સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો, તન-મનથી યહોવાહની સેવા કરતા રહો

યુવાનો, તન-મનથી યહોવાહની સેવા કરતા રહો

યુવાનો, તન-મનથી યહોવાહની સેવા કરતા રહો

“તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર.”—સભા. ૧૨:૧.

૧. ઈસ્રાએલના બાળકોને શું કહેવામાં આવ્યું હતું?

 આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં મુસાએ ઈસ્રાએલના યાજકો અને વડીલોને આ આજ્ઞા આપી: ‘લોકોને, એટલે પુરુષોને તથા સ્ત્રીઓને તથા બાળકોને એકઠા કરજે, એ માટે કે તેઓ સાંભળે તથા શીખે, ને યહોવાહ તારા ઈશ્વરથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે તથા અમલમાં મૂકે.’ (પુન. ૩૧:૧૨) તમે નોંધ કર્યું કે યહોવાહની ભક્તિ કરવા માટે કોણે ભેગા થવાનું હતું? પુરુષો, સ્ત્રીઓ અને બાળકો. હા, બાળકોને પણ યહોવાહના સલાહ-સૂચનો સાંભળવાના અને પાળવાના હતા.

૨. પહેલી સદીમાં યહોવાહે બાળકો માટે કઈ રીતે પ્રેમ બતાવ્યો?

પહેલી સદીમાં પણ મંડળના બાળકો માટે યહોવાહ પ્રેમ બતાવતા રહ્યાં. દાખલા તરીકે, યહોવાહની પ્રેરણાથી પાઊલે મંડળોને જે પત્રો લખ્યા એમાંના અમુક પત્રોમાં બાળકો માટે ખાસ સૂચનો હતા. (એફેસી ૬:૧; કોલોસી ૩:૨૦ વાંચો.) એ સલાહ પાળવાથી બાળકોનો યહોવાહ માટેનો પ્રેમ વધ્યો અને તેઓને આશીર્વાદ પણ મળ્યા.

૩. આજે યુવાનો કઈ રીતે યહોવાહની ભક્તિ કરવાની ઇચ્છા બતાવે છે?

આજે પણ યહોવાહ ચાહે છે કે બાળકો અને યુવાનો મંડળમાં આવીને તેમની ભક્તિ કરે. આજે આપણને એ જોઈને ઘણી ખુશી થાય છે કે દુનિયા ફરતે ઘણા યુવાનો પાઊલની આ સલાહ જીવનમાં લાગુ પાડે છે: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (હેબ્રી ૧૦:૨૪, ૨૫) એ ઉપરાંત આજે ઘણા બાળકો પોતાના માબાપ સાથે ઈશ્વરનો સંદેશો જાહેર કરી રહ્યાં છે. (માથ. ૨૪:૧૪) આ બાળકો સત્યમાં પ્રગતિ કરે તેમ તેઓના દિલમાં યહોવાહ માટેનો પ્રેમ વધે છે. પરિણામે દર વર્ષે હજારો બાળકો અને યુવાનો બાપ્તિસ્મા લે છે. ઈસુના શિષ્ય બનવાથી તેઓ ઘણા આશીર્વાદો મેળવે છે.—માથ. ૧૬:૨૪; માર્ક ૧૦:૨૯, ૩૦.

આજે જ ઈશ્વરનું આમંત્રણ સ્વીકારો

૪. યહોવાહની ભક્તિ કરવાનું આમંત્રણ સ્વીકારવા, બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ?

સભાશિક્ષક ૧૨:૧માં યહોવાહ આમંત્રણ આપે છે: “તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર.” યહોવાહની ભક્તિ કરવાનું આ આમંત્રણ સ્વીકારવા માટે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? બાઇબલ કોઈ ચોક્કસ ઉંમર જણાવતું નથી. તેથી એમ ન માની લેતા કે યહોવાહનું કહ્યું સાંભળવા અને પાળવામાં તમે હજુ નાના છો. તમારી ઉંમર ભલે ગમે તે હોય, આ આમંત્રણ સ્વીકારવા જરાય અચકાતા નહિ.

