સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ?

કોના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ?

કોના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ?

‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બાપ તથા દીકરા તથા શક્તિને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.’—માથ. ૨૮:૧૯.

૧, ૨. (ક) પેન્તેકોસ્તના દિવસે શું બન્યું? (ખ) શા માટે ઘણા લોકોએ બાપ્તિસ્મા લીધું?

 ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તના દિવસે યરૂશાલેમમાં એક મોટો તહેવાર ઊજવાય રહ્યો હતો. ઘણા દેશોમાંથી લોકો આવ્યા હતા. આ દિવસે એક ખાસ બનાવ બન્યો અને ખ્રિસ્તના શિષ્યોનું મંડળ શરૂ થયું. એ પછી પ્રેરિત પીતરે એક ભાષણ આપ્યું, જેની લોકોના દિલ પર ઊંડી અસર પડી. પરિણામે, યહુદીઓ અને જેઓએ યહુદી ધર્મ અપનાવ્યો હતો, તેઓએ પસ્તાવો કર્યો અને પાણીનું બાપ્તિસ્મા લીધું. તેઓ નવાં શરૂ થએલા મંડળનો ભાગ બન્યા. (પ્રે.કૃ. ૨:૪૧) યરૂશાલેમના તળાવો અને અનેક કુંડમાં આટલા બધા લોકોનું બાપ્તિસ્મા જોઈને લોકો નવાઈ પામ્યા અને એ વાતો આખા શહેરમાં ફેલાઈ ગઈ!

શા માટે આટલા બધા લોકોએ બાપ્તિસ્મા લીધું? કેમ કે, એ જ દિવસે સવારે આમ બન્યું: “આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું.” આ ઘરમાં ઈસુના આશરે ૧૨૦ શિષ્યો ભેગા થયા હતા. તેઓ ઈશ્વરની શક્તિથી ભરપૂર થયા. એ પછી શિષ્યોને ‘અન્ય ભાષાઓમાં બોલતા’ સાંભળીને લોકો અચરજ પામ્યા. પીતરે પ્રવચનમાં ઈસુના બલિદાન વિષે જણાવ્યું, એ સાંભળીને ઘણાંઓના જાણે “મન વીંધાઈ ગયાં.” તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ? પીતરે તેઓને કહ્યું: ‘પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો અને તમે ઈશ્વરની શક્તિથી ભરપૂર થશો.’—પ્રે.કૃ. ૨:૧-૪, ૩૬-૩૮.

૩. યહુદીઓ અને જેઓએ યહુદી ધર્મ સ્વીકાર્યો તેઓએ શું કરવાની જરૂર હતી?

પીતરનું સાંભળ્યું એવા લોકોનો વિચાર કરો. તેઓમાંના અમુક યહુદીઓ હતા તો બીજાઓએ યહુદી ધર્મ સ્વીકાર્યો હતો. તેઓએ બાપ્તિસ્મા લીધું એના પહેલાંથી યહોવાહને પોતાના ઈશ્વર માનતા હતા. હેબ્રી શાસ્ત્રવચનો વાંચવાથી તેઓ જાણતા હતા કે ઈશ્વરે તેમની શક્તિ દ્વારા વિશ્વ બનાવ્યું હતું અને બીજા કામો કર્યા હતા. (ઉત. ૧:૨; ન્યા. ૧૪:૫, ૬; ૧ શમૂ. ૧૦:૬; ગીત. ૩૩:૬) એ ઉપરાંત તેઓએ વધારે કંઈ કરવાની જરૂર હતી. તેઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકારવાની જરૂર હતી. ઈસુ દ્વારા જ ઈશ્વર તેઓને તારણ આપવાના હતા એ સમજવાનું હતું. એટલે જ પીતરે કહ્યું ‘ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો.’ થોડા દિવસો પહેલાં જ સજીવન થએલા ઈસુએ પીતરને અને બીજા શિષ્યોને આમ કહ્યું: ‘બાપ તથા દીકરા તથા શક્તિને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.’ (માથ. ૨૮:૧૯, ૨૦) એ આજ્ઞા તેઓ માટે ઘણી મહત્ત્વની હતી. એ આજે આપણા માટે પણ કેમ મહત્ત્વની છે?

