સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મંડળમાં એકબીજાને પ્રેમ બતાવતા રહીએ

મંડળમાં એકબીજાને પ્રેમ બતાવતા રહીએ

મંડળમાં એકબીજાને પ્રેમ બતાવતા રહીએ

‘પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો.’—એફે. ૫:૨.

૧. શિષ્યો કઈ નિશાનીથી ઓળખાશે, એ વિષે ઈસુએ શું કહ્યું?

 યહોવાહના સાક્ષીઓ ઘરે ઘરે જઈને ઈશ્વરનો સંદેશો જણાવવા માટે જગજાહેર છે. જોકે ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો બીજી એક નિશાનીથી પણ ઓળખાશે. તેમણે કહ્યું: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૪, ૩૫.

૨, ૩. મંડળમાં નવા આવનારા પર આપણા પ્રેમની કેવી અસર પડે છે?

યહોવાહના સાક્ષીઓ વચ્ચે જે પ્રેમ છે, એવો બીજે ક્યાંય જોવા મળતો નથી. પ્રેમ, યહોવાહના ભક્તોને એકતામાં જોડી રાખે છે. યહોવાહના ભક્તો વચ્ચે પ્રેમ જોઈને, જેમ લોહચુંબક લોઢાને ખેંચે છે તેમ નેકદિલ લોકો યહોવાહની ભક્તિ કરવા ખેંચાય છે. આવું જ કૅમરૂનમાં રહેતા માર્સીલીનોએ અનુભવ્યું. તેણે કામની જગ્યાએ અકસ્માતમાં પોતાની આંખો ગુમાવી. એ પછી લોકોએ અફવા ફેલાવી કે માર્સીલીનો મેલીવિદ્યા કરતો હોવાથી આંધળો થઈ ગયો. પાદરીએ અને બીજા સભ્યોએ તેને દિલાસો અને મદદ આપવાને બદલે ચર્ચમાંથી કાઢી મૂક્યો. યહોવાહના એક સાક્ષીએ માર્સીલીનોને ધાર્મિક સભામાં આવવાનું કહ્યું ત્યારે તે થોડો અચકાયો. તેને લાગ્યું કે અહીં પણ લોકો મને બહાર કાઢી મૂકશે.

માર્સીલીનો મંડળમાં આવ્યો ત્યારે પોતે ધારતો હતો એનાથી સાવ ઊંધું થયું. મંડળમાં ઘણા ભાઈ-બહેનોએ તેનો દિલથી આવકાર કર્યો. તેણે બાઇબલમાંથી જે સાંભળ્યું એમાંથી ઘણો દિલાસો મળ્યો. ત્યાર બાદ તે દરેક સભામાં આવવા લાગ્યો. તેણે ઘણી પ્રગતિ કરી અને ૨૦૦૬માં બાપ્તિસ્મા લીધું. તે હવે પોતાના કુટુંબીજનો અને પાડોશીઓને સત્ય વિષે જણાવે છે. અમુક સાથે બાઇબલ સ્ટડી પણ કરે છે. માર્સીલીનો ચાહે છે કે તેને મંડળમાં જે પ્રેમ મળ્યો, એવો જ પ્રેમ પોતાની સાથે સ્ટડી કરતા લોકોને પણ મળે.

૪. ‘પ્રેમમાં ચાલતા રહેવા’ વિષેની પાઊલની સલાહ કેમ આપણે પાળવી જોઈએ?

