સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ પોતાની શક્તિ દ્વારા તેમનો મકસદ પૂરો કરે છે

યહોવાહ પોતાની શક્તિ દ્વારા તેમનો મકસદ પૂરો કરે છે

યહોવાહ પોતાની શક્તિ દ્વારા તેમનો મકસદ પૂરો કરે છે

‘મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થયા વિના, ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.’—યશા. ૫૫:૧૧.

૧. કોઈ પણ બાબત સિદ્ધ કરવા માણસ શું કરે છે? અને યહોવાહ શું કરે છે?

 યહોવાહને જે કંઈ કરવું હોય એના વિષે અગાઉથી પ્લાન કરવો પડતો નથી. જ્યારે કે માણસે કંઈ પણ કરતા પહેલાં અગાઉથી પ્લાન કરવો પડે છે. એ સમજવા એક પતિ-પત્નીનો દાખલો લો. તેઓનું સપનું છે કે એક દિવસ પોતાનું સુંદર ઘર બાંધે, કુટુંબ વસાવે. એ સપનું પૂરું કરવા માટે તેઓ અગાઉથી ઘણું વિચારશે, પ્લાન કરશે. પણ અચાનક કોઈ અણધારી આફત આવી પડે તો તેઓનું સપનું ચકનાચુર થઈ જાય છે. જેમ કે, નોકરી છૂટી જાય, ધરતીકંપ જેવી કુદરતી આફત આવે. અથવા કોઈ એકને મોટી બીમારી થાય કે મૃત્યુ પામે. એનાથી તેઓની તૈયારી અને પ્લાન પર પાણી ફરી વળે છે. જ્યારે કે યહોવાહ જે કંઈ ધારે એ કદી નિષ્ફળ જતું નથી, પણ હંમેશાં સફળ થાય છે. કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં યહોવાહે અગાઉથી વિચારવું પડતું નથી કે એ કામ પૂરું કરવા તેમની પાસે ક્ષમતા છે કે નહિ.

૨, ૩. (ક) યહોવાહના મકસદમાં શાનો સમાવેશ થાય છે? આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે યહોવાહે શું કર્યું? (ખ) યહોવાહ કઈ રીતે પોતાનો મકસદ પૂરો કરશે એ વિષે આપણે કેમ જાણવું જોઈએ?

યહોવાહ પોતાનો મકસદ પાર પાડવા અગાઉથી ચોક્કસ પ્લાન કરતા નથી. પોતે શું કરશે અને કેવી રીતે કરશે એ તેમણે વિચારવું પડતું નથી. પણ સમય જાય એમ તે પોતાનો મકસદ ચોક્કસ પાર પાડે છે. (એફે. ૩:૧૧) દાખલા તરીકે, શરૂઆતથી જ મનુષ્ય અને પૃથ્વી માટે યહોવાહનો એક મકસદ હતો: આખી ધરતી સુંદર બને અને મનુષ્ય સુખચેનથી કાયમ માટે જીવે. (ઉત. ૧:૨૮) આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે યહોવાહે તરત જ જરૂરી ગોઠવણ કરી, જેથી તેમનો મકસદ પૂરો થાય. (ઉત્પત્તિ ૩:૧૫ વાંચો.) યહોવાહે નક્કી કર્યું કે સ્વર્ગમાં દૂતોથી બનેલું સંગઠન, જેને બાઇબલ “સ્ત્રી” તરીકે ઓળખાવે છે એમાંથી એક “સંતાન” આવશે. એ સંતાન દુઃખ લાવનાર શેતાનનો છેવટે નાશ કરશે. પછી તે સર્વ દુઃખો મિટાવી દઈને ધરતી પર ખરી સુખ-શાંતિ લાવશે.—હેબ્રી ૨:૧૪; ૧ યોહા. ૩:૮.

