દુનિયાભરની દુઃખ-તકલીફનો એક ઇલાજ
દુનિયાભરની દુઃખ-તકલીફનો એક ઇલાજ
આજે ચારે બાજુ દુઃખ દુઃખ અને દુઃખ જ જોવા મળે છે. એ જોઈને ઘણા લોકો બીજાઓનું દુઃખ હળવું કરવા માગે છે. દાખલા તરીકે ઘણા ડૉક્ટરો અને નર્સો દર્દીઓની સારવાર પાછળ કલાકોના કલાકો વિતાવે છે. આગ બુઝાવનારા, પોલીસ, કાયદો અને વ્યવસ્થા જાળવનારા તથા રાહત કાર્યમાં કામ કરનારા બીજાઓને મદદ કરવા તનતોડ મહેનત કરે છે. એનાથી ઘણા લોકોને રાહત મળી છે. જોકે આવી મદદ પૂરી પાડવા છતાં આખી દુનિયામાંથી દુઃખ દૂર કરવું શક્ય નથી. ફક્ત ઈશ્વર જ આ દુનિયાનાં દુઃખ દૂર કરી શકે છે, અને તે જરૂર કરશે.
ભાવિમાં ઈશ્વર શું કરવાના છે એ તેમણે બાઇબલમાં જણાવ્યું છે: “તે [ઈશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૪) વિચાર કરો કે ઈશ્વરે આ આશીર્વાદ પૃથ્વીના સર્વ લોકો માટે રાખેલો છે. વચન પ્રમાણે યહોવાહ સર્વ દુઃખોનો અંત લાવશે. આપણા માટે યહોવાહનો આ જ મકસદ છે. એમ કરવા માટે તે પૃથ્વી પરથી લડાઈ અને યુદ્ધોનું નામ-નિશાન મિટાવી દેશે. ભૂખમરો નહિ હોય. કૅન્સર જેવી મોટી મોટી બીમારી નાબૂદ કરશે. લોકોને અન્યાય નહિ થાય કે દુષ્ટ લોકો હશે જ નહિ. આવા આશીર્વાદ લાવવા એ કોઈ મનુષ્યના હાથની વાત નથી.
ઈશ્વરનું રાજ્ય આશીર્વાદો લાવશે
ઈસુએ આપણા માટે જીવ આપી દીધો, પછી યહોવાહે તેમને સજીવન કર્યા. યહોવાહે પૃથ્વી પર આશીર્વાદ લાવવા જે વચનો આપ્યા છે એ ઈસુ દ્વારા જ પૂરા કરશે. હવે એવો સમય આવશે, જ્યારે ઈસુને આખી પૃથ્વી પર રાજ કરતા કોઈ રોકી નહિ શકે. પછી કોઈ માણસનું નહિ પણ ઈશ્વરનું રાજ હશે. એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત હશે.
સદીઓ પહેલા બાઇબલમાં જણાવ્યું હતું કે આપણા સમયના ‘રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.’ (દાનીયેલ ૨:૪૪) રાજા ઈસુ મનુષ્યની સર્વ સરકારનો નાશ કરશે. ત્યાર પછી ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર રાજ કરશે. એ રાજમાં સર્વ લોકો શાંતિથી રહેશે.
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે એ રાજ્ય વિષે ઘણી વાર વાત કરી હતી. તેમણે પોતાના શિષ્યોને પણ એ રાજ્ય વિષે પ્રાર્થના કરતા શીખવ્યું હતું કે “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) ઈસુ અહીં શું કહેવા માગતા હતા? યહોવાહની ઇચ્છા છે કે એ રાજ્ય પૃથ્વી પર આવે અને સર્વ દુઃખોનો અંત આવે.
ઈશ્વરના રાજ્યમાં કોઈ અન્યાય નહિ હોય. ઈસુ જે આશીર્વાદો લાવશે, એ કોઈ માનવ સરકાર લાવી જ ન શકે. આપણે આગળ જોઈ ગયા કે યહોવાહે પોતાના દીકરા ઈસુનો એ કારણથી જીવ આપ્યો, જેથી મનુષ્ય કદી મરે નહિ પણ કાયમ માટે જીવે. એ રાજ્યમાં બીમારી, ઘડપણ કે મરણ નહિ હોય. બાઇબલમાં લખેલું છે કે ‘યહોવાહે સદાને માટે મરણ રદ કર્યું છે; અને તે સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’—યશાયાહ ૨૫:૮.