૫. બાળકોને સત્યમાં પ્રગતિ કરવા માબાપ કઈ રીતે મદદ કરે છે?

કદાચ તમારા મા કે બાપ અથવા બંનેએ તમને સત્યમાં પ્રગતિ કરવા મદદ કરી હશે. આમ તમે બાઇબલ સમયના તીમોથી જેવા છો. તેમને નાનપણથી માતા યુનીકે અને નાનીમા લોઈસ શાસ્ત્રમાંથી શીખવતા. (૨ તીમો. ૩:૧૪, ૧૫) એવી જ રીતે તમારા માતા-પિતા પણ તમને બાઇબલમાંથી શીખવતા હશે. તમારી સાથે પ્રાર્થના કરતા હશે. તમને સંમેલનોમાં, મંડળની સભાઓ અને પ્રચારમાં લઈ જતા હશે. માબાપ તમને સત્યના માર્ગમાં ઉછેરવા મહેનત કરે છે કેમ કે, યહોવાહે તેઓને જવાબદારી સોંપી છે. તેથી બાળકો અને યુવાનો, તમારા માટે માબાપ જે પ્રેમ બતાવે છે અને મહેનત કરે છે એની શું તમે કદર કરો છો?—નીતિ. ૨૩:૨૨.

૬. (ક) ગીતશાસ્ત્ર ૧૧૦:૩ પ્રમાણે યહોવાહ કેવી ભક્તિથી ખુશ થાય છે? (ખ) હવે આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાહ ચાહે છે કે બાળકો મોટા થાય તેમ તીમોથીની જેમ ‘ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, એ પારખે.’ (રૂમી ૧૨:૨) બાળકો, તમે એ પારખશો તો માબાપ કહે એટલે નહિ, પણ પોતાના દિલથી યહોવાહની ભક્તિ કરશો. રાજીખુશીથી ભક્તિ કરવાથી યહોવાહ ખુશ થાય છે. (ગીત. ૧૧૦:૩) યહોવાહનું કહ્યું સાંભળવા અને એ પ્રમાણે કરવા તમે પોતાની ધગશ કઈ રીતે વધારી શકો? આપણે ત્રણ મહત્ત્વની રીત જોઈશું. અભ્યાસ, પ્રાર્થના અને વાણી-વર્તન. ચાલો એક પછી એક એની ચર્ચા કરીએ.

યહોવાહને સારી રીતે ઓળખીએ

૭. શું બતાવે છે કે ઈસુને શાસ્ત્રમાંથી શીખવું ગમતું હતું? તેમનામાં આવી ઇચ્છા ક્યાંથી જાગી?

પહેલી રીત છે કે દરરોજ બાઇબલ વાંચીને એનો અભ્યાસ કરવો. એમ કરવાથી યહોવાહનું જ્ઞાન મેળવવાની તમારી તરસ જાગશે. (માથ. ૫:૩) દરરોજ શાસ્ત્ર વાંચીને એનો અભ્યાસ કરવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. ઈસુ બાર વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાએ તેમને ‘મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા તથા તેઓને સવાલો પૂછતા’ જોયા. (લુક ૨:૪૪-૪૬) બાળક હોવા છતાં ઈસુમાં શાસ્ત્રમાંથી શીખવાની તરસ હતી. તેમને આવી ઇચ્છા ક્યાંથી જાગી? તેમની માતા મરિયમ અને પાલક પિતા યુસફે આ ઇચ્છા કેળવવા મદદ કરી હતી. યહોવાહના ભક્તો હોવાથી તેઓએ ઈસુને નાનપણથી ઈશ્વર વિષે શીખવ્યું હતું.—માથ. ૧:૧૮-૨૦; લુક ૨:૪૧, ૫૧.

