મુશ્કેલ સંજોગોમાં પણ આનંદ માણીએ
મુશ્કેલ સંજોગોમાં પણ આનંદ માણીએ
“તારા [યહોવાહ] પર ભરોસો રાખનારા સઘળા આનંદ કરશે; તું તેમનું રક્ષણ કરે છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે.”—ગીત. ૫:૧૧.
૧, ૨. (ક) આપણે આજે કઈ બાબતો સહેવી પડે છે? (ખ) ઈસુના પગલે ચાલવાથી આપણે બીજું શું સહેવું પડે છે?
કોઈ આફત આવી પડે ત્યારે યહોવાહના સાક્ષીઓ પણ એનો ભોગ બને છે. યહોવાહના ઘણા સાક્ષીઓએ ગુના, યુદ્ધ અને અન્યાય સહન કર્યા છે. અરે ગરીબી, બીમારી, કુદરતી આફતો અને મરણને લીધે પણ તેઓને દુઃખ પડે છે. પ્રેરિત પાઊલે ખરું જ કહ્યું હતું કે ‘આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને વેદનાથી કષ્ટાય છે.’ (રૂમી ૮:૨૨) અમુક વખતે આપણી પોતાની ભૂલોને લીધે પણ સહેવું પડે છે. રાજા દાઊદની જેમ આપણે પણ કહી શકીએ કે “મારા અન્યાય મારા માથા પર ચઢી ગયા છે; ભારે બોજાની માફક તે મને અસહ્ય થઈ પડ્યા છે.”—ગીત. ૩૮:૪.
૨ આપણે યહોવાહના સાક્ષીઓ હોવાથી બીજા પ્રકારની મુશ્કેલીઓ પણ સહેવી પડે છે. (લુક ૧૪:૨૭) ઈસુની જેમ આપણે પણ લોકોની મશ્કરી, નફરત અને વિરોધ સહેવા પડે છે. (માથ. ૧૦:૨૨, ૨૩; યોહા. ૧૫:૨૦; ૧૬:૨) જોકે આપણને નવી દુનિયામાં ઘણા આશીર્વાદ મળવાની આશા છે. પણ ત્યાં સુધી આપણે ઈસુને પગલે ચાલવા ઘણું સહેવું પડશે અને ધીરજ રાખવી પડશે.—માથ. ૭:૧૩, ૧૪; લુક ૧૩:૨૪.
૩. કઈ રીતે કહી શકીએ કે આપણું જીવન ફક્ત દુઃખ-તકલીફોથી ભરેલું નથી?
૩ શું ઈસુને અનુસરવાથી જીવનમાં ફક્ત દુઃખ-તકલીફો જ રહેશે? શું અંત આવે ત્યાં સુધી આપણે કદીયે ખુશ ન રહી શકીએ? ના એમ નથી. યહોવાહ ચાહે છે કે તેમના ભક્તો હમણાં પણ ખુશ રહે. એટલે જ બાઇબલમાં ઘણી વાર તેમના ભક્તોનો આનંદી લોકો તરીકે ઉલ્લેખ કર્યો છે. (યશાયાહ ૬૫:૧૩, ૧૪ વાંચો.) ગીતશાસ્ત્ર ૫:૧૧ જણાવે છે કે “તારા [યહોવાહ] પર ભરોસો રાખનારા સઘળા આનંદ કરશે; તું તેમનું રક્ષણ કરે છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે.” હા, આજના મુશ્કેલ સંજોગોમાં પણ આપણે અમુક હદે જીવનમાં ખુશી, મનની શાંતિ અને સંતોષ મેળવી શકીએ છીએ. ચાલો જોઈએ કે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવા અને આનંદ જાળવી રાખવા બાઇબલ આપણને મદદ કરે છે.
યહોવાહ આનંદી ઈશ્વર છે
૪. જ્યારે કોઈ યહોવાહને છોડી દે છે ત્યારે તેમને કેવું લાગે છે?
