સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવાહ હૃદય જુએ છે’

‘યહોવાહ હૃદય જુએ છે’

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

‘યહોવાહ હૃદય જુએ છે’

૧ શમૂએલ ૧૬:૧-૧૨

પીળું એટલું સોનું નહિ, ધોળું એટલું દૂધ નહિ. એવી જ રીતે વ્યક્તિના દેખાવ પરથી પારખી નથી શકતા કે તેનું દિલ કેવું છે. મોટા ભાગના લોકો વ્યક્તિના દેખાવ પરથી નક્કી કરે છે કે તે કેવી છે. જોકે ઈશ્વર યહોવાહ, વ્યક્તિનો દેખાવ નહિ પણ દિલ જુએ છે. એ વિષે વધારે સમજણ આપણને ૧ શમૂએલ ૧૬:૧-૧૨માં જોવા મળે છે.

બાઇબલના આ બનાવનો વિચાર કરો. ઈસ્રાએલ માટે નવા રાજા પસંદ કરવા પ્રબોધક શમૂએલને યહોવાહ કહે છે: ‘યિશાઇ બેથલેહેમી પાસે હું તને મોકલીશ. કેમકે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારૂ રાજા પસંદ કર્યો છે.’ (કલમ ૧) યહોવાહે શમૂએલને કોઈનું નામ આપ્યું નહિ, ફક્ત એટલું કહ્યું કે યિશાઈના દીકરાઓમાંથી એક રાજા બનશે. શમૂએલ બેથલેહેમ તરફ જાય છે ત્યારે તેમને થયું હશે, ‘મને કેવી રીતે ખબર પડશે કે યહોવાહે યિશાઈના દીકરાઓમાંથી કોને પસંદ કર્યો છે?’

શમૂએલ બેથલેહેમ પહોંચીને યિશાઈ અને તેના દીકરાઓને બોલાવે છે, જેથી તેઓ તેમની સાથે યહોવાહને અર્પણ ચઢાવેલું ભોજન લઈ શકે. યિશાઈના મોટા દીકરા અલીઆબનો સુંદર દેખાવ જોઈને શમૂએલને લાગે છે કે ‘આ જ રાજા હશે. યહોવાહે તેને જ પસંદ કર્યો હશે.’ શમૂએલ મનમાં કહે છે: “નક્કી યહોવાહનો અભિષિક્ત તેની સંમુખ છે.”—કલમ ૬.

જોકે, યહોવાહ બાબતોને સાવ અલગ રીતે જુએ છે. તે શમૂએલને કહે છે, “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં એને નાપસંદ કર્યો છે.” (કલમ ૭) અલીઆબની ઊંચાઈ અને તેના દેખાવથી યહોવાહ પ્રભાવિત થયા ન હતા. યહોવાહ વ્યક્તિનો રંગરૂપ જ નહિ, તેનો સ્વભાવ અને સંસ્કાર પણ જુએ છે.

યહોવાહ શમૂએલને સમજાવે છે, “માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” (કલમ ૭) વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વલણ તેના દિલમાંથી આવે છે. એટલે યહોવાહ વ્યક્તિના દિલ પર વધારે ધ્યાન આપે છે. ‘હૃદયના પારખનાર’ યહોવાહે, યિશાઈના એલીઆબ સહિત બીજા છ દીકરાઓને નાપસંદ કર્યા.—નીતિવચનો ૧૭:૩.

યિશાઈને દાઊદ નામે હજુ એક સૌથી નાનો દીકરો છે. એ સમયે તે ‘ઘેટાં ચરાવતો હતો.’ (કલમ ૧૧) એટલે દાઊદને ખેતરમાંથી બોલાવવામાં આવે છે. તે આવે છે ત્યારે યહોવાહ શમૂએલને કહે છે, “ઊઠીને એનો અભિષેક કર; કેમ કે એ જ તે છે.” (કલમ ૧૨) ખરું કે દાઊદ પણ “સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો.” પણ યહોવાહે તો તેનું દિલ જોઈને તેને પસંદ કર્યો હતો.—૧ શમૂએલ ૧૩:૧૪.

આજે દુનિયાના લોકો રંગરૂપ પર વધારે ભાર મૂકે છે. પણ યહોવાહને કંઈ ફરક પડતો નથી કે તમે કેટલા ઊંચા છો કે કેટલા રૂપાળા છો. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે કે યહોવાહ માટે ફક્ત આપણું દિલ કીમતી છે. તેથી ચાલો આપણે સારા ગુણો કેળવીએ અને યહોવાહની નજરે વધારે સુંદર બનીએ. (w10-E 03/01)