સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહને કેમ સમર્પણ કરવું જોઈએ?

યહોવાહને કેમ સમર્પણ કરવું જોઈએ?

યહોવાહને કેમ સમર્પણ કરવું જોઈએ?

‘જે દેવનો હું છું, અને જેની સેવા હું કરૂં છું તેનો દૂત આજ રાત્રે મારી પાસે ઊભા રહ્યો.’—પ્રે.કૃ. ૨૭:૨૩.

૧. બાપ્તિસ્મા લેવા માગે છે તેઓએ શું કર્યું છે? સમર્પણ વિષે કેવા સવાલ થાય છે?

 “ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખીને શું તમે પાપોનો પસ્તાવો કર્યો છે અને યહોવાહની સેવા કરવા માટે તમારું જીવન સમર્પણ કર્યું છે?” આ સવાલ બાપ્તિસ્માની ટૉકના અંતે પૂછવામાં આવતા બે સવાલમાંનો એક છે. શા માટે યહોવાહને જીવન સમર્પણ કરવું જોઈએ? એનાથી કેવા લાભ થાય છે? શા માટે સમર્પણ કર્યા વગર ઈશ્વરને પસંદ પડે એવી ભક્તિ કરી ન શકાય? આ સવાલોના જવાબ મેળવતા પહેલાં જોઈએ કે સમર્પણ એટલે શું.

૨. યહોવાહને સમર્પણ કરવું એટલે શું?

સમર્પણ વિષે સમજવા ચાલો પહેલાં પાઊલનો વિચાર કરીએ. તે જે વહાણમાં જઈ રહ્યા હતા એ ડૂબવાની તૈયારીમાં હતું, ત્યારે તેમણે જાહેર કર્યું કે ‘હું યહોવાહનું છું.’ પાઊલના આ શબ્દો બતાવે છે કે તે યહોવાહને સમર્પિત હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૨૨-૨૪ વાંચો.) જેઓ યહોવાહને દિલથી ભજે છે તેઓ તેમના છે, જ્યારે કે આખું જગત ‘દુષ્ટની સત્તામાં છે.’ (૧ યોહા. ૫:૧૯) તો વ્યક્તિ કઈ રીતે યહોવાહની બને છે? જ્યારે તે પ્રાર્થનામાં યહોવાહને ભજવાનું વચન આપે અને યહોવાહ એ સ્વીકારે છે. આમ સમર્પણ કર્યા પછી વ્યક્તિ બાપ્તિસ્મા લઈ શકે છે.

૩. ઈસુનું બાપ્તિસ્મા શું બતાવે છે? ઈસુનો દાખલો અનુસરવા આપણે શું કરવાની જરૂર છે?

ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં ઈસુએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. યહોવાહને સમર્પિત થયેલા ઈસ્રાએલમાં ઈસુનો જન્મ થયો હતો. એટલે તે જન્મથી જ ઈશ્વરને સમર્પિત હતા. નિયમ પ્રમાણે જરૂરી ન હતું છતાં, ઈસુએ બાપ્તિસ્મા લીધું. બાઇબલ જણાવે છે કે એ પછી ઈસુએ આમ કહ્યું: ‘હે ઈશ્વર, તારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.’ (હેબ્રી ૧૦:૭; લુક ૩:૨૧) બાપ્તિસ્મા લઈને ઈસુએ બતાવ્યું કે તેમણે પોતાનું આખું જીવન યહોવાહની ઇચ્છા પૂરી કરવા અર્પી દીધું છે. આપણે પણ યહોવાહની ઇચ્છા પૂરી કરવા બાપ્તિસ્મા લેવું જોઈએ. પણ જાહેરમાં એ વચનની સાબિતી આપતા પહેલાં આપણે પ્રાર્થનામાં સમર્પણ કરવું જોઈએ.

સમર્પણથી થતા લાભો

૪. વચન નિભાવવા વિષે દાઊદ અને યોનાથાનની દોસ્તી શું શીખવે છે?

