સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ

ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ

યહોશુઆ ૧:૬-૯

માબાપ ઇચ્છતા હોય છે કે પોતાના બાળકો સુખી થાય. ઈશ્વર યહોવાહ આપણા પિતા છે. તે પણ ઇચ્છે છે કે આપણે જીવનમાં સુખી થઈએ. એટલું જ નહિ, તે સુખી થવા માર્ગદર્શન પણ આપે છે. દાખલા તરીકે, તેમણે યહોશુઆને આપેલું માર્ગદર્શન આપણને યહોશુઆ ૧:૬-૯⁠માં જોવા મળે છે.

બાજુનું ચિત્ર જોઈને કલ્પના કરો કે તમે ત્યાં છો. મુસાના ગુજરી ગયા પછી યહોશુઆ લાખો ઈસ્રાએલીઓના નવા આગેવાન બન્યા હતા. ઈશ્વરે યહોશુઆના પૂર્વજોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું એના આંગણે ઈસ્રાએલીઓ ઊભા હતા. એ દેશમાં જતા પહેલાં યહોશુઆને ઈશ્વરે અમુક સલાહ આપી. એ પાળવાથી યહોશુઆ સફળ થવાના હતા. જોકે એ સલાહ ફક્ત યહોશુઆ માટે નહિ, આપણા માટે પણ છે. એ સલાહ પાળવાથી આપણે સુખી થઈ શકીએ.—રૂમી ૧૫:૪.

યહોવાહે એક વાર નહિ, પણ ત્રણવાર યહોશુઆને બળવાન તથા હિંમતવાન થવા કહ્યું. (કલમ ૬, ૭, ૯) ઈસ્રાએલ પ્રજાને નવા દેશમાં લઈ જવા યહોશુઆને હિંમત અને શક્તિની જરૂર હતી. પણ તે કઈ રીતે એ મેળવી શક્યા?

ઈશ્વર પાસેથી મળેલા શાસ્ત્રોમાંથી યહોશુઆ હિંમત અને શક્તિ મેળવી શક્યા. યહોવાહે કહ્યું: ‘મારા સેવક મુસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કર.’ (કલમ ૭) એ સમયે યહોશુઆ પાસે બાઇબલના થોડા જ પુસ્તકો હતા. * એ હોવાથી તેમને કંઈ ચમત્કારિક રીતે સફળતા મળી નહિ. પણ સફળતા મેળવવા તેમણે બે બાબતો કરવાની હતી.

પહેલું, યહોશુઆએ ઈશ્વરના વિચારો દિલમાં ઉતારવાના હતા. એ માટે યહોવાહે કહ્યું: ‘નિયમશાસ્ત્રનું દિવસે તથા રાત્રે મનન કર.’ (કલમ ૮) બાઇબલનો એક જ્ઞાનકોશ કહે છે કે મૂળ ભાષામાં ‘ઈશ્વરે યહોશુઆને હુકમ આપ્યો હતો કે નિયમોને યાદ રાખવા વારંવાર પોતાને વાંચી સંભળાવવું જોઈએ.’ ઈશ્વરના વચનોને રોજ વાંચવાથી અને મનન કરવાથી યહોશુઆ આવનાર મુશ્કેલીઓને થાળે પાડી શક્યા.

બીજું, યહોશુઆએ ઈશ્વરના વચનોને જીવનમાં લાગુ પાડવાના હતા. યહોવાહે તેમને કહ્યું: ‘તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળ. ત્યારે જ તારો માર્ગ સફળ થશે.’ (કલમ ૮) યહોવાહનું કહ્યું કરવાથી યહોશુઆને સફળતા મળવાની હતી. ઈશ્વર જે કહે એ કરવાથી જ વ્યક્તિનું ભલુ થાય છે.—યશાયાહ ૫૫:૧૦, ૧૧.

ઈશ્વરભક્ત યહોશુઆએ યહોવાહની સલાહ સાંભળી. એટલે તે લાંબું જીવન જીવ્યા અને સુખી થયા.—યહોશુઆ ૨૩:૧૪; ૨૪:૧૫.

શું તમને પણ યહોશુઆની જેમ જીવનમાં સુખી થવું છે? યહોવાહ ચાહે છે કે આપણે જીવનમાં સફળ થઈએ. પણ એ માટે બાઇબલ રાખવું જ પૂરતું નથી. લાંબા સમયથી યહોવાહની ભક્તિ કરતા એક સાક્ષીએ કહ્યું: ‘બાઇબલમાં લખેલા વિચારોને દિલમાં ઉતારીએ.’ જો આપણે ઈશ્વરના વચનોને દિલમાં ઉતારીએ અને જીવનમાં લાગુ પાડીએ તો, યહોશુઆની જેમ આપણા ‘માર્ગો પણ સફળ થશે.’ (w09-E 12/01)

[ફુટનોટ્‌સ]

^ યહોશુઆ પાસે મુસાએ લખેલા આ પુસ્તકો કદાચ હોય શકે: ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના, પુનર્નિયમ, અયૂબ અને ગીતશાસ્ત્રના એક-બે ગીતો.