સ્વર્ગમાં કે પૃથ્વી પર એવું કોઈ જ નથી, જે યહોવાહને પોતાનો મકસદ પૂરો કરતા અટકાવી શકે. (યશા. ૪૬:૯-૧૧) આપણે એમ શા કારણથી કહી શકીએ? કારણ કે તેમની શક્તિ અપાર છે, એની તોલે કોઈ આવી જ ન શકે. એટલે જ ખુદ યહોવાહ ખાતરી આપે છે કે તેમનો મકસદ જરૂર “સફળ થશે.” (યશા. ૫૫:૧૦, ૧૧) આપણને આશા છે કે ભાવિમાં યહોવાહ અમર જીવનનો આશીર્વાદ આપશે. પણ એ આશા યહોવાહનો મકસદ પૂરો થાય એ પછી જ પૂરી થશે. એટલે આપણે જાણવું જ જોઈએ કે યહોવાહ કઈ રીતે સમય આવ્યે પોતાનો મકસદ પૂરો કરે છે. સાથે સાથે તેમના મકસદ પ્રમાણે પણ જીવવું જોઈએ. યહોવાહ જે રીતે પોતાની શક્તિ વાપરે છે એ જોઈને પણ આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. તો ચાલો જોઈએ કે યહોવાહે કઈ રીતે સદીઓ પહેલાં તેમની શક્તિનો ઉપયોગ કર્યો હતો, આજે કઈ રીતે કરી રહ્યા છે. અને આવનાર દિવસોમાં કઈ રીતે તેમની શક્તિનો ઉપયોગ કરશે.

બાઇબલના જમાનામાં પવિત્ર શક્તિની ભૂમિકા

૪. યહોવાહે કઈ રીતે ધીરે ધીરે પોતાનો મકસદ જણાવ્યો?

બાઇબલના જમાનામાં યહોવાહે ધીરે ધીરે પોતાનો મકસદ જણાવ્યો હતો. આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે, યહોવાહે વચન આપેલા સંતાનની ઓળખ ગુપ્ત રાખી હતી. (૧ કોરીં. ૨:૭) એના લગભગ બે હજાર વર્ષ પછી યહોવાહે ફરી એ સંતાન વિષે થોડું જણાવ્યું. (ઉત્પત્તિ ૧૨:૭; ૨૨:૧૫-૧૮ વાંચો.) વચન આપેલા સંતાન વિષે તેમણે ઈબ્રાહીમને વધારે સમજણ આપી. ઈબ્રાહીમને કહ્યું કે “તારા વંશ” દ્વારા સર્વ લોકો આશીર્વાદ પામશે. એ શબ્દો બતાવતા હતા કે ઈબ્રાહીમના વંશમાંથી વચન આપેલું સંતાન આવશે. યહોવાહે સંતાન વિષે જણાવ્યું ત્યારે, શેતાનનું પૂરેપૂરું ધ્યાન એમાં જ હશે. તે એ જ લાગ જોઈને બેઠો હશે કે કઈ રીતે ઈબ્રાહીમના વંશનો નાશ કરું અથવા ભ્રષ્ટ કરું, જેથી ઈશ્વરના મકસદમાં ભંગ પડે. પણ તે એમ કરી ન શક્યો. કારણ કે યહોવાહની શક્તિ કઈ રીતે કામ કરતી હતી એ શેતાન જોઈ ન શક્યો. કેમ નહિ? ચાલો જોઈએ.

૫, ૬. સંતાન આવવાનું હતું એ વંશની અમુક વ્યક્તિઓનું યહોવાહે કઈ રીતે રક્ષણ કર્યું?