પિતાના નામમાં બાપ્તિસ્મા

૪. યહોવાહે કેવો મોટો ફેરફાર કર્યો?

પીતરનું પ્રવચન સાંભળ્યું હતું તેઓ પહેલાંથી જ યહોવાહની ભક્તિ કરતા હતા. તેમ જ, યહોવાહ સાથે તેઓના સારા સંબંધ હતા. તેઓ મુસાના નિયમો પાળવા બનતું બધું કરતા હતા. એટલે જ ઘણા દેશોમાંથી તેઓ યરૂશાલેમમાં ઉજવણી કરવા આવ્યા હતા. (પ્રે.કૃ. ૨:૫-૧૧) જોકે એ સમયે યહોવાહે મોટો ફેરફાર કર્યો હતો. તેમણે પસંદ કરેલી યહુદી પ્રજાનો નકાર કર્યો હતો. એટલે તેઓ મુસાના નિયમો પાળે તોય યહોવાહનો આશીર્વાદ મેળવવાના ન હતા. (માથ. ૨૧:૪૩; કોલો. ૨:૧૪) વ્યક્તિએ યહોવાહનો આશીર્વાદ મેળવવા અને તેમની સાથે સંબંધ જાળવી રાખવા બીજું કંઈ કરવાની જરૂર હતી.

૫, ૬. પ્રથમ સદીમાં જેઓ ઈશ્વર સાથે સંબંધ બાંધવા માંગતા હતા તેઓએ શું કરવાની જરૂર હતી?

તેઓ જીવન આપનાર યહોવાહને વળગી રહે એ ખૂબ મહત્ત્વનું હતું. (પ્રે.કૃ. ૪:૨૪) પીતરનું પ્રવચન સાંભળીને લોકો સાફ જોઈ શક્યા કે યહોવાહ ખૂબ પ્રેમાળ છે. ઈશ્વરે તેઓને પાપમાંથી છોડાવવા મસીહને મોકલ્યા હતા. જેઓએ ઈસુને મારી નાખ્યા તેઓને પણ ઈશ્વર માફી આપવા તૈયાર હતા. એટલે જ પીતરે તેઓને કહ્યું: “ઈસ્રાએલના તમામ લોકોએ નિશ્ચે જાણવું, કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો, તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે.” પીતરે સમજાવ્યું કે યહોવાહે કેટલો મોટો ભોગ આપ્યો જેથી તેઓ ઈશ્વર સાથે સંબંધ જાળવી શકે. એ સાંભળીને લોકો ઈશ્વરની વધારે કદર કરવા લાગ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૦-૩૬ વાંચો.

ઈશ્વર સાથે નાતો બાંધવા માંગતા હતા તેઓએ સ્વીકારવાનું હતું કે યહોવાહે મસીહ મોકલ્યા હતા. યહુદીઓ અને જેઓએ યહુદી ધર્મ અપનાવ્યો હતો તેઓએ એ સ્વીકાર્યું હતું. તેઓએ જાણે-અજાણે ઈસુને મારી નંખાવ્યા હોવાથી પસ્તાવો કર્યો હતો. એ પછી ‘તેઓ પ્રેરિતોના બોધમાં લાગુ રહ્યા.’ (પ્રે.કૃ. ૨:૪૨) તેઓ હવે ‘કૃપા પ્રાપ્ત કરીને, હિંમતથી ઈશ્વરના કૃપાસનની પાસે’ જઈ શકતા હતા.—હેબ્રી ૪:૧૬.

૭. પિતાના નામમાં બાપ્તિસ્મા લેતા પહેલાં લોકો શું માનતા હતા?

આજે પૃથ્વી ફરતે લાખો લોકો બાઇબલમાંથી ઈશ્વર વિષે શીખ્યા છે. (યશા. ૨:૨, ૩) તેઓમાંથી અમુક લોકો નાસ્તિક કે આસ્તિક * હતા. પણ પછીથી તેઓ શીખ્યા કે ઈશ્વર છે અને તેમને સારી રીતે ઓળખી શકીએ છીએ. બીજા ઘણા લોકો કદાચ મૂર્તિપૂજા કરતા કે ત્રિએક દેવમાં માનતા. પણ પછી બાઇબલમાંથી તેઓ શીખ્યા કે ઈશ્વરનું નામ યહોવાહ છે. તેઓ હવે સ્વીકારે છે કે યહોવાહ જ સાચા ઈશ્વર છે. આ હકીકત ધ્યાનમાં રાખીને ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તેઓએ પિતાના નામમાં બાપ્તિસ્મા લેવું જોઈએ.

