સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની અપાર કૃપાથી આપણે તેમના ભક્તો છીએ

યહોવાહની અપાર કૃપાથી આપણે તેમના ભક્તો છીએ

યહોવાહની અપાર કૃપાથી આપણે તેમના ભક્તો છીએ

“આપણે પ્રભુના જ છીએ.”—રૂમી ૧૪:૮.

૧, ૨. (ક) આપણી પાસે કેવો લહાવો છે? (ખ) આપણે કેવા પ્રશ્નોની ચર્ચા કરીશું?

 યહોવાહે ઈસ્રાએલી પ્રજાને કહ્યું: “સર્વ લોકોમાંથી તમે મારૂં ખાસ ધન થશો.” (નિર્ગ. ૧૯:૫) આ તેઓ માટે કેટલો મોટો લહાવો હતો! આજે આપણને પણ યહોવાહના લોક બનવાનો મોટો લહાવો છે. (૧ પીત. ૨:૯; પ્રકટી. ૭:૯, ૧૪, ૧૫) એનાથી આપણને સદા માટે લાભ થઈ શકે છે.

એ લહાવાની સાથે સાથે જવાબદારી પણ છે. એટલે જ અમુકને લાગે છે કે ‘યહોવાહ કહે એ પ્રમાણે શું હું જીવી શકીશ? જો હું કોઈ પાપ કરી બેસું તો, શું તે મને ત્યજી દેશે? યહોવાહના સેવક બનવાથી શું હું મારી આઝાદી ગુમાવું છું?’ આ સવાલોના જવાબ મેળવતા પહેલાં આપણે જોઈએ કે યહોવાહના ભક્ત બનવામાં કેવા ફાયદા રહેલા છે.

યહોવાહના ભક્ત બનીને ખુશી મેળવો

૩. યહોવાહની ભક્તિ કરવાના નિર્ણયથી રાહાબને શું ફાયદો થયો?

યહોવાહના ભક્ત બનવાથી શું આપણને કોઈ ફાયદો થાય છે? ચાલો બાઇબલમાંથી રાહાબનો વિચાર કરીએ. તે યરેખો શહેરમાં એક વેશ્યા હતી. કદાચ તેણે નાનપણથી કનાન દેશના દેવ-દેવીઓની મૂર્તિપૂજા કરી હશે. પણ તેણે સાંભળ્યું કે યહોવાહે ઈસ્રાએલીઓને અનેક જીત અપાવી છે ત્યારે તેને ખાતરી થઈ કે યહોવાહ જ સાચા ઈશ્વર છે. એટલે જ તેણે ઈશ્વરના પસંદ કરાયેલા લોકોને બચાવવા પોતાનું જીવન જોખમમાં મૂક્યું. જાણે તેણે પોતાનું ભાવિ તેઓના હાથમાં સોંપી દીધું. બાઇબલ કહે છે: “જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો, અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાયી નહિ ઠરાવવામાં આવી?” (યાકૂ. ૨:૨૫) રાહાબ યહોવાહની ભક્ત બની ત્યારે તેને કેટલો ફાયદો થયો હશે! ઈશ્વરના લોકોની ભક્તિ શુદ્ધ હતી. ઈશ્વરે પોતે તેઓને પ્રેમ અને ન્યાયના માર્ગ પર ચાલવાનું શીખવ્યું. રાહાબે પોતાનું પાપી જીવન છોડી દીધું અને નવી શરૂઆત કરી ત્યારે તેને ઘણી ખુશી મળી હશે. તે એક ઈસ્રાએલી સાથે પરણી અને પોતાના દીકરા બોઆઝને યહોવાહના માર્ગમાં ઉછેર્યો. બોઆઝ તો યહોવાહનો પાકો ભક્ત બન્યો.—યહો. ૬:૨૫; રૂથ ૨:૪-૧૨; માથ. ૧:૫, ૬.

૪. યહોવાહની ઉપાસના કરવાનો નિર્ણય લેવાથી રૂથને કેવો ફાયદો થયો?

