સત્યમાં પ્રગતિ કરતા રહીએ
સત્યમાં પ્રગતિ કરતા રહીએ
“એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.”—૧ તીમો. ૪:૧૫.
૧, ૨. આપણે તીમોથીના ઉછેર અને બાળપણ વિષે શું જાણીએ છીએ? તે વીસેક વર્ષના હતા ત્યારે શું બન્યું?
તીમોથીનો ઉછેર રોમના ગલાતીઆ રાજ્યમાં થયો હતો. ગલાતીઆ આજે તુર્કીથી ઓળખાય છે. ઈસુના મરણ પછી થોડા દાયકામાં ત્યાં ખ્રિસ્તી મંડળો સ્થપાયાં હતાં. એ દરમિયાન તીમોથી, તેમની મા અને નાનીમા ખ્રિસ્તી બન્યા. તેઓ યહોવાહની ભક્તિ તન-મનથી કરવા લાગ્યા. (૨ તીમો. ૧:૫; ૩:૧૪, ૧૫) બાળપણથી તીમોથીને પોતાના જ ગામમાં, પોતાના મંડળમાં યહોવાહની ભક્તિ કરવામાં ઘણી ખુશી મળતી હશે. પણ અચાનક તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો. ચાલો જોઈએ.
૨ પાઊલે બીજી વાર એ મંડળની મુલાકાત લીધી. એ સમયે તીમોથી લગભગ વીસેક વર્ષના હતા. પાઊલે લુસ્ત્રાની મુલાકાત લીધી ત્યારે કદાચ ભાઈઓએ તેમને જણાવ્યું કે મંડળમાં તીમોથીની “શાખ સારી” છે. (પ્રે.કૃ. ૧૬:૨) તીમોથી સત્યમાં સારી પ્રગતિ કરતા હોવાથી ભાઈઓ એમ કહી શક્યા. એ પછી પાઊલ અને મંડળના વડીલોએ ઈશ્વરની શક્તિથી દોરાઈને તીમોથીને આશીર્વાદ આપ્યા. તીમોથીને મંડળમાં ખાસ લહાવો મળ્યો.—૧ તીમો. ૪:૧૪; ૨ તીમો. ૧:૬.
૩. તીમોથીને શું લહાવો મળ્યો હતો?
૩ તીમોથીને શું લહાવો મળ્યો હતો? તેમણે પાઊલ સાથે અલગ અલગ મંડળોની મુલાકાત લેવાની હતી. (પ્રે.કૃ. ૧૬:૩) આ લહાવાથી તીમોથીને ઘણી ખુશી થઈ હશે. આવનાર વર્ષોમાં તીમોથીએ પાઊલ અને બીજાઓ સાથે મુસાફરી કરવાની હતી. તેઓએ, પ્રેરિતો અને બીજા જવાબદાર ભાઈઓ જ્યાં જવા કહે ત્યાં જઈને સોંપેલું કામ પૂરું કરવાનું હતું. પાઊલ અને તીમોથીએ મંડળોની મુલાકાત લીધી એનાથી ઘણા ભાઈબહેનોનો વિશ્વાસ દૃઢ થયો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૪, ૫ વાંચો.) તેઓ તીમોથીને ઓળખવા લાગ્યા અને તેમની પ્રગતિ જોઈ શક્યા. તીમોથી સાથે દસ વર્ષ કામ કર્યા બાદ પાઊલે ફિલિપીઓને લખ્યું: ‘તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી. પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો બાપની સાથે કામ કરે, તેમ તીમોથીએ સુવાર્તાને સારું મારી સાથે સેવા કરી.’—ફિલિ. ૨:૨૦-૨૨.
૪. (ક) તીમોથીને કઈ ખાસ જવાબદારી સોંપી હતી? (ખ) ૧ તીમોથી ૪:૧૫માં પાઊલના શબ્દોથી કેવા પ્રશ્નો ઊભા થઈ શકે?