મંડળમાં મળતો પ્રેમ કોને ન ગમે? પણ એ પ્રેમ જાળવી રાખવા બધાએ પ્રયત્ન કરવો જોઈએ. દાખલા તરીકે, કકડતી ઠંડીમાં ગરમી મેળવવા તાપણું સળગાવીએ છીએ. એ સળગતું રહે માટે લાકડાં નાખવા પડે છે. એમ નહિ કરીએ તો તાપણું હોલવાઈ જશે. એવી જ રીતે, જો દરેક વ્યક્તિ મંડળમાં પ્રેમ વધારવા પ્રયત્નો નહિ કરે તો એ પ્રેમ જલદી હોલવાઈ જશે. પ્રેમને સળગતા તાપણાની જેમ રાખવા આપણે શું કરી શકીએ? એનો જવાબ પાઊલના શબ્દોમાંથી મળે છે: ‘જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી, અને દેવની આગળ સુવાસને અર્થે, આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ, તમે પ્રેમમાં ચાલો.’ (એફે. ૫:૨) તો આપણને થઈ શકે: ‘હું કેવી રીતે પ્રેમમાં ચાલતો રહી શકું?’

‘દિલ ખુલ્લું રાખીએ’

૫, ૬. પાઊલે શા માટે કોરીંથીઓને ખુલ્લા દિલથી પ્રેમ બતાવવાનું કહ્યું?

પાઊલે કોરીંથના ભાઈ-બહેનોને લખ્યું: “અમે પ્રમાણિકતાથી અને અમારા દિલ ખોલીને વાત કરી છે. અમારા હૃદયો તમારી તરફ કદી પણ બંધ કર્યા નથી, છતાં તમે તમારા હૃદયો અમારી તરફ બંધ કર્યા છે. તમે મારા બાળકો હો, તે રીતે હવે હું વાત કરું છું. અમને તમારે માટે જે લાગણી છે તેવી જ લાગણી તમે અમારા પ્રત્યે પણ દર્શાવો. તમારા દિલ અમારી આગળ ખુલ્લાં કરો.” (૨ કોરીં. ૬:૧૧-૧૩, પ્રેમસંદેશ) પાઊલે શા માટે કોરીંથીઓને ખુલ્લા દિલથી પ્રેમ બતાવવાનું કહ્યું?

એનો જવાબ મેળવવા પહેલાં એ જોઈએ કે કોરીંથ મંડળની શરૂઆત કઈ રીતે થઈ. ઈસવીસન ૫૦ના છેલ્લાં બે-ત્રણ મહિનામાં પાઊલ કોરીંથ શહેરમાં આવ્યા હતા. ત્યાં તેમને પ્રચારકામમાં ઘણી મુશ્કેલીઓ આવી, છતાં હિંમત ન હાર્યા. થોડા જ સમયમાં ઘણા લોકોએ સંદેશામાં વિશ્વાસ મૂક્યો. પાઊલે એ મંડળમાં “દોઢ વરસ સુધી” લોકોને શીખવ્યું અને તેઓને હિંમત આપી. આ બતાવે છે કે તેમને કોરીંથના ભાઈ-બહેનો માટે ખૂબ પ્રેમ હતો. (પ્રે.કૃ. ૧૮:૫, ૬, ૯-૧૧) આવો પ્રેમ અને બીજાં ઘણાં કારણોને લીધે કોરીંથના ભાઈ-બહેનોએ પાઊલને પ્રેમ અને માન બતાવવાની જરૂર હતી. પણ મંડળના અમુક ભાઈ-બહેનો પાઊલથી દૂર થઈ ગયા. તેઓમાંના અમુકને કદાચ પાઊલની કડક સલાહ ગમી નહિ. (૧ કોરીં. ૫:૧-૫; ૬:૧-૧૦) જ્યારે કે અમુક કદાચ કહેવાતા ‘પ્રેરિતોનું’ માનતા હતા. (૨ કોરીં. ૧૧:૫, ૬) પાઊલ ચાહતા હતા કે ભાઈ-બહેનો તેમને ખરા દિલથી પ્રેમ કરે. એટલે તેમણે ઉત્તેજન આપ્યું કે તેઓ પોતાનું ‘દિલ ખુલ્લું રાખીને’ તેમની સાથે અને મંડળના બધા સાથે ગાઢ સંબંધ કેળવે.

