તનથી આપણે યહોવાહને મહિમા આપીએ છીએ. સાથે સાથે આપણને પણ જીવનમાં સંતોષ મળે છે.

૬. ઈસુએ લોકોને કેવી રીતે માન આપ્યું? એમાંથી આપણે શું શીખી શકીએ?

યહુદી ધર્મગુરુઓ લોકોને નકામા ગણતા. જે લોકોને નિયમો ખબર ન હોય તેઓને “શાપિત” ગણતા, તોછડાઈથી વર્તતા. (યોહા. ૭:૪૯) એવું વર્તન ઈસુએ જરાય ન બતાવ્યું. મારથા, મરિયમ, જાખી અને બીજા ઘણાને ઈસુએ માન આપવા નામથી બોલાવ્યા. (લુક ૧૦:૪૧, ૪૨; ૧૯:૫) ખરું કે દેશ અને સમાજના રિવાજ પ્રમાણે લોકો જુદી જુદી રીતે એકબીજાને માનથી બોલાવે છે. ગમે તે હોય, યહોવાહના સાક્ષીઓ બીજાઓને હંમેશા માનથી બોલાવે છે. * તેઓ અમીર-ગરીબ કે ઊંચ-નીચ જેવો ભેદભાવ રાખ્યા વગર બધાને માન આપે છે.—યાકૂબ ૨:૧-૪ વાંચો.

૭. બીજાઓ સાથે સારું વર્તન રાખવા શા માટે બાઇબલ સિદ્ધાંતો મદદ કરે છે?

યહોવાહ અને ઈસુએ સર્વ લોકોને માન આપ્યું. પછી ભલેને તેઓ કોઈ પણ નાતજાતના હોય. તેઓની આવી વર્તણૂકથી નેકદિલ લોકો સત્ય તરફ દોરાયા. ખરું કે અલગ અલગ દેશોમાં જુદી જુદી રીતભાત હોય છે, એટલે આપણે એક જ રીતને વળગી ન રહીએ. એને બદલે આપણે બાઇબલના સિદ્ધાંતોને આધારે એકબીજાને માન આપીએ. બાઇબલના સિદ્ધાંતો કોઈ પણ દેશમાં લાગુ પડી શકે. ચાલો હવે જોઈએ કે સારી વર્તણૂક રાખવાથી સંદેશો જણાવતી વખતે કેવા ફાયદા થઈ શકે.

લોકોના ખબર-અંતર પૂછીને વાત કરીએ

૮, ૯. (ક) શું કરવાથી લોકોને અપમાન લાગી શકે? (ખ) શા માટે માથ્થી ૫:૪૭ના ઈસુના શબ્દોને લાગુ પાડવા જોઈએ?

આજે મોટાભાગના લોકો ઘણા વ્યસ્ત હોવાથી ઉતાવળમાં હોય છે. એટલે તેઓની સામેથી કોઈ પસાર થાય તો ‘કેમ છો?’ કે ‘હેલો’ પણ કહેતા નથી. જોકે રસ્તા પર ઘણા લોકો હોય તો આપણે બધાના ખબર પૂછી નહિ શકીએ. પણ અમુક વખતે એવા સંજોગો હોય છે જેમાં આપણે વ્યક્તિના ખબર-અંતર પૂછીએ એ સારું કહેવાશે. શું તમને એવી આદત છે? કે પછી તમે સ્માઈલ આપ્યા વગર અને કઈ કહ્યાં વગર ચાલ્યા જાઓ છો? જો આપણે આવું કરતા હોય તો, ભલે આપણો ખોટો ઇરાદો નથી પણ આવી આદતથી લોકોને અપમાન લાગી શકે.

ઈસુએ આપણને સારી સલાહ આપી છે: “જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા?” (માથ. ૫:૪૭) આ બાબતે ડોનાલ્ડ વાઈસે લખ્યું: ‘લોકોને નજરઅંદાજ કરવામાં આવે એ ગમતું નથી. બીજાઓને નજરઅંદાજ કરવાનું કોઈ કારણ પણ નથી. એટલે તમે લોકોને “કેમ છો” કહો. તેઓ સાથે થોડી વાત કરો.’ ચાલો આપણે કોઈને નજરઅંદાજ ન કરીએ પણ મળતાવડા બનીએ. એમ કરવાથી સારા પરિણામ આવશે.

