સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવનના શ્રેષ્ઠ માર્ગ પર તમારું સ્વાગત છે!

જીવનના શ્રેષ્ઠ માર્ગ પર તમારું સ્વાગત છે!

જીવનના શ્રેષ્ઠ માર્ગ પર તમારું સ્વાગત છે!

“આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.”—રૂમી ૧૪:૮.

૧. ઈસુએ જીવનના શ્રેષ્ઠ માર્ગ વિષે શું શીખવ્યું?

 યહોવાહ ચાહે છે કે આપણે જીવનને પૂરી રીતે માણીએ, ખરો આનંદ ઉઠાવીએ. લોકો અનેક રીતે જીવનનો આનંદ માણે છે, પણ એક જ માર્ગ શ્રેષ્ઠ છે. એ છે, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે જીવવું અને ઈસુએ બેસાડેલા દાખલા પ્રમાણે ચાલવું. ઈસુએ તેમના શિષ્યોને શીખવ્યું હતું કે પૂરા દિલથી, સત્યતાથી ઈશ્વરનું ભજન કરો. તેમણે એ પણ આજ્ઞા આપી હતી કે શિષ્યો બનાવો. (માથ. ૨૮:૧૯, ૨૦; યોહા. ૪:૨૪) ઈસુના માર્ગદર્શન પ્રમાણે જીવવાથી આપણે યહોવાહને ખુશ કરીએ છીએ. તેમના આશીર્વાદો પણ ચાખીએ છીએ.

૨. પહેલી સદીમાં રાજ્યનો સંદેશો સાંભળીને ઘણાએ શું કર્યું? ‘એ માર્ગ’ના હોવાનો શું અર્થ થાય?

‘અનંતજીવનની’ આશા રાખીને ઈસુને માર્ગે ચાલે છે અને બાપ્તિસ્મા લે છે તેઓનો આપણે દિલથી આવકાર કરીએ છીએ: ‘જીવનના શ્રેષ્ઠ માર્ગ પર તમારું સ્વાગત છે!’ (પ્રે.કૃ. ૧૩:૪૮) ઈસુ થઈ ગયા એ પહેલી સદીમાં જુદા જુદા દેશના હજારો લોકોએ સત્ય સ્વીકાર્યું હતું. તેઓએ જાહેરમાં બાપ્તિસ્મા લઈને એનો પુરાવો પણ આપ્યો હતો. (પ્રે.કૃ. ૨:૪૧) એ શરૂઆતના શિષ્યો વિષે કહેવાતું કે તેઓ ‘એ માર્ગ’ના છે. (પ્રે.કૃ. ૯:૨; ૧૯:૨૩) તેઓને ‘એ માર્ગ’ના કહેવું યોગ્ય જ છે, કેમ કે તેઓએ ઈસુના શિષ્યો બનીને ઈસુમાં પૂરી શ્રદ્ધા મૂકી હતી. ઈસુને પગલે તેઓ ચાલતા હતા.—૧ પીત. ૨:૨૧.

૩. યહોવાહના લોકો કેમ બાપ્તિસ્મા લે છે? છેલ્લા દસ વર્ષમાં કેટલા લોકોએ બાપ્તિસ્મા લીધું છે?

શિષ્યો બનાવવાનું કાર્ય આ છેલ્લા દિવસોમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે. આજે ૨૩૦થી પણ વધારે દેશોમાં એ થઈ રહ્યું છે. છેલ્લા દસ વર્ષોમાં ૨૭ લાખથી વધારે લોકોએ યહોવાહને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે. દર અઠવાડિયે પાંચ હજારથી પણ વધારે લોકો યહોવાહના ભક્ત બને છે! શા માટે? કેમ કે તેઓને ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા છે, પ્રેમ છે. તેઓએ બાઇબલનું શિક્ષણ લીધું છે. બાઇબલમાંથી તેઓ જે કંઈ શીખવે છે એમાં પણ પૂરી શ્રદ્ધા છે. બાપ્તિસ્મા તો સૌથી મહત્ત્વનું પગલું છે, જ્યાંથી જીવનની નવી શરૂઆત થાય છે. એનાથી યહોવાહ સાથે અનેરો નાતો બંધાય છે. એનાથી આપણે એવો ભરોસો બતાવીએ છીએ કે સત્યમાં ચાલતા રહેવા યહોવાહ આપણને મદદ કરશે. (યશા. ૩૦:૨૧) જૂના જમાનામાં યહોવાહે આ રીતે ભક્તોને મદદ કરી હોય એવા ઘણા દાખલા છે.