૮. દાખલાથી સમજાવો કે લોકોએ યહોવાહ વિષે શું સ્વીકારવાની જરૂર છે?

સત્ય શીખતા પહેલાં લોકો જાણતા નથી કે દરેકને આદમ દ્વારા વારસામાં પાપ મળ્યું છે. (રૂમી ૫:૧૨) પણ બાઇબલમાંથી સત્ય શીખ્યા પછી તેઓ એ સ્વીકારે છે. આવા લોકોને બીમાર માણસ સાથે સરખાવી શકીએ. તેને અમુક વખતે શરીરમાં દુઃખાવો થાય છે પણ તેના મને તે તંદુરસ્ત છે. એટલે તે ડૉક્ટર પાસે જવાનું ટાળે છે. પણ હકીકતમાં તેને ગંભીર બીમારી છે. (વધુ માહિતી: ૧ કોરીંથ ૪:૪.) જો તે ડૉક્ટર પાસે તપાસ કરાવે તો તેને ખબર પડશે કે કઈ બીમારી છે. એનો ઇલાજ શું છે. તેને શું કરવાની જરૂર છે. જો તે ડૉક્ટરની સલાહ સ્વીકારે તો સાજો થશે. એવી જ રીતે ઘણા લોકોને બાઇબલમાંથી તપાસ કરીને જાણવા મળ્યું કે તેઓમાં પાપનો વારસો છે. ઈશ્વર પાસે જ એનો ઇલાજ છે. પાપમાંથી છૂટવા તેઓએ ઈશ્વર સાથે નાતો બાંધવાની જરૂર છે.—એફે. ૪:૧૭-૧૯.

૯. યહોવાહ સાથે આપણે સંબંધ બાંધી શકીએ એ માટે તેમણે શું કર્યું છે?

શું તમે યહોવાહને જીવન સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે? એમ હોય તો તમે જાણતા હશો કે તેમની સાથે નાતો બાંધવો એક આશીર્વાદ છે. યહોવાહ કેટલા પ્રેમાળ ઈશ્વર છે એની તમે કદર કરતા હશો. (રૂમી ૫:૮ વાંચો.) આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે ઈશ્વરે પગલાં ભર્યા, જેથી તેઓના બાળકો ઈશ્વર સાથે સંબંધ રાખી શકે. એ માટે યહોવાહે ઘણું દુઃખ સહન કર્યું. તેમણે પોતાના દીકરાની સતાવણી થવા દીધી અને તેમને મોંતના મોંમા જવા દીધા. આ જાણીને આપણે ઈશ્વરની આજ્ઞાઓ દિલથી સ્વીકારવી જોઈએ. તેમને સર્વોપરી તરીકે સ્વીકારવા જોઈએ. જો તમે એમ ન કર્યું હોય તો, ઈશ્વરને સમર્પણ કરવાના અને બાપ્તિસ્મા લેવાના ઘણા કારણો છે.

દીકરાના નામમાં બાપ્તિસ્મા

૧૦, ૧૧. (ક) તમે કેમ ઈસુની ઘણી કદર કરો છો? (ખ) ઈસુએ જે બલિદાન આપ્યું એ વિષે તમને શું લાગે છે?