ઈશ્વરને સમર્પણ કરવું, વચન નિભાવવા કરતાં પણ વધુ મહત્ત્વની બાબત છે. તો પછી, સમર્પણ કરવાથી શું લાભ થાય છે? ચાલો અમુક દાખલા જોઈએ કે વચન નિભાવવાથી આપણને કેવા લાભ થાય છે. દાખલા તરીકે, દોસ્તી નિભાવવા વિષે વિચાર કરીએ. સારી દોસ્તીનો આનંદ માણવા પહેલાં તમારે સારા દોસ્ત બનવું જોઈએ, એમ કરવા તમારે દોસ્તની સંભાળ રાખવી જોઈએ અને દોસ્તી નિભાવવા બનતું બધું જ કરવું જોઈએ. એવી દોસ્તી દાઊદ અને યોનાથાનની હતી. બાઇબલ જણાવે છે કે તેઓએ દોસ્તી નિભાવવા વિષે શપથ પણ લીધા. (૧ શમૂએલ ૧૭:૫૭; ૧૮:૧, વાંચો.) આવી ગાઢ દોસ્તી ભાગ્યે જ જોવા મળે છે. જો મિત્રો એકબીજાને વળગી રહે તો, તેઓની દોસ્તી ગાઢ બની શકે છે.—નીતિ. ૧૭:૧૭; ૧૮:૨૪.

૫. ચાકરને માલિક સાથે સદા રહેવું હોય તો, તે શું કરી શકતો હતો?

વચન નિભાવવાથી કેવા લાભ થાય છે એનો બીજો દાખલો ઈશ્વરે ઈસ્રાએલીઓને આપેલા નિયમોમાંથી જોવા મળે છે. ઘણા ચાકરોને ડર હતો કે માલિક તેઓને ગમે તે સમયે કાઢી મૂકશે. પણ જો એક ચાકરને પોતાનો માલિક સારો લાગતો હોય અને તેની સાથે સદા રહેવા ઇચ્છતો હોય તો માલિક સાથે કરાર કરી શકતો હતો. એ કરારથી તેઓને હંમેશ માટેની સલામતી મળતી. એ વિષે નિયમ કહે છે: “જો તે દાસ સ્પષ્ટ કહે, કે હું મારા શેઠને તથા મારી સ્ત્રીને તથા મારાં છોકરાંને ચાહું છું; મારે તો છૂટવું નથી; તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.”—નિર્ગ. ૨૧:૫, ૬.

૬, ૭. (ક) વચન નિભાવવાથી લોકોને કેવો ફાયદો થાય છે? (ખ) એ યહોવાહ સાથેના સંબંધ વિષે શું બતાવે છે?

લગ્‍નજીવનનો વિચાર કરીએ. એ કંઈ બે જણા વચ્ચેનો કરાર (કોન્ટ્રેક્ટ) જ નથી પણ જીવનભર સાથ નિભાવવાનું વચન છે. લગ્‍ન વિના બે વ્યક્તિઓ સાથે રહે તો તેઓ અને તેઓના બાળકો કદી ખરી સલામતી અનુભવતા નથી. પણ જે યુગલ લગ્‍ન બંધનમાં જોડાય છે તેઓ પોતાનાં સંબંધ જાળવી રાખવા બનતું બધું કરે છે. મુશ્કેલીઓ આવે ત્યારે તેઓ એને બાઇબલ આધારે અને પ્રેમથી હલ લાવવા પૂરી કોશિશ કરે છે.—માથ. ૧૯:૫, ૬; ૧ કોરીં. ૧૩:૭, ૮; હેબ્રી ૧૩:૪.