મોઆબ દેશની રૂથે પણ યહોવાહની ઉપાસના કરવાનો નિર્ણય કર્યો. તે નાની હતી ત્યારે કદાચ તે કીમોશ અને એવા બીજા મોઆબી દેવ-દેવીઓમાં માનતી હશે. પણ પછીથી તેણે સાચા ઈશ્વર યહોવાહને ઓળખ્યા. તેણે એક ઈસ્રાએલી સાથે લગ્‍ન કર્યા, જે મોઆબમાં રક્ષણ મેળવવા આવ્યો હતો. (રૂથ ૧:૧-૬ વાંચો.) અમુક સમય પછી નાઓમી બેથલેહેમ જવા નીકળી. તેની બન્‍ને યુવાન વહુ રૂથ અને ઓર્પાહ પણ તેને સાથ આપે છે. નાઓમીને ખબર હતી કે તેઓ બંને માટે ઈસ્રાએલમાં જીવન ગુજારવું સહેલું નહિ હોય. એટલે બંનેને પોતાના ગામ પાછા જવા કહે છે. ઓર્પાહ “પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ.” પણ રૂથે એમ ન કર્યું. તેને ખબર હતી કે તે કોની ભક્તિ કરવા માગે છે. તેણે નાઓમીને કહ્યું: ‘તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર. કેમકે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની. અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક, ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે.’ (રૂથ ૧:૧૫, ૧૬) રૂથે યહોવાહની ભક્તિ કરવાનું પસંદ કર્યું. યહોવાહના નિયમ હેઠળ તેને ઘણા લાભ થયા. એ નિયમોમાંના અમુક ખાસ કરીને વિધવાઓ, ગરીબો અને જેઓ પાસે જમીન ન હોય તેઓની સંભાળ રાખવા માટે હતા. આમ યહોવાહના હાથ નીચે રૂથે ખુશી, સલામતી અને રક્ષણ મેળવ્યા.

૫. વર્ષોથી યહોવાહને ભજે છે તેઓ પાસેથી તમને શું શીખવા મળ્યું છે?

તમે એવા ઘણા લોકોને જાણતા હશો જેઓ દાયકાઓથી યહોવાહને ભજે છે. તેઓને પૂછો કે યહોવાહની ભક્તિ કરવાથી તેમને કેવા લાભ થયા છે. ખરું કે, આજે દરેકને કોઈને કોઈ મુશ્કેલી હોય છે, છતાં ગીતકર્તાના આ શબ્દો સાચા પડ્યા છે: ‘જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓને ધન્ય છે.’—ગીત. ૧૪૪:૧૫.

યહોવાહ આપણી પાસે વધારે અપેક્ષા રાખતા નથી

૬. યહોવાહના કહેવા પ્રમાણે જીવી નહિ શકીએ એવી ચિંતા કેમ ન કરવી જોઈએ?

તમને કદાચ થશે કે યહોવાહ કહે એ પ્રમાણે શું હું જીવી શકીશ? કદાચ તમને લાગે કે તેમની ભક્તિ કરવી, તેમના નિયમો પ્રમાણે જીવવું અને તેમના વિષે બીજાઓને જણાવવું બહુ કહેવાય. મુસાને પણ એવું જ લાગ્યું હતું. મિસરના રાજા અને ઇસ્રાએલીઓ સાથે વાત કરવા મોકલ્યા ત્યારે તેમને લાગ્યું કે પોતે એ કરી નહિ શકે. મુસાથી થઈ ન શકે એવી કોઈ અપેક્ષા યહોવાહે રાખી ન હતી. યહોવાહે મુસાને મદદ પૂરી પાડી. તેમણે મુસાને કહ્યું કે એ કામ કરવા ‘હું તને શીખવીશ.’ (નિર્ગમન ૩:૧૧; ૪:૧, ૧૦, ૧૩-૧૫ વાંચો.) મુસાએ એ મદદ સ્વીકારી અને યહોવાહનું કામ પૂરું કરવામાં તેમને ખુશી મળી. એવી જ રીતે, આજે યહોવાહ આપણી પાસે એવી કોઈ અપેક્ષા રાખતા નથી જે આપણે કરી ન શકીએ. તે આપણું બંધારણ સારી રીતે જાણે છે અને તે આપણને મદદ કરવા ઇચ્છે છે. (ગીત. ૧૦૩:૧૪) ઈશ્વરની ભક્તિ કરવા આપણે ઈસુના પગલે ચાલીએ. એમ કરવાથી આપણને ચિંતાઓ નહિ પણ ખુશી મળે છે. એવું જીવન જીવવાથી બીજાઓને મદદ મળે છે અને યહોવાહ ખુશ થાય છે. ઈસુએ કહ્યું હતું: ‘મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું.’—માથ. ૧૧:૨૮, ૨૯.