૮. (ક) માબાપે ક્યારથી બાળકના દિલમાં સત્યનું બી વાવવું જોઈએ? (ખ) અનુભવથી જણાવો કે બાળકોને નાનપણથી સત્ય શીખવવાથી ફાયદો થાય છે.

આજે પણ યહોવાહની ભક્તિ કરતા માબાપ તેઓનાં બાળકોમાં નાનપણથી સત્યનું બી વાવવું જરૂરી સમજે છે. (પુન. ૬:૬-૯) આવું જ રૂબી નામની બહેને કર્યું. તેણે પોતાના પ્રથમ બાળક જોસફને નાનપણથી સત્ય વિષે શીખવ્યું. જોસફના જન્મના થોડા દિવસ પછી રૂબી તેને દરરોજ બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકમાંથી વાંચી સંભળાવતી હતી. તે મોટો થતો ગયો તેમ રૂબીએ તેને બાઇબલની અનેક કલમો મોઢે રાખતા શીખવ્યું. આવી તાલીમથી શું જોસફને કંઈ લાભ થયો? હા, તે બોલતા શીખ્યો ત્યારે બાઇબલની ઘણી વાર્તાઓ પોતાના શબ્દોમાં કહી શકતો હતો. તે પાંચ વર્ષનો હતો ત્યારે પહેલી વાર તેણે દેવશાહી સેવા શાળામાં ટૉક આપી.

૯. શા માટે બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું જરૂરી છે?

બાળકો, સત્યમાં પ્રગતિ કરવા તમારે રોજ બાઇબલ વાંચવું જોઈએ. જો તમે નાનપણથી આમ કરશો તો, યુવાનીમાં અને એ પછીનાં વર્ષોમાં પણ તમને એનાથી મદદ મળતી રહેશે. (ગીત. ૭૧:૧૭) બાઇબલ વાંચનથી તમને સત્યમાં પ્રગતિ કરવા મદદ મળશે. એ વિષે ઈસુએ પ્રાર્થનામાં જણાવ્યું: ‘અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા ઈશ્વરને ઓળખે.’ (યોહા. ૧૭:૩) તમે યહોવાહ વિષે શીખશો તેમ વધારે સારી રીતે તેમને ઓળખશો અને તેમના માટેનો પ્રેમ વધશે. (હેબ્રી ૧૧:૨૭) તેથી તમે બાઇબલ વાંચો ત્યારે એમાંથી યહોવાહ વિષે કંઈ શીખવાનો પ્રયત્ન કરો. એ માટે આ સવાલો પર વિચાર કરી શકો: ‘આ કલમો મને યહોવાહ વિષે શું શીખવે છે? આ કલમોમાં હું કઈ રીતે યહોવાહનો મારા માટે પ્રેમ જોઈ શકું છું?’ આમ કલમો પર મનન કરવાથી તમે યહોવાહના વિચારો અને લાગણીઓ વિષે શીખી શકશો. તેમ જ, યહોવાહ તમારી પાસે શું ઇચ્છે છે એ જાણી શકશો. (નીતિવચનો ૨:૧-૫ વાંચો.) યુવાન તીમોથીની જેમ તમને પણ શાસ્ત્રમાંથી જે શીખ્યા એની “ખાતરી” થશે. એ ઉપરાંત યહોવાહની દિલથી ભક્તિ કરવા ઉત્તેજન મળશે.—૨ તીમો. ૩:૧૪.

પ્રાર્થના કરવાથી યહોવાહ માટે પ્રેમ વધે છે

૧૦, ૧૧. યહોવાહનું કહ્યું કરવાની તમારી ધગશ વધારવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?