૪ પાઊલે ફિલિપીઓને પત્ર લખ્યો એ સમયમાં તેમણે તીમોથીને એક ખાસ જવાબદારી સોંપી હતી. તીમોથીએ વડીલો અને સેવકાઈ ચાકરો પસંદ કરવાના હતા. (૧ તીમો. ૩:૧; ૫:૨૨) આ બતાવે છે કે તીમોથી ભરોસાપાત્ર વડીલ હતા. તેમ છતાં, પાઊલે તીમોથીને શિખામણ આપી કે “તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.” (૧ તીમો. ૪:૧૫) તીમોથી પ્રગતિ કરતા હતા તોપણ પાઊલે શા માટે આવું લખ્યું? પાઊલ આ શબ્દો દ્વારા શું કહેવા માંગતા હતા? તેમના શબ્દો પર વિચાર કરવાથી આપણને શું ફાયદો થઈ શકે?
સારા ગુણો કેળવતા રહીએ
૫, ૬. એફેસી મંડળમાં શાનું જોખમ હતું? તીમોથીએ કઈ રીતે મંડળને શુદ્ધ રાખવાનું હતું?
૫ ૧ તીમોથી ૪:૧૫ સમજવા ચાલો જોઈએ કે એની આગળ-પાછળની કલમો શું કહે છે. (૧ તીમોથી ૪:૧૧-૧૬ વાંચો.) એ શબ્દો લખતા પહેલાં પાઊલે મકદોનિયાની મુલાકાત લીધી હતી. પણ તેમણે તીમોથીને એફેસસમાં રહેવા કહ્યું હતું. શા માટે? કેમ કે ત્યાં અમુક લોકો પોતાના ખોટા શિક્ષણથી મંડળમાં ભાગલા પાડી રહ્યા હતા. તીમોથીની જવાબદારી હતી કે ભાઈ-બહેનોને ખોટા શિક્ષણથી દૂર રાખે અને મંડળને શુદ્ધ રાખે. એમ કરવા તીમોથીએ સારો દાખલો બેસાડવાની જરૂર હતી.
૬ એ માટે પાઊલે તીમોથીને લખ્યું: “વચનમાં [બોલવામાં, NW], વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં [શુદ્ધ ચારિત્ર્યમાં, NW] તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે . . . એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.” (૧ તીમો. ૪:૧૨, ૧૫) જોકે, તીમોથી પાસે ઘણી જવાબદારી હતી. પણ અહીંયા પાઊલે તીમોથીને સારા ગુણો કેળવવા પર ભાર મૂક્યો. આપણે બધાએ પણ આવા ગુણોમાં સુધારો કરતા રહેવાની જરૂર છે.
૭. બધા ખ્રિસ્તીઓએ શું કરવાની જરૂર છે?
૭ તીમોથીના દિવસોની જેમ આજે પણ અલગ અલગ જવાબદારી અને લહાવાઓ છે. જેમ કે, અમુક પાયોનિયરીંગ, બેથેલ સેવા અને મિશનરિ કામ કરે છે. જ્યારે કે અમુક ભાઈઓ વડીલો, સેવકાઈ ચાકર અને સરકીટ ઓવરસીયર તરીકે સેવા આપે છે. વડીલોને સંમેલનમાં ભાઈ-બહેનોને શીખવવાની જવાબદારી છે. જોકે ગમે તે જવાબદારી કે લહાવો હોય, નાના-મોટા બધા ખ્રિસ્તીઓએ તીમોથીની જેમ પ્રેમ અને વિશ્વાસ જેવા ગુણો કેળવતા રહેવાની જરૂર છે.—માથ. ૫:૧૬.
બોલવામાં સારો દાખલો બેસાડીએ
૮. કઈ રીતે વાણીની અસર આપણી ભક્તિ પર પડી શકે?
૮ તીમોથી બીજાઓ સાથે વાતચીત કરવામાં સારો દાખલો બેસાડે એ મહત્ત્વનું હતું. આપણે પણ વાતચીત કરવામાં સુધારો કરતા રહેવાની જરૂર છે. આપણી વાણીથી ખબર પડશે કે આપણો સ્વભાવ કેવો છે. ઈસુએ પણ આ બાબત વિષે કહ્યું કે “મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.” (માથ. ૧૨:૩૪) ઈસુના સાવકા ભાઈ યાકૂબ પણ જાણતા હતા કે વાણીની અસર ભક્તિ પર પડે છે. તેમણે લખ્યું: “જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.”—યાકૂ. ૧:૨૬.
૯. આપણે વાતચીત કરવામાં કઈ રીતે સારો દાખલો બેસાડી શકીએ?
