સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ક્યાં સુધી હું પોકાર કરીશ?’

‘ક્યાં સુધી હું પોકાર કરીશ?’

‘ક્યાં સુધી હું પોકાર કરીશ?’

જેનને કૅન્સર હતું. આખા શરીરમાં ફેલાતું હતું. તે રડતાં રડતાં બોલી ઊઠી: “મને બહુ જ દુઃખાવો થાય છે, મારાથી સહેવાતું નથી.” જેનનું કુટુંબ અને સગાં-વહાલાં ચાહતા હતા કે કોઈક રીતે તેને કૅન્સરની પીડામાંથી આઝાદ કરી શકે તો કેવું સારું. પણ તેઓ લાચાર હતા. તેઓએ ઈશ્વરને હાથ જોડીને કાલાવાલા કર્યા. શું ઈશ્વરે તેઓની પ્રાર્થના સાંભળી? શું ઈશ્વરને કંઈ પડી છે?

મનુષ્ય પર શું વીતે છે એ ઈશ્વર બધું જાણે છે. બાઇબલ જણાવે છે કે મનુષ્ય ‘નિસાસા નાખીને વેદનાથી પીડાય છે.’ (રૂમી ૮:૨૨) ઈશ્વર જાણે છે કે આજે લાખો-કરોડો લોકો શારીરિક, લાગણીમય અથવા માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે. તે એ પણ જુએ છે કે લગભગ ૮૦ કરોડ લોકો રોજ ભૂખે ટળવળે છે. લાખો લોકોને પોતાના કુટુંબના હાથે જુલમ અને હિંસા સહેવા પડે છે. બીજી તરફ મા-બાપ પોતાના બાળકોની ખૂબ જ ચિંતા કરતા હોય છે. શું તમને લાગે છે કે ઈશ્વર આવા બધા દુઃખોનો અંત લાવશે? જો આપણે ચાહતા હોઈએ કે સગાં-વહાલાંના દુઃખો દૂર થાય, તો શું ઈશ્વર એવું નહિ ચાહે? આખરે આપણે તો તેમનાં બાળકો છીએ.

કદાચ તમને પણ આવા સવાલો થતા હશે. આજથી લગભગ ૨,૬૦૦ વર્ષ પહેલાં ઈશ્વરભક્ત હબાક્કૂક પણ અનેક દુખિયારાની જેમ ઈશ્વરની આગળ પોકારી ઊઠ્યા: “હે યહોવાહ, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તું સાંભળશે નહિ? હું જોરજુલમ વિષે તારી આગળ બૂમ પાડું છું તો પણ તું બચાવ કરતો જ નથી. શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે, ને ભ્રષ્ટાચાર બતાવે છે? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે; કજિયા થાય છે.” (હબાક્કૂક ૧:૨, ૩) હબાક્કૂકે નરી આંખે લૂંટફાટ, જોરજુલમ ને હિંસા થતા જોયા હતા. આપણા સમયમાં પણ આવું તો રોજ જોવા મળે છે. એ બધું જોઈને શું આપણને દુઃખ થતું નથી?

હબાક્કૂકે જ્યારે ઈશ્વરને એવા સવાલ કર્યા ત્યારે શું ઈશ્વરે તેમને ઉતારી પાડ્યા? જરાય નહિ! ઈશ્વરે તો ધીરજથી તેમના દિલનો પોકાર સાંભળ્યો. તેમને દિલાસો અને ઉત્તેજન આપ્યું. તેમને વચન આપ્યું કે પોતે સર્વ દુઃખોનો અંત લઈ આવશે. એનાથી હબાક્કૂકની શ્રદ્ધા વધી. જેન અને તેમના કુટુંબને એ જાણીને દિલાસો મળ્યો કે યહોવાહ સર્વ દુઃખોનો અંત લઈ આવશે. યહોવાહ ઈશ્વર તમારા દુઃખોનો પણ જરૂર અંત લઈ આવશે. આપણી પાસે શું પુરાવો છે કે તે સર્વ દુઃખોનો અંત લઈ આવશે? તે એમ ક્યારે કરશે? હવે પછીના લેખો એ સવાલોના જવાબ આપશે. (w09-E 12/01)