સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવો

ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવો

ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવો

‘તેઓ સર્વ ઈશ્વરની શક્તિથી ભરપૂર થયા, અને તેમની વાત હિંમતથી બોલવા લાગ્યા.’—પ્રે.કૃ. ૪:૩૧.

૧, ૨. લોકોના દિલ પર ઊંડી અસર પડે એ રીતે આપણે શા માટે ઈશ્વરનો સંદેશો જણાવવો જોઈએ?

 ઈસુએ મરણના ત્રણ દિવસ પહેલાં શિષ્યોને કહ્યું હતું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” મરણ પછી સજીવન થયેલા ઈસુએ સ્વર્ગમાં ચઢી જતા પહેલાં શિષ્યોને આજ્ઞા આપી: ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ ઈસુએ શિષ્યોને વચન આપ્યું કે ‘જગતના અંત સુધી તે સર્વકાળ તેઓની સાથે’ રહેશે.—માથ. ૨૪:૧૪; ૨૬:૧, ૨; ૨૮:૧૯, ૨૦.

આમ, ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાનું કામ પહેલી સદીમાં શરૂ થયું હતું. આ કાર્ય જીવન બચાવનારું છે. એના જેટલું મહત્ત્વનું બીજું કોઈ કામ નથી. એટલે યહોવાહના ભક્તો તરીકે આપણે જોરશોરથી લોકોને ખુશખબર જણાવીએ છીએ. આપણે ચાહીએ છીએ કે એ સંદેશાની લોકોના દિલ પર ઊંડી અસર પડે. આ લેખમાં જોઈશું કે પ્રચારમાં હિંમતથી બોલવા ઈશ્વરની શક્તિ આપણને કઈ રીતે મદદ કરે છે. પછીના બે લેખો બતાવશે કે શીખવવાની આવડત કેળવવા અને ઈશ્વરનો સંદેશો જણાવતા રહેવા યહોવાહની શક્તિ કઈ રીતે મદદ કરે છે.

હિંમત જરૂરી

૩. ઈશ્વરનો સંદેશો જણાવવા કેમ હિંમતની જરૂર છે?

આપણને ઈશ્વરનો સંદેશો જણાવવાનું કામ સોંપાયું એ એક મોટો આશીર્વાદ છે. પણ એ કામ સહેલું તો નથી જ. ખરું કે અમુક લોકો ખુશીથી સંદેશો સ્વીકારી લે છે, પણ મોટા ભાગના લોકો નુહના જમાના જેવા છે. નુહના સમયમાં “જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી લોકોએ માન્યું જ નહિ.” (માથ્થી ૨૪:૩૮, ૩૯, IBSI) આજે પણ અમુક એવા છે જેઓ આપણી મશ્કરી કે વિરોધ કરે છે. (૨ પીત. ૩:૩) કદાચ સરકાર તરફથી, સ્કૂલમાં, નોકરીધંધે કે કુટુંબમાંથી પણ વિરોધ થાય. એ સિવાય આપણને પોતાને કોઈ તકલીફ હોય, જેમ કે શરમાળ હોઈએ અથવા કોઈ નહિ સાંભળે એવી બીક હોય. આવાં તો ઘણાં કારણો છે જેના લીધે “હિંમત રાખીને” છૂટથી બોલવાનું અઘરું લાગે. (એફે. ૬:૧૯, ૨૦) ઈશ્વરનો સંદેશો જણાવતા રહેવા સાચે જ હિંમતની જરૂર પડે છે. આપણે કેવી રીતે એવી હિંમત કેળવી શકીએ?

૪. (ક) “હિંમત”નો અર્થ શું થાય? (ખ) પાઊલે કઈ રીતે થેસ્સાલોનીકીમાં બોલવાની હિંમત મેળવી?