૧૦ પીતરે જે પ્રવચન આપ્યું એનો ફરી વિચાર કરીએ. ઈસુને સ્વીકારવા વિષે તેમણે ભાર મૂકતા કહ્યું કે ‘દીકરાના નામે’ બાપ્તિસ્મા લો. એનો શું અર્થ થાય? એ જ કે યહોવાહ સાથે નાતો બાંધવા ઈસુ મહત્ત્વનો ભાગ ભજવે છે એ સ્વીકારવું જોઈએ. ઈસુએ વધસ્તંભ પર પોતાનો જીવ આપીને યહુદીઓ પરથી નિયમોનો બોજો દૂર કર્યો. ઈસુના બલિદાનથી લોકોને બીજા ફાયદા પણ થયા. (ગલા. ૩:૧૩) ઈસુએ માણસજાતને પાપમાંથી છોડાવવા માર્ગ ખોલ્યો. (એફે. ૨:૧૫, ૧૬; કોલો. ૧:૨૦; ૧ યોહા. ૨:૧, ૨) એ માટે ઈસુએ અન્યાય સહન કર્યો. બદનામી અને સતાવણી સહન કરી. છેવટે મરણ પામ્યા. આ બલિદાનની તમે કેટલી કદર કરો છો? ચાલો ટાઇટેનિક જહાજનો વિચાર કરીએ જે ૧૯૧૨માં બરફની શીલા સાથે અથડાઈને ડૂબી ગયું. માની લો કે તમે ૧૨ વર્ષના છોકરા છો. એ ડૂબતા જહાજમાંથી બચવા લાઈફબોટમાં જવા કોશિશ કરો છો, પણ એમાં જગ્યા નથી. એક માણસ પોતાની પત્નીને ભેટીને લાઇફબોટમાંથી નીકળી જઈને તમને એમાં બેસવાની જગ્યા આપે છે. તમને કેવું લાગશે? તમે એ વ્યક્તિનો જીવનભર આભાર માનશો. આ છોકરાનો અનુભવ સાચો છે, જે તમે વાંચી શકો. * આ માણસે છોકરા માટે જે કર્યું એના કરતાં ઈસુએ તમારા માટે ઘણું કર્યું છે. તેમણે તમારા માટે જીવ આપ્યો, જેથી તમે સદાને માટે જીવી શકો.

૧૧ ઈસુએ તમારા માટે જે કર્યું એ જાણીને તમને કેવું લાગે છે? (૨ કોરીંથ ૫:૧૪, ૧૫ વાંચો.) તમે તેમની દિલથી કદર કરતા હશો. એટલે જ તમે યહોવાહને પોતાનું જીવન અર્પી દીધું હશે. હવે તમે ‘પોતાને અર્થે નહિ, પણ જે તમારે વાસ્તે મરણ પામ્યો તેને અર્થે જીવો છો.’ ઈસુના નામમાં બાપ્તિસ્મા લેવાનો અર્થ થાય કે તેમણે તમારા માટે જે કર્યું છે એને દિલમાં ઉતારો. તેમ જ, તેમને “જીવનના અધિકારી” તરીકે સ્વીકારો. (પ્રે.કૃ. ૩:૧૫; ૫:૩૧) ભલે તમને લાગતું હોય પણ બાપ્તિસ્મા પહેલાં તમારો ઈશ્વર સાથે કોઈ સંબંધ ન હતો. જોકે ઈસુના બલિદાનમાં ભરોસો રાખીને બાપ્તિસ્મા લેવાથી હવે તમારો સંબંધ ઈશ્વર સાથે છે. (એફે. ૨:૧૨, ૧૩) પ્રેરિત પાઊલે લખ્યું: ‘એક વખતે તમે ઈશ્વરથી ઘણે દૂર હતા અને તમારાં દુષ્ટ કાર્યો અને વિચારોને કારણે તેમના શત્રુ હતા. પણ હવે ઈસુના મરણની મારફતે ઈશ્વરે તમને તેમના મિત્રો બનાવ્યા છે; જેથી તે તમને પોતાની સમક્ષ પવિત્ર અને શુદ્ધ રજૂ કરી શકે.’—કોલો. ૧:૨૧, ૨૨, કોમન લેંગ્વેજ.

૧૨, ૧૩. (ક) કોઈ તમારું મનદુઃખ કરે ત્યારે તમે શું કરશો? કેમ? (ખ) ઈસુના નામે બાપ્તિસ્મા લીધા પછી તમારી શું ફરજ બને છે?

