શેતાનનું રાજ કદીએ સફળ થશે નહિ!
શેતાનનું રાજ કદીએ સફળ થશે નહિ!
“દુષ્ટનું ભલું થશે નહિ.”—સભા. ૮:૧૩.
૧. ઈશ્વરભક્તો માટે સારા સમાચાર શું છે?
આજે નહિ તો કાલે દુષ્ટ લોકોનો જરૂર ઈશ્વર ન્યાય કરશે. તેઓએ કરેલા ખોટાં કામોનો જવાબ આપવો પડશે. (નીતિ. ૫:૨૨; સભા. ૮:૧૨, ૧૩) અરે, સર્વ દુષ્ટતાનું જડ શેતાનનો પણ ન્યાય કરવામાં આવશે. (યોહા. ૮:૪૪) અન્યાય સહન કરતા લોકો અને ખાસ કરીને ઈશ્વરભક્તો માટે આ સારા સમાચાર છે.
૨. એદન બાગમાં મૂકેલા આરોપને જૂઠા પાડવા કેમ સમયની જરૂર હતી?
૨ મનુષ્યની શરૂઆતમાં એક દૂત ઘમંડી બન્યો, જે પછીથી શેતાન તરીકે ઓળખાયો. તેણે એદન બાગમાં આદમ અને હવાને યહોવાહના રાજ વિરુદ્ધ જવા ઉશ્કેર્યા. તેઓએ શેતાનની વાતમાં આવી જઈને આરોપ મૂક્યો કે ઈશ્વર સારી રીતે રાજ કરી શકતા નથી. આમ કરવાથી આદમ અને હવાએ યહોવાહની નજરમાં પાપ કર્યું. (રૂમી ૫:૧૨-૧૪) તેઓએ યહોવાહનું નામ બદનામ કર્યું. યહોવાહ જાણતા હતા કે આ બંડનું કેવું પરિણામ આવશે. જોકે સર્વ મનુષ્ય અને સ્વર્ગદૂતોને પણ એ પરિણામ જાણવાની જરૂર હતી. એટલે એદન બાગમાં મૂકેલા આરોપને જૂઠા પાડવા સમયની જરૂર હતી. એ પછી સાબિત થશે કે યહોવાહ જ સારી રીતે રાજ કરી શકે છે.
૩. માણસોની સરકારને કેમ માન આપવું જોઈએ?
૩ યહોવાહના રાજ વિરુદ્ધ જઈને માણસોએ પોતા પર રાજ કરવા સરકારોની ગોઠવણ કરી. રૂમી મંડળને લખેલા પત્રમાં પાઊલે એ સરકારોને “મુખ્ય અધિકારીઓ” કહ્યાં. પાઊલના સમયમાં એ ‘મુખ્ય અધિકારીઓ’ મોટા ભાગે રૂમી સરકારને રજૂ કરતા હતા. ૫૪-૬૮ની સાલ સુધી એ સરકાર નીરોના રાજ હેઠળ હતી. પાઊલે કહ્યું કે ‘અધિકારીઓ ઈશ્વરથી નીમાએલા છે.’ (રૂમી ૧૩:૧, ૨ વાંચો.) અહીંયા શું પાઊલ એવું કહેવા માંગતા હતા કે માણસોની સરકાર દ્વારા ઈશ્વર રાજ કરે છે? ના જરાય નહિ! તે કહેતા હતા કે ઈશ્વરે માણસોની સરકારને ચાલવા દીધી છે. એટલે માણસોનું રાજ ચાલે ત્યાં સુધી આપણે તેઓને માન આપવું જોઈએ. તેમ જ, ‘દેવના ઠરાવની વિરૂદ્ધ’ ન જવું જોઈએ.
વિનાશ તરફ જતો માર્ગ
૪. શા માટે માણસોની સરકાર કદી સફળ થશે નહિ?