વચન આપેલું સંતાન આવવાનું હતું એ વંશમાંની અમુક વ્યક્તિઓનું યહોવાહે પોતાની શક્તિથી રક્ષણ કર્યું હતું. ઇબ્રામનો (ઇબ્રાહીમ) વિચાર કરો. યહોવાહે તેમને કહ્યું કે ‘હું તારી ઢાલ છું.’ (ઉત. ૧૫:૧) યહોવાહે કહેવા ખાતર જ એમ કહ્યું ન હતું. દાખલા તરીકે, ઈ.સ. પૂર્વે ૧૯૧૯માં જે બન્યું એનો વિચાર કરો. ત્યારે ઈબ્રાહીમ અને સારાહ થોડા સમય માટે ગેરાર નામના વિસ્તારમાં રહેતા હતા. ગેરારના રાજા અબીમેલેખને ખબર ન હતી કે સારાહ ઈબ્રાહીમની પત્ની છે. તેથી સારાહને પોતાની પત્ની બનાવવા તેણે લીધી. શું આ સમયે શેતાન પોતાની ચાલ રમતો હતો જેથી સારાહને ઈબ્રાહીમથી સંતાન ન થાય? એના વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. પણ એ જણાવે છે કે સારાહનું રક્ષણ કરવા યહોવાહે પગલાં લીધાં. તેમણે સપનામાં અબીમેલેખને ચેતવ્યો કે સારાહને અડકીશ નહિ.—ઉત. ૨૦:૧-૧૮.

આવો ફક્ત એક જ બનાવ ન હતો. યહોવાહે અનેક વાર ઈબ્રાહીમ અને તેમના કુટુંબને બચાવ્યાં હતાં. (ઉત. ૧૨:૧૪-૨૦; ૧૪:૧૩-૨૦; ૨૬:૨૬-૨૯) ઈબ્રાહીમ અને તેમની વંશાવળી વિષે એક ઈશ્વરભક્તે ભજનમાં કહ્યું: “તેણે [યહોવાહે] તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેમને લીધે તેણે રાજાઓને શિક્ષા કરી; તે એમ કહેતો, મારા અભિષિક્તોને છેડશો મા, મારા પ્રબોધકોને ઉપદ્રવ ન કરો.”—ગીત. ૧૦૫:૧૪, ૧૫.

૭. યહોવાહે કઈ કઈ રીતે ઈસ્રાએલી પ્રજાનું રક્ષણ કર્યું?

યહોવાહે પોતાની શક્તિથી ઈસ્રાએલી પ્રજાનું રક્ષણ કર્યું. કારણ કે એ પ્રજામાંથી જ વચન આપેલા સંતાનનો જન્મ થવાનો હતો. યહોવાહે પોતાની શક્તિ દ્વારા ઈસ્રાએલી પ્રજાને નિયમો આપ્યા. એ પાળીને તેઓ યહોવાહની ખરી ભક્તિ કરી શક્યા. નૈતિક અને શારીરિક રીતે પણ શુદ્ધ રહી શક્યા. (નિર્ગ. ૩૧:૧૮; ૨ કોરીં. ૩:૩) ન્યાયાધીશોના જમાનામાં દુશ્મનોથી ઈસ્રાએલ પ્રજાનું રક્ષણ કરવા યહોવાહની શક્તિએ અમુક માણસોને બળવાન કર્યા. (ન્યા. ૩:૯, ૧૦) સદીઓ પછી ઈબ્રાહીમના વંશમાંથી આવનાર સંતાન, ઈસુનો જન્મ થયો. ઈસુ એ સંતાનનો મુખ્ય ભાગ હતા. એ સદીઓ દરમિયાન યહોવાહની શક્તિએ યરૂશાલેમ, બેથલેહેમ અને મંદિરનું પણ રક્ષણ કર્યું, કેમ કે ઈસુ વિષેની બધી ભવિષ્યવાણીઓ પૂરી થાય માટે એ જરૂરી હતું.

૮. શું બતાવે છે કે ઈસુના જીવન અને તેમના પ્રચાર કાર્ય પર યહોવાહની શક્તિની અસર જોવા મળતી હતી?