બાપ્તિસ્મા લેવું કેમ જરૂરી છે?

૪, ૫. બાપ્તિસ્મા લેવાથી મળતા અમુક આશીર્વાદો વિષે જણાવો.

કદાચ તમે બાઇબલમાંથી ઈશ્વર અને તેમના વચનો વિષે શીખ્યા છો. જીવનમાં જરૂરી ફેરફાર પણ કર્યા છે અને હવે મંડળમાં બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક છો. તમારી આ પ્રગતિ માટે શાબાશી આપીએ છીએ. પરંતુ શું તમે પ્રાર્થનામાં ઈશ્વરને તમારું જીવન સમર્પણ કર્યું છે? તમે નજીકમાં બાપ્તિસ્મા લેવાનું વિચારી રહ્યા છો? બાઇબલમાંથી શીખ્યા પછી તમે જાણો છો કે જીવનમાં મોજમજા કે પૈસો નહિ, પણ યહોવાહની ભક્તિ પહેલી હોવી જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૪૮:૧૧-૧૩ વાંચો; લુક ૧૨:૧૫) તમે બાપ્તિસ્મા લેશો તો એનાથી કેવા આશીર્વાદો મળશે?

યહોવાહને સમર્પણ કર્યા પછી તમે જીવનમાં ખરું સુખ મેળવો છો, કેમ કે તમે યહોવાહની ઇચ્છા પૂરી કરી રહ્યા છો. (રૂમી ૧૨:૧, ૨) યહોવાહના આશીર્વાદથી તમે તેમના ગુણો કેળવી શકશો. જેમ કે, તમે શાંતિ જાળવતા અને વિશ્વાસ બતાવતા શીખશો. (ગલા. ૫:૨૨, ૨૩) ઈશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપશે. બાઇબલ પ્રમાણે જીવવા તમે જે કંઈ પ્રયત્ન કરો એને આશીર્વાદ આપશે. તમે પ્રચાર કામનો પણ આનંદ માણશો. ઈશ્વર ચાહે છે એ રીતે જીવન ઢાળશો તેમ, અનંતજીવનની તમારી આશા વધારે તેજ બનશે. એટલું જ નહિ, તમારું સમર્પણ અને બાપ્તિસ્મા બતાવશે કે તમે સાચે જ યહોવાહના સાક્ષી તરીકે ઓળખાવા માંગો છો.—યશા. ૪૩:૧૦-૧૨.

૬. આપણે બાપ્તિસ્મા લઈને શું બતાવીએ છીએ?