૧૨ આપણે જાણીએ છીએ કે ઈસુના નામમાં બાપ્તિસ્મા લીધા પછી પણ દરરોજ ભૂલો કરી બેસીએ છીએ. એ ધ્યાનમાં રાખવું આપણા જ ભલા માટે છે. દાખલા તરીકે, કોઈ તમારું મનદુઃખ કરે ત્યારે શું તમે સ્વીકારો છો કે તમે પણ ભૂલો કરો છો? જોકે તમને બંનેને યહોવાહ પાસેથી માફીની જરૂર છે. તેમ જ, તમારે એકબીજાને પણ માફ કરવા જોઈએ. (માર્ક ૧૧:૨૫) આ સમજવા ઈસુએ ઉદાહરણ આપ્યું હતું. એક નોકરનું દસ હજાર તાલંતનું (૬ કરોડ દીનાર) દેવું હતું. પણ માલિકે તેનું દેવું માફ કર્યું. જ્યારે કે આજ નોકર બીજી વ્યક્તિનું ૧૦૦ દીનાર દેવું માફ નથી કરતો. આ દાખલાથી ઈસુએ સમજાવ્યું કે જો આપણે એકબીજાને માફ નહિ કરીએ તો યહોવાહ પણ આપણને માફ નહિ કરે. (માથ. ૧૮:૨૩-૩૫) ઈસુના નામમાં બાપ્તિસ્મા લેવાનો અર્થ એ પણ થાય કે તેમનો અધિકાર સ્વીકારીએ. એ ઉપરાંત તેમના શિક્ષણને લાગુ પાડીએ અને તેમને અનુસરીએ. તેમ જ, એકબીજાને માફ કરીએ.—૧ પીત. ૨:૨૧; ૧ યોહા. ૨:૬.

૧૩ આપણે ભૂલો કરતા હોવાથી પૂરી રીતે ઈસુને અનુસરી શકતા નથી. તોપણ આપણે દિલથી યહોવાહને સમર્પણ કર્યું હોવાથી ઈસુને અનુસરવા બનતું બધું કરીશું. એ માટે આપણે દુન્યવી સ્વભાવ છોડીને સારો સ્વભાવ કેળવીશું. (એફેસી ૪:૨૦-૨૪ વાંચો.) દાખલા તરીકે, કદાચ તમે દોસ્તના સારા ગુણો જોઈને એ કેળવવા કોશિશ કરશો. એવી જ રીતે આપણે ઈસુ પાસેથી ઘણું શીખીને તેમને અનુસરવાની કોશિશ કરવી જોઈએ.

૧૪. કઈ રીતે બતાવી શકો કે તમે ઈસુને રાજા તરીકે સ્વીકારો છો?

૧૪ બીજી કઈ રીતે બતાવી શકો કે તમે ઈસુના નામમાં બાપ્તિસ્મા લેવાનો અર્થ સમજો છો? એ સ્વીકારો કે ઈસુ પાસે યહોવાહના ભક્તોને દોરવાની જવાબદારી છે. ઈશ્વરે ‘સઘળાંને ઈસુના પગો તળે રાખ્યાં, અને તેમને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો.’ (એફે. ૧:૨૨) ઈસુ આજે મંડળને દોરવા ભાઈઓ અને ખાસ કરીને વડીલોનો ઉપયોગ કરે છે. તેઓ ‘ઈશ્વરના સર્વ લોકો સેવાકાર્ય માટે સજ્જ થાય અને ખ્રિસ્તનું શરીર બાંધે’ એ માટે પસંદ કરાયા છે. (એફે. ૪:૧૧, ૧૨, કોમન લેંગ્વેજ) આ વડીલો આપણી જેમ જ ભૂલો કરે છે. જો તેઓ મંડળમાં કોઈ ભૂલ કરે તો, ઈસુ યોગ્ય સમયે એ સુધારશે. શું તમે માનો છો કે ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ એ કરશે?

૧૫. બાપ્તિસ્મા પછી તમે કેવા આશીર્વાદોની આશા રાખી શકો છો?

૧૫ અમુક લોકો યહોવાહ વિષે શીખ્યા છે પણ સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું નથી. શું તમે તેઓમાંના એક છો? ઉપરના ફકરાઓમાંથી શું તમે જોઈ શકો છો કે કેમ ઈસુનો સ્વીકાર કરવો જોઈએ? તેમણે તમારા માટે જે કર્યું છે એની કેમ કદર કરવી જરૂરી છે? જો તમે ઈસુના નામે બાપ્તિસ્મા લેશો તો યહોવાહ તમને ઘણા આશીર્વાદ આપશે.—યોહાન ૧૦:૯-૧૧ વાંચો.