૪ માણસોની સર્વ સરકાર શેતાનના હાથની કઠપૂતળી છે. એ બધી જ સરકાર નિષ્ફળ જાય છે કેમ કે તેઓ પોતાના જ્ઞાન પ્રમાણે ચાલે છે. પણ યહોવાહ પાસે અપાર જ્ઞાન છે. તે એકલા જ જાણે છે કે સારું રાજ કઈ રીતે કરવું. (યિર્મે. ૮:૯; રૂમી ૧૬:૨૭) યહોવાહ જાણે છે કે સર્વની ભલાઈ શામાં છે, જ્યારે કે માણસો પોતાની ભૂલમાંથી એ શીખે છે. ઈશ્વરનું માર્ગદર્શન સ્વીકારતી નથી એવી સરકાર ચોક્કસ નિષ્ફળ જાય છે. એ ઉપરાંત શેતાનનો ઇરાદો ખોટો હોવાથી માણસોની સરકાર કદીએ સફળ થશે નહિ.
૫, ૬. શેતાને શાના લીધે યહોવાહનો વિરોધ કર્યો?
૫ શાણો માણસ એવું કોઈ કામ નહિ કરે જેમાં તે કદી સફળ થવાનો નથી. જો તે જાણીજોઈને એ કામ કરવા જાય, તો તેને પોતાની ભૂલનો અહેસાસ થશે. ઇતિહાસમાં ઘણી વાર સાબિત થયું છે કે ઈશ્વર વિરુદ્ધ જવાથી કોઈ સફળ થઈ શક્યું નથી. (નીતિવચનો ૨૧:૩૦ વાંચો.) તોપણ, ઘમંડી શેતાનને લાગે છે કે પોતે બધું જાણે છે. એટલે તેણે ઈશ્વરનો વિરોધ કરીને જાણે વિનાશની ખાઈમાં કૂદકો માર્યો.
૬ ઘણા વર્ષો પહેલાં બાબેલોનનો એક રાજા પણ શેતાનની જેમ ઘમંડી હતો. એ રાજાએ કહ્યું હતું: “હું આકાશો પર ચઢીશ, ને હું દેવના તારાઓ કરતાં મારૂં રાજ્યાસન ઊંચું રાખીશ; હું છેક ઉત્તરના છેડામા, સભાના પર્વત પર બેસીશ; હું મેઘો પર આરોહણ કરીશ; હું પોતાને પરાત્પર સમાન કરીશ.” (યશા. ૧૪:૧૩-૧૫) આ રાજાએ જે મોટાં સપના જોયા હતા એ પડી ભાગ્યા. અરે, બાબેલોનના સામ્રાજ્યનો ચૂરેચૂરો થઈ ગયો! એવી જ રીતે શેતાન અને તેના દુષ્ટ જગતનો પણ જલદી જ વિનાશ થશે.
ઈશ્વર કેમ બધું ચાલવા દે છે?
૭, ૮. દુષ્ટતાને થોડા સમય ચાલવા દેવાથી કેવા ફાયદા થયા છે?
૭ અમુકને લાગે છે: ‘યહોવાહને ખબર હતી કે શેતાન નિષ્ફળ જવાનો છે. તો પછી, તેમણે કેમ આદમ અને હવાને શેતાનના પક્ષે જતા રોક્યા નહિ?’ યહોવાહ સર્વશક્તિમાન હોવાથી તેઓને રોકવાનો પૂરો હક્ક હતો. (નિર્ગ. ૬:૩) પણ યહોવાહે એમ ન કર્યું. તેમની પાસે અપાર જ્ઞાન છે. એટલે તેમણે માણસોને થોડો સમય રાજ કરવાની પરવાનગી આપી. તે જાણતા હતા કે આખરે દરેક સ્વીકારશે કે ‘યહોવાહ જ ન્યાયથી અને પ્રેમથી રાજ કરી શકે છે.’ તેમના આવા નિર્ણયથી વિશ્વાસુ ઈશ્વરભક્તોને ઘણો લાભ થવાનો હતો.