ઈસુના જીવન અને તેમના પ્રચાર કાર્ય પર યહોવાહની શક્તિની સીધેસીધી અસર જોવા મળતી હતી. એ શક્તિથી જ કુંવારી મરિયમ ગર્ભવતી થઈ. આવો ચમત્કાર પહેલાં કદી થયો ન હતો. ભલે મરિયમમાં આદમના પાપની અસર હતી, પણ તેમનાથી જન્મેલા ઈસુમાં પાપ અને મરણની કોઈ અસર ન હતી. (લુક ૧:૨૬-૩૧, ૩૪, ૩૫) બાળ ઈસુનું અકાળે મરણ ન થાય એ માટે યહોવાહે તેમનું રક્ષણ કર્યું. (માથ. ૨:૭, ૮, ૧૨, ૧૩) ઈસુ ત્રીસેક વર્ષના થયા ત્યારે યહોવાહે પોતાની શક્તિથી તેમને અભિષિક્ત કર્યા. દાઊદના વારસ તરીકે રાજગાદીનો હક્ક આપ્યો. તેમને પ્રચારની સોંપણી પણ આપી. (લુક ૧:૩૨, ૩૩; ૪:૧૬-૨૧) યહોવાહની શક્તિથી ભરપૂર થઈને ઈસુએ અનેક ચમત્કારો કર્યા. જેમ કે, બીમાર લોકોને સાજા કર્યા, હજારો ભૂખ્યા લોકોને જમાડ્યા. ગુજરી ગયેલાઓને પણ જીવતા કર્યા. આ ચમત્કારો ઝલક આપતા હતા કે ઈસુ પૃથ્વી પર રાજ કરશે ત્યારે આપણા પર તે કેવા કેવા આશીર્વાદો વરસાવશે.

૯, ૧૦. (ક) પહેલી સદીમાં ઈસુના શિષ્યો પર યહોવાહની શક્તિ હતી એનો શું પુરાવો છે? (ખ) યહોવાહ નવી રીતે પોતાનો મકસદ પૂરો કરશે એ પહેલી સદીમાં કેવી રીતે દેખાઈ આવ્યું?

ઈબ્રાહીમના વંશમાંથી આવનાર સંતાનના બીજા ભાગને યહોવાહ પોતાની શક્તિથી ઈ.સ. ૩૩, પેન્તેકોસ્તના દિવસથી અભિષિક્ત કરવા લાગ્યા. તેઓમાંના મોટા ભાગના ઈબ્રાહીમના વંશમાંથી ન હતા. (રૂમી ૮:૧૫-૧૭; ગલા. ૩:૨૯) આમ, પહેલી સદીમાં ઈસુના શિષ્યોને યહોવાહે પોતાની શક્તિથી ભરપૂર કર્યા. એટલે જ તેઓ જોરશોરથી પ્રચાર કરી શક્યા. મોટા મોટા ચમત્કારો પણ કરી શક્યા. (પ્રે.કૃ. ૧:૮; ૨:૧-૪; ૧ કોરીં. ૧૨:૭-૧૧) શિષ્યોને મળેલા એ ચમત્કારિક દાનોથી જોવા મળ્યું કે યહોવાહ હવે નવી રીતે પોતાનો મકસદ પૂરો કરી રહ્યા છે. સદીઓ સુધી યહોવાહના ભક્તો યરૂશાલેમના મંદિરમાં ભક્તિ કરતા હતા. પણ હવે યહોવાહ ચાહતા હતા કે તેમના ભક્તો એ છોડીને નવી રીતે ભક્તિ કરે. તેમની કૃપા હવે ઈસ્રાએલી પ્રજા પર નહિ, પણ નવા ખ્રિસ્તી મંડળ પર હતી. ત્યારથી લઈને યહોવાહ પોતાનો મકસદ પૂરો કરવા એ અભિષિક્ત મંડળનો ઉપયોગ કરી રહ્યા છે.

૧૦ આપણે જોઈ ગયા તેમ, બાઇબલના જમાનામાં યહોવાહે પોતાનો મકસદ પૂરો કરવા અનેક રીતે તેમની શક્તિનો ઉપયોગ કર્યો હતો. જેમ કે, ભક્તોનું રક્ષણ કર્યું, તેઓને બળવાન કર્યા, અભિષિક્ત કર્યા. પણ આજે તે પોતાની શક્તિથી કઈ રીતે મકસદ પૂરો કરી રહ્યા છે? એ જાણવું આપણા માટે બહુ જ મહત્ત્વનું છે, જેથી તેમની દોરવણી પ્રમાણે જીવી શકીએ. ચાલો આપણે જોઈએ કે યહોવાહ કઈ ચાર રીતોએ આજે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે.