૭. આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવા કેવી રીતે દિલ ખુલ્લું રાખી શકીએ?

આપણા વિષે શું? આપણે પણ પ્રેમ બતાવવા કેવી રીતે દિલ ખુલ્લું રાખી શકીએ? જોવા મળ્યું છે કે સરખી ઉંમર કે સંસ્કૃતિના લોકો માટે એકબીજાને પ્રેમ બતાવવો સહેલું છે. તેમ જ જેઓની પસંદ-નાપસંદ સરખી છે તેઓ પણ એકબીજા સાથે વધારે સમય પસાર કરે છે. પણ જો મંડળમાં આપણને ગમતી વ્યક્તિઓ સાથે જ રહીશું તો, બીજા ભાઈ-બહેનો વિષે શું? તેઓથી દૂર રહેવાને બદલે આપણે ‘દિલ ખુલ્લું’ રાખવું જોઈએ. એમ કરવા આપણે આ સવાલો પર વિચાર કરી શકીએ: ‘શું હું મંડળમાં મિત્રો સાથે જ રહું છું? શું તેઓ સાથે જ પ્રચારમાં જઉં છું? મંડળના બીજા ભાઈ-બહેનો સાથે શું હું ભાગ્યે જ સમય પસાર કરું છું? કિંગ્ડમ હૉલમાં નવી નવી વ્યક્તિઓ આવતી હોય ત્યારે શું હું તેઓથી દૂર રહું છું? શું હું એમ વિચારું છું કે તેઓ સત્યમાં મક્કમ થાય પછી જ હું તેઓ સાથે દોસ્તી બાંધીશ? શું હું મંડળમાં નાના-મોટા બધાના ખબર અંતર પૂછું છું?’

૮, ૯. રૂમી ૧૫:૭માં આપેલી પાઊલની સલાહ કઈ રીતે પાળી શકીએ?

પાઊલે રૂમીના ભાઈ-બહેનોને જે સલાહ આપી એમાંથી આપણે ભાઈ-બહેનોના ખબર અંતર પૂછવા વિષે ઘણું શીખી શકીએ. (રૂમી ૧૫:૭ વાંચો.) ગ્રીક ભાષામાં “અંગીકાર” માટે વપરાયેલા શબ્દનો અર્થ થાય, ‘બીજાનો દયાભાવથી કે પરોણાગતથી આવકાર કરવો. વ્યક્તિને પોતાના મિત્રો તરીકે સ્વીકારવી.’ બાઇબલ સમયમાં મહેમાનોનો ઘરમાં આવકાર કરતી વખતે યજમાન જણાવતા કે તેઓના આવવાથી તેમને કેટલી ખુશી થઈ છે. આપણે મંડળમાં આવ્યા ત્યારે ઈસુને એવી જ ખુશી થઈ હતી. આપણે પણ મંડળમાં બીજાઓનો ખુશીથી આવકાર કરવો જોઈએ.

મંડળમાં કે કોઈ પણ જગ્યાએ આપણે બધા ભાઈ-બહેનોને મળવું જોઈએ. ખાસ કરીને અમુક સમયથી મળ્યા ન હોય અથવા કદી જોયા ન હોય તેઓને. કેમ નહિ કે એવા ભાઈ-બહેનો સાથે થોડી મિનિટો વધારે વાત કરવા કોશિશ કરીએ. આવતી મિટિંગમાં બીજાઓ સાથે વાત કરવાની કોશિશ કરીએ. આમ કરવાથી થોડા જ સમયમાં આપણે મંડળના બધા ભાઈ-બહેનો સાથે વાત કરી શકીશું. આપણે એક જ દિવસમાં બધા સાથે વાત ન કરી શકીએ તો, ચિંતા ન કરીએ. જો મંડળમાં આપણે કોઈને દર વખતે મળી ન શકીએ તો કોઈએ એનું ખોટું ન લગાડવું જોઈએ.