૧૦ બીજી રીત છે કે દિલથી પ્રાર્થના કરીએ. એનાથી યહોવાહની ભક્તિમાં આપણો ઉત્સાહ વધે છે. ગીતશાસ્ત્ર ૬૫:૨ કહે છે: “હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.” ઈસ્રાએલીઓ યહોવાહની પસંદ કરાએલી પ્રજા હતી ત્યારે પરદેશીઓ પણ યહોવાહના મંદિરમાં આવીને તેમને પ્રાર્થના કરી શકતા. (૧ રાજા. ૮:૪૧, ૪૨) યહોવાહ ભેદભાવ રાખતા નથી. તેથી, તેમની આજ્ઞા પાળનારાઓને પૂરી ખાતરી છે કે યહોવાહ તેઓનું સાંભળશે. (નીતિ. ૧૫:૮) એટલે બાળકો અને યુવાનો પણ યહોવાહની ભક્તિ કરી શકે છે, કેમ કે “સર્વ લોક”માં તેઓનો પણ સમાવેશ થાય છે.

૧૧ સારી મિત્રતા કેળવવા વાતચીત કરવી ખૂબ જરૂરી છે. જેમ તમને તમારા વિચારો, ચિંતાઓ અને લાગણીઓ ગાઢ મિત્રોને જણાવવું ગમે છે તેમ પ્રાર્થના દ્વારા યહોવાહ સાથે વાત કરો. (ફિલિ. ૪:૬, ૭) વધુમાં તમે માતા-પિતા કે મિત્રો સામે દિલ ઠાલવો છો, એ જ રીતે યહોવાહ આગળ પણ કરો. તમને યહોવાહ માટે કેટલો પ્રેમ છે એ તમારી પ્રાર્થનામાં જોવા મળશે. તમે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધશો તેમ, પ્રાર્થનામાં વધારે વિચારો વ્યક્ત કરી શકશો.

૧૨. (ક) પ્રાર્થનામાં બીજું શું મહત્ત્વનું છે? (ખ) યહોવાહ ‘તમારી પાસે’ છે એ તમે કઈ રીતે જાણી શકો?

૧૨ હંમેશા યાદ રાખીએ કે પ્રાર્થનામાં શબ્દો જ નહિ, લાગણીઓ વ્યક્ત કરવી પણ મહત્ત્વની છે. પ્રાર્થનામાં યહોવાહને જણાવો કે તમને તેમના માટે કેટલો પ્રેમ, આદર અને ભરોસો છે. યહોવાહ તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે એ અનુભવશો તેમ, તમને ખાતરી થશે કે ‘યહોવાહને વિનંતી કરે છે, તેઓ સર્વની પાસે તે છે.’ (ગીત. ૧૪૫:૧૮) હા, યહોવાહ ‘તમારી પાસે પણ આવશે.’ તે તમને જીવનમાં સારા નિર્ણય લેવા મદદ કરશે. શેતાનનો વિરોધ કરવા પણ હિંમત આપશે.—યાકૂબ ૪:૭, ૮ વાંચો.

૧૩. (ક) ઈશ્વર સાથે ગાઢ સંબંધ હોવાથી શૈરીને કેવી મદદ મળી? (ખ) યહોવાહ સાથે ગાઢ સંબંધ હોવાથી તમે કઈ રીતે મિત્રોના દબાણનો સામનો કરી શક્યા છો?