આજે પવિત્ર શક્તિની ભૂમિકા

૧૧. (ક) યહોવાહની શક્તિ આપણને તન-મનથી શુદ્ધ રહેવા મદદ કરે છે એ શાના પરથી કહી શકાય? (ખ) યહોવાહની શક્તિની દોરવણી પ્રમાણે જીવીએ છીએ એમ કઈ રીતે બતાવી શકીએ?

૧૧ એક, તન-મનથી શુદ્ધ રહેવા યહોવાહની શક્તિ મંડળમાં બધાને મદદ કરે છે. એટલે તેમની ભક્તિ કરનારા સર્વએ નૈતિક રીતે શુદ્ધ રહેવું જ જોઈએ. (૧ કોરીંથી ૬:૯-૧૧ વાંચો.) ઈસુના શિષ્ય બન્યા એ પહેલાં અમુક લોકો વ્યભિચારી હતા. તો અમુક લગ્‍ન પહેલાં જાતીય સંબંધ રાખતા. અમુક તો સજાતીય સંબંધો રાખતા. આવાં પાપી કામો કરવાની વાસનાના મૂળ ઊંડા હોઈ શકે. (યાકૂ. ૧:૧૪, ૧૫) તેમ છતાં, એવા લોકો “શુદ્ધ થયા.” આ બતાવે છે કે ઈશ્વરની કૃપા પામવા તેઓએ જીવનમાં જરૂરી ફેરફાર કર્યા હતા. શરીરની ખોટી વાસનાથી દૂર રહેવા તેઓને ક્યાંથી મદદ મળી? પહેલો કોરીંથી ૬:૧૧ કહે છે: ‘આપણા ઈશ્વરની શક્તિથી.’ નૈતિક રીતે શુદ્ધ રહીને આપણે બતાવીએ છીએ કે યહોવાહની શક્તિની દોરવણી પ્રમાણે આપણે જીવીએ છીએ.

૧૨. (ક) હઝકીએલના સંદર્શન પ્રમાણે યહોવાહ કઈ રીતે પોતાના સંગઠનને દોરે છે? (ખ) આપણે યહોવાહની દોરવણી પ્રમાણે જીવીએ છીએ એમ કઈ રીતે બતાવી શકીએ?

૧૨ બીજું, યહોવાહ પોતાની શક્તિથી તેમના સંગઠનને ચાહે એ દિશામાં દોરે છે. હઝકીએલે જોયેલા સંદર્શનમાં યહોવાહના સ્વર્ગીય સંગઠનનું દિવ્ય રથ તરીકે વર્ણન થયું છે. આ રથ પૂર ઝડપે યહોવાહનો મકસદ પૂરો કરવા આગળ વધી રહ્યો છે. એ રથને અમુક ચોક્કસ દિશામાં કોણ દોરી જાય છે? યહોવાહની શક્તિ. (હઝકી. ૧:૨૦, ૨૧) આપણે કદી ભૂલવું ન જોઈએ કે યહોવાહનું સંગઠન બે ભાગનું બનેલું છે. એક સ્વર્ગમાં અને બીજું પૃથ્વી પર. યહોવાહ જો પોતાના સ્વર્ગીય સંગઠનને તેમની શક્તિથી દોરતા હોય તો, શું તે પૃથ્વી પરના સંગઠનને પણ એવી જ રીતે નહિ દોરશે? ચોક્કસ. તો પછી, પૃથ્વી પરના તેમના સંગઠન તરફથી આપણને જે કોઈ માર્ગદર્શન મળે એ રાજી-ખુશીથી સ્વીકારવું જોઈએ. એ પ્રમાણે પૂરા દિલથી કરવું જોઈએ. આમ, દિવ્ય રથની સાથે સાથે ચાલીને આપણે બતાવીશું કે યહોવાહની દોરવણી પ્રમાણે આપણે જીવીએ છીએ.—હેબ્રી ૧૩:૧૭.