આપણે ઈશ્વરને સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈએ ત્યારે, જાહેરમાં કબૂલ કરીએ છીએ કે હવેથી આપણે યહોવાહ માટે જીવીશું. પ્રેરિત પાઊલે લખ્યું: “આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી, અને કોઈ પોતાને અર્થે મરતો નથી. કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.” (રૂમી ૧૪:૭, ૮) ઈશ્વરે આપણને ગુલામ જેવા નથી બનાવ્યા, પણ ચાહીએ એમ કરી શકીએ એવી આઝાદી આપી છે. આપણે પ્રેમથી પ્રેરાઈને યહોવાહની જ ભક્તિ કરવાનો નિર્ણય લઈએ છીએ ત્યારે, તેમનું દિલ આનંદથી ભરાઈ જાય છે. (નીતિ. ૨૭:૧૧) બાપ્તિસ્મા યહોવાહને આપણા સમર્પણની એક નિશાની છે. એનાથી જાહેરમાં કબૂલ કરીએ છીએ કે યહોવાહ આપણો ઈશ્વર છે. બાપ્તિસ્મા લઈને એ પણ બતાવીએ છીએ કે યહોવાહની છાયામાં જ આપણું ભલું છે, નહિ કે શેતાનની દુનિયામાં. (પ્રે.કૃ. ૫:૨૯, ૩૨) એમ કરીએ ત્યારે યહોવાહ પણ આપણને સાથ આપે છે. (ગીતશાસ્ત્ર ૧૧૮:૬ વાંચો.) બાપ્તિસ્માથી આપણને બીજા પણ અનેક આશીર્વાદો મળે છે. ચાલો આપણે આજે અને ભવિષ્યમાં મળનાર આશીર્વાદો વિષે જોઈએ.

બાપ્તિસ્મા લેવાથી મળતા આશીર્વાદો

૭-૯. (ક) જેઓ પોતાનું બધું છોડી દઈને ઈસુના શિષ્યો બને છે તેઓને ઈસુએ કેવી ખાતરી આપી? (ખ) માર્ક ૧૦:૨૯, ૩૦⁠માં ઈસુએ આપેલું વચન આજે કઈ રીતે પૂરું થઈ રહ્યું છે?

પ્રેરિત પીતરે ઈસુને કહ્યું હતું: “જો, અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?” (માથ. ૧૯:૨૭) પીતરને જાણવું હતું કે તેમના અને ઈસુના બીજા શિષ્યો માટે ભવિષ્યમાં કેવા આશીર્વાદો રહેલા છે. રાજ્યનો પ્રચાર કરવા તેઓએ જીવનમાં મોટો ભોગ આપ્યો હતો. (માથ. ૪:૧૮-૨૨) ઈસુએ તેઓને શું ખાતરી આપી?

માર્કના અહેવાલ પ્રમાણે, ઈસુએ શિષ્યોને ખાતરી આપી કે યહોવાહ તેઓની સંભાળ રાખશે. ઈસુએ વચન આપ્યું: “જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને મૂકી દીધાં હશે, તે હમણાં આ કાળમાં સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને, સતાવણી સુદ્ધાં, તથા આવતા કાળમાં અનંતજીવન, પામ્યા વગર રહેશે નહિ.” (માર્ક ૧૦:૨૯, ૩૦) ઈસુએ વચન આપ્યું હતું તેમ, પહેલી સદીમાં લુદીઆ, આકુલા, પ્રિસ્કીલા અને ગાયસ જેવા ઘણા ભાઈ-બહેનોએ શિષ્યો માટે પોતાના ‘ઘરના દરવાજા’ ખુલ્લા કરી દીધા હતા. તેઓ શિષ્યો માટે ‘ભાઈ-બહેન અને મા’ સમાન બન્યા હતા.—પ્રે.કૃ. ૧૬:૧૪, ૧૫; ૧૮:૨-૪; ૩ યોહા. ૧, ૫-૮.

ઈસુએ જે કહ્યું હતું એ આજે મોટા પાયે પૂરું થઈ રહ્યું છે. ઘણા ભાઈ-બહેનો “ખેતરોને” મૂકી દે છે, એટલે કે નોકરી-ધંધો છોડીને રાજ્યનો સંદેશો જણાવવા પોતાનું જીવન અર્પણ કરી દે છે. જેમ કે, ઘણા મિશનરીઓ, બેથેલ પરિવારના સભ્યો, અનેક દેશોમાં જઈને સેવા કરનારા તેમ જ બીજા ઘણાએ આ રીતે ખુશી ખુશી ખેતરોને પાછળ મૂકી દીધા છે. ઘણા ભાઈ-બહેનો તો યહોવાહની સેવામાં વધારે કરવા નાના અને સસ્તા ઘરોમાં રહેવા ગયા છે. યહોવાહે પણ તેઓને નિરાધાર છોડી દીધા નથી, પણ સંભાળ રાખી છે. આવા ભાઈ-બહેનોને યહોવાહની સેવામાં અનહદ ખુશી મળે છે. તેઓના અનુભવો સાંભળીને આપણને કેવી ખુશી થાય છે! (પ્રે.કૃ. ૨૦:૩૫) બાપ્તિસ્મા લઈને આપણે ‘પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધીએ’ છીએ ત્યારે, દુનિયાભરમાં ફેલાયેલા યહોવાહના પરિવારનો એક ભાગ બનીએ છીએ. એ કંઈ નાનો-સૂનો આશીર્વાદ નથી!—માથ. ૬:૩૩.