૯ આપણી વાતચીતથી મંડળના ભાઈ-બહેનો જોઈ શકશે કે આપણે સત્યમાં કેવી પ્રગતિ કરી રહ્યા છીએ. એટલે સત્યમાં અનુભવી ભાઈ-બહેનો બીજાઓને તોડી નહિ પાડે, કોઈને ખોટું નહિ લગાડે અને નિંદા નહિ કરે. એના બદલે બીજાઓને ઉત્તેજન, દિલાસો મળે અને વિશ્વાસ વધે એ રીતે વાત કરશે. (નીતિ. ૧૨:૧૮; એફે. ૪:૨૯; ૧ તીમો. ૬:૩-૫, ૨૦) લોકો ઈશ્વરના નીતિ-નિયમો માટે શંકા ઉઠાવે છે ત્યારે આપણે તેઓને હકીકત જણાવીએ છીએ. આમ આપણે બતાવીએ છીએ કે ઈશ્વરને આધીન છીએ. (રૂમી ૧:૧૫, ૧૬) નમ્ર દિલના લોકો જોઈ શકશે કે આપણી વાતચીત કેટલી સારી છે. પછી તેઓને આપણો દાખલો અનુસરવા ઉત્તેજન મળશે.—ફિલિ. ૪:૮, ૯.
આપણું વર્તન અને ચારિત્ર શુદ્ધ રાખીએ
૧૦. સત્યમાં પ્રગતિ કરવા શા માટે ઢોંગી ન બનવું જોઈએ?
૧૦ આપણી વાતચીત સારી રાખવાની સાથે સાથે બીજાઓ માટે સારો દાખલો બેસાડીએ. જો આપણે સારું સારું બોલીશું પણ કરીશું નહિ તો આપણે ઢોંગી ગણાઈશું. પાઊલ સારી રીતે જાણતા હતા કે ફરોશીઓ ઢોંગી હતા અને તેઓના વર્તનથી ખરાબ પરિણામ આવતું. એટલે તેમણે અમુક વાર તીમોથીને ઢોંગી ન બનવા ચેતવ્યા. (૧ તીમો. ૧:૫; ૪:૧, ૨) તીમોથીએ પણ તેમની ચેતવણીને ધ્યાન આપ્યું. પાઊલે તીમોથીને બીજા પત્રમાં જણાવ્યું કે ‘જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, તે મને યાદ છે.’ (૨ તીમો. ૧:૫) જોકે પાઊલે વખાણ કર્યા પણ તીમોથી જાણતા હતા કે મંડળમાં સારો દાખલો બેસાડવા વર્તનમાં સુધારો કરતા રહેવાની જરૂર છે.
૧૧. માલમિલકત વિષે પાઊલે તીમોથીને શું સલાહ આપી?
૧૧ પાઊલે બન્ને પત્રમાં તીમોથીને સારાં વાણી-વર્તન કેળવવાં સલાહ આપી. દાખલા તરીકે, તીમોથી માલમિલકત પાછળ ન પડે એ માટે પાઊલે લખ્યું: “દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.” (૧ તીમો. ૬:૧૦) આ બતાવે છે કે વ્યક્તિ માલમિલકત કમાવા પાછળ પડે તો ધીરે ધીરે તેનો વિશ્વાસ ઠંડો પડી જશે. પણ વ્યક્તિ સાદું જીવન જીવે અને ‘અન્નવસ્ત્રથી સંતોષી રહે’ તો સત્યમાં તેનો વિશ્વાસ દૃઢ રહેશે.—૧ તીમો. ૬:૬-૮; ફિલિ. ૪:૧૧-૧૩.
૧૨. સત્યમાં પ્રગતિ કરવા આપણે શું કરવું જોઈએ?
૧૨ પાઊલે તીમોથીને બીજી એક મહત્ત્વની બાબત પણ જણાવી. તેમણે જણાવ્યું કે ખ્રિસ્તી ‘સ્ત્રીઓ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે.’ (૧ તીમો. ૨:૯) જો બહેનો પોતાનો પહેરવેશ યહોવાહને માન મળે એવો રાખે, તેમ જ સંયમ અને મર્યાદાથી જીવે, તો તેઓ સારો દાખલો બેસાડે છે. (૧ તીમો. ૩:૧૧) આ સિદ્ધાંત ભાઈઓને પણ લાગુ પાડે છે. પાઊલે વડીલોને સલાહ આપી કે તેઓ ‘સંયમી, શુદ્ધ હૃદયના અને સુવ્યવસ્થિત’ હોવા જોઈએ. (૧ તીમો. ૩:૨) જો આપણે જીવનમાં આવા ગુણો બતાવીએ તો, બીજાઓ જોઈ શકશે કે આપણે સત્યમાં પ્રગતિ કરી રહ્યા છીએ.