૪ યહોવાહ સર્વશક્તિમાન ઈશ્વર છે અને વિશ્વના માલિક છે. તેમને કશાની ખોટ નથી અને કોઈની જરૂર નથી. તેમ છતાં, એક દૂતે તેમનો વિરોધ કર્યો અને શેતાન બન્યો ત્યારે તેમને ઘણું દુઃખ થયું હશે. શેતાનની સાથે બીજા દૂતો જોડાયા ત્યારે પણ યહોવાહ પર શું વીતી હશે એનો વિચાર કરો. અરે, આદમ અને હવાને યહોવાહે અજોડ રીતે બનાવ્યા હતા તોપણ તેઓએ યહોવાહથી મોં ફેરવી લીધું. એનાથી યહોવાહને કેટલું ખરાબ લાગ્યું હશે? દુઃખની વાત છે કે ત્યારથી લઈને આજ સુધી અબજો લોકોએ યહોવાહનો વિરોધ કર્યો છે.—રૂમી ૩:૨૩.
૫. શેનાથી યહોવાહનું મન દુભાય છે?
૫ આજે પણ શેતાન લોકોને યહોવાહનો વિરોધ કરવા પોતાની જાળમાં ફસાવે છે. છેલ્લાં છ હજાર વર્ષોથી ઘણા લોકો મૂર્તિપૂજા, હિંસા અને અનૈતિક કામોમાં ડૂબેલા છે. (ઉત. ૬:૫, ૬, ૧૧, ૧૨) તેઓએ જૂઠાણું ફેલાવીને યહોવાહના નામને બદનામ કર્યું છે. અમુક વખતે તેમના ભક્તોએ પણ તેમને દુઃખ પહોંચાડ્યું છે. દાખલા તરીકે, ઇસ્રાએલીઓએ ‘કેટલીય વાર અરણ્યમાં ઈશ્વર સામે ફિતૂર ઉઠાવ્યું. અને રાનમાં તેને દુઃખી કર્યો! તેઓએ પાછા હઠીને તેની પરીક્ષા કરી, અને ઈસ્રાએલના પવિત્ર ઈશ્વરને માઠું લગાડ્યું.’ (ગીત. ૭૮:૪૦, ૪૧) યહોવાહના લોકો જાણીજોઈને તેમનો વિરોધ કરે ત્યારે તેમને બહુ દુઃખ થાય છે. (યિર્મે. ૩:૧-૧૦) આ બતાવે છે કે ખોટી બાબત થાય ત્યારે યહોવાહનું મન દુભાય છે.—યશાયાહ ૬૩:૯, ૧૦ વાંચો.
૬. મુશ્કેલ સંજોગોનો ઈશ્વર કઈ રીતે સામનો કરે છે?
૬ મનદુઃખ થાય ત્યારે યહોવાહ કદીએ નિરાશ થતા નથી. મુશ્કેલ સંજોગોમાં પરિસ્થિતિ વધારે ન બગડે એ માટે તે તરત જ પગલે ભરે છે. તેમણે એવી પણ જોગવાઈ કરી છે જેથી લાંબે ગાળે પોતાના દરેક વચનો પૂરા થાય. જેમ કે, તે એકલા જ સર્વોપરી છે એ સાબિત કરવા અને પોતાના વિશ્વાસુ ભક્તોને આશીર્વાદ મળે માટે પગલાં ભર્યાં છે. તે ભવિષ્યમાં બનનારી સારી બાબતો પર ધ્યાન આપીને ખુશ રહે છે. (ગીત. ) આ બતાવે છે કે યહોવાહનો કોઈ વિરોધ કરે તોપણ તે ખુશ રહે છે.— ૧૦૪:૩૧ગીત. ૧૬:૧૧.
૭, ૮. મુશ્કેલ સંજોગોમાં આપણે કઈ રીતે યહોવાહને અનુસરી શકીએ?
