સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વ્યર્થ બાબતોથી તમારી આંખ ફેરવો

વ્યર્થ બાબતોથી તમારી આંખ ફેરવો

વ્યર્થ બાબતોથી તમારી આંખ ફેરવો

‘વ્યર્થ બાબતોથી મારી દૃષ્ટિ ફેરવ. તારા માર્ગ વિષે મને આતુર કર.’—ગીત. ૧૧૯:૩૭.

૧. આપણી આંખ કેટલી મહત્ત્વની છે?

 આંખ શરીરનો દીવો છે. એના દ્વારા આપણે કોઈ પણ વસ્તુની ઊંચાઈ-લંબાઈ અને રંગ પારખી શકીએ છીએ. વહાલા મિત્રોને જોઈને ખુશ થઈ શકીએ છીએ અને ખતરો જોઈને દૂર રહી શકીએ છીએ. કુદરતમાં ઈશ્વરની કરામત જોઈ શકીએ છીએ. (ગીત. ૮:૩, ૪; ૧૯:૧, ૨; ૧૦૪:૨૪; રૂમી ૧:૨૦) સૌથી મહત્ત્વનું તો આંખ દ્વારા મગજને માહિતી મળે છે. એ માહિતી દ્વારા યહોવાહ વિષેનું આપણું જ્ઞાન વધે છે. એ જ્ઞાનથી તેમનામાં આપણો વિશ્વાસ વધે છે.—યહો. ૧:૮; ગીત. ૧:૨, ૩.

૨. આપણે જે જોઈએ એના પર કેમ ધ્યાન રાખવું જોઈએ? એક ઈશ્વરભક્તે જે આજીજી કરી એમાંથી આપણે શું શીખી શકીએ?

જોકે, આપણે જે જોઈએ છીએ એનાથી નુકસાન પણ થઈ શકે છે. આપણે જે જોઈએ છીએ એની અસર તરત જ આપણા દિલો-દિમાગ પર પડે છે. એનાથી આપણામાં એ બાબત માટે લાગણી અને ઇચ્છા જાગશે અથવા વધશે. તેથી આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આ જગતના માલિક શેતાને ચારે બાજુ દુષ્ટતા ફેલાવી છે. તેણે લોકોનો સ્વાર્થ સંતોષવા ગંદા વિચારો અને ચલચિત્રો બધે વહેતા મૂકી દીધા છે. એટલે જો એવી બાબતો પર એક નજર પણ કરીએ તો, કદાચ યહોવાહના માર્ગથી દૂર થઈ શકીએ. (૧ યોહા. ૫:૧૯) એક ઈશ્વરભક્તે યહોવાહને આજીજી કરી: ‘વ્યર્થ બાબતોથી મારી દૃષ્ટિ ફેરવ. તારા માર્ગ વિષે મને આતુર કર.’—ગીત. ૧૧૯:૩૭.

આંખો ગેરમાર્ગે દોરી શકે છે

૩-૫. બાઇબલના કયા અહેવાલો બતાવે છે કે આંખો આપણને ખોટે માર્ગે દોરી શકે છે?

ચાલો સૌથી પહેલી સ્ત્રી હવાનો વિચાર કરીએ. શેતાને તેને કહ્યું કે જો તું “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું” ફળ ખાશે તો, તારી ‘આંખો ઊઘડી જશે.’ હવાના મનમાં પોતાની આંખો ‘ઉઘાડવાની’ ઇચ્છા જાગી. તેણે મના કરેલું ફળ જોયા કર્યું. તેને “તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારૂં, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ” લાગ્યું. હવાએ ફળને જોયા કર્યું અને આખરે તેણે યહોવાહની આજ્ઞા તોડી અને ફળ ખાધું. તેના પતિ આદમે પણ એમ જ કર્યું. તેઓના લીધે આખી માણસજાત કપરાં સંજોગોમાં આવી પડી.—ઉત. ૨:૧૭; ૩:૨-૬; રૂમી ૫:૧૨; યાકૂ. ૧:૧૪, ૧૫.