અહીં “હિંમત” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય: જે મનમાં હોય એ કહેવું, ખુલ્લા દિલથી કહેવું, સ્પષ્ટ કહેવું. એ શબ્દમાં બહાદુરી, આત્મવિશ્વાસ અને નિર્ભયતા દેખાઈ આવે છે. એનો અર્થ એવો નથી કે વ્યક્તિ તોછડી કે ઉદ્ધત બને. (કોલો. ૪:૬) હિંમતથી સંદેશો જણાવતી વખતે આપણે બધા સાથે શાંતિથી વર્તવું જોઈએ. (રૂમી ૧૨:૧૮) સમજી-વિચારીને પણ બોલવું જોઈએ. એમ કરીને આપણે કોઈને અજાણતા ખોટું નહિ લગાડીએ. આ બતાવે છે કે હિંમતવાન બનવા માટે બીજા ગુણો કેળવવા પડે છે. એ માટે ઘણો પ્રયત્ન કરવો પડે. એવી હિંમત કંઈ આપોઆપ આવી જતી નથી. આપણે પોતે પણ એ કેળવી શકતા નથી. પાઊલ અને તેમના સાથીઓએ “ફિલિપીમાં દુઃખ તથા અપમાન સહ્યાં.” એ પછી પણ તેઓએ કઈ રીતે થેસ્સાલોનીકીમાં બોલવાની હિંમત મેળવી? પાઊલે લખ્યું કે ‘આપણા ઈશ્વરથી હિંમતવાન થયા.’ (૧ થેસ્સાલોનીકી ૨:૨ વાંચો.) યહોવાહ આપણને પણ એવી જ હિંમત આપીને ડર દૂર કરી શકે છે.

૫. યહોવાહે કઈ રીતે પીતર, યોહાન અને બીજા શિષ્યોને હિંમત રાખવા મદદ કરી?

પીતર અને યોહાન ઈશ્વરનો સંદેશો જણાવતા હતા ત્યારે લોકોના ‘અધિકારીઓ, વડીલો અને શાસ્ત્રીઓએ’ વાંધો ઉઠાવ્યો. ત્યારે પીતર અને યોહાને કહ્યું: ‘ઈશ્વર કરતાં તમારૂં સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો. કેમ કે અમે જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.’ પછી તેઓએ યહોવાહને પ્રાર્થના કરી. એ માટે નહિ કે સતાવણી અટકાવે, પણ તેઓએ કહ્યું: “હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે, અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ.” (પ્રે.કૃ. ૪:૫, ૧૯, ૨૦, ૨૯) યહોવાહે તેઓની પ્રાર્થનાનો કેવો જવાબ આપ્યો? (પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૧ વાંચો.) યહોવાહે તેઓને હિંમત રાખવા શક્તિ આપી. યહોવાહ આજે પણ એ શક્તિ આપીને આપણને મદદ કરી શકે છે. ચાલો જોઈએ કે ઈશ્વરનો સંદેશો જણાવવા આપણે કઈ રીતે તેમની શક્તિ અને માર્ગદર્શન મેળવી શકીએ.

હિંમત કેળવવા શું કરી શકીએ

૬, ૭. યહોવાહની શક્તિ મેળવવાની એક સીધેસીધી રીત કઈ છે? અનુભવ જણાવો.

યહોવાહની શક્તિ માગવાની સીધેસીધી રીત છે, તેમને પ્રાર્થનામાં જણાવો. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે ‘જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે શક્તિ આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’ (લુક ૧૧:૧૩) આપણે યહોવાહને પ્રાર્થના કરીએ કે તે શક્તિ આપે. માની લો કે તમે રસ્તા પર, જ્યાં તક મળે ત્યાં, ખરીદી કરતા હોય ત્યારે લોકો સાથે વાત કરતા અચકાવ છો. એમ હોય તો, ખાસ એ વિષે યહોવાહને પ્રાર્થના કરીને તેમની શક્તિ માગો, જેથી હિંમત કેળવી શકો.—૧ થેસ્સા. ૫:૧૭.