“ગુપ્તસ્થાનમાં” સલામત રહેવું

૧૦, ૧૧. ‘પરાત્પરનું ગુપ્તસ્થાન’ શું છે? આપણે કઈ રીતે એમાં રહી શકીએ?

૧૦ સમર્પણ અને બાપ્તિસ્માથી આપણને બીજો એક મોટો આશીર્વાદ મળે છે. ‘પરાત્પરના ગુપ્તસ્થાનમાં રહેવાનો’ આશીર્વાદ. (ગીતશાસ્ત્ર ૯૧:૧ વાંચો.) ‘ગુપ્તસ્થાન’ કોઈ જગ્યાને નહિ, પણ યહોવાહ તરફથી તેમની ભક્તિમાં મળતા રક્ષણને બતાવે છે. આ સ્થાન એવા લોકો માટે ગુપ્ત છે, જેઓ યહોવાહ વિષે કંઈ જાણવા માગતા નથી, કે તેમનામાં ભરોસો મૂકતા નથી. પણ આપણા માટે એ ગુપ્ત નથી, કેમ કે સમર્પણ કરીને આપણે યહોવાહ માટે જ જીવીએ છીએ. તેમનામાં પૂરો ભરોસો મૂક્યો હોવાથી આપણે કહી શકીએ છીએ કે ‘તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારો ઈશ્વર છે, તેના પર હું ભરોસો રાખું છું.’ (ગીત. ૯૧:૨) આમ યહોવાહ આપણો આશ્રય બને છે. (ગીત. ૯૧:૯) જો યહોવાહ આપણો આશ્રય હોય તો બીજું શું જોઈએ!

૧૧ આપણને યહોવાહના ‘ગુપ્તસ્થાનમાં’ રહેવાનો આશીર્વાદ મળ્યો છે. એ બતાવે છે કે આપણે યહોવાહ સાથે નાતો બાંધી શક્યા છીએ. એની શરૂઆત આપણા સમર્પણ અને બાપ્તિસ્માથી થાય છે. પછી યહોવાહ સાથેનો નાતો વધારે મજબૂત કરવા આપણે બીજાં પગલાં લઈએ છીએ. જેમ કે, યહોવાહ વિષે બાઇબલમાંથી વધારે શીખીએ છીએ. દિલ ખોલીને તેમને પ્રાર્થના કરીએ છીએ. જીવનના દરેક પાસામાં યહોવાહને આધીન રહીએ છીએ. (યાકૂ. ૪:૮) યહોવાહમાં ઈસુની શ્રદ્ધા ક્યારેય ડગમગી ન હતી. યહોવાહ સાથે ઈસુનો નાતો એવો તો અતૂટ કે જેનો જોટો ન જડે. (યોહા. ૮:૨૯) એટલે આપણે ક્યારેય મનમાં એવી શંકા ન લાવીએ કે આપણા સમર્પણ પ્રમાણે જીવવા યહોવાહ મદદ કરશે કે કેમ. યહોવાહ તો કાયમ મદદ કરવા તત્પર છે. (સભા. ૫:૪) આપણે ભક્તિમાં ઠંડા ન પડીએ માટે તેમણે ઘણી ગોઠવણો કરી છે. એ યહોવાહના પ્રેમનો પુરાવો છે. તે ચાહે છે કે આપણે તેમની લગાતાર ભક્તિ કરતા રહીએ.