પણ ઘણા કહેશે કે: ‘ઈશ્વર શા માટે દુઃખ ચાલવા દે છે? તે શાની રાહ જુએ છે?’ યહોવાહ ચાહતા હોત તો સદીઓ પહેલાં દુઃખોનો અંત લાવ્યા હોત, અથવા દુઃખોને આવતા અટકાવી શક્યા હોત. પણ એમ કરવાને બદલે તેમણે દુઃખોને ચાલવા દીધા. એ કોઈ સ્વાર્થના કારણે નહિ, પણ મનુષ્ય કાયમ માટે જીવી શકે એટલા માટે. દાખલા તરીકે માબાપને ખાતરી હોય કે અમુક તકલીફ વેઠ્યા પછી બાળકને કાયમ માટે લાભ થશે તો તેઓ તકલીફ વેઠવા દે છે. એવી જ રીતે યહોવાહ આપણને પણ સારાં કારણોથી અમુક સમય દુઃખ-તકલીફ વેઠવા દે છે. જેમ કે, બાઇબલ જણાવે છે કે યહોવાહે આપણને શું કરવું, શું ન કરવું એની પસંદગી આપી છે, પણ માણસ હાથે કરીને પોતાના પર દુઃખ લાવ્યો છે. માણસે વારસામાં મળેલા પાપને લીધે દુઃખ તકલીફો સહેવા પડે છે. યહોવાહના રાજ સામે શેતાને વાંધો ઉઠાવ્યો હતો. બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વરે થોડા સમય માટે શેતાનને દુનિયા પર રાજ કરવા દીધો છે. *
જોકે અહીં એ બધાં જ કારણો પૂરી રીતે સમજાવી શકાય એમ નથી. તોપણ બે ખાસ કારણ છે જેનાથી આપણને આશા અને ઉત્તેજન મળે છે. એક તો, આપણે જે દુઃખો સહેવા પડે છે એના કરતાં સો ઘણા આશીર્વાદો તે આપશે. ઈશ્વર આપણને ખાતરી આપે છે કે: “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.” (યશાયાહ ૬૫:૧૭) શેતાનના લીધે જે દુઃખ-તકલીફો સહેવા પડે છે, એને યહોવાહ એવી રીતે મિટાવી દેશે કે જાણે આપણા પર દુઃખ આવ્યું જ ન હોય.
બીજું કે, સર્વ દુઃખ-તકલીફનો અંત લાવવા યહોવાહે ચોક્કસ સમય રાખ્યો છે. પહેલા લેખમાં જોઈ ગયા તેમ, યહોવાહને ઈશ્વરભક્ત હબાક્કૂકે પૂછ્યું હતું કે ‘હે યહોવાહ, તું ક્યાં સુધી લૂંટફાટ ને જોરજુલમ ચાલવા દેશે?’ જવાબમાં યહોવાહે કહ્યું: ‘એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, એ નક્કી આવશે, એ વિલંબ કરશે નહિ.’ (હબાક્કૂક ૨:૩) હવે પછીના લેખમાં આપણે જોઈશું કે ઈશ્વરે નક્કી કરેલો સમય પાસે જ છે. (w09-E 12/01)
[ફુટનોટ્સ]
^ ઈશ્વર કેમ દુઃખ-તકલીફ ચાલવા દે છે એ વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ૧૧મું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૭ પર બોક્સ]
સુંદર ભાવિ વિષે ઈશ્વરના વચનો
યુદ્ધો નહિ હોય:
“આવો, યહોવાહનાં કૃત્યો જુઓ, . . . તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯.
મરણની ઊંઘમાં છે, તેઓને સજીવન કરવામાં આવશે:
“ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.
બધાં માટે પુષ્કળ અનાજ હશે:
“પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.
બીમારી નહિ હોય:
“હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪.
ખરાબ લોકો નહિ હોય:
“દુષ્ટો દેશ [પૃથ્વી] પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઊખેડી નાખવામાં આવશે.”—નીતિવચનો ૨:૨૨.
કોઈને અન્યાય નહિ થાય:
“જુઓ, એક રાજા [ઈસુ ખ્રિસ્ત] ન્યાયથી રાજ કરશે, ને સરદારો ઈન્સાફથી અધિકાર ચલાવશે.”—યશાયાહ ૩૨:૧.
[પાન ૭ પર ચિત્રો]
પરમેશ્વરનું રાજ્ય આવશે ત્યારે દુઃખ-તકલીફોનું નામ-નિશાન નહિ હોય