રોઝા નામની એક બહેને એવું જ કર્યું. * તે ટીચર છે. એક દિવસ તેની સાથે કામ કરતી ટીચર બીજી સ્કૂલનો રિપોર્ટ વાંચી રહી હતી. એ સ્કૂલમાં બાળકો સાથે થતા ખરાબ વ્યવહાર વિષે વાંચીને તે એટલી દુઃખી થઈ કે બોલી ઊઠી, “આ દુનિયાનું શું થવા બેઠું છે?” રોઝા આવો મોકો જવા દેવા માગતી ન હતી. પણ તે અચકાતી હતી. હિંમત મેળવવા તેણે શું કર્યું? રોઝા કહે છે: ‘મેં યહોવાહને પ્રાર્થના કરીને તેમની શક્તિ માગી.’ એના લીધે તે ટીચરને સારી રીતે ઈશ્વરનો સંદેશો જણાવી શકી. એ વિષય પર ફરીથી વાત કરવા ગોઠવણ કરી શકી. હવે પાંચ વર્ષની જલ્પાનો વિચાર કરો, જે ન્યૂ યૉર્ક શહેરમાં રહે છે. તે કહે છે કે ‘સ્કૂલે જતા પહેલાં, હું અને મમ્મી યહોવાહને જરૂર પ્રાર્થના કરીએ.’ શા માટે? એ માટે કે જલ્પાને હિંમત મળે અને જરૂર પડે ત્યારે યહોવાહ વિષે ગભરાયા વગર જણાવી શકે. તેની મમ્મી કહે છે, ‘એનાથી જલ્પાને ઘણી મદદ મળી છે. બર્થડે અને બીજા તહેવારો વિષે તે સારી રીતે સમજાવી શકે છે. જ્યારે એ ઊજવાય ત્યારે એમાં ભાગ ન લેવા પણ તેને હિંમત મળે છે.’ આ અનુભવો બતાવે છે કે હિંમતની જરૂર હોય ત્યારે પ્રાર્થના કરવાથી ચોક્કસ મદદ મળે છે.

૮. હિંમત મેળવવા વિષે યિર્મેયાહ પાસેથી શું શીખવા મળે છે?

હવે ઈશ્વરભક્ત યિર્મેયાહનો વિચાર કરો કે તેમને હિંમતથી બોલવા શેનાથી મદદ મળી. યહોવાહે જ્યારે યિર્મેયાહને પ્રબોધક નીમ્યા ત્યારે તેમણે કહ્યું: “મને તો બોલતાં આવડતું નથી; કારણ કે હું હજી બાળક છું.” (યિર્મે. ૧:૪-૬) પણ સમય જતાં યહોવાહનો સંદેશો યિર્મેયાહે જોરશોરથી ફેલાવ્યો. અરે, લોકો તેમને આફતની એંધાણી લાવનાર તરીકે ઓળખવા લાગ્યા. (યિર્મે. ૩૮:૪) તે પાંસઠથી વધારે વર્ષો સુધી યહોવાહનો ન્યાયચુકાદો હિંમતથી જણાવતા રહ્યા. યિર્મેયાહની હિંમત વિષે ઈસ્રાએલમાં ચોમેર વાતો થતી. અરે, લગભગ ૬૦૦ વર્ષ પછી ઈસુ હિંમતથી બોલ્યા ત્યારે કેટલાકને લાગ્યું કે યિર્મેયાહ પાછા જીવતા થયા છે. (માથ. ૧૬:૧૩, ૧૪) યિર્મેયાહ તો શરમાળ હતા, સંદેશો જણાવતા અચકાતા હતા, તો પછી આવી હિંમત કઈ રીતે મળી? તે કહે છે, ઈશ્વરના સંદેશાને લીધે “જાણે મારા હાડકાંમાં બળતો અગ્‍નિ સમાએલો હોય, એવી મારા હૃદયમાં પીડા થાય છે, અને મૂંગા રહેતા મને કંટાળો આવે છે.” (યિર્મે. ૨૦:૯) યહોવાહના સંદેશાએ યિર્મેયાહને એવી શક્તિ આપી જેનાથી તે હિંમતથી બોલી શક્યા.

૯. ઈશ્વરનો સંદેશો યિર્મેયાહની જેમ આપણને પણ કઈ રીતે અસર કરી શકે?