યહોવાહના કુટુંબની કદર કરીએ

૧૨, ૧૩. (ક) આજે યહોવાહના લોકો મધ્યે રહેવું કેવો આશીર્વાદ છે? (ખ) આપણે નવાઓને કેવી રીતે મદદ કરી શકીએ?

૧૨ સમર્પણ અને બાપ્તિસ્માથી આપણે જાણે યહોવાહના કુટુંબમાં જોડાઈએ છીએ. ત્યાં બધા એકબીજા સાથે હળીમળીને રહે છે, સંપીને યહોવાહની ભક્તિ કરે છે. (ગીત. ૨૯:૧૧; યશા. ૫૪:૧૩) આવું કુટુંબ તમને બીજે ક્યાંય નહિ મળે. યહોવાહના લોકો મધ્યે રહેવાનો આશીર્વાદ આ દુનિયામાં બીજે ક્યાંય નહિ મળે! આપણા આંતરરાષ્ટ્રીય સંમેલનોનો વિચાર કરો. ત્યાં અનેક દેશ, ભાષા ને જાતિના લોકો આવે છે, શાંતિથી, સંપથી રહે છે. એકબીજાને ખરો પ્રેમ બતાવે છે.

૧૩ યહોવાહના લોકો મધ્યે રહેવું મોટો આશીર્વાદ છે. યહોવાહનું કુટુંબ આ દુનિયાના વલણથી, એના ધોરણોથી સાવ અલગ તરી આવે છે. (યશાયાહ ૬૫:૧૩, ૧૪ વાંચો.) આપણે રાજ્યનો સંદેશો બીજાઓને જણાવીને તેઓને પણ યહોવાહના કુટુંબમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ. એ લહાવાની તમે કદર કરો છો? મંડળમાં આવતા નવા લોકોને મદદ કરવી પણ એક આશીર્વાદ છે. તેઓ સાથે પ્રચારમાં જઈને મદદ કરવી શું લહાવો નથી? વડીલોના માર્ગદર્શન હેઠળ આપણે આવા નવા લોકોને મદદ કરવા તત્પર રહીએ. પ્રિસ્કીલા તથા આકુલાએ પણ ‘ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપીને’ આપોલસને મદદ કરી હતી.—પ્રે.કૃ. ૧૮:૨૪-૨૬.

ઈસુ પાસેથી શીખતા રહો

૧૪, ૧૫. આપણે કેમ ઈસુ પાસેથી શીખતા રહેવું જોઈએ?

૧૪ ઈસુ પાસેથી શીખતા રહેવા આપણી પાસે ઘણાં કારણો છે. જરા વિચાર કરો, ધરતી પર આવ્યા પહેલાં ઈસુ હજારોના હજારો વર્ષ પિતા યહોવાહ સાથે રહ્યા હતા. (નીતિ. ૮:૨૨, ૩૦) તે જાણતા હતા કે યહોવાહની ભક્તિ કરવી અને બીજાઓને સત્ય જણાવવું, એ જ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે. (યોહા. ૧૮:૩૭) ઈસુ માટે તો બીજી કોઈ પણ રીતે જીવન જીવવું નકામું હતું, જેમાં લાંબા ગાળે કોઈ લાભ થતો નથી. ઈસુ એ પણ જાણતા હતા કે તેમની આકરી કસોટી થશે, મારી નાખવામાં આવશે. (માથ. ૨૦:૧૮, ૧૯; હેબ્રી ૪:૧૫) ઈશ્વરને વળગી રહેવામાં તેમણે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે.