૭ ખરું કે આપણે યહોવાહની જેમ મુશ્કેલીઓને હલ કરી શકતા નથી. પણ યહોવાહને અનુસરીને મુશ્કેલીમાં પણ ખુશ રહી શકીએ છીએ, કેમ કે આપણામાં યહોવાહ જેવા ગુણો છે. આપણામાં વિચારવાની શક્તિ અને સારા નિર્ણય લેવાની ક્ષમતા છે. એનાથી આપણે મુશ્કેલ સંજોગને સુધારવા પગલાં ભરી શકીએ છીએ. જોકે, મુશ્કેલ સંજોગોમાં નિરાશ થઈએ એ સ્વાભાવિક છે. પણ નિરાશામાં ડૂબી ન જવું જોઈએ.
૮ આપણે હંમેશા યાદ રાખીએ કે મુશ્કેલીઓને હલ કરવી અમુક વખતે આપણા હાથમાં નથી. એટલે મુશ્કેલીઓ વિષે ચિંતા કરીશું તો, આપણે હતાશ થઈ જઈશું. તેમ જ યહોવાહની ભક્તિમાં આનંદ ગુમાવીશું. મુશ્કેલીને હલ કરવા બનતું બધું કર્યા પછી ચિંતા કરવાનું છોડીને સારી બાબતો પર મન લગાડીએ. બાઇબલ સમયમાં પણ અમુક વ્યક્તિઓએ એમ કર્યું હતું. ચાલો આપણે તેઓ વિષે જોઈએ.
વધારે પડતી ચિંતા ન કરીએ
૯. હાન્નાહને કેવી મુશ્કેલી હતી? પણ શું બતાવે છે કે તેણે ચિંતા કરવાનું છોડી દીધું?
૯ પ્રબોધક શમૂએલની માતા હાન્નાહનો વિચાર કરો. એક સમયે હાન્નાહને બાળકો ન હોવાથી લોકો તેને મહેણાં મારતાં અને મજાક ઉડાવતા. તે ખૂબ જ દુઃખી હતી. અમુક વખતે તે એટલી ઉદાસ થઈ જતી કે કંઈ જ ખાધા-પીધા વગર બસ રડ્યા જ કરતી. (૧ શમૂ. ૧:૨-૭) હાન્નાહ એક વાર યહોવાહના મંદિરે ગઈ ત્યારે “તેનું દિલ બહુ દુખાતું હતું, ને તે યહોવાહને વિનંતી કરીને બહુ રડી.” (૧ શમૂ. ૧:૧૦) હાન્નાહે યહોવાહ આગળ દિલ ઠાલવી દીધા પછી મંદિરના પ્રમુખયાજક એલી તેના પાસે આવ્યા. તેમણે હાન્નાહને કહ્યું ‘શાંતિએ જા. તેં ઈસ્રાએલના ઈશ્વર આગળ જે વિનંતી કરી છે, એ તે સાર્થક કરશે.’ (૧ શમૂ. ૧:૧૭) એ પછી હાન્નાહને થયું હશે કે ‘મેં બનતું બધું જ કર્યું છે. મારી મુશ્કેલીનો હલ લાવવો એ મારા હાથમાં નથી.’ ત્યાર પછી ‘તે પોતાના માર્ગે ચાલી ગઈ, અને તેણે ખાધું, ને તેનું મુખ ઉદાસ રહ્યું નહિ.’ (૧ શમૂ. ૧:૧૮) આ બતાવે છે કે યહોવાહ પાસે મદદ માંગ્યા પછી હાન્નાહે ચિંતા કરવાનું છોડી દીધું.
૧૦. પાઊલે મુશ્કેલ સંજોગોમાં કેવું વલણ બતાવ્યું?