૧૩. તીમોથીની જેમ આપણે પણ કઈ રીતે શુદ્ધ ચારિત્ર્ય રાખી શકીએ?
૧૩ પાઊલે તીમોથીને ‘શુદ્ધ ચારિત્ર્ય’ રાખવામાં પણ સારો દાખલો બેસાડવાનું કહ્યું હતું. એટલે તીમોથીએ નૈતિકતામાં શુદ્ધતા જાળવવાની હતી. એ માટે તીમોથીએ બહેનોને ઊંડું માન આપવાનું હતું. તેમણે ‘વૃદ્ધ સ્ત્રીઓ સાથે માતાની જેમ અને જુવાન સ્ત્રીઓ સાથે બહેનોની જેમ’ વર્તવાનું હતું. (૧ તીમો. ૪:૧૨; ૫:૨) આપણને પણ એ સલાહ લાગુ પડે છે. અમુક વ્યક્તિને લાગી શકે કે અનૈતિક કામોની કોઈને ખબર નહિ પડે, પણ એવાં કામો ઈશ્વરથી છૂપાં રહેતાં નથી. તેમ જ, સમય જતાં બીજાઓને એની જાણ થાય છે. (૧ તીમો. ૫:૨૪, ૨૫) જોકે આપણે સારું વર્તન અને શુદ્ધ ચારિત્ર્ય રાખીશું તો એ જરૂર લોકોના ધ્યાન પર આવશે. તેઓ સત્યમાં આપણી પ્રગતિ જોઈ શકશે.
વિશ્વાસ અને પ્રેમ જરૂરી
૧૪. એકબીજા વચ્ચે પ્રેમ રાખવા વિષે બાઇબલ શું કહે છે છે?
૧૪ સાચા ખ્રિસ્તીઓની ઓળખ પ્રેમ છે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) આપણે કઈ રીતે પ્રેમ બતાવી શકીએ? બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે ‘પ્રેમથી એકબીજાનું સહન કરીએ.’ ‘એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થઈએ, અને એકબીજાને ક્ષમા કરીએ.’ તેમ જ, મહેમાનગતિ કરીએ. (એફે. ૪:૨, ૩૨; હેબ્રી ૧૩:૧, ૨) પ્રેરિત પાઊલે લખ્યું, “ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો.”—રૂમી ૧૨:૧૦.
૧૫. શા માટે બધાએ પ્રેમ બતાવવો જોઈએ અને ખાસ કરીને વડીલો માટે એ કેમ જરૂરી છે?
૧૫ તીમોથી એક સારા શિક્ષક અને વડીલ હતા. પણ જો તેમનામાં પ્રેમ ન હોત, તો તેમનું શિક્ષણ કોઈએ દિલમાં ઉતાર્યું ન હોત. (૧ કોરીંથી ૧૩:૧-૩ વાંચો.) તીમોથી પ્રેમાળ હતા. તેમણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવ્યો. તે મહેમાનગતિ કરવા હંમેશા તૈયાર રહેતા. પોતાના કરતાં બીજાઓનું ભલું પહેલા વિચારતા. આ બતાવે છે કે પાઊલે આપેલી સલાહ તીમોથીએ દિલમાં ઉતારી અને બીજાઓ માટે સારો દાખલો બેસાડ્યો.
૧૬. શા માટે તીમોથીએ મક્કમ વિશ્વાસ રાખવાની જરૂર હતી?