બાઇબલના સમયમાં, નોકરી-ધંધામાં કરાર કરવાથી લોકોને ઘણો ફાયદો થતો. (માથ. ૨૦:૧, ૨,) આજે પણ એમ કરવાથી ફાયદો થાય છે. દાખલા તરીકે, આપણે કોઈ ધંધો શરૂ કરીએ કે પછી કોઈ કંપનીમાં નોકરીએ લાગીએ ત્યારે લેખિતમાં કોન્ટ્રેક્ટ કરવો આપણા જ ભલા માટે છે. આપણે જોયું કે દોસ્તીમાં, લગ્‍નમાં અને નોકરી-ધંધામાં વચન નિભાવવાથી સંબંધો ગાઢ બને છે. તો વિચાર કરો કે રાજી-ખુશીથી યહોવાહને સમર્પણ કરવાથી કેટલા લાભ થઈ શકે. ચાલો જોઈએ કે બાઇબલના સમયમાં લોકોએ યહોવાહને સમર્પણ કરવાથી કેવો ફાયદો થયો. અને એ સમર્પણ કેટલું મહત્ત્વનું હતું?

સમર્પણ કરવાથી ઈસ્રાએલીઓને લાભ થયો

૮. ઈસ્રાએલીઓ માટે સમર્પણ કરવાનો અર્થ શું હતો?

ઈસ્રાએલ પ્રજાએ યહોવાહને વચન આપીને સમર્પણ કર્યું. યહોવાહે તેઓને સિનાઈ પર્વત આગળ ભેગા કર્યા અને કહ્યું: “જો તમે મારૂં કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારૂં ખાસ ધન થશો.” લોકોએ સહમત થઈને કહ્યું: “યહોવાહે જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું.” (નિર્ગ. ૧૯:૪-૮) ઈસ્રાએલીઓ માટે સમર્પણ કરવાનો અર્થ ફરજ બજાવવા કરતાં પણ વધારે હતું. તેઓ તો યહોવાહના ભક્તો હતા. યહોવાહ તેઓને એક “ખાસ ધન” તરીકે ગણતા હતા.

૯. ઈશ્વરને સમર્પણ કરવાથી ઈસ્રાએલીઓને કેવી રીતે ફાયદો થયો?

યહોવાહના ભક્તો હોવાથી ઈસ્રાએલીઓને લાભ થયો. એક પ્રેમાળ પિતાની જેમ ઈશ્વરે તેઓની સંભાળ રાખી. ઈશ્વરે ઈસ્રાએલીઓને કહ્યું: “શું, સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહિ.” (યશા. ૪૯:૧૫) યહોવાહે તેઓને નિયમો દ્વારા માર્ગદર્શન આપ્યું. પ્રબોધકો દ્વારા ઉત્તેજન આપ્યું અને સ્વર્ગદૂતો દ્વારા રક્ષણ આપ્યું. એક કવિએ લખ્યું: “તે યાકૂબને પોતાનું વચન, અને ઈસ્રાએલને પોતાનાં વિધિઓ તથા ન્યાયશાસનો પ્રગટ કરે છે. તે કોઈ બીજી પ્રજાની સાથે આવી રીતે વર્ત્યો નથી.” (ગીત. ૧૪૭:૧૯, ૨૦; ગીતશાસ્ત્ર ૩૪:૭, ૧૯; ૪૮:૧૪ વાંચો.) જેમ યહોવાહે ઈસ્રાએલ પ્રજાની સંભાળ રાખી, તેમ આજે સમર્પણ કરેલા ભક્તોની સંભાળ રાખે છે.

સમર્પણ કેમ કરવું જોઈએ

૧૦, ૧૧. શું આપણો જન્મ ઈશ્વરના બાળકો તરીકે થયો છે? સમજાવો.