૭. કેમ ખાતરી રાખી શકીએ કે યહોવાહ પોતાનું કામ પૂરું કરવા આપણને મદદ કરશે?

જો આપણે યહોવાહ પર આધાર રાખીશું, તો તે ચોક્કસ આપણને હિંમત આપશે. યિર્મેયાહનો વિચાર કરીએ. લોકો સામે હિંમતથી વાત કરવું કદાચ તેમની માટે સહેલું ન હતું. જ્યારે યહોવાહે તેમને પ્રબોધક તરીકેનું કામ સોંપ્યું ત્યારે તેમણે કહ્યું: “ઓ પ્રભુ યહોવાહ! મને તો બોલતાં આવડતું નથી; કારણ કે હું હજી બાળક છું.” થોડા સમય પછી તેમણે એમ પણ કહ્યું કે ‘હું યહોવાહને નામે ફરી બોલીશ નહિ.’ (યિર્મે. ૧:૬; ૨૦:૯) તેમ છતાં, યહોવાહે તેમને હિંમત આપી. એનાથી યિર્મેયાહે ૪૦ વર્ષ સુધી યહોવાહનો સંદેશો જાહેર કર્યો, જે વિષે લોકોને સાંભળવું ન હતું. આ સમય દરમિયાન યહોવાહે વારંવાર યિર્મેયાહને ઉત્તેજન આપ્યું: “તારો છૂટકો કરવા સારૂ હું તારી સાથે છું.”—યિર્મે. ૧:૮, ૧૯; ૧૫:૨૦.

૮. યહોવાહમાં ભરોસો કેવી રીતે બતાવી શકીએ?

યહોવાહે મુસા અને યિર્મેયાહને મદદ પૂરી પાડી. એવી જ રીતે આજે પણ તે આપણને મદદ કરે છે. આપણે ફક્ત તેમનામાં ભરોસો રાખવાનો છે. બાઇબલ કહે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિ. ૩:૫, ૬) આપણે યહોવાહમાં ભરોસો કેવી રીતે બતાવી શકીએ? બાઇબલ અને મંડળ દ્વારા જે માર્ગદર્શન મળે છે એને સ્વીકારીને. જો આપણે જીવનમાં યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ, તો તેમને વિશ્વાસુ રહેવા કંઈ જ આડે નહિ આવે.

યહોવાહ પોતાના દરેક ભક્તની કાળજી રાખે છે

૯, ૧૦. ગીતશાસ્ત્ર ૯૧⁠માં યહોવાહ આપણને કેવું રક્ષણ આપવાનું વચન આપે છે?

યહોવાહને સમર્પણ કરતા પહેલાં અમુક વિચારશે કે ‘જો હું કોઈ પાપ કરી બેસું અને યહોવાહ મને ત્યજી દેશે તો મારું શું થશે?’ આપણે આવી ચિંતા કરવાની જરૂર નથી. યહોવાહ આપણને જોઈતું રક્ષણ પૂરું પાડે છે, જેથી આપણે તેમની સાથે સંબંધ જાળવી રાખી શકીએ. ચાલો જોઈએ કે ગીતશાસ્ત્ર ૯૧ એના વિષે શું કહે છે.

૧૦ ગીતશાસ્ત્ર ૯૧⁠ના કવિ આમ કહે છે: ‘પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. હું યહોવાહ વિષે કહીશ, કે તે મારો આશ્રય તથા કિલ્લો છે. એજ મારો ઈશ્વર છે, તેના પર હું ભરોસો રાખું છું. કેમકે તે શિકારીના ફાંદાથી બચાવશે.’ (ગીત. ૯૧:૧-૩) યહોવાહ વચન આપે છે કે તે એવા લોકોનું રક્ષણ કરશે જે તેમને પ્રેમ કરે છે અને તેમનામાં ભરોસો મૂકે છે. (ગીતશાસ્ત્ર ૯૧:૯, ૧૪ વાંચો.) ઈશ્વર કયા પ્રકારના રક્ષણની વાત કરી રહ્યાં છે? જૂના-જમાનામાં યહોવાહે પોતાના અમુક ભક્તોને મુશ્કેલ સંજોગોમાંથી બચાવ્યા હતા. અમુક કિસ્સામાં તેમણે એવા લોકોનું રક્ષણ કર્યું જેથી તેઓના વંશમાંથી મસીહ આવી શકે. પણ શેતાને ઘણા ઈશ્વરભક્તોની શ્રદ્ધા તોડવા તેઓને જેલમાં પૂર્યા, રિબાવ્યા અને અમુકને મારી નંખાવ્યા. (હેબ્રી ૧૧:૩૪-૩૯) યહોવાહે તેઓને વિશ્વાસ મક્કમ રાખવા મદદ કરી જેથી તેઓ બધું હિંમતથી સહન કરી શક્યા. આમ, યહોવાહે જાણે તેઓની શ્રદ્ધાનું રક્ષણ કર્યું. તેથી કહી શકીએ કે ગીતશાસ્ત્ર ૯૧⁠માં યહોવાહ વચન આપે છે કે તે આપણી શ્રદ્ધાનું રક્ષણ કરશે.