ઈશ્વરભક્ત પાઊલે હેબ્રીઓને પત્રમાં લખ્યું: ‘ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.’ (હેબ્રી ૪:૧૨) યહોવાહનો સંદેશો કે શબ્દ યિર્મેયાહની જેમ જ આપણને પણ મદદ કરી શકે છે. બાઇબલ ભલે માણસોએ લખ્યું, પણ એના વિચારો યહોવાહના છે. ૨ પીતર ૧:૨૧⁠માં આપણે વાંચીએ છીએ કે ‘ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ ઈશ્વરની શક્તિની પ્રેરણાથી માણસો તેમનાં વચન બોલ્યાં.’ આપણે એ વાંચવા, સારી રીતે સમજવા સમય કાઢીએ. એમ કરીશું તો યહોવાહે આપેલ સંદેશો આપણા દિલોદિમાગ પર છવાઈ જશે. (૧ કોરીંથી ૨:૧૦ વાંચો.) એ સંદેશો આપણામાં જાણે “બળતો અગ્‍નિ” સાબિત થઈ શકે, જેને રોકી જ ન શકાય.

૧૦, ૧૧. (ક) આપણે હિંમતથી લોકોને સંદેશો જણાવવો હોય તો કેવી રીતે બાઇબલ અભ્યાસ કરવો જોઈએ? (ખ) તમારા બાઇબલ અભ્યાસમાં સુધારો કરવા માટે શું નક્કી કર્યું છે? એકાદ રીત જણાવો.

૧૦ આપણે પોતે બાઇબલનો અભ્યાસ કરીએ ત્યારે, એવી રીતે કરીએ જેથી એ દિલમાં ઊતરી જાય. જે કંઈ શીખીએ આપણા જીવન પર છવાઈ જાય. પ્રબોધક હઝકીએલનો વિચાર કરો. તેમને એક સંદર્શનમાં પુસ્તકનો વીંટો ખાવાનું કહેવામાં આવ્યું. એ વીંટામાં યહોવાહનું સાંભળવા માંગતા ન હતા તેઓ માટે કડક સંદેશો હતો. હઝકીએલે જાણે એ સંદેશો ખાઈને પચાવી દેવાનો હતો, જેથી એ મધ જેવો મીઠો લાગે. એટલે કે, લોકોને એ સંદેશો અચકાયા વગર ખુશીથી જણાવી શકે.—હઝકીએલ ૨:૮–૩:૪, ૭-૯ વાંચો.

૧૧ આજે આપણે પણ હઝકીએલ જેવા જ સંજોગોમાં છીએ. બાઇબલ વિષે ઘણા લોકો સાંભળવા માગતા નથી. આપણે જો ઈશ્વરનો સંદેશો જણાવતા રહેવું હોય તો બાઇબલના વિચારો પહેલાં સારી રીતે પચાવવા જોઈએ. એનો સંદેશો સારી રીતે સમજીને દિલમાં ઉતારવો જોઈએ. મન થાય ત્યારે નહિ, પણ ચોક્કસ સમય ગોઠવીને બાઇબલ સ્ટડી કરવાની ટેવ પાડવી જોઈએ. એક ઈશ્વરભક્તે ભજનમાં યહોવાહને કહ્યું હતું: “હે યહોવાહ, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.” (ગીત. ૧૯:૧૪) આપણી પ્રાર્થના પણ આ ઈશ્વરભક્ત જેવી જ હોવી જોઈએ. પણ એ માટે બહુ જરૂરી છે કે આપણે જે કંઈ વાંચીએ એના પર વિચાર કરવા સમય કાઢીએ. એ રીતે બાઇબલનું સત્ય દિલમાં ઊતરી જશે. આપણે અભ્યાસમાં સુધારો કરવા સતત પ્રયત્ન કરતા રહીએ. *

૧૨. યહોવાહની શક્તિ કઈ રીતે સભાઓ દ્વારા આપણને મદદ કરે છે?

૧૨ યહોવાહની શક્તિ બીજી એક રીતે પણ આપણને હિંમતથી બોલવા મદદ કરે છે: ‘પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને અરસપરસ ઉત્તેજન મળે, એ માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. એકઠા મળવાનું પડતું ન મૂકીએ.’ (હેબ્રી ૧૦:૨૪, ૨૫) આપણી સભાઓ કદીયે ન ચૂકીએ. એમાં ધ્યાનથી સાંભળીએ અને જે શીખીએ એ પ્રમાણે જીવીએ. આ રીતે આપણે યહોવાહની શક્તિ દ્વારા માર્ગદર્શન મેળવીએ છીએ, કેમ કે તે જ મંડળ દ્વારા આપણને માર્ગદર્શન આપે છે.—પ્રકટીકરણ ૩:૬ વાંચો.