૧૦. મંડળમાં આપણા બધા માટે કેવી તક રહેલી છે? શું કરવાથી આપણે વધારે દોસ્તો બનાવી શકીશું?

૧૦ આપણે બીજાનો પ્રેમથી આવકાર કરવો હોય તો તેઓને ‘કેમ છો’ કહીને વાતચીત શરૂ કરીએ. આમ કરવાથી કદાચ તેઓને જાણી શકીશું અને પાકી દોસ્તી બાંધી શકીશું. દાખલા તરીકે, નાના-મોટા સંમેલનોમાં આપણે નવા ભાઈ-બહેનોને મળીએ છીએ. એકબીજાને પોતાની ઓળખ આપીને દોસ્તી બાંધીએ છીએ. પછી આવતા સંમેલનમાં તેઓને મળવાની રાહ જોઈએ છીએ. સંમેલનમાં જ નહિ, કિંગ્ડમ હૉલ બાંધકામમાં કે આફત પછી રાહતકામમાં મદદ કરનાર ભાઈ-બહેનોએ કબૂલ્યું છે કે તેઓએ સારા દોસ્તો બનાવ્યા છે. કઈ રીતે? તેઓ એકબીજાને પોતાના અનુભવો જણાવે છે. એનાથી તેઓ એકબીજાના સારા ગુણો જોઈ શકે છે અને સારા દોસ્તો બને છે. યહોવાહના સંગઠનમાં આપણને ભાઈ-બહેનો સાથે સારી દોસ્તી બાંધવાની ઘણી તક મળે છે. જો આપણે ‘ખુલ્લું દિલ’ રાખીએ તો વધારે ને વધારે દોસ્તો બનાવી શકીશું. એમ કરવાથી યહોવાહની ભક્તિમાં આપણા બધા વચ્ચે પ્રેમ અને સંપ વધશે.

બીજાઓને સમય આપીએ

૧૧. માર્ક ૧૦:૧૩-૧૬ પ્રમાણે ઈસુએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?

૧૧ ઈસુને મળવા કોઈ અચકાતું નહિ. તેમણે બધાને સમય આપ્યો. આપણે પણ તેમને અનુસરવું જોઈએ. દાખલા તરીકે, જ્યારે શિષ્યો બાળકોને ઈસુ પાસે આવવા દેતા ન હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું: ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા, કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું છે. અને તેણે બાળકોને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.’ (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુએ બાળકોને ખૂબ પ્રેમ બતાવ્યો અને સમય આપ્યો. ઈસુને મળીને એ બાળકોને કેવી ખુશી થઈ હશે એની કલ્પના કરો!

૧૨. કયા કારણે ભાઈ-બહેનો આપણી સાથે વાત કરતા અચકાઈ શકે?

૧૨ આપણે બધાએ પોતાને પૂછવું જોઈએ, ‘શું હું ભાઈ-બહેનોને સમય આપું છું કે પછી હરવખત ઘણો વ્યસ્ત રહું છું?’ કદાચ આપણી અમુક ટેવને લીધે બીજાઓ આપણી સાથે વાત કરતા અચકાઈ શકે. દાખલા તરીકે, જો આપણે હંમેશા મોબાઇલ ફોન પર વાત કરતા હોય, કે હંમેશા હેડફોનથી કંઈ સાંભળતા હોય તો, એવું લાગશે કે આપણને કોઈની સાથે વાત કરવી નથી. જો આપણે હંમેશા મોબાઇલ કે પામટોપમાં કંઈ કરતા રહીશું તો, બીજાને લાગશે કે આપણને તેઓ સાથે વાત કરવામાં કોઈ રસ નથી. ખરું કે, “ચૂપ રહેવાનો વખત” હોય છે. પણ આપણે ભાઈ-બહેનો સાથે હોઈએ ત્યારે એ “બોલવાનો વખત” છે. (સભા. ૩:૭) અમુક કહેશે કે ‘મને એકલા રહેવું ગમે છે.’ અથવા ‘મને સવારના શરૂ શરૂમાં બીજાઓ સાથે વાત કરવું ગમતું નથી.’ આપણને ન ગમે તોપણ બીજાઓ સાથે સારી વાતચીત કરવાથી, એવો પ્રેમ બતાવીએ છીએ જે ‘પોતાનું જ હિત જોતો નથી.’—૧ કોરીં. ૧૩:૫.