૧૦ સમર્પણ અને બાપ્તિસ્માનો વિચાર કરતી વ્યક્તિને થઈ શકે: ‘શું હું સમર્પણ કર્યા વગર ઈશ્વરની ભક્તિ ન કરી શકું?’ એનો જવાબ મેળવવા વિચાર કરીએ કે ઈશ્વર આગળ આપણે કેવા છીએ. આદમને લીધે આપણને પાપનો વારસો મળ્યો છે. એટલે આપણા બધાનો ઈશ્વર સાથે કોઈ નાતો નથી. તેમના કુટુંબનો કોઈ ભાગ નથી. (રૂમી ૩:૨૩; ૫:૧૨) તેથી, ઈશ્વરના કુટુંબનો ભાગ બનવા સમર્પણ કરવું ખૂબ જરૂરી છે. ચાલો એ વિષે વધારે સમજણ મેળવીએ?

૧૧ ઈશ્વરની ઇચ્છા હતી કે આપણે બધા હંમેશ માટે જીવીએ. પણ કોઈની પાસે એવા પિતા નથી જે એવું જીવન આપી શકે. (૧ તીમો. ૬:૧૯) આપણા પ્રથમ માતા-પિતાએ પાપ કર્યું ત્યારે તેઓનો સરજનહાર સાથેનો નાતો કપાય ગયો. એટલે કોઈનો પણ જન્મ ઈશ્વરના બાળક તરીકે થયો નથી. (વધુ માહિતી: પુનર્નિયમ ૩૨:૫.) આ કારણે મનુષ્ય ઈશ્વરથી દૂર છે. તેઓ યહોવાહના કુટુંબનો ભાગ નથી.

૧૨. (ક) શું કરવાથી ઈશ્વર આપણને તેમના કુટુંબમાં સ્વીકારશે? (ખ) બાપ્તિસ્મા પહેલા આપણે કેવાં પગલા ભરવાની જરૂર છે?

૧૨ જોકે આપણે ઈશ્વરને અરજ કરી શકીએ કે તે આપણને પોતાના કુટુંબમાં સ્વીકારે. * પણ એ કેવી રીતે શક્ય છે? પાઊલે લખ્યું: ‘આપણે શત્રુ હતા, ત્યારે જો ઈશ્વરની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો.’ (રૂમી ૫:૧૦) બાપ્તિસ્મા વખતે ઈશ્વર પાસે માંગણી કરીએ છીએ કે તે આપણું દિલ સાફ કરે અને આપણો સ્વીકાર કરે. (૧ પીત. ૩:૨૧) જોકે બાપ્તિસ્મા પહેલાં આપણે ઘણા પગલાં ભરવાના હોય છે. જેમ કે ઈશ્વરને સારી રીતે ઓળખીએ. તેમના પર શ્રદ્ધા રાખીએ. પસ્તાવો કરીએ અને જીવન સુધારીએ. (યોહા. ૧૭:૩; પ્રે.કૃ. ૩:૧૯; હેબ્રી ૧૧:૬) આ બધું કરવા છતાં હજી એક બાબત બાકી છે. એ કર્યા પછી આપણે ઈશ્વરના કુટુંબમાં આવી શકીએ છીએ. એ શું છે?

૧૩. ઈશ્વરના કુટુંબના સભ્ય બનવા કેમ સમર્પણ કરવું જોઈએ?

૧૩ જો વ્યક્તિએ યહોવાહના કુટુંબના સભ્ય બનવું હોય તો, તેણે પહેલાં યહોવાહને વચન આપવું પડે. એ સમજવા એક પિતાનો દાખલો લઈએ. આ પિતા એક અનાથ બાળકને દત્તક લેવા માગે છે. એટલે એ પિતા, અનાથ બાળકને કહે છે: ‘હું તને મારા દીકરા તરીકે સ્વીકારવા માગું છું. પણ પહેલાં મને વચન આપ કે તું મને પ્રેમ કરીશ અને પિતા તરીકે માન આપીશ.’ જો બાળક દિલથી એવું વચન આપશે, તો જ પિતા તેને પોતાના કુટુંબમાં સ્વીકારશે. એવી જ રીતે, યહોવાહ પણ એવા જ વ્યક્તિને પોતાના કુટુંબમાં સ્વીકારે છે જેઓએ પોતાનું જીવન તેમને સમર્પણ કર્યું હોય. બાઇબલ જણાવે છે: “તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો.”—રોમનો ૧૨:૧, કોમન લેંગ્વેજ.

