શું મૂએલાઓ આપણને મદદ કરી શકે?
શું મૂએલાઓ આપણને મદદ કરી શકે?
દુનિયા ફરતે ઘણા લોકો માને છે કે ગુજરી ગયેલા સગાં કે મિત્રો તેઓને મદદ કરી શકે છે. દાખલા તરીકે, પશ્ચિમ આફ્રિકામાં ટામ્બા નામનો યુવાન રહે છે. * તેની મમ્મીએ કહ્યું કે ‘સ્કૂલની પરીક્ષામાં પાસ થવા તારે ગુજરી ગયેલા સગાંની મદદ લેવી જ પડશે.’ હવે સિસિલીના પાલેર્મો શહેરનો વિચાર કરીએ. ઘણા લોકો ત્યાં એક મોટા ભોંયરાની મુલાકાત લે છે, જ્યાં ઘણા ગુજરી ગયેલા લોકોના શબ સાચવી રાખ્યા છે. અમુક માને છે કે આ શબ જીવતા લોકોને રક્ષણ આપે છે. હવે અમેરિકાનો દાખલો જોઈએ. દર વર્ષે અનેક લોકો ન્યૂ યૉર્ક રાજ્યના લીલી ડેલ નામના ગામડાની મુલાકાત લે છે. એ ગામ ખૂબ જાણીતું છે કેમ કે ત્યાં મેલીવિદ્યા અને જંતર-મંતર કરતા ઘણા લોકો રહે છે.
શું ગુજરી ગયેલા લોકો આપણને મદદ કરી શકે? તમે શું માનો છો? ગુજરી ગયેલા લોકો મદદ કરે છે એવું કદાચ તમને શીખવવામાં આવ્યું હશે. અથવા તમારા કોઈ સગાં કે મિત્રો એમાં માનતા હશે. ખરું કે કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે આપણને તેની બહુ ખોટ સાલે છે. એવા સંજોગોમાં મેલીવિદ્યા કે જંતર-મંતર કરતા લોકો દાવો કરે છે કે તેઓ એ ગુજરી ગયેલી વ્યક્તિ સાથે તમારી વાતચીત કરાવી શકે છે. મેલીવિદ્યા કરતી એક સ્ત્રીએ અંગ્રેજી ટાઇમ મૅગેઝિનમાં કહ્યું કે ‘તમે કોઈ પણ સમયે ગુજરી ગયેલા લોકો પાસેથી મદદ મેળવી શકો છો.’ શું એ સાચું છે? શું ગુજરી ગયેલા લોકો ખરેખર આપણને મદદ કરી શકે છે? ચાલો બાઇબલમાંથી એના જવાબો જોઈએ.
શું ગુજરી ગયેલા લોકો બીજે ક્યાંક જીવે છે?
બાઇબલ સાદી અને સાફ રીતે બતાવે છે કે વ્યક્તિ ગુજરી જાય પછી તેનું શું થાય છે. બાઇબલમાં સભાશિક્ષક ૯:૫ આમ કહે છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.” શું ગુજરી ગયેલા લોકો કોઈ લાગણી અનુભવી શકે છે? છઠ્ઠી કલમ કહે છે: “તેમનો પ્રેમ તેમ જ તેમનાં દ્વેષ તથા ઈર્ષા હવે નષ્ટ થયાં છે; અને જે કંઈ કામ પૃથ્વી ઉપર થાય છે તેમાં હવે પછી કોઈ પણ કાળે તેઓને કંઈ હિસ્સો મળવાનો નથી.” એ જ અધ્યાયની દસમી કલમ નોંધ કરો: “જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.” અહીંયા ‘શેઓલ’ શું છે? એ હિબ્રૂ શબ્દ છે અને એનો અર્થ થાય ‘ગુજરી ગયેલા મનુષ્યોની હાલત.’ ગ્રીક ભાષામાં એને ‘હાડેસ’ કહેવાય છે. ઈસુને પૃથ્વી પર મારી નાખવામાં આવ્યા ત્યારે તે પણ થોડા દિવસ માટે ‘હાડેસʼમાં હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૧.
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ઘણા લોકોને મદદ કરી. પણ તે જાણતા હતા કે એક દિવસ પોતાને મરવું પડશે. શું તે એવું માનતા હતા કે મરણ પછી પણ કબરમાંથી લોકોને મદદ કર્યા રાખશે? ના, જરાય નહિ. તેમણે પોતાની મોતને રાતના ઘોર અંધકાર સાથે સરખાવી જ્યારે કામ કરવું અશક્ય છે. (યોહાન ૯:૪) ઈસુ સારી રીતે જાણતા હતા કે મનુષ્ય ‘મરી’ જાય પછી તે કંઈ કરી શકતો નથી.—યશાયાહ ૨૬:૧૪.