૧૦. સારી વર્તણૂકથી સેવાકાર્યમાં કેવો ફાયદો થઈ શકે? (‘ સ્માઈલ આપીને વાતચીત શરૂ કરીએ’ બૉક્સ જુઓ.)

૧૦ ઉત્તર અમેરિકાના એક શહેરમાં રહેતા ટૉમ અને કેરોલ નામના યુગલનો વિચાર કરીએ. તેઓ બધા સાથે સારો વહેવાર રાખે છે, જેથી ઈશ્વરનો સંદેશો જણાવવાનો વધારે મોકો મળે. લોકો તેમની સાથે ખુલ્લા દિલે વાત કરી શકે એ માટે તેઓ શું કરે છે? યાકૂબ ૩:૧૮ના વિચારો જણાવતા ટૉમ કહે છે: ‘અમે બધા સાથે શાંતિથી અને હળીમળીને રહેવા કોશિશ કરીએ છીએ. લોકો તેમના ઘરની બહાર કંઈ કામ કરતા હોય તેઓ સાથે વાત કરીએ છીએ. અમારા પ્રચાર વિસ્તારમાં કોઈ કામ કરવા આવ્યું હોય તેઓ સાથે પણ વાત કરીએ છીએ. અમે સ્માઈલ આપીને તેઓને ગમતી બાબતો વિષે વાત કરીએ છીએ. જેમ કે, તેઓના બાળકો, ઘર, નોકરી અને પાળેલા કૂતરા વિષે. આમ કરવાથી તેઓ અમને મિત્ર ગણે છે.’ કેરોલ પણ કહે છે: ‘તેઓને પાછા મળવા જોઈએ ત્યારે એકબીજાને વધારે સારી રીતે ઓળખીએ છીએ. તેઓને જણાવીએ છીએ કે અમે આ વિસ્તારમાં કેવું કામ કરી રહ્યાં છીએ. આ રીતે અમે તેઓને ઈશ્વરનો સંદેશો જણાવીએ છીએ. પણ અમારી વાતચીત ટૂંકી રાખીએ છીએ.’ ટૉમ અને કેરોલની સારી રીતભાતને લીધે અનેક લોકો તેઓને મિત્ર ગણે છે. અનેક લોકોએ બાઇબલ આધારિત પુસ્તક-પુસ્તિકાઓ લીધા છે. અમુક તો બાઇબલમાંથી સત્ય શીખે છે.

મુશ્કેલ સંજોગોમાં પણ સારું વર્તન રાખો

૧૧, ૧૨. પ્રચારમાં વિરોધ થાય તો કેમ નવાઈ લાગવી ન જોઈએ? વિરોધીઓ સામે કઈ રીતે વર્તવું જોઈએ?

૧૧ અમુક વખતે પ્રચારમાં લોકોના કડવા વેણ આપણે સાંભળવા પડે છે. એવું તો થશે જ, કેમ કે ઈસુએ કહ્યું: “જો તેઓ મારી પૂઠે પડ્યા, તો તેઓ તમારી પૂઠે પણ પડશે.” (યોહા. ૧૫:૨૦) પણ જો આપણે જેવા સાથે તેવા થઈશું તો એનું સારું પરિણામ નહિ આવે. તો પછી, આપણે વિરોધીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ? પીતરે સલાહ આપી: ‘ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં હૃદયમાં પવિત્ર માનો. અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી જવાબ આપવાને સદા તૈયાર રહો.’ (૧ પીત. ૩:૧૫) જો આપણે નમ્રતાથી અને માનથી વર્તીશું તો, વિરોધીઓનું વર્તન બદલાઈ શકે.—તીત. ૨:૭, ૮.

૧૨ જોકે, વિરોધીઓને જવાબ આપવો સહેલો નથી. આપણે કેવી રીતે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે વિરોધીઓને જવાબ આપી શકીએ? પાઊલે એ વિષે સલાહ આપી: ‘તમારૂં બોલવું હમેશાં કૃપાયુક્ત હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.’ (કોલો. ૪:૬) કુટુંબમાં, સ્કુલમાં, નોકરી પર, મંડળમાં અને પડોશીઓ સાથે બોલવાની આપણી રીતભાત હંમેશા સારી હોવી જોઈએ. એવી આદત હશે તો, પ્રચારમાં આપણા વિરોધીઓને પણ નમ્રતાથી જવાબ આપી શકીશું.—રૂમી ૧૨:૧૭-૨૧ વાંચો.