૧૩ ચાલો શૈરી નામની યુવતીનો અનુભવ જોઈએ. તેણે સ્કૂલમાં ભણવામાં અને રમત-ગમતમાં ઘણાં ઇનામો જીત્યા હતા. સ્કૂલનું ભણતર પૂરું થયા પછી તેને યુનિવર્સિટીમાં જવા સ્કૉલરશિપ મળતી હતી. શૈરી કહે છે, ‘આ તક ખૂબ સારી લાગતી હતી. મારા શિક્ષકો અને મિત્રો આ તક ઝડપી લેવા બહુ દબાણ કરતા હતા.’ શૈરીને થયું કે એ તક સ્વીકારવાથી મોટાભાગનો સમય રમત-ગમતની તાલીમ લેવામાં વેડફાઈ જશે. પછી યહોવાહની ભક્તિ માટે સમય જ નહિ રહે. શૈરીએ શું કર્યું? યહોવાહ સાથે ગાઢ સંબંધ હોવાથી તેને સારા નિર્ણય લેવા ઘણી હિંમત મળી. તે કહે છે: ‘યહોવાહને પ્રાર્થના કર્યા પછી મેં સ્કૉલરશિપ સ્વીકારવાને બદલે રેગ્યુલર પાયોનિયરીંગ કરવાનો નિર્ણય લીધો.’ શૈરી છેલ્લા પાંચ વર્ષથી પાયોનિયરીંગ કરી રહી છે. હવે તે કહે છે, ‘મેં જે નિર્ણય લીધો એનો મને જરાય અફસોસ નથી. મારા નિર્ણયથી યહોવાહ ખુશ થાય છે એ જાણીને મને પણ ખુશી મળે છે. જો તમે યહોવાહના રાજ્યને પ્રથમ રાખો તો, તે જરૂર તમારી સંભાળ રાખશે.’—માથ. ૬:૩૩.

સારું વર્તન બતાવશે કે તમે ‘શુદ્ધ હૃદયના’ છો

૧૪. સારું વર્તન રાખવું શા માટે મહત્ત્વનું છે?

૧૪ ત્રીજી રીત છે કે સારા વાણી-વર્તન રાખવા. સારાં સંસ્કાર અને વર્તન જાળવી રાખે છે, એવા યુવાનોને યહોવાહ આશીર્વાદ આપે છે. (ગીતશાસ્ત્ર ૨૪:૩-૫ વાંચો.) પ્રાચીન સમયના શમૂએલનો વિચાર કરો. પ્રમુખ યાજક એલીના દીકરાઓ અનૈતિક કામો કરતા હતા. પણ શમૂએલે તેઓની જેમ કર્યું નહિ. શમૂએલના સારાં વાણી-વર્તન યહોવાહની ધ્યાન બહાર ગયા નહિ. એટલે જ બાઇબલ જણાવે છે: “બાળક શમૂએલ મોટો થતો ગયો, ને યહોવાહની તેમ જ માણસોની કૃપા તેના પર હતી.”—૧ શમૂ. ૨:૨૬.

૧૫. સારાં વાણી-વર્તન રાખવાનાં અમુક કારણો શું છે?

૧૫ પાઊલે જણાવ્યું હતું તેમ આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં લોકો સ્વાર્થી, ક્રૂર, ઘમંડી અને ગર્વિષ્ઠ છે. માબાપનું માન રાખતા નથી. કોઈની કદર કરતા નથી. કોઈને વફાદાર રહેતા નથી. પૈસાને જ પરમેશ્વર ગણે છે. (૨ તીમો. ૩:૧-૫) આવા દુષ્ટ લોકો મધ્યે સારાં વાણી-વર્તન જાળવી રાખવા સહેલું નથી. પણ જ્યારે તમે સારું વર્તન જાળવી રાખીને ખરાબ બાબતોનો નકાર કરો છો ત્યારે, તમે યહોવાહનો પક્ષ લો છો. તેમના રાજમાં જ આપણું ભલું છે એમ બતાવી આપો છો. (અયૂ. ૨:૩, ૪) એ ઉપરાંત, યહોવાહની આ અરજ પ્રમાણે કરતા હોવાથી તમને સંતોષ મળે છે: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” (નીતિ. ૨૭:૧૧) યહોવાહના આશીર્વાદ તમારા પર છે એ જાણીને પણ તેમની ભક્તિ કરવાની તમારી ધગશ વધે છે.

૧૬. કઈ રીતે એક બહેને યહોવાહનું નામ રોશન કર્યું?