૧૫ ઈસુએ બાપ્તિસ્મા લીધું એના થોડા જ સમયમાં જીવનનો શ્રેષ્ઠ માર્ગ છોડી દેવા શેતાને તેમને લલચાવ્યા. પણ તે સફળ થયો નહિ. (માથ. ૪:૧-૧૧) એનાથી શીખવા મળે છે કે શેતાન ગમે એ કરે તોય આપણે યહોવાહને વળગી રહી શકીએ. શેતાન ખાસ કરીને એવા લોકો પર નજર રાખી રહ્યો છે જેઓ બાપ્તિસ્મા લેવાની તૈયારી કરે છે, કે પછી નવા નવા બાપ્તિસ્મા પામ્યા છે. (૧ પીત. ૫:૮) અમુક વાર કુટુંબીજનોને યહોવાહના સાક્ષીઓ વિષે ગેરસમજ હોય છે. એટલે તમારું રક્ષણ કરવાના ઇરાદાથી તમારો વિરોધ કરે. પણ આવી કસોટીઓમાં હિંમત ન હારતા. એનાથી તો તમને ઈસુ જેવા ગુણો કેળવવા મોકો મળે છે. જેમ કે, જવાબ આપતી વખતે કે સંદેશો જણાવતી વખતે બીજાઓને માન આપીએ, સમજી-વિચારીને વર્તીએ. (૧ પીત. ૩:૧૫) આપણા આવા અનુભવો બીજાઓ સાંભળશે ત્યારે, તેઓને પણ ખૂબ ઉત્તેજન મળશે.—૧ તીમો. ૪:૧૬.

જીવનના શ્રેષ્ઠ માર્ગને વળગી રહો!

૧૬, ૧૭. (ક) જીવન મેળવવા પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦⁠માં કઈ ત્રણ મુખ્ય જરૂરિયાતો વિષે જણાવ્યું છે? (ખ) મુસાએ જે લખ્યું એને ઈસુ, યોહાન અને પાઊલે કઈ રીતે સમર્થન આપ્યું?

૧૬ ઈસુ થઈ ગયા એના આશરે ૧,૫૦૦ વર્ષ પહેલાં મુસાએ ઈસ્રાએલીઓને જીવનનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવા અરજ કરી હતી. તેમણે કહ્યું: “હું આજ આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે: યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર.” (પુન. ૩૦:૧૯, ૨૦) દુઃખની વાત છે કે ઈસ્રાએલીઓ યહોવાહને વળગી રહ્યા નહિ, પણ મુસાએ જીવન મેળવવા જે ત્રણ મુખ્ય જરૂરિયાતો જણાવી હતી એ હજી બદલાઈ નથી. ઈસુ અને બીજાઓએ પણ એ જરૂરિયાતો વિષે ફરીથી જણાવ્યું હતું.

૧૭ પહેલી જરૂરિયાત, ‘આપણા ઈશ્વર યહોવાહને પૂરા દિલથી પ્રેમ કરીએ.’ યહોવાહે બતાવેલા માર્ગે ચાલીને આપણે એ પ્રેમની સાબિતી આપીએ છીએ. (માથ. ૨૨:૩૭) બીજું, ‘આપણે યહોવાહની વાણી સાંભળીએ.’ એટલે કે બાઇબલનો અભ્યાસ કરીએ, એમાં યહોવાહે જણાવેલી આજ્ઞાઓ પાળીએ. (૧ યોહા. ૫:૩) એમ કરવા જરૂરી છે કે આપણી બધી સભાઓમાં નિયમિત જઈએ, જ્યાં બાઇબલનું શિક્ષણ મળે છે. (હેબ્રી ૧૦:૨૩-૨૫) ત્રીજી જરૂરિયાત, ‘આપણે યહોવાહને વળગી રહીએ.’ ભલે આપણા પર ગમે એવી કસોટી આવે, આપણે કાયમ યહોવાહમાં શ્રદ્ધા રાખીએ અને તેમના દીકરા ઈસુને પગલે ચાલતા રહીએ.—૨ કોરીં. ૪:૧૬-૧૮.