૧૩. પાઊલે તીમોથીને કેવું ઉત્તેજન આપ્યું?

૧૩ પાઊલે યુવાન તીમોથીને ઉત્તેજન આપ્યું કે મંડળમાં બધાનું માન રાખે. (૧ તીમોથી ૫:૧, ૨ વાંચો.) આપણે પણ મંડળમાં મોટી ઉંમરના ભાઈ-બહેનોને મા-બાપની જેમ ગણવા જોઈએ. તેમ જ, નાની ઉંમરનાને આપણા સગા ભાઈ-બહેનની જેમ ગણવા જોઈએ. આપણે આવું વલણ રાખીશું તો, મંડળમાં કોઈ પણ આપણી સાથે વાત કરતા અચકાશે નહિ.

૧૪. બીજાઓ સાથે ઉત્તેજનભરી વાતચીત કરવાથી કેવા લાભ થાય છે?

૧૪ આપણે બીજાઓ સાથે ઉત્તેજનભરી વાત શરૂ કરીએ છીએ ત્યારે ઘણાં સારાં પરિણામ આવે છે. એનાથી સામેવાળી વ્યક્તિને ખુશી મળે છે અને યહોવાહમાં તેનો વિશ્વાસ મજબૂત થાય છે. બેથેલના એક ભાઈનો અનુભવ લઈએ. બેથેલમાં જોડાયા ત્યારના દિવસો હજી તેમને યાદ છે. કારણ કે, ઘણાં વર્ષોથી સેવા આપી રહેલા ભાઈ-બહેનો તેમની સાથે વાત કરવા સમય આપતા. તેઓના ઉત્તેજનભર્યા શબ્દોથી ભાઈને થયું કે પોતે પણ બેથેલ પરિવારનો એક ભાગ છે. હવે તે પણ બેથેલમાં બીજા ભાઈ-બહેનો સાથે વાત કરવા સમય આપે છે.

શાંતિ જાળવી રાખવા નમ્રતા જરૂરી છે

૧૫. શું બતાવે છે કે ભાઈ-બહેનો વચ્ચે પણ તકરાર ઊભી થઈ શકે?

૧૫ પહેલી સદીના ફિલિપી શહેરમાં યુઓદિયા તથા સુન્તુખે નામની બે બહેનો હતી. એવું લાગે છે કે તેઓ વચ્ચે તકરાર ઊભી થઈ હતી અને સુલેહ-શાંતિ સહેલાઈથી કરી ન શકી. (ફિલિ. ૪:૨, ૩) પાઊલ અને બાર્નાબાસ વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને તેઓ થોડા સમય માટે અલગ થયા. મંડળના ભાઈ-બહેનોને પણ એ વિષે જાણ થઈ હતી. (પ્રે.કૃ. ૧૫:૩૭-૩૯) આ બતાવે છે કે અમુક વખતે યહોવાહના ભક્તો વચ્ચે પણ તકરાર ઊભી થઈ શકે. પણ યહોવાહ આપણને તકરાર થાળે પાડવા અને દોસ્તી જાળવી રાખવા મદદ કરે છે. જોકે તે ચાહે છે કે આપણે પણ તકરાર દૂર કરવા કંઈક કરીએ.

૧૬, ૧૭. (ક) તકરારને થાળે પાડવા નમ્રતા કેમ જરૂરી છે? (ખ) યાકૂબના દાખલાથી કેમ કહી શકીએ કે નમ્રતા જરૂરી છે?