૧૩. નમ્ર સ્વભાવ રાખવાથી વિરોધીઓનું વર્તન બદલાઈ શકે એનો દાખલો આપો.

૧૩ વિરોધ થાય ત્યારે આપણે સારું વર્તન રાખીશું તો, સારા પરિણામ આવશે. જાપાનમાં એક ભાઈ સાથે આવું જ બન્યું હતું. તે પ્રચારમાં ગયા ત્યારે એક ઘરમાલિકે અને તેના મહેમાને ભાઈનો વિરોધ કરીને જેમ-તેમ બોલવા લાગ્યા. પણ ભાઈ નમ્રભાવે ત્યાંથી નીકળી ગયા. તેમણે બીજા ઘરોમાં ઈશ્વરનો સંદેશો જણાવવાનું ચાલુ રાખ્યું. એ મહેમાન, ભાઈની પાછળ પાછળ જઈને થોડે દૂરથી નજર રાખતો હતો. આપણા ભાઈ તેની પાસે ગયા ત્યારે તેણે કહ્યું, ‘મને માફ કરો. મેં જોયું કે અમે જેમ-તેમ બોલતા હતા તોપણ તમે હસતો ચહેરો રાખ્યો. હું પણ કઈ રીતે તમારા જેવો સ્વભાવ કેળવી શકું?’ એ માણસ ખૂબ નિરાશ હતો કેમ કે, તેણે નોકરી ગુમાવી હતી. થોડા સમય પહેલા તેની મા પણ ગુજરી ગઈ હતી. આપણા ભાઈએ તેને બાઇબલ સ્ટડી ઑફર કરી. તેણે એ સ્વીકારી અને થોડા સમયમાં અઠવાડિયામાં બે વાર સ્ટડી કરવા લાગ્યો.

બાળકોને સારા સંસ્કાર શીખવીએ

૧૪, ૧૫. બાઇબલ સમયમાં યહોવાહના ભક્તો પોતાનાં બાળકોને શું શીખવતા?

૧૪ બાઇબલ સમયમાં બાળકોને સારા સંસ્કાર માબાપ આપતા હતા. ઉત્પત્તિ ૨૨:૭માં જોવા મળે છે કે ઇબ્રાહીમ અને ઇસ્હાકે એકબીજા સાથે માનથી વાત કરી. યુસફને પણ તેના માબાપે સારા સંસ્કાર આપ્યા હતા. એટલે તે કેદખાનામાં હતા ત્યારે બીજા કેદીઓ સાથે સારું વર્તન રાખ્યું. (ઉત. ૪૦:૮, ૧૪) ઇજિપ્તના રાજા સાથે પણ માનથી વાત કરી. એ બતાવે છે કે યુસફમાં નાનપણથી સારા સંસ્કાર હતા.—ઉત. ૪૧:૧૬, ૩૩, ૩૪.

૧૫ ઈસ્રાએલીઓને આપવામાં આવેલી દસ આજ્ઞાઓમાં એક આ હતી: “તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ; કે તારો દેવ યહોવાહ જે દેશ તને આપે છે તેમાં તારૂં આયુષ્ય દીર્ઘ થાય.” (નિર્ગ. ૨૦:૧૨) માબાપનું માન રાખવાની એક રીત છે કે બાળકો ઘરમાં સારી વર્તણૂક બતાવે. પિતા યિફતાહને માન આપવા તેમની દીકરીએ ઘણું જતું કર્યું હતું. તેણે પિતાનું વચન પૂરું કરવા મુશ્કેલ સંજોગો પણ સહન કર્યા.—ન્યા. ૧૧:૩૫-૪૦.

૧૬-૧૮. (ક) બાળકોમાં સારા સંસ્કાર કેળવવા શું કરી શકાય? (ખ) બાળકોને સારા સંસ્કાર શીખવવાથી શું ફાયદો થશે?