સમર્પણનો પાયો પ્રેમ અને વિશ્વાસ

૧૪. યહોવાહ માટે પ્રેમ બતાવવા વ્યક્તિ શું કરશે અને કેમ?

૧૪ સમર્પણ કરવાથી વ્યક્તિ યહોવાહ માટે ઊંડો પ્રેમ બતાવે છે. સમર્પણ અમુક રીતે લગ્‍નમાં આપેલા વચન બરાબર છે. આ કહેવા પૂરતું વચન નથી, પણ જિંદગી ભર નિભાવવાનું હોય છે. વરરાજા પોતાનો પ્રેમ બતાવવા વચન આપે છે કે ગમે તેવા સંજોગોમાં પણ પત્નીને વફાદાર રહેશે. યહોવાહના ભક્ત હોવાથી તેને ખબર છે કે સોગંદ લીધા વગર તે સ્ત્રી સાથે રહી શકતો નથી. એવી જ રીતે, સમર્પણ કર્યા વગર આપણે પણ યહોવાહના કુટુંબનો પૂરી રીતે ભાગ નહિ બનીએ. એનાથી આવતા આશીર્વાદો નહિ મેળવી શકીએ. એટલે આપણે સમર્પણ કરીને તેમના કુટુંબનો ભાગ બનવા ચાહીએ છીએ. ગમે તે સંજોગોમાં તેમને વફાદાર રહેવા માંગીએ છીએ. આપણે ભૂલો કરતા હોઈએ તોપણ સમર્પણ કરતા અચકાતા નથી.—માથ. ૨૨:૩૭.

૧૫. સમર્પણ કરવાથી કઈ રીતે આપણો વિશ્વાસ જોવા મળે છે?

૧૫ આપણે સમર્પણ કરીએ છીએ ત્યારે યહોવાહમાં વિશ્વાસ પણ બતાવીએ છીએ. એવા વિશ્વાસથી આપણને ખાતરી થાય છે કે યહોવાહને સારી રીતે ઓળખવામાં જ આપણું ભલું છે. (ગીત. ૭૩:૨૮) પણ આપણે “કુટિલ તથા આડી પ્રજા” મધ્યે રહેતા હોવાથી ઈશ્વરના માર્ગે ચાલવું સહેલું નથી. જોકે આપણને ઈશ્વરના વચનમાં પૂરો ભરોસો છે કે તે આપણને મદદ કરશે. (ફિલિ. ૨:૧૫; ૪:૧૩) એવો પણ ભરોસો છે કે ભૂલ કરી બેસીએ તોય યહોવાહ આપણી સાથે દયાથી વર્તશે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪; રૂમી ૭:૨૧-૨૫ વાંચો.) આપણને પૂરી ખાતરી છે કે યહોવાહને વળગી રહીશું તો તે ચોક્કસ આપણને આશીર્વાદ આપશે.—અયૂ. ૨૭:૫.

ઈશ્વરને સમર્પણ કરવાથી આનંદ મળે છે

૧૬, ૧૭. યહોવાહને સમર્પણ કરવાથી આપણને કેમ ખુશી મળે છે?

૧૬ આપણે યહોવાહ માટે કંઈ પણ જતું કરવા તૈયાર છીએ. એટલે યહોવાહને સમર્પણ કરવાથી ખુશી મળે છે. ઈસુએ પણ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રે.કૃ. ૨૦:૩૫) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે સ્વાર્થ વગર બીજાઓને મદદ કરવાથી તેમને ખુશી મળી. તેમણે બીજાઓને યહોવાહ વિષેનું સત્ય શીખવવા અમુક સમયે પોતાનો આરામ અને ખોરાક જતાં કર્યા. (યોહા. ૪:૩૪) ઈસુને પોતાના પિતાને ખુશ કરવાનું બહુ ગમતું હતું. એટલે તેમણે કહ્યું: ‘જે કામો ઈશ્વરને ગમે છે તે હું નિત્ય કરૂં છું.’—યોહા. ૮:૨૯; નીતિ. ૨૭:૧૧.