૧૦ મુશ્કેલ સંજોગોમાં પ્રેરિત પાઊલે પણ હાન્નાહ જેવું વલણ બતાવ્યું. તેમને કશાકનું દુઃખ હોવાથી તે ખૂબ ઉદાસ રહેતા. એ દુઃખ તેમની માટે જાણે “દેહમાં કાંટો” હતો. (૨ કોરીં. ૧૨:૭) પાઊલે દુઃખ દૂર કરવા બનતું બધું કર્યું અને યહોવાહને ત્રણ વાર પ્રાર્થના પણ કરી. એ પછી યહોવાહે તેમને કહ્યું કે ‘દેહનો કાંટો’ કંઈ ચમત્કારથી દૂર નહિ થાય. પાઊલે એ હકીકત સ્વીકારી અને યહોવાહની ભક્તિમાં પૂરું ધ્યાન આપ્યું.—૨ કોરીંથી ૧૨:૮-૧૦ વાંચો.
૧૧. મુશ્કેલીનો સામનો કરવા પ્રાર્થનાથી કઈ રીતે મદદ મળે છે?
૧૧ આ બન્ને દાખલાઓ શું એવું બતાવે છે કે આપણે મુશ્કેલીઓ વિષે બે-ત્રણ વાર જ પ્રાર્થના કરવી જોઈએ? ના એવું નથી, આપણે પોતાની ચિંતાઓ વિષે યહોવાહને પ્રાર્થનામાં જણાવતા રહેવું જોઈએ. (ગીત. ૮૬:૭) બાઇબલ આપણને ઉત્તેજન આપે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો.” યહોવાહ કઈ રીતે પ્રાર્થનાનો જવાબ આપશે? બાઇબલ જણાવે છે: “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિ. ૪:૬, ૭) અહીંયા જોવા મળે છે કે યહોવાહ આપણી મુશ્કેલીઓ કદાચ દૂર નહિ કરે. પણ તે ચોક્કસ આપણને મનની શાંતિ આપશે. પ્રાર્થના કરવાથી આપણને કદાચ જોવા મળે કે નકામી ચિંતા કરવામાં કેવું જોખમ રહેલું છે.
યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ખુશ રહીએ
૧૨. મુશ્કેલીઓમાં આપણે નિરાશ થઈએ તો શું પરિણામ આવી શકે?
૧૨ નીતિવચન ૨૪:૧૦ કહે છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારૂં બળ થોડું જ છે.” બીજી એક કલમ કહે છે: “અંતઃકરણનો આનંદ મોઢાને પ્રફુલ્લિત કરે છે; પણ હૃદયના ખેદથી મન ભાંગી જાય છે.” (નીતિ. ૧૫:૧૩) મુશ્કેલીઓને લીધે અમુક ભાઈ-બહેનો નિરાશ થઈ ગયા છે. તેઓએ બાઇબલ વાંચીને મનન કરવાનું છોડી દીધું છે. તેઓની પ્રાર્થના ગોખેલી થઈ જાય છે. કદાચ તેઓ બીજા ભાઈ-બહેનો સાથે હળતા-મળતા નથી. જો તેઓ આમ જ કરતા રહેશે, તો એનું ખરાબ પરિણામ ભોગવવું પડશે.—નીતિ. ૧૮:૧, ૧૪.
૧૩. ખોટી ચિંતા ન કરવા અને ખુશ રહેવા ક્યાંથી મદદ મળે છે?
૧૩ આપણે સારું વલણ રાખીશું તો, જીવનમાં સારી બાબતો પર ધ્યાન આપી શકીશું. એનાથી આપણને ખુશી મળશે. દાઊદે લખ્યું: “હે મારા દેવ, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું.” (ગીત. ૪૦:૮) જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે આપણે યહોવાહની નિયમિત રીતે ભક્તિ કરવાનું છોડીએ નહિ. યહોવાહની ભક્તિમાં આપણને ખુશી મળે એવી બાબતો કરીશું તો દુઃખ દૂર થશે. યહોવાહ જણાવે છે કે આપણે નિયમિત રીતે બાઇબલ વાંચીને એના પર મનન કરીએ તો, ખુશ રહી શકીશું. (ગીત. ૧:૧, ૨; યાકૂ. ૧:૨૫) બાઇબલમાં અને મંડળની સભાઓમાં આપણને “માયાળુ શબ્દો” સાંભળવા મળે છે. એ સાંભળવાથી આપણને ખોટી ચિંતા ન કરવા અને ખુશ રહેવા મદદ મળે છે.—નીતિ. ૧૨:૨૫; ૧૬:૨૪.