૧૬ બાળકોને નાનપણથી સારા સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. એનાથી તેઓ બધા સાથે સારી રીતે વર્તવાનું શીખશે. નાનપણથી બાળકોને શીખવવું જોઈએ કે મહેમાનો આવે ત્યારે શું કહેવું જોઈએ, ફોન પર કેવી રીતે બોલવું જોઈએ અને જમતી વખતે કેવું વર્તન રાખવું જોઈએ. તેઓને એ પણ સમજાવવું જોઈએ કે મોટી ઉંમરની વ્યક્તિને બેસવા માટે જગ્યા આપવી જોઈએ. બીમાર અને ઘરડાં લોકોને મદદ કરવી જોઈએ. કોઈ પાસે વધારે સામાન હોય તો એ ઊંચકવા મદદ કરવી જોઈએ. તેઓને આ બધું કહેવાનું પણ શીખવવું જોઈએ, જેમ કે “પ્લીઝ,” “થેંક્યું,” “સોરી,” “હું તમને મદદ કરી શકું?”

૧૭ નાનપણથી બાળકોમાં સારા સંસ્કાર કેળવવા અશક્ય નથી. તેઓને એ શીખવવા સૌથી પહેલા માબાપે સારો દાખલો બેસાડવો જોઈએ. પચ્ચીસ વર્ષનો કર્ટ અને તેના ત્રણ ભાઈઓ નાનપણથી સારા સંસ્કાર શીખ્યા. કર્ટ કહે છે: ‘અમે જોયું કે મમ્મી-પપ્પા કઈ રીતે એકબીજા સાથે વર્તતા. તેઓ કઈ રીતે બીજા લોકોનો વિચાર કરતા અને તેમની સાથે ધીરજથી વર્તતા. મિટિંગ પહેલા અને પછી પપ્પા મોટી ઉંમરના ભાઈ-બહેનોને મળતા ત્યારે મને સાથે રાખતા. તે માનથી તેઓ સાથે વાત કરતા હતા એ હું સાંભળતો હતો. સમય જતાં, હું પણ પપ્પાની જેમ વર્તવા લાગ્યો. લોકો સાથે માનથી વાત કરવી મારી આદત બની ગઈ. હું માનું છું કે આપણે કોઈના કહેવાથી નહિ, પણ દિલથી સારું વર્તન બતાવવું જોઈએ.’

૧૮ બાળકોને સારા સંસ્કાર શીખવવાથી શું ફાયદો થશે? એનાથી બાળકો સારા મિત્રો બનાવી શકશે. બીજાઓ સાથે હળીમળીને રહી શકશે. તેઓ નોકરી પર બીજા લોકો સાથે સારી રીતે વર્તી શકશે. બાળકોમાં સારા સંસ્કાર હશે તો, એનાથી માબાપને પણ ખુશી અને સંતોષ મળશે.—નીતિવચનો ૨૩:૨૪, ૨૫ વાંચો.

સારી વર્તણૂકથી આપણે દુનિયાથી અલગ દેખાઈશું

૧૯, ૨૦. શા માટે આપણે યહોવાહ અને ઈસુને અનુસરવું જોઈએ?

૧૯ આજે દુનિયામાં મોટા ભાગના લોકો પદવી કે ધનદોલત મેળવવા સારી વર્તણૂકનો ઢોંગ કરે છે. (યહુ. ૧૬) પણ આપણે એમ નહિ કરીએ. કેમ કે, પાઊલે લખ્યું: “તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારાં થાઓ.” (એફે. ૫:૧) આપણે યહોવાહ અને ઈસુને અનુસરવું જોઈએ. એ માટે આ લેખમાં શીખેલા અને બાઇબલના બીજા સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડીએ.