ઈશ્વરની શક્તિના નામમાં બાપ્તિસ્મા

૧૬, ૧૭. ઈશ્વરની શક્તિના નામે બાપ્તિસ્મા લેવાનો અર્થ તમારા માટે શું થાય?

૧૬ ઈશ્વરની શક્તિના નામે બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય? એ જ કે ઈશ્વર એ શક્તિ દ્વારા પોતાનો હેતુ પૂરો કરે છે એવું વ્યક્તિ સ્વીકારે. આપણે જોયું કે પીતરનું પ્રવચન સાંભળતા હતા તેઓ ઈશ્વરની શક્તિ વિષે જાણતા હતા. તેઓ પોતાની નજરે એની સાબિતી જોઈ શકતા હતા. જેમ કે, પીતર અને બીજા શિષ્યો ‘ઈશ્વરની શક્તિથી ભરપૂર થયા અને અન્ય ભાષાઓ બોલવા લાગ્યા.’—પ્રે.કૃ. ૨:૪,.

૧૭ તમે બાઇબલમાંથી ઈશ્વરની શક્તિ વિષે ઘણું શીખ્યા હશો. જેમ કે, ઈશ્વરની પ્રેરણાથી બાઇબલ લખાયું છે. (૨ તીમો. ૩:૧૬) તમે સત્યમાં પ્રગતિ કરી તેમ સમજી શક્યા કે ‘આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પોતાની શક્તિ આપે છે.’ (લુક ૧૧:૧૩) ઈશ્વરની શક્તિ તમારા જીવનને કઈ રીતે અસર કરે છે એ પણ તમે અનુભવ્યું હશે. એના નામે બાપ્તિસ્મા લેશો તો, ઈસુ ખાતરી આપે છે કે યહોવાહ તમને જરૂર શક્તિ આપશે. એનાથી તમને ઘણા આશીર્વાદ મળશે.

૧૮. ઈશ્વરની શક્તિના નામે બાપ્તિસ્મા લે છે તેઓ પર કેવા આશીર્વાદ આવે છે?

૧૮ આપણી પાસે ઘણી સાબિતી છે કે યહોવાહ પોતાની શક્તિથી મંડળને દોરે છે, આપણને રોજબરોજના જીવનમાં પણ મદદ કરે છે. ઈશ્વરની શક્તિના નામે બાપ્તિસ્મા લેવાથી આપણે બતાવીએ છીએ કે આપણા માટે એ કેટલી મહત્ત્વની છે. એટલે આપણે રાજીખુશીથી એની દોરવણી પ્રમાણે ચાલીએ છીએ. અમુકને થશે કે કઈ રીતે ઈશ્વરની શક્તિ આપણને સમર્પણ પ્રમાણે જીવવા મદદ કરે છે? એ વિષે આપણે હવે પછીના લેખમાં જોઈશું. (w10-E 03/15)

[ફુટનોટ્‌સ]

^ આસ્તિક લોકો માને છે કે ઈશ્વર છે પણ તેમને આપણી કંઈ પડી નથી.

^ ઑક્ટોબર ૨૨, ૧૯૮૧ના અવેક!ના પાન ૩-૮ જુઓ.

શું તમને યાદ છે?

• પિતાના નામે બાપ્તિસ્મા લેવાનો અર્થ તમારા માટે શું થાય?

• ઈસુના નામે બાપ્તિસ્મા લેવાનો અર્થ તમારા માટે શું થાય?

• તમે કઈ રીતે બતાવી શકો કે ‘બાપ તથા દીકરાના’ નામમાં બાપ્તિસ્મા લેવું મહત્ત્વનું છે?

• ઈશ્વરની શક્તિના નામે બાપ્તિસ્મા લેવાનો અર્થ શું થાય?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]

ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તના દિવસ પછી શિષ્યોનો ઈશ્વર સાથે કેવો સંબંધ બંધાયો?

By permission of the Israel Museum, Jerusalem