૧૬ કેરોલ બહેનનો અનુભવ જોઈએ. તે સ્કૂલમાં ભણતા હતા ત્યારે બાઇબલ સિદ્ધાંતોને વળગી રહીને કોઈ પણ તહેવારો કે દેશભક્તિની વિધિઓમાં ભાગ લેતા ન હતા. એ કારણે સાથે ભણતા વિદ્યાર્થીઓ તેમની મજાક ઉડાવતા. એવા સંજોગોમાં તેમને અમુક વાર પોતાની માન્યતા બીજાઓને જણાવવાની તક મળતી. તેમનું સારું વર્તન ધ્યાન બહાર ન ગયું. ઘણાં વર્ષો પછી કેરોલને એક પત્ર મળ્યો. સ્કૂલમાં તેમની સાથે ભણતી એક છોકરીએ એ લખ્યો હતો: ‘ઘણાં વર્ષોથી મારે તમને મળવું હતું અને આભાર માનવો હતો. તમે તહેવારોમાં હિંમતથી ભાગ ન લીધો અને સારાં વાણી-વર્તન રાખ્યા હતા. એનાથી મને બહુ ઉત્તેજન મળ્યું હતું. હું ક્યારેય યહોવાહના સાક્ષીઓને મળી ન હતી, તમે જ પ્રથમ હતા.’ કેરોલના દાખલાની એ છોકરી પર એટલી સારી અસર પડી કે થોડા સમય બાદ તે બાઇબલમાંથી શીખવા લાગી. તેણે કેરોલને પત્રમાં લખ્યું હતું કે તે છેલ્લાં ૪૦ વર્ષથી યહોવાહની સાક્ષી છે. યુવાનો, તમે પણ કેરોલની જેમ બાઇબલ સિદ્ધાંતોને વળગી રહો. તમારા દાખલાથી કદાચ નમ્ર દિલના લોકો યહોવાહ વિષે શીખવા પ્રેરાય.

યહોવાહના ગુણગાન ગાતા યુવાનો

૧૭, ૧૮. (ક) તમને મંડળના યુવાનો વિષે કેવું લાગે છે? (ખ) વિશ્વાસુ યુવાનો માટે કેવું ભાવિ રહેલું છે?

૧૭ આજે દુનિયાભરમાં હજારો ઉત્સાહી યુવાનો યહોવાહની ભક્તિ કરે છે. એ જોઈને આપણને સર્વને કેટલી ખુશી થાય છે! આ યુવાનો દરરોજ બાઇબલ વાંચે છે. દિલથી પ્રાર્થના કરે છે. તેમ જ, સારાં વાણી-વર્તન રાખે છે. આમ કરવાથી યહોવાહની ભક્તિમાં તેઓની ધગશ વધતી જાય છે. આવા યુવાનોથી તેઓના માબાપ અને યહોવાહના સર્વ ભક્તોને ઘણી ખુશી મળે છે.—નીતિ. ૨૩:૨૪, ૨૫.

૧૮ આ વિશ્વાસુ યુવાનો ભાવિમાં દુનિયાના અંતમાંથી બચીને નવી દુનિયામાં જશે. (પ્રકટી. ૭:૯, ૧૪) ત્યાં તેઓને પુષ્કળ આશીર્વાદ મળશે. યહોવાહના પ્રેમમાં વધતા જશે અને હંમેશા તેમના ગુણગાન ગાતા રહેશે.—ગીત. ૧૪૮:૧૨, ૧૩. (w10-E 04/15)

શું તમે સમજાવી શકો?

• આજે યુવાનો કઈ રીતે યહોવાહની ભક્તિ કરે છે?

• બાઇબલ વાંચનમાંથી લાભ મેળવવા મનન કરવું કેમ જરૂરી છે?

• યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવા પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે?

• સારાં વાણી-વર્તન જાળવી રાખવાથી શું લાભ થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

શું તમને દરરોજ બાઇબલ વાંચવાની ટેવ છે?