૧૩, ૧૪. (ક) ઈસુએ ઉલ્લેખ કરેલી “આ પેઢી”માં કોનો સમાવેશ થાય છે? (ખ) બાઇબલ સત્યની આપણી સમજણ પર વધારે પ્રકાશ ફેંકવા ઈશ્વરની શક્તિ મદદ કરી રહી છે એનો દાખલો આપો. (આ બૉક્સ જુઓ: “સત્યની સમજણમાં થયેલા સુધારાથી શું તમે જાણકાર છો?”)

૧૩ ત્રીજું, યહોવાહ પોતાની શક્તિ દ્વારા આપણને બાઇબલમાંથી સત્ય શીખવા મદદ કરે છે. (નીતિ. ૪:૧૮) ઘણાં વર્ષોથી “વિશ્વાસુ અને શાણો ચાકર” ખાસ કરીને ચોકીબુરજ દ્વારા બાઇબલમાંથી સત્યનો પ્રકાશ આપી રહ્યા છે. (માથ. ૨૪:૪૫) દાખલા તરીકે, ઈસુએ “આ પેઢી” વિષે વાત કરી હતી. પણ એમાં કોનો સમાવેશ થાય છે એની સમજણ ચાકર વર્ગે આપી. (માત્થી ૨૪:૩૨-૩૪ વાંચો.) ઈસુ કઈ પેઢી વિષે વાત કરતા હતા? “ઈસુ રાજ કરે છે—એ તમને કઈ રીતે અસર કરે છે?” લેખમાં સમજાવવામાં આવ્યું હતું કે ઈસુ એ જમાનાના દુષ્ટ લોકોની નહિ, પણ તેમના શિષ્યોની વાત કરતા હતા, જેઓ પછી થોડા જ સમયમાં ઈશ્વરની શક્તિથી અભિષિક્ત થયા. * એ પહેલી સદીના અને આપણા સમયના ઈસુના અભિષિક્ત શિષ્યો નિશાની પારખી શક્યા. એટલું જ નહિ, એનું મહત્ત્વ પણ સમજી શક્યા કે ‘ઈસુ બારણા પાસે જ છે.’

૧૪ આ સમજણ આપણા માટે કેમ મહત્ત્વની છે? ખરું કે “આ પેઢી” કેટલી લાંબી છે એ આપણે ચોક્કસ કહી નથી શકતા. પણ આપણે ‘પેઢી’ શબ્દને લઈને અમુક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે: પેઢી સામાન્ય રીતે જુદી જુદી ઉંમરના લોકોને બતાવે છે, જેઓ જીવનના કોઈ એક તબક્કામાં હયાત હોય છે. દાખલા તરીકે, પિતા અને પુત્ર, અથવા દાદા અને પૌત્ર બંને જણ જીવનના કોઈ એક તબક્કામાં હયાત હોય. તેઓ બંનેનો જીવનગાળો એક પેઢી બને છે, જેનો એક સમયે જરૂર અંત આવે છે. (નિર્ગ. ૧:૬) તો પછી “આ પેઢી” વિષે ઈસુના શબ્દોને આપણે કઈ રીતે સમજી શકીએ? ઈસુ એમ કહેવા માગતા હતા કે ૧૯૧૪થી તેમણે ભાખેલી નિશાનીઓ પૂરી થવા માંડશે ત્યારે એ સમયના અભિષિક્તો એને પારખી શકશે. તેઓ ધરતી પર જીવન પૂરું કરે એ પહેલાં બીજા અભિષિક્તો થશે. આ બીજા અભિષિક્તો મોટી વિપત્તિની શરૂઆત જોશે. આમ શરૂઆતના અને પાછળના અભિષિક્તો મળીને એક પેઢી બને છે. એ પેઢીની જેમ શરૂઆત હતી તેમ જ એનો અંત પણ હશે. ઈસુએ ભાખેલી નિશાનીઓ આજે મોટા પાયે પૂરી થઈ રહી છે. એ સાફ બતાવે છે કે મોટી વિપત્તિ બહુ જ નજીક છે. સમય બહુ થોડો રહેલો છે એ ધ્યાનમાં રાખીને આપણે કાયમ સાવધ રહેવું જોઈએ. એમ કરીને આપણે બતાવી શકીએ કે બાઇબલ સત્યને લઈને આપણી સમજણમાં જે સુધારો થાય છે એને આપણે સ્વીકારીએ છીએ. ઈશ્વરની શક્તિ દોરે એમ આપણે દોરાઈએ છીએ.—માર્ક ૧૩:૩૭.