૧૧. ‘પરાત્પરનું ગુપ્તસ્થાન’ શું છે? એમાં કોને રક્ષણ મળે છે?

૧૧ ગીતકર્તાએ જણાવેલું ‘પરાત્પરનું ગુપ્તસ્થાન’ કોઈ જગ્યા નથી. પણ યહોવાહ આપણી શ્રદ્ધાનું રક્ષણ કરશે એને બતાવે છે. જેઓ યહોવાહનો આશરો લે છે તેઓને રક્ષણ મળે છે. એટલે કોઈ વ્યક્તિ કે બાબત યહોવાહ માટેનો આપણો પ્રેમ છીનવી શકશે નહિ. તેમ જ, વિશ્વાસને તોડી શકશે નહિ. (ગીત. ૧૫:૧, ૨; ૧૨૧:૫) જેઓ યહોવાહમાં વિશ્વાસ રાખતા નથી તેઓ માટે આ રક્ષણ ‘ગુપ્ત’ છે. એટલે યહોવાહ એવા લોકોનું રક્ષણ કરે છે જેઓ જાણે કહે છે, ‘તું મારો ઈશ્વર છે. તારા પર હું ભરોસો રાખું છું.’ જો આપણે યહોવાહનો આશરો લઈએ તો ‘શિકારી’ શેતાનના ફાંદામાં નહિ ફસાઈએ. કદીએ એવી ખોટી ચિંતા નહિ કરીએ કે ઈશ્વરની કૃપા ગુમાવી દઈશું તો શું થશે.

૧૨. એવી કઈ બાબતો છે જે યહોવાહ અને આપણા સંબંધ વચ્ચે તીરાડ પાડી શકે?

૧૨ એવી કઈ બાબતો છે જે યહોવાહ અને આપણા સંબંધ વચ્ચે તીરાડ પાડી શકે? ગીતકર્તા અમુક બાબત જણાવે છે. એમાંની બે છે, ‘અંધારામાં ચાલનાર મરકી, કે બપોરની મહામારી.’ (ગીત. ૯૧:૫, ૬) ‘શિકારી’ શેતાને ઘણા લોકોને ફસાવ્યા છે. કઈ રીતે? તે મન ફાવે એમ જીવવા ઉશ્કેરે છે. (૨ કોરીં. ૧૧:૩) બીજાઓને લોભ, ઘમંડ અને ઘન-દોલતની લાલચમાં ફસાવે છે. અમુકને દેશપ્રેમી બનવા ઉશ્કેરે છે. ઘણાને ઉત્ક્રાંતિ અને જૂઠા ધર્મોની ફિલસૂફીથી ખોટે માર્ગે દોરે છે. (કોલો. ૨:૮) બીજા ઘણાંને અનૈતિક કામો કરવા લલચાવે છે. આવી બાબતો મરકી જેવી છે જેનાથી લાખો લોકોએ ઈશ્વર માટેનો પ્રેમ ગુમાવી દીધો છે.—ગીતશાસ્ત્ર ૯૧:૭-૧૦ વાંચો; માથ. ૨૪:૧૨.

ઈશ્વર માટેના પ્રેમનું રક્ષણ કરીએ

૧૩. વિશ્વાસને ભ્રષ્ટ કરી શકે એવી બાબતોથી યહોવાહ કઈ રીતે આપણું રક્ષણ કરે છે?