૧૮. (ક) ૧૯૧૪⁠ના વર્ષમાં ધ વૉચ ટાવરમાં સત્ય વિષે કેવી સમજણ આપવામાં આવી હતી? (ખ) સત્યના પ્રકાશ વિષે આપણને કેવું લાગવું જોઈએ?

૧૮ બાઇબલની સચ્ચાઈ પ્રમાણે જીવવું કેવો મોટો આશીર્વાદ છે! વર્ષ ૧૯૧૪⁠માં બહાર પડેલા ધ વૉચ ટાવરમાં બહુ મહત્ત્વની વાત જણાવી હતી: ‘આપણે કેટલા આશીર્વાદિત, સુખી લોકો છીએ! શું આપણો ઈશ્વર વિશ્વાસુ નથી? ઈશ્વરે આપેલાં વચનોથી વધારે સારું કોઈ જાણી શકે? જો કોઈની પાસે આપણાથી વધારે સારો સંદેશો હોય તો, જરૂર જણાવજો. બાઇબલમાં ઈશ્વરે જે જણાવ્યું છે એનાથી વધારે સારું કંઈ પણ આપણી પાસે નથી. સાચા ઈશ્વર વિષે જાણીને આપણને જે શાંતિ મળી છે, જે આનંદ મળ્યો છે, જે આશીર્વાદો મળ્યા છે એનું આપણે શબ્દોમાં વર્ણન કરી શકતા નથી. બાઇબલમાં ઈશ્વરના ડહાપણ, ન્યાય, શક્તિ અને પ્રેમ વિષે જે જણાવ્યું છે એનાથી ઘણો સંતોષ મળે છે. એ આપણા દિલોદિમાગની બધી તલપ પૂરી કરે છે. એનાથી વધારે આપણને કંઈ જોઈતું નથી. હવે આપણે બસ આપણા ઈશ્વર યહોવાહના જ્ઞાનમાં વધતા રહેવું છે.’ (ધ વૉચ ટાવર, ડિસેમ્બર ૧૫, ૧૯૧૪, પાન ૩૭૭-૩૭૮) યહોવાહે આપેલા સત્યના પ્રકાશ માટે આપણે કાયમ આભારી રહીશું. આપણે ‘યહોવાહના પ્રકાશમાં ચાલીએ’ છીએ એ કેટલી ખુશીની વાત છે!—યશા. ૨:૫; ગીત. ૪૩:૩; નીતિ. ૪:૧૮.

૧૯. બાપ્તિસ્મા માટે યોગ્ય હોય તેઓએ કેમ મોડું કરવું ન જોઈએ?

૧૯ જો તમારે ‘યહોવાહના પ્રકાશમાં ચાલવું હોય’ તો, સમર્પણ કરો, બાપ્તિસ્મા લો. એમ કરવા મોડું ન કરો. બાપ્તિસ્મા માટે બાઇબલમાં જણાવેલી જરૂરિયાતો પૂરી કરવા આગળ વધો. એમ કરીને યહોવાહ અને ઈસુ ખ્રિસ્તે તમારા માટે જે કર્યું છે એની તમે કદર બતાવો છો. તમારું જીવન સૌથી અનમોલ સંપત્તિ છે. યહોવાહને એનું સમર્પણ કરો. બતાવો કે ઈસુને પગલે ચાલીને તમે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવા માગો છો. (૨ કોરીં. ૫:૧૪, ૧૫) ભૂલશો નહિ, કે એ જ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે! (w10-E 02/15)

તમે કેવો જવાબ આપશો?

• આપણું બાપ્તિસ્મા શાને બતાવે છે?

• ઈશ્વરને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવાથી કેવા આશીર્વાદો મળે છે?

• ઈસુ પાસેથી શીખતા રહેવું કેમ મહત્ત્વનું છે?

• જીવનના શ્રેષ્ઠ માર્ગને વળગી રહેવા આપણને શું મદદ કરશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]

તમારું બાપ્તિસ્મા બતાવે છે કે તમે જીવનનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કર્યો છે

[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]

શું તમે “ગુપ્તસ્થાનમાં” સલામત છો?