૧૫. ખુશખબર ફેલાવવા ઈશ્વરની શક્તિ મદદ કરે છે એનો શું પુરાવો છે?

૧૫ ચોથું, ઈશ્વરની શક્તિ ખુશખબર ફેલાવવા આપણને શક્તિમાન કરે છે. (પ્રે.કૃ. ૧:૮) ઈશ્વરની શક્તિ વગર દુનિયાભરમાં યહોવાહનો સંદેશો ફેલાવવો આપણા માટે અશક્ય છે. આપણા અમુક ભાઈ-બહેનો પહેલા એટલા તો શરમાળ હતા કે અજાણ્યા સાથે વાત જ ન કરી શકે. અમુકને તો એ વિચાર માત્રથી ડર લાગતો. તમને પણ કોઈ વાર થયું હશે કે ‘મારાથી ક્યારેય ઘરેઘરે જઈને પ્રચાર નહિ થાય!’ પણ હવે તમે ઉત્સાહથી એ કામમાં ભાગ લઈ રહ્યા છો. * ઘણા ભાઈ-બહેનોએ તો પુષ્કળ વિરોધ અને સતાવણી સહીને પણ યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવી છે. ફક્ત ઈશ્વરની શક્તિ જ મોટાં મોટાં નડતરો દૂર કરવા અને તેમનું કામ કરવા આપણને શક્તિમાન બનાવે છે. એ સિવાય આપણે પોતાની શક્તિથી કાંઈ જ ન કરી શકીએ. (મીખા. ૩:૮; માથ. ૧૭:૨૦) યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવવા આપણાથી બનતું બધું જ કરીશું તો, એનાથી દેખાઈ આવશે કે આપણે તેમની શક્તિની દોરવણી પ્રમાણે જીવી રહ્યા છીએ.

આવનાર દિવસોમાં પવિત્ર શક્તિની ભૂમિકા

૧૬. આપણને કેમ એવો ભરોસો છે કે મહાન વિપત્તિ આવશે ત્યારે યહોવાહ પોતાના ભક્તોને જરૂર બચાવશે?

૧૬ આવનાર દિવસોમાં યહોવાહ અજોડ રીતે પોતાનો મકસદ પૂરો કરવા તેમની શક્તિનો ઉપયોગ કરશે. એક તો, તે પોતાના ભક્તોનું રક્ષણ કરશે. આપણે પહેલા જોઈ ગયા કે જૂના જમાનામાં યહોવાહે પોતાની શક્તિથી અમુક ભક્તોનું અને ઈસ્રાએલી પ્રજાનું રક્ષણ કર્યું હતું. એનાથી આપણને ખાતરી થાય છે કે આવી રહેલી મહાન વિપત્તિમાં પણ તે પોતાના ભક્તોનું જરૂર રક્ષણ કરશે. પણ આપણે મનમાં એવા વિચારો કરવાની જરૂર નથી કે યહોવાહ કઈ રીતે બચાવશે. પણ યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ કે તે જરૂર આપણું રક્ષણ કરશે. એવી કોઈ જગ્યા નથી જ્યાં યહોવાહ પોતાના ભક્તોને જોઈ ન શકે અથવા જ્યાં તેમનું રક્ષણ ન કરી શકે.—૨ કાળ. ૧૬:૯; ગીત. ૧૩૯:૭-૧૨.

૧૭. નવી દુનિયામાં યહોવાહ કઈ રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરશે?