૧૩ વિશ્વાસને ભ્રષ્ટ કરી શકે એવી બાબતોથી યહોવાહ કઈ રીતે આપણું રક્ષણ કરે છે? ગીતકર્તા કહે છે: “તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.” (ગીત. ૯૧:૧૧) ઈશ્વરનો સંદેશો જાહેર કરવા સ્વર્ગદૂતો આપણું રક્ષણ કરે છે, માર્ગદર્શન આપે છે. (પ્રકટી. ૧૪:૬) સાથે સાથે મંડળના વડીલો પણ આપણું રક્ષણ કરે છે. તેઓ શાસ્ત્રમાંથી આપણને શીખવે છે જેથી ખોટા શિક્ષણમાં ફસાઈએ નહિ. જેઓને દુન્યવી વલણ છોડવામાં તકલીફ પડતી હોય તેઓને મદદ પૂરી પાડે છે. (તીત. ૧:૯; ૧ પીત. ૫:૨) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પણ આપણો વિશ્વાસ મજબૂત કરવા માર્ગદર્શન આપે છે. એનાથી આપણે ઉત્ક્રાંતિનું શિક્ષણ, અનૈતિક કામો, ધનદોલતની માયા અને એના જેવી બીજી અનેક બાબતોમાં ફસાઈશું નહિ. (માથ. ૨૪:૪૫) આવી ખોટી બાબતોથી દૂર રહેવા તમને શામાંથી મદદ મળી છે?

૧૪. યહોવાહનું રક્ષણ મેળવવા આપણે શું કરવું જોઈએ?

૧૪ ‘પરાત્પરના ગુપ્તસ્થાનમાં’ રક્ષણ મેળવવા આપણે શું કરવું જોઈએ? જેમ અકસ્માતથી સાવધ રહીએ અને ચેપી રોગ જેવા જોખમોથી દૂર રહીએ છીએ, તેમ વિશ્વાસને ડગમગાવી દે એવી ખરાબ બાબતોથી દૂર રહેવું જોઈએ. એ માટે આપણે નિયમિત રીતે યહોવાહનું માર્ગદર્શન લેતા રહેવું જોઈએ. તે આપણને તેમની સંસ્થાના સાહિત્યો, મંડળ અને સંમેલનો દ્વારા એ માર્ગદર્શન આપે છે. આપણે વડીલોની સલાહ-સૂચનો પણ લેવી જોઈએ. મંડળના ભાઈ-બહેનો જે સારા ગુણો બતાવે છે એનાથી પણ આપણને મદદ મળે છે. જો આપણે મંડળના ભાઈ-બહેનોની સંગતમાં રહીશું તો, ‘જ્ઞાની’ વ્યક્તિ બનીશું.—નીતિ. ૧૩:૨૦; ૧ પીતર ૪:૧૦ વાંચો.

૧૫. યહોવાહ આપણા વિશ્વાસનું રક્ષણ કરશે એવી ખાતરી કેમ રાખી શકીએ?

૧૫ દરેક ખોટી બાબતોથી યહોવાહ આપણા વિશ્વાસનું રક્ષણ કરશે એમાં કોઈ શંકા નથી. (રૂમી ૮:૩૮, ૩૯) મંડળ તરીકે તેમણે એવા ધર્મો અને સરકારોથી રક્ષણ કર્યું છે, જેઓનો ધ્યેય આપણો જીવ લેવાનો નથી પણ શ્રદ્ધા તોડવાનો છે. યહોવાહનું વચન સાચું પડ્યું છે: ‘તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’—યશા. ૫૪:૧૭.

આપણને કોણ આઝાદ કરે છે?

૧૬. શા માટે જગત આપણને આઝાદી આપી શકતું નથી?

૧૬ શું યહોવાહના સેવક બનવાથી આપણે આઝાદી ગુમાવીએ છીએ? ના, જરાય નહિ. પણ જો આપણે યહોવાહથી દૂર જઈએ અને આ જગત સાથે ભળી જઈએ તો ચોક્કસ આઝાદી ગુમાવીશું. આ દુનિયા પર શેતાન રાજ કરે છે. તેણે લોકોને પોતાના ગુલામ બનાવ્યા છે. (યોહા. ૧૪:૩૦) દાખલા તરીકે, તે લોકોને પૈસાની તંગીમાં મૂકીને તેઓની આઝાદી છીનવી લે છે. (વધુ માહિતી: પ્રકટીકરણ ૧૩:૧૬, ૧૭.) પાપી જીવન જીવવાથી પણ લોકો શેતાનના ગુલામ બને છે. (યોહા. ૮:૩૪; હેબ્રી ૩:૧૩) આજે દુનિયાના લોકો કહેશે કે યહોવાહનું શિક્ષણ બાજુએ મૂકીને મન ફાવે તેમ જીવો. પણ હકીકતમાં જેઓ આ પ્રમાણે કરે છે તેઓ પોતાની આઝાદી ગુમાવે છે. તેઓ પાપી જીવનના ગુલામ બને છે.—રૂમી ૧:૨૪-૩૨.