નુહના સમયમાં અમુક દૂતોએ જે જોયું એનાથી તેઓના મનમાં ઇચ્છા જાગી. તેઓ વિષે ઉત્પત્તિ ૬:૨ આમ જણાવે છે: “દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે; અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.” સ્ત્રીઓને ખોટી નજરે જોવાથી તેઓમાં વાસના જાગી. તેઓ યહોવાહની વિરુદ્ધ ગયા અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યો. તેઓને જે બાળકો થયા એ ખૂબ જ હિંસક હતા. એ વખતે દુષ્ટતા એટલી વધી ગઈ કે યહોવાહે સર્વ માણસોનો નાશ કરવો પડ્યો, ફક્ત નુહ અને તેમના કુટુંબને જ બચાવ્યા.—ઉત. ૬:૪-૭, ૧૧, ૧૨.

આખાનનો દાખલો લઈએ. ઈસ્રાએલીઓએ યરીખો શહેર જીતી લીધું હતું ત્યારે, આખાને અમુક વસ્તુઓ જોઈને ચોરી લીધી. યહોવાહે ઈસ્રાએલીઓને હુકમ આપ્યો હતો કે યરીખો શહેરની દરેક વસ્તુઓનો નાશ કરવો. ફક્ત અમુક વસ્તુઓને જ યહોવાહના ભંડારમાં લાવવાની હતી. ઈસ્રાએલીઓને ચેતવવામાં આવ્યા હતા: ‘શાપિત વસ્તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તમને એ શાપિત વસ્તુ લેવાની’ ઇચ્છા જાગે અને એ લઈ લો. આખાને યહોવાહની આજ્ઞા તોડી ત્યારે ઈસ્રાએલીઓ આય શહેરના લોકોથી હારી ગયા અને કેટલાક માર્યા ગયા. આખાને પોતાનું પાપ કબૂલ કર્યું નહિ. પણ પછીથી તે પકડાયો ત્યારે તેણે કહ્યું: એ વસ્તુઓ ‘જોઈને તેનો મને લોભ લાગ્યો, ને મેં તે લીધી.’ આંખોની લાલસાને લીધે આખાને પોતાનો જીવ અને “સર્વસ્વ” ગુમાવ્યું. (યહો. ૬:૧૮, ૧૯; ૭:૧-૨૬) યહોવાહે મના કરેલી બાબતો મેળવવાની આખાને ઇચ્છા રાખી.

નજર પર કાબૂ રાખીએ

૬, ૭. શેતાનની કઈ “યુક્તિ” સૌથી જોખમી છે? આજે કંપનીઓ કઈ રીતે એ ખાસ યુક્તિને અજમાવે છે?

હવા, દુષ્ટ દૂતો અને આખાનના કિસ્સામાં બન્યું તેમ, આજે પણ દરેક મનુષ્યો પર લાલચો આવે છે. શેતાન મનુષ્યોને ગેરમાર્ગે દોરવા ઘણી “યુક્તિઓ” રચે છે. એમાંથી એક છે, “આંખોની લાલસા.” આ યુક્તિ સૌથી જોખમી છે. (૨ કોરીં. ૨:૧૧; ૧ યોહા. ૨:૧૬) જાહેરાતો બનાવતા લોકો જાણે છે કે વ્યક્તિ જે જુએ એની અસર તેના જીવન પર પડે છે. યુરોપમાં માર્કેટિંગ ઍક્સપર્ટ કહે છે, ‘આપણી નજર આપણને કંઈ પણ કરવા પ્રેરી શકે. ભલે આપણને ખબર છે કે કોઈ નિર્ણય બરાબર નથી, પણ આપણું દિલ એમ કરવા ખેંચી જાય છે.’