ઈસુએ મોતને ભર ઊંઘ સાથે પણ સરખાવી. તેમનો દોસ્ત લાજરસ ગુજરી ગયો ત્યારે ઈસુએ કહ્યું કે તે મોતની નીંદરમાં છે. (યોહાન ૧૧:૧૧-૧૩) સૂતેલી વ્યક્તિને કંઈ ભાન હોતું નથી, તે કંઈ કરી શકતી નથી. તો શું તે સૂતેલી વ્યક્તિ આપણને મદદ કરી શકે?
શું મૃત વ્યક્તિ બીજું રૂપ ધારણ કરે છે?
ઘણા લોકો શીખવે છે કે આપણામાં આત્મા છે, જે મરણ પછી જીવતો રહે છે. પણ બાઇબલ એવું કંઈ * બાઇબલના પ્રથમ પુસ્તક ઉત્પત્તિમાં માણસની રચના વિષે જોવા મળે છે. ઉત્પત્તિ ૨:૭ કહે છે કે ઈશ્વરે માણસને બનાવ્યો ત્યારે એ “માણસ સજીવ” થયો. એવી જ રીતે પ્રાણીઓ પણ સજીવ છે. (ઉત્પત્તિ ૯:૧૦) તેથી જ્યારે કોઈ વ્યક્તિ કે પ્રાણી મરી જાય ત્યારે તેનામાં કંઈ જીવતું રહેતું નથી. બાઇબલ પણ એની સાબિતી આપે છે.—હઝકીએલ ૧૮:૪.
શીખવતું નથી.પણ અમુક કહેશે: ‘અમે ગુજરી ગયેલા લોકોનો અવાજ સાંભળ્યો છે. તેઓ સાથે વાત કરી છે. અરે, તેઓને જોયા પણ છે!’ આખી દુનિયામાં એવા ઘણા બનાવ સાંભળવા મળે છે. એનાથી શોક પાળનારને ગુજરી ગયેલા સગાં સાથે વાત કરવાની આશા મળે છે. એટલે તેઓ જંતર-મંતર કે મેલીવિદ્યાનો આશરો લે છે.
પણ શું આ બનાવ સાચા છે? જો હોય તો, એ ઉપર જણાવેલી બાઇબલ કલમોની વિરુદ્ધ છે. ઈસુએ કહ્યું હતું કે બાઇબલમાં ઈશ્વરનું સત્ય છે. (યોહાન ૧૭:૧૭) તેથી એનું શિક્ષણ ખોટું ન હોય શકે. તોયે અમુક દાવો કરે છે કે મૂએલાઓ આપણને મદદ કરી શકે છે. તેઓની વાત માનવી કે નહિ, એ વિષે બાઇબલ આપણને માર્ગદર્શન આપે છે. બાઇબલમાં એક બનાવ છે જેમાં એક રાજાએ ગુજરી ગયેલી વ્યક્તિની મદદ લેવાની કોશિશ કરી. એ બનાવ વાંચવાથી આપણે ખબર પડશે કે શું મૂએલી વ્યક્તિ ખરેખર આપણને મદદ કરી શકે છે?
મૃત વ્યક્તિની મદદ રાજા માંગે છે
હજારો વર્ષો પહેલાં આ બનાવ બન્યો હતો. ઉત્તર ઇસ્રાએલના જંગના મેદાનમાં રાજા શાઊલ અને તેનું લશ્કર પલિસ્તીઓ સામે આવ્યા હતા. પલિસ્તીઓનું મોટું લશ્કર જોઈને શાઊલ રાજાનું “હૈયું બહુ થરથરવા લાગ્યું.” જોકે તેમણે ઈશ્વર યહોવાહને ઘણો પોકાર કર્યો. પણ કોઈ જવાબ મળ્યો નહિ, કેમ કે તેમણે યહોવાહની ભક્તિ છોડી દીધી હતી. ઈશ્વરના પ્રબોધક શમૂએલ પણ ગુજરી ગયા હતા. તો પછી, શમૂએલે કોની મદદ લીધી?—૧ શમૂએલ ૨૮:૩, ૫, ૬.
શાઊલે એન-દોર શહેરમાં મેલીવિદ્યા કરતી એક સ્ત્રીને વિનંતી કરી: “મારે સારૂ શમૂએલને ઉઠાડી લાવ.” એ સ્ત્રીએ શમૂએલના ભૂતને બોલાવ્યા. આ ભૂતે શાઊલને કહ્યું કે ‘પલિસ્તીઓ જીત મેળવશે અને તારા દીકરાઓ લડાઈમાં માર્યા જશે.’ (૧ શમૂએલ ૨૮:૭-૧૯) શું એ ભૂત ખરેખર શમૂએલ હતા?