૧૭. યહોવાહ આપણને શામાંથી આઝાદ કરે છે?

૧૭ જો યહોવાહમાં પૂરો ભરોસો મૂકીશું, તો તે આપણને ભ્રષ્ટ કરતી દરેક બાબતોથી આઝાદ કરશે. અમુક રીતે આપણા સંજોગો એક બીમાર વ્યક્તિ જેવા છે જેને ઑપરેશનની જરૂર છે. તે પોતાનું જીવન ડૉક્ટરના હાથમાં મૂકે છે. આપણને પાપનો વારસો મળ્યો હોવાથી આપણું જીવન પણ જોખમમાં છે. એમાંથી બચવા અને હંમેશ માટે જીવવાની આશા મેળવવા શું કરી શકીએ? ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખીને પોતાનું જીવન યહોવાહના હાથમાં મૂકીએ. (યોહા. ૩:૩૬) હવે ફરી ડૉક્ટરનો વિચાર કરીએ. તેમની કીર્તિ વિષે જેમ વધારે સાંભળીએ તેમ તેમનામાં આપણો વિશ્વાસ વધે છે. એવી જ રીતે યહોવાહ વિષે વધારે શીખતા જઈશું તેમ, તેમનામાં આપણો ભરોસો વધશે. તેથી ચાલો બાઇબલનો સારો અભ્યાસ કરતા રહીએ. એનાથી યહોવાહ માટેનો આપણો પ્રેમ વધશે. તેમને સમર્પણ કરવાનો કોઈ ડર નહિ હોય.—૧ યોહા. ૪:૧૮.

૧૮. આપણે યહોવાહની ભક્તિ કરવાનું પસંદ કરીએ તો શું પરિણામ આવશે?

૧૮ યહોવાહે દરેકને જીવનનો માર્ગ પસંદ કરવાની છૂટ આપી છે. બાઇબલ સલાહ આપે છે: ‘જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે. યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખવાનું પસંદ કર.’ (પુન. ૩૦:૧૯, ૨૦) યહોવાહ ઇચ્છે છે કે તેમના માટે પ્રેમ બતાવવા આપણે રાજી-ખુશીથી તેમની ભક્તિ કરવાનું પસંદ કરીએ. આવી પસંદગી કરવાથી આપણે આઝાદી ગુમાવતા નથી, પણ આનંદ મેળવીએ છીએ.

૧૯. યહોવાહે કેમ અપાર કૃપા બતાવી? એ કૃપાને લીધે આપણે શું કરી શકીએ છીએ?

૧૯ વારસામાં મળેલા પાપને લીધે આપણે પવિત્ર ઈશ્વરના ભક્ત બનવા લાયક નથી. પણ ઈશ્વરની અપાર કૃપાને લીધે આપણે તેમની ઉપાસના કરી શકીએ છીએ. (૨ તીમો. ૧:૯) એટલે જ પાઊલે લખ્યું: ‘જો જીવીએ, તો યહોવાહની ખાતર જીવીએ છીએ. જો મરીએ, તો યહોવાહની ખાતર મરીએ છીએ. એ માટે જીવીએ કે મરીએ, તોપણ આપણે યહોવાહના જ છીએ.’ (રૂમી ૧૪:૮) યહોવાહની ભક્તિ કરવાનું પસંદ કરીશું તો કદી અફસોસ નહિ થાય! (w10-E 01/15)

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહની ભક્તિ કરવાથી કેવા લાભ થાય છે?

• યહોવાહના કહેવા પ્રમાણે જીવવું કેમ શક્ય છે?

• યહોવાહ કઈ રીતે પોતાના સેવકોનું રક્ષણ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૪ પર ચિત્ર]

બીજાઓને પૂછો કે યહોવાહની ભક્તિ કરવાથી તેઓને કેવા લાભ થયા છે

[પાન ૧૬ પર ચિત્ર]

કઈ રીતે યહોવાહ આપણને રક્ષણ પૂરું પાડે છે?