૧૪. યહોવાહના કયાં વચનથી આપણને ખુશી મળે છે?
૧૪ યહોવાહે આપણને ખુશ રહેવા ઘણાં કારણો આપ્યાં છે. જેમ કે, યહોવાહ તારણ આપશે એ વચનથી આપણને ઘણી ખુશી મળે છે. (ગીત. ૧૩:૫) આપણે જાણીએ છીએ કે ગમે તેવા સંજોગોમાં પણ યહોવાહને વિશ્વાસુ રહીશું તો, તે ચોક્કસ આપણને આશીર્વાદ આપશે. (સભાશિક્ષક ૮:૧૨ વાંચો.) ઈશ્વરભક્ત હબાક્કૂકને પણ આવો જ ભરોસો હતો. તેમણે લખ્યું: ‘અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે. જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ. વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે, ને કંઈ ઢોરઢાંક રહે નહિ. તોપણ હું યહોવાહમાં હર્ષ પામીશ, હું મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરમાં આનંદ કરીશ.’—હબા. ૩:૧૭, ૧૮.
“જેઓનો દેવ યહોવાહ છે તેઓને ધન્ય છે”
૧૫, ૧૬. યહોવાહે આપેલી કઈ બાબતોમાં આપણે આનંદ માણી શકીએ?
૧૫ યહોવાહે આપણા માટે ભાવિમાં સુંદર જીવન રાખ્યું છે. પણ ત્યાં સુધી યહોવાહ ઇચ્છે છે કે તેમણે આપેલી દરેક વસ્તુઓનો આપણે આનંદ માણીએ. એક ઈશ્વરભક્તે લખ્યું: “હું જાણું છું, કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઇ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાય પીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.” (સભા. ૩:૧૨, ૧૩) ‘ભલું કરવાનો’ અર્થ, બીજાઓ માટે સારાં કામો કરવા થાય છે. ઈસુએ જણાવ્યું હતું કે બીજાઓ પાસેથી લેવા કરતાં આપવામાં વધારે આનંદ મળે છે. લગ્નસાથી, બાળકો, માતા-પિતા અને બીજાં સગાં-સંબંધીઓ માટે આપણે સારાં કામો કરીશું તો, જીવનમાં સંતોષ મળશે. (નીતિ. ૩:૨૭) આપણે મંડળના ભાઈ-બહેનો સાથે નમ્રતાથી વર્તીશું, તેઓને માફ કરીશું અને પરોણાગત બતાવીશું તો, આપણને આનંદ મળશે. તેમ જ યહોવાહને ખુશી થશે. (ગલા. ૬:૧૦; કોલો. ૩:૧૨-૧૪; ૧ પીત. ૪:૮, ૯) આપણે સેવાકાર્ય પૂરું કરવા ઘણું જતું કરીએ ત્યારે પણ ખુશી અને સંતોષ મળે છે.
૧૬ સભાશિક્ષકના શબ્દોમાં જોવા મળે છે કે આપણને ‘ખાવા-પીવા’ જેવી નાની બાબતોમાંથી પણ આનંદ મળી શકે છે. આપણે તકલીફોમાં હોઈએ ત્યારે પણ યહોવાહે આપેલી બાબતો પર વિચાર કરીને આનંદ માણી શકીએ. આપણે યહોવાહની રચનામાં પણ આનંદ માણી શકીએ. જેમ કે, આથમતા સૂર્યનું દૃશ્ય, સુંદર બાગ-બગીચા અને જાનવરોનાં બચ્ચાં એકબીજા સાથે ગેલ કરતા હોય એવાં દૃશ્યો. આવી બાબતો જોવા આપણે કંઈ પૈસા આપવા પડતા નથી. એટલે એનો આનંદ માણીએ ત્યારે સારી બાબતો આપનાર યહોવાહ માટે આપણો પ્રેમ વધે છે.