૧૬ એફેસસમાં તીમોથીના વિશ્વાસની કસોટી થઈ હતી. ત્યાં અમુક લોકો સત્યની સુમેળમાં ન હોય એવા વિચારો અને “કલ્પિત વાતો” ફેલાવતા હતા. જ્યારે કે બીજા અમુક ભાઈઓ એવા વિચારો પર સંશોધન કરતા હતા, જેનાથી સત્યમાં પ્રગતિ કરવા કોઈને મદદ મળતી ન હતી. (૧ તીમોથી ૧:૩, ૪ વાંચો.) પાઊલે એવા લોકો વિષે કહ્યું કે તેઓ “મગરૂર તથા અજ્ઞાન છે, અને વાદવિવાદ તથા શબ્દવાદમાં મઝા માને છે; તેઓથી અદેખાઈ, વઢવાડ, નિંદા તથા ખોટા વહેમ ઉત્પન્ન થાય છે.” (૧ તીમો. ૬:૩, ૪) શું તીમોથીએ એવા ખોટા વિચારો ચાલવા દીધા? ના, કેમ કે તીમોથીએ પાઊલની સલાહ પાળી હતી. (૧ કોરીં. ૧૦:૧૨) પાઊલે સલાહ આપી કે ‘વિશ્વાસની સારી લડાઈ લડ’ અને “અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે.”—૧ તીમો. ૬:૧૨, ૨૦, ૨૧.
૧૭. શા માટે આપણે અડગ વિશ્વાસ બતાવવાની જરૂર છે?
૧૭ તીમોથીને પહેલેથી જ જણાવવામાં આવ્યું હતું કે ‘પાછલા સમયમાં કેટલાએક માણસો દુષ્ટ દૂતોના ઉપદેશ પર ધ્યાન આપશે.’ (૧ તીમો. ૪:૧) તીમોથીના સમયની જેમ આજે પણ અમુક ભાઈ-બહેનો યહોવાહ વિરુદ્ધ ખોટું શિક્ષણ ફેલાવે છે. એ શિક્ષણથી આપણે દૂર રહેવું જોઈએ. એટલે મંડળમાં બધાએ, અરે જેઓ પાસે મોટી જવાબદારી છે તેઓએ પણ તીમોથી જેવો અડગ વિશ્વાસ બતાવવો જોઈએ. આમ આપણે બીજા માટે વિશ્વાસમાં મજૂબત રહેવા સારો દાખલો બેસાડીએ છીએ. તેમ જ બતાવીએ છીએ કે સત્યમાં પ્રગતિ કરી રહ્યા છીએ.
સત્યમાં પ્રગતિ કરવા સારા ગુણો બતાવતા રહીએ
૧૮, ૧૯. (ક) સત્યમાં પ્રગતિ કેવી રીતે બતાવી શકીએ? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
૧૮ વ્યક્તિ પાસે આવડત, સારો દેખાવ, જવાબદારી હોય કે પછી ઘણાં વર્ષોથી સત્યમાં હોય, એનો અર્થ એ નથી કે તે સારી પ્રગતિ કરે છે. પણ વ્યક્તિ પોતાના વિચારો અને વાણી-વર્તનમાં યહોવાહને કેટલી આધીન છે એના પરથી તેની પ્રગતિ જોઈ શકાય છે. (રૂમી ૧૬:૧૯) પાઊલે તીમોથીને સલાહ આપી કે બીજાને પ્રેમ બતાવે અને અડગ વિશ્વાસ કેળવે. આપણે પણ એ સલાહ જીવનમાં લાગુ પાળીએ. આમ કરવાથી આપણી પ્રગતિ સર્વના જાણવામાં આવશે.
૧૯ સત્યમાં પ્રગતિ કરતા રહેવા બીજા એક ગુણની જરૂર છે. એ ગુણ આનંદ છે, જે ઈશ્વરની શક્તિનું એક ફળ છે. (ગલા. ૫:૨૨, ૨૩) હવે પછીનો લેખ સમજાવશે કે કઈ રીતે આપણે મુશ્કેલ સંજોગમાં આનંદ જાળવી રાખી શકીએ. (w09 12/15)
તમે કેવો જવાબ આપશો?
• આપણી વાતચીતથી બીજાઓ શું જોઈ શકશે?
• આપણે સત્યમાં પ્રગતિ કરીએ છીએ એ વર્તન અને ચારિત્રથી કેવી રીતે દેખાઈ આવશે?
• શા માટે આપણે પ્રેમ અને વિશ્વાસમાં સારો દાખલો બેસાડવો જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૩ પર ચિત્ર]
યુવાન તીમોથીએ તન-મનથી યહોવાહની ભક્તિ કરી
[પાન ૧૫ પર ચિત્ર]
શું સત્યમાં તમારી પ્રગતિ બીજાઓ જોઈ શકે છે?