દુનિયા બદલી નાખનાર માણસ
દુનિયા બદલી નાખનાર માણસ
ધરતી પર અબજો લોકો જનમ્યા અને મરણ પામ્યા. મોટા ભાગના જાણે ધુમ્મસની જેમ કોઈ નિશાની છોડ્યા વિના ચાલ્યા ગયા. જ્યારે કે અમુકે એવાં કામ કર્યાં, જેની માણસજાત પર ઊંડી અસર થઈ છે. અરે, કદાચ તમારી રોજની જિંદગીમાં પણ અસર થઈ છે.
તમે સવારે નોકરી પર જવા ઊઠો છો. લાઇટ ચાલુ કરીને તૈયાર થાવ છો. બસ કે ટ્રેનમાં વાંચવા માટે મેગેઝિન કે પુસ્તક લઈ લો છો. તમને યાદ આવે છે કે ‘અરે ચેપ ન લાગે એની દવા લેવાની છે.’ જરા વિચારો, સવાર સવારમાં જ તમને અમુક વ્યક્તિઓની અદ્ભુત શોધથી કેટલા ફાયદા થયા!
માઈકલ ફેરેડે: ૧૭૯૧માં જન્મેલા અંગ્રેજ વૈજ્ઞાનિક. તેમણે ઇલેક્ટ્રિક મોટર અને ડાયનેમો (યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરનાર યંત્ર) શોધ્યું. તેમની શોધની મદદથી આજે આપણા માટે વીજળીનો વપરાશ શક્ય બન્યો છે.
ત્સી લુન: નામના ચીની દરબારના અધિકારીએ લગભગ ૧૦૫ની સાલમાં કાગળ બનાવવાની પદ્ધતિ વિકસાવી. એના લીધે પછીથી મોટા પાયે કાગળનું ઉત્પાદન શક્ય બન્યું.
યોહાનસ ગુટેનબર્ગ: આશરે ૧૪૫૦માં આ જર્મન શોધકે છૂટા અક્ષરોનાં બીબાં વડે છાપવાની પદ્ધતિવાળું સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ બનાવ્યું. એનાથી સસ્તામાં છાપકામ શક્ય બન્યું. અનેક વિષયો પર માહિતી મેળવવી શક્ય બની.
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ: સ્કોટલેન્ડના આ સંશોધકે ૧૯૨૮માં એક જંતુનાશક તત્ત્વ શોધી કાઢ્યું, જેને પેનિસિલિન નામ આપ્યું. એમાંથી બનેલી દવાઓ હવે ખતરનાક બૅક્ટેરિયા પર કાબૂ મેળવવા મોટા પાયે વપરાય છે.
કોઈ શંકા નથી કે આવા અમુક માણસોએ કરેલી શોધને લીધે, અબજો લોકોને ફાયદો થયો છે અને તેઓ સારી તંદુરસ્તીનો આનંદ માણી શકે છે.
હવે ઈસુ વિષે જોઈએ. તેમણે નથી કોઈ વૈજ્ઞાનિક શોધ કરી કે નથી કોઈ નવી દવા શોધી. તે એક સામાન્ય કુટુંબમાં મોટા થયા. તોપણ દુનિયાભરમાં તે જાણીતા છે. તેમણે લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં લોકોને આશા આપતો, મનની શાંતિ આપતો સંદેશો આપ્યો. દુનિયાભરમાં લોકો પર તેમના સંદેશાની જે અસર થઈ, એ જોતા કહી શકાય કે તે લોકોનાં દિલોદિમાગ પર છવાઈ ગયા હતા.
ઈસુનો સંદેશો શું હતો? એ સંદેશો કઈ રીતે તમારું જીવન બદલી શકે છે? (w10-E 04/01)