૧૭. શું કરવાથી આપણી મુશ્કેલીઓ હંમેશા માટે દૂર થશે? હાલમાં આપણને શેમાંથી દિલાસો મળી શકે?
૧૭ આજે આપણા જીવનમાં ઘણા દુઃખ-તકલીફો છે. પણ આપણે યહોવાહને પ્રેમ કરતા રહીશું, તેમની દરેક આજ્ઞા પાળીશું અને ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકીશું તો, ભાવિમાં આપણી બધી જ તકલીફો દૂર થશે. તેમ જ જીવન ખુશીઓથી ભરાઈ જશે. (૧ યોહા. ૫:૩) પણ હાલમાં આવતી દુઃખ-તકલીફો વિષે યહોવાહ જાણે છે એનાથી આપણને ઘણો દિલાસો મળે છે. દાઊદે લખ્યું: ‘હું તારી દયાથી આનંદ કરીશ તથા હરખાઇશ, કેમકે તેં મારૂં દુઃખ જોયું છે. તેં મારી વિપત્તિઓ જાણી છે.’ (ગીત. ૩૧:૭) યહોવાહને આપણા પર ઘણો પ્રેમ હોવાથી તે આપણને મુશ્કેલ સંજોગોમાંથી છોડાવશે.—ગીત. ૩૪:૧૯.
૧૮. યહોવાહના લોકો કેમ ખુશ છે?
૧૮ યહોવાહના વચનો પૂરાં થાય ત્યાં સુધી આપણે તેમને અનુસરીએ અને ખુશ રહીએ. ખોટા વિચારોને લીધે યહોવાહમાં આપણો વિશ્વાસ ઠંડો ન પડવા દઈએ. યહોવાહે આપણને વિચારવાની શક્તિ અને સારા નિર્ણય લેવાની ક્ષમતા આપી છે. એનો સારો ઉપયોગ કરીએ. મુશ્કેલ સંજોગમાં યહોવાહ આપણને મદદ કરશે એવી ખાતરી રાખીએ. જેમ કે, તે આપણી લાગણીઓ કાબૂમાં રાખવા મદદ કરશે. મુશ્કેલીમાં પરિસ્થિતિ વધારે બગડે નહિ એ માટે સારા નિર્ણય લેવા મદદ કરશે. તેથી ચાલો આપણે બાઇબલમાંથી યહોવાહ તરફથી મળતા સલાહ-સૂચનો લાગુ પાળીએ. તેમ જ, તેમની રચનાનો આનંદ માણીએ. યહોવાહથી કદીએ દૂર જઈએ નહિ, કેમ કે બાઇબલ કહે છે: “જેઓનો દેવ યહોવાહ છે તેઓને ધન્ય છે.”—ગીત. ૧૪૪:૧૫. (w09 12/15)
[અભ્યાસ પ્રશ્નો]
તમે શું શીખ્યા?
• મુશ્કેલ સંજોગોમાં આપણે કઈ રીતે યહોવાહને અનુસરી શકીએ?
• મુશ્કેલીઓનો સામનો કરવા આપણે હાન્નાહ અને પાઊલના દાખલામાંથી શું શીખી શકીએ?
• મુશ્કેલ સંજોગોમાં પણ યહોવાહની ઇચ્છા પૂરી કરવાથી કઈ રીતે આનંદ મળી શકે?
[પાન ૧૮ પર ચિત્ર]
જે ખરાબ બાબતો બની રહી છે એનાથી યહોવાહને દુઃખ થાય છે
[પાન ૧૮ પર ક્રેડીટ લાઈન]
© G.M.B. Akash/Panos Pictures
[પાન ૨૦ પર ચિત્ર]
ખુશ રહેવા યહોવાહે ઘણાં કારણો આપ્યાં છે