આ કારણથી કંપનીઓ આપણું ધ્યાન ખેંચવા ભવ્ય જાહેરાતો બનાવે છે. ચારેબાજુ તેઓની જાહેરાતો જોવા મળે. તેઓની જાહેરાતોથી આપણે એ કંપનીની ચીજો ખરીદવા કે સેવા વાપરવા લલચાઈએ છીએ. જાહેરાતો કઈ રીતે વ્યક્તિને અસર કરે છે એ વિષે અમેરિકાના એક ડૉક્ટરે અભ્યાસ કર્યો. તેમણે કહ્યું: ‘જાહેરાતો ફક્ત માહિતી જણાવવા ખાતર જ નથી. પણ એ રીતે રચી છે કે આપણી લાગણીઓને અસર કરે અને આપણને કંઈક કરવા પ્રેરે.’ આજે ઘણી કંપનીઓ વધારે ચીજો વેચવા એવી જાહેરાતો બનાવે છે, જે વ્યક્તિની જાતીય લાગણીઓને ઉશ્કેરે. તેથી આંખને કાબૂમાં રાખવી ખૂબ જરૂરી છે. તેમ જ, ધ્યાન રાખીએ કે કેવી બાબતોને આપણા દિલમાં ઉતારીએ છીએ.

૮. નજર પર કાબૂ રાખવા વિષે બાઇબલ શું જણાવે છે?

યહોવાહના ભક્તો હોવા છતાં, આપણે પણ આંખોની લાલસા કે લાગણીઓથી લલચાઈ શકીએ. તેથી બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે જે કંઈ જોઈએ અને ઇચ્છીએ એના પર કાબૂ રાખવો જોઈએ. (૧ કોરીં. ૯:૨૫, ૨૭; ૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.) ઈશ્વરભક્ત અયૂબ સમજતા હતા કે કોઈ પણ બાબત જોયા કરવાથી ખોટી ઇચ્છા જાગી શકે છે. એટલે જે તેમણે કહ્યું હતું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?” (અયૂ. ૩૧:૧) અયૂબે નક્કી કર્યું હતું કે કોઈ પણ સ્ત્રીને અયોગ્ય રીતે અડકશે જ નહિ. તેમ જ, એવા ખોટા વિચારોને મનમાં પણ આવવા નહિ દે. ઈસુએ પણ ભાર મૂક્યો કે આપણે મનમાં અનૈતિક વિચારો ન લાવવા જોઈએ. તેમણે કહ્યું: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માથ. ૫:૨૮.

નકામી બાબતોથી દૂર રહીએ

૯. (ક) ઇંટરનેટ વાપરીએ ત્યારે કેમ ખાસ ધ્યાન રાખવું જોઈએ? (ખ) થોડી વાર પણ પોર્નોગ્રાફી જોવાથી શું થાય છે?

આજની દુનિયામાં ઇન્ટરનેટ પર અશ્લીલ ચિત્રો કે પોર્નોગ્રાફી જોયા કરવી સાવ સામાન્ય થતું જાય છે. આપણે એવી સાઈટમાં ન જઈએ તોપણ એ આપણી સામે આવી જાય છે. કઈ રીતે? કૉમ્પ્યુટર વાપરતા હોઈએ ત્યારે એવા અશ્લીલ ચિત્રો અચાનક સ્ક્રિન પર આવી જાય છે. અથવા તમે ધાર્યું ન હોય એવા ઈમેઈલમાં અચાનક અશ્લીલ ચિત્રો ખુલી જાય. એ ઈમેઈલ એવી રીતે બનાવ્યા હોય કે એને બંધ કરવું મુશ્કેલ હોય છે. એવા ચિત્રોને તરત જ ડિલિટ કરતી વખતે જો એક નજર પણ પડે તો, એ મગજમાં છપાઈ જાય છે. વ્યક્તિ થોડી વાર પણ પોર્નોગ્રાફી જુએ તો, એની તેના પર ખરાબ અસર પડે છે. એનાથી વ્યક્તિનું દિલ ડંખ્યા કરે. એવા અશ્લીલ ચિત્રોને મનમાંથી કાઢવું ખૂબ અઘરું બને છે. પણ જો વ્યક્તિ જાણીજોઈને અશ્લીલ બાબતો પર ‘નજર નાખ્યા કરે’ તો, તેણે દિલમાંથી એવી ભૂંડી ઇચ્છાઓ જડમૂળથી કાઢી નાખવી જોઈએ.—એફેસી ૫:૩, ૪, ૧૨ વાંચો; કોલો. ૩:૫, ૬.