૧૭ નવી દુનિયામાં યહોવાહ કઈ રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરશે? નવાં પુસ્તકો લખવા યહોવાહ એનો ઉપયોગ કરશે, જેને નવી દુનિયામાં ઉઘાડવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧૨) એ પુસ્તકોમાં શું લખેલું હશે? પૃથ્વી પર હજાર વર્ષના રાજમાં જીવવા આપણે શું કરવું જોઈએ એની વિગતવાર માહિતી હશે. એ પુસ્તકો વાંચવા શું તમે કાગને ડોળે રાહ જુઓ છો? સાચે જ, આપણે બધા એ નવી દુનિયાની આતુરતાથી રાહ જોઈએ છીએ. યહોવાહ હવે જલદી જ પોતાની શક્તિથી મનુષ્ય અને ધરતી માટેનો મકસદ પૂરો કરશે. એ સમયે નવી દુનિયા કેવી સુંદર હશે એની આપણે કલ્પના પણ કરી શકતા નથી.

૧૮. આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ?

૧૮ આપણે કદીએ ભૂલવું ન જોઈએ કે યહોવાહનો મકસદ જરૂર સફળ થશે. આખા વિશ્વમાં યહોવાહ જેટલા શક્તિશાળી બીજું કોઈ જ નથી. તે પોતાની શક્તિથી મનુષ્ય અને આ ધરતી માટેનો મકસદ પાર પાડશે. એ મકસદમાં આપણે બધા આવી જઈએ છીએ. તો ચાલો આપણે ગાંઠ વાળીએ કે યહોવાહની શક્તિ માટે તેમને પૂરા દિલથી પ્રાર્થના કરીશું અને એની દોરવણી પ્રમાણે જીવવા બનતું બધું જ કરીશું. (લુક ૧૧:૧૩) એમ કરીશું તો, યહોવાહના મકસદ પ્રમાણે આપણને નવી દુનિયામાં અમર જીવનનો આશીર્વાદ મળશે. (w10-E 04/15)

[ફુટનોટ્‌સ]

^ દાખલા તરીકે, એક બહેન બહુ જ શરમાળ હતી, પણ પછી ઉત્સાહથી ખુશખબર ફેલાવવા લાગી. તેનો અનુભવ ચોકીબુરજ સપ્ટેમ્બર ૧, ૧૯૯૩, પાન ૨૬ જુઓ.

આપણે શું શીખ્યા?

• બાઇબલના જમાનામાં યહોવાહે તેમની શક્તિથી કઈ રીતે પોતાનો મકસદ આગળ વધાર્યો?

• યહોવાહ આજે કઈ રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે?

• આવનાર દિવસોમાં યહોવાહ તેમની શક્તિથી કઈ રીતે પોતાનો મકસદ પૂરો કરશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર ચિત્રનું મથાળું]

સત્યની સમજણમાં થયેલા સુધારાથી શું તમે જાણકાર છો?

યહોવાહ પોતાના ભક્તોને સત્યનો વધુને વધુ પ્રકાશ આપતા રહે છે. ચોકીબુરજમાં કયા અમુક સુધારા જણાવવામાં આવ્યા છે?

▪ કોઈ વ્યક્તિ કેટલી જલદીથી સત્ય સ્વીકારશે એ વિષે ખમીરના ઉદાહરણ દ્વારા ઈસુએ શું સમજાવ્યું? (માથ. ૧૩:૩૩)—જુલાઈ ૧, ૨૦૦૮, પાન ૨૭-૨૮.

▪ સ્વર્ગમાં જનારા ૧,૪૪,૦૦૦ની પસંદગી ક્યારે પૂરી થશે?—જાન્યુઆરી ૧, ૨૦૦૮, પાન ૨૨, ૨૩.

▪ “આત્માથી” યહોવાહની ભક્તિ કરવાનો શું અર્થ થાય? (યોહાન ૪:૨૪)—જુલાઈ ૧૫, ૨૦૦૨, પાન ૧૫.

▪ મોટી સભા મંદિરના કયા ભાગમાં સેવા આપે છે? (પ્રકટી. ૭:૧૫)—મે ૧, ૨૦૦૨, પાન ૩૦-૩૧.

▪ ઘેટાં અને બકરાંને ક્યારે જુદાં પાડવામાં આવશે? (માત્થી ૨૫:૩૧-૩૩)—ઑક્ટોબર ૧૫, ૧૯૯૫, પાન ૧૮-૨૮.