૧૭ ઈસુએ પોતાના શિષ્યોને સંતોષભર્યાં જીવનનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો.” (માથ. ૧૬:૨૪) એમ કરવાથી આપણે યહોવાહને વધારે સારી રીતે ઓળખી શકીએ છીએ. આપણે આખું જીવન યહોવાહના હાથમાં સોંપી દઈએ છીએ. તેમના સિવાય બીજું કોઈ આપણી સારી સંભાળ રાખી શકતું નથી.

૧૮. સમર્પણ કરીને યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવાથી જે આનંદ મળે છે એ કેમ બીજા કશાથી મળતો નથી?

૧૮ યહોવાહને સમર્પણ કરીને તેમની ઇચ્છા પ્રમાણે જીવવાથી જે આનંદ મળે છે એવો બીજા કશાથી મળતો નથી. દાખલા તરીકે, ઘણા લોકો ધનદોલત પાછળ પોતાનું જીવન આપી દે છે. પણ તેઓને જીવનમાં સાચી ખુશી અને સંતોષ મળતા નથી. જ્યારે કે યહોવાહને સમર્પણ કરે છે તેઓને ખરું સુખ મળે છે. (માથ. ૬:૨૪) તેઓને ‘ઈશ્વરના સેવકો’ બનવાના લહાવાથી ઘણી ખુશી મળે છે. જોકે તેઓનું સમર્પણ ફક્ત ઈશ્વરનું કામ પૂરું કરવા માટે નહિ, પણ ખુદ ઈશ્વર માટે છે. (૧ કોરીં. ૩:૯) આપણે જીવનમાં જે જતું કરીએ છીએ એની કદર યહોવાહ સૌથી વધારે કરે છે. તે હંમેશા આપણી કાળજી રાખશે. અરે, ભાવિમાં તે આપણને સર્વને સારી તંદુરસ્તી આપશે.—અયૂ. ૩૩:૨૫; હેબ્રી ૬:૧૦ વાંચો.

૧૯. યહોવાહને જીવન સમર્પણ કરે છે તેઓને કેવો લહાવો મળે છે?

૧૯ યહોવાહને જીવન સમર્પણ કરવાથી આપણે તેમની સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ. બાઇબલ જણાવે છે: ‘તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.’ (યાકૂ. ૪:૮; ગીત. ૨૫:૧૪) હવે પછીના લેખમાં જોઈશું કે યહોવાહના ભક્ત બનવાનો નિર્ણય કેમ આપણા ભલા માટે છે. (w10-E 01/15)

[ફુટનોટ્‌સ]

^ ‘બીજાં ઘેટાંના’ સભ્યો સમર્પણ કર્યા પછી યહોવાહને ‘પિતા’ કહી શકે છે અને તેમના કુટુંબનો ભાગ બને છે. પણ ઈસુના એક હજાર વર્ષના રાજના અંતે તેઓ પૂરી રીતે ઈશ્વરના બાળકો ગણાશે.—યોહા. ૧૦:૧૬; યશા. ૬૪:૮; માથ. ૬:૯; પ્રકટી. ૨૦:૫.

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહને સમર્પણ કરવું એટલે શું?

• યહોવાહને સમર્પણ કરવાથી આપણને કેવા લાભ થાય છે?

• આપણે કેમ યહોવાહને સમર્પણ કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨ પર ચિત્ર]

સમર્પણ કરીને યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાથી હંમેશ માટેનો આનંદ મળે છે