૧૬ આપણે નમ્રતા બતાવવાની જરૂર છે. નમ્રતાને ચાવી સાથે સરખાવી શકાય. જેમ ચાવીથી દરવાજો ખોલીએ છીએ તેમ નમ્રતા બતાવવાથી આપણે મતભેદમાંથી શાંતિનો માર્ગ ખોલી શકીએ. નમ્રતા વગર તકરારનો હલ લાવી ન શકાય. (યાકૂબ ૪:૧૦ વાંચો.) હવે આપણે બાઇબલમાંથી એક દાખલો જોઈશું જે બતાવશે કે નમ્રતા કેળવવાથી કઈ રીતે તકરાર દૂર કરી શકાય.

૧૭ એસાવે મોટા દીકરા તરીકેનો હક્ક ગુમાવ્યો હોવાથી યાકૂબ પર ઘણો ગુસ્સે હતો. તે તેને મારી નાખવા માંગતો હતો. હવે ૨૦ વર્ષ પછી યાકૂબ અને તેનો જોડિયો ભાઈ ફરીથી મળવાના હતા. એ કારણે “યાકૂબ બહુ બીધો, ને ગભરાયો.” યાકૂબને લાગ્યું કે આ વખતે એસાવ તેને જરૂર મારી નાખશે. પણ તેઓ મળ્યા ત્યારે યાકૂબે એવું કંઈક કર્યું જે એસાવે ધાર્યું પણ ન હતું. તેના ભાઈને થોડે દૂરથી જોઈને યાકૂબે ‘જમીન સુધી નમીને પ્રણામ કર્યા.’ પછી શું થયું? “એસાવ તેને મળવાને દોડ્યો, ને તેને ભેટ્યો, ને તેની કોટે વળગીનેં તેને ચૂમ્યો; અને તેઓ રડ્યા.” તેઓ વચ્ચે ઝગડો થવાનો ખતરો હતો એ ટળી ગયો. યાકૂબે જે નમ્રતા બતાવી એનાથી એસાવના મનમાં જે કડવાશ હતી એ નીકળી ગઈ.—ઉત. ૨૭:૪૧; ૩૨:૩-૮; ૩૩:૩, ૪.

૧૮, ૧૯. (ક) તકરાર ઊભી થાય ત્યારે શા માટે બાઇબલની સલાહ પાળવા પહેલ કરવી જોઈએ? (ખ) જો પહેલું પગલું લઈએ અને તકરારનો હલ ન આવે તો શા માટે હિંમત ન હારવી જોઈએ?

૧૮ તકરારને થાળે પાડવા બાઇબલમાં ઘણી સારી સલાહ છે. (માથ. ૫:૨૩, ૨૪; ૧૮:૧૫-૧૭; એફે. ૪:૨૬, ૨૭) * જો આપણે નમ્રતાથી એ સલાહ પાળીશું, તો મિત્રો વચ્ચે શાંતિ જાળવી શકીશું. આપણે એમ ન વિચારવું જોઈએ કે ‘બીજી વ્યક્તિ પહેલાં માફી માંગે, પછી જ હું માંગીશ.’ બંને વ્યક્તિ પાસે નમ્રતાની ચાવી છે. તેથી નમ્રતા બતાવવા આપણે પોતે પહેલ કરવી જોઈએ.