૧૦. ખાસ કરીને બાળકો શા માટે પોર્નોગ્રાફીમાં ફસાઈ શકે? એની તેઓ પર કેવી અસર પડી શકે?

૧૦ બાળકો બધું જાણવા ઉત્સુક હોય છે. એટલે તેઓ પોર્નોગ્રાફીમાં સહેલાઈથી ફસાઈ શકે છે. જો એમ બને તો, એની તેઓ પર ઘણી ખરાબ અસર પડી શકે. એક રિપૉર્ટ જણાવે છે કે પોર્નોગ્રાફી જોવાથી બાળકનું જાતીયતા વિષેનું વલણ બદલાઈ શકે. ‘તેઓને સારા અને પ્રેમાળ સંબંધ જાળવવામાં મુશ્કેલી પડશે. તેઓ સ્ત્રીઓને ખોટી નજરે જ જોશે. પોર્નોગ્રાફી જોવાના બંધાણી બની જશે, જેની અસર તેઓના ભણતર પર પડશે. મિત્રો અને કુટુંબીજનો સાથે સારા સંબંધ જાળવવા તેઓ માટે અઘરું બનશે.’ અરે, સમય જતાં તેઓના લગ્‍નજીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે.

૧૧. દાખલા આપીને જણાવો કે પોર્નોગ્રાફી જોવામાં શું જોખમ રહેલું છે?

૧૧ એક ભાઈએ સત્ય સ્વીકાર્યું એ પહેલાંનો પોતાનો અનુભવ જણાવતા કહે છે: ‘મને ઘણાં વ્યસન હતાં. એમાંથી પોર્નોગ્રાફીની લતને છોડવી મને સૌથી અઘરું લાગ્યું. હજી પણ જ્યારે મને કોઈ ચોક્કસ સુગંધ આવે, અમુક સંગીત સાંભળું કે કોઈ બાબત જોઉં કે એમ જ કંઈ વિચાર કરતો હોવ, ત્યારે એ ચિત્રો મનમાં આવી જાય છે. મારે દરરોજ અને સતત એવા વિચારો વિરુદ્ધ લડવું પડે છે.’ બીજા એક ભાઈ પોતાના બાળપણનો અનુભવ જણાવતા કહે છે: ‘મારા પિતા સત્યમાં ન હતા. ઘરે કોઈ ન હોય ત્યારે હું મારા પિતાની અશ્લીલ મૅગેઝિન જોતો હતો. એ ચિત્રોની મારા પર ખૂબ ખરાબ અસર પડી. આજે પચ્ચીસ વર્ષ પછી પણ હું એ ચિત્રોને ભૂલી શક્યો નથી. હું એને મારા મગજમાંથી કાઢવા ગમે તેટલી કોશિશ કરું, એ નીકળતા જ નથી. એટલે ઘણી વાર મારું દિલ ડંખતું હોય છે.’ એવી અપરાધની લાગણી આપણામાં ન આવે માટે અશ્લીલ બાબતોથી દૂર રહીએ. કેવી રીતે? ‘દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવવા’ પૂરો પ્રયત્ન કરીએ.—૨ કોરીં. ૧૦:૫.

૧૨, ૧૩. આપણે કેવા મનોરંજનથી દૂર રહેવું જોઈએ? શા માટે?

૧૨ ભૌતિકવાદ, જાદુમંતર, હિંસા કે મારફાડથી ભરેલું મનોરંજન પણ “અધમ વસ્તુ” કે નકામી બાબત છે. (ગીતશાસ્ત્ર ૧૦૧:૩ વાંચો.) યહોવાહે બાળકોની સંભાળ રાખવાની જવાબદારી માતા-પિતાને સોંપી છે. એટલે માબાપે ધ્યાન રાખવું જોઈએ કે બાળકો કેવા પ્રોગ્રામ જોશે. ખરું કે યહોવાહના ભક્તો જાણીજોઈને જંતરમંતરમાં નહીં જોડાય. તેમ છતાં, મા-બાપે ધ્યાન રાખવું જોઈએ કે એવી બાબતો કોઈ ફિલ્મ, ટીવી સીરીયલ, વિડીયો ગેમ કે પછી બાળકોનાં પુસ્તકોમાં ન આવી જાય.—નીતિ. ૨૨:૫.