હિંમત કેળવવાથી મળતા લાભ

૧૩. પહેલી સદીમાં ઈશ્વરભક્તો ઘણા લોકોને સંદેશો ફેલાવી શક્યા, એમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૩ યહોવાહની શક્તિ અપાર છે. આખા વિશ્વમાં એવી શક્તિ બીજા કોઈની પાસે નથી. યહોવાહ પોતાની ઇચ્છા પૂરી કરવા એ શક્તિ મનુષ્યોને આપી શકે છે. પહેલી સદીના ઈશ્વરભક્તોનો વિચાર કરો. એ શક્તિની મદદથી તેઓએ ‘આકાશ તળેનાં સર્વ લોકોને’ સુવાર્તા પ્રગટ કરી હતી. (કોલો. ૧:૨૩) જરા વિચારો, એ ઈશ્વરભક્તોમાં મોટે ભાગે ઓછું ભણેલા, મામૂલી માણસો હતા. તેઓ “પાસે કોઈ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા.” (પ્રે.કૃ. ૪:૧૩, ઈઝી ટુ રીડ વર્ઝન) આ બતાવે છે કે તેઓ પોતાની શક્તિથી નહિ, પણ યહોવાહની શક્તિથી એ કામ કરી શક્યા.

૧૪. આપણને “ઉત્સાહી” થવા શું મદદ કરી શકે?

૧૪ ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે જીવવાથી પણ ઈશ્વરનો સંદેશો હિંમતથી કહેવા આપણી હોંશ વધે છે. એ માટે આપણે યહોવાહની શક્તિ માટે વારંવાર પ્રાર્થના કરીએ. બાઇબલનો ખંતથી અભ્યાસ કરીએ. જે કંઈ વાંચીએ એનો વિચાર કરીએ. યહોવાહને અરજ કરીએ કે એ સમજવા મદદ કરે. બધી સભાઓમાં જઈએ. એમ કરવાથી યહોવાહ તેમની શક્તિ આપીને આપણો ઉત્સાહ વધારશે, હિંમત આપશે. (રૂમી ૧૨:૧૧) બાઇબલ આપણને ‘આપોલસ નામે યહુદી વિદ્વાન’ વિષે જણાવે છે. તે ‘આલેકસાંદ્રિયાનો વતની હતો. આ યહુદી એફેસસ આવ્યો. તે ઘણો ઉત્સાહી હોવાથી ચોકસાઈથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો.’ (પ્રે.કૃ. ૧૮:૨૪, ૨૫) આપણે પણ ‘ધગશ રાખીશું’ તો સંદેશો જણાવવા હિંમત વધશે. પછી ઘરે ઘરે અથવા તક મળે ત્યારે હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવી શકીશું.—રોમ [રૂમી] ૧૨:૧૧, સંપૂર્ણ.

૧૫. હિંમતથી સંદેશો જણાવતા રહેવાથી આપણા પર કેવી અસર પડે છે?

૧૫ આપણે હિંમતથી સંદેશો જણાવતા રહીશું તો એની આપણા પર બહુ સારી અસર પડે છે. એ કામનું મહત્ત્વ અને એના આશીર્વાદો જોઈ શકતા હોવાથી, આપણી હોંશ હજુયે વધે છે. લોકોને રાજ્યની ખુશખબર સારી રીતે જણાવતા જઈએ તેમ, આપણો આનંદ પણ વધે છે. એ સંદેશો લોકોએ સાંભળવાની કેટલી બધી જરૂર છે, એ જાણીને આપણી ધગશ વધતી જાય છે.

૧૬. ઈશ્વરનો સંદેશો જણાવવાની પહેલાં જેવી હોંશ ન હોય તો આપણે શું કરવું જોઈએ?

