ઈશ્વર કરુણાના સાગર છે તે આપણને ભૂલી ગયા નથી
ઈશ્વર કરુણાના સાગર છે તે આપણને ભૂલી ગયા નથી
સદીઓથી માણસ એક મોટો સવાલ પૂછતો આવ્યો છે: જો ઈશ્વર કરુણાના સાગર હોય, તો તે કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે? જો તમારા કુટુંબમાં કોઈ દુઃખી હોય તો શું તમે બેસી રહેશો? જરાય નહિ. એ દુઃખ દૂર કરવા તમે કાંઈક તો કરશો. આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં દુઃખ દુઃખ અને દુઃખ જ છે. એ જોઈને ઘણા કહેશે કે, ‘ઈશ્વરને તો આપણી કંઈ જ પડી નથી.’ પણ શું એ સાચું છે? ચાલો આપણે અમુક પુરાવા જોઈએ જેનાથી ખાતરી થશે કે ઈશ્વર સાચે જ આપણને ચાહે છે, તે આપણા આંસુ જોઈ શકે છે.
ઈશ્વરની રચના, પ્રેમનું પ્રતિક
બાઇબલ જણાવે છે કે “આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર” યહોવાહ જ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪) આપણે તેમની રચના પર ચિંતન કરીશું તો ચોક્કસ એજ નિર્ણય પર આવીશું કે ઈશ્વર આપણને ખૂબ જ ચાહે છે. જરા વિચારો કે તમને શામાંથી આનંદ મળે છે? શું સ્વાદિષ્ટ ભોજનથી? જો યહોવાહ ચાહત તો, આપણને એક જ પ્રકારનો ખોરાક આપ્યો હોત. એના બદલે તેમણે આપણને જાત-જાતનો અને ભાત-ભાતનો ખોરાક આપ્યો છે. આપણી ખુશી માટે રંગબેરંગી ફૂલ-ઝાડ ઉગાવ્યા છે. પર્વતો, નદીઓ, પાણીના ધોધ વગેરેથી પૃથ્વીને શણગારી છે.
યહોવાહે આપણને જે રીતે બનાવ્યા છે એનો પણ વિચાર કરો. આપણે મોજ-મસ્તી કરીને કે હસી-ખુશીથી જીવનનો આનંદ માણીએ છીએ. સંગીતથી પણ આપણને ખુશી મળે છે. સુંદર વસ્તુની કદર કરી શકીએ છીએ. જોકે જીવવા માટે આ બધાની જરૂર નથી. તોપણ ઈશ્વર આપણને ચાહે છે એટલે આ બધું આપ્યું છે. એ ઉપરાંત આપણે સગાં-વહાલાં સાથે સારા સંબંધ બાંધી શકીએ છીએ. મિત્રો સાથે હળી-મળી શકીએ છીએ. અરે ઈશ્વરે તો બીજાઓને પ્રેમ બતાવવાની ક્ષમતા પણ આપી છે. જો ઈશ્વરે મનુષ્યને એ ક્ષમતા આપી હોય તો શું તે લાગણી વગરના હોય શકે?
બાઇબલ, ઈશ્વરના પ્રેમનું પ્રતિક
બાઇબલ શીખવે છે કે ઈશ્વર પ્રેમના સાગર છે. (૧ યોહાન ૪:૮) એટલે સૃષ્ટિની રચનામાં પણ તેમનો પ્રેમ જોઈ શકીએ છીએ. બાઇબલના સંદેશામાં પણ ઈશ્વરનો પ્રેમ દેખાઈ આવે છે. જેમ કે, બાઇબલના શિક્ષણ પ્રમાણે રહેવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. તન-મનથી સંયમ જાળવી શકીએ છીએ. બાઇબલમાં આપેલી દારૂડિયા કે ખાઉધરા ન બનવાની ચેતવણીથી પણ આપણને લાભ થાય છે.—૧ કોરીંથી ૬:૯, ૧૦.
બાઇબલ શીખવે છે કે આપણે બધા સાથે હળીમળીને રહેવું જોઈએ. બીજાઓને માન આપવાનું અને દયાભાવથી વર્તવાનું ઉત્તેજન પણ આપે છે. (માત્થી ૭:૧૨) બાઇબલ એવા કામોને ધિક્કારે છે જે દુઃખ-તકલીફો લાવે. જેમ કે સ્વાર્થી હોવું, કોઈના વિષે ખોટી વાતો ફેલાવવી, અદેખાઈ કરવી, વ્યભિચાર કરવો કે ખૂન કરવું. જો બધા જ બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલે તો દુનિયામાં આટલું બધું દુઃખ ન હોત.
બાઇબલ જણાવે છે કે પ્રથમ પુરુષ આદમ પાસેથી આપણને પાપ ને મરણનો વારસો મળ્યો છે. એમાંથી છોડાવવા યહોવાહ ઈશ્વરે ઈસુને પૃથ્વી પર મોકલ્યા, જેમણે મનુષ્ય માટે પોતાનો જીવ આપી દીધો. એ ગોઠવણમાં યહોવાહનો મહાન પ્રેમ દેખાઈ આવે છે. યોહાન ૩:૧૬ કહે છે: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ એ બતાવે છે કે યહોવાહ આ દુનિયા પરથી પાપ, દુઃખો અને મરણનો કાયમ માટે અંત લઈ આવશે.—૧ યોહાન ૩:૮.
આપણી પાસે ઘણા પુરાવા છે કે યહોવાહ આપણને ખરેખર ચાહે છે. આપણું દુઃખ જોઈને તે પોતે દુઃખી થાય છે. આપણે ખાતરી રાખી શકીએ કે તે સર્વ દુઃખનો અંત જરૂર લાવશે. યહોવાહે બાઇબલમાં આપણને સ્પષ્ટ જણાવ્યું છે કે તે પોતે કઈ રીતે સર્વ દુઃખોનો અંત લઈ આવશે. આપણે એવી શંકા ન કરવી જોઈએ કે ઈશ્વર ખરેખર આપણા દુઃખોનો અંત લાવશે કે કેમ. (w09-E 12/01)
[પાન ૪ પર ચિત્ર]
યહોવાહ પ્રેમના સાગર છે, અને તેમણે આપણને પણ પ્રેમ બતાવવાની ક્ષમતા આપી છે