૧૩ નાના હોઈએ કે મોટા, આપણે કદી પણ હિંસા અને મારફાડથી ભરેલી વિડીયો ગેમ નહિ રમીએ. (ગીતશાસ્ત્ર ૧૧:૫ વાંચો.) યહોવાહ ધિક્કારે છે એવી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ. યાદ રાખીએ કે શેતાન હંમેશા આપણા વિચારોને ભ્રષ્ટ કરવા કોશિશ કરે છે. (૨ કોરીં. ૧૧:૩) અરે યોગ્ય મનોરંજનમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. જો એમાં વધારે સમય કાઢીશું તો, કુટુંબ તરીકે ભક્તિ કરવા, દરરોજ બાઇબલ વાંચન અને મિટિંગની તૈયારી માટે સમય નહિ રહે.—ફિલિ. ૧:૯, ૧૦.

ઈસુના દાખલાને અનુસરીએ

૧૪, ૧૫. ઈસુનું ત્રીજી વાર શેતાને કઈ રીતે પરીક્ષણ કર્યું? ઈસુ કઈ રીતે એનો સામનો કરી શક્યા?

૧૪ દુઃખની વાત છે કે આ દુષ્ટ દુનિયામાં આપણી નજર સામે નકામી બાબતો કોઈને કોઈ રીતે આવે છે. અરે, ઈસુ સાથે પણ આવું થયું હતું. ઈસુનું ત્રીજી વાર પરિક્ષણ કર્યું ત્યારે ‘શેતાન તેમને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ ગયો, ને જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા તેમને દેખાડ્યાં.’ (માથ. ૪:૮) શેતાને શા માટે આમ કર્યું? તે જાણતો હતો કે કોઈ વસ્તુ જોવાથી વ્યક્તિ પર ઊંડી અસર પડે છે. તેને થયું કે જો ઈસુ આ જગતના રાજ્યોને જોશે તો, કદાચ એ મેળવવાની તેમનામાં ઇચ્છા જાગશે. પણ ઈસુએ શું કર્યું?

૧૫ ઈસુએ લાલચ પર જરાય ધ્યાન આપ્યું નહિ. તેમણે ખોટા વિચારોને દિલમાં આવવા દીધા નહિ. શેતાને મૂકેલી લાલચ વિષે તેમણે વિચાર ન કર્યો અને તરત જ એનો નકાર કરતા કહ્યું: “અરે શેતાન, આઘો જા.” (માથ. ૪:૧૦) યહોવાહ સાથેનો સંબંધ જાળવી રાખવા પર જ ઈસુએ ધ્યાન આપ્યું. પોતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા આવ્યા છે, એ ધ્યાનમાં રાખીને તેમણે પગલાં ભર્યાં. (હેબ્રી ૧૦:૭) આમ, શેતાનની લાલચનો ઈસુએ સાફ નકાર કર્યો.

૧૬. શેતાનની લાલચોનો સામનો કરવા આપણને ઈસુના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૬ ઈસુ પાસેથી આપણે શું શીખી શકીએ? પહેલું, શેતાન દરેક વ્યક્તિ પર લાલચો લાવે છે. (માથ. ૨૪:૨૪) બીજું, આપણે જે બાબતો જોઈએ એનાથી દિલમાં સારી કે ખરાબ ઇચ્છા જાગે છે. ત્રીજું, યહોવાહના માર્ગથી દૂર લઈ જવા શેતાન આપણને ‘આંખોની લાલસાથી’ ફસાવવા માંગે છે. (૧ પીત. ૫:૮) ચોથું, આપણે તરત જ પગલાં ભરીને શેતાનનો વિરોધ કરી શકીએ છીએ.—યાકૂ. ૪:૭; ૧ પીત. ૨:૨૧.

“નિર્મળ” આંખ રાખીએ

૧૭. શા માટે પહેલાંથી જ નક્કી કરવું જોઈએ કે નકામી બાબત ઊભી થાય ત્યારે કેવા પગલાં ભરીશું?