૮ જો માણસો શેતાનને બદલે યહોવાહના પક્ષમાં રહ્યાં હોત, તો તેઓએ દુઃખ-તકલીફો ન સહેવી પડત. પણ માણસોનું રાજ ચાલવા દેવાના નિર્ણયથી અમુક ફાયદા જોવા મળે છે. ઈશ્વરભક્તોને ખાતરી થઈ છે કે ઈશ્વરનું સાંભળવામાં અને તેમનામાં ભરોસો મૂકવામાં જ ભલાઈ છે. સદીઓથી માણસોએ અલગ અલગ પ્રકારની સરકારો અજમાવી છે, પણ એકેય સફળ થઈ નથી. આ હકીકતથી ઈશ્વરભક્તોને પૂરો ભરોસો છે કે ઈશ્વર જ સારી રીતે રાજ કરી શકે છે. ખરું કે શેતાનના દુષ્ટ રાજને લીધે માણસોએ અને ખાસ કરીને યહોવાહના ભક્તોએ ઘણું સહેવું પડ્યું છે. પણ દુષ્ટ બાબતો થોડો સમય ચાલવા દેવાથી બીજા અમુક ફાયદા થયા છે. ચાલો જોઈએ.
દુષ્ટતા હોવા છતાં યહોવાહને મહિમા મળે છે
૯, ૧૦. કઈ રીતે શેતાનના રાજથી યહોવાહને મહિમા મળ્યો છે?
૯ શેતાનના હાથ નીચે માણસો એકબીજા પર રાજ કરે છે. એ પરવાનગી આપવાનો અર્થ શું એવો થાય કે યહોવાહ સારી રીતે રાજ કરી શકતા નથી? ના જરાય નહિ. યહોવાહે યિર્મેયાહ દ્વારા કહ્યું હતું કે માણસ એકબીજા પર સારી રીતે રાજ કરી શકતા નથી. ઇતિહાસ પણ એની સાબિતી આપે છે. (યિર્મેયાહ ૧૦:૨૩ વાંચો.) શેતાનનું રાજ ચાલવા દેવાને લીધે યહોવાહને પોતાના ગુણો બતાવવાની વધારે તક મળી. કઈ રીતે?
૧૦ શેતાનનું રાજ નિષ્ફળ જાય છે તેમ, યહોવાહના સારા ગુણો વધારે જોઈ શકીએ છીએ. આમ, યહોવાહના ભક્તોની નજરમાં તેમને વધારે માન મળ્યું છે. તમને કદાચ માનવામાં નહિ આવે પણ શેતાનની રાજ કરવાની રીતથી યહોવાહને વધારે મહિમા મળ્યો છે. યહોવાહે પોતા પર લાગેલા આરોપને જે રીતે હાથ ધર્યા એમાં તેમના મહાન ગુણો જોઈ શકીએ છીએ. ચાલો જોઈએ કે શેતાનના રાજને લીધે ઈશ્વરે પોતાના અમુક ગુણોને બીજી કઈ કઈ રીતે બતાવ્યા છે.
૧૧. યહોવાહે કઈ રીતે આપણા માટે પ્રેમ બતાવ્યો છે?
૧૧ પ્રેમ. બાઇબલ કહે છે કે ‘ઈશ્વર પ્રેમ છે.’ (૧ યોહા. ૪:૮) ઈશ્વરે આ પ્રેમના લીધે માણસોને બનાવ્યા. તેમણે આપણને અદ્ભૂત રીતે બનાવ્યા છે એમાં તેમનો પ્રેમ દેખાય આવે છે. આપણી ખુશી માટે તેમણે આ સુંદર પૃથ્વી અને દરેક વસ્તુઓ આપી છે. આ રીતોએ તેમણે પ્રેમની સાબિતી આપી. (ઉત. ૧:૨૯-૩૧; ૨:૮, ૯; ગીત. ૧૩૯:૧૪-૧૬) પણ જ્યારે માણસ તેમની વિરુદ્ધ ગયો ત્યારે અજોડ રીતે પ્રેમ બતાવ્યો. ઈસુના શબ્દો સાંભળીને યોહાને આમ લખ્યું: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહા. ૩:૧૬) ઈશ્વરે પોતાના દીકરાનું બલિદાન આપ્યું જેથી આપણને જીવન મળે. આનાથી મોટો પ્રેમ હોઈ જ ન શકે! (યોહા. ૧૫:૧૩) આવો પ્રેમ બતાવીને યહોવાહે આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. ઈસુએ રોજબરોજના જીવનમાં ભોગ આપીને પ્રેમ બતાવ્યો હતો. આપણે પણ એમ જ કરવું જોઈએ.—યોહા. ૧૭:૨૫, ૨૬.
૧૨. યહોવાહની શક્તિ કઈ રીતે દેખાઈ આવે છે?