૧૬ પણ સત્ય સ્વીકાર્યું હોય ત્યારે જેવી હોંશ હતી એ હવે ન હોય તો શું કરી શકાય? એનો જવાબ પાઊલના શબ્દોમાં જોવા મળે છે: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો; તમારી પોતાની પરીક્ષા કરો.” (૨ કોરીં. ૧૩:૫) આપણે આવા સવાલો પર વિચાર કરીએ: ‘શું મારામાં પહેલા જેવો ઉત્સાહ છે? શું યહોવાહની મદદ મેળવવા હું પ્રાર્થના કરું છું? શું મારી પ્રાર્થનાઓ બતાવે છે કે યહોવાહની ઇચ્છા પૂરી કરવા હું તેમના પર નિર્ભર રહું છું? મને સંદેશો જણાવવાનું જે કામ મળ્યું છે એ માટે હું યહોવાહનો આભાર માનું છું? બાઇબલ વિષે વધારે ને વધારે શીખતા રહેવા હું શું કરું છું? હું જે વાંચું કે સાંભળું એના પર વિચાર કરવા કેટલો સમય કાઢું છું? શું આપણી સભાઓમાં હું પૂરેપૂરો ભાગ લઉં છું?’ આવા સવાલો પર વિચાર કરવાથી, ક્યાં અને કેવી રીતે સુધારો કરવો એ આપણા ધ્યાનમાં આવશે.

યહોવાહની શક્તિથી હિંમતવાન બનો

૧૭, ૧૮. (ક) આજે ઈશ્વરનો સંદેશો કેટલી હદે ફેલાઈ રહ્યો છે? (ખ) આપણે “પૂરેપૂરી હિંમતથી” સંદેશો ફેલાવવા શું કરવાની જરૂર છે?

૧૭ ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું હતું કે ‘ઈશ્વરની શક્તિ તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.’ (પ્રે.કૃ. ૧:૮) એ સમયે શરૂ થયેલું કામ આજે જોરશોરથી ચાલી રહ્યું છે. સિત્તેર લાખ જેટલા યહોવાહના ભક્તો ૨૩૦થી વધારે દેશોમાં એ સંદેશો જણાવી રહ્યા છે. તેઓ દર વર્ષે લગભગ દોઢ અબજ કલાકો એમાં વિતાવે છે. આ એવું કામ છે, જે ફરી કદી થવાનું નથી. એટલે એ પૂરા ઉત્સાહથી કરવાનો કેવો મોટો આશીર્વાદ છે!

૧૮ પહેલી સદીની જેમ, આજે પણ યહોવાહનો સંદેશો તેમની શક્તિથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. આપણે યહોવાહની દોરવણી પ્રમાણે ચાલીશું તો “પૂરેપૂરી હિંમતથી” અચકાયા વગર સંદેશો ફેલાવી શકીશું. (પ્રે.કૃ. ૨૮:૩૧) તો ચાલો આપણે હરેક રીતે યહોવાહની શક્તિની મદદથી તેમનો સંદેશો ફેલાવતા રહીએ! (w10-E 02/15)

[ફુટનોટ્‌સ]

^ નામ બદલ્યાં છે.

^ બાઇબલ વાંચો કે એનો અભ્યાસ કરો ત્યારે, એનો પૂરો લાભ ઉઠાવવા બેનીફીટ ફ્રોમ થીઓક્રેટિક મિનિસ્ટ્રી સ્કૂલ એજ્યુકેશન પુસ્તકમાં પાન ૨૧-૩૨ પર આ બે પ્રકરણ જુઓ: “વાંચવામાં ધ્યાન આપો” અને “અભ્યાસ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે.” ચોકીબુરજમાં આ લેખો પણ જોઈ શકો: “જીવન આપતું જ્ઞાન સદા લેતા રહો,” એપ્રિલ ૧૫, ૨૦૦૫ પાન ૪; “રાજાઓ પાસેથી શીખો,” જૂન ૧૫, ૨૦૦૨ પાન ૧૨.

આપણે શું શીખી ગયા?

• ઈશ્વરનો સંદેશો જણાવવા કેમ હિંમતની જરૂર છે?

• પહેલી સદીમાં શિષ્યોને હિંમતથી બોલવા શામાંથી મદદ મળી?

• હિંમતથી બોલવા આપણે શું કરવું જોઈએ?

• હિંમત રાખવાથી આપણને કેવા લાભ થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

માબાપ પોતાનાં બાળકોને કઈ રીતે હિંમત કેળવવા મદદ કરી શકે?

[પાન ૧૬ પર ચિત્રનું મથાળું]

સંદેશો ફેલાવતી વખતે ટૂંકી પ્રાર્થના હિંમત આપી શકે