૧૯ શાંતિ જાળવવાનું પહેલું પગલું લઈએ અને કોઈ કારણસર તકરાર દૂર ન થાય તો, હિંમત ન હારવી જોઈએ. કદાચ એ વ્યક્તિને વધારે સમયની જરૂર હશે. દાખલા તરીકે, યુસફના ભાઈઓએ તેની સાથે ખરાબ વહેવાર કર્યો હતો. લાંબો સમય પસાર થયા પછી તેઓ યુસફને ફરી મળ્યા. હવે તો યુસફ ઇજિપ્તમાં મોટો પ્રધાન બની ગયો હતો. પણ આ વખતે યુસફના ભાઈઓના દિલ બદલાઈ ગયા હતા. યુસફે તેઓને માફ કર્યા. યાકૂબના દીકરાઓમાં બદલાવ થયો હોવાથી તેઓની એક મોટી પ્રજા બની. તેઓને યહોવાહની ખાસ પ્રજા બનવાનો લહાવો પણ મળ્યો. (ઉત. ૫૦:૧૫-૨૧) આપણે પણ ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવી રાખીશું તો મંડળમાં એકતા અને આનંદ જળવાઈ રહેશે.—કોલોસી ૩:૧૨-૧૪ વાંચો.

‘કાર્યોથી તથા સત્યથી પ્રેમ બતાવીએ’

૨૦, ૨૧. ઈસુએ શિષ્યોના પગ ધોયા એમાંથી શું શીખી શકીએ?

૨૦ ઈસુએ મરણના થોડા સમય પહેલાં બાર શિષ્યોના પગ ધોયા. એ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.” (યોહા. ૧૩:૧૫) ઈસુએ કોઈ રિવાજ ખાતર તેઓના પગ ધોયા ન હતા. તેમ જ, તે ફક્ત દયા બતાવતા ન હતા. તે શિષ્યોને ખૂબ ચાહતા હતા એટલે તેઓના પગ ધોયા હતા. એ સમયમાં મોટાભાગે પગ ધોવાનું કામ નોકરનું હતું. ઈસુએ આમ કર્યું એનાથી શિષ્યો જોઈ શક્યા કે તેઓએ પણ એકબીજા માટે નમ્રતાથી સારાં કામો કરવા જોઈએ. આ બનાવ બન્યો એ પહેલાં યોહાને ઈસુના પ્રેમ વિષે લખ્યું: “ઈસુએ જગતમાં પોતાના લોક, જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.” (યોહા. ૧૩:૧) આપણને પણ ભાઈ-બહેનો માટે એવો પ્રેમ હશે તો તેઓની દિલથી સંભાળ રાખીશું.

૨૧ ઈસુએ પીતર અને યોહાનના પગ ધોયા ત્યારે, તેઓ સમજી ગયા કે ઈસુ શું કહેવા માંગતા હતા. પીતરે લખ્યું: ‘તમે સત્યને આધીન રહીને ભાઈઓ પર નિષ્કપટ પ્રેમ રાખીને તમારાં મન પવિત્ર કર્યાં છે, માટે ખરા દિલથી એકબીજા ઉપર ઊંડો પ્રેમ રાખો.’ (૧ પીત. ૧:૨૨) યોહાને લખ્યું: ‘બાળકો, આપણે શબ્દથી નહિ અને જીભથી નહિ, પણ કાર્યોથી તથા સત્યથી પ્રેમ બતાવીએ.’ (૧ યોહા. ૩:૧૮) ચાલો આપણે કાર્યોથી બતાવીએ કે મંડળના ભાઈ-બહેનોને ઘણો પ્રેમ કરીએ છીએ. (w09 11/15)

[ફુટનોટ્‌સ]

^ વધારે માહિતી માટે આપણું સેવાકાર્ય સિદ્ધ કરવા સંગઠિત થયેલા પુસ્તકના પાન ૧૩૮-૧૪૪ જુઓ.

શું તમને યાદ છે?

• આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવા કેવી રીતે ‘દિલ ખુલ્લું’ રાખી શકીએ?

• આપણે કેવી રીતે બીજાઓને સમય આપી શકીએ?

• શાંતિ જાળવી રાખવા નમ્રતા કઈ રીતે મદદ કરે છે?

• ભાઈ-બહેનોની દિલથી સંભાળ રાખવા શાની જરૂર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

ભાઈ-બહેનોનો દિલથી આવકાર કરીએ

[પાન ૨૫ પર ચિત્ર]

બીજાઓને સમય આપીએ