૧૭ આપણે યહોવાહને સમર્પણ વખતે વચન આપ્યું હતું કે દરેક નકામી અને ખરાબ વસ્તુઓથી દૂર રહીશું. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરીએ ત્યારે આપણે પણ ગીતકર્તા જેવું કહી શકીએ: “હું તારૂં વચન પાળું માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હઠાવ્યા છે.” (ગીત. ૧૧૯:૧૦૧) સમજદાર વ્યક્તિ પહેલેથી જ નક્કી કરી રાખશે કે કોઈ ખરાબ બાબત ઊભી થાય ત્યારે કેવાં પગલાં ભરશે. બાઇબલ કેવી બાબતોને ધિક્કારે છે અને શેતાન કેવી લાલચો ઊભી કરે છે એ આપણે જાણીએ છીએ. દાખલા તરીકે, ઈસુને પથ્થરમાંથી રોટલી બનાવવાની લાલચ શેતાને ક્યારે આપી? ચાળીસ રાત-દિવસના ઉપવાસ કર્યા પછી ઈસુ ‘ભૂખ્યા’ હતા ત્યારે. (માથ. ૪:૧-૪) આપણાં કાર્યોથી શેતાન પારખી શકે છે કે આપણે ક્યારે કમજોર છીએ. ક્યારે તેની લાલચમાં ફસાઈ શકીએ છીએ. તેથી હમણાં જ સમય છે કે આપણે આ બાબતો પર ધ્યાનથી વિચાર કરીએ. આપણે યહોવાહને જે સમર્પણ કર્યું છે એ દરરોજ યાદ રાખીશું તો, નકામી બાબતોથી દૂર રહેવા મક્કમ રહીશું.—નીતિ. ૧:૫; ૧૯:૨૦.

૧૮, ૧૯. (ક) “નિર્મળ” અને “ભૂંડી” આંખ વચ્ચે શું તફાવત છે? (ખ) યહોવાહની નજરે જે સારું છે એના પર ધ્યાન આપવું કેમ જરૂરી છે? ફિલિપી ૪:૮ શું સલાહ આપે છે?

૧૮ દરરોજ આપણી નજર સમક્ષ અલગ અલગ લાલચો આવે છે. એ દિવસે દિવસે વધી રહી છે. એટલે આપણે ઈસુની સલાહને ધ્યાન આપીએ એ ખૂબ મહત્ત્વનું છે. તેમણે આંખ “નિર્મળ” રાખવાની સલાહ આપી હતી. (માથ. ૬:૨૨, ૨૩) “નિર્મળ” આંખ, ફક્ત ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપે છે. પણ “ભૂંડી” આંખ, લોભ અને દરેક ખરાબ બાબતો પર ધ્યાન આપશે.

૧૯ આપણે હંમેશા યાદ રાખીએ કે જે જોઈએ છીએ એ મગજમાં જાય છે અને મગજમાંથી દિલમાં ઊતરે છે. તેથી યહોવાહની નજરે જે સારું છે એના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. (ફિલિપી ૪:૮ વાંચો.) ગીતકર્તાની જેમ ચાલો આપણે પણ પ્રાર્થના કરતા રહીએ: ‘વ્યર્થ બાબતોથી મારી દૃષ્ટિ ફેરવ.’ જો આપણે આ પ્રાર્થના પ્રમાણે જીવવા બનતું બધું કરીશું તો, ચોક્કસ યહોવાહ આપણને તેમના ‘માર્ગમાં’ ચાલવા રક્ષણ આપશે.—ગીત. ૧૧૯:૩૭; હેબ્રી ૧૦:૩૬. (w10-E 04/15)

શું તમને યાદ છે?

• આંખ, મગજ અને હૃદય વચ્ચે શું સંબંધ છે?

• પોર્નોગ્રાફી જોવામાં શું જોખમ છે?

• આંખ “નિર્મળ” રાખવી કેમ મહત્ત્વની છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

આપણે કેવી નકામી બાબતો ન જોવી જોઈએ?