૨૦ શેતાનના રાજના આ છેલ્લા દિવસો ચાલી રહ્યાં છે. એટલે તે યહોવાહે આપેલા સારા સંસ્કારોનું નામનિશાન મિટાવી દેવા માંગે છે. પણ શેતાન કદીયે યહોવાહના ભક્તોમાંથી સારા સંસ્કારને કાઢવામાં સફળ થશે નહિ. તેથી ચાલો આપણે સારી વર્તણૂક રાખવા માટે યહોવાહ અને ઈસુને અનુસરીએ. એમ કરવાથી આપણા વાણી-વર્તન આ દુનિયાના લોકોથી સાવ અલગ તરી આવશે. એ ઉપરાંત, આપણે યહોવાહને મહિમા આપી શકીશું. નમ્ર દિલના લોકોને યહોવાહની ભક્તિ તરફ દોરી શકીશું. (w09 11/15)

[ફુટનોટ્‌સ]

^ હેબ્રીમાંથી ભાષાંતર થએલો ‘કૃપા’ શબ્દ એવી વ્યક્તિને લાગુ પડે છે જેની વર્તણૂક કે રીતભાત સારી હોય, સંસ્કારી હોય, બીજાનો વિચાર કરતી હોય.

^ અમુક સમાજના રિવાજ પ્રમાણે મોટી ઉંમરની વ્યક્તિને નામથી બોલાવીએ તો અપમાન ગણાય છે. જો વ્યક્તિ પોતે એમ કરવા કહે તો, નામથી તેઓને બોલાવી શકાય. સમાજના એવા રિવાજો આપણે પાળવા જોઈએ.

શું તમને યાદ છે?

• સારી વર્તણૂક વિષે આપણે યહોવાહ અને ઈસુ પાસેથી શું શીખી શકીએ?

• લોકોને સ્માઈલ આપીને વાતચીત કરવાથી તેઓને આપણા વિષે કેવું લાગશે?

• પ્રચારમાં સારી વર્તણૂક રાખવાથી કેવા ફાયદા થઈ શકે?

• બાળકોને સારા સંસ્કાર શીખવવામાં માબાપે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]

 સ્માઈલ આપીને વાતચીત શરૂ કરીએ

અમુક લોકો અજાણ્યા સાથે વાત કરતા અચકાય છે. પણ આપણને યહોવાહ અને લોકો માટે પ્રેમ હોવાથી બધા સાથે વાતચીત કરવા માંગીએ છીએ, જેથી તેઓ બાઇબલનો સંદેશો જાણી શકે. વાતચીત શરૂ કરવા બીજું શું કરી શકીએ?

એક મહત્ત્વનો સિદ્ધાંત ફિલિપી ૨:૪માં જોવા મળે છે: “તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખો.” આ શબ્દોને લાગુ પાડવા એક દાખલો લઈએ: કોઈ અજાણી વ્યક્તિને મળીએ તો શું કરવું જોઈએ? સૌથી પહેલા તેઓને સ્માઈલ આપીએ, ‘કેમ છો’ કહીએ. એનાથી કદાચ તેઓ આપણી સાથે વાત કરતા અચકાશે નહિ. પણ એટલું જ પૂરતું નથી.

આપણે કોઈ સ્ત્રી-પુરુષ સાથે વાત શરૂ કરીએ એ પહેલાં તેઓ બીજા કોઈ વિચારમાં ડૂબેલા હોઈ શકે. જો આપણે તેઓના વિચારો જાણ્યા વગર પોતાના જ વિચારો જણાવીશું તો, તેઓ કદાચ આપણી સાથે વધારે વાત નહિ કરે. તેથી શક્ય હોય તો વાતચીત શરૂ કરતા પહેલાં, વ્યક્તિ શું વિચારે છે એ તેના સંજોગોથી પારખીએ. પછી એના આધારે વાત શરૂ કરી શકીએ. ઈસુ, સમરૂની સ્ત્રીને કૂવા પાસે મળ્યા ત્યારે એમ જ કર્યું હતું. (યોહા. ૪:૭-૨૬) તે સ્ત્રીનું મન પાણી ભરવામાં હતું. એના આધારે ઈસુએ વાતચીત શરૂ કરી. એ વાતચીતમાં ઈસુએ તેને ઈશ્વરનો સંદેશો જણાવ્યો અને બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ.

[પાન ૨૮ પર ચિત્ર]

લોકો સાથે હળીમળીને રહીશું તો તેઓને ઈશ્વરનો સંદેશો જણાવી શકીશું

[પાન ૩૦ પર ચિત્ર]

સારા સંસ્કાર હંમેશા બતાવીએ