બાઇબલ કહે છે કે વ્યક્તિ મરી જાય ત્યારે તે “ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૪) એ ઉપરાંત, શાઊલ અને શમૂએલ જાણતા હતા કે ઈશ્વરે ભૂત-પ્રેત તથા મેલીવિદ્યાથી દૂર રહેવાની આજ્ઞા આપી હતી. અરે, આ લડાઈ પહેલાં શાઊલે પોતે ઈસ્રાએલમાંથી જંતર-મંતર કરનારાઓનો નાશ કરવા પગલાં ભર્યા હતા.—લેવીય ૧૯:૩૧.
આ બનાવમાંથી બીજું શું શીખી શકીએ? જો એ ભૂત ખરેખર શમૂએલ હોત, તો શું તેમણે મેલીવિદ્યા કરતી સ્ત્રી દ્વારા શાઊલને મદદ કરી હોત? શું શમૂએલે ઈશ્વરની આજ્ઞા તોડીને મેલીવિદ્યામાં ભાગ લીધો હોત? ના. હવે આનો વિચાર કરો. યહોવાહ શાઊલ સાથે વાત કરવા તૈયાર ન હતા. તો પછી, શું મેલીવિદ્યા કરતી સ્ત્રી ઈશ્વરને દબાણ કરી શકે જેથી તે મૂએલા શમૂએલ દ્વારા શાઊલ સાથે વાત કરે? ના બિલકુલ નહિ! એનાથી જોવા મળે છે કે આ ભૂત ઈશ્વરભક્ત શમૂએલ ન હતા. પણ એક ખરાબ સ્વર્ગદૂતે શમૂએલનો વેશ ધર્યો હતો.
મનુષ્યની શરૂઆતમાં અમુક સ્વર્ગદૂતો યહોવાહની વિરુદ્ધ ગયા અને ખરાબ દૂતો બન્યા. (ઉત્પત્તિ ૬:૧-૪; યહુદા ૬) આ દુષ્ટ દૂતો લોકોને જોઈ રહ્યા છે. તેઓ ધ્યાન આપે છે કે વ્યક્તિ કેવી દેખાય છે, તે કેવી રીત બોલે છે અને વર્તે છે. આ ખરાબ દૂતો લોકોને એવું વિચારવા ઉશ્કેરે છે કે બાઇબલનું શિક્ષણ ખોટું છે. આ કરણે બાઇબલ કહે છે કે એવા દુષ્ટ દૂતો સાથે કોઈ પણ રીતે વહેવાર રાખવો ન જોઈએ! (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) આ દુષ્ટ દૂતો આજે પણ લોકોને અનેક રીતે ભમાવે છે.
એટલે ઘણા લોકો કહે છે કે તેઓએ મૂએલી વ્યક્તિને જોઈ છે અને તેની સાથે વાત કરી છે. ભલે એવું લાગે કે એ ભૂતો લોકોને મદદ કરે છે, પણ હકીકતમાં દુષ્ટ દૂતો તેઓને છેતરે છે. * (એફેસી ૬:૧૨) જો મૂએલાઓ આપણને મદદ કરી શકતા હોય, તો શું તેઓની મદદ લેવા ઈશ્વર આપણને રોકશે? ના, જરાય નહિ. કેમ કે તે પ્રેમના સાગર છે. (૧ પીતર ૫:૭) પણ હકીકતમાં તો તે આપણને મેલીવિદ્યા જેવી બાબતોથી દૂર રહેવા સલાહ આપે છે. તો પછી, આપણે કોની મદદ લઈ શકીએ?
જીવતા અને ગુજરી ગયેલા માટે આશા
આપણે શીખ્યા કે ગુજરી ગયેલા લોકો આપણને મદદ કરી શકતા નથી. તેઓની મદદ શોધવી નકામી છે. એ ઉપરાંત, એમાં જોખમ રહેલું છે. જે વ્યક્તિ મૂએલાઓની મદદ લેવાની કોશિશ કરે છે, તે ઈશ્વરના નિયમ વિરુદ્ધ જાય છે. વધુમાં તે દુષ્ટ દૂતોના પંજામાં ફસાઈ શકે છે!
બાઇબલ બતાવે છે કે આપણા સરજનહાર યહોવાહ સૌથી સારા મદદગાર છે. તે આપણને મોતના મોંમાં જતા બચાવી શકે છે. (ગીતશાસ્ત્ર ૩૩:૧૯, ૨૦) યહોવાહ સર્વને મદદ કરવા તત્પર છે. તે જે આશા આપે છે એમાં પૂરો ભરોસો રાખી શકીએ છીએ. જ્યારે કે મેલીવિદ્યા કે જંતર-મંતર કરતા લોકો ખોટી આશા આપે છે.