૧૨ શક્તિ. ‘સર્વશક્તિમાન ઈશ્વર’ પાસે જ જીવન આપવાની શક્તિ છે. (પ્રકટી. ૧૧:૧૭; ગીત. ૩૬:૯) જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તેનું જીવન જાણે એક કોરા કાગળ જેવું છે. પણ તે મરણ પામે છે ત્યારે એ કાગળ તેના નિર્ણયો, કાર્યો, અનુભવોથી ભરાય છે. આ બધું બતાવે છે કે તે કેવી વ્યક્તિ હતી. યહોવાહ જાણે એ કાગળને સાચવી રાખે છે. તે નક્કી કરેલા સમયે એ વ્યક્તિ જેવી હતી, એ જ રીતે તેને પાછી સજીવન કરશે. (યોહા. ૫:૨૮, ૨૯) યહોવાહે માણસોને હંમેશ માટે સુખ શાંતિમાં જીવવા બનાવ્યા હતા. પણ પાપને લીધે માણસ મરે છે. યહોવાહ પાસે ગુજરી ગયેલાઓને પાછા સજીવન કરવાની શક્તિ છે. ખરેખર, યહોવાહ ‘સર્વશક્તિમાન ઈશ્વર’ છે.
૧૩. ઈસુનું બલિદાન કઈ રીતે બતાવે છે કે યહોવાહ ન્યાયી છે?
૧૩ ન્યાય. યહોવાહ કદી જૂઠું બોલતા નથી. તે કદી અન્યાય કરતા નથી. (પુન. ૩૨:૪; તીત. ૧:૨) તે હંમેશા સત્ય અને ન્યાયના ઊંચા ધોરણો પ્રમાણે વર્તે છે, પછી ભલેને એ તેમના લાભમાં ન હોય. (રૂમી ૮:૩૨) દાખલા તરીકે, તેમને માણસો પર એટલો પ્રેમ છે કે પોતાના વહાલા દીકરાનું બલિદાન આપી દીધું. વિચાર કરો કે તેમને કેવું લાગ્યું હશે જ્યારે લોકોએ ઈસુ પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂક્યો. એટલું જ નહિ, તેમને સ્તંભ પર મારી નાખ્યા. યહોવાહે ન્યાયના ઊંચા ધોરણોને વળગી રહેવા આ દુઃખ સહન કર્યું. (રૂમી ૫:૧૮-૨૧ વાંચો.) અન્યાયથી ભરેલી દુનિયામાં યહોવાહે સાબિત કર્યું કે પોતાના જેટલું ન્યાયી કોઈ નથી.
૧૪, ૧૫. યહોવાહનું અજોડ જ્ઞાન અને ધીરજ કઈ રીતે દેખાઈ આવે છે?
૧૪ જ્ઞાન. આદમ અને હવાએ પાપ કર્યા પછી યહોવાહે તરત જ જણાવ્યું કે પોતે કઈ રીતે સઘળી બૂરાઈને દૂર કરશે. (ઉત. ૩:૧૫) સમય જતા આ મકસદ વિષે તેમણે પોતાના ભક્તોને વધારે માહિતી આપી. આમાં તેમનું અપાર જ્ઞાન જોઈ શકાય છે. (રૂમી ૧૧:૩૩) ઈશ્વરનું વચન પૂરું થતા કોઈ રોકી શકતું નથી. આજે આખી દુનિયા અનૈતિક કામો, યુદ્ધો અને નફરતથી ભરેલી છે. લોકોને બીજાઓની કંઈ પડી નથી. તેઓ પથ્થર દિલ બની ગયા છે. ભેદભાવ રાખે છે અને ઢોંગ કરે છે. આવી દુનિયામાં પણ યહોવાહ બતાવે છે કે તેમનું જ્ઞાન કેટલું અજોડ છે. યાકૂબે કહ્યું: “જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારૂં, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.”—યાકૂ. ૩:૧૭.
