સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વચનના પાળનાર

વચનના પાળનાર

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

વચનના પાળનાર

યહોશુઆ ૨૩:૧૪

શું તમને બીજાઓ પર વિશ્વાસ કરવો અઘરું લાગે છે? દુઃખની વાત છે કે આજે વિશ્વાસઘાત થતો હોવાથી લોકોનો એકબીજા પરથી ભરોસો ઊઠી ગયો છે. તમને જેના પર ભરોસો હોય એના જૂઠું બોલવાથી કે આપેલું વચન તોડવાથી તમારો ભરોસો એનામાંથી ઊઠી જાય છે. જોકે એવું કોઈક છે, જેના પર કોઈ પણ શંકા વગર આપણે ભરોસો મૂકી શકીએ છીએ. નીતિવચનો ૩:૫ જણાવે છે કે “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ.” શા માટે આપણે યહોવાહ પર ભરોસો રાખવો જોઈએ? આ સવાલનો જવાબ મેળવવા ચાલો આપણે યહોશુઆના શબ્દોનો વિચાર કરીએ. તેમને યહોવાહમાં પૂરેપૂરો ભરોસો હતો. એ વિષેનો અહેવાલ યહોશુઆ ૨૩:૧૪⁠માં લખવામાં આવ્યો છે.

યહોશુઆના સમયનો વિચાર કરો. મુસા પછી યહોશુઆ ઈસ્રાએલી લોકોના આગેવાન બને છે. હવે તે ૧૧૦⁠ની ઉંમરે પહોંચ્યા છે. તેમણે પોતાના જીવનકાળમાં ઘણાં બધાં વચનો પોતાની નજર સમક્ષ પૂરાં થતાં જોયા છે. એ ચમત્કારોમાં ૬૦ વર્ષ પહેલાં લાલ સમુદ્રમાંથી ઈસ્રાએલીઓને બચાવ્યા હતા એનો પણ સમાવેશ થાય છે. તે પોતાના જીવનમાં જે બધું જોયું હતું એનો વિચાર કરે છે. પછી ઈસ્રાએલના ‘વડીલોને, મુખ્ય પુરુષોને, ન્યાયાધીશોને અને તેઓના અધિકારીઓને’ બોલાવે છે. (યહોશુઆ ૨૩:૨) પોતાના અનુભવમાંથી જે સમજણ મળી હતી એ વિષે તેઓને જણાવે છે. યહોવાહનાં વચનો પર મનન કરવાથી તેમનો વિશ્વાસ વધ્યો હતો એ વિષે પણ જણાવે છે.

યહોશુઆએ કહ્યું, “આજ સર્વ લોકને સારૂ ઠરાવેલે માર્ગે હું જાઉં છું.” આ રૂઢિપ્રયોગ વાપરીને યહોશુઆ શું કહેવા માગતા હતા? એ જ કે તેમનું મોત ગમે ત્યારે આવી શકે છે. એટલે તેમણે પોતાના જીવનમાં જોયેલા અને અનુભવેલા બનાવો પર વિચાર કરવા ઘણા કલાકો ગાળ્યા હશે. જીવનની છેલ્લી ઘડીએ યહોશુઆએ સાથી ઈશ્વરભક્તોને શું કહ્યું?

યહોશુઆએ કહ્યું: ‘જે વચનો ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંના એકે નિષ્ફળ ગયા નથી; તે સર્વ તમારા સંબંધમાં પૂરા થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.’ આ શબ્દો પરથી જોઈ શકાય છે કે યહોશુઆને પરમેશ્વર પર પૂરો ભરોસો હતો. પોતાના જીવનકાળ પર વિચાર કરીને યહોશુઆ જોઈ શક્યા કે યહોવાહે આપેલાં બધાં જ વચનો પૂરા થયા છે. * એટલે તે ચાહતા હતા કે સાથી ઈશ્વરભક્તો પણ યહોવાહના વચનોમાં પૂરો ભરોસો મૂકે કે, એ જરૂર પૂરા થશે.

યહોશુઆ ૨૩:૧૪ વિષે વધારે માહિતી આપતા એક પુસ્તક જણાવે છે: “બાઇબલમાં આપેલા બધા વચનો પર વિચાર કરો. ઇતિહાસ તપાસો અને જુઓ કે યહોવાહ એક પણ વચન પૂરું કરવાનું ભૂલી ગયા છે કે કેમ!” જો એ તપાસીએ તો આપણે પણ યહોશુઆના શબ્દો સાથે સહમત થઈશું કે યહોવાહે આપેલાં વચનોમાંનું એક પણ વચન નિષ્ફળ ગયું નથી.—૧ રાજાઓ ૮:૫૬; યશાયાહ ૫૫:૧૦, ૧૧.

ભૂતકાળમાં યહોવાહે આપેલાં વચનો સાચા પડ્યા છે. આપણા સમય માટે જે વચનો આપ્યા છે એ પણ આપણે પૂરા થતા જોઈએ છીએ. અરે, ભવિષ્ય માટે આપેલા વચનો વિષે પણ લખેલું છે. * કેમ નહીં કે તમે પોતે એ વચનો તપાસો? બાઇબલનો અભ્યાસ કરવાથી તમને ભરોસો બેસશે કે ભવિષ્ય માટે આપેલા પરમેશ્વરના વચનો જરૂર પૂરા થશે. (w10-E 01/01)

[ફુટનોટ્‌સ]

^ અહીં અમુક વચનો જણાવેલાં છે જે યહોશુઆએ પૂરા થતાં જોયા હતા. જેમ કે ઈસ્રાએલીઓને પોતાનો દેશ આપશે. (ઉત્પત્તિ ૧૨:૭ને યહોશુઆ ૧૧:૨૩ સાથે સરખાવો.) તેઓને મિસરમાંથી છોડાવશે. (નિર્ગમન ૩:૮ને નિર્ગમન ૧૨:૨૯-૩૨ સાથે સરખાવો.) તેઓનું પોષણ કરશે.—નિર્ગમન ૧૬:૪, ૧૩-૧૫ને પુનર્નિયમ ૮:૩, ૪ સાથે સરખાવો.

^ પરમેશ્વરે ભવિષ્ય માટે જે વચનો આપ્યા છે એની વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૩, અને ૮ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.