શરૂઆતમાં જણાવેલા ટામ્બાનો ફરી વિચાર કરીએ. તે યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગ્યો. તેને ખબર પડી કે ગુજરી ગયેલી વ્યક્તિનું શું થાય છે. તેમ જ, દુષ્ટ દૂતો ગુજરી ગયેલા લોકોનો વેશ ધારણ કરે છે. તેને શીખવા મળ્યું કે મેલીવિદ્યા કરતા લોકો ખોટી આશા આપે છે. ફક્ત યહોવાહમાં જ ભરોસો રાખવો જોઈએ. મેલીવિદ્યા કરતી વ્યક્તિએ ટામ્બાને કહ્યું કે તેણે ગુજરી ગયેલા પૂર્વજો માટે બલિદાન ચઢાવવું જોઈએ. જો નહિ ચઢાવે તો તે સ્કૂલની પરીક્ષામાં ફેલ થશે. ટામ્બાની મમ્મીએ પણ તેને પૂવર્જોની મદદ મેળવવા ખૂબ દબાણ કર્યું હતું. તેમ છતાં, ટામ્બાએ તેઓનું સાંભળ્યું નહિ. તેણે તેની મમ્મીને કહ્યું:
‘જો હું ફેલ થઈશ, તો આવતા વર્ષે વધારે મહેનત કરીશ.’તો પછી, પરીક્ષાનું કેવું પરિણામ આવ્યું? ટામ્બાનો પરીક્ષામાં પહેલો નંબર આવ્યો! તેની મા એ માની જ ન શકી અને મેલીવિદ્યા પરથી તેનો ભરોસો ઊઠી ગયો. એ પછી તેણે ટામ્બાને પૂર્વજો માટે બલિદાન ચઢાવવા વિષે કાંઈ કહ્યું નહિ. ટામ્બા યહોવાહની આ ચેતવણી શીખ્યો: “જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા” ન જોઈએ. (યશાયાહ ૮:૧૯) બાઇબલમાંથી શીખવાથી ટામ્બાને ભરોસો થયો કે પોતે ઈશ્વરના નિયમો પાળશે તો જીવનમાં ચોક્કસ સફળ થશે.—ગીતશાસ્ત્ર ૧:૧-૩.
તો પછી, આપણા ગુજરી ગયેલા સગા-વહાલાં વિષે શું? શું આપણે તેઓ માટે કોઈ આશા રાખી શકીએ? હા, યહોવાહ વચન આપે છે કે તે ભાવિમાં ગુજરી ગયેલા લોકોને સજીવન કરશે. હજારો વર્ષો પહેલાં, યહોવાહે ઈશ્વરભક્ત યશાયાહ દ્વારા કહ્યું: ‘મરેલાં જીવતા થશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો.’ (યશાયાહ ૨૬:૧૯) યહોવાહ ભાવિમાં ‘મૂએલાંઓને’ ફરી જીવતા કરશે.
ગુજરી ગયેલા અબજો લોકો ફરી જીવતા થશે એની કલ્પના કરો! બાઇબલ કહે છે કે યહોવાહ એ કરામત કરવાની ‘ઝંખના રાખે’ છે. (યોબ ૧૪:૧૪, ૧૫, કોમન લેંગ્વેજ) શું આ ફક્ત સપનું જ છે? ના. ઈસુને આ વચન પર એટલો ભરોસો હતો કે તેમણે કહ્યું, ઈશ્વરની નજરમાં મૂએલા લોકો જીવતા છે.—લુક ૨૦:૩૭, ૩૮.
જો તમને આ સુંદર આશા વિષે વધુ જાણવું હોય તો, બાઇબલમાંથી શીખતા રહો. * તમે બાઇબલમાંથી શીખશો, તેમ પૂરી ખાતરી થશે કે યહોવાહ તમને મદદ કરે છે. વધુમાં તે ગુજરી ગયેલા લોકોને ભાવિમાં સજીવન કરશે. યહોવાહના વચનો ‘વિશ્વાસપાત્ર અને સત્ય છે.’—પ્રકટીકરણ ૨૧:૪, ૫. (w10-E 01/01)
[ફુટનોટ્સ]
^ નામ બદલ્યું છે.
^ આ વિષે વધુ જાણવા માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૨૦૯ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
^ આ વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પ્રકરણ ૧૦ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
^ મૂએલાઓ ફરી જીવતા થશે એ વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પ્રકરણ ૭ જુઓ. આ પુસ્તક યહોવાહ સાક્ષીઓએ બહાર પડ્યું છે.
[પાન ૩ પર ચિત્રનું મથાળું]
ગુજરી ગયેલા પ્રિય જનની ખોટ સાલે એ સમજી શકાય
[પાન ૪ પર ચિત્રનું મથાળું]
શું ગુજરી ગયેલા ઈશ્વરભક્ત શમૂએલે ખરેખર શાઊલ સાથે વાત કરી હતી?