૧૫ ધીરજ અને સહનશીલતા. સર્વ માણસો ઘણી ભૂલ કરે છે. યહોવાહની નજરે આપણે અધૂરા છીએ. તેમ છતાં, આપણી સાથે વહેવાર રાખવાથી તેમની ધીરજ અને સહનશીલતા સહેલાઈથી જોઈ શકીએ છીએ. યહોવાહ હજારો વર્ષોથી રાજીખુશીથી ધીરજ અને સહનશીલતા બતાવે છે. તેમના આ ગુણો કેટલા મહાન છે! એ માટે આપણે તેમના ખૂબ જ આભારી છીએ. પીતરે સાચે જ કહ્યું હતું કે ‘પ્રભુની ધીરજ તારણ છે, એમ માનો.’—૨ પીત. ૩:૯, ૧૫.
૧૬. યહોવાહ માફ કરવા તૈયાર છે એનાથી કેમ આપણને ખુશી મળે છે?
૧૬ માફ કરવા તૈયાર. આપણને વારસામાં પાપ મળ્યું હોવાથી દરરોજ કેટલીય ભૂલો કરીએ છીએ. (યાકૂ. ૩:૨; ૧ યોહા. ૧:૮, ૯) યહોવાહ આપણી બધી ભૂલો અને પાપોને “ક્ષમા” કે માફ કરવા તૈયાર છે. એના આપણે કેટલા આભારી છીએ. (યશા. ) એ ઉપરાંત, યહોવાહ આપણને માફ કરે છે ત્યારે આપણું દિલ ખુશીથી ભરાઈ આવે છે. ( ૫૫:૭ગીત. ૫૧:૫, ૯, ૧૭) યહોવાહની માફીનો અનુભવ કરીએ છીએ ત્યારે તેમના માટેનો આપણો પ્રેમ વધે છે. આપણને ઉત્તેજન મળે છે કે યહોવાહની જેમ એકબીજાને દિલથી માફ કરીએ.—કોલોસી ૩:૧૩ વાંચો.
શા માટે દુનિયા આટલી ખરાબ છે?
૧૭, ૧૮. શેતાનનું રાજ કઈ રીતે નિષ્ફળ ગયું છે?
૧૭ આખી દુનિયા શેતાનના પંજામાં છે. હજારો વર્ષોથી તેનું રાજ નિષ્ફળ ગયું છે. ૧૯૯૧માં ધ યુરોપિયન અંગ્રેજી ન્યૂઝપેપરે જણાવ્યું: ‘શું દુનિયાની હાલત ખરાબ છે? હા, એમાં ઈશ્વરનો નહિ પણ લોકોનો વાંક છે.’ તેઓનું કહેવું સાચું છે. આદમ અને હવાએ જાણીજોઈને યહોવાહને બદલે પોતાની રીતે રાજ કરવાનું પસંદ કર્યું. એ સમયથી માણસની દરેક સરકાર નિષ્ફળ ગઈ છે. એના પરિણામે દુનિયાભરમાં માણસોને ઘણું દુઃખ સહેવું પડ્યું છે.
૧૮ શેતાનના રાજથી લોકો સ્વાર્થી બનવા પ્રેરાય છે. જ્યારે કે યહોવાહ પ્રેમને આધારે રાજ કરે છે. પ્રેમ હંમેશા સ્વાર્થ પર જીત મેળવશે. શેતાનનું રાજ સુખ-શાંતિ અને સલામતી લાવી શક્યું નથી, પણ યહોવાહ લાવશે. યહોવાહ જ સર્વ પર સારી રીતે રાજ કરી શકે છે. શું આપણી પાસે હમણાં એની કોઈ સાબિતી છે? હા છે જે હવે પછીના લેખમાં જોઈશું. (w10-E 01/15)
આ કલમોમાંથી શું શીખવા મળે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૩ પર ચિત્રો]
શેતાનના રાજમાં માણસોને કદી પણ લાભ થયો નથી
[પાન ૨૩ પર ક્રેડીટ લાઈન્સ]
U.S. Army photo
WHO photo by P. Almasy
[પાન ૨૪ પર ચિત્ર]
ગુજરી ગયેલાઓને સજીવન કરવાની શક્તિ ફક્ત યહોવાહ પાસે છે
[પાન ૨૫ પર ચિત્ર]
યહોવાહે પોતાના દીકરાનું બલિદાન આપીને બતાવ્યું કે તે પ્રેમાળ અને ન્યાયી છે